વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ફેબ્રુવારી 2, 2018

1149- જીવનમાં કામ નહિ, પ્રેમ જોઈએ….. સ્વ.અવંતિકા ગુણવંત .. શ્રધાંજલિ વાર્તા -મણકો..૩

સ્વ.અવંતિકા ગુણવંતની મુંબઈ સમાચારની વાચક પ્રિય કોલમ ”આંગણની તુલસી ”માં પ્રગટ એમની એક બીજી વાર્તા”જીવનમાં કામ નહિ, પ્રેમ જોઈએ.” આ શનિવારની શ્રધાંજલિની પોસ્ટમાં મૂકી છે એ તમને એમની બીજી વાર્તાઓની જેમ જરૂર ગમશે.સ્વ.અવંતિકાબેનની વાર્તાઓમાં જીવનની કોઈને કોઈ બાજુને સ્પર્શીને સમાજ માટે એમાં સંદેશ જોવા મળે છે.   

–વિનોદ પટેલ

(સ્વ.અવંતીકા ગુણવંત  …શ્રધાંજલિ … વાર્તા …. મણકો-૩ )

જીવનમાં કામ નહિ, પ્રેમ જોઈએ…..

સ્વ.અવંતિકા ગુણવંત 

હું અમેરિકા હતી તે સમયની આ વાત છે મારા વિસ્તારમાં રહેતાં ગાર્ગી અને અક્ષય મૂળે તો ભારતીય પણ છેલ્લાં દસેક વરસથી અમેરિકા વસેલાં. અમેરિકાનું નાગરિકત્વ સ્વીકારેલું. તેમની જીવનશૈલી પણ અમેરિકન જીવનશૈલી જેવી થઈ ગયેલી.

રોજ સવારે લંચબોક્સમાં એકાદ બે વાનગી લઈને બેઉ પતિપત્ની પોતપોતાની કાર લઈને જોબ કરવા ઊપડી જાય. અક્ષયની ઓફિસ ગાર્ગીની ઓફિસ કરતાં ઘરની વધારે નજીક હતી. સાંજે અક્ષય ગાર્ગી કરતાં વહેલો ઘેર આવી જાય.

ઘેર આવીને ફ્રેશ થઈને એ ફટાફટ કૂકર મૂકી દે. સવારે તો રસોઈ કરવાનો વખત હોય નહિ એટલે મોટા ભાગના આપણા લોકો સાંજે બધી રસોઈ કરે, કચુંબર માટેય અક્ષય કંઈને કંઈ સમારી રાખે અને રસોઈમાં રોજ વિવિધતા હોય. દાળ, શાકના મસાલાય ચીવટથી કરતો. આદું, કોથમીર, લીલાં મરચાં, સીંગદાણા, કોપરું તલ વગેરેનો ભરપટ્ટે ઉપયોગ કરતો. કયારેક તજ, લવિંગ, જીરું, અજમાનો પણ ઉપયોગ કરતો. એની રસોઈ એકદમ સ્વાદિષ્ટ બનતી.

અક્ષયનો આ ઉત્સાહ, સ્ફૂર્તિ અને રસ જોઈને ગાર્ગી વિસ્મય પામી જતી. એ અક્ષયને પૂછતી, “અક્ષય,રોજેરોજ આવી વૈવિધ્યપૂર્ણ રસોઈ કરવાનું તને કેટલું ગમે છે! તારો રસ જોઈને મને નવાઈ લાગે છે અને એક પ્રશ્ર્ન થાય છે કે રોજેરોજ રસોઈ કરવાનો તને કંટાળો નથી આવતો? હું સ્ત્રી છું તોય ઓફિસથી આવીને આવી વૈવિધ્યપૂર્ણ રસોઈ કરવાનો કંટાળો આવે, અને તને તો થાકે નથી લાગતો?”

“ગાર્ગી, મારા શબ્દકોશમાં થાક અને કંટાળા જેવા શબ્દો જ નથી. હું તો જીવનમાં એક પાઠ શીખ્યો છું કે કંઈક મેળવવું હોય તો મહેનત કરો. મહેનત કર્યા વિના કંઈ મળતું નથી.”

“અક્ષય તારી વાત સાચી છે પણ આપણા ઘરમાં ખાનાર તું અને હું બેઉ છીએ, કામ પછી બેઉએ સરખે હિસ્સે કરવું જોઈએને! પરંતુ મારે કરવું જોઈતું કામે તું કરી નાખે છે, મારી બીજી ફ્રેન્ડઝ છે તેઓના વર તેમને ઘરનાં કામમાં મદદ કરે છે, પણ વહેંચાયેલું કામ એટલે કે તેમના ભાગે આવેલું હોય એટલું જ કામ તેઓ કરે છે, જયારે આપણા ઘરમાં તો તું કામની વહેંચણી કરતો જ નથી અને બધું કામ કરી રાહ જોયા વગર તું કરી નાખે છે એ પાછો મને કહી સંભળાવતો પણ નથી કે તે કેટલું બધું કામ કર્યું એની ગણતરી રાખતો નથી.

