વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: માર્ચ 7, 2018

1160- ‘દુલારું દામ્પત્ય’ ….. નીતા, મારે માટે સીતા ….. –  ડો. જગદીશ ત્રીવેદી

જાણીતા બ્લોગ ‘’ સન્ડે-ઈ-મહેફીલ ‘’ ના સંપાદક સુરત નિવાસી મારા સાહિત્ય પ્રેમી મિત્ર શ્રી ઉત્તમ ગજ્જરએ ડો.જગદીશ ત્રિવેદી લિખિત લેખ ‘’ નીતા, મારે માટે સીતા ‘’ એમના ઈ-મેલમાં મોકલ્યો છે એને એમના અને લેખકના આભાર સાથે આજની પોસ્ટમાં પ્રસ્તુત કરેલ છે.

રાજકોટના ડૉ. ભદ્રાયુ વછરાજાની સમ્પાદીત અને વનરાજ પટેલના મીડીયા પબ્લીકેશનમારફત પ્રકાશીત ગ્રંથ દુલારું દામ્પત્યમાં સાહીત્યજગતની જાણીતી હસ્તીઓએ પોતાના દામ્પત્ય વીશે દીલ ખોલીને વાતો માંડી છે.

આ પુસ્તકમાં ડો. જગદીશ ત્રીવેદીએ કશો છોછ કે સંકોચ રાખ્યા વીના એમનાં પત્ની નીતાબેન વિષે એમની આગવી હાસ્ય મિશ્રિત શૈલીમાં એમના લેખ ‘’નીતા, મારે માટે સીતા માં એમના દામ્પત્ય જીવનની વાતો નિખાલસતાથી સ્પષ્ટ રીતે કરી છે જે વાચકને ગમે એવી રસિક હોવા ઉપરાંત પ્રેરક પણ છે.

એવું કહેવાય છે કે દરેક પુરુષની સિધ્ધિ અને પ્રસિદ્ધિ પાછળ એની પત્નીનો સાથ અને સહકાર રહેલો હોય છે.દા.ત. ગાંધીજી અને કસ્તુર બા. આમ છતાં ઘણી વખત પત્નીએ કરેલ ત્યાગ માટે પતિ તરફથી એની જોઈએ એવી કદર કરવામાં આવતી નથી.દરેક પતિની એવી ઇચ્છા હોય છે કે એની પત્ની સીતા જેવી પવિત્ર અને ગુણોવાળી હોય પરંતુ પોતાને રામ જેવા બનવાની ઇચ્છા કેટલા પતિઓ ધરાવતા હોય છે !

ડો.જગદીશભાઈએ એમના લેખના અન્તેના વાક્યમાં ખેલદિલી પૂર્વક કબુલ્યું છે કે ‘’ ભલે હું રામ ન થઈ શક્યો; પરન્તુ નીતા મારે માટે સીતા છે.’’

વાચક મિત્રો, મને આશા છે શ્રી ઉત્તમભાઈ ગજ્જરે મોકલેલ ડો.જગદીશ ત્રિવેદીનો નીચેનો લેખ મને ગમ્યો એમ આપને પણ ગમશે.

વિનોદ પટેલ

   Jagdish Trivedi and Nitaben Trivedi

 

નીતા, મારે માટે સીતા ….ડો. જગદીશ ત્રીવેદી

(હસતું અને હસાવતું દમ્પતી એટલે શ્રી જગદીશ ત્રીવેદી અને શ્રીમતી નીતા ત્રીવેદી. અર્થ એવો કે નીતા હસે છે; કારણ કે જગદીશ ત્રીવેદી ગામ આખાને હસાવે છે! ગુજરાતભારત અને ગુજરાતી જ્યાં જ્યાં વસે છે તે વીશ્વનો દરેક ખુણો, જગદીશ ત્રીવેદીને હાસ્યકલાકાર તરીકે સુપેરે ઓળખે છે. પોતે ઉત્તમ લેખક છે, સમ્પાદક છે, નાટકકાર છે, કવી છે અને ત્રણત્રણ વખત તો એમણે ડૉક્ટરેટ માટે સંશોધન કરી Ph.D. + Ph.D. + Ph.D.ની ડીગ્રી મેળવી છે. એટલું જ નહીં; એક વીદ્યાર્થીએ જગદીશભાઈ પર Ph.D. કર્યું છે! ચાર મહીના પહેલાં તેમણે અર્થોપાર્જન બંધ કરી સાચો વાનપ્રસ્થાશ્રમ સ્વીકાર્યો છે તે ગૌરવપ્રદ છે. પોતાની પત્નીને સીતાનો દરજ્જો બક્ષનાર જગદીશ ત્રીવેદી આ લેખમાં હળવે હૈયે દામ્પત્યની ગોઠડી માંડે છે.)

