Daily Archives: જૂન 2, 2018
અમદાવાદ ..તારીખ ૨૫ મી મે ૨૦૧૮ ના રોજ સિદ્ધહસ્ત હાસ્ય લેખક વિનોદ ભટ્ટનું 80 વર્ષની ઉંમરે નિધન થયું છે. વિનોદ ભટ્ટને સાંભળવા અને વાંચવાની એક અલગ મજા છે.તેમની હાજરી માત્ર ગમે એવા ગંભીર માણસને ગેરન્ટીથી હસતા કરી દેતી હતી.ગમે તેની પણ ટીકા કરે તો પણ સામે વાળાને ખોટું ન લાગે અને વાત વાતમાં પીઠમાં સોળ ઉઠી જાય એવા ચાબખા હસતા હસતા મારી દે તેનું નામ વિનોદ ભટ્ટ.
ખાસ કરીને કેટલાક કાર્યક્રમોમાં ગુજરાતના મુખ્યમંત્રીઓ અંગે કહેલી વાતોમાં તેઓ ખૂબ ખીલતા હતા અને તેમની સેન્સ ઓફ હ્યુમરને સલામી કરવાનું મન થાય એવી જોવા મળતી હતી.
આજે divyabhaskar.com વિનોદ ભટ્ટના ગુજરાતના મુખ્યમંત્રીઓ સાથેના કેટલાક અનુભવો અંગે જણાવી રહ્યા છીએ. જેમાં પીએમ મોદી અંગે અનેક રોચક વાતો જણાવતાં કહ્યું હતું કે, હવે મોદી સોરી કહેવાનું ભુલી ગયા છે, અને વાંક હોય તો પણ સોરી કહેતા નથી.
જ્યારે વિનોદ ભટ્ટે કહ્યું’તું હવે મોદી વાંક હોય તો પણ સોરી કહેતા નથી
થોડો વખત નરેન્દ્રભાઈ ગુપ્તવેશે ફરતા,એકવાર મારી ઘરે આવેલા,હું એમને ઓળખી શક્યો નહી,આજે પણ એમને કોઈ ઓળખી શકતું નથી.

નરેન્દ્ર મોદી
ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી અને આજે દેશના પીએમ નરેન્દ્ર મોદીને વિનોદ ભટ્ટે હસતાં હસતાં ઘણું કહી દીધું હતું. વિનોદ ભટ્ટે કહ્યું હતું કે, આજે છે એવા પહેલાં નહોતા. મારે એમની સાથે પરિચય દોસ્તી એવું ના કહેવાય. કહેવત છે ને રાજા કોઈનો મિત્ર હોતો નથી. ઘરે આવે ત્યારે મારી પત્ની પૂછે,શું જમશો ? નરેન્દ્રભાઈ કહે, તમને રાંધવામાં અને મને ખાવામાં તકલીફ ન પડે એવું કંઈ પણ ચાલશે,પછી કહે શીરો ચાલશે.
”આજે પણ મોદીને કોઈ ઓળખી શકતું નથી”
થોડો વખત નરેન્દ્રભાઈ ગુપ્તવેશે ફરતા. એકવાર મારે ઘરે આવી ચઢેલા, હું એમને ઓળખી શક્યો નહોતો. આજે પણ એમને કોઈ ઓળખી શકતું નથી. પછી તો એ બહુ મોટા બની ગયા. એવું કહેવાય છે કે શાર્પશૂટર એમને મારવા ફરતા હોય છે. એક કાર્યક્રમમાં એ આવવાના હતા અને મારે પણ જવાનું હતુ. પત્ની કહે તમે હરખપદુડા થઇ એમની બાજુમાં બેસતા નહીં .ન કરે નારાયણ શાર્પશૂટર નિશાન ચૂકે ને તો એમની પાછળ કોઈ રડનાર નથી, તમને કંઈ થઇ જાય તો અમારું કોણ.
