વિનોદ વિહાર
ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા
Monthly Archives: ઓક્ટોબર 2018
1244- હાર્ટ-અટૅક આવે પણ ખબર જ ન પડે એમ બને? જિગીષા જૈન
ઓક્ટોબર 30, 2018
Posted by on કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. પ્રતીક સોની કહે છે, ” ભારતમાં ૫૦ ટકાથી વધુ હાર્ટ-અટૅક સાઇલન્ટ હાર્ટ-અટૅક હોય છે. હાર્ટ-અટૅક શરીરમાં બનતી મોટી ઘટના છે અથવા તો કહો કે દુર્ઘટના છે. ”
હાર્ટ-અટૅક તો આપણને ખબર જ છે, પરંતુ સાઇલન્ટ હાર્ટ-અટૅક એટલે શું? આ પ્રશ્નનો જવાબ જાણવા સુશ્રી જીગીષા જૈન નો આ લેખ વાંચવો જ જોઈએ.
હાર્ટ-અટૅક આવે પણ ખબર જ ન પડે એમ બને ?…જિગીષા જૈન
હાર્ટ-અટૅક આવે તો છાતીમાં સખત પેઇન થાય છે અને શ્વાસ ચડવા લાગે છે. આ બન્ને એનાં મૂળભૂત લક્ષણો છે જેને સમજીને વ્યક્તિએ તાત્કાલિક હૉસ્પિટલમાં ભાગવું જોઈએ, પરંતુ જો અટૅક આવે ત્યારે એક પણ લક્ષણ દેખાય નહીં તો? આ પરિસ્થિતિને સાઇલન્ટ હાર્ટ-અટૅક કહે છે. ભારતમાં ૫૦ ટકા અટૅક સાઇલન્ટ હાર્ટ-અટૅક હોય છે. મોટા ભાગે ડાયાબિટીઝના દરદીઓમાં આ તકલીફ જોવા મળે છે જે ઘાતક અને ગંભીર સમસ્યા છે
મહેતા પરિવારના પંચાવન વર્ષના વડીલને છેલ્લા બે દિવસથી ખૂબ અળખામણું લાગતું હતું. બેચેની થતી હતી અને અંદરથી કંઈ સારું નથી એમ લાગતું હતું. ઘરના બધાએ કહ્યું કે આવું તો થાય, થોડી ઊંઘ બરાબર કરો તો બધું જતું રહેશે. થાક એકદમ લાગવા લાગ્યો હતો તો તેમને થયું કે તેમની શુગર ઓછી થઈ જતી હશે. છેલ્લાં ૧૫ વર્ષથી તેમને ડાયાબિટીઝ હતો અને દવાઓ ખાતાં-ખાતાં ક્યારેક એવું થતું કે શુગર એકદમ વધી કે ઘટી જતી. આવા સમયે થાક લાગતો. તેમને થયું કે શુગરની જ તકલીફ હશે એટલે એક વખત ડૉક્ટરને બતાવી આવીએ.
ડૉક્ટરે પૂછ્યું, ‘છાતીમાં દુખાવો કે શ્વાસમાં કોઈ તકલીફ થઈ રહી છે?’
મહેતાભાઈએ કહ્યું, ‘ના, કશું નથી. બસ, થાક થોડો લાગતો હતો તો થયું કે બતાવી આવીએ.’
ડૉક્ટરે તપાસ કરી અને લાગ્યું કે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ કઢાવી લઈએ. ટેસ્ટમાં ખબર પડી કે મહેતાભાઈને હાર્ટ-અટૅક આવ્યો હતો. કોઈ પણ લક્ષણ બતાવ્યા વગર મહેતાભાઈને સાઇલન્ટ હાર્ટ-અટૅક આવ્યો હતો. તેમનો તરત ઇલાજ શરૂ થયો. મેડિસિન આપવામાં આવી. દસ દિવસ હૉસ્પિટલમાં રહ્યા. બાયપાસ પણ થઈ ગઈ, પરંતુ હજી જોઈએ એવી રિકવરી આવી નથી એનું કારણ એ હતું કે તે અટૅકના બે દિવસ પછી હૉસ્પિટલમાં પહોંચ્યા અને તેમના મોડા હૉસ્પિટલ પહોંચવા પાછળ જવાબદાર તેમનો સાઇલન્ટ હાર્ટ-અટૅક હતો. હાર્ટ-અટૅક જે કોઈ પણ લક્ષણ વગર આવ્યો હતો. જો વ્યક્તિને કંઈ થાય જ નહીં તો તેને ખબર કેમ પડે કે તેને હાર્ટ-અટૅક આવ્યો છે. છતાં ડૉક્ટર તેમને નસીબદાર ગણાવતા હતા, કારણ કે આ પરિસ્થિતિમાં જેમને પણ સાઇલન્ટ હાર્ટ-અટૅક આવે છે એવા લોકોમાંથી પચીસ ટકા લોકો હૉસ્પિટલ પહોંચી શકતા જ નથી, સીધા જ મૃત્યુ પામે છે.
સાઇલન્ટ હાર્ટ-અટેક પોતે જ એક મોટી બલા છે. ઘાતક રોગોમાં સૌથી પહેલો નંબર હાર્ટ-અટૅકનો આવે છે, પરંતુ એમાં પણ વધુ ઘાતક અને ગંભીર કંઈ છે તો એ છે સાઇલન્ટ હાર્ટ-અટૅક. હાર્ટ-અટૅક તો આપણને ખબર જ છે, પરંતુ સાઇલન્ટ હાર્ટ-અટૅક એટલે શું? આ પ્રfનનો જવાબ આપતાં કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. પ્રતીક સોની કહે છે, ‘ભારતમાં ૫૦ ટકાથી વધુ હાર્ટ-અટૅક સાઇલન્ટ હાર્ટ-અટૅક હોય છે. હાર્ટ-અટૅક શરીરમાં બનતી મોટી ઘટના છે અથવા તો કહો કે દુર્ઘટના છે અને શરીરમાં કોઈ પણ તકલીફ ઊભી થાય તો આદર્શ રીતે શરીર કોઈ ને કોઈ ચિહ્ન દ્વારા જતાવે છે કે કઈ તકલીફ છે.
હાર્ટ-અટૅકનાં પણ ખાસ ચિહ્નો છે. જેમ કે એનાં ક્લાસિક ચિહ્નોમાં છાતીમાં દુખાવો અને શ્વાસ ચડવો મુખ્ય છે. આદર્શ રીતે અટૅક આવે એ પહેલાં પણ અમુક ચિહ્નો સામે આવે છે અને અટૅક આવ્યા પછી તો તરત જ દુખાવો અને શ્વાસની તકલીફ દેખાય એટલે વ્યક્તિ તાત્કાલિક હૉસ્પિટલમાં ભાગે છે. જોકે સાઇલન્ટ હાર્ટ-અટૅક એને કહે છે જેમાં અટૅકનાં આ મુખ્ય ચિહ્નો જોવા મળતાં જ નથી. ઊલટું કોઈ પણ ચિહ્નો જોવા મળતાં નથી. ખબર જ નથી પડતી દરદીને કે તેને અટૅક આવ્યો છે અને તેને તાત્કાલિક હૉસ્પિટલમાં ભાગવું જરૂરી છે. આ ખરેખર ગંભીર તકલીફ છે.’
કોના પર રિસ્ક?
આમ તો સાઇલન્ટ હાર્ટ-અટૅક તેને પણ આવી શકે છે જેના શરીરમાં દુખાવાને સહન કરવાની કૅપેસિટી ઘણી વધારે હોય. આપણે ત્યાં એવા લોકો છે જેમને વાગે તો અસર જ નથી થતી, કારણ કે તેમની સહનશક્તિ ખૂબ વધારે હોય છે. એટલે તેમને અહેસાસ જ નથી થતો કે આ પેઇન છે અને ડૉક્ટર પાસે જવું જરૂરી છે. બાકી સૌથી વધુ રિસ્ક કોના પર છે એ વાત કરતાં ડાયાબેટોલૉજિસ્ટ ડૉ. પ્રદીપ ગાડગે કહે છે, ‘સાઇલન્ટ હાર્ટ-અટૅક થવા પાછળનું મુખ્ય કારણ ડાયાબિટીઝ છે. ડાયાબિટીઝ ધરાવતા દરદીઓમાં જેમને હાર્ટ-અટૅક આવે છે તેમના ૫૦ ટકા અટૅક સાઇલન્ટ હોય છે. ખાસ કરીને જેમને ૧૦-૧૫ વર્ષથી ડાયાબિટીઝ હોય અને એ પણ કન્ટ્રોલમાં ન રહેતો હોય તો સાઇલન્ટ હાર્ટ-અટૅકનું રિસ્ક ખૂબ વધી જાય છે. ડાયાબિટીઝને કારણે વ્યક્તિના શરીરમાં ન્યુરોપથીની તકલીફ સર્જાય છે. એટલે કે વ્યક્તિની નસો ડેમેજ થાય છે જેને લીધે શરીરમાં જે પણ ઈજા થાય એ બાબતે મગજ સુધી એનો સંદેશો પહોંચતો નથી અને એને કારણે મગજ કોઈ રીઍક્શન જ આપતું નથી. તેની સંવેદના જ મરી જાય છે. એને કારણે કોઈ લક્ષણો જોવા મળતાં નથી. તકલીફ તો થઈ જ છે, ડૅમેજ થઈ જ રહ્યું છે; પરંતુ લક્ષણો દ્વારા સમજી શકાતું જ નથી. આ પરિસ્થિતિ સમજીએ એના કરતાં પણ વધુ ગંભીર છે.’