♦●♦●♦

મારે સન્તાનમાં જે ગણો તે એક માત્ર મૌલીક છે અને યોગાનુયોગ પત્ની પણ એક જ છે. ગુજરાતી ભાષાના પ્રથમ પંક્તીના હાસ્યલેખક આદરણીય વીનોદભાઈ ભટ્ટથી હું ખુબ જ પ્રભાવીત થયો છું. વીનોદભાઈ એક જમાનામાં બે પત્નીઓ સાથે રહેતા હતા. મને આ સમાચાર પ્રથમવાર મળ્યા ત્યારે થયું કે આપણે પણ ગુજરાતી હાસ્યલેખક તરીકે કાઠું કાઢવું હશે, તો કમસેકમ બે પત્નીઓ રાખવી પડશે. જો તનતોડ મહેનત કરીને પણ, બેથી વધુ પત્નીઓ પ્રાપ્ત કરી શકીએ તો વીનોદ ભટ્ટ કરતાં પણ આગળ જઈ શકીએ.

તે દીવસથી મેં એકથી વધુ પત્ની માટે ઈમાનદારીથી પ્રયત્નો કરી જોયા છે; પરન્તુ દરેક પ્રયત્ન નીષ્ફળ જવાથી હવે અનીચ્છાએ આજીવન એક જ પત્નીથી ચલાવી લેવું, તેવા નીર્ણય પર ઠરીઠામ થયો છું. આપણે તારક મહેતા કે વીનોદ ભટ્ટ ના થઈ શકીએ તો ચલાવી લેશું. ઓછામાં ઓછું બકુલ ત્રીપાઠી કે રતીલાલ બોરીસાગર બની શકીએ તો પણ ઘણું છે.

એકથી વધુ પત્ની માટે પ્રયાસો એટલે કે નીતા મને છોડીને જતી રહે એવા સંજોગો ઉભા કરવામાં, મેં જરા પણ આળસ કરી નહોતી અને કુદરતે પણ મને યથાશક્તી સાથ આપ્યો હતો. અત્યારે મોટે ભાગે જોવા મળે છે તેવી, સ્વતંત્રમીજાજી અને સહનશક્તીરહીત પત્ની હોત તો મને આજથી વીસ વરસ પહેલાં છોડીને જતી રહી હોત. પરન્તુ નીતા સુશીલ અને સંસ્કારી હોવાની સાથે સહનશીલ પણ છે, એટલે મારે આજ દીવસ સુધી એક જ પત્નીથી ચલાવી લેવું પડ્યું છે.

હું પરણ્યો ત્યારે કુટેવોના કારખાના જેવો હતો. એ વખતે મારામાં ત્રણ મોટા દુર્ગુણો હતા, જેમાંથી એક જ હોય છતાં ઘણાં દામ્પત્યજીવન તુટ્યાના દાખલા બન્યા છે. મારાં ત્રણ દુષણોમાં હું દારુ પીતો હતો, માસાંહાર કરતો હતો અને અત્યન્ત ક્રોધી હતો. બાળપણથી જ ખરાબ મીત્રોની સોબત થવાથી મને સંગદોષ લાગ્યો હતો.

1992ના ફેબ્રુઆરીમાં જામખંભાળીયાના વસન્તભાઈ અને ભાનુબહેન ભટ્ટની દીકરી નીતા સાથે મારું સગપણ થયું. હું હાસ્યકલાકાર અને હાસ્યલેખક થયો તે પહેલાં નાટ્યકલાકાર અને નાટ્યલેખક હતો. મેં દહેજની વીરુદ્ધમાં નાટકો લખ્યાં અને ભજવ્યાં પણ હતાં, તેથી હું કન્યા સાથે ખટારો ભરીને કરીયાવર પણ લઈ આવું એવો નહોતો. મેં 1993ની પચીસમી અક્ટૉબરે રાજકોટની કોર્ટમાં અત્યંત સાદાઈથી લગ્ન કર્યું. મારાં લગ્નનો કુલ ખર્ચ 834 રુપીયા થયો છે.

લગ્ન બાદ થોડા દીવસો બધું બરાબર ચાલ્યું. એક રાતે હું શરાબના નશામાં ચુર થઈને ઘરે આવ્યો. તે રાતે નીતા પર વીજળી પડી; કારણ કે ત્યાં સુધી તે એમ માનતી હતી કે બ્રાહ્મણો દારુ પીએ જ નહીં. આજે એની નજર સામે એક બ્રાહ્મણ મદહોશ બનીને પતી સ્વરુપે ઉભો હતો. એણે મારું વ્યસન છોડાવવા પત્નીસહજ પ્રયત્નો કર્યા અને હું થોડા દીવસ બંધ અને વળી પાછું ચાલુ, એમ પતીસહજ જીવન જીવતો રહ્યો.

