વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Monthly Archives: જુલાઇ 2018

1216- ” જુઠાભાઈની ઠાઠડી !” …. લેખક … શ્રી રજનીકુમાર પંડ્યા

શ્રી રજનીકુમાર પંડ્યા

શ્રી રજનીકુમાર પંડ્યા એટલે વાર્તા કળાના સર્વ માન્ય કલાકાર. વાર્તાના પાત્ર વિષે ઊંડાણથી મેળવેલ માહિતીને તેઓ એમની આગવી શૈલીમાં એવી નજાકતથી રજુ કરે છે કે અંત સુધી બસ વાંચ્યા જ કરો.

સામાજિક સત્ય ઘટનાઓ અને પાત્રોનું સંશોધન કરી એને અદભુત વાર્તા રસથી આલેખન કરી તેઓ વાચકોને ખુશ કરી દે છે .એમનો લેખ વાંચ્યા બાદ વાચક તૃપ્તિની લાગણી અનુભવીને બોલી ઉઠે છે ” મજા આવી ગઈ !”

જાણીતા બ્લોગ ”વેબ ગુર્જરી” માં ”લ્યો,આ ચીંધી આંગળી ‘ અંતર્ગત એમના પાત્રો આધારિત રસાળ લેખો નિયમિત પ્રગટ થાય છે.

રજનીકુમાર પંડ્યા તરફથી ઇ-મેલમાં મળેલ આવો એક રસ સ્પદ લેખ એમની મંજુરીથી વિનોદ વિહારની આજની પોસ્ટમાં સહર્ષ પ્રસ્તુત કરેલ છે.

વિનોદ પટેલ

”લ્યો, આ ચીંધી આંગળી, જુઠાભાઈની ઠાઠડી !” …. શ્રી રજનીકુમાર પંડ્યા

અંધશ્રદ્ધા સામે જંગ માંડનાર એક અનોખી વ્યક્તિનો પરિચય-આલેખ

Mithabhai
“અખતરાની આગલી રાતે પેટ્રોમેક્સના અજવાળામાં મોટાવડાની ખળાવાડમાં ગોળાઈમાં થાંભલા ખોડીને સ્વયંસેવકોએ ચોક ઊભો કર્યો. ઉતારે એક મંડપ બાંધ્યો. મીઠાભાઈ અને તેમના સાથીઓ માટે. દક્ષિણમાં પચાસ ફૂટ જ દૂર બીજો મંડપ બાંધ્યો. મેલી વિદ્યા લઈને આવનાર મોંઘેરા મહેમાનો માટે ! અને વચ્ચે ચોકમાં મીઠાભાઈની ઠાઠડી રચી ! કારણ કે નેવું ટકાને ખાતરી હતી કે મીઠાભાઈનું ભવન ફર્યું છે. ડોશીઓ બોલવા માંડી કે મીઠોભાઇ હવે ઘડી-બે ઘડીનો મહેમાન છે. ફાટી પડવાનો થયો છે, મૂવો.’”

આખો લેખ ‘વેબગુર્જરી’ પર અહીં:

http://webgurjari.in/2018/07/ 30/mithbhai-parsana/

(શ્રી રજનીકુમાર પંડ્યાના આવા અગાઉના કોઇ પણ લેખ વાંચવા માટે આ લેખને અંતે આપેલી પેનલમાં લેખકના નામ પર ક્લિક કરશો. ખૂલેલી ઇંડેક્સમાં જોઇતા લેખ પર ક્લિક કરી એને વાંચી શકશો.)

1215 – દેવદુત …. ટૂંકી વાર્તા …સુ.શ્રી માલતી જોશી

 દેવદુત … ટૂંકી વાર્તા 

          ટપાલી બે કાગળ આપી ગયો. તેના પર મુમ્બઈ ને પુણેના સીક્કા જોઈ મારો ભાઈ હોંશભેર વાંચવા બેઠો. મેં જોયું કે વાંચતાં‑વાંચતાં તેના ચહેરા પરનો ઉત્સાહ ઓસરી ગયો. મુંગા‑મુંગા જ પત્રો મારા હાથમાં મુકી એ નહાવા જતો રહ્યો. 

         પહેલો પત્ર પુણેનો વાંચ્યો. ત્રણ જણ ગયા મહીને મને જોવા પુણેથી આવ્યા હતા. બે દીવસ રહ્યા. મને જોઈ, શહેર જોયું, મારી સાથે એક નાટક જોયું. હવે લખે છે, છોકરી થોડી ઉમ્મરમાં મોટી લાગે છે. 

         મને અંગઅંગ ઝાળ લાગી ગઈ. ભાઈસાહેબ પણ ક્યાં નાના છે? મારાથી વરસ તો મોટા છે. અને અમે બધો બાયો‑ડેટા નહોતો લખ્યો? …. 34 વર્શ. પાંચ ફુટ ચાર ઈંચ. વાન ઘઉં વર્ણો. કૉલેજમાં લેક્ચરર. એ બધું જાણીને તો તમે આવેલા. પછીછોકરી ઉમ્મરમાં મોટી છે‑નો શૅરો શું કામ? મુમ્બઈના પત્રમાંયે આવું જ કાંઈક વાહીયાત વાંચી મેં બન્ને પત્રો ફાડીને કચરા ટોપલીમાં નાખી દીધા. 

         હું એટલી બધી ધુંઆપુંઆ થઈ ગઈ હતી કે તે દીવસે મેં સ્કુટર ચલાવવાનું ઉચીત ન માન્યું. રીક્ષામાં કૉલેજ ગઈ. તો રીક્ષાવાળા સાથે ભાડા બાબત ઝઘડો થઈ ગયો. કૉલેજમાં પણ એક‑બે જણ સાથે થોડી કચકચ થઈ ગઈ. સાંજે ઘેર આવી. તો ભાઈએ કહ્યું, રાતે એક ભાઈ જોવા આવવાના છે એ સાંભળી હું બરાડી ઉઠી, નહીં…નહીં…. બહુ થયું હવે અને હું મારા રુમમાં જતી રહી. 

         પન્દર વરસથી આ નાટક ચાલે છે. શરુમાં રોમાંચ હતો, કાંઈક સપનાં હતાં, જીવનસાથી વીશેના ખ્યાલો હતા. આજે એમાનું કાંઈ રહ્યું નહીં. સામે એક પુરુશ ને હું માત્ર એક સ્ત્રી. માને હું કહેતી, સાથી ન મળતો હોય એવા લગ્નની મને કોઈ જરુર નથી, મને એકલી રહેવા દે પણ મા માનતી નહોતી. એટલે મારું આ પ્રદર્શન ચાલુ જ હતું. ત્રીસની વય વટાવ્યા પછી તો બીજવરનેય દેખાડવા માંડેલા. 

