Daily Archives: ફેબ્રુવારી 24, 2018
સ્વ.અવંતિકા ગુણવંત … શ્રધાંજલિ … વાર્તાઓની સાપ્તાહિક શ્રેણીમાં પસંદગીની વાર્તા .. મણકો..૬

સ્વ.અવંતિકા ગુણવંત
પ્રેમ અશક્યને શક્ય બનાવે છે – અવંતિકા ગુણવંત
આત્રેયી રોજ એની મમ્મી સુચિત્રાને મળવા આવે છે. પહેલાં તો અઠવાડિયે એક વાર આવતી હતી પણ હમણાં હમણાંથી એનું આવવાનું વધી પડ્યું છે, લગભગ રોજ આવે છે. એક જ શહેરમાં રહેતી દીકરી માને મળવા આવે એમાં નવાઈ નથી, એ મળવા ના આવે તો નવાઈ; પણ સુચિત્રા મૂંઝાય છે કે દીકરી આવે તો છે પણ કેમ કંઈ બોલતી નથી ? મા-દીકરીનો સંબંધ એવો આત્મીય ગણાય છે કે કશું કહ્યા વિના ઘણું બધું કહેવાય જાય છે અને સમજાઈ જાય છે. દીકરીને જોઈને સુચિત્રાને એટલું સમજાય છે કે દીકરી બેચેન છે, કોઈ અજંપો એને પીડી રહ્યો છે. એ મને કહે નહીં તો શી રીતે આવશે એની સમસ્યાનો ઉકેલ ? શી રીતે દૂર થશે એની બેચેની, અજંપો ?
સુચિત્રા દીકરીની બાજુમાં બેસીને એને પંપાળે છે, એની ઉદાસ મુખમુદ્રા અને નિસ્તેજ આંખો જોઈને ચિંતામાં ડૂબી જાય છે. એને થાય છે દીકરી કંઈ બોલે, એની મૂંઝવણ વિશે કંઈ કહે પણ દીકરી કંઈ કહેતી નથી. છેવટે સુચિત્રાએ સ્નિગ્ધ સૂરે પૂછ્યું : ‘દીકરી, કંઈ તો બોલ. કોણે તને દુભાવી કે તું આટલી બેચેન બની ગઈ છે ?’
‘મમ્મી, બહારની કોઈ વ્યક્તિએ મને દુભાવી નથી. હું મારા કારણે જ દુ:ખી છું.’ આટલું કહીને આત્રેયી થોડી વાર અટકી અને પછી બોલી, ‘મેં ઝંખ્યું હતું એ મને અરૂપમાં દેખાયું, એટલે તો અરૂપ સાથે હું જોડાઈ. ત્યારે મારી જાતને હું નસીબદાર માનતી હતી પણ…. પણ હવે મને અરૂપના સંગે કોઈ સુખ નથી લાગતું.’
‘કંઈ સમજાય તેવું બોલ.’ ઉચાટભર્યા સૂરે સુચિત્રા બોલી.