નુકસાન
હાર્ટ-અટૅક થયા પછી તાત્કાલિક હૉસ્પિટલ પહોંચવું ખૂબ જ જરૂરી છે, કારણ કે જે ઇલાજ કરવાનો હોય છે એ ત્યારે જ વધુ અસરકારક નીવડે છે જ્યારે તમે વહેલાસર હૉસ્પિટલમાં પહોંચો. આ બાબતે વાત કરતાં ડૉ. પ્રતીક સોની કહે છે, ‘જેમને સાઇલન્ટ હાર્ટ-અટૅક આવે છે એવા લોકો હૉસ્પિટલમાં મોડા પહોંચે છે. તેમનો રેગ્યુલર ઇકોકાર્ડિયોગ્રામ કઢાવીએ ત્યારે ખબર પડે છે કે તેમને અટૅક આવ્યો હતો. ત્યારે એ જોવામાં આવે છે કે તેમના હાર્ટને કેટલું ડૅમેજ થયું છે અને એ મુજબ તેમનો ઇલાજ કરવામાં આવે છે. સંપૂર્ણ ઇલાજ કર્યા છતાં પણ આ દરદીઓમાં એવી રિકવરી જોવા મળતી નથી જે તાત્કાલિક ઇલાજ મેળવનાર દરદીમાં જોવા મળે છે. આ સૌથી મોટી તકલીફ છે, કારણ કે ભવિષ્યમાં આ દરદીઓને વધુ નુકસાન વેઠવું પડે છે.’
રોકી શકાય?
જે રોગનું કોઈ લક્ષણ જ નથી એને રોકવો અશક્ય જ છે, પરંતુ એ ન થાય એ માટે અમુક પ્રયત્નો કરી શકાય. એ વિશે વાત કરતાં ડૉ. પ્રદીપ ગાડગે કહે છે, ‘સૌથી મહkવની વસ્તુ એ છે કે વ્યક્તિ પોતાને ડાયાબિટીઝથી જ બચાવે, પરંતુ જો તે એનો ભોગ બની જ ચૂક્યો હોય તો ડાયાબિટીઝને શરૂઆતી સ્ટેજમાં જ સંપૂર્ણ રીતે દૂર કરવાની કોશિશ કરે. જો એ શરૂઆતી સ્ટેજ જતું રહ્યું હોય અને ડાયાબિટીઝ વ્યક્તિને છે જ તો એ બાબતે અત્યંત સજાગ રહે કે તેનો ડાયાબિટીઝ હંમેશાં કન્ટ્રોલમાં રહે. ડાયાબિટીઝ જેટલો કન્ટ્રોલમાં નહીં રહે એટલી તકલીફની શક્યતા વધવાની જ છે. માટે જરૂરી છે કે ડાયાબિટીઝને કન્ટ્રોલમાં રાખે. જે લોકો શિસ્તબદ્ધ છે અને શુગર એકદમ કન્ટ્રોલમાં રહે છે એમને આ તકલીફ નથી થતી.’
માઇલ્ડ અને સાઇલન્ટમાં ફરક
હાર્ટ-અટૅક આવે પણ લક્ષણો જ દેખાય નહીં એનો અર્થ શું એ થાય કે અટૅક એટલો માઇલ્ડ છે કે ખબર જ ન પડી? ના, માઇલ્ડ અટૅકમાં પણ એવું થતું હોય છે કે દરદીને ખાસ ખબર પડતી નથી કે તેને અટૅક આવ્યો છે. જોકે માઇલ્ડ અટૅક અને સાઇલન્ટ અટૅકમાં ફરક છે. સાઇલન્ટ અટૅકનો મતલબ એ જ કે વ્યક્તિને ચિહ્નો કોઈ દેખાતાં નથી. જોકે અટૅક તો સિવિયર કે માઇલ્ડ બન્નેમાંથી કોઈ પણ હોઈ શકે છે. એટલા માટે જ સાઇલન્ટ અટૅક આવતી વ્યક્તિઓમાં પચીસ ટકા વ્યક્તિઓ હૉસ્પિટલ સુધી પહોંચી પણ નથી શકતી, ત્યાં જ ઢળી પડે છે જેનો અર્થ એ કે અટૅક એટલો સિવિયર હતો કે જીરવી જ ન શક્યા; પરંતુ લક્ષણો જ નહોતાં એટલે ખબર જ ન પડી.
જિગીષા જૈન
Source –
http://www.gujaratimidday.com/life/health-a-lifestyle/health-dictionary-23102018
1243- ખાઓ, પીઓ અને જલસા કરો !…હાસ્ય લેખ …. રતિલાલ બોરીસાગર
ઓક્ટોબર 26, 2018
Posted by on જ્યોતીન્દ્ર દવે,બકુલ ત્રિપાઠી,તારક મહેતા, વિનોદ ભટ્ટ અને ડાયાસ્પોરા હાસ્ય લેખક હરનીશ જાની જેવા ગુજરાતી સાહિત્યના જાણીતા અને માનીતા હાસ્ય લેખકો આજે સદેહે વિદાય થયા છે.
ગુજરાતી સાહિત્યમાં હવે જે થોડા આંગળીને વેઢે ગણી શકાય એટલા જુના નવા હાસ્ય લેખકો છે એમાં શ્રી રતિલાલ બોરીસાગર મોખરે છે.
વાચકને મરક મરક હસાવે તેવું હાસ્ય-સર્જન કરનાર શ્રી રતિલાલ બોરીસાગરનો એક હાસ્ય લેખ માણો .
ખાઓ, પીઓ અને જલસા કરો ! …હાસ્ય લેખ …. રતિલાલ બોરીસાગર |
|
અમથું અમથું હસીએ – રતિલાલ બોરીસાગરબે-ત્રણ મહિના પહેલાં, કાળઝાળ ઉનાળાની એક સવારે અગિયાર વાગ્યાના સુમારે એક મિત્ર પરસેવો લૂછતાં-લૂછતાં પધાર્યા : કહે, ‘આજે મલાઈ વગરના દૂધની ચા નહિ, પણ મલાઈથી ભરપૂર આઇસક્રીમ ખાવો છે મગાવો.’ મિત્ર હકપૂર્વક આઇસક્રીમ માગી શકે એટલા નિકટના મિત્ર છે. એમના પૈસા મારા પૈસા હોય. તે જ રીતે મેં વાપર્યા છે અને એમણે અત્યંત ઉમળકાથી વાપરવા દીધા પણ છે; પરંતુ, વજન ઓછું કરવા કડક પરેજી પાળતા ડાયેટિંગ માટે લગભગ ‘ડાઈ’ થવા સુધી ‘ઇટિંગ’ તજનાર આ મિત્ર આજે આઇસક્રીમ માગી રહ્યા હતા તેથી મને નવાઈ લાગી.‘નવાઈ ન પામશો. મારા મગજને કશું નુકસાન થયું નથી ઊલટું મારા મગજમાં ઇચ્છવાયોગ્ય સુધારો થયો છે. આજથી ડાયેટિંગ-બાયેટિંગ બંધ! બસ, ખાવ, પીવો અને જલસા કરો.’ મિત્રએ કહ્યું.‘પણ કેમ? કેમ?’ પાકિસ્તાન ત્રાસવાદી પ્રવૃત્તિ બંધ કરે એ જેટલું અશક્ય છે એટલું જ મિત્ર ડાયેટિંગ બંધ કરે એ અશક્ય છે એમ હું માનતો હતો.‘જુઓ, વાંચો!’ કહી મિત્રે એક અંગ્રેજી સાપ્તાહિક મારા હાથમાં પકડાવ્યું.‘ત્યારે તમે જ વાંચી દો ને! મારાં ચશ્માં બે દિવસથી જડતાં નથી!’ મેં કહ્યું.‘જુઓ,’ મિત્રે સાપ્તાહિકમાં જોઈને કહ્યું, ‘ઇંગ્લૅન્ડમાં એક માણસ મોટી ફાંદને કારણે બચી ગયો કંઈક લાકડાનો અણીદાર ટુકડો એના પેટમાં ઘૂસી ગયો. પણ મોટા ઘેરાવાવાળી ફાંદને કારણે અંદરના અવયવોને કશું નુકસાન ન થયું. બોલો! આ વાંચીને મને થયું કે હું નાહક્ધાો આવી જીવરક્ષક ફાંદ ઘટાડવા ભૂખે મરીને જીવ કાઢી નાખવા તૈયાર થયો છું. નહિ! નહિ! આજથી ડાયેટિંગ બંધ ચાલો, મગાવો આઇસક્રીમ.’‘આઇસક્રીમ તો મગાવું પણ ખરેખર તો આ ખુશીના મોકે તમારે ત્યાં આઇસક્રીમ પાર્ટી જ નહિ, રસપુરીનાં જમણ અને ઉપરથી બે ત્રણ કચોળાં આઇસક્રીમ એવું રાખવું જોઈએ.’ મેં કહ્યું.‘રાખીશું, ભાઈ! રાખીશું. પણ એ પહેલાં મારે ઘરનાંઓનો મત કેળવવો પડે. તમે જાણો છે કે આ કામ થોડું અઘરું છે. એટલે હમણાં તો આ રીતે ‘આઉટડોર શૂટિંગ’ જ રાખવું પડે તેમ છે. આજે સાંજે આપણે, વાત ખાનગી રાખી શકે તેવા બે-ચાર મિત્રો સાથે હોટેલમાં જઈશું ને બિલ હું ચૂકવીશ.’