રાયપુરમાં એ સ્કૂટર પર સામેથી આવતાં મને જોયો, હાથ બતાવ્યા વગર એમણે સ્કૂટર વાળ્યું . એક સાયકલવાળો અથડાતાં બચ્યો. નરેન્દ્રભાઈએ વિનમ્રતા સાથે એને સોરી કહ્યું.હવે તેઓ સોરી કહેવાનું ભૂલી ગયા છે. વાંક હોય તો પણ સોરી કહેતા નથી .
હવે, વિનોદ ભટ્ટે કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા અને માધવસિંહ સોલંકી અંગે કરેલી વાતો

આગળ ગયા એ બે જણા કોણ હતા? એમ.એફ. હુસેન અને રવિશંકર, બાપાએ પૂછ્યું, એ બે કોણ છે?
કેશુભાઈ પટેલ
પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ અંગે વાત કરતાં વિનોદ ભટ્ટે કહ્યું હતું કે, કોઈ એમ નહીં કહે કે કેશુભાઈ મારી સાથે કોલેજમાં ભણતા હતા.(કેશુભાઈ પ્રીપ્રાઈમરી ન હતા).
કેશુબાપાને મુંબઈમાં એક પાર્ટીમાં જવાનું થયું. બાપા પાર્ટીના ગેટ પર પહોંચ્યા. આ પહેલાં એમ.એફ.હુસેન પહોંચેલા.આપની ઓળખાણ હું એમ.એફ.હુસેન, શું કરો છો? ચિત્રકાર છું. ચિત્ર દોરી બતાવો. એમ.એફ.હુસેન ગજગામિનીનું પેઇન્ટિંગ દોર્યું. ઓ.કે. યુ કેન ગો.એમના પછી સિતારવાદક પંડિત રવિશંકર હતા.એમને સિતાર વગાડ્યા બાદ પ્રવેશ મળ્યો. હવે વારો આવ્યો કેશુબાપાનો. તમે કોણ બાપાએ પૂછ્યું મારી આગળ ગયા એ બે જણા કોણ હતા? એમ.એફ. હુસેન અને રવિશંકર, બાપાએ પૂછ્યું, એ બે કોણ છે? પેલાએ ચુપચાપ બાપાને જવા દીધા.

પુસ્તક વાંચી માધવસિંહ કહે વિનોદ તારામાં ભારે હિંમત. તમારે ખરેખર અફેર હતું !
માધવસિંહ સોલંકી
દિવંગત વિનોદ ભટ્ટના શબ્દોમાં ”માધવસિંહ સોલંકીએ ‘વિનોદની નજરે’ ક્યાં મળે એવું મને પૂછ્યું? મેં કહ્યું હું મોકલીશ. મેં ભાગ્યેશ જ્હા દ્વારા બૂક મોકલી. આ પુસ્તક વાંચી માધવસિંહ કહે વિનોદ તારામાં ભારે હિંમત. તમારે ખરેખર અફેર હતું.મેં કહ્યું હું 80નો એ 92ની. એને કાને સંભળાતું નથી, આંખે દેખાતું નથી. પહેલાં સકામ ભાવે અફેર હતો, હવે સકાન ભાવે અમારી વચ્ચે સ્નેહ–ભાવ છે.
વસુબહેનને ખબર છે? મેં કહ્યું, મેં પૂછ્યું નથી. વસુબહેન ભટ્ટ યુવાનીમાં સુંદર, ઘરેથી સ્કૂલે ભણવા અને ભણાવવા જે રસ્તેથી જાય ત્યાં લોકો તેની એક ઝલક જોવા વહેલી સવારે ઉઠી જતા હતા. વસુબહેન રેડિયો ડિરેક્ટર થયાં . એકવાર હું અને વેણીભાઈ પુરોહિત (તારી આંખનો અફીણી ફેમ)બેઠા હતા. વસુબહેન આવતાં દેખાયાં . વેણીભાઈ ચશ્મા ઉતારી ધોતિયાની કિનારીથી લુંછવા માંડયા. હું બોલ્યો, ”વેણીભાઈ હવે રહેવા દો.ઘરડા થયા”. વેણીભાઈ કહે હું ઘરડો થયો છું. એ ક્યાં થઈ છે. મેં આ કિસ્સો લખ્યો. વેણીભાઈ ખીજાણા. તેં મને ઘરડો જ કેમ ચીતર્યો.