‘મમ્મી, હવે મારા જીવનમાં મને ખાલીપો અનુભવાય છે, બધે સૂનકાર વરતાય છે, જાણે લગ્ન કરીને મેં કંઈ મેળવ્યું નથી. હું આખી જિંદગી હારી ગઈ, મેં બધું ગુમાવી દીધું હોય એવું લાગ્યા કરે છે. ત્યારે મને લાગતું હતું કે મારું સ્વપ્નું સાકાર થયું. હું મુગ્ધાવસ્થામાં પ્રવેશી ત્યારથી મારા મનમાં એક સ્વપ્નું રચાતું ગયું હતું કે હું લખલૂટ સંપત્તિની સ્વામિની બનીશ, હું દુનિયાના દેશોની સફર ખેડીશ. દેશ દેશની કલાત્મક વસ્તુઓ – ખાસ તો એન્ટીક પીસ ખરીદીને મારું ઘર સજાવીશ. મારા ઘરમાં અલગ એક લાઈબ્રેરી હશે જ્યાં પુસ્તકો જ પુસ્તકો હશે, ત્યાં દીવાલ પર સુંદર પેઈન્ટિંગ હશે. મારી જિંદગીમાં કોઈ અભાવ નહીં હોય, અછત નહીં હોય. મમ્મી, અરૂપ સાથે લગ્ન કરી મને વૈભવી જિંદગી મળી, હું ધારું એટલા પૈસા ખર્ચી શકું છું છતાં હું સુખી નથી. મમ્મી, હું સુખી નથી. મને સંતોષ નથી…’
સુચિત્રા ઠરેલ અને પરિપક્વ હતી. એ દીકરીની સાથે લાગણીમાં ઘસડાઈ નથી જતી પણ સ્વસ્થ અવાજે કહે છે : ‘આત્રેયી, સદીઓથી દરેકે દરેક માણસ સુખ શોધે છે. પણ કેટલાકને સુખ મળે છે અને સંતોષથી જીવે છે જ્યારે કેટલાક સુખ માટે વલખાં મારે છે પણ સુખી નથી થતા. જિંદગીભર તેઓ તડપ્યા જ કરે છે. દીકરી, વ્યક્તિએ વ્યક્તિએ સુખની વ્યાખ્યા અલગ હોય છે. માનસશાસ્ત્રીઓ કહે છે કે માણસનું મન વિચિત્ર છે. જે વસ્તુ એ ઝંખતો હોય અને એને એ મળે પછી એનું એને આકર્ષણ નથી રહેતું. ના મિલે સોના – મિલે તો મિટ્ટી.’
‘તો મમ્મી, શું હું ચંચળ છું ? અસ્થિર મગજની છું ? મારે શું જોઈએ છે એ બાબતે હું સ્પષ્ટ નથી ? શું હું મારી જાતને સમજી શકી નથી ?’
‘આત્રેયી, તું ખોટી રીતે ઉશ્કેરાઈના જા, હું કહું છું એ શાંતિથી સાંભળ. તું તારા મનને સમજી શકી નથી એવું કશું નથી કહેતી. યુવાનીમાં દરેકનાં સ્વપ્નાં તારા જેવાં જ હોય, લખલૂટ સંપત્તિ, વૈભવી સુંવાળી જિંદગીનાં જ અરમાન હોય અને જે માત્ર સપાટી પર જીવતું હોય એને મોજશોખ ભરી સીધી સરળ જિંદગીથી સંતોષ થઈ જાય છે. પણ કેટલીક વ્યક્તિઓ એવી હોય છે કે માત્ર ભૌતિક સાધન-સંપત્તિથી એમનું હૈયું નથી ભરાતું. હા, થોડીક ક્ષણો માટે એ ભોગવિલાસની સામગ્રી એમને સુખ આપી શકે છે, પણ પછી એ વસ્તુઓ તુચ્છ લાગવા માંડે છે. મન ઉત્સાહહીન અને સુસ્ત બની જાય છે. તેમને થાય છે, મેળવવા જેવું એમને મળ્યું નથી.’
‘મમ્મી, હવે તો મને ડર લાગવા માંડ્યો છે કે મારી આ ઉદાસીનતા અમારા દામ્પત્યજીવનમાં તિરાડ ના પાડે. હું મનોમન કોચવાયા કરતી હોઉં, ભીતરમાં કોઈ અભાવથી પીડાયા કરતી હોઉં તો હું પૂરી પ્રફુલ્લિત ના હોઉં, અને અરૂપના સંગે પણ ખીલી ના ઊઠું તો અરૂપને પૂર્ણ સુખનો અનુભવ ના થાય, એનેય મારી ઉદાસીનતા ખટકે, એનેય કંઈક ખૂટતું લાગે તો એના માટે હું જ ગુનેગાર ગણાઉં ને ? મારી આ મનોદશા એ સરળ સ્નેહાળ માણસને ખૂંચે તો ખરી જ ને ! મમ્મી, પણ મારા સ્વપ્ન પુરુષ સાથે એનો મેળ નથી ખાતો. મેં ધારણા રાખી હતી કે એને મારી જેમ સાહિત્ય, સંગીત અને કલામાં રુચિ હશે, પણ એને એ વિષયોમાં રસ નથી. મેં એનામાં જે જોવાની અપેક્ષા રાખી હતી એ સંતોષાઈ નથી.’
