ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા
1172 – ” જીવન સમૃદ્ધ કઈ રીતે બને ? ”… સ્વ.અવંતિકા ગુણવંત ….શ્રધાંજલિ… વાર્તામાળા …મણકો..૧૨
સ્વ.અવંતિકા ગુણવંત … શ્રધાંજલિ … વાર્તાઓની સાપ્તાહિક શ્રેણી …મણકો..૧૨

જીવન સમૃદ્ધ કઈ રીતે બને ? …… વાર્તા …. અવંતિકા ગુણવંત
શ્રીધરના લગ્ન અમેરિકામાં વસેલા કુટુંબની દીકરી ગૌરી સાથે થયા હતાં. શ્રીધરનાં પાંચ મામાઓ અને બે માસી એમના કુટુંબ સાથે અમેરિકા વસ્યા હતાં.
શ્રીધર અમેરિકન સિટીઝન યુવતીને પરણ્યો હતો પણ એનાં માતાપિતા ઈન્ડિયા છોડવા માગતાં ન હતાં. તેથી શ્રીધર પણ ઈન્ડિયામાં જ વસ્યો હતો. એ અમેરિકા ગયો ન હતો. એની પત્ની ગૌરી પણ ઈન્ડિયામાં રહી હતી.
શ્રીધર અવારનવાર બોલ્યા કરતો હતો કે ”હું નિવૃત્ત થાઉં એની રાહ જોઉં છું. નિવૃત્ત થયા પછી હું કાયમ માટે આ ગરમ ધૂળિયો અને ભીડવાળો દેશ છોડીને અમેરિકા જઈને વસીશ. ભારત કદી આવીશ જ નહીં.”
શ્રીધરના પિતા મહેશભાઈ એન્જિનિયર છે. તેઓ અમેરિકા વિશેષ ભણવા ગયા હતા. ત્યાં શ્રીધરની માતા નયનાબહેનના પરિચયમાં આવ્યા અને બેઉનાં કુટુંબોની સંમતિથી લગ્ન થયાં. ત્યારે મહેશભાઈ કહેતા હતા કે તેઓ ઈન્ડિયામાં જ સેટલ થશે. નયનાબહેનના મનમાં હતું કે આદર્શવશ ઈન્ડિયામાં વસવાની વાત કરે છે પણ ઈન્ડિયાથી અકળાઈ મહેશ જરૂરથી અમેરિકા આવશે જ; પરંતુ મહેશભાઈ તો અમેરિકા જવાનું નામ જ દેતા નથી. તેથી ક્યારેય મહેશભાઈ અને નયનાબહેન વચ્ચે ઝઘડા થતા હતા.
શ્રીધરને આ બધી વાતની ખબર હતી તે એનો સહ કર્મચારી કે જે હવે એનો મિત્ર થઈ ગયો હતો, એ સુમિરનને પોતાના ઘરની વાતો કરતો. તેથી જ્યારે શ્રીધર કહે છે કે રિટાયર્ડ થયા પછી તે અમેરિકા જઈને વસશે ત્યારે સુમિરન પૂછે છે, ‘ત્યારે તો તારા ફાધર ઑલ્ડ થઈ ગયા હશે. એમને ઈન્ડિયામાં એકલા મૂકીને તું અમેરિકા વસીશ ? સમય પસાર થાય એમ વૃદ્ધત્વથી માણસ પાંગળો થઈ જાય છે. તારા ફાધર ઑલ્ડ એઈજમાં એકલા નહીં રહી શકે અને જુવાનીમાં એમને અમેરિકા ગમ્યું નથી તો ઑલ્ડ એઈજમાં ત્યાં રહી શકશે ?’
શ્રીધરે કહ્યું, ‘ક્યાં વસવું એ મારા પપ્પા નક્કી કરશે. જુવાનીમાં તો તેઓ ન વસ્યા. હવે વૃદ્ધાવસ્થામાં શું કરે છે તે જોઈએ.’
‘જોકે મારી મમ્મીને પરદેશ નહીં વસી શકવાનો અફસોસ કાયમ રહ્યો છે. પપ્પા અહીં વસ્યા એટલે અમારેય અહીં ઈન્ડિયામાં વસવું પડ્યું. ખરેખર હું અને મારી મમ્મી કમભાગી છીએ કે અમેરિકામાં વસવાની બધી સંભાવનાઓ હોવા છતાં અમારે એ સંભાવના ગુમાવવી પડી છે.’
