વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

1188- ‘ એક્લો ક્યાં છું …મારો પ્રભુ તો મારી સાથે છે ને ”.. એક પ્રેરણાદાયી સામાજિક વાર્તા

લોસ એન્જેલસમાં રહેતા હમ ઉમ્ર સ્નેહી મિત્ર શ્રી વલ્લભભાઈ ભક્તાએ વોટ્સેપ પર એક સરસ હૃદયસ્પર્શી તેમ જ પ્રેરણાદાયી વાર્તા મને વાંચવા માટે મોકલી એ મને ગમી ગઈ.શ્રી ભક્તાના આભાર સાથે આજની પોસ્ટ મારફતે વિ.વિ.ના વાચકોને વાંચવા માટે એને વહેંચું છું. 

આ વાર્તામાં એક નિવૃત વિધુર વસંતભાઈ એમના જીવનનો એક મહત્વનો અને સાચો નિર્ણય લઈને એમના દીકરાને એના જીવન માટેનો યાદ રહી જાય એવો પાઠ ભણાવે છે.

સાંપ્રત સમાજની વાસ્તવિકતાને વાચા આપતી આ સામાજિક વાર્તાનો સંદેશ જૂની પેઢી તેમજ નવી પેઢીને માટે પ્રેરણાદાયી બનશે.

વિનોદ પટેલ

===========

બિલ્ડીંગના સેક્રેટરી પાસેથી ખબર પડી કે આ ફ્લેટ વસંતભાઈએ વેચી નાખ્યો છે!દીપક ઘા ખાઈ ગયો..પપ્પાએ તેને બરોબરનો વળતો ઘા આપ્યો હતો!

વસતંભાઈ પૂજા કરીને બહાર આવ્યા ..એમને આવેલા જોઈને દુર્ગાબહેન ડાઈનીંગ ટેબલ પર નાસ્તાની વાનગીઓ ગોઠવવા લાગ્યાં.આ જોઈને  વસંતભાઇને જરા હસવું આવી ગયુ.

થોડીવારમાં દુર્ગાબહેન તેમને બોલાવવા આવ્યાં.-”ચાલો સાહેબ, નાસ્તો તૈયાર છે”.

હસીને વસતંભાઈએ કહ્યુ –‘’ અરે દુર્ગાબહેન, તમે ભુલી ગયાં .આજથી તો હું રિટાયર થઈગયો છું . હવે મારે નાસ્તો કરીને ઓફીસે ભાગવાનું નથી. હવે તો બસ આરામ જ આરામ છે. એક કામ કરો, આજે મારો નાસ્તો બાલ્કનીમાં જ મોકલાવી દયો . હું આજે ત્યાંજ નાસ્તો કરીશ.’’– વસતંભાઈ બાલ્કનીમાં આવ્યા.

વાલકેશ્વરના ”ચન્દૃદર્શન’ના છઠ્ઠે માળેથી સામે ઘુઘવતો દરિયો દેખાતો હતો.વસતંભાઈ દરિયાના ઉછળતાં મોજાંને જોઈ રહ્યા.ઉછળતાં મોજાં જાણેકે આખીએ સૃષ્ટીને પોતાનામાં સમાવવા ઉતાવળાં થયાં હતાં. નીચે રસ્તા પર ગાડીઓ જાણે કે ભાગતી હતી.

ગઈ કાલસુધી પોતે પણ આ ફાસ્ટ જિદંગીનો જ એક ભાગ હતા .આજે બસ પરમ શાંતિ છે. માથા પર કોઇ ભાર નહીં ..

વસતંભાઈ પોતાનો ભુતકાળ વાગોળી રહ્યા. પત્ની શાંતિબહેન ના મૃત્યુ પછી જાણે તેમની જિદંગીની એકજ વ્યાખ્યા હતી ..કામ .. કામ ..અને કામ.. અથાગ મહેનત અને પરિશ્રમ કરીને તેમણે પોતાની કંપનીને એક ઊંચાઈ પર પહોંચાડી હતી.દીકરા દીપકને એકલે હાથે મોટો કર્યો.તેને ભણાવ્યો અને પછી ધધાંમાં પલોટ્યો. આજે દીપક એક કાબેલ બિઝનેસમેન છે.