નીતા ત્રણ વરસ સુધી થાનગઢથી ભીડભંજન સોસાયટીમાં સાસુસસરાપતી અને બે દીયરના સંયુક્ત કુટુમ્બમાં ઘરરખુ નવોઢા બનીને રહી; પરન્તુ કોઈ વાતે એની ભીડ ભાંગતી નહોતી. લગ્નના એક વરસ બાદ મૌલીક જન્મી ગયો હતો, ત્યાર બાદ અમે ત્રણે સુરેન્દ્રનગરની શારદા સોસાયટીમાં મારાં પાલક માતાપીતા સાથે સાત વરસ રહ્યાં.

આમ, નીતા પોતાના દામ્પત્યજીવનમાં પ્રથમ દસ વરસ સુધી સંયુક્ત કુટુમ્બમાં ઘડીયાળના કાંટે ઘરકામ કરતી રહી. પંજાબી ડ્રેસ પહેરવાનો નહીં. સાડીમાં પણ સતત માથે ઓઢી રાખવાનું. ડુંગળીલસણ ખાવાનાં નહીં. ઘરમાં ફ્રીઝ કે ટીવી પણ નહીં. સુવા માટે પલંગને બદલે ખાટલો. સંડાસ કે બાથરુમમાં જતી વખતે ફળીયાની ટાંકીમાંથી ડોલ ભરીને જવાનું. રાતે દસ વાગ્યે ઉંઘ ન આવતી હોય તો પણ ઉંઘી જવાનું અને સવારે છ વાગ્યે ઉંઘ આવતી હોય તો પણ જાગી જવાનું.

ઉપરની તમામ અગવડો વચ્ચે પતી ખાસ કમાતો ન હોય, ઝઘડાખોર હોય અને મહીનામાં બેત્રણ વખત દારુ ઢીંચીને આવતો હોય, ત્યારે દુનીયાની કેટલી સ્ત્રીઓ પોતાનું દામ્પત્યજીવન ટકાવી શકે ? તમને વાંચીને આશ્ચર્ય થશે કે આ દસ વરસમાં નીતાએ પોતાનાં મમ્મીપપ્પાને એક પણ વખત ફરીયાદ પણ કરી નથી કે મારે આ રીતે રહેવું પડે છે. અને મારા અનુભવ પરથી મને લાગે છે કે પત્નીમાં સહનશક્તીનો અભાવ અને પત્નીનાં પીયરીયાંનો ચંચુપાત, લગ્નવીચ્છેદમાં મોટો ભાગ ભજવે છે.

 નીતાની સમજણનો એક દાખલો આપું. એ મને પરણીને આવી ત્યારે હું થાનગઢમાં ઝેરોક્સનો ધંધો કરતો હતો. એ ક્યારેક સોબસો રુપીયાની કટલરી જેવી પરચુરણ ખરીદીને ઈરાદે એ ગામના એક છેડેથી બીજા છેડા સુધી ચાલીને આવે. એ દુકાને આવે ત્યારે કાયમ અમે સેન્ડવીચ ખાતાં. હું સેન્ડવીચ લેવા જાઉં, તેટલી વારમાં એ ટેબલનું ખાનું જોઈ લે. મોટા ભાગે એની નાનકડી ખરીદીની ઈચ્છા પણ પુરી થાય, એટલો વકરો હોય જ નહીં એટલે એ મનને મારી નાખે; પણ મને કશું કહેતી નહીં, તેમ જ ચહેરાનો ભાવ પણ પ્રયત્નપુર્વક બદલવા દેતી નહીં. હું સેન્ડવીચ ખાતાં ખાતાં પુછું કે તું શા માટે આવી છો ત્યારે એ કહેતી કે હું વાસુકીદાદાના દર્શન કરવા આવી છું.