સુમિરન બોલ્યો, ‘તને અને તારાં મમ્મીને આપણા પોતાના દેશમાં રહેવા મળ્યું તેને તું કમનસીબ માને છે ? શ્રીધર, આપણા પોતાના દેશમાં આપણાં સગાંઓ સાથે રહેવાનો એક સંતોષ છે, આપણી સંસ્કૃતિ અને આપણા પોતાના ધર્મના સંસ્કાર આપો આપ આપણામાં સિંચાયા એ તો સારું કહેવાય ને !’
સુમિરનની વાતની શ્રીધર પર કોઈ અસર ન થતી.
શ્રીધર તો કાયમ અસંતોષ જ પ્રગટ કરતો. એ કહેતો, ‘મારા મામા અમેરિકામાં વસેલા છે. તેમનો દીકરો ઈન્ડિયામાં જ્યારે જ્યારે આવે છે, ત્યારે પાણીની જેમ પૈસા વાપરે છે, એ કદી પૈસાનો હિસાબ રાખતો નથી. જ્યારે આપણે તો પાઈ પાઈનો હિસાબ રાખવો પડે છે. વસ્તુ ગમે પછી તેની કિંમત પૂછીએ અને કિંમત આપણને પરવડે તો જ આપણે વસ્તુ ખરીદીએ, એ વસ્તુની જરૂર હોય તોય આપણે ચલાવી લઈએ છીએ. આપણે કેટલી બધી કરકસરથી જીવવું પડે છે. આપણે અભાવ અને અછતમાં જીવીએ છીએ.’
સુમિરન બોલ્યો, ‘ત્રેવડ તો ત્રીજો ભાઈ ગણાય છે. કરકસરથી રહેવાનીય એક કલા છે.’
શ્રીધર બોલ્યો, ‘દોસ્ત, તું પરદેશ નથી ગયો ત્યાં સુધી આપણી સૈકા જૂની માન્યતાઓનો મહિમા ગાતો રહીશ. પણ એક વાર તું પરદેશ જઈ આવ, પછી તને ખ્યાલ આવશે કે કેવા અભાવ અને અછતમાં જીવીએ છીએ. જરૂરતની વસ્તુ વગેરે ‘ગમશે, ચાલશે, ફાવશે’ની ફિલૉસૉફી યાદ કરીને જરૂરી વસ્તુ વગર ચલાવી લઈએ છીએ.’
‘મારા મામાજીનો દીકરો કિરીટ ઉંમરમાં મારા જેવડો જ છે, પણ એ ઈન્ડિયા આવે છે ત્યારે એકેએક સગાં માટે અને એના દરેકેદરેક મિત્ર માટે ગિફ્ટ લઈ જાય છે. તે કદી વસ્તુના ભાવતાલ કરતો નથી. જે વસ્તુ પસંદ પડે તે ખરીદી જ લે છે. ભાવતાલ કરવા એ યોગ્ય નથી માનતો. એ કહે છે, એ માણસ કમાવા માટે દુકાન લઈને વસ્તુઓ વેચે છે, તો છો ને એ નફો રળે.’
શ્રીધર કાયમ સુમિરનને અમેરિકાની સમૃદ્ધિ અને વૈભવી જિંદગીની વાતો કરે. સુમિરન સામે દલીલ કરતો નહીં પણ ચૂપચાપ સાંભળતો અને શ્રીધરનું કહેવાનું પૂરું થઈ જાય એટલે એ બોલતો, “બધાંને ભૌતિક સંપત્તિની એવી ઘેલછા વળગી છે કે પોતાના સંસ્કાર ભૂલી જાય છે.”
શ્રીધર નિવૃત્ત થયા પછી એની મહત્વાકાંક્ષા પ્રમાણે પરદેશ વસવા ગયો અને સુમિરન એના વતનના ગામમાં જ્યાં એનાં મા-બાપ રહેતાં હતાં ત્યાં એમની સાથે રહેવા ગયો. સુમિરનના પિતાનું ઘર એક ટેકરી પર હતું. ટેકરી પર લીલોતરી જ લીલોતરી હતી.