આ મિત્ર મારા બાળપણના સાથી છે. અમે સાથે મોટા થયા. પ્રાથમિક અને માધ્યમિક શાળામાં સાથે ભણ્યા અને વર્ષો પછી ફરી અમદાવાદમાં ભેગા થઈ ગયા. ઘણાં વરસ પછી અમદાવાદમાં એમને પહેલવહેલી વાર મળવાનું થયું ત્યારે એમની શારીરિક સમૃદ્ધિ જોઈ હું આભો બની ગયો હતો. એ ગોળમટોળ તો નાનપણથી જ હતા, પણ હવે તો એ એટલા બધા ગોળમટોળ થઈ ગયા છે કે માત્ર મોઢા પરથી જ ખબર પડે કે કઈ બાજુથી ચત્તા છે! પહેલવહેલી વાર મળ્યા ત્યારે મેં એમને હસતાં હસતાં કહેલું કે ‘તમે એલિસબ્રીજ પરથી ન નીકળશો.’‘કેમ? એ પુલ તો બહુ મજબૂત ગણાય છે.’‘એ ખરું, પણ એ પુલ પરથી ભારે વાહનો લઈ જવાની મનાઈ છે.’ આ સાંભળી એ મોકળે મને હસી પડેલા.જ્યોતીન્દ્ર દવેએ એમના એક લેખમાં એક મહાશયના વિશાળ પેટનું વર્ણન કરતાં લખ્યું છે કે ‘પેટ એમના શરીરનો ભાગ નહિ, પણ એમનું શરીર એમના પેટનો પેટા ભાગ હોય એમ મને લાગ્યું.’ અમારા મિત્રનું પેટ પણ આવું જ વિશાળ છે. એમને મળનાર દરેક વ્યક્તિની પહેલી નજર એમના પેટ પર જ પડે છે, એટલું જ નહિ, પેટ પર થોડીવાર સ્થિર પણ થઈ જાય છે. મિત્ર આનંદી બહુ છે. બાળકો સાથે બાળકો જેવા બની જાય છે. તેઓ જમીન પર ઊંધા સૂએ છે (જોકે બહુ થોડી વાર માટે જ ઊંધા સૂઈ શકે છે) ત્યારે પેટ જાણે ધરી હોય એમ એમનું શરીર જમીનથી અધ્ધર રહે છે. એમનાં પૌત્ર-પૌત્રી પગ વડે એમને ગોળગોળ ફેરવી આનંદનો ખજાનો લૂંટે છે.પણ ઉંમર વધવા સાથે ડૉક્ટરો એમને ચેતવણી આપવા માંડ્યા કે ‘શરીર ઘટાડો, શરીર ઘટાડો!’ એ બિચારા ડૉક્ટરોની વાતમાં આવી ગયા. કડક ડાયેટિંગ કરતાં કરતાં બિચારા અધમૂઆ થઈ ગયા. બિચારા કહેતા, ‘આ ડાયેટિંગને કારણે આઇ વીલ ડાઇ વિધાઉટ ઇટિંગ’. પણ ડૉક્ટરોની ચેતવણી એવી ભારે હતી કે ઘરનાંઓ ડાયેટિંગ બંધ કરવાનું જોખમ લેવા તૈયાર ન હતાં. આ બધાં પછી પણ એમનું શરીર ઘટવાનું નામ નહોતું લેતું. એમણે વજન કાંટો પણ ખરીદ્યો ને સવાર-બપોર-સાંજ વજન કરવા માંડ્યું. પણ કાંટો હાંફતો હાંફતો મૂળ આંક પર જ જઈને ઊભો રહે ને આ બિચારા જીવ નિરાશ થઈ જાય. વજનકાંટાને ઊંચકીને બહાર ફેંકી દેવાનો વિચાર દરેક વખતે આવે પણ વજનકાંટાની કિંમત યાદ આવે એટલે ઢીલા પડી જાય. એમણે મેજર ટેપ પણ ખરીદી છે. દિવસમાં એકાદવાર મેજર ટેપ લઈને પેટની ગોળાઈ માપે જ માપે. સંસ્કૃત કવિઓને અર્ધી માત્રા મળી જતી તોય એમને પુત્ર જન્મ જેટલો આનંદ થતો એમ કહેવાય છે. અમારા મિત્રના પેટની ગોળાઈ અર્ધો ઇંચ પણ ઓછી થાય તો એમને પણ પુત્રજન્મ જેટલો આનંદ થાય પણ આવો આનંદ એમના નસીબમાં નહોતો. એમને થતું આ તો બાવાના બેય બગડે છે. ખવાતું-પિવાતુંય નથી ને શરીરમાં ઘટાડો પણ થતો નથી. એમાં વિશાળ ફાંદને કારણે બચી ગયેલા માણસની વાત એમના વાંચવામાં આવી અને ડાયેટિંગ બંધ કરવાનું સજ્જડ બહાનું એમને મળી ગયું.અત્યારે મિત્રના હિસાબે ને જોખમે ખાનગી પાર્ટીઓ ચાલી રહી છે. ઘરનાંઓનો મત કેળવવા તેઓ પ્રયત્નશીલ છે. ભારત જેમ વિશ્ર્વના વગદાર દેશો દ્વારા પાકિસ્તાન પર દબાણ લાવવાનો પ્રયત્ન કરે છે તેમ અમારા મિત્ર મારા જેવા એમના મિત્રો દ્વારા ડાયેટિંગ છોડી દેવા પોતાના પર સખત દબાણ થઈ રહ્યું છે તેવું ઘરનાંઓને લાગે તેવો તખ્તો ગોઠવી રહ્યા છે. જુદા જુદા મિત્રો એમને ઘેર જઈ, ઘરનાંઓની હાજરીમાં, ડાયેટિંગ છોડી દેવા એમના પર દબાણ કરે એવું ટાઇમટેબલ એમણે ગોઠવ્યું છે. ‘મિત્રોના દબાણ આગળ ઝૂક્યા વગર છૂટકો નથી.’ એવું મિત્ર ઘરનાંઓ સમક્ષ કહ્યાં કરે છે. ઘરનાંઓ પણ ઢીલાં પડ્યાં છે, એમ મિત્ર કહે છે, અથવા તો એમને એવું લાગે છે. થોડા જ વખતમાં મિત્રના ઘેર ‘ડાયેટિંગ સમાપ્તિ’ના માનમાં એક ભવ્ય પાર્ટી યોજાશે એવી આશા અમે મિત્રો સેવી રહ્યા છીએ.Source- http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=235930 શ્રી રતિલાલ બોરીસાગરનો પરિચય -સૌજન્ય ..ગુજરાતી પ્રતિભા પરિચયપરિચય વાંચવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.ગુજરાતી પ્રતિભા પરિચયશ્રી રતિલાલ બોરીસાગર – એક મુલાકાત-ભાગ-૧શ્રી રતિલાલ બોરીસાગર-એક મુલાકાત- ભાગ-૨.
|
|
1242 તું અમારો પુત્ર જન્મ્યો અને શત્રુની ગરજ સારે છે… શિશિર રામાવત
ઓક્ટોબર 16, 2018
Posted by on તું અમારો પુત્ર જન્મ્યો અને શત્રુની ગરજ સારે છે…શિશિર રામાવત
ગાંઘીજી અને કસ્તૂરબાના સૌથી મોટા પુત્ર હરિલાલે એમને ખૂબ દુખ આપ્યું હતું, ખૂબ દુભવ્યા હતા. લોહીના સંબંધોમાં, દિલના સંબંધોમાં કોણ કેટલું સાચું કે ખોટું હોય છે?
બીજી ઓક્ટોબરે એટલે કે ગઈ કાલે ગાંધીજીનો 149મો જન્મદિવસ હતો. ગાંધીજી જન્મ્યા 1869માં, જ્યારે એમના સૌથી મોટા પુત્ર હરિલાલનો જન્મ થયો 1888માં. બાપ-દીકરા વચ્ચે ઉંમરમાં ફક્ત ઓગણીસ વર્ષનો ફરક હતો.
ગાંઘીજી અને હરિલાલ વચ્ચેના વિસ્ફોટક સંબંધ વિશે સાહિત્ય રચાયું છે, ફિલ્મો અને નાટકો બન્યાં છે. ગાંધીજી રાષ્ટ્રપિતા તો બની ગયા, પણ હરિલાલને પોતાના સગા બાપ પ્રત્યે ભયાનક અસંતોષ રહી ગયો. સામે પક્ષે ગાંધીજી પણ હરિલાલને કારણે પુષ્કળ ઘવાયા હતા. દિલના સંબંધમાં, લોહીના સંબંધમાં કોણ ક્યાં કેટલું સાચું કે ખોટું છે એ સમજી શકાતું નથી, કદાચ શક્ય પણ નથી. ગાંધીજી અને કસ્તૂરબાને સૌથી મોટો ઘા ત્યારે પડ્યો જ્યારે એમના આ બેજવાબદાર, અવિચારી અને વિદ્રોહી દીકરાએ 26 મે 1936ના રોજ ગુપચુપ ઇસ્લામ ધર્મનો અંગીકાર કરી લીધો. અઠવાડિયા પછી ગાંધીજીએ છાપામાં નિવેદન આપ્યુઃ
‘જો એણે આ ધર્મસ્વીકાર હૃદયપૂર્વક અને કશાં દુન્યવી લેખાં માંડ્યા વગર કર્યો હોય તો મારે એમાં કંઈ કહેવાપણું ન હોય, કેમ કે ઈસ્લામને હું મારા ધર્મ જેવો જ સત્ય માનું છું… (પણ) એનો (એટલે કે હરિલાલનો) આર્થિક લોભ નહોતો સંતોષાયો અને એ સંતોષવા સારું એણે ઈસ્લામ સ્વીકાર્યો છે… મારા મુસ્લિમ મિત્રોને ઉદ્દેશીને લખું છું તે એ ઇરાદાથી કે જો તેનું ધર્માંતર આધ્યાત્મિક નથી તો તમે એને સાફ સાફ કહેજો ને એનો અસ્વીકાર કરજો.’
