વસંત ઋતુ : ડિજિટલ ઉપવાસનો સમય
વિશેષ-મુકેશ પંડ્યા
આપણાં શાસ્ત્રોમાં ચાતુર્માસમાં ફિઝિકલ ઉપવાસ એટલે કે શારીરિક ઉપવાસને ઘણુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. આ ઋતુમાં ઉપવાસ કરવાથી શરીર નીરોગી તો રહે જ છે સાથે સાથે ઇન્દ્રિયો અને મન પર કાબૂ રહે છે. આજકાલ, ટી.વી, કોમ્પ્યુટર, ઇન્ટરનેટ-ગૂગલ, ફેસબુક અને વોટ્સઅપનું ચલણ એટલું વધી ગયું છે કે ઘણા લોકોને ખાધા વગર ચાલે પણ મોબાઇલ વગર ન ચાલે એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઇ છે.
ઘણા લોકો વાત વાતમાં કહેતા પણ હોય છે કે હવે ના સમયમાં એક દિવસ ટી.વી બંધ, એક દિવસ કોમ્પ્યુટર બંધ તો એક દિવસ મોબાઇલ બંધ – આવી જાતના ઉપવાસ માટે વિચારવું જોઇએ. આવી વાતો ભલે મજાકમાં કહેવાઇ હોય, પરંતુ તમારે ગંભીરતાથી આવા ડિજિટલ ઉપવાસ કરવા હોય તો વસંત ઋતુ શ્રેષ્ઠ છે.
સવારના પહોરમાં – વોટ્સઅપ પર સગાં-સ્નેહીઓને ફૂલો કે ફૂલદસ્તાનાં ચિત્રો મોકલો છો પણ તેમાં મખમલી સ્પર્શ અને પુષ્પનો પમરાટ ક્યાં હોય છે? આવો વૈભવ માણવા તમારે આ ઋતુમાં આવતી રજાના દિવસે મોબાઇલ સ્વીચ ઓફ કરી, નજીકના બાગ-બગીચા કે જંગલની મુલાકાત લેવી જોઇએ. કારણકે આ જ ઋતુમાં તમને બ્રહ્માંડના પાંચે તત્ત્વો આકાશ, જળ, પૃથ્વી, અગ્નિ અને વાયુનો સમતોલ વિકાસ નજરે પડશે. આ ઋતુમાં વરસાદ નથી હોતો, અતિશય ગરમી કે અતિશય ઠંડી પણ નથી હોતી. એટલે જ વસંત ને ઋતુઓનો રાજા કહેવામાં આવ્યો છે. આની પહેલાં આવતી ઠંડી ઋતુમાં વૃક્ષો, વધુ પડતો બરફ હોય એવા પ્રદેશમાં તો જાણે બરફની ચાદરમાં અદૃશ્ય પણ થઇ જાય છે. પણ વસંતમાં વળી પાછો બરફ પીગળે અને વૃક્ષોને હૂંફની લાગણીનો અનુભવ થાય છે.
આપણને એમકે દક્ષિણ તરફ ભ્રમણ કરતાં સૂર્યદેવ છટકી જશે, પરંતુ આ જ સૂર્યદેવ વળી પાછા ઉત્તર તરફ પ્રયાણ કરી આપણો સંગાથ કરવા આવી પહોંચે છે. વનસ્પતિને સૂર્ય સાથે સીધો સંબંધ છે. એટલે આ ઋતુમાં મોબાઇલમાં આંખો ફેંકીને પ્રકાશ પ્રદૂષણ ભેગું કરવા કરતાં- વનસ્પતિ પ્રકાશ સંશ્ર્લેષણ કરીને નવાં પુષ્પોના પમરાટને વાતાવરણમાં ફેલાવે છે તે જોવાનો લહાવો લેવો જોઇએ- સાથે ચોખ્ખો પ્રાણવાયુ ફ્રીમાં મળે છે. એટલે જલસા જ જલસા.
અરોમા થેરેપીની તો તમને ખબર જ છે. જુદી જુદી સુગંધ માણસ પર સકારાત્મકતા અસર કરે છે. જંગલનાં ફૂલોની સુવાસ તમારા તન મનને સુગંધિત અને પ્રફુલ્લિત કરી મૂકે છે.
આયુર્વેદની દૃષ્ટિએ પણ, જેમ શિયાળામાં બરફ જામતો હોય છે – વાસણમાં ઘી અને તેલ થીજી જતાં હોય છે. તેમ શરીરમાં કફ જામી જતો હોય છે. વસંતઋતુ એ આ કફને ઓગાળી તેને મળમૂત્ર દ્વારા બહાર કાઢી નાખવાનો ઉત્તમ સમય છે.
