Daily Archives: ઓગસ્ટ 2, 2018
(લેખક શ્રી ‘કૃષ્ણકાન્ત ઉનડકટ દિવ્ય ભાસ્કર’ દૈનીકની રવિવારીય પૂર્તિ ‘રસરંગ’માં ‘દૂરબીન’ કૉલમમાં લખે છે. આ લોકપ્રિય કૉલમનો તા. 15 જુલાઈ, 2018નો આજની પોસ્ટમાં લેખકના આભાર સાથે પ્રસ્તુત લેખ તમને જરૂર ગમશે.)
મારે પણ એક ઘર હોય! તમારી પાસે ‘ઘરનું ઘર’ છે? ….‘દૂરબીન’…
–કૃષ્ણકાન્ત ઉનડકટ

સુખનું સૌથી મોટું સરનામું પોતાનું ઘર છે. માત્ર ઘર હોય એ પૂરતું નથી; ઘરે જવાની ઉતાવળ પણ હોવી જોઈએ. કહેવાય છે : ‘જેને ઘરમાં સુખ નથી મળતું એને ક્યાંય સુખ મળવાનું નથી.’
‘હવે તો એમ થાય છે કે જલદી ઘરે પહોંચી જાઉં’. લાંબો સમય બહારગામ ગયા હોઈએ ત્યારે થોડાક દિવસ તો વાંધો નથી આવતો; પછી એમ થાય છે કે હવે જલદી આ દિવસો જાય તો સારું! ફરવા ગયા હોય પછી પણ જ્યારે આપણે ઘરે આવી જઈએ ત્યારે હાશ થાય છે. ઘરનું ઘર એ દરેક વ્યક્તિ માટે એક ગજબનું સપનું છે.
એક યુવાનની આ વાત છે. તેણે કહ્યું હતું કે મારા પિતાએ મારા માટે ઘણું બધું કર્યું છે; પણ જો કોઈ ઉત્તમ કામ કર્યું હોય તો એ છે કે એમણે મારા માટે સરસ મજાનું ઘર બનાવી રાખ્યું છે. જો એ ઘર ન હોત તો હું કેમ કરીને મારું ઘર બનાવત? દરેક મા-બાપને એમ હોય છે કે દીકરાને વારસામાં ઘર આપતા જઈએ. દીકરી તો સાસરે ચાલી જવાની હોય છે. દીકરી માટે છોકરો જોવા જાય એ પહેલાં મા-બાપ સૌથી પહેલા એ તપાસ કરાવતા હોય છે કે એની પાસે ‘ઘરનું ઘર’ છે કે નહીં?
એક સરસ મજાનો સાચો કિસ્સો છે. મુંબઈમાં એક ફેમિલી ચાલીમાં રહેતું હતું. દીકરીને ભણાવવા માટે મા-બાપ ઘર ખરીદતા ન હતાં. દીકરી પાછળ જ બધો ખર્ચ કરતાં હતાં. દીકરી ભણવામાં ખૂબ હોશિયાર હતી. એ ભણી ગણીને ડોક્ટર થઈ. મા-બાપે પછી દીકરીને લગ્ન માટે પૂછ્યું. દીકરીએ ના પાડી. તેણે કહ્યું કે મારું એક સપનું પૂરું થઈ જવા દો પછી લગ્નનું કહીશ. એક દિવસે દીકરીએ ઘરે આવીને મા-બાપના હાથમાં કાગળિયાં મૂક્યાં. દીકરીએ કહ્યું કે, આ તમારા માટે ફ્લેટના પેપર્સ છે. તમારા માટે ગિફ્ટ. હવે તમે મારા માટે છોકરો શોધો તો મને વાંધો નથી. મને ડૉક્ટર બનાવવા માટે તમે આખી જિંદગી ચાલીમાં રહ્યાં છો એ મને ખબર છે. મા-બાપને એવું ફીલ થયું કે અમારી આખી જિંદગી વસૂલ થઈ ગઈ.
તમને ખબર છે ઘણા લોકોને વારસામાં મળેલું ઘર પણ ગમતું હોતું નથી. એનું કારણ એ હોય છે કે એના સપનાનું ઘર જુદું હોય છે. એક દીકરાએ મા-બાપને કહ્યું કે તમારું ઘર તમને મુબારક. મારે તો મારું ઘર લેવું છે. મેં એ ઘરમાં તમારા માટે પણ સુવિધાઓ કરાવી છે. તમે આવશો ને?
એક યુવાનની પીડા તો વળી સાવ વિચિત્ર છે. એ ગામડામાંથી શહેરમાં આવ્યો. ખૂબ કમાયો. બંગલો બનાવ્યો. મા-બાપને ગમે એવું બધું કરાવ્યું. એક દિવસ મા-બાપને કહ્યું કે તમે હવે મારી સાથે રહેવા આવી જાવ. પિતાએ ના પાડી. અમને શહેરમાં નહીં ફાવે. અમારે તો આ ગામ અને આ ઘર જ બરાબર છે. આ વાતે ઝઘડો થઈ ગયો. દીકરાએ કહ્યું કે તમને મારી લાગણીની કદર જ નથી. દીકરાના ઘરમાં રહેશો તો કંઈ નાના નહીં થઈ જાવ!