એક દિવસ સમાચાર મળ્યા કે હરિલાલ દારૂ પીતાં પકડાયા છે ને એમને દંડ પણ થયો છે. કસ્તૂરબા માટે આ બધું અસહ્ય હતું. એક વાર તેઓ એકલાં એકલાં પોતાની જાત સામે બળાપો કાઢી રહ્યાં હતાં. એમના સૌથી નાના પુત્ર દેવદાસે આ સાંભળ્યું ને એ જ દિવસે મોડેથી કસ્તૂરબાની હૈયાવરાળ કાગળ પર ઉતારી લીધી. આ લખાણમાંથી પછી ‘એક માતાનો પુત્રને ખુલ્લો પત્ર’ તૈયાર થયો, જે 27-9-1936ના રોજ પ્રસિદ્ધ થયો. કસ્તૂરબા કહે છેઃ
‘તું તારાં વૃદ્ધ મા-બાપને તેમના જીવનની સંધ્યાએ જે અપાર દુખો આપી રહ્યો છે તેનો તો વિચાર કર! તારા પિતા કોઈને કંઈ કહેતા નથી પરંતુ તેનાથી તેનું હૃદય કેટલું તૂટી રહ્યું છે તે હું જાણું છું. અમારી લાગણીઓને વારંવાર દૂભવવાનું તું મોટું પાપ કરી રહ્યો છે. તું અમારો પુત્ર જન્મ્યો અને શત્રુની ગરજ સારે છે…
‘…તું ક્યાંથી સમજે કે તારા પિતાનું ભૂંડું બોલી બોલીને માત્ર તું તારી જાતને જ હલકો પાડી રહ્યો છે? તારા પિતાના દિલમાં તો તારા માટે પ્રેમ સિવાય બીજું કશું નથી… એમણે તને રાખવા, ખોરાક-કપડાં પૂરાં પાડવા, અરે તારી માવજત સુધ્ધાં કરવા સ્વીકાર્યું છે… તેમને આ જગતમાં બીજી ઘણી જવાબદારીઓ છે. તારા માટે બીજું વિશેષ શું કરે?… પ્રભુએ એમને તો વિશેષ મનોબળ આપેલું છે… પણ હું તો ભાંગીતૂટી કાયાવાળી વૃદ્ધ સ્ત્રી છું. હું આ કષ્ટ-ક્લેશ સહી શકવા અસમર્થ છું… પ્રભુ તારું વર્તન સાંખશે નહીં… તારી બદનામીના કયા તાજા ખબરો છાપામાં આવશે એ વિચાર સાથે દર સવારે ઊઠતાં મને ધ્રાસ્કો પડે છે… ધર્મ વિશે તું શું જાણે છે?… તું પૈસાનો ગુલામ છે. જે લોકો તને પૈસા આપે તેઓ તને ગમે છે. પરંતુ તું પીવામાં પૈસો વેડફે છે… તું તારો અને તારા આત્માનો નાશ કરી રહ્યો છે… હું તને વિચાર કરી જોવા અને તારા મૂરખવેડામાંથી પાછા ફરવા આજીજી કરું છું.’
કસ્તૂરબાએ આ પત્રમાં જે મુસ્લિમોએ હરિલાલના ધર્મપરિવર્તન તેમજ ત્યાર પછીની પ્રવૃત્તિમાં સક્રિય રસ લીધો હતો એમને ઉદ્દેશીને લખ્યું કે, ‘કેટલાક તો મારા પુત્રને ‘મૌલવી’ની ઉપાધિ આપવાની હદ સુધી પહોંચ્યા છે. એ શું વાજબી છે? તમારો ધર્મ દારૂડિયાને મૌલવી તરીકે ઓળખવાની અનુજ્ઞા આપે છે?’
કસ્તૂરબાના આ પત્રનો હરિલાલે સીધો જવાબ તો ન આપ્યો, પણ 1-10-1936ના રોજ કાનપુરની એક જાહેર સભામાં તેઓ બોલ્યા કે, ‘હું અબ્દુલ્લા છું, હરિલાલ નથી. એટલે આ પત્ર સ્વીકારતો નથી. મારી માતા અભણ છે. તે આવું લખી શકે એ હું માની શકતો નથી… મારી તો એક જ ઇચ્છા છે, અને તે, ઇસ્લામ ધર્મના એક કાર્ય કરનાર તરીકે મરવાની…’
હરિલાલ અહીંથી ન અટક્યા. બીજી એક જાહેર સભામાં તેમણે મંચ પર ત્યાં સુધી કહ્યું કે, ‘મારી માતા કસ્તૂરબાઈએ મને દારૂ છોડવાની વિનંતી કરી છે. મારો તો એમને આ જવાબ છે કે હું દારૂ છોડીશ પણ ક્યારે? કે જ્યારે પિતાજી અને એ બન્ને જણાં ઇસ્લામનો અંગીકાર કરે.’
અમુક સંબંધો શું કેવળ પીડા આપવા માટે સર્જાતા હોય છે? સંતાન કપાતર પાકે એની પાછળ શું ગણિત હોય છે? જો ઉછેરનો જ વાંક હોય તો એક જ ઘરમાં ઉછરેલાં બીજાં સંતાનો કેમ સરળ અને સંસ્કારી મનુષ્યો બની શકે છે? હરિલાલની જે કંઈ હાલત હતી એ બદલ ગાંધીજીને ગિલ્ટ હતું. 3-10-1936ના રોજ ગાંધીજી પુત્ર દેવદાસને પત્રમાં લખે છેઃ
‘…હરિલાલના પતનમાં જાણ્યે-અજાણ્યે મેં અથવા અમે બન્નેએ (માબાપે) કેવો ને કેટલો ભાગ ભજવ્યો હશે એ કોણ કહી શકે? ‘તુખમાં તાસીર’ કથનમાં તો શાસ્ત્ર ભર્યું છે. (તુખ એટલે ફળ, શાકભાજી વગેરેની છાલ.) એવું જ ગુજરાતી છે ‘વડ તેવા ટેટા, બાપ તેવા બેટા’. આવા વિચારો આવતાં હરિલાલનો દોષ કાઢવાનું થોડું જ મન થાય છે… તે કાળનું મારું વિષયી મન જાણું છું. બાકીની ખબર નથી પડતી. પણ ઈશ્વરી સૂક્ષ્મ રીતો કોણ જાણી શકે છે?’
હરિલાલની સગી દીકરીની દીકરી નીલમ પરીખે લખેલા ‘ગાંધીજીનું ખોવાયેલું ધનઃ હરિલાલ ગાંધી’ નામના પુસ્તકમાં આ સઘળો પત્રવ્યવહાર છપાયો છે. અસ્થિરતા એ હરિલાલનો સ્થાયી ભાવ હતો. આર્ય સમાજના કાર્યકર્તાઓએ એમને પુનઃ હિન્દુ ધર્મમાં પાછા લાવવાના પ્રયત્નો કર્યા ને ફક્ત પાંચ મહિના અને તેર દિવસ બાદ, 14-11-1936 ના રોજ, તેઓ મુસ્લિમમાંથી પુનઃ હિંદુ બની ગયા. ગાંધીજીની હત્યા થઈ એના પાંચ મહિના બાદ ટીબીનો ભોગ બનેલા હરિલાલે પણ દેહ છોડ્યો.
હરિલાલ એક દુખી અને દુભાયેલા જીવ હતા. તેમને ખરેખર કેટલો અન્યાય થયો હતો? તેઓ કેટલી હમદર્દીને પાત્ર હતા? અમુક માણસો એક કોયડો બનીને રહી જતા હોય છે. અમુક સંબંધો પણ!
Source-
દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 3 ઓક્ટોબર 2018 બુધવાર
કોલમઃ ટેક ઓફ
http://shishir-ramavat.blogspot.com/2018/10/blog-post.html
ગાંધીજી અને એમના વરિષ્ઠ પુત્ર હરીલાલ વચ્ચેના વણસેલા સંબંધો ઉપર આધારિત એક હિન્દી ચલચિત્રની એક ઝલક
Gandhi My Father – Hindi Movie-Trailer
“Gandhi My Father” paints the picture of Gandhi’s intricate, complex and strained relationship with his son Harilal Gandhi.
Actors: Akshaye Khanna, Bhumika Chawla, Darshan Jariwala
Director: Feroz Abbas Khan
Gandhi My Father-Trailer
1241- બા : મહાત્માનાં અર્ધાંગીની .. લેખક- અરુણ ગાંધી અનુવાદ : સોનલ પરીખ … પુસ્તક પરિચય
ઓક્ટોબર 14, 2018
Posted by on મહાત્મા ગાંધીજી વિષે ઘણું લખાયું છે અને હજુ પણ ઘણું લખાતું રહેશે. પરંતુ એમનાં જીવન સાથી અને અર્ધાંગીની કસ્તુરબા વિષે લખાએલું બહુ ઓછું જાણવા મળે છે.ગાંધીજીના જીવનમાં કસ્તુરબા પતિના પડછાયાની જેમ જીવ્યાં હતાં.એમની અંગત મહત્વકાંક્ષાઓ અને ઈચ્છાઓને અવગણી એક ત્યાગમૂર્તિની જેમ બાપુને બધી રીતે સાથ આપ્યો હતો.