હમણાં ઘણા વખતથી વસંતભાઈને થયા કરતું હતું કે બસ… હવે બહુ કામ કર્યું . મોટા ગામતરે જવાનો વખત આવે તે પહેલાં જિદંગીને જરા માણવી છે!

દીપકને કહ્યું –‘’બેટા હવે હું રિટાયર થવા માંગુ છુ’’. 
અને સઘળો કારોબાર દીપકના નામ પર કરી તેમણે રિટાયરમેંટ લઈ લીધુ.આજે તેમનો પહેલો દિવસ હતો.

‘’સાહેબ,ચા ઠંડી થઈ ગઈ, બીજી બનાવીને લાવું ?’’ .. પાછળથી દુર્ગાબહેનનો અવાજ આવ્યો.

‘’ના ના ચાલશે’’. – કહી વસંતભાઇએ ચાનો ઘુટંડો ભર્યો-‘’ ગરમ ગરમ ચા તો બહુ પીધી, હવે જરા ઠંડી ચા નો આનંદ લેવા દયો’’.

ધીરે ધીરે વસંતભાઈ નિવૃતિમય પ્રવૃતિમાં પ્રવૃત થયા. સવારે ગાર્ડનમાં ચાલવા જાય. યોગ કરે. સાંજના તેમને ગમતાં પ્રવચનોની શ્રેણીઓમાં  જાય. ગમતુ સંગીત સાંભળે .ઘર મોટું હતું એટલે તેમના ઓરડામાં શાંતિથી પોતાનુ ગમતું કામ કરી શકતા. કંઈ કેટલાય લેખકોની પુસ્તકો વાંચવાની તેમની ઇચ્છા હતી, તે પણ હવે પૂરી થતી હતી.

સહઉમ્રના મિત્રોનું એક ગ્રુપ બની ગયું હતું એટલે આનંદમાં દીવસો પસાર થતા હતા. ક્યારેક દીપક સાથે બેસી ધંધાની ચર્ચા કરતા તો ક્યારેક પૌત્ર સૌમિત્ર સાથે શતરંજની ગોઠડી માંડતા.

એકવાર બધા મિત્રોએ નક્કી કર્યુ કે સિંગાપુર ફરવા જઈએ. વસંતભાઈએ તરત હા ભણી .બીજે દિવસે દીપકને કહ્યુ-‘’ બેટા…આજે જરા એંસીહજારનો ચેક આપજે. અમે સિંગાપુર જવાનુ નક્કી કર્યુ છે.’

‘’પણ પપ્પા … દીપક જરા અચકાયો – હમણાં હાથમાં એટલી રોકડ રકમ નથી.’’.

‘’રોકડ રકમ નથી?’’ વસંતભાઈને જરા નવાઈ લાગી.. પહેલાં  થયું દીપકને પૂંછુ.. પછી માંડી વાળ્યુ. –હશે.. ધંધો છે… . હમણાં મેળ નહી હોય. એમણે મિત્રોને પોતાની આવવા બાબત અસમર્થતા જણાવી ..મિત્રો તેમની વગર જવા નહોતા માંગતા એટલે બધાંયએ નક્કી કર્યું કે આવતા વરસે સાથે જશું. 

હમણાં વસંતભાઈ આશ્રમમાં ભાગવત સાંભળવા જતા હતા. ઘરે આવતાં મોડું થઈ જતું હતું . પછી થાક્યા હોય એટલે જમીને પોતાના રૂમમાં આરામ કરવા જતા રહે. દીપક સાથે ધણા વખતથી વાત થઈ નહોતી. એક રવીવારે તે ઘરે હતા ત્યારે તેમને એમ લાગ્યું કે ઘરમાં કઈંક તૈયારીઓ ચાલી રહી છે. વહુ-દિકરો અને પૌત્ર કશાકમાં વ્યસ્ત છે.

