Daily Archives: મે 13, 2018
દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે જન્મ દાત્રી માતા અને એના ઉપકારોને યાદ કરી એનું બહુમાન અને સન્માન કરવાના હેતુથી મધર્સ ડે-માતૃ દિન ઉજવવામાં આવે છે.
આજે ૧૩ મી મે ૨૦૧૮ નો રવિવારનો દિવસ મધર્સ ડે – Mother’s Day છે.એની વિગતે માહિતી વિકિપીડીયાની આ લીંક પર ક્લિક કરીને વાંચી શકાશે.
મા માત્ર એક જ અક્ષરનો શબ્દ છે પરંતુ આ શબ્દમાં રહેલા ભાવોનું વર્ણન કરવા શબ્દો ઓછા પડે.કેટલાએ લેખકો, કવિઓ અને મહાન પુરુષોએ માની મહત્તા વિષે એમના કાવ્યો,લેખો અને પુસ્તકોમાં મન મુકીને ગાયુ છે કે લખ્યું છે.
શીતળતા પામવાને ,માનવી તું દોટ કાં મુકે ?
જે માની ગોદમાં છે,તે હિમાલયમાં નથી હોતી.
— કવિ મેહુલ
કહેવાય છે કે ઈશ્વર બધે હાજર રહી શકતો નથી એટલે એણે માતાનું સર્જન કર્યું.
મારા જીવનમાં મારાં સ્વ.માતુશ્રી શાંતાબેન મારા જન્મથી માંડી એમના જીવનના અંત સુધી મારી સાથે જ મારી નજર સામે રહ્યાં હતાં. એમના તરફથી મને જે અપાર પ્રેમ અને આશિષ પ્રાપ્ત થયાં છે એ કદી ભૂલી શકાય એમ નથી.
માતૃ સ્મૃતિ
( મોટા અક્ષરે વાંચવા નીચેના ચિત્ર પર ક્લિક કરશો.)

માતૃ સ્મૃતિ (બે જૂની યાદગાર તસ્વીરો )
મારી માતાની સ્મૃતિમાં એમના રંગુન, બર્માના ભવ્ય ભૂતકાળની યાદ અપાવતી બહું જૂની બે યાદગાર તસ્વીરો નીચે મૂકી છે.
પ્રથમ તસ્વીરમાં મારાં માતુશ્રી શાંતાબેન -ઉભેલાં – અને એમનાં મોટીબેન હીરાબેન -ખુરશીમાં બેઠેલાં જણાય છે . (Rangoon,Burma-1935-1936)
બીજી તસ્વીરમાં મારા નાના ભગવાનદાસ સાથે બેઠેલાં મારા માતા શાંતાબેન,નાની,મારાં માસી હીરાબેન છે .(રંગુન ,બર્મા ..1920-21 )
માતુશ્રી સ્વ. શાંતાબેન ( અમ્મા ) ની જીવન ઝરમર
”અય મા ,તેરી સુરત સે અલગ , ભગવાનકી સુરત ક્યા હોગી !”
મારાં માતાનો જન્મ રંગુનમાં થયો હતો .મારો જન્મ પણ રંગુનમાં થયો હતો.ઉપરની બન્ને તસ્વીરો મારા નાના ભગવાનદાસની રંગુનમાં જાહોજલાલી હતી,એ વખતની છે.બ્રહ્મ દેશનાં ત્રણ મોટાં શહેરો-રંગુન, મોન્ડલે અને બસીનમાં એમની પેઢીઓ ધમધોકાર રીતે ચાલતી હતી.જાપાને બર્મા ઉપર બોમ્મારો કર્યો ત્યારે બધી મિલકત ત્યાં છોડીને આખું કુટુંબ જીવ બચાવીને વતનના ગામ ડાંગરવામાં આવી ગયું હતું.
આ વખતે મારી ઉંમર ફક્ત ચાર વર્ષની હતી.મારા કમનશીબે ,થોડા વખત પછી ગામમાં ચાલતા પોલીઓના વાયરસમાં હું સપડાઈ ગયો હતો.પોલીયોની રસી તો એ પછી ઘણા વર્ષો પછી શોધાઈ હતી.મારી પોલીયોની બીમારીમાં અને એ પછી માતાના મૃત્યું પર્યંત મને માતાનો જે પ્રેમ મળ્યો હતો એનું વર્ણન કરવા મારા માટે શબ્દો બહુ ઓછા પડે એમ છે.
મધર્સ ડે નિમિત્તે મારાં સ્વ. માતુશ્રી સ્વ. શાંતાબેન ( અમ્મા ) ની પ્રેરક સચિત્ર જીવન ઝરમર નીચેની ખાસ તૈયાર કરેલ પી.ડી.એફ. ફાઈલની લિંક ઉપર ક્લિક કરીને વાંચશો .
માતૃ વંદના… પી.ડી.એફ. ( સૌજન્ય/સાભાર … શ્રી પુરણ ગાંડલીયા)
કવિ અનીલ ચાવડાની એક પ્રસંગોચિત ગઝલ
ગઝલ – અનિલ ચાવડા
દીકરા સાથે રહેવા મા હૃદયમાં હર્ષ રાખે છે.
દીકરો બીમાર મા માટે અલગથી નર્સ રાખે છે.
સ્હેજ અડતાંમાં જ દુઃખો સામટાં થઈ જાય છે ગાયબ,
મા હથેળીમાં સતત જાદૂઈ એવો સ્પર્શ રાખે છે.
આપી દે થોડાં પતિને, આપી દે સંતાનને થોડાં,
મા સ્વયંને જીવવા તો એક પણ ક્યાં વર્ષ રાખે છે.
ઠેસ બાળકને કદી ક્યાંયે ન વાગે એટલા માટે,
મા સદા ચોખ્ખી જ ઘરની ને હૃદયની ફર્શ રાખે છે.
જો પ્રભુ સૌને જનમ આપે છે તો મૃત્યુય આપે છે,
મા તો ઈશ્વરથીય ઊંચો આગવો આદર્શ રાખે છે.
ચોરખિસ્સામાં બધાંયે આંસુઓ સંતાડી રાખે છે,
મા સતત પાંપણની પાછળ એક એવું પર્સ રાખે છે.
આવાં બીજાં માતૃ ગીતો ઈન્ટરનેટમાંથી પ્રાપ્ત નીચેની પી.ડી.એફ. ફાઈલમાંથી માણો.
વાચકોના પ્રતિભાવ