         ભાઈ મને મનાવવા આવ્યો, સતીશ એન્જીનીયર છે. મારી સાથે ભણતો હતો. પહેલીના બે બાળકો છે. બે વરસ પહેલાં ગુજરી ગઈ. 

         ગળે ફાંસો ખાધો હતો કે સળગીને મરી ગઈ? કે પછી ટ્રેન નીચે પડતું મુક્યું?‑ હું ગુસ્સામાં બોલી ગઈ. 

         એમ દુધથી દાઝેલી છાશને પણ ફુંકી‑ફુંકીને ન પી. સતીશ બહુ ભાવનાશાળી છે. પત્ની પર એટલો પ્રેમ છે કે એ તો ફરી પરણવાની ના જ પાડે છે. પણ એની મા પાછળ પડી છે. 

         હું અન્દર સાડી બદલતી હતી અને એ લોકો આવ્યાં. ભાઈ બોલ્યો, સતીશ ન આવ્યો? મારા કાન સરવા થયા. બહુ આગ્રહ કર્યો, પણ ન માન્યો. કહે, તમે જ જોઈ આવો! 

         અપમાનથી હું ઉભી ને ઉભી સળગી ગઈ…… મને જોવા સુધ્ધાની એને ગરજ નથી. કુંવારી છે. કમાય છે. મારા બાળકોને સાચવવાની છે. બસ, બીજું શું જોઈએ? 

         હું ગઈ. સતીશના મા અને માશી આવેલાં. મા બોલ્યાં, એ કહે, તારે વહુ જોઈએ છે ને? તો તું જ પસન્દ કરી આવ.

         પહેલી વહુ પણ તમે જ પસન્દ કરેલી?  ભારે રુક્ષ સ્વરે મેં પુછી પાડ્યું. 

         બન્ને અવાક્ વદને મારી સામે જોઈ રહ્યાં. મેં જ એમને સમ્ભળાવ્યું, હું મારા પગ પર ઉભી છું. ગમે તેના ગળામાં વરમાળા નાખી દેવા જેટલી નમાલી કે નોંધારી નથી. તમારા દીકરાનું બીજું લગ્ન હશે, પણ મારું તો પહેલું જ છે. અને પસન્દગીનો અધીકાર મને પણ છે. વળી, જે બાળકોને સમ્ભાળવાના છે, એમનેય મારે એક વાર જોઈ લેવાં જોઈએ. 

         એકી શ્વાસે આટલું કહી દઈને હું ત્યાંથી ઉઠીને મારા રુમમાં જતી રહી. ઘરમાં થોડો ખળભળાટ મચ્યો, પણ પછી આ બાબત મારી પાસે ફરી ઉખેળવાની કોઈએ હીમ્મત ન કરી. 

         ત્યાર પછીના રવીવારે ઘરમાંથી બધાં જ બહાર ગયેલાં. હું એકલી જ હતી. બપોરે ત્રણેક વાગે ઘન્ટડી વાગી. બારણું ખોલ્યું તો બે બાળકો સાથે એક ભાઈ ઉભા હતાં. અત્યન્ત  સૌમ્ય ને નમ્ર અવાજે ભાઈ બોલ્યાં, હું સતીશ. પસન્દગીનો અધીકાર તમે બજાવી શકો તે માટે આવ્યો છું. 

         હું દંગ થઈ ગઈ. શું બોલવું તે મને તરત સુઝ્યું નહીં. એમણે જ આગળ કહ્યું, બાળકોને પણ સાથે લાવ્યો છું. એમનેય પસન્દગીનો અધીકાર ખરો ને. એમની પાસે ગમે તે મહીલાને મા કહેવડાવવામાં તો એમને અન્યાય થાય.

         નહીં, નહીં. એ તો એમના પર સીતમ થઈ જાય. એકદમ તેઓ મા શું કામ કહે? પહેલાં તો કોઈએ મા બનવું પડે નેઆ વીધાન તો મને જ સ્પર્શે છે, એવા કશા ખ્યાલ વીના મારાથી સહસા બોલાઈ ગયું. 

         ભાઈએ ભારે આદર અને ઓશીંગણ ભાવે મારી સામે જોયું. તમે મને પસન્દ કરશો કે નહીં, ખબર નથી. પણ મને તમારા સાથી થવાનું ગમશે. બીજવરને નસીબે આવું પાત્ર મળે, તેની કલ્પના નહીં. મારી સરયુ મારી પરમ મીત્ર હતી…. અને ઘડીક તેના સ્મરણમાં સરી પડયા. 

         થોડી વાતો કરી એ ઉઠ્યા. બહાર જઈ સ્કુટર પર બેઠા. બન્ને બાળકો પાછળ બેઠાં. મને એકદમ ઉમળકો થઈ આવ્યો કે એ બન્ને મીઠડાં બાળકોને જઈ પુછું કે તમે મને પસન્દ કરી? એ બાળકો મને દેવદુત સમા લાગ્યાં  અપમાન ને અવહેલનાની અસહ્ય યાતનામાંથી મને ઉગારી લેનારાં! 

(શ્રી માલતી જોશીની મરાઠી વાર્તાને આધારે ) (વી. ફુ. 13 પાના 12) 

 સાભાર ..સૌજન્ય ..

Vikram Dalal

2/15 Kalhaar Bungaloz

Shilaj

(15 Km. West of Amdavad)

L.L. No. (02717) 249 825

 

 

1214- અમેરિકન લેખક ઓ. હેન્રીની વાર્તા ‘ધ લાસ્ટ લીફ’-છેલ્લું પાંદડું ”

O.HENRY

અમેરિકન લેખક ઓ. હેન્રીનું નામ ટૂંકી વાર્તા જગતમાં આટલાં વર્ષો બાદ પણ ખુબ આદરથી લેવાય છે. એમની દરેક વાર્તાના અંતમાં તેઓ ફ્રાન્સના લેખક મોપાસાંની જેમ એક ચમત્કૃતિ લાવવા માટે ખુબ જાણીતા છે.

એમનું અસલી નામ વિલિયમ સિડની પોર્ટર છે.ઓ. હેન્રી તેમનું પેન નેમ છે.તેમનો જન્મ ૧૧ સપ્ટેમ્બર, ૧૮૬૨ના રોજ અમેરિકામાં નોર્થ કેરોલિનાના ગ્રીન્સબોરો ખાતે થયો હતો.

O. Henry ઓ હેન્રીનો વિકિપીડિયા પર પરિચય 

ઓ. હેન્રીની ‘ધ લાસ્ટ લીફ’- છેલ્લું પાંદડું ” વાર્તા સૌથી વધારે વાચકોમાં પોંખાયેલી રચના છે. એમની અન્ય જાણીતી વાર્તાઓ ‘ધ ર્ફિનશ્ડ રૂમ’, ‘ગિફ્ટ ફોર મેગી’ તથા ‘એન અનફિનિશ્ડ સ્ટોરી’ વિગેરે છે.