શ્રીધર એક વાર અમેરિકાથી ઈન્ડિયા આવ્યો ત્યારે પોતાના મિત્રને મળવા એના વતન ગયો. સુમિરન ખૂબ સાદાઈથી જિંદગી જીવતો હતો. એમાં જરાય વૈભવ ન હતો. સુમિરનને મનમાં હતું કે શ્રીધરને ગામડાની સાદી, ભોગવિલાસ વગરની જિંદગી જીવવી નહિ ગમે તેથી એ સુમિરનના ઘેર રોકાશે નહિ. પરંતુ શ્રીધરને સુમિરનનું ઘર, ગામ અને જિંદગી બહુ ગમી ગયાં.
સુમિરનનું મન પસન્ન હતું અને શરીર પૂરેપૂરું નીરોગી હતું. એ કોઈ દવા લેતો ન હતો. પણ એની જીવનપદ્ધતિ પહેલાં કરતાં સ્ફૂર્તિભરી હતી. એણે એના ઘરના આંગણામાં જામફળી, દાડમડી, સીતાફળી અને ચીકુડી વાવ્યાં હતાં. સરગવો, આંબળા અને લીમડો વાવ્યાં હતાં. ભરઉનાળે પણ એના આંગણામાં તાપ નહોતો લાગતો. લીમડાની છાયામાં એક હીંચકો હતો. શ્રીધરને ત્યાં બેસવું બહુ ગમતું. એનું મન પ્રસન્ન રહેતું.
શ્રીધરને હાઈ બ્લડપ્રેશર અને કબજિયાત કાયમ રહેતાં, તેથી એને નિયમિત દવાઓ લેવી પડતી. શ્રીધરે સુમિરનને કહ્યું, ‘દોસ્ત તું તો ખરેખર દેવભૂમિમાં વસે છે. અહીંની હવા કેટલી તંદુરસ્ત છે. તારે કોઈ દવા લેવી પડતી નથી. તું તો હિલસ્ટેશન પર વસે છે.’
સુમિરન બોલ્યો, ‘શ્રીધર, તું ય આર્થિક રીતે સમૃદ્ધ દેશમાં વસે છે, જ્યાં કોઈ ચિંતા નથી, ટેન્શન નથી બસ જિંદગીમાં મોજ કરો.’
શ્રીધર બોલ્યો, ‘અરે ભાઈ, મારે તો કાયમ ભૂલ્યા વગર દવા લેવી પડે છે. જ્યારે અહીં તો કુદરત જ તારું આરોગ્ય સાચવે છે. આ ચોખ્ખી હવા, ચોખ્ખું પાણી અને ઘરનો સાત્વિક ખોરાક તને કદી ય માંદા પડવા જ ન દે.’
આપણે વાંચ્યુ છે કે રોજ સવાર, બપોર, સાંજ પ્રદૂષણવિહીન, તાજી હવામાં ઊંડા શ્વાસ લો. તારે તો સવાર, બપોર, સાંજ જ્યારે શ્વાસ લે ત્યારે પ્રદૂષણવિહીન હવા છે, અહીં ક્યાંય ઘોંઘાટ નથી. બધું જ આરોગ્યપ્રદ છે. પાણી ચોખ્ખું મળે છે, ક્યાંય કારખાનાનું દૂષિત પાણી નથી આવતું. ક્યાંય ગટરનું પાણી પીવાના પાણી સાથે ભળી નથી ગયું.’
‘આ ગામમાં એકે હોટલ નથી એટલે તળેલી કે મેંદાની મસાલેદાર વાનગીઓ ખાવી હોય તો ય મળે નહીં. વૈદ્યો કહે છે કે તળેલી વાનગી, તીખા મસાલા આરોગ્યને નુકસાન કરે છે, આપણે એવી વાનગીઓ જોઈએ તો ખાવા લલચાઈ જઈએ, પણ એવી વાનગીઓ અહીં તો મળતી જ નથી. ડૉક્ટરો કહે છે, જંક ફૂડ ન ખાઓ. અહીં તો જંક ફૂડ નજરે પડે જ નહિ તેથી ખાવાનું મન થયું હોય તો ય જંક ફૂડ ખાવા મળે જ નહિ. જ્યારે અમેરિકામાં તો આ બધું સહેલાઈથી મળે.’