બપોરે જમવા બેઠાતો લાગ્યું કે વહુ મંજરી દુર્ગાબહેનને કઈંક સૂચનાઓ આપી રહી છે. દુર્ગાબહેન રોટલી આપવા આવ્યાં એટલે તેમને પૂંછ્યુ –‘’ શું વાત છે?’’

-‘’કંઇ નહીં .. ભાઈ-ભાભી બહારગામ જવાનાં છે એટલે જરૂરી સૂચનાઓ આપતાં હતાં ’’..

‘’બહારગામ જવાનાં છે? ક્યારે.. ક્યાં? ”.ત્યાં તો મંજરી રસોડામાંથી બહાર આવી. ‘’કેમ વહુ બેટા,ક્યાં જવાનાં છો?”

‘’પપ્પા અમે યુરોપની ટૂર પર જઇ રહ્યાં છીએ ’’.

”હેં .. ક્યારે?’’

‘’પરમ દિવસે’’

વસંતભાઈનો કોળિયો હાથમાં જ રહી ગયો. એમણે જેમ તેમ સ્વસ્થતા મેળવી . –‘’દીપક આવે એટલે મારા રૂમમાં મોકલજો’’ એમ કહી તે ઉભા થઇ ગયા .દુર્ગાબહેન તેમને જતા જોઈ રહ્યાં.

રાતના જમીને મોડેથી દીપક તેમના રૂમમા આવ્યો .’’તમે મને બોલાવ્યો પપ્પા?’’

‘’ હા મેં સાંભળ્યુ છે કે તમે યુરોપ જવાના છો?”

”હા .પપ્પા. સૌમિત્રનું છેલ્લું વરસ છે.આવતા વરસથી તે ભણવામાં વ્યસ્ત થઈ જશે… અને અમારા મિત્રો પણ જાયછે.. એટલે અમે પણ જઈએ છીએ ’’

‘’અને તમે મને પૂછવાની દરકાર પણ ન કરી?.”

‘’એમાં પૂછવાનુ શૂં?”

‘’કેમ હજુ ગયા મહીને તો તમારા હાથમાં રોકડ રકમ નહોતી.. અને હવે ત્રણ જણનો ખર્ચો નીકળશે? ”.

‘’ હા.થોડી ઘણી થઈ છે.”

”તે ગયા મહીને થઇ શકે તેમ નહોતી?’’.

‘’ તે પપ્પા તમને હવે આ ઊમરે સિંગાપૂર જઈને શુ કરવું  ——–

બાકીનું વાક્ય દીપક ગળી ગયો.

”આ ઊમરે એટલે?..”  વસંતભાઇને ઝાળ લાગી ગઈ .

દીપક રૂમની બહાર જતો રહ્યો. વસંતભાઈ ઘા ખાઇ ગયા.એમનો દીકરો આવું કરી શકે તે એમના માન્યમાં નહોંતુ આવતું .. પોતાનો બધો ધંધો તેમણે દીપક પર વિશ્વાસ કરી તેને સોપી દીધો હતો.એમને ભરોંસો હતો કે દીપક એમને સાચવશે. એટલે પોતાની માટે તેમને અલગ ખાસ વ્યવસ્થા કરવાની જરુર નહોતી લાગી.. આવું તો તેમણે સપનામાંએ નહોતું વિચાર્યુ .

મોડી રાત સુધી વસંતભાઈ રૂમમાં આંટા મારતા રહ્યા.. વિચારી રહ્યા ..

”હવે શું આખી જિંદગી આમ જ કાઢવી પડશે?… ભવિષ્યમાં પૈસા માટે દીકરા પાસે હાથ લાંબો કરવો પડશે?આખી જિંદગી ખુમારીથી જીવ્યા હતા..હવે જતી જિંદગીએ લાચારી ભોગવવી પડશે..? ના..ના..”

બીજો આખો દિવસ તે રૂમમાં જ રહ્યા. દુર્ગાબહેન શેઠનો મુડ પારખી નાસ્તો..જમવાનું બધુ રૂમમાં જ આપી ગયાં . વસંતભાઇએ થોડું ઘણુ ખાધુ..