ગાંધીજી પોરબંદરના એક વણિક મોહનદાસ ગાંધીમાંથી વિશ્વવંદ્ય મહાત્મા ગાંધી બન્યા એ માટે ઘણાં કારણો હશે પરંતુ એમાં બાનો ફાળો ખુબ મહત્વનો રહ્યો છે.
અનજાણ પ્રતિભાવાન વ્યક્તિ કસ્તુર બા વિષે એમના પુત્ર મણીલાલના પુત્ર શ્રી અરુણ ગાંધીએ ખંતથી વિગતો એકઠી કરીને લખેલ એક દસ્તાવેજી પુસ્તક ”મહાત્માનાં અર્ધાંગીની ”મારફતે એક પૌત્ર તરીકેની એમણે સુંદર ફરજ બજાવી છે.
આ પુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ કસ્તુરબાનાં પ્રપૌત્રી સોનલ પરીખએ કર્યો છે.આ પુસ્તકને ‘ગુજરાત સાહીત્ય અકાદમી’ તરફથી વર્ષ 2016ના શ્રેષ્ઠ અનુવાદ તરીકે ઘોષીત કરવામાં આવ્યું છે.
આ બન્ને ગાંધી કુળનાં સંતાનોને આ પુસ્તક માટે જેટલાં અભિનંદન આપીએ એટલાં ઓછાં છે.
આ પુસ્તકની જાણવા જેવી વિગતો જાણીતા બ્લોગ સંડે-ઈ-મહેફિલના સંપાદક શ્રી ઉત્તમ ગજ્જર એ એમના બ્લોગમાં અને ફેસબુક પર પોસ્ટ કરેલ છે જે એમના આભાર સાથે આજની આ પોસ્ટમાં પ્રસ્તુત છે… વિનોદ પટેલ
સૌજન્ય- શ્રી ઉત્તમ ગજ્જર ..સન્ડે-ઈ-મહેફિલ/ફેસ બુક
હમણાં એક સુંદર પુસ્તક વાંચવાનું થયું. તેનું નામ છે: ‘બા : મહાત્માનાં અર્ધાંગીની.’ શીર્ષક સુચવે છે તેમ, તેમાં ભારતની એક માતૃમુર્તી કસ્તુરબાની જીવનકથા છે. આ પુસ્તકને ‘ગુજરાત સાહીત્ય અકાદમી’ તરફથી વર્ષ 2016ના શ્રેષ્ઠ અનુવાદ તરીકે ઘોષીત કરવામાં આવ્યું છે.
કસ્તુરબા વીશે મોટા ભાગના લોકોની છાપ એવી છે કે તેઓ આદર્શ ભારતીય નારી હતાં. પતીના પગલાંમાં પગ મુકીને ચાલનારા હતાં. પ્રેમાળ માતા હતાં. એથી વીશેષ કોઈ પ્રતીભા એમનામાં હતી નહીં.
પણ તેમ ન હતું. તેઓ એક મહાત્માનાં અર્ધાંગીની હતાં જરુર; અંધ અનુગામીની નહીં, સમજદાર સંગીની હતાં. મહાત્માનાં અર્ધાંગીની બનવાની સાધનાએ તેમનામાં રહેલી સ્ત્રીને અને માતાને અનેક નવાં પરીમાણો આપ્યાં હતાં. તેમનામાં રહેલી સહજ સુઝ અને દૃઢતાએ મહાત્માને પણ અનેકવાર દોર્યા હતા. તેથી જ બાપુ બાને પોતાનું ‘શુભતર અર્ધાંગ’ કહેતા.
‘બા : મહાત્માનાં અર્ધાંગીની’ પુસ્તકની વીશેષતા એ છે કે તેને મુળ અંગ્રેજીમાં લખનાર અરુણ ગાંધી કસ્તુરબાના પૌત્ર છે અને તેનો અનુવાદ કરનાર સોનલ પરીખ કસ્તુરબાનાં પૌત્રીનાં પૌત્રી છે.
અહીં હું આ બન્નેનો થોડો પરીચય તેમ જ પુસ્તક પર કામ કરતી વખતના તેમના મનોભાવોના અંશો આપું છું :
ડૉ. અરુણ મણીલાલ ગાંધી કસ્તુરબા અને બાપુના પાંચમા પૌત્ર. તેમનો જન્મ 14 એપ્રીલ, 1934માં દક્ષીણ આફ્રીકાના ફીનીક્સ આશ્રમમાં થયો હતો. માતા–પીતા સુશીલા અને મણીલાલે પોતાનાં સન્તાનોને બાપુ–ચીંધ્યા માર્ગે ઉછેર્યાં હતાં
બાળપણના અને તરુણાવસ્થાના ઘણા મહીના તેમણે બા–બાપુ સાથે વર્ધાના સેવાગ્રામ આશ્રમમાં ગાળ્યા. દક્ષીણ આફ્રીકાનો રંગભેદ અને ત્યાંનું હીંસાથી ખદબદતું વાતાવરણ જોઈ, અરુણનું યુવાન લોહી ઉકળી ઉઠતું. બાએ તેને, તેના આક્રોશને વીધ્વંસક માર્ગે ન લઈ જતાં, પરીવર્તન માટેની શક્તી બનાવતાં શીખવ્યું હતું.
કેટલોક સમય ભારતમાં ગ્રામીણો માટે કામ કર્યા બાદ, અરુણ ગાંધી અને તેમનાં પત્ની સુનંદા, શાન્તી અને અહીંસાની વાત વીશ્વફલક પર મુકવાનું સ્વપ્ન લઈ અમેરીકામાં સ્થીર થયાં. 2007માં સુનંદાએ ચીરવીદાય લીધી.
શાન્તી અને અહીંસાનાં બીજ દુર દુર સુધી ફેલાવવા લાંબા પ્રવાસો કરતા રહેતાં અરુણ ગાંધી, પોતાને ‘શાન્તીખેડુત’(પીસ ફાર્મર) ગણાવે છે અને એક દીવસ શાન્તીનાં આ બીજ, હરીયાળો પાક બની, માનવજાતને અર્પણ કરી શકાશે તેવી આશા સેવે છે..
સોનલ પરીખના પીતા ડૉ. પ્રબોધ પારેખનાં મા રામીબહેન, મહાત્મા ગાંધીના મોટા પુત્ર હરીલાલનાં પુત્રી. માતા–પીતા માધવી અને પ્રબોધે પોતાનાં સંતાનોને મહાત્માના વંશજ હોવાની સભાનતા આપ્યા વીના, સાદાઈ અને સહજતાથી ઉછેર્યાં છે.
પત્રકારત્વ અને સર્જનાત્મક લેખનને પોતાની કારકીર્દી બનાવનાર સોનલ પરીખે, મુમ્બઈના ભારતીય વીદ્યાભવન, ગાંધી સ્મારકનીધી(મણીભવન) તેમ જ મુમ્બઈ સર્વોદય મંડળ જેવી સંસ્થાઓમાં લેખન, સંશોધન અને વહીવટી કાર્યોનો અનુભવ લીધો છે અને ‘જન્મભુમી’નાં તંત્રીવીભાગમાં કામ કર્યું છે. હાલ બેંગલોર રહી ‘જન્મભુમી’, ‘જન્મભુમી પ્રવાસી’, ‘પ્રબુદ્ધ જીવન’, ‘નવચેતન’, ‘કવીતા’, ‘વીચારવલોણું’માં કૉલમો લખવા ઉપરાંત અનુવાદો કરે છે અને સ્વતંત્ર પુસ્તકો લખે છે.
હવે આ બન્ને, કસ્તુરબા વીશે લખવા કેમ પ્રેરાયાં? એમના જ શબ્દોમાં જોઈએ :
લેખક અરુણ ગાંધી કહે છે :
‘મોહનદાસ કરમચંદ ગાંધી’નું વ્યક્તીત્વ એવું વીરાટ હતું કે તેની નજીકનું બીજું કોઈ દેખાય નહીં. મારાં દાદી કસ્તુરબા અને મારા પીતા મણીલાલ–આ બન્નેએ મારા દાદા મહાત્મા ગાંધીના વીચારો અને વ્યક્તીત્વમાં પોતાને ઓગાળી દીધાં હતાં.
આધુનીક, પશ્ચીમી મુલ્યોમાં માનનારાઓ મોહનદાસ પર આરોપ પણ મુકે છે કે એમની છાયામાં બીજા બધાંનો વીકાસ રુંધાઈ ગયો. પણ બાપુ પાસે મહાન ધ્યેય હતું, આદર્શો હતા, તેમની એક દૃષ્ટી હતી, વ્યક્તીને પરીવર્તીત કરવાની શક્તી પણ હતી. તેનાં પરીણામે કસ્તુરબા અને મણીલાલે અને બીજા અનેકે પોતાની વ્યક્તીગત પ્રાપ્તી વીશે વીચારવા કરતાં પોતાનાં જીવન બાપુને સમર્પીત કરવાનું વધુ પસંદ કર્યું હતું.
જેમણે કસ્તુરબાને જોયાં છે તેમને ‘બા’ શબ્દનો, માતૃત્વનો સાચો અર્થ સમજાયો છે. મને હમેશાં એક પસ્તાવો રહ્યો કે હું બાને પુરાં જાણી ન શક્યો. મેં છેલ્લે તેમને જોયાં ત્યારે હું પાંચ વરસનો હતો. 1939ની એ સાલ હતી. મારા પીતા મણીલાલે ત્યારે દક્ષીણ આફ્રીકામાં રહી બાપુએ 1873માં શરુ કરેલા આંદોલનને આગળ ધપાવતાં અહીંસક માર્ગે સામાજીક અને રાજકીય પરીવર્તનોની દીશામાં કામ ઉપાડેલું હતું. દર ચાર વર્ષે એક વાર તેઓ ભારત આવીને પરીવારને મળતા. દાદા–દાદીનું હુંફભર્યું, સતત વરસતું હેત મારી બાલ્યવયની સ્મૃતીઓનું ધન છે.