અત્યારે હું પત્ની અને પુત્ર સાથે વરસમાં એકાદ વખત વીદેશમાં ફરવા જઈ શકું છું; પરન્તુ પ્રથમ દસકામાં નીતાએ ધીરજ ધરવાને બદલે મને છોડી દીધો હોત તો કદાચ હું વીખ્યાત થવાને બદલે કુખ્યાત થઈ ગયો હોત. મારે અવારનવાર પત્ની સાથે ઝઘડાઓ થતા હતા, ગાય જેવા ગરીબ સ્વભાવની પત્ની પર હાથ ઉપાડવા જેવી હીનતા પણ મેં ઘણીવાર આચરી હતી. સ્વજન, સખા કે સંતના કહેવાથી વ્યસન ક્યારેય છુટતું નથી; પરન્તુ માણસનો આત્મા જ્યારે પોકાર કરે ત્યારે કાયમને માટે છુટી જાય છે. 2005ની 21 ફેબ્રુઆરીએ મોરારીબાપુ મારે ઘરે આવ્યા. એમણે મને કશું કહ્યું નથી; પરન્તુ મારો આત્મા ઘણા સમયથી દારુની દોસ્તી છોડવા માગતો હતો. બાપુના આગમનથી બળ મળ્યું અને મેં આજીવન શરાબ છોડી દીધો.

બીજી વાર પીએચડી કરવા માટે ગાંધીજીની આત્મકથા વાંચવાની ફરજ પડી. એમાં પ્રસંગ છે કે ગાંધીજી આફ્રીકા હોય છે ત્યારે કસ્તુરબાને રક્તસ્રાવનો રોગ થાય છે. દાક્તર કહે છે કે જીવવું હશે, તો ગાયના માંસનો ઉકાળો પીવો પડશે. ત્યારે બીમાર કસ્તુરબાએ બાપુને કહ્યું કે હું તમારા ખોળામાં માથું મુકીને મરી જઈશ; પરન્તુ મારી જાતને અભડાવીશ નહીં. આ વાંચીને એક મધરાતે હું કલાક સુધી રડતો રહ્યો. મને થયું કે માત્ર શોખ અને સ્વાદ ખાતર, મેં કેટલી વાર મારી જાતને અભડાવી ?

પસ્તાવામાંથી પ્રતીજ્ઞાનો જન્મ થયો અને જીવનભર માંસાહાર છુટી ગયો.

બે અવગુણ તો મુળસોતા ગયા; પરન્તુ ક્રોધ સાવ જતો રહે તેમ હું ઈચ્છતો પણ નથી. કારણ બ્રાહ્મણ ક્રોધી હોય; પણ કપટી ક્યારેય ન હોય. માત્ર ચુમ્માલીસ વરસની મારી ઉમ્મરમાં મારાં ચાળીસ પુસ્તકો, બત્રીસ વીદેશયાત્રા, પંચોતેર જેટલી કેસેટસીડીવીસીડી અને બે વખતના મારા ડૉક્ટરેટથી મારી પત્ની, પરીવાર અને મારા સાસરીયા ખુબ જ સંતુષ્ટ છે.

મને આ કક્ષા સુધી પહોંચાડવામાં મારી પત્નીનો ફાળો મુલ્યવાન છે; કારણ એણે સંયમ રાખીને એકધારા અગીયાર વરસો સુધી મને વેઠ્યો ન હોત અને મહીલા સંગઠન કે કોર્ટનો આશરો લઈ મને છોડી દીધો હોત તો કદાચ હું વધારે બગડી ગયો હોત.

ભલે હું રામ ન થઈ શક્યો; પરન્તુ નીતા મારે માટે સીતા છે. 

જગદીશ ત્રીવેદી

ડો.જગદીશ ત્રિવેદી …પરિચય 

જગદીશ ત્રિવેદી : બે વખત નાપાસ થયા બાદ ત્રણ વખત પીએચ.ડી કર્યું ! ….વિજયસિંહ પરમાર 

 જગદીશ ત્રિવેદી અગિયારમા અને બારમા ધોરણમાં નાપાસ થયા ત્યારે તેમણે આ નિષ્ફળતાને ઘણી ગંભીરતાથી લીધી અને ત્રણ-ત્રણ વખત પીએચ.ડીની ડિગ્રી મેળવી.

‘’મારા ગમતા ત્રણ વ્યક્તિઓ – શાહબુદ્દિન રાઠોડ, મારા નાના દેવશંકર મહેતા અને રામકથાકાર મોરારિબાપુ પર થીસિસ (મહાશોધનિંબધ) લખીને મેં પીએચડીની ત્રણ ડિગ્રી મેળવી છે.”

આખો પરિચય લેખ અહીં ક્લિક કરીને વાંચો .

 લેખક સમ્પર્ક :

Jagdish Trivedi,

‘MaatruAashish’, 20-Sharda Society, Jintan Road, SurendraNagar-363002

Phone : (R)-02752-230903 Mobile : 9825230903

eMail : jagdishtrivedi1967@gmail.com

પુસ્તક દુલારું દામ્પત્યના અંતીમ મુખપૃષ્ઠ ઉપરથી.. સાભાર.. 