ચાલો ઓ.હેનરીની ‘ધ લાસ્ટ લીફ’-છેલ્લું પાંદડું ની વિખ્યાત કથાનો ગુજરાતીમાં આસ્વાદ લઈએ અને ઓ હેનરીના વાર્તા ક્સબનો પરિચય મેળવીએ.

સાભાર .. શ્રી યતીશ શાહ -ગુજરાતીમાં રજૂઆત 

‘ધ લાસ્ટ લીફ’-છેલ્લું પાંદડું…  …. Page..1

ધ લાસ્ટ લીફ’-છેલ્લું પાંદડું ..વાર્તા…Page-2

તમે જોયું હશે કે વૃદ્ધ આર્ટીસ્ટ બેરમાન આખી જિંદગીમાં જે ન કરી શક્યો તે એના મૃત્યુની આગલી રાત્રે કરી લીધું. બેરમાને આખી રાત ભયંકર તોફાનમાં બહાર રહીને ફાનસના અજવાળે જોન્સીને બચાવવા ભીંત પર એક છેલ્લું પાંદડું પેઇન્ટ કરી દીધું.આ રીતે તેણે કાતિલ ઠંડીમાં અને ન્યુમોનિયાની હાલતમાં મૃત્યુ પામવાનું પસંદ કર્યું .

આમ ઓ. હેન્રીની વાર્તા ‘ધ લાસ્ટ લીફ’ એક ચમત્કૃતિપૂર્ણ અંત સાથે પૂરી થાય છે.

 

‘ધ લાસ્ટ લીફ’-છેલ્લું પાંદડું” વાર્તા પર આધારિત ૧૭ મિનીટની ફિલ્મ આ વિડીયોમાં માણો.

The Last Leaf by O. Henry – Full Movie

 

1213 -‘નવચેતન’-એક ઘીનો દીવો……..ડૉ. દિનકર જોશી

”જીવનની પ્રત્યેક ક્ષણમાં આનંદ છુપાયેલો હોય છે. તેને મેળવતાં આવડવું જોઈએ.”-ચાંપશી ઉદ્દેશી

૬૦+ પ્લસ ઉંમરના વાચકોને બાદ કરતાં ઘણા યુવાન વયના વાચકો  ‘નવચેતન’ નામના ગુજરાતી માસિક અને એના તંત્રી ચાંપશી વિ. ઉદ્દેશી વિષે બહુ જાણતા નહિ હોય.

ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કારના સંવર્ધન માટે આ માસિક મારફતે  ચાંપશીભાઈએ અગત્યની સેવા બજાવી છે.એમના માટે ‘નવચેતન’નું હોવું એ જ એમનો શ્વાસ બની ગયો હતો.’નવચેતન’ને ટકાવી રાખવા એમણે પત્નીના દાગીના સુધ્ધાં વેચી નાખ્યાં હતા.

આ નવચેતન માસિક એમના અને એમના ગયા પછી એમના અનુયાયીઓએ ૯૭ વર્ષ સુધી ટકાવી રાખ્યું હતું.

આવું અનોખું વ્યક્તિત્વ ધરાવનાર નવચેતન માસિકના તંત્રી ચાંપશી વિ. ઉદ્દેશીનો જાણીતા લેખક ડો. ડૉ. દિનકર જોશીએ એમના લેખમાં સુંદર શબ્દોમાં પરિચય કરાવ્યો છે.

ડો.દિનકરભાઈ જોશીના આભાર સાથે એમના લેખને આજની પોસ્ટમાં વાચકો માટે પ્રસ્તુત કરેલ છે.

વિનોદ પટેલ 

નવચેતન’-એક ઘીનો દીવો
ઉઘાડી બારી-ડૉ. દિનકર જોશી

નામ એનો નાશ અને કશું જ કાયમી નથી આ વાત આપણે સહુકોઈ બહુ સારી રીતે જાણીએ છીએ અને આમ છતાં ઓલવાઈ જતા દીવાની જ્યોતને સહેજ વધુ સંકોરીને ઘીના છેલ્લા ટીપાં સુધી એનો પ્રકાશ પામી લેવા પ્રયત્ન કરીએ છીએ. આવો પ્રયાસ ઘીના દીવા માટે જ થાય, ધૂમાડો ઓકતી કોઈક ભઠ્ઠીના અંગારા માટે આવો પ્રયાસ ન થાય. આજે આવા એક ઘીના દીવાની વાત કરવી છે.

ભગવાન બુદ્ધે એમની અંતિમ ક્ષણે એમને ટોળે વળીને બેઠેલા ભિક્ષુઓને કહ્યું હતું-‘આ કાયા શૂન્યમાં ઓગળી જાય એ પહેલાં તમારે કંઈ પૂછવું છે?’ ભગવાન મહાવીરે પણ નિર્વાણની ક્ષણે એમના અનુયાયીઓને જે ઉપદેશ આપ્યો એ ‘અંતિમ દેશના’ તરીકે જાણીતો છે.

કુરુક્ષેત્રના મહાયુદ્ધના ૧૦મા દિવસે પિતામહ ભીષ્મ પડ્યા. પડતાવેંત પ્રાણત્યાગ કરી શક્યા હોત, પણ એમણે એમ નથી કર્યું. રૂંવાડે રૂંવાડે શરશય્યાની વેદના વેઠીને એમણે પ્રાણ ટૂંકાવ્યા છે અને આ વેદનાસિક્ત સમયગાળામાં શ્રીકૃષ્ણે પાંડવોને કહ્યું છે- ‘પિતામહની જીવન જ્યોત અનંતમાં વિલિન થઈ જાય એ પહેલાં એમની પાસેથી છેલ્લું જ્ઞાન લઈ લ્યો.’ પિતામહે પ્રાણ ટકાવ્યા અને પાંડવોને છેલ્લાં જ્ઞાનના પવિત્ર પ્રવાહથી પરિપ્લાવિત કર્યા.

ગુજરાતી ભાષામાં હવે જુવાન વાચકોની ભારે તંગી વર્તાય છે ત્યારે ૬૦ પ્લસના જે વાચકો આપણી પાસે છે એમને આજે ‘નવચેતન’ નામના ગુજરાતી માસિકની યાદ આપવી છે. જેઓ ૬૦ પ્લસના નથી, પણ ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કાર સાથે પોતાને સંકળાયેલા માને છે એમના કાને આ એક વાત મૂકવી છે. સાંભળજો, ધ્યાન લઈને સાંભળજો! (સાંભળજો એટલે કે વાંચજો!)

૧૯૨૨માં પેટવડિયું રળવા કચ્છ છોડીને કલકત્તામાં વસેલા એક સાહિત્યપ્રેમી જુવાનને થયું કે ગુજરાતથી આટલે દૂર રહીને વસતા ગુજરાતીઓને સારું વાંચન મળી રહે એ માટે એક સામયિક શરૂ કરવું જોઈએ. એણે એકલા હાથે બાથ ભીડી. સામયિક પ્રગટ કરવા અને એમાંથી નફો રળી લેવા આજે જે ગણતરીઓ મંડાય છે એવી કોઈ ગણતરી આ યુવાનનાં અંતરમાં નહોતી. પોતાની સાહિત્યિક સૂઝસમજ પ્રમાણે જે કંઈ ગુજરાતી વાચકોને લહાણી કરવા જેવું હતું એ કરી છૂટવાની જ ઉમ્મીદ એના મનમાં હતી. આ માસિકનું નામ ‘નવચેતન’ અને આ યુવાનનું નામ ચાંપશી વિ. ઉદ્દેશી.

નફો નહોતો કરવો પણ નુકસાન સુદ્ધાં કેટલું વેઠી શકે? ચાંપશીભાઈ માટે તો ‘નવચેતન’નું હોવું એ જ શ્ર્વાસ બની ગયો હતો. ‘નવચેતન’ને ટકાવી રાખવા એમણે પત્નીના દાગીના વેચી દીધા. ‘જીવન ઘડતર’ નામના એમના આત્મકથનાત્મક પુસ્તકમાં એમણે લખ્યું છે-‘નવચેતન’ જો ટકાવી રાખી ન શકાય તો આત્મહત્યા કરવાના વિચારો સુદ્ધાં કર્યાં. કલકત્તામાં ટકવું અઘરું છે એવું લાગ્યું. ત્યારે ૧૯૪૧માં ‘નવચેતન’ને ચાલુ રાખવાના એકમાત્ર ઉદ્દેશથી વડોદરા આવ્યા. જે કોઈ સારું સાહિત્ય એમને લાગ્યું એ સમયના નવા જૂના સહુ લેખકો પાસેથી એકત્રિત કર્યું અને ‘નવચેતન’માં પ્રકાશિત કર્યું. આમ છતાં વડોદરાનો વસવાટ લાંબો ન નભ્યો. એમણે ફરીવાર વડોદરાથી કલકત્તા પુનરાગમન કર્યું. આવું કરવા પાછળનો ઉદ્દેશ માત્ર એટલો જ, ‘નવચેતન’નો એકેય અંક અટકવો ન જોઈએ. આમ છતાં સંઘર્ષ ઓછો ન થયો. કલકત્તામાં બીજા બે વરસ ઝઝૂમ્યા પછી ચાંપશીભાઈએ ‘નવચેતન’ની સવારી અમદાવાદમાં ખસેડી.

સાહિત્ય વિશે ચાંપશીભાઈની એક ચોક્કસ સૂઝ હતી. આજે આપણે જેને સુષ્ઠુ સુષ્ઠુ કહીએ છીએ એને ચાંપશીભાઈ સાહિત્યમાં શિખર ઉપર બેસાડતા પણ એમાં ક્યાંય અપ્રામાણિકતા નહીં. મારી ઉપરના એક પત્રમાં એમણે લખ્યું છે-‘તમને જે ગમ્યું એ બેલાશક ઊંચા અવાજે કહો અને એનો સ્વીકાર પણ કરો, પરંતુ જે ન ગમ્યું હોય એના વિશે અભિપ્રાય ઉચ્ચારતા સંકોચ કદી ન રાખવો. તમારી રુચિ ભિન્ન હોય એવું બને પણ એમાં અપ્રામાણિકતા કદી ભળવા દેશો નહીં’ દુર્ભાગ્યે આ પત્ર આજે સચવાયો નથી પણ એમાં જે લખાણ હતું એનો ભાવ કંઈક આવો હતો. રુચિ ભેદ ચાંપશીભાઈ સ્વીકારે પણ અપ્રામાણિકતા એમને બિલકુલ સ્વીકાર્ય નહીં.

૧૯૫૦થી ૧૯૭૦ના ગાળામાં જેમણે વાર્તા લેખનની શરૂઆત કરી એવા અનેક લેખકો માટે ‘નવચેતન’ માસિકનું એક વિશિષ્ટ સ્થાન હતું. ‘નવચેતન’માં દર મહિને ત્રણથી ચાર ટૂંકી વાર્તાઓ પ્રકાશિત થતી પણ એની વિશેષતા આ વાર્તા કરતાંય વિશેષ, વાર્તાના આરંભે તંત્રી સ્થાનેથી પોતાની જે નોંધ પ્રગટ કરતા એમાં રહેતી હતી. આ નોંધ જે તે લેખકોને મન તો મહત્ત્વની રહેતી જ પણ વાચકોના મનમાં પણ વાર્તા વિશે એ વાંચ્યા પહેલાં જ એક ભૂમિકા નિર્માણ કરી દેતી.
‘નવચેતન’માં ચાંપશીભાઈ પોતે જ એ મહિનામાં રજૂ થયેલી ચાર કે પાંચ ફિલ્મો વિશે પોતાના ચોક્કસ અભિગમોથી રૂઢ એવા અવલોકનો લખતા. ફિલ્મો પાસેથી પણ સાહિત્યની જેમ જ એમની અપેક્ષા તો સુષ્ઠુ સુષ્ઠુની જ. એમના આ અભિગમ સમક્ષ કલા, કેમેરા, ગીત સંગીત વગેરે પાસાંઓ ત્યારે ગૌણ બની જતા, પણ એ સારા પાસાંનો ઉલ્લેખ કર્યા પછી પણ જો ફિલ્મ એમના પેલા ‘સુચારૂ’ અભિગમમાં બેસતી ન હોય તો વાચકોને તમે આ નહીં જુઓ એ જ સારું છે એમ સ્પષ્ટ અભિપ્રાય આપતા સંકોચ ન રાખતા.

એમની આ ફિલ્મો પરત્વેની વિશેષતા એ હતી કે તેઓ હંમેશાં ટિકિટ ખરીદીને જ ફિલ્મ જોતા. કોઈ થિયેટર કે વિતરક પાસેથી કોમ્પ્લિમેન્ટરી પાસ ક્યારેય સ્વીકારતા નહીં, આમ કરવાથી પોતાની તટસ્થ વિવેકબુદ્ધિ પર અજાણતાય અસર પડે એવું એ ચોક્કસપણે માનતા અને કહેતા પણ ખરાં. ફિલ્મના આ શરૂઆતના શોની ટિકિટ પોતે બુકિંગ વિન્ડો ઉપર લાઈનમાં ઊભા રહીને ખરીદતા. ક્યારેય કોઈ પાસેથી કોઈ ફેવરની અપેક્ષા રાખીને બાંધછોડ કરતા નહીં.

ચાંપશીભાઈને પહેલીવાર મળવાનું થયું ‘સંદેશ’ દૈનિકની અમદાવાદ ખાતેની કચેરીમાં. ‘સંદેશ’ ભવનમાં એક માળિયા ઉપર ત્યારે ચાંપશીભાઈ ‘નવચેતન’નું કામકાજ સંભાળતા. ધોતિયું, આખી બાયની પહેરણ, માથે ટોપી પહેરીને ચાંપશીભાઈ ‘નવચેતન’ના અંકો ઉપર ગ્રાહકોને મોકલવા સરનામા કરી રહ્યા હતા. દુબળો પાતળો દેહ અને ઉપસી આવેલા હાડકાંવાળો ચહેરો. એ મુલાકાતમાં જ ચાંપશીભાઈએ જે સલુકાઈ અને સમભાવથી વાત કરી એ આજ સુધી મારું સંભારણું રહ્યું છે-‘તંત્રીને સમય ન હોય’-એવી કોઈ વિભાવના ત્યારે જન્મી નહોતી. ચાંપશીભાઈમાં તો નહીં જ.

૧૯૮૪માં ચાંપશીભાઈ અવસાન પામ્યા. એમના અવસાન પછી, એમણે પોતાના હયાતિ કાળમાં જ માનસપુત્ર તરીકે ઉત્તરાધિકારી નીમેલા સદ્ગત મુકુંદભાઈ શાહે આ ‘નવચેતન’ યાત્રા આગળ ચલાવી. મુકુંદભાઈના દેહવિલય પછી પ્રીતિબહેને એને એકાદ દશકો સંભાળ્યું. નફો કરવાનો હેતુ તો કદી હતો જ નહીં. નફો થયો પણ નહીં. નુકસાન વેઠતા રહ્યા. મુકુંદભાઈની કુસુમ પ્રકાશન નામની સંસ્થા આ નુકસાન સરભર કરતી રહી પણ આમ ક્યાં સુધી ચાલે? છેલ્લા બે-ત્રણ વરસથી આપણા નીવડેલા સંપાદક અને લેખક તથા ચિત્રકાર રજની વ્યાસે ‘નવચેતન’ની નવેસરથી કાયાપલટ કરી, એને રૂપકડું સામયિક બનાવ્યું.

પણ ૧૯રરમાં પ્રગટેલો આ ઘીનો દીવો ર૦૧૮ના એપ્રિલ મહિનાના અંક સાથે ૯૭ વરસની પ્રકાશ યાત્રા પછી બુઝાઈ ગયો છે. આપણે એને બુઝાવા નથી દેવો. વધુ બીજું કંઈ નહીં તો ઓછામાં ઓછા બીજા વધુ ત્રણ વરસ આ દીવામાં ઘી પૂરીને આપણે એના પ્રકાશને શતાબ્દી સુધી પહોંચાડવો જોઈએ.

આ લેખના આરંભે બુદ્ધ, મહાવીર અને ભીષ્મ પિતામહની જે વાત કરી છે એને સમાપનમાં સાંકળી લઈએ. ચાંપશીભાઈ આપણને કોઈ અંતિમ ઉપદેશ આપતા નથી ગયા, પણ વધુ ત્રણ વરસ માટે આપણે આ દીવાની વાટ જો સંકોરી ન શકીએ તો એક પ્રજા તરીકે આપણા સંસ્કાર અને સાહિત્ય પ્રેમ વિશે આવતીકાલની પેઢી શંકા તો અવશ્ય ઉઠાવશે. અંબાણી અને અદાણીથી ઊભરાતા ગુજરાતમાં આ ત્રણ વરસ પૂરતું ‘નવચેતન’ને જીવાડી રાખવું એ કંઈ અઘરું કામ નથી. ‘નવચેતન’ની શતાબ્દી પૂરી થાય અને એનો શતાબ્દી અંક ગુજરાતની પ્રજા સમક્ષ ધરી શકાય એ જ તો એમનું સાહિત્યિક તર્પણ કહેવાશે. આ તર્પણ કરવામાં આપણે ઊણા ન જ ઉતરીએ.

સૌજન્ય- Bhupendra Jesrani -એમના ઈ-મેલમાંથી

1212 – દક્ષિણ આફ્રિકાના ગાંધી – નેલ્સન મંડેલા……વિનોદ પટેલ

દક્ષિણ આફ્રિકાના ગાંધી – નેલ્સન મંડેલા

 “What counts in life is not
the mere fact 
that we have lived. 
It is what difference 
we have made
to the lives of others
 that will determine
the significance 
of the life we lead.”

– Nelson Mandela

   ૧૮ જુલાઈ ૧૯૧૮ – ૫ ડિસેમ્બર ૨૦૧૩

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સાઉથ આફ્રિકાની ગોરી સરકાર સામે સવિનય વિરોધ અને અહિંસક સત્યાગ્રહ કર્યો હતો એ સાઉથ આફ્રિકામાં જ ગાંધીજીના પગલે ચાલીને નેલ્સન મંડેલાએ પણ ગોરી હકુમત સામે અહિંસક લડત ચલાવી હતી અને ૨૭ વર્ષનો લાંબો કારમો કારાવાસ ભોગવવો પડ્યો હતો. ગોરી હકુમતની રંગભેદની નીતિ અને અન્યાય સામે સંઘર્ષની આગેવાની લઈને છેવટે દક્ષિણ અફ્રિકાને વિદેશીઓની ગુલામીમાંથી સ્વતંત્રતા અપાવવામાં તેઓ સફળ રહ્યા હતા.નેલ્સન મંડેલાને એટલે જ ‘દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપિતા’ અને ‘દક્ષિણ આફ્રિકાના ગાંધી ‘તરીકે પણ સંબોધવામાં આવે છે. 

   એમનું પુરૂ નામ નેલ્સન રોલિહ્‍લાહ્‍લા મંડેલા (Nelson Rolihlahla Mandela) છે.નેલ્સન મંડેલાનો જન્મ ૧૮ મી જુલાઈ ૧૯૧૮ ના રોજ દક્ષીણ આફ્રિકાના ફ્રાંસકોઈ ગામમાં રોપલ ખોંસા ફેમિલીમાં થયો હતો. એમના પિતા હેનરી જગાડલા મંડલા ટેંબુલેડેમાં ચિફ કાઉન્સીલર હતા.તેઓ જ્યારે ૮ વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. ૨૧ વર્ષની ઉંમર થતાં તેમના પાલક પિતાએ લગ્નની તૈયાર કરી એટલે તેઓ ભાગીને જ્હોનિસબર્ગ શહેરમાં આવ્યા હતા . 

   મંડેલાએ સ્થાનિક મિશન સ્કૂલમાં પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું . મેટ્રિક સુધીની પરીક્ષા હીલ્ડટાઉન બોડિંગ સ્કૂલમાં રહીને પાસ કરી. બી.એ. માટે વધુ અભ્યાસ અર્થે કોર્ટ હેયર યુનિવર્સિટી કોલેજમાં પ્રવેશ મેળવ્યો. નેલ્સન મંડેલાએ ત્યાં ફોર્ટ હેર વિશ્વ વિદ્યાલય અને વિટવોટર સ્ટ્રાન્ડ વિશ્વ વિદ્યાલયમાંથી કાયદાનું શિક્ષણ મેળવ્યું હતું.

    કોલેજ જીવનના દિવસોથી તેઓ રાજનીતિમાં સક્રિય બન્યા હતા. જહાનિસબર્ગમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેઓ સન ૧૯૪૨માં દક્ષિણ આફ્રિકાના પ્રમુખ રાજનીતિક દળ આફ્રિકન નેશનલ કોંગ્રેસ (એ.એન.સી.)ના સદસ્ય બન્યા.તેઓ આ દળની યુવા પાંખના  સ્થાપક સભ્ય હતા .

   નેલ્સન મંડેલાએ એ.એન.સી .પક્ષના યુવા પાંખના વડા તરીકે શરૂઆતમાં ત્યાંની લઘુમતી ગોરી હકુમતના બહુમતી અશ્વેત પ્રજા માટેના અન્યાયી કાયદાઓ સામેની લડત મહાત્મા ગાંધીમાંથી પ્રેરણા લઈને અહિંસક ચળવળથી શરૂઆત કરી હતી.પરંતુ જ્યારે આને નબળાઈ માનીને ગોરી હકુમતે અશ્વેત  અહિંસક સરઘસો ઉપર ગોળીબાર કરીને સો ઉપરાંત માણસોને મોતને શરણ કર્યા ત્યારે અંગ્રેજોની આંખ ઉઘાડવા માટે અંગ્રેજ સરકારના હિતોની જગાઓ ઉપર બોમ્બ નાખેલા ભૂગર્ભમાં રહીને નેલ્સન મંડેલા અને એમના સાથીઓએ કામચલાઉ સમય માટે હિંસાનો રસ્તો અપનાવેલો.

   ૧૯૬૦માં સરકાર સામેની હિસક લડત માટે મંડેલાને ગુનેગાર ઠેરવવામાં આવ્યા. ધરપકડની બીક તથા પોલિસથી બચવા તેઓ ભૂગર્ભમાં ચાલ્યા ગયા પણ અંતે પકડાયા.એમની સામે  દેશદ્રોહનો આરોપ લગાડી તેમને મૃત્યુદંડની સજા કરવામાં આવી. એમના બચાવ માટે પોતે જ વકીલાત નામું દાખલ કર્યું. નેલ્સન મંડેલાએ કોર્ટમાં કહ્યું હતું કે  ‘’મને જાણ છે કે આ સ્વાતંત્ર્ય લડત માટે મૃત્યુદંડ અપાય છે પણ સ્વાતંત્ર્ય ચળવળ એ જ અમારા માટે આદર્શ આશા છે. આ માટે જ મારે જીવવું છે ને અમારે જીવવાનો અધિકાર હાંસલ કરવો છે. ટૂંકમાં આ આદર્શ માટે જ મારે જીવનમાં જીવવું કે મરવું છે.’’

    દક્ષિણ આફ્રિકામાં રંગભેદની નીતિ વિરુદ્ધ ચળવળ શરૂ કરનાર મંડેલાને ૨૭ વર્ષ જેલમાં વીતાવવાં પડ્યાં હતાં જેમાંનાં ૧૮ વર્ષ કુખ્યાત ગણાતી રોબેન આયલેન્ડ પીનલ કોલોની જેલમાં પસાર કરવાં પડ્યાં હતાં.આ જેલમાં પણ રંગભેદની નીતિ ચાલુ હતી . જેલમાં મંડેલાને નાની કોટડી આપવામાં આવી હતી. છ ફૂટ લાંબી હતી. જેથી પગ અને માથું દિવાલે અડી જતાં હતાં. વળી, તે ઓરડી સતત ભીની રહેતી હતી અને નીચે પાથરવા માટે કંતાન કે કોથળા અપાતા હતા.મંડેલાની કોટડીની બહાર નામ અને કેદી નંબર 466/46 લખવામાં આવ્યું  હતું.

Nelson Mandela’s prison cell 
on Robben Island

    આ જેલમાં કેદીઓને આખો દિવસ તાપમાં પથ્થર તોડવાની મજુરી કરવી પડતી હતીઆ કારાવાસમાં રાજકીય કેદીઓનું સ્વમાન ઘવાય એવું વર્તન કરવામાં આવતું. જેલમાં કેદીઓને દર છ મહિને ફક્ત એક જ પત્ર મળતો. મંડેલાએ ગોરી હકુમત તરફથી અપાતો ત્રાસ સહન કરી લીધો હતો.મંડેલા આશાવાદી હતા કે એક દિવસ સૂર્યના પ્રકાશમાં ઊંચું માથું રાખીને ચાલવાનો સ્વતંત્ર દિવસ આવશે અને એ આશાએ જ તેઓ જીવતા હતા.

     મંડેલાએ એમની આત્મકથા ‘લૉન્ગ વૉક ટુ ફ્રીડમ’ માં એમના ૨૭ વર્ષના કારાવાસની આપવીતી વિષે સવિસ્તાર લખ્યું છે.આ આત્મકથામાં એક જગાએ એમણે લખ્યું છે કે ‘’ મારી દીકરી ઝીડ્ઝીને એ ત્રણ વર્ષની હતી એ પછી મેં એને જોઈ જ ન હતી.એના પિતાને સ્મૃતિથી નહિ, પણ જૂના ફોટાઓ પરથી જ ઓળખતી હતી.(નેલ્સન મંડેલા : લૉન્ગ વૉક ટુ ફ્રીડમ : પૃષ્ઠ 471)

    નેલ્સન મંડેલા ૧૯૬૨માં જ્યારે જેલમાં ગયા ત્યારે તેઓ ૪૫ વર્ષના એક તરવરીયા યુવાન હતા અને ભારે આંતરરાષ્ટ્રીય માંગ અને દબાણ પછી ૧૯૯૦માં જ્યારે તેમને જેલમુક્ત કરાયા ત્યારે તેઓ ૭૨ વર્ષના વૃદ્ધ બનીને મુક્ત બની જેલ બહાર ની મુક્ત હવામાં સ્વતંત્રતનો અહેસાસ કરી  કુટુંબીજનો વચ્ચે રહી શક્યા હતા.દેશની સ્વતંત્રતા માટે અને વર્ષો જૂની રંગભેદની ગોરી લઘુમતી સરકારની અન્યાયી અને ક્રૂર નીતિ દુર કરવા માટે પોતાના જીવનનો આ કેટલો બધો મહાન ત્યાગ કહેવાય !

નેલ્સન મંડેલાને જે જેલમાં રાખવામાં હતા એ 

Victor Verster Prison, emmershoek સામે 

એમનું સ્ટેચ્યુ એમના પ્રમુખ બન્યા બાદ 

ઉભું કરવામાં આવ્યું હતું એની એક તસ્વીર.

    જેલમાંથી મુકત થયા બાદ નેલ્સન મંડેલાએ જોશીલા શબ્દોમાં કહ્યું હતું કે, ‘અમારૂ લક્ષ્ય દક્ષિણ આફ્રિકાને ગોરાઓથી મુકત કરાવવાનું છે. એના માટેઅમારી લડત ચાલુ રહેશે.’

   મંડેલાની ગેરહાજરીમાં એમનાં પત્ની વીની મંડેલાએ અહિંસક લડતની આગેવાની સંભાળી લીધી હતી . મંડેલા એક હિંસક ચળવળના નેતા તરીકે જેલમાં ગયેલા અને ૨૭ વર્ષ પછી જ્યારે બહાર આવ્યા ત્યારે આંતરિક મનોમંથનોએ એમને સમ્પૂર્ણ રીતે અહિંસામાં માનતા ગાંધીવાદી બનાવી દીધા હતા.સરકારે આપેલ અસહ્ય ત્રાસ માટે એમણે એને માફ કર્યા હતા.જેલ બહાર આવી ગોરી હકુમત સાથે વાતચીતનો દોર ચાલુ રાખી ગોરી સરકારનું હૃદય પરિવર્તન કરાવવામાં સફળતા પ્રાપ્ત કરી.

   1990માં ફ્રેડરીક વિલિયન દ’કલાર્ક દક્ષિણ આફ્રિકાની રંગભેદવાળી સરકારના પ્રમુખ બન્યા તેમણે 1990માં મંડેલાને જેલમાંથી છોડવાની જાહેરાત કરી. આફ્રિકી નેશનલ કોંગ્રેસ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવાયો. રંગભેદી પગલાં દૂર કરવાની પણ જાહેરાત કરી.

નેલ્સન મંડેલાના એમના આવા મહાન વ્યક્તિત્વ, ત્યાગ અને રંગભેદ દુર કરવાના એમના પુરુષાર્થની કદર તરીકે ૧૯૯૩ માં એમને શાંતિ માટેનું નોબેલ પ્રાઈઝ પ્રાપ્ત થયું હતું .

મંડેલા ૧૯૯૧ થી ૧૯૯૭ દરમ્યાન આફ્રિકન નેશનલ કોંગ્રેસના પ્રમુખ તરીકેની સેવા બજાવી હતી.૧૯૯૪ માં યોજાએલી ચૂંટણીમાં એમની એ.એન.સી, પાર્ટી વિજયી બનતાં મે, ૧૦ ૧૯૯૪ ના દિવસે તેઓ દક્ષીણ આફ્રિકાના પ્રથમ બિનગોરા પ્રમુખ બન્યા .

સાઉથ આફ્રિકાના  પ્રથમ અશ્વેત પ્રમુખ બન્યા પછી દેશને અને વિશ્વને સંબોધીને નેલ્સન મંડેલાએ જે પ્રથમ ઐતિહાસિક પ્રવચન કરેલું  એ નીચેના વિડીઓમાં સાંભળો .

 Nelson Mandela’s Inauguration Speech (Full) – May 10, 1994

૧૯૯૪ થી ૧૯૯૯ સુધી દક્ષિણ આફ્રિકાના  પ્રમુખપદે રહીને આઝાદ બનેલા દેશમાં જરૂરી સુધારા શરુ કરી દીધા હતા.નેલ્સન મંડેલા વધુ સમય માટે પ્રમુખ પદે રહી શક્યા હોત પરંતુ દેશની બાગડોર નવી પેઢીને સાંપીને 1999માં સ્વેચ્છાએ સત્તા ત્યાગ કરી બહાર રહીને દેશને માટે આજીવન કામ કરતા રહ્યા હતા.

આવા દક્ષિણ આફ્રિકાના પ્રથમ બિનગોરા પ્રમુખ અને પ્રખર ગાંધીવાદી વિચારસરણી ધરાવનાર નેતા નેલ્સન માંડેલાનું તારીખ ૫મી ડિસેમ્બર ૨૦૧૩ના રોજ, તેમના નિવાસસ્થાન હૌગટન, જહાનિસબર્ગ ખાતે ૯૫ વર્ષની ઉંમરે,પરીવારજનોની ઉપસ્થિતિમાં અવસાન થયું.હતું .ફેફસાંના ચેપને કારણે છેલ્લા ત્રણેક મહિનાથી તેઓ હૉસ્પિટલના આઇસીયુમાં સારવાર હેઠળ હતા

નેલ્સન મંડેલાના અવસાનના સમાચારથી આખું દક્ષિણ આફ્રિકા જ નહી પણ સમસ્ત વિશ્વ શોકમાં ગરકાવ થઈ ગયું હતું.૧૦ ડિસેંબરે જોહનિસબર્ગ સ્ટેડિયમમાં મંડેલાની શ્રદ્ધાંજલિ સભા યોજવામાં આવી હતી . આ સભામાં દુનીયાભરમાંથી લગભગ ૧૦૦ દેશોના સર્વોચ્ચ હોદ્દાધારીઓએ હાજરી આપી હતી .વરસતા વરસાદમાં લોકોની જંગી મદનીએ ગૌરવ પૂર્વક મંડેલાના જીવન અને કાર્યોને ભવ્ય અંજલિઓ આપી હતી.

દુનિયાભરના ટોચના નેતાઓ પણ દક્ષીણ આફ્રિકાના “ગાંધી ” મંડેલાના જીવન અને કાર્યોને યાદ કરીને દુઃખની લાગણી સાથે સુંદર શબ્દોમાં એમને શ્રધાંજલિ આપી હતી.અમેરિકાના પ્રથમ અશ્વેત પ્રમુખ બરાક ઓબામાએ પણ મંડેલાના નિધનના સમાચાર અંગે યાદગાર શબ્દોમાં દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરી હતી.

નેલ્સન મંડેલા 1990માં સત્તાવીશ વર્ષની કેદ બાદ મુકત થતાં પ્રથમવાર ભારત આવ્યા ત્યારે તેમને સર્વોચ્ચ આફ્રિકી નેતાના રૂપમાં સન્માન મળ્યું હતું. તદ્ ઉપરાંત ભારત તરફથી રાષ્ટ્રનો સર્વોચ્ચ પુરસ્કાર ‘ભારત રત્ન’થી એમને સન્માનિત કરવામાં આવ્યા હતા. એ સમયે તેઓ આફ્રિકાના રાષ્ટ્રપતિ નહોતા બન્યા.આ ઉપરાંત વિશ્વ ભરમાંથી મંડેલાને આશરે ૨૫૦ કરતાં વધુ સન્માનો પ્રાપ્ત થયાં હતાં.

આપણા રાષ્ટ્રપિતા ગાંધીના પગલે ચાલીને ૯૫ વર્ષનું લાંબુ કાર્યશીલ જીવનજીવીને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્ર પિતાનું માન મેળવનાર દક્ષિણ આફ્રિકાના પ્રથમ બિનગોરા પ્રમુખ સ્વ. નેલ્સન મંડેલાને સાદર પ્રણામ અને ભાવભરી હાર્દીક શ્રધાંજલિ .

     જીવનભર સંઘર્ષ કરી દક્ષિણ આફ્રિકાના એક  નાના ગામમાં ઘેટાં ચરાવનાર બાળકથી શરુ કરી દેશના પ્રમુખ પદ સુધીની ..

નેલ્સન મંડેલાની રંગ બેરંગી ભાતીગર જીવન યાત્રાની ઝલક નીચેના વિડીયોમાં નિહાળો.

Read more details on Nelson Mandela on following web sites –

વિકિપિડિયા પર

તેમના નામથી શરૂ થયેલી
માનવતાવાદી વેબ સાઈટ
પર જવા અહીં ક્લિક કરો

Nelson Mandela’s Inspiring Quotes

https://youtu.be/rYnptwetqIE

વિનોદ પટેલ,સાન ડીએગો,કેલીફોર્નીયા

ઈ-વિદ્યાલયમાં પ્રથમ વાર આ જ લેખ પોસ્ટ થયો છે એની લીંક.
https://e-vidyalay.blogspot.com/2018/07/blog-post_765.html#more

1211 – એક સંનિષ્ઠ શિક્ષક આનંદ કુમાર અને એનું ”સુપર-૩૦” અભિયાન…

બિહારમાં ભણીને ગ્રેજયુએટ થનાર આનંદકુમાર ટપાલ ખાતામાં કારકુનની નોકરી કરનારના પુત્ર છે !

બાળપણથી ગણિતમાં રસ હોવાથી તે વિષય પર જ્ઞાન એકત્રિત કરતા રહીને ગણિત પર નંબર થિયેરી પર લેખ લખે છે,જે મેથેમેટિક્સના ગેઝેટમાં પ્રકાશિત થતાં તેઓને વધુ અભ્યાસ માટે કેમ્બ્રિજ યુનીવર્સીટી  એડમીશન આપે છે !

અચાનક પિતાનું અવસાન થતાં અને વિદેશ ભણવા જવાની આર્થીક પરિસ્થિતિ ન હોવાથી,આનંદકુમાર કેમ્બ્રિજ જઈ શકતા નથી !

તેઓ દિવસે પોતાનો ગણિત અભ્યાસ ચાલુ રાખે છે અને સાથે સાથે પોતાની માતા સાથે પાપડ વેચવાનું કામ કરતા રહે છે !

પુસ્તકો ખરીદ કરવાની સ્થિતિ ના હોવાથી,દર અઠવાડિયે બનારસ જઈને ત્યાંની લાયબ્રેરીમાં રહેલા ગણિતના ગ્રંથોનો અભ્યાસ કરે છે !
૧૯૯૨ માં આનંદકુમાર રૂ.૫૦૦ના ભાડાની રૂમમાં રામાનુજમ ઇન્સ્ટીટ્યુટ નામથી ગણિતના ક્લાસ ખોલે છે !

૨૦૦૦ની સાલમાં આનંદકુમાર પાસે એક ગરીબ પણ તેજસ્વી વિધાર્થી આઈઆઈટીની ટ્રેનીગ લેવા આવે છે પણ પોતાની પાસે કોઈ રકમ નહિ હોવાથી મફત શિક્ષા આપવા કાકલુદી કરે છે,તેની વિનંતીઓ આનંદકુમારનું દિલ ઝંઝોળી નાખે છે !

બીજા વર્ષે આનંદકુમાર એની ખુબ જાણીતી બનેલ સુપર ૩૦ની સ્કીમ દાખલ કરે છે !

આ સ્કીમ અન્વયે આનંદકુમાર દર વરસે ૩૦ ગરીબ પણ તેજસ્વી વિધાર્થીઓ પસંદ કરીને તેઓને આઈઆઈટીની પ્રવેશ પરિક્ષા સફળતા પૂર્વક પાસ થવાનું કોચિંગ તદન મફતમાં આપે છે !
આ અંગે થતો ખર્ચ આનંદકુમાર પોતાના ગણિતના ક્લાસની આવકમાંથી કાઢે છે !
આજ સુધી આનંદ્કુમારે ૩૬૦ વિધાર્થીને મફત કોચિંગ આપ્યું છે,તે પૈકી લગભગ ૩૦૮ વિધાર્થી આઇઆઇટી માં પ્રવેશ મેળવી ચુક્યા છે !
આજે આનંદકુમાર પાસે રૂપિયાનો ઢગલો ખડકીને કોચિંગ મેળવવા ઘણા ધનવાન સંતાનો આવે છે પરંતુ દર વરસે આનંદકુમાર ફક્ત ૩૦ તેજસ્વી ગરીબ વિધાર્થી શોધીને તેને જ શિક્ષા આપે છે !

૨૦૦૯ માં ડીસ્કવરી ચેનલએ આનંદકુમાર પર એક કલાકનો પ્રોગ્રામ પ્રસારિત કર્યો હતો ! લિમ્કા બુક,ટાઈમ્સ મેગેઝીન વિગેરે આનંદકુમારની પ્રશંસા કરી છે !

અમેરિકાના પ્રેસિડેન્ટ ઓબામાએ પોતાના અંગત પ્રતિનિધિ રશ્દ હુસેનને પટના મોકલીને આનંદકુમારનું સન્માન કર્યું હતું!

બ્રિટન એક મેગેઝીને વિશ્વના ૨૦ શ્રેષ્ઠ શિક્ષકના લીસ્ટમાં આનંદકુમારનું નામ સામેલ કર્યું છે,બિહાર અને મધ્ય પ્રદેશની સરકારે આનંદકુમારને એવોર્ડ આપ્યા છે !બેંક ઓફ બરોડા – મુબઈએ પણ એક એવોર્ડ આપ્યો છે !

આવા સંનિષ્ઠ શિક્ષકને આનંદકુમારને હજુ સરકારી પદ્મશ્રી મળ્યો નથી,એ એક આશ્ચર્ય છે.

આનંદ કુમાર અને શિક્ષણ ક્ષેત્રે એના મિશનરી કાર્યને સલામ…

સાભાર -શ્રી પ્રવીણ પટેલ,

નીચેના આ વિડીયોમાં આનંદ કુમાર અને એના સુપર-૩૦ મિશન વિષે ઘણી માહિતી જાણવા મળશે.

Anand Kumar: Real life Superman

Witness – Super 30 – Hard Lessons – Part 1

Witness – Super 30 – Hard Lessons – Part 2