બા પ્રત્યેના પ્રેમ ઉપરાંત બીજી એક વાતે પણ મને બા વીશે જાણવા પ્રેર્યો. તે એ કે બાને જે થોડા લોકો ઓળખે છે તે સીવાય બાકીના મોટા ભાગના લોકો એવું માને છે કે બા એક અલ્પશીક્ષીત, સાધારણ અને સુશીલ સન્નારી હતાં. પતીને અનુસરતાં; પણ પતી જે વીરાટ કાર્યો કરતા તેના વીશે ભાગ્યે જ કંઈ સમજતાં.
હું આવું માનવા તૈયાર ન હતો. મારા અને મારાં માતાપીતાના અનુભવો જુદું કહેતા હતા. બાએ ઔપચારીક શીક્ષણ ખુબ ઓછું લીધું હોવા છતાં; તેઓ અજ્ઞાન કે અલ્પમતી ન હતાં. ઈતીહાસ મારાં દાદીને અવગણે તે હું સાંખી ન શકું. ઘણી જહેમતોને અન્તે અમે એ નીષ્કર્ષ પર પહોંચ્યા છીએ કે ભારતના સ્વાતંત્ર્યસંગ્રામમાં બાની એક અગત્યની ભુમીકા હતી. બાપુને મહાત્મા બનાવવામાં તેમનો મોટો ફાળો હતો. બાનું સમર્પણ, તેમની પોતાની એ પ્રતીતીને લીધે પણ હતું કે આ જ રસ્તો સાચો છે. ગુલામી કે અંધ અનુકરણ કદી બાના સ્વભાવમાં ન હતું.
‘સત્યના પ્રયોગો’માં બાપુએ લખ્યું છે કે અહીંસાની મુળભુત તાલીમ તેઓ બા પાસેથી પામ્યા છે. બા નીષ્ક્રીય ન હતાં. આક્રમક પણ ન હતાં. તેમને જે સાચું લાગતું, યોગ્ય લાગતું, તે મક્કમતાથી કરતાં. પતીની કોઈ વાત ગળે ન ઉતરે ત્યારે બા દલીલો ન કરતાં; પણ શાન્તીથી મક્કમતાથી તેને યોગ્ય માર્ગે વાળતાં, સત્ય તરફ પ્રેરતાં, અહીંસાના તત્ત્વજ્ઞાનનો આ જ અર્ક છે તેમ બાપુ હમ્મેશાં કહેતા.
પણ બા વીશે જાણવાનું બહુ જ મુશ્કેલ હતું. તેમણે પોતે કશું લખ્યું નથી અને તેમના જીવનના સન્દર્ભો ખોવાઈ ગયા છે. પોરબન્દરના પુરમાં તમામ દસ્તાવેજી પુરાવાઓ ધોવાઈ ગયા છે. બાનાં માતાપીતા અને ભાઈઓ વહેલી વયે મૃત્યુ પામ્યાં. બાપુએ પોતાનાં લખાણોમાં આપેલા સન્દર્ભો સીવાય બાના પરીવારના ઈતીહાસ વીશે જાણવાનો કોઈ આધાર નથી.
એટલે મારા અને મારાં પત્ની સુનન્દાના સંશોધનનો મુખ્ત સ્રોત રહ્યો, મૌખીક ઈતીહાસ. આ ઈતીહાસ આપનારા તમામની દૃષ્ટી બાપુની પ્રેરક સ્મૃતીઓથી અંજાયેલી હતી. બાને કેન્દ્રમાં રાખી વાતો કઢાવવામાં અમારે ધીરજ અને ખંતની ભરપુર જરુર પડતી. 1960થી અમે મુલાકાતો લેવા માંડી, રેકૉર્ડીંગ કરવા માંડ્યાં. બાની સાથે થોડુંયે રહ્યા હોય તેવા લોકોને અમે શોધતા રહેતાં.
છેવટે પુસ્તક તો તૈયાર થયું; પણ યુરોપ–અમેરીકાના કોઈ પ્રકાશક તેને છાપવા તૈયાર નહીં ! ‘કસ્તુરબામાં કોને રસ પડે? તમે તમારા દાદા મહાત્મા ગાંધી વીશે કેમ નથી લખતા ?’ – એવા પ્રતીભાવ મળતા.
અમને આશ્ચર્ય થતું. મહીલાઓના અધીકાર માટે અમે જાગ્રત, તેથી બાનાં જીવન અને કાર્યો વીશે ઉતરતો મત સ્વીકારીએ નહીં. સહેલાઈથી હાર માનીએ નહીં. છેવટે 1979માં એક જર્મન પ્રકાશક વેલાખ હીન્દા ઉન્દ દીલ્માએ તેની જર્મન આવૃત્તી પ્રગટ કરી. 1983માં મેક્સીકો યુનીવર્સીટીએ તેનું સ્પૅનીશ ભાષાન્તર પ્રગટ કર્યું.
પુસ્તકની અંગ્રેજી આવૃત્તીના પ્રકાશનમાં હજુ વીઘ્નો આવ્યાં જ કરતાં હતાં. તેની વાત ન કરીએ તેટલું જ સારું. અમે આશા છોડી દેવાની તૈયારીમાં જ હતાં, એ વખતે ઓઝાર્ક માઉન્ટન નામે એક પ્રકાશકે છેવટે પુસ્તક છાપ્યું
બા–બાપુ અભીન્ન છે એટલે એક રીતે આ બા–બાપુની સહીયારી જીવનકથા છે. બાની કહાણી, બાપુના જીવન જેવી નાટ્યાત્મક નથી; પણ છતાં એ કહાણી અલગ છે, અજોડ છે, પ્રેરક છે. મને આશા છે કે પ્રેમપુર્વક કરેલો અમારો આ પરીશ્રમ સાર્થક થશે.
–અરુણ ગાંધી
અને પ્રાસ્તાવીક ‘કિંચીત્’માં અનુવાદીકા સોનલ પરીખ લખે છે :
‘કસ્તુરબા મારાં દાદીનાં દાદી.’
લોહીનો આ સમ્બન્ધ ન હોત તો પણ કસ્તુરબાને સમજવાની ઝંખના, એક સ્ત્રી તરીકે, એક સર્જક તરીકે, મારામાં જાગી જ હોત એમ હું ચોક્કસ માનું છું.
તેર વરસની ઉમ્મરે પોતાનાથી થોડા મહીના નાના મોહનદાસ સાથે તેમનાં લગ્ન થયાં. બાસઠ વર્ષના દામ્પત્ય દરમીયાન મોહનદાસ મહાત્મા બન્યા, અંગત અને જાહેરજીવનનાં શીખરો સર કરતા ગયા, સત્યાગ્રહની અત્યન્ત મૌલીક પદ્ધતી શોધી, દક્ષીણ આફ્રીકામાં અને હીન્દમાં વીરાટ કાર્યો કર્યાં, દેશને બ્રીટીશ શાસનથી મુક્ત કર્યો, સમગ્ર વીશ્વની ગરીબ, શોષીત માનવજાતને પાંખમાં લેવા ધાર્યું. આવા નીત્ય પરીવર્તનશીલ અને સત્યશોધક, આદર્શો અને સીદ્ધાન્તો માટે મોટા ભોગ આપવા અને અપાવવા કટીબદ્ધ મહાત્માનાં અર્ધાંગીની બનવું એ બહુ કપરું, ગજું માંગી લે તેવું કામ છે.
બાપુનાં જીવનકાર્યો અને દેશના ઈતીહાસનાં મહાપરીવર્તનો સાથે, બાનું જીવન અભીન્નપણે વણાયેલું છે. બાપુની પડખે રહી, બાએ પણ વીરાટ ઐતીહાસીક ઘટનાઓનાં મુળમાં, પોતાની પ્રાણશક્તી સીંચી છે. કાઠીયાવાડની એક સંસ્કારી પણ નીરક્ષર કન્યામાંથી રાષ્ટ્રમાતા બનતાં સુધીની બાની યાત્રાના વળાંકો અને પડાવો કેવા હશે? તેમણે કેવાં સમાધાનો કર્યાં હશે, શું છોડ્યું હશે, શું અપનાવ્યું હશે, પોતાને કેવી રીતે સજ્જ કરતાં રહ્યાં હશે, તેની કલ્પના કરું, ત્યારે મારા મનમાં જે રોમાંચ જાગે છે, જે ઉથલપાથલ થાય છે, તેનું વર્ણન કરવું મુશ્કેલ છે.
ડૉ. અરુણ ગાંધી–મારા અરુણમામા–નું પુસ્તક ‘ધ ફરગોટન વુમન’ વાંચ્યું ત્યારે એક પૌત્ર તરીકે કસ્તુરબાને સમજવાની અને તેમના વ્યક્તીત્વને વીશ્વ સમક્ષ રજુ કરવાની અરુણમામાની તાલાવેલી મને ઉંડે સુધી સ્પર્શી ગઈ. તેમણે અને સુનંદામામીએ બાના જીવનચરીત્રના આલેખન માટે પુષ્કળ જહેમત ઉઠાવી છે અને ઉપલબ્ધ માહીતી સાથે કલ્પનાનું સંયમીત સંતુલન સાધતા જઈ, અત્યન્ત સુન્દર રીતે, પ્રેમપુર્ણ નજાકત સાથે, બાનું અનોખું જીવન શબ્દબદ્ધ કર્યું છે. પુસ્તકમાંથી પસાર થતાં આપણે જાણવા પામીએ છીએ કે બા અંધ અનુગામીની ન હતાં, સમજદાર અને પ્રેમાળ જીવનસંગીની હતાં. તેમનું માતૃત્વ તેમનાં સન્તાનો અને સન્તાનોનાં સન્તાનોથી વીસ્તરી હજારો–લાખો દેશવાસીઓ સુધી પહોંચ્યું હતું.
