દેવદુત … ટૂંકી વાર્તા
ટપાલી બે કાગળ આપી ગયો. તેના પર મુમ્બઈ ને પુણેના સીક્કા જોઈ મારો ભાઈ હોંશભેર વાંચવા બેઠો. મેં જોયું કે વાંચતાં‑વાંચતાં તેના ચહેરા પરનો ઉત્સાહ ઓસરી ગયો. મુંગા‑મુંગા જ પત્રો મારા હાથમાં મુકી એ નહાવા જતો રહ્યો.
પહેલો પત્ર પુણેનો વાંચ્યો. ત્રણ જણ ગયા મહીને મને જોવા પુણેથી આવ્યા હતા. બે દીવસ રહ્યા. મને જોઈ, શહેર જોયું, મારી સાથે એક નાટક જોયું. હવે લખે છે, ‘છોકરી થોડી ઉમ્મરમાં મોટી લાગે છે’.
મને અંગઅંગ ઝાળ લાગી ગઈ. ભાઈસાહેબ પણ ક્યાં નાના છે? મારાથી વરસ તો મોટા છે. અને અમે બધો બાયો‑ડેટા નહોતો લખ્યો? …. 34 વર્શ. પાંચ ફુટ ચાર ઈંચ. વાન ઘઉં વર્ણો. કૉલેજમાં લેક્ચરર. એ બધું જાણીને તો તમે આવેલા. પછી‘છોકરી ઉમ્મરમાં મોટી છે’‑નો શૅરો શું કામ? મુમ્બઈના પત્રમાંયે આવું જ કાંઈક વાહીયાત વાંચી મેં બન્ને પત્રો ફાડીને કચરા ટોપલીમાં નાખી દીધા.
હું એટલી બધી ધુંઆપુંઆ થઈ ગઈ હતી કે તે દીવસે મેં સ્કુટર ચલાવવાનું ઉચીત ન માન્યું. રીક્ષામાં કૉલેજ ગઈ. તો રીક્ષાવાળા સાથે ભાડા બાબત ઝઘડો થઈ ગયો. કૉલેજમાં પણ એક‑બે જણ સાથે થોડી કચકચ થઈ ગઈ. સાંજે ઘેર આવી. તો ભાઈએ કહ્યું, ‘રાતે એક ભાઈ જોવા આવવાના છે’. – એ સાંભળી હું બરાડી ઉઠી, ‘નહીં…નહીં…. બહુ થયું હવે’ અને હું મારા રુમમાં જતી રહી.
પન્દર વરસથી આ નાટક ચાલે છે. શરુમાં રોમાંચ હતો, કાંઈક સપનાં હતાં, જીવનસાથી વીશેના ખ્યાલો હતા. આજે એમાનું કાંઈ રહ્યું નહીં. સામે એક પુરુશ ને હું માત્ર એક સ્ત્રી. માને હું કહેતી, ‘સાથી ન મળતો હોય એવા લગ્નની મને કોઈ જરુર નથી, મને એકલી રહેવા દે’ પણ મા માનતી નહોતી. એટલે મારું આ પ્રદર્શન ચાલુ જ હતું. ત્રીસની વય વટાવ્યા પછી તો બીજવરનેય દેખાડવા માંડેલા.
ભાઈ મને મનાવવા આવ્યો, ‘સતીશ એન્જીનીયર છે. મારી સાથે ભણતો હતો. પહેલીના બે બાળકો છે. બે વરસ પહેલાં ગુજરી ગઈ’.
‘ગળે ફાંસો ખાધો હતો કે સળગીને મરી ગઈ? કે પછી ટ્રેન નીચે પડતું મુક્યું?’‑ હું ગુસ્સામાં બોલી ગઈ.
‘એમ દુધથી દાઝેલી છાશને પણ ફુંકી‑ફુંકીને ન પી. સતીશ બહુ ભાવનાશાળી છે. પત્ની પર એટલો પ્રેમ છે કે એ તો ફરી પરણવાની ના જ પાડે છે. પણ એની મા પાછળ પડી છે’.
હું અન્દર સાડી બદલતી હતી અને એ લોકો આવ્યાં. ભાઈ બોલ્યો, ‘સતીશ ન આવ્યો?’ મારા કાન સરવા થયા. ‘બહુ આગ્રહ કર્યો, પણ ન માન્યો. કહે, તમે જ જોઈ આવો’!
