વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: એપ્રિલ 8, 2018

1173 – સાઈકલનો અવાજ …. ટૂંકી વાર્તા ….. લેખક- ‘હરીશ્ચન્દ્ર’

‘ભુમીપુત્ર’ના છેલ્લે પાને પ્રગટતી ‘હરીશ્ચંદ્ર’ બહેનોની સંક્ષેપ કથાઓ ગુજરાતી લેખનમાં વીશેષ ભાવે સ્થાન પામી છે. આ કથાઓ એ બહેનોની સ્વતંત્ર કૃતીઓ નથી; ભારતની વીવીધ ભાષાઓમાંથી ચુંટી કાઢેલાં ફુલો તેમણે ગુજરાતી ભાષાપ્રેમીઓને ધર્યાં છે પણ એની વીશેષતા જેટલી એના લાઘવમાં છે, એટલી જ એની જબ્બર સુચકતામાં છે….અનુવાદ તો આ છે નહીં; બધું જ નવું સ્વરુપ છે. નવું સ્વરુપ આપવું; છતાં જુનું રાખવું અને પોતાની જાતને ક્યાંય દેખાવા ન દેવી, તે એક તપ માગે છે. આવી મધુર તપસ્વીતા તો બન્ને બહેનોનાં જીવનમાં છે જ; પણ આમાં પણ એ તપ ઉતર્યું છે.

‘વીનોબાજીની પ્રેરણાથી લગભગ ચીર પ્રવાસમાં રહેનારી આ બહેનોએ દક્ષીણ–ઉત્તર–પુર્વ–પશ્ચીમ ભારતમાંથી આ બધી વાર્તાઓ કેવી રીતે શોધી અને તેનો પુનર્જન્મ બન્નેએ કેવી રીતે કર્યો તે પણ એક નવાઈભરી ઘટના છે. બે જણ લખે; છતાં એક જણે, એક હાથે લખ્યું હોય તેવું લાગે, તે બન્નેનાં મનૈક્યની પ્રસાદી છે…આવી પ્રસાદી મળતી રહો અને આપણે આરોગતા રહીએ…’

–મનુભાઈ પંચોલી, લોકભારતી, સણોસરા, 21 જાન્યુઆરી 1984 ‘વીણેલાં ફુલ’ ભાગ–1ની પ્રસ્તાવનામાંથી સાભાર..

સૌજન્ય-આભાર … શ્રી ઉત્તમ ગજ્જર ..સન્ડે-ઈ-મહેફિલ

soldier-in-wheel-chair

સાઈકલનો અવાજ …. ટૂંકી વાર્તા ….. લેખક- ‘હરીશ્ચન્દ્ર’

હું આ ત્રીજી વાર અમેરીકા આવ્યો છું. જગ્યાની શોધમાં છું. ઈન્ફર્મેશન ટૅકનોલૉજીમાં કામ કરનારા અમારા જેવાની આ જ દશા છે. કોઈ એક જગ્યાએ ડેરા નાખીને રહેવાનું ન હોય.જ્યાં પ્રોજેક્ટ મળે ત્યાં જઈને રહેવું પડે.પ્રોજેક્ટ પુરો થયો કે બીસ્તરા પોટલાં બાંધો અને સ્વદેશ સીધાવો. ડૉલરનું આકર્ષણ અહીં તાણી લાવે.

આ વખતે મારી કંપની છે, એક કસ્બામાં. મકાન શોધતો રહ્યો. બે અઠવાડીયાં હૉટેલમાં રહ્યો.છ બાર મહીના માટે આવનારા મારા જેવાને સ્વતંત્ર મકાન કરતાં ઍપાર્ટમૅન્ટ વધુ માફક આવે છે.બરફ પડે ત્યારે કારના પાર્કીંગ માટે જગ્યા સાફ કરવી,ઘાસ ઉગી જાય ત્યારે તેને કાપવું, બાથરુમમાં નળ બગડ્યો કે તેને દુરસ્ત કરવો આવી કોઈ ઝંઝટ જ નહીં. બધું ઍપાર્ટમૅન્ટના વ્યવસ્થાપક કરી દે. આપણે બસ, ભાડું ચુકવી દીધું કે છુટ્ટા !