વૈદો આ ઋતુમાં બપોરે સૂવાની મનાઇ કરે છે. તો આપણે પણ રજાના દિવસે પલંગ પર આડા પડીને મોબાઇલ દર્શન કરવા કરતાં કુટુંબની સાથે નીકળી પડીને જંગલ દર્શન કરવા અતિ ઉત્તમ છે. તમે આડા પડો ત્યારે શરીરનો કફ બહાર નીકળવાની બદલે છાતીમાં જમા થાય છે અને તમને બીમાર કરી મૂકે છે, પણ જો તમે ઊભા રહો-અથવા વનપરિભ્રમણને બહાને જંગલમાં ચાલતા રહો તો કફ તમારી છાતી પર ચઢી બેસતો નથી. આમ, આયુર્વેદમાં પણ વસંતઋતુમાં વનભ્રમણનું મહત્ત્વ દર્શાવ્યું છે.
આ ઋતુમાં આવતી હોળી અને હોળીના નિમિત્તે વપરાતાં ફૂલોના રંગ અને ફૂલોની સુગંધ જ અસલમાં તો સાચી હોળી હતી. કુદરતી ફૂલો અને વનસ્પતિના રંગો અને સુગંધ શરીર-મનમાં તાજગી ભરી દેતી હતી. આવી મજા કૃત્રિમ રંગ-રસાયણોમાં નથી.
આપણા પૂર્વજો કેટલાં બુદ્ધિશાળી હશે કે વસંત ઋતુના ચૈત્ર મહિનાની શરૂઆતને તેમણે હિંદુ નૂતન વર્ષ તરીકે જાહેર કર્યું. આપણે ભલે બહુ માનતા ન હોઇએ પણ મરાઠી ભાષીઓ હજી પણ- એને ગુડી પાડવાના રૂપમાં ઊજવે છે. આ દિવસે વાતાવરણમાં એટલા શુભ અને સકારાત્મક તરંગો વહેતા હોય છે કે કોઇ પણ કાર્ય શરૂ કરવા માટે શ્રેષ્ઠ મુહૂર્ત બની જાય છે.
શરીર માટે ઉત્તમ આ ઋતુ પ્રેમ અને લાગણી દર્શાવવા માટે પણ ઉત્તમ ઋતુ છે. કહેવાય છે કે કામદેવના પુત્રનું નામ વસંત છે. શાસ્ત્રીય સંગીતમાં એક રાગનું નામ વસંત છે. આ ઋતુમાં આવતો પ્રેમ દર્શાવવાનો વિદેશી તહેવાર વેલેન્ટાઇન ડે ભલે જોગાનુજોગ – વસંત ઋતુમાં આવતો હોય પણ એ બહાના હેઠળ તમે પતિ, પત્ની, મિત્ર, સગાં સ્નેહીઓ નિર્દોષ પ્રેમના રસાયણથી મનને તરબતર કરી શકો છો. અને હા લગ્ન ગાળો પણ હવે શરૂ થાય છે તે માણવાનું ભૂલશો નહીં.
પ્રેમની જ વાત નીકળી છે તો બીજી એક આડવાત કરી દઇએ કે જે દેશનો રાજા પ્રકૃતિ પ્રેમી અને કવિ હદયનો હોય તે પ્રજા નસીબદાર હોય છે. ઘણાં વર્ષો પછી નરેન્દ્ર મોદીના રૂપમાં આપણને જે વડા પ્રધાન મળ્યા છે તેમણે લખેલી એક કવિતા તેમનામાં રહેલી પ્રકૃતિ અને સાહિત્યપ્રેમની ઓળખાણ જરૂર કરાવે છે. આવી વ્યક્તિ કદાચ કોઇ ભૂલ કરી શકે પણ ખોટું ન કરી શકે.
ચાલો, વસંત ઋતુમાં રાજકારણને બાજુ પર મૂકી, હજુ સુધી જેમના ચારિત્ર્ય પર કોઇ આળ ન મૂકી શકાય તેવી વ્યક્તિ નરેન્દ્ર મોદીની કવિતા મમળાવીને વસંત ઋતુને વધાવવા સજ્જ થઇએ.
અંતમાં આરંભ અને આરંભમાં અંત
પાનખરના હૈયામાં ટહુકે વસંત
સોળ વરસની વય, ક્યાંક કોયલનો લય
કેસૂડાના કોના પર ઉછળે પ્રણય?