‘ગાર્ગી આપણે પતિપત્નીએ છીએ, સાથે જીવવાની પ્રતિજ્ઞા સ્વેચ્છાએ લીધી છે, તો તો પણ કોણે કેટલું કામ કર્યું એનો હિસાબ રખાય? મને સમય મળે છે, કામ કરવામાં આનંદ આવે છે તેથી કરું છું અને ડાર્લિંગ, તારા માટે કરવાનું મને ગમે છે, તું સુખસુવિધાથી રહે એ મને ગમે છે એટલે તો હું કામ કરું છું, અને તું એક વાત વિચાર, તું મોડી આવે ને રઘવાઈ બનીને રસોઈ કરે એના કરતાં મારા પાસે પૂરતો સમય હોય છે તેથી હું રસોઈ કરી નાખું છું. વળી તું ઘેર આવવા નીકળે ત્યારે રસોઈનું ટેન્શન હોય અને ડ્રાઈવિંગ ઉતાવળે કરવામાં અકસ્માત થઈ જાય એની ચિંતા – એ બધું ટાળવા હું રસોડામાં પેસું છું.”

”પણ અક્ષય, તને કયારેય એવું કેમ નથી થતું કે કામ કરવાની તારી તત્પરતાને કારણે મને ફાવતું જડે છે, અને હું નિરાંતે ઘેર આવું છું. કોઈ અમેરિકન પતિ ય વાઈફને આવી રાજાશાહી નથી ભોગવવા દેતા, જયારે તું તો મારા નાનામાં નાના સુખ માટે કેટલું કરે છે! અક્ષય, તને મારામાં કોઈ દોષ નથી દેખાતો? તું કદી મારી સાથે રીતસરનો ઝઘડતો નથી તારા અધિકારનું લિસ્ટ મને સંભળાવતો નથી.”

“ગાર્ગી હું અમેરિકન હસબન્ડ નથી કે ઘરનાં નાનાં નજીવાં કામની ગણતરી કરું. આપણે ઈન્ડિયન છીએ. દામ્પત્યના આપણા આદર્શ અમેરિકા કરતાં તદ્દન જુદા છે, આપણું દામ્પત્યજીવન કોઈ શરતો પર નથી રચાયું. આપણે તો તારું સુખ એ મારું સુખ, તારું દુખ એ મારું દુ:ખ – અન્યોન્યની પ્રેમથી કાળજી લેવાની પ્રતિજ્ઞા લીધી છે.”

“અક્ષય, સમાનતામાં માનનાર લોકો પણ તારા જેવા હેલ્ધી માઈન્ડેડ નથી હોતા. તેઓ ઘરમાં તો સ્ત્રીને એવું જ કહેતા હોય છે કે રસોઈ કરવાનું કામ તારું છે, તારે જ કરવાનું.”

“ગાર્ગી, તું આવું જનરલાઈઝેશન ન કર. મારા ઘરમાં મારી મમ્મી કાયમ માંદી જ રહેતી તો કોઈવાર કામવાળી ન આવી હોય તો મારા દાદા હાથમાં સાવરણી લઈને કચરો વાળતા અને બાથરૂમમાં ઘરનાં બધાનાં કપડાં ધોઈને નીચોવીને ડોલમાં ભરીને મૂકે અને પછી મમ્મીને કહે, જાઓ હવે કપડાં સૂકવી દો. મમ્મી ઘણો ક્ષોભ પામે પણ દાદા કહે હું તો તમને મદદ કરું છું. મારી પાસે સમય છે, શક્તિ છે પછી નવરા બેસી રહેવાનો કોઈ અર્થ ખરો? દાદાજીને ઘરનાં કામ કરતાં જોઈ મારા પપ્પાજી ય કરતા અને હું ય રસોઈ કરતો. દાદાજી તો ગીત ગાતા જાય અને કામ કરે. આમ મારા મમ્મીને કદીય કામનો બોજો વરતાયો જ નથી.”

ઘેર કોઈ મહેમાન આવવાનું હોય તો દાદાજી ઘર તો ફટાફટ ચોખ્ખું કરી દે, પણ આંગણું ય વાળી નાખે, ફૂલછોડનાં કૂંડા સરસ રીતે ગોઠવી દે, પપ્પા રસોડામાં પેસીને વાનગીઓ બનાવે, રસગુલ્લાં, જલેબી, ભજિયાં બધું ફટાફટ કરી નાખે. મારી મમ્મી ના, ના કરતી રહે અને અમે કામ પતાવતાં જઈએ.’

“દાદાજી ખરેખર આધુનિક વિચારસરણીવાળાં કહેવાય, એમના લીધે જ અક્ષય તારામાં અને પપ્પાજીમાં ઘરકામ કરવાની રુચી જાગી, સૂઝ આવી અને ઉત્સાહથી કરો છો પણ અક્ષય મારામાં તારા જેવી કામ કરવાની ઝડપ નથી. તોય તું કદી બોલતો નથી.”

“ગાંડી છે તું, મારા મનમાં તો કદી એવો તફાવત આવ્યો જ નથી. જીવનમાં કામ નહિ, પ્રેમ જોઈએ.

અવંતિકા ગુણવંત,આંગણની તુલસી ,મુંબઈ સમાચાર