‘’સાહેબ. તબીયત બરાબર નથી?’’.. –‘’બરાબર છે’’.. વર્ષોથી શેઠ સાથે રહેતાં દુર્ગાબહેનને અણસાર આવી ગયો કે કૈંક ગરબડ છે ..

ત્રીજે દિવસે વહેલી સવારે દીપક,મંજરી અને સૌમિત્ર જ્યારે નીકળ્યાં ત્યારે વસંતભાઈ સુતા હતા.

મંજરીએ હળવા સાદે બૂમ પાડી -’’ પપ્પા. પપ્પા.. અમે નીકળીએ છિયે”

વસંતભાઈ ઝબકીને જાગી ગયા.-‘’ હા બેટા.. ખુશી થી જાવ.’’ 

‘’પપ્પા તમારુ ધ્યાન રાખજો. દુર્ગાબહેનને મેં બધુ સમજાવી દીધુ છે’.

‘‘ ભલે”

મંજરી અને સૌમિત્ર તેમને પગે લાગીને નિકળ્યા.. દીપક રૂમની બહાર જ ઉભો રહ્યો.. વસંતભાઈ પાછા સૂઈ ગયા. ગઇ કાલે રાતના એમણે એક નિર્ણય લીધો હતો. દીપકના આજના વ્યવહારે એ નિર્ણય પર મોહર મારી.

મોડેથી ઉઠી વસંતભાઈ બહાર આવ્યા.

”સાહેબ.ચા મૂકું?…

‘‘હા બે કપ મુકજો.મહેમાન આવવાના છે ” એમ કહી વસંતભાઈએ ફોન લગાડ્યો. થોડી વાર પછી નાસ્તાના ટેબલ પર તેમની સાથે તેમના મિત્રનો દીકરો પંકજ હતો.

થોડી વાર સામાન્ય વાતો કર્યા પછી વસંતભાઇએ સીધું જ પુછ્યુ..

”બેટા,મારા આ ફ્લેટની કિમંત કેટલી આવે?-

‘’આવે લગભગ સાડા પાંચ -છ કરોડ ‘’

”અને મને આજ સાંજ સુધીમાં રોકડા રૂપિયા હાથમાં જોઈતા હોય તો ? ”

પંકજ સ્થિર નજરે વસંતભાઇની સામે જોઇ રહ્યો.. ”‘’અરે જુવે છે શુ?..હું મશ્કરી નથી કરતો. આ ફ્લેટ હજુ મારા નામ પર જ છે.મારે કાલ સવાર સુધીમાં બધાં રાચરચીલાં સાથે આ ફ્લેટ વેચવો છે. થોડું આમતેમ પણ મને ટોટલ રોકડ રકમ હાથમાં જોઈએ‘’.

પંકજે ત્યાં બેઠાબેઠા બે ત્રણ પાર્ટીને ફોન લગાડ્યા અને કાલ સવાર સુધી ટોટલ રોકડી રકમ મળે એવી રીતે ફ્લેટનો સોદો કરી નાખ્યો. 

“હવે બેટા. એક કામ બીજું કર.. અત્યારે જ બરોડામાં સારા એરિયામાં ફુલ રાચરચીલા સાથેનો તૈયાર ફ્લેટ ખરીદી લે .’’

ત્યાં જ બેઠાં બેઠાં પંકજે એ સોદો પણ કરી નાખ્યો!. ફ્લેટ લીધા પછી પણ ઘણી મોટી રકમ હાથમાં બચતી હતી… તે રકમમાં તેમનો જીવન નિર્વાહ આરામથી થઇ શકે તેમ હતો.

આખો દિવસ તે બાલ્કનીમાં બેઠા રહ્યા. બસ દરિયાને જોતા રહ્યા.