શંકરસિંહ વાઘેલા વિનોદ ભટ્ટથી ભણવામાં બે વર્ષ પાછળ હતા. સમય જતાં તેઓ સી.એમ થયા
શંકરસિંહ વાઘેલા
વિનોદ ભટ્ટે શંકરસિંહ અંગે રસપ્રદ વાત કરતાં જણાવ્યું હતું કે, શંકરસિંહ વાઘેલા બાપુ એમનાથી ભણવામાં બે વર્ષ પાછળ હતા. સમય જતાં તેઓ સી.એમ થયા. એકવાર મળ્યા, વિનોદ કંઈ કામકાજ હોય તો કહેજે. મેં કહ્યું ગુજરાતી સાહિત્ય પરિષદ ખાનદાની ખોરડું છે. પગાર કરવાના ફાંફાં છે. થોડા દિવસ પછી ફોન આવ્યો, કાલે બાર વાગે આપણે સાથે લંચ લઈશું.
હું ,રઘુવીર ચૌધરી અને પ્રકાશ ન. શાહ ગયા. કેટલુ ડોનેશન જોઈએ? મેં કહ્યું પચાસ લાખ. તેમણે સંબંધિત અધિકારીને બોલાવી ભાષણ આપ્યું. એકાવન લાખનો ચેક હાથમાં આપતાં કહ્યું, સીધો બેંકમાં જઈને જમા કરાવી દે! કાલની ખબર નથી. અમે બેંકમાં દોડયા, રઘુવીર કોષાધ્યક્ષ એ પૂછે, અંગ્રજીમાં લેખનો સ્પેલિંગ. મેં કહ્યું ચેકમાં લખ્યો છે એ લખી દે, એકાવન પછી મીંડા કેટલા? મેં કહ્યું ચેકમાં જોઈલે! અમે બઘવાયા થઇ ગયા હતા .
જ્યારે શંકરસિંહને એક પત્રકારે ધ્રાંગધ્રાનો સ્પેલિંગ પૂછ્યો
બાપુ સી.એમ બન્યા. બાદ લંડનથી પત્રકારો એમનો ઇન્ટરવ્યુ લેવા આવ્યા. બાપુના પી.એ.ને ફોન કર્યો. બાપુ સૂતાસૂતા છાપું વાંચતા હતા. પી.એ.એ ઇન્ટરવ્યુ માટે બાપુને પૂછ્યું. બાપુએ નનૈયો ભણ્યો.પી.એ.એ સમજાવ્યા, બાપુ વિદેશથી પત્રકારો આવ્યા છે. આપ દુનિયાભરમાં છવાઈ જશો. બાપુ કહે કાલ સાંજે ધ્રાંગધ્રામાં પાંચ વાગે મારી સભા છે, સભા પતે પછી ઇન્ટરવ્યુ આપીશ. પી.એ. લંડનના પત્રકારોને બાપુનો મેસેજ કહ્યો. સામે છેડેથી એક પત્રકારે ધ્રાંગધ્રાનો સ્પેલિંગ પૂછ્યો? પી.એ.એ બાપુને પૂછ્યું? બાપુ સલવાયા. બાપુ કહે એમ કર આઠ વાગે બોટાદમાં સભા છે ત્યારે ઇન્ટરવ્યુ આપશે એમ કહી દે.
વાચકોના પ્રતિભાવ