અનુવાદમાં ‘જીવ’ આવે તે અનુવાદની પહેલી શરત છે. સુરેશ દલાલ ‘અનુવાદ’ માટે ‘અનુસર્જન’ શબ્દ વાપરતા. પુસ્તક સાથે સર્જનાત્મક રીતે સંકળાઈ શકાય તો જ અનુસર્જન બની શકે. મેં પુરી મહેનત કરી છે, મહીનાઓ સુધી બા સાથે તદાકાર બની છું, તેમના સમયમાં–તેમના ફલક પર જીવી છું તેમની સાથે વલોવાઈ પણ છું. આશા છે કે અમારાં, આપણાં સૌનાં બાની આ રસપુર્ણ અને પ્રેરક જીવનકથા ગુજરાતીવાચકોની નવી પેઢીને પણ ગમશે.
–સોનલ પરીખ
(લેખક અને અનુવાદીકાનાં લખાણો સહેસાજ સાભાર ટુંકાવીને..)
તો આમ વાત છે. અવકાશે પુસ્તકના અંશ પણ આપવા ધારીએ છીએ.
(કારણ કે આમાં ‘કસ્તુરબા’ વીશે પુસ્તકમાંનું કશું જ મુકી શકાયું નથી!)
– ઉત્તમ ગજ્જર અને સમ્પાદકો..
પુસ્તક પ્રાપ્તિની માહિતી ….
(પુસ્તકના લેખક : અરુણ ગાંધી; અનુવાદ –સોનલ પરીખ : sonalparikh1000@gmail.com
મુલ્ય : બસો રુપીયા; પાન સંખ્યા–270; પ્રથમ આવૃત્તી : ઓક્ટોબર, 2016;
પ્રકાશક અને મુદ્રક : વીવેક જીતેન્દ્ર દેસાઈ, નવજીવન મુદ્રણાલય, અમદાવાદ–380 014; ફોન : 079-2754 0635 અને 079-2754 2634;
eMail : sales@navajivantrust.org Website : http://www.navajivantrust.org
‘સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ ચૌદમું – અંકઃ 411 –October 14, 2018
‘ઉંઝાજોડણી’માં અક્ષરાંકનઃ ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com
Source- https://www.facebook.com/uttam.gajjar.92/posts/2034840676566140

Kasturba is seen washing feet of her husband Gandhiji . Sardar Patel is also seen looking at this memorable scene of love between this great couple !
ગાંધીજી,કસ્તુરબા અને પ્રેમ પત્રો
અગાઉ વિનોદ વિહારની પોસ્ટમાં પ્રસિદ્ધ કરેલ શ્રી તેજસ વૈદ્ય લિખિત નીચેનો લેખ આજની આ પોસ્ટની પૂર્તિ કરે છે.ગાંધીજી અને કસ્તુરબા વચ્ચે પ્રેમનું કેવું અતુટ બંધન હતું એ બાપુના બાને લખેલ પ્રેમ પત્રોમાંથી જણાઈ આવે છે.
ગાંધીજીના કસ્તુર બા ને લખાએલ લવ લેટર્સ !…તેજસ વૈદ્ય
1240- ગરબો : વ્યક્તી અને સમષ્ટીને સ્પર્શતું પ્રકાશપર્વ……શ્રી જુગલકીશોર વ્યાસ
ઓક્ટોબર 13, 2018
Posted by on
ગુજરાતી બ્લૉગ વિશ્વમાં શ્રી જુગલકિશોર વ્યાસનું નામ ખુબ જ જાણીતું છે.એમના બ્લોગ “નેટ ગુર્જરી” ( જે હાલ ”માતૃભાષા’ નામના બ્લોગમાં પરિવર્તિત થયું છે )બ્લૉગમાં તેઓ સક્રિય રહી મા ગુર્જરીની અભિનંદનીય સેવા બજાવી રહ્યા છે.આજે ખુબ વંચાતો બ્લોગ “વેબ-ગુર્જરી” પણ એમનું ”બ્રેઈન ચાઈલ્ડ” છે એમ કહીએ તો ખોટું નથી.
મિત્ર શ્રી પી.કે.દાવડા લિખિત પરિચય લેખ”મળવા જેવા માણસ – જુગલકિશોર વ્યાસ ” માં વિગતે જુ’ભાઈનો પરિચય વાંચી શકાશે.
અત્યારે ચાલી રહેલ નવરાત્રી-નોરતાં- અને ગુજરાતની એક પહેચાન બની ગયેલ ગરબા ના માહોલમાં વાતાવરણ ધમધમી રહ્યું છે.આના સંદર્ભમાં એમના બ્લોગ ”નેટ ગુર્જરી” માં પ્રકાશીત્ત એમનો લેખ ‘ગરબો : વ્યક્તી અને સમષ્ટીને સ્પર્શતું પ્રકાશપર્વ મને ખુબ ગમ્યો. આ લેખમાં એમની આગવી શૈલીથી નવરાત્રી પર્વ અને ગરબા પર એમણે જે ઊંડું ચિંતન રજુ કર્યું છે એ કાબીલેદાદ છે.
વિનોદ વિહારના વાચકો માટે જુ.ભાઈના આભાર સાથે આજની પોસ્ટમાં એમના પ્રસંગોચિત લેખો નીચે પ્રસ્તુત છે.
વિનોદ પટેલ
‘ગરબો : વ્યક્તી અને સમષ્ટીને સ્પર્શતું પ્રકાશપર્વ ‘
વ્યક્તી અને સમષ્ટી વચ્ચેના સંબંધોનું કાવ્ય આ ગરબો. – જુગલકીશોર.
શ્રી જુગલકીશોર વ્યાસના નવરાત્રી અને ગરબા વિશેના અન્ય RELATED લેખો પણ જરૂર માણો.
1239- કેવળ દવાથી રોગ અમારો નહીં મટે, સંબંધ પણ ઉમેરો જરા સારવારમાં….વાર્તા….ડૉ. શરદ ઠાકર
ઓક્ટોબર 11, 2018
Posted by on ‘ડૉક્ટરની ડાયરી’ અને ‘રણમાં ખીલ્યું ગુલાબ’થી જાણીતા ડૉ. શરદ ઠાકરે સબળ વાર્તાઓ થકી આગવો વાચકવર્ગ ઊભો કર્યો છે.
ડો.ઠાકર વ્યવશાયએ એક ડોક્ટર છે.એમની વાર્તાઓ એમના અનુભવોમાંથી પ્રાપ્ત સત્ય કથાઓ ઉપર મુખ્યત્વે આધારિત હોઈ વાચકના દિલને એ સીધી સ્પર્શી જતી હોય છે.
આ વાર્તા પણ એનું એક ઉદાહરણ છે. વી.પ.
કેવળ દવાથી રોગ અમારો નહીં મટે, સંબંધ પણ ઉમેરો જરા સારવારમાં
વાર્તા….ડૉ. શરદ ઠાકર
એક નારીના કેટલા ‘મૂડ્ઝ’ હોઈ શકે? કેટલાં રૂપ હોઈ શકે? અલગ-અલગ ભાતના કેટલા ચહેરા હોઈ શકે? આ બધું અલગ-અલગ સ્ત્રીઓમાં નહીં, પણ એક જ સ્ત્રીમાં. સ્ત્રી પણ શાની? હજુ તો ઊગીને ઊભી થઈ રહેલી, સંસાર નામની નદીના વહેણમાં પગ મૂકી રહેલી અને સહર્ષ સહીસલામત સામા કાંઠે પહોંચી જવા માટેનાં સપનાંઓ સાથે રાખીને જીવતી એક ભોળી, નિર્દોષ યુવતીની આજે વાત કરું છું.
નામ એનું પ્રાચી. સાગના સોટા જેવી પાતળી દેહલતા. ગોરો વાન. શાર્પ ફીચર્સ. સ્વચ્છ આંખો. સાફ નજર, પણ મોં પર ચિંતાનાં વાદળોનો ઘટાટોપ. સાથે એનાં મમ્મી હતાં.
‘ક્યાંથી આવો છો?’ મેં સહજ વાર્તાલાપની શરૂઆત કરી. એ સાથે જ જાણે કેનાલમાં ગાબડું પડે અને જે ઝડપથી પાણી ખેતર પર ફરી વળે તેવી જ ઝડપથી એની બંને આંખોમાંથી ધારા વહી નીકળી.
‘સર, મને સુરતમાં પરણાવેલી છે. પિયર આણંદમાં છે. અત્યારે હું આણંદથી આવી છું. તમારા લેખો વર્ષોથી વાંચું છું એટલે આવી છું. તકદીરના હાથનો તમાચો ખાઈ ચૂકી છું એટલે આવી છું. નિરાશાની અંધારી રાત પસાર કરીને આશાનો સૂરજ જોવો છે, માટે આવી છું. સર, પ્લીઝ, મારી જિંદગી હવે તમારા હાથમાં છે.’