‘એનું આખું ઘર સપાટી પર જીવનારું છે. એનાં મમ્મી, પપ્પા, એની બહેન ઋતા સાવ ફલેટ છે. સ્વભાવે તેઓ સારા છે. મળતાવડા છે, કોઈનું બૂરું કરે નહીં કે ઈચ્છે નહીં, સદાચારી છે. પણ અહીં ટાગોર કે નરસિંહ મહેતા અને મીરાંબાઈનાં ગીતોની વાતો નથી થતી. માઈકલએન્જેલો કે રેમ્બ્રોના નામ એમણે સાંભળ્યાં નથી. એમનામાં સૌંદર્યદષ્ટિ નથી, માધુર્ય નથી, રંગ નથી, ત્યાં સાહસભર્યા પુરુષાર્થની વાતો થતી નથી. ક્યાંક પ્રવાસે જઈએ તો પ્રકૃતિના સૌંદર્યની વાત કરવાના બદલે કઈ હોટલમાં કેવી સગવડો છે ને શું ચાર્જ છે ને ત્યાં ખાવાનું કેવું છે એની વાતો થાય છે.’
‘રોજ સાંજ પડે બધાં ભેગાં મળીને લીવિંગરૂમમાં બેઠાં હોઈએ ત્યારે કોઈ બૌદ્ધિક વિષયની ચર્ચા તો કદી થતી નથી. થાય છે કારનાં લેટેસ્ટ મૉડલની વાતો, અને ફૅશનોની વાતોથી આગળ તેઓ વધતાં નથી. એમની માનસિક ક્ષિતિજો વિસ્તરી નથી. એમની પાસેથી આપણને માહિતી મળી શકે પણ જ્ઞાન કે ડહાપણની વાત ના મળી શકે. તેથી એમની વાતોમાં મને રસ નથી પડતો. તેમની વાતો મને ક્ષુલ્લક લાગે છે. તેમની પાસે મબલક પૈસો છે. એ પૈસો ધાર્મિક પૂજાવિધિ અને અનુષ્ઠાનોમાં વપરાય છે પણ સાચો ધર્મ કોને કહેવાય એનો કદી તેઓ વિચાર નથી કરતાં. સાચી આધ્યાત્મિકતાનો એમને પરિચય નથી. એમની વિચારસરણીમાં હું ના જોડાઈ શકું. તેઓ કૂપમંડૂક છે. હા, તેઓ મારી પર હેત રાખે છે. મને કોઈ રોકટોક નથી કરતા. કોઈ વાતે મારી પર દબાણ નથી લાવતા, છતાંય મને એમની સાથે રહેવામાં કંટાળો આવે છે.’
‘મેં તો કેવાં કેવાં સ્વપ્નાં જોયાં હતાં. પણ અહીં તો સાવ શુષ્ક જિંદગી છે. જિંદગીનાં વિવિધ સ્વરૂપો અને માનવમનનાં ઊંડાણ અને ગતિવિધિ જાણવાની એમને જિજ્ઞાસા નથી. એમની માનસિકતા અને જીવનશૈલીમાં કોઈ સુધારો નથી થયો. બાપદાદા વખતના રીતરિવાજ ચાલ્યા કરે છે. એમાં કોઈ નવીનતા કે તાજગી ઉમેરાતાં નથી. તેઓ મને કોઈ ત્રાસ કે પીડા આપતા નથી છતાં ત્યાંના વાતાવરણથી હું થાકી જાઉં છું, ત્યાં હું ગૂંગળાઉં છું, પળેપળે મરતી જાઉં છું. મારા ઠેકાણે બીજી કોઈ યુવતી હોત તો એ આટલો વૈભવ અને આવા સાલસ સાસરિયાં મેળવીને ધન્યતા અનુભવત. જ્યારે મારા માટે જિંદગી એક બોજ બની ગઈ છે. મને ત્યાં ગમતું નથી. મને થાય છે પસંદગી કરવામાં મેં ભૂલ કરી છે. ઉતાવળ કરી છે.’