આખરે એક વડીલે તેમને સમજાવ્યા કે જેમ તારા બંગલા પ્રત્યે તને લગાવ છે એમ તારાં મા-બાપને પણ ગામડાનું ઘર વહાલું છે. એ એમનાથી નથી છૂટતું તો રહેવા દે. આ ઘટનાને પ્રેસ્ટિજ ઇસ્યુ ના બનાવ. પિતાની લાગણી સમજ. આવું ઘણા સાથે બનતું હોય છે, દીકરાના ઘરે થોડા દિવસો રોકાવવા આવીને મા-બાપ પાછાં ચાલ્યાં જાય છે.
દરેક ઘરની એક કથા હોય છે. એ ઘરની ખરીદી પાછળ સંવેદનાઓ હોય છે. મોટાભાગના લોકોએ ઘર ખરીદ્યું હોય ત્યારે ખેંચાઈ જ રહ્યા હોય છે. માંડ માંડ મેળ કરીને જ ઘર બનાવ્યું હોય છે. ઘણાનું કિસ્મત તો વળી સાવ જુદું જ હોય છે. નોકરી કરવા કોઈ શહેરમાં આવે ત્યારે ભાડે રહેવું પડતું હોય છે અને વતનમાં મોટું ઘર ખાલી પડ્યું હોય છે. શહેરમાં આવ્યા પછી પણ; એક જ સપનું હોય છે કે એક નાનકડું ઘર બની જાય તો હાશ. પતિ-પત્ની માટે સૌથી સુંદર સપનું ઘરનું જ હોય છે. આમ કરાવીશું અને તેમ કરાવીશું એવાં સપનાં જિંદગીને રોમાંચક બનાવે છે. જે લોકો ઘર બનાવી નથી શકતા એની વેદના કલ્પના બહારની હોય છે.
ઘર વિશે હમણાં એક સર્વે થયો છે. આમ તો આ સર્વે બ્રિટનનો છે; પણ આખી દુનિયાના લોકોને એક સરખો લાગુ પડે છે. બ્રિટનની માન્ચેસ્ટર યુનિવર્સિટીના સંશોધકો દ્વારા કરવામાં આવેલા આ સંશોધનમાં એવું બહાર આવ્યું છે કે જે લોકો ભાડાના ઘરમાં રહે છે એ લોકોમાં ડિપ્રેશનનો ખતરો વધુ રહે છે. ઘર બનાવી ન શકવાની પીડા સતત તેના મન પર હાવી રહે છે. 7500 લોકો પર આ સંશોધન કરવામાં આવ્યું હતું.
આપણે ત્યાં પણ એવા લોકો છે જેનાં મન અને મગજ પર સતત એ ભાર રહે છે કે યાર ઘરનો મેળ નથી પડતો. ઘરની જાહેરાતો, હોમ સ્કીમની ડિટેઇલ્સ અને હોમ લોનની વિગતો પર સતત નજર રાખતા આવા લોકોને એક જ વિચાર આવતો હોય છે કે ક્યાંય મેળ પડે એમ છે ખરો? ઘરના ઘરનો મેળ પડી જાય ત્યારે માણસ બહુ જ ખુશ હોય છે. ઘરની સાથે જિંદગી જોડાયેલી હોય છે. ઘર નાનું હોય કે મોટું, એનાથી બહુ લાંબો ફેર પડતો નથી. એ વાત જુદી છે કે ઘર હોય એને પણ મોટું અને વધુ સુવિધાઓવાળું ઘર લેવાનું સપનું હોય છે. આમ છતાં; એને એક સંતોષ તો હોય જ છે કે આપણી પાસે ઘર તો છે!
જેની પાસે ઘર નથી, જે લોકો ભાડાના ઘરમાં રહે છે એની વાત, એની વેદના અને એનો વલવલાટ જેની પાસે ઘર છે, એને ક્યારેય સમજાતો નથી. તમારી પાસે ઘરનું ઘર છે? જો હોય તો તમે નસીબદાર છો. અલબત, ઘર થઈ જાય એ પછી એ ઘર ખરા અર્થમાં ઘર બને એનું ધ્યાન રાખવાનું હોય છે. મકાનને ઘર બનાવવાની આવડત પણ દરેકમાં નથી હોતી. સ્વર્ગની કલ્પનામાં ઘરની વાત હોતી નથી; પણ સાચું સ્વર્ગ તો એ જ હોઈ શકે કે દરેક માણસની પાસે પોતાનું ઘર હોય.
પેશ-એ-ખિદમત
મૈં ઇસ દુનિયા કો અકસર દેખકર કે હૈરાન હોતા હૂં,
ન મુજ સે બન સકા છોટા સા ઘર, દિન રાત રોતા હૂં,
ખુદાયા તુને કૈસે યે જહાં સારા બના ડાલા?
આનંદ બક્ષી
કૃષ્ણકાંત ઉનડકટ
ઈ-મેલ સંપર્ક – kkantu@gmail.com
સાભાર …શ્રી ઉત્તમભાઈ ગજ્જર … એમના ઈ-મેલમાંથી
ઘર એટલે ઘર ……… વિનોદ પટેલ

આજની ઘર વિશેની પોસ્ટ ના સંદર્ભમાં વિનોદ વિહાર, સહિયારું સર્જન – ગદ્ય અને શબ્દોનું સર્જન એમ ત્રણ બ્લોગમાં પ્રગટ મારો લેખ ” ઘર એટલે ઘર ” નીચેની લીંક ઉપર ક્લિક કરીને વાંચી શકાશે.
વાચકોના પ્રતિભાવ