”આ જિંદગી પણ દરિયાની જેમ કેટલી અમાપ છે! આ ગહન દરિયાની જેમ માણસનાં મન પણ ક્યાં કળી શકાય છે! ”

સાંજના તેમણે દુર્ગાબહેનને બોલાવ્યાં…

”જુઓ બહેન,આ ફ્લેટ મેં વેચી નાખ્યો છે. તમે કાલથી છુટ્ટા. તમે આ ઘર ની અને મારી બહુ સેવા કરી છે. તેનો બદલો તો હું વાળી શકવાનો નથી. આ પાંચ લાખ રૂપિયાનો ચેક છે. તમે ગામમાં તમારા પરિવાર સાથે જઇને આનંદથી રહો.”

દુર્ગાબહેન રડી પડ્યાં.-‘’ સાહેબ,તમે એકલા ક્યાં જશો?’

”‘ એક્લો ક્યાં છું .. મારો પ્રભુ તો મારી સાથે છે.. અને ક્યારેક તો એકલા જ જવાનું છે ને ! ”

બીજે દિવસે સવારે તેમણે ફ્લેટ છોડી દીધો .સાથે પોતાની થોડીક વસ્તુઓ અને પત્ની શાંતિબહેનનો ફોટો લીધો બસ. ફ્લાઇટમાં બરોડા પહોંચ્યા. ફ્લેટ સરસ હતો. ધીમે ધીમે બધું ગોઠવાતું ગયું.જીવનની નવી શરુઆત કરી. પાછી પોતાની મનગમતી પ્રવ્રત્તિઓ ચાલુ કરી દીધી.બધા જૂના સબંધો તે પાછળ છોડીને આવ્યા હતા!

વીસ દિવસે દીપક પોતાના પરિવાર સાથે પાછો ફર્યો. મંજરીએ ઘરની બેલ વગાડી.

એક પ્રૌઢ બહેને દરવાજો ખોલ્યો. ‘‘કોનું કામ છે?”

મંજરી તેમને આશ્ચર્યથી જોઈ રહી. ત્યાંતો દીપક લિફ્ટમાંથી બહાર આવ્યો. તે બેગ લઈને ઘરમાં ઘૂસવા જતો હતો ત્યાં પેલા બહેને તેમને રોક્યા.

”અરે ભાઇ,ક્યાં જાવ છો?”

”અરે મારા ઘરમાં.. –પપ્પા પપ્પા… દુર્ગાબહેન.”  તેણે બુમ પાડી…

બૂમ સાંભળી એક ભાઈ બહાર આવ્યા. ” અરે તમે બધા કોણ છો?”

” આ મારું ઘર છે ”

”તમારુ ઘર !? ભાઇ તમને કઇંક ભૂલ થતી લાગે છે.હજુ પંદર દિવસ પહેલાં જ અમે અહી રહેવા આવ્યાં છીએ.આ ફ્લેટ મારા દીકરાએ ખરીદ્યો  છે! ”

દીપકનું માથું ચક્કર ખાઇ ગયુ. તે નીચે ઉતર્યો. તેણે વોચમેનને પુછ્યુ. વોચમેનને કંઈ જ ખબર નહોતી.આજુબાજુ વાળાને પણ કઈં ખબર નહોતી… દીપકે બોરીવલીમા રહેતા તેના ફઇને ફોન કર્યો. ફઇ પણ આ બાબત એકદમ અજાણ હતા.

બિલ્ડીંગના સેક્રેટરી પાસેથી ખબર પડી કે આ ફ્લેટ વસંતભાઈએ વેચી નાખ્યો છે!

દીપક ઘા ખાઈ ગયો..

પપ્પાએ તેને બરોબરનો વળતો ઘા આપ્યો હતો!

-અજ્ઞાત 

 

One response to “1188- ‘ એક્લો ક્યાં છું …મારો પ્રભુ તો મારી સાથે છે ને ”.. એક પ્રેરણાદાયી સામાજિક વાર્તા

 1. Girish Parikh એપ્રિલ 18, 2018 પર 8:34 પી એમ(PM)

  આ પ્રેરક વાર્તા વાંચ્યા પછી નીચેનું મુક્તક સ્ફૂર્યુંઃ
  ના એકલો (ચતુર્શબ્દ મુક્તક)
  સાથે
  પ્રભુ
  ના
  એકલો.
  વાર્તા સત્ય ઘટના પરથી સર્જાઈ છે?

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: