વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: જુલાઇ 1, 2018

1209 -બારણાં ખુલ્લા રાખશો તો અજવાળું આવશે!… મોહમ્મદ માંકડ

બારણાં ખુલ્લા રાખશો તો અજવાળું આવશે!
કેલિડોસ્કોપઃ મોહમ્મદ માંકડ

થોડાં વખત પહેલાં એક સર્વે થયો હતો કે, અમેરિકામાં સૌથી વધારે વંચાતા કવિ કોણ? બેસ્ટ સેલર કોણ? એનો જવાબ હતો જલાલુદ્દીન રૂમી.

તેરમી સદીની શરૂઆતમાં અફઘાનિસ્તાનના બલ્ખમાં જન્મેલા રૂમી તુર્કસ્તાનમાં જઈને વસ્યા હતા. રૂમીને આજે દુનિયા એક ઉચ્ચ કોટિના સંત તરીકે ઓળખે છે. એમના જીવન દરમિયાન વિપુલ પ્રમાણમાં આધ્યાત્મિક સાહિત્યનું સર્જન કર્યું હતું. જે આજે અનુવાદિત થઈને દુનિયાભરના વાચકો સુધી પહોંચી ગયું છે.

આપણે ત્યાં રૂમીના નૃત્યને સૂફી નૃત્ય તરીકે રજનીશજીએ પ્રખ્યાત કર્યું છે. જલાલુદ્દીન રૂમીએ પોતાના શિષ્યોને જે કંઈ કહ્યું તે ભક્તિભાવથી ગોળ ફુદરડી ફરતાં ફરતાં કહ્યું, જે આજે આપણાં સુધી પહોંચ્યું છે.

સદીઓ પહેલાં મૂળ ફારસીમાં લખાયેલી અને અંગ્રેજીમાં ભાષાંતર થયેલી એમની એક રચના અહીં જોઈએ.

The wire of divine grace is limitless:
All limits come only from the faults of the cup.
Moonlight floods the whole sky from horizon to horizon;
How much it can feel your room depends on its windows.
Grant a great dignity, my friend, to the cup of your life;
Love has designed it to hold this
eternal wine.

સામાન્ય રીતે વાઈન (wine) નો અર્થ આપણે દારૂ, શરાબ કે મદીરા કરીએ છીએ પરંતુ સૂફી સંતોની આધ્યાત્મિક રચનાઓમાં એના અનેક અર્થ થાય છે. ક્યારેક એનો અર્થ પરમ સત્ય થાય છે, શાશ્વત પ્રેમ થાય છે કે જ્ઞાાન એવો થાય છે, તો ક્યારેક એનો અર્થ કુદરતનું સૌંદર્ય, કુદરતની મોહિની, કુદરતની શોભા એવો પણ થાય છે. ‘મદિરા’ શબ્દના પણ અનેક અર્થ થાય છે અને સૂફી સાહિત્યમાં એને અનેક જુદી જુદી રીતે વાપરવામાં આવે છે. ખાસ કરીને ઈશ્વરના પ્રેમના અર્થમાં એ વધારે વપરાય છે. સૂફી લોકો ઈશ્વરના પ્રેમને સૌથી કીમતી ગણે છે.

શરાબ માણસના શરીરને અને મનને નુકસાન કરે છે જ્યારે ઈશ્વર તરફનો દિવ્ય પ્રેમ-નશો (Divine Love) તો માણસના અંતર આત્માને એક જુદી જ ઊંચાઈ ઉપર લઈ જાય છે.

ફરી રૂમીની વાત પર આવીએ. રૂમી કહે છે કે, “ઈશ્વરનો પ્રેમ-કૃપા તો અસીમ છે જે કંઈ મર્યાદા છે એ એને ઝીલવાવાળા પાત્રની મનુષ્યની છે.“

નજર પહોંચે ત્યાં સુધી ચાંદની તો પથરાયેલી જ છે. પણ તમારા ઓરડાને એ કેટલો ઉજાળી શકશે એનો આધાર તો એમાં રહેલી બારીઓ ઉપર છે.

મારા મિત્ર, એની દિવ્યતા પામવા, એનું સૌંદર્ય માણવા, એનો પ્રેમ અને કૃપા મેળવવા, એના પરમ સત્યને પામવા) તારા જીવન-પાત્રને એના માટે લાયક બનાવ, એને ગૌરવશાળી બનાવ. માત્ર પ્રેમ જ એક એવી વસ્તુ છે કે જેના દ્વારા ઈશ્વરને પામી શકાય.

રૂમી અંતરઆત્માના ઊંડાણમાં પહોંચીને નવી ઊંચાઈ પર પહોંચવાની વાત કરે છે.

રૂમી કહે છે કે માણસ ઈશ્વરીય અજવાળાંથી એના મનને ભરી દઈ શકે છે પણ માણસે એ માટે એના મનનાં બારી-દરવાજા ખુલ્લા રાખવા પડે છે. બારી-દરવાજા ઘરના હોય કે મનનાં જો એ બંધ જ રખાય તો એમાં અનંતનો પ્રકાશ પ્રવેશી શક્તો નથી.

માણસ મોટે ભાગે પોતાના મનના બારી-બારણાંને બંધ જ રાખે છે. એ ભૂલથીયે ખૂલી ન જાય એટલા માટે પોતાના અહંનું, સંસ્કારોનું રૂઢીચુસ્ત ખ્યાલોનું મોટું તાળું મારી રાખે છે. પોતાના મનમાં ઘર કરી ગયેલા અંધારાને જ આજે માણસ અજવાળું માને છે.

જ્યારે મનનાં એવાં અંધારા ઊલેચાઈ જાય છે ત્યારે જ કોઈક નરસિંહ મહેતા, કબીર કે અખો પેદા થાય છે. રૂમીની જ બીજી એક વાત છે, જે મેં અગાઉ લખેલી છે છતાં અહીં યાદ કરવા જેવી છે.

એક ભમરાની અને ડંગ-બિટલ (ધૂધા)ની એ વાત છે. ડંગ-બિટલ એ એક ઢાલીયું જીવડું છે. જેને કાઠિયાવાડમાં ધૂધો કહે છે. પોતાના પગ વડે એ છાણની ગોળીઓ બનાવ્યા કરે છે. દેખાવમાં એ ભમરા જેવો હોય છે.

ભમરાના મનમાં એક દિવસ છાણની ગોળીઓ બનાવતા ધૂધાને જોઈને થયું કે આ મારા ભાઈને માટે ફૂલોની અને બાગની સહેલ કરાવવી જોઈએ. ધૂધા પાસે જઈને ભમરાએ કહ્યું, “ભાઈ, એકવાર તું મારા ઘરે ન આવે?” ભમરાના આમંત્રણથી ધૂધાને થોડો વહેમ પડયો, છતાં થોડીવાર વિચારીને તેણે કહ્યું, “જરૂર આવીશ”

બીજે દિવસે ભમરો ધૂધાને બાગની સહેલગાહે લઈ ગયો. ભમરાને થયું કે આ બાગની શોભા અને સુંદર ફૂલોની સુગંધની અસર જરૂર ધૂધા ઉપર થઈ હશે. એટલે એણે પૂછ્યું “ભાઈ તને એમ નથી લાગતું કે તારે તારું ગંદું જીવન છોડી દેવું જોઈએ? બાગના ફૂલોની સુગંધ તને કેવી લાગે છે?”

ધૂધાએ સામો પ્રશ્ન કર્યો, “કઈ સુગંધ?”

“કેમ, તને કોઈ સુગંધ આવતી નથી?”

ધૂધાએ હસીને કહ્યું, “તારી ચાલાકી હું પહેલેથી જ સમજી ગયો હતો. એટલે અહીં આવ્યો એ પહેલાં જ છાણની બે સરસ ગોળીઓ બનાવીને મેં નસકોરામાં ચડાવી દીધી હતી. બીજી કોઈ ગંધ મને અસર કરી શકે એમ નથી.”

ભમરા અને ધૂધાની વાતમાં પણ રૂમીનો એ જ ઉપદેશ છે કે મનનાં કમાડને બંધ રાખનારને નવી સુગંધ, તાજો પ્રકાશ, તાજી હવા મળતાં નથી. જો તમે ધૂધા જેવું નહિ કરો તો, કુદરતની અસીમ કૃપા છે વળી એને ત્યાં કશું જ છૂપું નથી, એના તમામ ભંડાર ખુલ્લા છે. એનું સૌંદર્ય ચારે તરફ ફેલાયેલું છે તમે તમારી લાયકાત મુજબ એમાંથી મેળવી શકશો. વહેતી નદીમાંથી ખોબા જેટલું પાણી તો તમે જરૂર મેળવી શકશો- તમારી તરસ માટે જરૂર એ પૂરતું થઈ પડશે. તમારા મનનાં બારી દરવાજા ખુલ્લા રાખશો તો કુદરત તમારા મનને, તમારી જાતને જરૂર શાશ્વત સુખથી ભરી દેશે.

મોહમદ માંકડ- પરિચય

MOHAMMAD MAKAD | Gujarat Sahitya Academy | સર્જક અને સર્જન | મોહમ્મદ માંકડ