એક વાર એ મને કહે : જો હું વહેલો જાઉં તો બીલકુલ એમ જ રહેજે, જેમ હમણાં રહે છે. ટીલું, બંગડી, મંગળસુત્ર, રંગીન સાડી – બધું એમનું એમ. તું જો આમાંની એક પણ ચીજ છોડી દઈશ, તો મારા આત્માને ઘોર કષ્ટ થશે અને જો તું વહેલી જઈશ, તો મારે તો કંઈ છોડવાનું છે જ નહીં! 

કોઈ નથી જાણતું કે મોત ક્યારે આવશે. અમે નથી જાણતાં કે અમારા બેમાંથી વહેલું કોણ જશે. હું ચાહું છું કે લેડીઝ ફર્સ્ટના ન્યાયે પહેલાં હું જાઉં. કંકુકંકણ સાથે જવાની ઈચ્છા દરેક ભારતીય નારીની હોય છે. એ કહે છે : મજાલ છે મોતની કે મારા રહેતાં તને લઈ જાય!ખેર, આ તો મજાકની વાત થઈ; પણ એટલું નક્કી કે આવતા જન્મે પણ હું એમને એકલા દળવા નહીં દઉં. આવતા જન્મે – અને જન્મોજન્મ – મારું સરનામું તો આ જ રહેવાનું :

કાન્તા વેગડ C/O અમૃતલાલ વેગડ *

પ્રેમ પાંગરે, વીકસે અને ઓસરી જાય – આવું ન થવું જોઈએ. પહેલાં પ્રેમની અતીવૃષ્ટી અને પછી અનાવૃષ્ટી આ બરાબર નહીં. પ્રેમનું વહેણ સુકાવું નહીં જોઈએ. એક પત્નીએ પોતાના પતીને કહ્યું : ‘Love me less, so that you can love me long.’ પતીપત્ની એકબીજાને થોડો ઓછો પ્રેમ કરે, જેથી એ લાંબા સમય સુધી ચાલે. પ્રેમમાં પણ ડ્રીપ ઈરીગેશનની પદ્ધતી અપનાવીએ તો કેવું સારું!

કાન્તા વેગડ C/O અમૃતલાલ વેગડ

 

પુસ્તક પ્રાપ્તિ માટે સંપર્ક ..

સંપાદક રાજકોટના ડૉ. ભદ્રાયુ વછરાજાની (bhadrayu2@gmail.com Phone: 0281- 258 8711) /વનરાજ પટેલના મીડીયા પબ્લીકેશન’( media.publications@gmail.com )

સૌજન્ય/આભાર

 ‘સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ તેરમું – અંકઃ 395 –March 04, 2018

‘ઉંઝાજોડણી’માં અક્ષરાંકનઃ ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com

 

ઉપરોક્ત લેખ વાંચતાં મને સ્વ. અવિનાશ વ્યાસએ લખેલ નીચેના ગુજરાતી ગીત ‘’રામ તમે સીતાજીની તોલે ન આવો’’ની યાદ તાજી થઇ . આ ગીતને જાણીતી ગાયિકા આશા ભોંસલે એ સુંદર સ્વરોમાં ગાયું છે એને વિડીયોમાં માણો.

 રામ તમે સીતાજીની તોલે ન આવો…. અવિનાશ વ્યાસ

દયાના સાગર થઇ ને, કૃપા રે નિધાન થઇ ને

છોને ભગવાન કહેવરાવો

પણ રામ તમે સીતાજીની તોલે ન આવો

સોળે શણગાર સજી મંદિરને દ્વાર તમે

ફૂલ ને ચંદનથી છો પૂજાઓ મારા રામ તમે

 

કાચા રે કાન તમે ક્યાંના ભગવાન

તમે અગ્નિ પરીક્ષા કોની કીધી

તારો પડછાયો થઇ જઇ ને

વગડો રે વેઠ્યો એને લોકોની વાતે ત્યાગી દીધી

પતિ થઇને પત્નીને પારખતાં ન આવડી

છો ને ઘટઘટના જ્ઞાતા થઇ ફુલાઓ મારા રામ તમે

 

તમથીયે પહેલા અશોક વનમાં

સીતાજીએ રાવણને હરાવ્યો

દૈત્યોના બીચમાં નિરાધાર નારી તોયે

દશ માથાવાળો ત્યાં ના ફાવ્યો

મરેલાને માર્યો તેમાં કર્યું શું પરાક્રમ

અમથો વિજયનો લૂટ્યો લ્હાવો મારા રામ તમે.

અવિનાશ વ્યાસ

Maara Raam Tame Seetajini Tole Na Aavo