અપમાનથી હું ઉભી ને ઉભી સળગી ગઈ…… મને જોવા સુધ્ધાની એને ગરજ નથી. કુંવારી છે. કમાય છે. મારા બાળકોને સાચવવાની છે. બસ, બીજું શું જોઈએ?
હું ગઈ. સતીશના મા અને માશી આવેલાં. મા બોલ્યાં, ‘એ કહે, તારે વહુ જોઈએ છે ને? તો તું જ પસન્દ કરી આવ’.
‘પહેલી વહુ પણ તમે જ પસન્દ કરેલી?’ – ભારે રુક્ષ સ્વરે મેં પુછી પાડ્યું.
બન્ને અવાક્ વદને મારી સામે જોઈ રહ્યાં. મેં જ એમને સમ્ભળાવ્યું, ‘હું મારા પગ પર ઉભી છું. ગમે તેના ગળામાં વરમાળા નાખી દેવા જેટલી નમાલી કે નોંધારી નથી. તમારા દીકરાનું બીજું લગ્ન હશે, પણ મારું તો પહેલું જ છે. અને પસન્દગીનો અધીકાર મને પણ છે. વળી, જે બાળકોને સમ્ભાળવાના છે, એમનેય મારે એક વાર જોઈ લેવાં જોઈએ’.
એકી શ્વાસે આટલું કહી દઈને હું ત્યાંથી ઉઠીને મારા રુમમાં જતી રહી. ઘરમાં થોડો ખળભળાટ મચ્યો, પણ પછી આ બાબત મારી પાસે ફરી ઉખેળવાની કોઈએ હીમ્મત ન કરી.
ત્યાર પછીના રવીવારે ઘરમાંથી બધાં જ બહાર ગયેલાં. હું એકલી જ હતી. બપોરે ત્રણેક વાગે ઘન્ટડી વાગી. બારણું ખોલ્યું તો બે બાળકો સાથે એક ભાઈ ઉભા હતાં. અત્યન્ત સૌમ્ય ને નમ્ર અવાજે ભાઈ બોલ્યાં, ‘હું સતીશ. પસન્દગીનો અધીકાર તમે બજાવી શકો તે માટે આવ્યો છું’.
હું દંગ થઈ ગઈ. શું બોલવું તે મને તરત સુઝ્યું નહીં. એમણે જ આગળ કહ્યું, ‘બાળકોને પણ સાથે લાવ્યો છું. એમનેય પસન્દગીનો અધીકાર ખરો ને. એમની પાસે ગમે તે મહીલાને મા કહેવડાવવામાં તો એમને અન્યાય થાય’.
‘નહીં, નહીં. એ તો એમના પર સીતમ થઈ જાય. એકદમ તેઓ મા શું કામ કહે? પહેલાં તો કોઈએ મા બનવું પડે ને’! –આ વીધાન તો મને જ સ્પર્શે છે, એવા કશા ખ્યાલ વીના મારાથી સહસા બોલાઈ ગયું.
ભાઈએ ભારે આદર અને ઓશીંગણ ભાવે મારી સામે જોયું. ‘તમે મને પસન્દ કરશો કે નહીં, ખબર નથી. પણ મને તમારા સાથી થવાનું ગમશે. બીજવરને નસીબે આવું પાત્ર મળે, તેની કલ્પના નહીં. મારી સરયુ મારી પરમ મીત્ર હતી….’ અને ઘડીક તેના સ્મરણમાં સરી પડયા.
થોડી વાતો કરી એ ઉઠ્યા. બહાર જઈ સ્કુટર પર બેઠા. બન્ને બાળકો પાછળ બેઠાં. મને એકદમ ઉમળકો થઈ આવ્યો કે એ બન્ને મીઠડાં બાળકોને જઈ પુછું કે તમે મને પસન્દ કરી? એ બાળકો મને દેવદુત સમા લાગ્યાં – અપમાન ને અવહેલનાની અસહ્ય યાતનામાંથી મને ઉગારી લેનારાં!
(શ્રી માલતી જોશીની મરાઠી વાર્તાને આધારે ) (વી. ફુ. 13 પાના 1‑2)
સાભાર ..સૌજન્ય ..
સરસ વાર્તા છે.
LikeLike
સંવેદના સભર વાર્તા.
LikeLike