‘મિત્ર સુમિરન, તું ખરેખર ભાગ્યશાળી છે. તું ઓછામાં ઓછું સો વરસનું આયુષ્ય જીવીશ, અને તે ય તંદુરસ્ત, રોગવિહીન તારું આયુષ્ય હશે.’
‘તારું આંગણું કેટલું વિશાળ છે ! સવારના દૂર ફરવા જવાની જરૂર જ ના પડે. આંગણામાં આંટા મારો તો ય પૂરી કસરત થઈ જાય અને ડૉક્ટરો કહે છે કે જંક ફૂડ ન ખાઓ, પરંતુ અહીં તો જંક ફૂડ મળે જ નહીં. અહીં આંગણામાં તુલસી, ફૂદીનો કેટલાં બધાં છે. ટામેટા, મરચાં, આદું, લસણ, કાંદા, પાલક પણ જોઈએ તેટલાં છે. સુમિરન તેં તો બધું આરોગ્યની દ્રષ્ટિએ જ ઉગાડ્યું છે.’
સુમિરન કહે, “ભાઈ, આ બધી મારા દાદાજીની મહેરબાની છે. મારા દાદાજીએ ઘણાંખરાં વૃક્ષો વાવેલાં છે, પાછલી ઉંમરમાં મારા બાપુજીનાં આંતરડાં સાવ નબળાં પડી ગયેલાં. પ્રકૃતિ વિશારદે સલાહ આપી તે પ્રમાણે તેમણે ગરમાળો વાવ્યો છે. બાપુજી ગરમાળાની શીંગોને તોડીને પાણીમાં ઉકાળીને ૩ કપ ગરમ પાણી રોજ રાત્રે પીવે છે તો સવારે એમને પેટ સાફ આવે છે. મારા બાપુજીનાં આંતરડાં સાવ મરી ગયાં હતાં તેથી તેમને ભૂખ લાગતી નહીં પણ હવે ભૂખ લાગે છે.’
શ્રીધર બોલ્યો, ‘ભૂખ તો લાગે જ ને ? તારા બાપુજી કુદરતની રાહે ચાલે છે. સુમિરન, તું અને તારું આખું કુટુંબ કુદરતના ખોળામાં જીવો છો. તમે બધાં કુદરતનાં વહાલાં સંતાનો છો. તમે બધાં કુદરતના નિયમો પાળો છો, એટલે તમારે કોઈ દવાની જરૂર નથી પડતી. અમે તો ભોગ વિલાસમાં જીવીએ છીએ. પછી કુદરત અમારી પર ક્યાંથી કૃપા વરસાવે ? ખરેખર તમે બધાં સાચી રીતે જીવો છો ! તેથી જ તમારાં જીવન સમૃદ્ધ બન્યાં છે. તમને ભૌતિક સંપત્તિનો કોઈ મોહ નથી, ખરેખર તમારું જીવન સાત્વિક છે.’
શ્રીધરને મનમાં અફસોસ થાય છે કે તે પાછલી ઉંમરમાં દેશ છોડીને પરદેશ ગયો, તે મોટી ભૂલ છે. પારકી ભૂમિ, પારકી સંસ્કૃતિ પોતાની ગણવી જોઈએ એ એક આદર્શ છે પણ જીવવું તો આપણું જીવન સમૃદ્ધ બને એ રીતે જ. માનવજીવન એક વાર મળ્યું છે તેથી વેડફવા નહીં દેવાનું.
આપણા આદર્શ ખાતર અને માનવતા ખાતર જીવવું જોઈએ તો જ જીવન સાર્થક બને. જીવન સુંદર બને, મધુર બને.
– અવંતિકા ગુણવંત
(‘અખંડ આનંદ’ સામયિકના ઑગસ્ટ, ૨૦૧૫ના અંકમાંથી સાભાર)
ખુશ ખબર …આભાર

500,000+ મુલાકાતીઓ
વાચક મિત્રોને જણાવતાં આનંદ થાય છે કે વિનોદ વિહારના માનવંતા મુલાકાતીઓની સંખ્યા
500,000 (અડધો મીલીયન)
વટાવી આગળ વધી રહી છે.
સૌ મુલાકાતી મિત્રોના સહકાર બદલ દિલથી આભાર માનું છું.
વિનોદ પટેલ
Like this:
Like Loading...
Related
વાચકોના પ્રતિભાવ