ભલે લાગે છે રંક, પણ ભીતર શ્રીમંત
પાનખરના હૈયામાં ટહુકે વસંત
આજે તો વનમાં કોના વિવાહ
એક એક વૃક્ષમાં પ્રગટે દીવા
આશીર્વાદ આપવા આવે છે સંત
પાનખરના હૈયામાં ટહુકે વસંત .
— નરેન્દ્ર મોદી
જાપાનની ઉપકારક જંગલ સ્નાનની પદ્ધતિ
તમે વર્ષોથી શીખ્યા છો કે વનસ્પતિ ચોખ્ખો પ્રાણવાયુ આપે છે પરંતુ વનસ્પતિના પાન અને ફૂલ – ઉડ્યનશીલ તત્ત્વો સહિત સેંકડો રસાયણો વાતાવરણમાં છોડે છે તેનો લાભ પણ મળે છે.
જાપાનમાં તો ‘શીનટીન યોકુ’ નામની જંગલ થેરપીનો વાયરો વાયો છે. જેનો ગુજરાતીમાં અર્થ થાય છે જંગલ સ્નાન. આ જંગલ સ્નાન કરવાથી કેટલા ફાયદા થાય છે તે જાણો છો ?
૧) શરીરના વિષાણુનાશક કોષોનું પ્રમાણ વધે છે.
એટલે રોગપ્રતિકારક શક્તિ વધે છે.
૨) બ્લડ પ્રેશર ઘટે છે.
૩) લોહીમાં સાકરનું પ્રમાણ ઘટે છે એટલે ડાયાબિટીસનું પ્રમાણ ઘટે છે.
૪) માનસિક તાણ ઘટે છે, મૂડ સૂધરે છે.
૫) બીમારી કે ઓપરેશન પછી જંગલમાં ફરવા જાવ તો રીકવરી ઝડપથી થાય છે. અર્થાત તબિયત ઝડપથી સુધરે છે.
૬) શક્તિ વધે છે.
૭) ઊંઘ સારી આવે છે.
આ બધા ઠંડા પહોરના ગપગોળા નથી
પણ જાપાનીઓએ કરેલા જંગલના પ્રયોગો પછી સાબિત થયેલા નિષ્કર્ષ છે. તો પહોંચી જાવ વસંત ઋતુમાં જંગલનો વૈભવ માણવા.
સૌજન્ય —મુંબઈ સમાચાર .કોમ
====================
અગાઉ પોસ્ટ થયેલ વસંત ઋતુ વિશેની મારી અછાંદસ રચના
અહી ફરી માણો.
ઋતુરાજ વસંતનાં એંધાણ
વાહ કેવી ઉગે રોજ ખુશનુમા સવાર,
વાસંતી વાયરા વાય સવારથી સાંજ,
વૃક્ષની ડાળે લીલી કુંપળોનો દરબાર,
સૌને વ્હાલી વસંતનાં છે આ એંધાણ.
કેસુડાના વૃક્ષે જામ્યો છે કેસરિયો રંગ,
આમ્ર વૃક્ષે કેવા મ્હોરી ઉઠ્યા છે મોર,
ફેલાઈ જાય છે રંગીન ફૂલોની ફોરમ,
સૌને વ્હાલી વસંતનાં છે આ એંધાણ.
વસંત તો છે પ્રકૃતીમાં આવેલું યૌવન,
યુવાની હોય છે જેમ જીવનની વસંત,
વાગે ઢોલ,ગવાઈ રહ્યા ફાગણના ફાગ,
સૌને વ્હાલી વસંતનાં છે આ એંધાણ.
ગુંજી ઉઠતો કોકિલ પંખીનો કલરવ,
ઝૂમી ઉઠે છે વૃક્ષ લતાઓ વને વન,
સર્જાઈ જાય રમ્ય ફૂલોનો શણગાર,
સૌને વ્હાલી વસંતનાં છે આ એંધાણ.
કુહૂ કુહૂ બોલે ટહુકી રહી પેલી કોકિલા,
પ્રેમીજનો ઝંખે પિયા મિલનની આશ,
વેલેન્ટાઈન લાવે પ્રેમીઓમાં થનગનાટ,
સૌને વ્હાલી વસંતનાં છે આ એંધાણ.
વસંત પંચમીએ ઋતુરાજનું આગમન,
આ દિવસે થયું મા સરસ્વતીનું પ્રાગટ્ય,
કવિઓ ગાય વસંત-વિદ્યાદેવીનાં ગાન,
સૌને વ્હાલી વસંતનાં છે આ એંધાણ.
વાચકોના પ્રતિભાવ