હું આવ્યો તે કસ્બામાં ઍપાર્ટમૅન્ટ ઝાઝાં નહોતાં. સ્થાનીક છાપાં”માં અને ઈન્ટરનેટ પર વેબસાઈટમાં જોઈ હું જગ્યા શોધતો રહ્યો. કાંઈ મેળ પડતો નહોતો. ક્યાંક ભાડું મને પોષાય તેમ નહોતું. અને ખાસ તો મને ભોંયતળીયે કે પહેલે માળે નહીં; ઉપર બીજા માળે જગ્યા જોઈતી હતી. ગયા વખતનો મારો અનુભવ બહુ ખરાબ હતો. અહીં મોટે ભાગે ફ્લોરીંગ લાકડાનું હોય. ઉપરના માળે કાંઈ ને કાંઈ હલચલ થાય કે નીચે આખો વખત ભુકંપનો અનુભવ થયા કરે.

ઉપરની તો કોઈ જગ્યા મળી નહીં; એટલે છેવટે ભોંય તળીયાની જ લેવી પડી. છ મહીનાનું કરારનામું કર્યું અને હું ત્યાં રહેવા ગયો. જરુરી સામાન ખરીદ્યો. પણ પ્રથમ ગ્રાસે જ મક્ષીકા ! હજી હું માંડ બધું ગોઠવતો હતો, ત્યાં જ ઉપર ધમ્મ કરતી કોઈ ચીજ પડ્યાનો અવાજ આવ્યો. થોડી વાર થઈ ત્યાં ઉપર કોઈ સાઈકલ ચલાવતું હોય એવો અવાજ આવ્યો. થોડી વાર પછી ફરી સાઈકલ ચલાવવાનો અવાજ. મેં માન્યું કે ઉપર કદાચ નાનાં છોકરાંવવાળું કુટુમ્બ રહેતું હશે. પણ હવે શું કરું? મેં એમ માનીને મન મનાવ્યું કે, આખો દીવસ તો મારો ઓફીસમાં નીકળી જશે, અને રાતે છોકરાં જમ્પ્યાં હશે; એટલે વાંધો નહીં આવે.

પરન્તુ મારી આશા ઠગારી નીવડી.થોડો વખત ટીવી જોઈને રાતે અગીયાર વાગ્યે પથારીમાં પડ્યો ત્યારેય ઉપર કાંઈ ને કાંઈ ખટપટ ચાલતી જ હતી.વચ્ચે-વચ્ચે સાઈકલનોયે અવાજ આવતો રહ્યો. મને ઉંઘ આવતાં બે વાગી ગયા !

હું તંગ આવી ગયો હતો, આવું તો કેમ ચાલશે ?ઓફીસમાં મારા અમેરીકાના સાથીદારોને વાત કરી. તેણે સુચવ્યું કે તારી પરેશાનીની વીગત આપતો એક પત્ર લખીને ઉપરવાળાની પત્ર પેટીમાં નાખી દે, જરુર કાંઈક ફરક પડશે. મેં ઓફીસમાં જ પત્ર ટાઈપ કરી નાખ્યો. ઘરે જઈ ઉપરવાળાની પત્રપેટીમાં નાખી દીધો. પણ મારું ધ્યાન ગયું કે પેટી ઠસોઠસ ભરેલી હતી. ઘણા દીવસથી તેમાંની ટપાલ કઢાઈ નહીં હોય.

તે રાતે પણઆગલી રાતનું જ પુનરાવર્તન. કાનમાં રુનાં પુમડાં નાખીને સુતો, ત્યારે ઉંઘ આવી ! આમ, ચાર-પાંચ દીવસો નીકળી ગયા. મારા પત્રની કોઈ અસર નહોતી. છેવટે મને થયું, રુબરુ જ જઈને કહી આવું.