‘તું બે ત્રણ વાર મળી હતી અને તારી મેળે તેં નિર્ણય કર્યો હતો…..’ સુચિત્રા બોલી.
‘ત્યારે મેં એમની બાહ્ય જીવનશૈલી જોઈ, એમની સંપત્તિ જોઈ અને મને થયું અહીં હું મનમાની રીતે જીવી શકીશ. સ્વભાવ ઋજુ અને સરળ છે તેથી કોઈ વિખવાદ નહીં થાય. જીવન સુસંવાદી અને હર્યુંભર્યું હશે. ત્યારે મને ખ્યાલ જ ના આવ્યો કે હું જે ધારણા બાંધું છું એ પ્રમાણે ના પણ હોય.’
‘બેટા, આવો ચિરકાળનો સંબંધ ધારણા અને અનુમાન પર ના બંધાય. ધારણા ખોટી પણ ઠરે.’
‘ત્યારે તેં મને કેમ ચેતવી નહિ કે પસંદગીમાં ઉતાવળ ના કર…’ આત્રેયીએ પૂછ્યું.
‘બેટા, જિંદગીમાં ક્યાંય પસંદગી છે ખરી ? લગ્નમાં પસંદગી છે એવો લોકો ભ્રમ સેવે છે. તેઓ માને છે અમે જીવનસાથીની પસંદગી કરી, પણ ત્યાંય તમે ગમે તેટલું વિચારી, ગણતરી કરીને નિર્ણય કરો તોય ઘણું બધું આપણા હાથમાં નથી, અનુમાન સાચા નથી ઠરતાં. માટે શ્રેષ્ઠ માર્ગ કે પસંદગી જ ના કરવી. અમારા જમાનામાં બધું ઈશ્વરના હાથમાં છોડી દેવાતું હતું. ખરી રીતે તો ‘પસંદગી ના કરવાની’ પસંદગી કરીને જે પાત્ર મળે એની સાથે અનુકૂલન સાધવું જોઈએ.’
માની વાત સાંભળીને આત્રેયી છેડાઈ પડી :
‘જા, જા હવે… જિંદગીનો મહત્વનો નિર્ણય એમ ના કરાય. આ જમાનામાં તો તું કહે છે તે રીત સાવ જુનવાણી, મુર્ખામી ભરી ગણાય. આંખ મીંચીને કોઈ અજાણ્યાની સાથે જીવન ના જોડાય.’
‘એમાં તો ખરો રોમાન્સ છે. આંખ મીંચીને કોઈ અજાણ્યાના હાથમાં મૂકી દેવો અને ભવિષ્યના અગોચર પ્રદેશમાં ઊડવું.’ આવું કહીને હસતાં હસતાં સુચિત્રાએ દીકરીને નિરાશામાંથી બહાર કાઢી, અને હળવાશથી મૂડમાં લાવી દીધી પછી બોલી,
‘આત્રેયી, કોઈ એક સ્વપ્નું લઈને તેં નવજીવનનો પ્રારંભ કર્યો પણ તને વાસ્તવનો અનુભવ કંઈક જુદો થયો. તારી અપેક્ષા મુજબ જીવન આકાર નથી લેતું એમાં આટલું નિરાશ શું થવાનું ? તારી ઉદાસીનતા, નિરાશા ખંખેરી નાખ. તારે તારી જીવનદષ્ટિ બદલવાની જરૂર છે. જીવન જીવવાની એક કલા છે, તે એક ખાસ નજર અને કૌશલ માગી લે છે. તને જે મળ્યું છે તેનો જરાય વસવસો કર્યા વિના વાસ્તવિકતાનો સંપૂર્ણ મનથી સ્વીકાર કર. તું સાત્વિક, જીવનલક્ષી પ્રેરણાત્મક સાહિત્ય વાંચ એટલે તારી દુર્બળતા જતી રહેશે. તારું મન દઢ બનશે. જીવનમાં ઊભો થયેલો પડકાર તને ગભરાવી નહીં મૂકે, અને તું એક વાત યાદ રાખ કે માણસનું મન પરિવર્તનશીલ છે.’
