વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: એપ્રિલ 14, 2018

1176- સ્વ.કુસુમબેન વિ.પટેલની પુણ્યતિથીએ હાર્દિક શ્રધાંજલિ

સ્વ.કુસુમબેન વિનોદભાઈ પટેલ 

(જન્મ-ફેબ્રુઆરી ૧,૧૯૩૮ …….સ્વર્ગવાસ-એપ્રિલ ૧૪,૧૯૯૨)

આજે ૧૪ મી એપ્રિલ,૨૦૧૮ એ મારાં ધર્મ પત્ની સ્વ. કુસુમ વી. પટેલ ની ૨૬ મી પુણ્યતિથીનો દિવસ છે.એમની વિદાયને ૨૬ વર્ષ પસાર થઇ ગયાં એ મનાતું નથી.

આજના આ દિવસે નીચેની રચનાથી સ્વ. કુસુમને શ્રધાંજલિ આપું છું. 

કાવ્યાંજલિ 

જિંદગીની આ તો કેવી કરુણતા છે કે,

હર દિન નજર સમક્ષ રહેતું પ્રિય જન,

એક દિન છબીમાં મઢાઈ જાય છે !

વિદાય થાય પણ યાદો મૂકી જાય છે!

સમય કેવો ઝડપથી વહી ગયો છે,

છતાં સ્મરણો બધાં ક્યાં ભૂલાય છે!

ભલે સદેહે તમે આજ સમીપ હાજર નથી,

તમારા શબ્દો હવામાં હજી જાણે ગુંજતા.

***     ***      ***

પ્રેમ,નમ્રતા, કરુણા,પરિશ્રમી જીવન તમારું ભૂલાય ના,

તસ્વીરો જોઈ તમારી,તાજાં થતાં અમને સૌ સંસ્મરણો.

શબ્દો ખરે ઓછા પડે ગણવા ઉપકારો એ બધા આપના,

છવીસમી પુણ્યતિથીએ,અર્પું શ્રધાંજલિ,આ ચંદ શબ્દો થકી.

વિનોદ પટેલ, તારીખ ૪-૧૪-૨૦૧૮ 

The song is ended, but the melody lingers “
– Irving Berlin

 

યાદ આવી ગઈ અમદાવાદી શાયર સ્વ.આદિલ સાહેબની આ ભાવસભર રચના 

દિલમાં  કોઇની યાદનાં પગલાં રહી ગયાં ,

ઝાકળ ઊડી ગયું અને ડાઘા રહી ગયા.

કહેવાનું હતું ઘણું છતાં કહી શકયાં નહી,
ગંગા સુધી ગયા ને પ્યાસા રહી ગયા,

‘ચલ’ એમ કહી ને ચાલી ગયા તમે,
ઠંડા હ્રદયમાં ગુંજતા કોઇ પડઘા રહી ગયા,

વરસ્યા વિના વહી ગયી માથા પરથી વાદળી,
આ દિલ દુઃખી થયુ ને અમે જોતા રહી ગયા.

સ્વ.આદિલ મનસુરી 

“કુસુમાંજલિ”-ઈ-બુક 

૧૪ મી એપ્રિલ,૨૦૧૫ ના રોજ, કુસુમબેનની ૨૩મી પુણ્યતિથીના દિવસે એમના પુણ્ય સ્મરણાર્થે પ્રતિલિપિના સહકારથી “કુસુમાંજલિ” એ નામે એક ઈ-બુક” ને ગુજરાતી સાહિત્ય રસિકો માટે ખુલ્લી મુકવામાં આવી હતી.

આ ઈ-પુસ્તકમાં સ્વ. કુસુમબેનની સચિત્ર જીવન ઝરમર જેમાં અમારા ૩૦ વર્ષના દામ્પત્ય જીવનના પ્રસંગો,મારા ચૂંટેલા ચિંતન લેખો, વાર્તાઓ, કાવ્યો વિગેરે વિવિધ સાહિત્યથી સદગત આત્માને શ્રધાંજલિ આપવામાં આવી હતી.

નીચેના ચિત્ર ઉપર ક્લિક કરી આ ઈ-પુસ્તક વાંચી શકશો.

kusumaanjali- big-2

‘કુસુમાંજલિ” માં ભજનાવલિ

આ ઈ-બુકને અંતે સ્વ.કુસુમબેનને પસંદ હતાં એવાં લગભગ ૪૦ ચૂંટેલાં ભજનો,આરતીઓ તથા અન્ય આધ્યાત્મિક પ્રસાદીને સમાવીને એક મીની ઈ-બુક જેવી ભજનાવલિ પણ આ ઈ-બુકમાં સામેલ કરેલી છે એ પણ જરૂર જોશો.

પ્રાર્થના પોથી

ને ગમતા પ્રાર્થના-ભજનોના બે યુ-ટ્યુબ વિડીયો….
Prarthana Pothi : પ્રાર્થના પોથી : Gujarati Prarthana- (Part 1)

Prarthana Pothi : પ્રાર્થના પોથી : Gujarati Prarthana-(Part 2)

જે જીવ આવ્યો છે આપ પાસે,ચરણમાં અપનાવજો,
પરમાત્મા,એ દિવ્ય આત્માને શાંતિ સાચી આપજો.

વિનોદ પટેલ, સાન ડિયાગો,

એપ્રિલ ૧૪,૨૦૧૮