હું ઉપર ગયો. બારણું ઠોક્યું. ઘંટડી જોઈ એટલે તેનું બટન જોરથી દબાવ્યું. અંદરથી અવાજ આવ્યો, `કમ ઈન….. દરવાજો ખુલ્લો જ છે.’ ધીરેથી દરવાજો ખોલી હું અંદર ગયો. અંદર ઝાંખું અજવાળું હતું. કોઈ માણસ દેખાતું નહોતું. ટીવી પર જોરદાર ચર્ચા ચાલતી હતી કે ઈરાકનું યુદ્ધ જરુરી હતું કે નહીં. ત્યાં અંદરના રુમમાંથી ફરી અવાજ આવ્યો, `જરા થોભો, હું આવું છું.’

મને થયું, ઘરમાં કેમ બીજું કોઈ દેખાતું નથી ? ત્યાં મારી નજર ખુણામાં પડેલ કાંખઘોડી અને કૃત્રીમ પગ પર પડી. તેવામાં અંદરથી મારો પરીચીત સાઈકલનો અવાજ આવ્યો. અને પૈડાંવાળી ખુરશી પર બેઠેલો પચીસ ત્રીસ વરસનો એક જુવાન મારી સામે આવ્યો. તેની આંખોમાં હતાશા હતી. તેનો ડાબો ચહેરો દાઝીને કુરુપ થઈ ગયો હતો. હું તો અવાક્ થઈ ગયો ! એકદમ પાછો ફરી ગયો. કાંઈ પણ કહેવાના હોશ મારામાં ન હતા. હું ભાગ્યો. એ મોટેથી કહી રહ્યો હતો, `અરે, આવો ને ! મારું નામ સ્મીથ…. સ્મીથ મૅક્સવેલ. આવો, વાતો કરીએ !’

મારા મનમાં ઘમસાણ ચાલી રહ્યું હતું. આવી તો મેં કલ્પનાયે નહોતી કરી. તે પોતાની પૈડાંગાડી દરવાજા સુધી લાવી મને કહી રહ્યો હતો, તે મેં સાંભળ્યું, `કમ સે કમ મારી ટપાલપેટીમાંથી મારી ટપાલ આપી જશો ? તમારો આભાર !’

નીચે ઉતરી, જઈને મેં પેટીમાંની બધી ટપાલ કાઢી. તેમાં મારો પત્ર પણ હતો, તે મેં પાછો લઈ લીધો. ઉપર જઈ તેને ટપાલ આપી હું ઝટ નીચે ઉતરી આવ્યો.

પાછળથી એપાર્ટમેન્ટના વ્યવસ્થાપક પાસેથી જાણ્યું કે આ જ ઘરમાં તે તેનાં માતાપીતા સાથે રહેતો હતો.

એકાદ વરસ પહેલાં ઈરાક યુદ્ધમોરચે બૉમ્બ ફાટવાથી એ પોતાના બન્ને પગ ગુમાવી બેઠો હતો.આ અકસ્માતના સમાચાર મળતાં જ એના પીતાને હાર્ટ ઍટેક આવ્યો અને એ ચાલ્યા ગયા. એની સાવકી મા થોડા દીવસ પહેલાં જ બીજું લગ્ન કરીને ચાલી ગઈ. એની ગર્લફ્રેન્ડ પણ એને આ અવસ્થામાં છોડી ગઈ છે…..

મારુ મન ખીન્ન થઈ ગયું. મને તેને માટે અપાર લાગણી થઈ આવી. હવે હું બે ચાર દીવસે એની પાસે જઈને બેસતો, એનું કાંઈ ને કાંઈ કામ કરી આપતો. સાઈકલનો અવાજ હવે મને કનડતો નહોતો.

`હરીશ્ચન્દ્ર’

(શ્રીશરત્ નોણબુરુની કન્નડવાર્તાને આધારે)