‘માણસને ખબર ના પડે તેમ એ બદલાતો રહે છે. એને જેવો સંગ મળે તેવો એ બને છે. અરૂપને તારા પર પ્રેમ છે. તેથી ધીરે ધીરે તારી પસંદ એની પસંદ બની જશે. એ તારી રીતે વિચારતો થઈ જશે. બેટા, પ્રેમમાં અગાધ તાકાત હોય છે. માટે તું ધીરજ રાખ, સમતા રાખ, સંયમ રાખ અને આશાવાદી બન.’
‘બે વ્યક્તિ બે મટીને એક થવાનો પડકાર ઝીલે એ બહુ મોટું સાહસ છે, માર્ગમાં નાનીમોટી સમસ્યાઓ તો આવે જ. નિર્ભેળ, નર્યું સુખ જીવનમાં કોઈ નસીબદારને જ મળે, જીવનમાં ધાર્યા પ્રમાણે ના થાય ત્યારે ગભરાવાનું નહીં કે ખોટી શંકા,કુશંકા નહિ કરવાની. પ્રેમમાં શ્રદ્ધા રાખવાની. પ્રેમ નહીં ધારેલા ચમત્કાર સર્જે છે.’
‘દામ્પત્યજીવનની સફળતા માટે પતિ-પત્ની બેઉએ મથવાનું છે. લગ્ન આપમેળે સ્વયંભૂ સફળ નથી નીવડતાં, એને સફળ બનાવવા સભાન પ્રયત્ન કરવો પડે છે. એ ગુડ મેરેજ મસ્ટ બી ક્રિએટેડ ડેઈલી. અને તું યાદ રાખ, દરેક માણસનું મન અકળ હોય છે. કઈ ઘડીએ કઈ લાગણી અનુભવશે એ કહી શકાતું નથી. ક્યારેક આશા-અપેક્ષા મુજબ સામેથી પ્રત્યુત્તર ના મળે તોય કોઈ નકારાત્મક વિચાર નહિ કરવાનો, પતિ-પત્ની વચ્ચેની આત્મીયતાનો લય ખોરવાવો ના જોઈએ.’
‘બેટા, લગ્ન કર્યા પછી આદર્શ પતિ ના શોધાય. પતિનાં પારખાં ના લેવાય પણ પ્રેમ કરાય. સ્નેહ, સહિષ્ણુતા, ઉદારતા, સંબંધ ટકાવી રાખવાની ખેવના, સમય પારખવાની સૂઝ, ક્યારે બોલવું, ક્યારે મૂંગા રહેવું એની સમજ, નમ્રતા અને ખાસ તો જિંદગીને અખિલાઈપૂર્વક જોવાની પરિપક્વતા પતિપત્ની બેઉમાં હોવાં જોઈએ. તો જ લગ્ન સફળ થાય.’
પતિપત્ની માટે અન્યોન્યમાં ખામી શોધવી સહેલું છે પણ એમ કરવામાં જીવનમાંથી ઘણી બાદબાકી થઈ જાય છે. અને યાદ રાખ કે કોઈ પણ લગ્ન પરફેક્ટ નથી હોતાં. થોડી ચિંતનશીલતા દાખવવાની, થોડી બાંધછોડ કરવાની અને પ્રિયજનની ભીતર ડોકિયું કરવાનું. તો એને સમજી શકાશે અને શાંત, ગહન પ્રેમની અનુભૂતિ થશે. બેટા, તારું જીવન સુખભર્યું બનાવવાનું તારા હાથમાં છે.’
માની સ્નેહભરી વાતો સાંભળીને આત્રેયી ચિંતામુક્ત થઈ. એના હૃદયમન પરથી મોટો બોજો હટી ગયો. ફરી એક વાર એના જીવનમાં આશા ઉમંગ જાગ્યાં. હવે અરૂપના સંગે એ ઉદાસ નથી થઈ જતી પણ આવતી કાલ એની જ હશે એવા ભરોસે એ ખુશખુશાલ રહે છે
— અવંતિકા ગુણવંત
‘અખંડ આનંદ’ માર્ચ-2009માંથી સાભાર.
વાચકોના પ્રતિભાવ