મારે એને કેમ કરીને આશ્વાસન આપવું કે તું છાની રહી જા, તને હવે ક્યારેય હતાશા નહીં મળે! હું ડૉક્ટર છું, ભગવાન નથી. હું પ્રારંભમાં જ એની પીડાની વાછટથી પલળી ગયો.
પછી જે જાણવા મળ્યું તે કંઈક આવું હતું. ઉચ્ચ શિક્ષણ પામેલી, સારી જોબ કરતી પ્રાચી લગ્ન કરીને સુરત ગઈ. પતિ સારો હતો. એને પ્રેમથી સાચવતો હતો. બંનેનાં લગ્નજીવનના શરૂઆતી મહિનાઓ પસાર થઈ ગયા પછી બંનેએ બાળક વિશે વિચાર કર્યો. સાવ સહજતાથી-સરળતાથી પ્રાચીને પ્રેગ્નન્સી રહી ગઈ.
અહીં સુધી બધું સારી રીતે ચાલ્યું, પણ જ્યારે પ્રાચી ગાયનેકોલોજિસ્ટ પાસે ચેકઅપ માટે ગઈ, ત્યારે ડૉક્ટરે એની સોનોગ્રાફી કરીને આઘાતનજક સમાચાર આપ્યા, ‘ગર્ભના બે મહિના પૂરા થઈ ગયા તો પણ એનો વિકાસ જણાતો નથી. ગર્ભના ધબકારા પણ પકડાતા નથી. તમારો ગર્ભ મૃત્યુ પામ્યો છે.’ પછી સલાહ આપી, ‘આ મૃત ગર્ભને અંદર રહેવા દેવાથી નુકસાન થશે. જેમ બને તેમ ઝડપથી ક્યુરેટિંગ કરાવી લો.’
પ્રાચીએ બીજા એક ડૉક્ટરનો અભિપ્રાય મેળવી લીધો. સલાહ સાચી હતી. ગર્ભપાત કરાવવો જ પડ્યો.
‘કંઈ વાંધો નહીં.’ એના પતિ પ્રેયસે હિંમત આપતાં એને સમજાવી, ‘આવું તો થાય. આપણે ક્યાં ઘરડાં થઈ ગયાં છીએ? છએક મહિના પછી ફરીથી કોશિશ કરીશું. ભગવાન આપણને બીજી વાર તો સુખનું મોં દેખાડશે જ.’
આઠેક મહિના પછી પ્રાચીને ફરીથી ગર્ભ રહ્યો. આ વખતે ડૉક્ટરે તમામ આવશ્યક સારવાર ચાલુ કરાવી દીધી. ખોરાક, આરામ, હોર્મોન્સનાં ઇન્જેક્શનો, ગર્ભનો વિકાસ સારો થાય તેવી ટેબ્લેટ્સ બધું જ.
પાંચ મહિના પૂરા થયા. પ્રાચીના મનને ‘હાશ’ થઈ. ત્યાં એક દિવસ બપોરના સમયે એને બ્લીડિંગ ચાલુ થઈ ગયું. તરત જ એણે પતિને ફોન કરી દીધો, ‘હું ડૉક્ટરને ત્યાં જાઉં છું. તમે પહોંચો.’
ડૉક્ટરે તપાસીને ફરી પાછો એક નિસાસો નાખ્યો, ‘આઇ એમ સોરી, બહેન. ગર્ભાશયનું મુખ ઊઘડી ગયું છે. આ ગર્ભ હવે વધારે સમય માટે અંદર ટકી નહીં શકે.’
એકાદ કલાકમાં જ પ્રસૂતિની જેમ જ કાચો ગર્ભ બહાર આવી ગયો. સાડા ચારસો ગ્રામ વજન હતું. બે-ચાર હળવા શ્વાસો અને એક જોરદાર આંચકો ખાઈને એ પ્રભુના ધામમાં પહોંચી ગયું.
આટલું બોલતાંમાં તો ફરી પાછાં પ્રાચીની આંખોમાં ખારા પાણીનાં પૂર ઊમટ્યાં. થોડી વાર રહીને એણે બબ્બે સપનાંઓની રાખ ઉપર ત્રીજા સ્વપ્નનું ચણતરકામ શરૂ કર્યું.
‘સર, અત્યારે હું ત્રીજી વાર પ્રેગ્નન્ટ છું. આ વખતે તો હું પહેલેથી જ મારાં મમ્મી-પપ્પાના ઘરે આવી ગઈ છું. જોબમાં પણ લાંબી મુદતની રજા મૂકી દીધી છે. ભલે પગાર ના મળે, પણ મારે મન અત્યારે પગાર મહત્ત્વનો નથી, પ્રેગ્નન્સીનું પૂરું પરિણામ મહત્ત્વનું છે.’
‘અત્યારે તારે કોઈ ડૉક્ટરની સારવાર ચાલી રહી છે?’ મેં હવે સાવધાનીપૂર્વક વિગતો પૂછવાની શરૂઆત કરી.
‘હા, સર. અમારા સુરતવાળા ડૉક્ટરે એક વાર ચેકઅપ કરીને જે સારવાર લખી આપી હતી તે હું નિયમિત લઉં છું. પૂરેપૂરો આરામ કરું છું, પણ સાચું કહું સર, મને હવે બીજા કોઈ જ ડૉક્ટરમાં વિશ્વાસ નથી રહ્યો, એટલે હું તમારી પાસે…’
મેં એની આંખોમાં પરમ શ્રદ્ધાનો દીપ જલતો જોયો, પણ નીતિમત્તાનું પાલન કરવા માટે મારે એને આગળ બોલતાં અટકાવવી પડી, ‘એવું ન બોલીશ પ્રાચી. ડૉક્ટરો બધા સારા અને એકસરખા. કેટલાક તો વળી મારા કરતાં પણ હોશિયાર હોઈ શકે. હું બીજાથી વિશેષ એક જ કામ કરી શકું. તારી શ્રદ્ધાના બદલામાં હું મારી સારવારમાં થોડોક સંબંધ ઉમેરી શકું. ઉપરાંત તું દર પંદર દિવસે કે દર મહિને આણંદથી અમદાવાદ સુધી રોડ રસ્તે આવે ને પાછી જાય એ પણ સલાહભર્યું ન કહેવાય, માટે હું તને દોઢ-બે મહિને એક વાર બોલાવીશ. સારવાર વિશે સૂચના આપીશ, પણ તારે આણંદમાં સ્થાનિક ડૉક્ટર પાસે તો જવું જ રહ્યું. ગમે ત્યારે ‘ઇમરજન્સી’ ઊભી થાય તો તું ત્યાં જઈ શકે એટલા માટે.’
પ્રાચીના ચહેરા પર ત્રીજો રંગપલટો દેખાયો. પહેલાં ચિંતાનો રંગ હતો, પછી શ્રદ્ધાની ચમક અને હવે સમાધાનનો ભાવ હતો.
‘ભલે સર. જેમ તમે કહેશો તેમ જ કરીશ. તમે કોઈ ડૉક્ટરને ઓળખો છો આણંદમાં? તો હું ત્યાં જ જઉં.’
મેં અમારા જાણીતાં ગાયનેક સ્પેશિયાલિસ્ટ કપલનું નામ સૂચવ્યું. દાયકાઓ પહેલાં એ ફિમેલ ગાયનેકોલોજિસ્ટ મારી સાથે વી.એસ. હોસ્પિટલમાં હતાં. પતિ-પત્ની બંને હોશિયાર. મેં એમનું નામ સૂચવ્યું. દવાઓ લખી આપી. પ્રાચી એની મમ્મીને લઈને વિદાય થઈ.
સમય પસાર થતો ગયો. સારી રીતે પસાર થતો ગયો. પાંચમો મહિનો ચાલતો હતો એ સમયે એને ગર્ભપાત થઈ ગયો હતો એ વાત મારા ધ્યાનમાં હતી. જો એના ગર્ભાશયના મુખ ફરતે ટાંકો લઈ શકાય તો કદાચ આ વખતે ગર્ભ ટકી જાય, પણ મેં જાણી લીધું કે એનો ગર્ભ નીચે આવી ગયો હોવાથી ટાંકો મારવામાં જોખમ હતું.
શ્રેષ્ઠ કાળજી અને તમામ દવાઓના કારણે પ્રાચીની પ્રેગ્નન્સી પાંચમો મહિનો પાર કરી ગઈ. છઠ્ઠો પૂરો થયો. સાતમો પણ લગભગ પૂરો થવા આવ્યો.
હું એક અગત્યના પ્રસંગે જૂનાગઢમાં હતો ત્યારે મારા મોબાઇલ ફોનના સ્ક્રીન પર પ્રાચીના નામથી ‘સેવ’ કરેલો નંબર ઝબકી ઊઠ્યો. મેં ‘કોલ’ રિસીવ કર્યો. પ્રાચીનાં મમ્મી હતાં, ‘સર, આજે અચાનક પ્રાચીને બ્લીડિંગ શરૂ થઈ ગયું. અમે કારમાં એને લઈને તમારે ત્યાં આવવાં નીકળીએ છીએ. તમે હાજર હશોને?’
હું શો જવાબ આપું? મારે કહેવું પડ્યું, ‘ના બહેન, તમે અત્યારે સ્થાનિક ડૉક્ટરને ત્યાં પહોંચી જાવ. એ ચેકઅપ કરી લે એ પછી મને ફોન પર જણાવો કે પ્રાચીને અમદાવાદ સુધી લાવી શકાય તેમ છે કે નહીં! હું તરત જ અહીંથી રવાના થઈ જઈશ.’ મારે જૂનાગઢથી અમદાવાદ પહોંચવામાં સાડા પાંચથી છ કલાક લાગી જાય, પણ ત્યાં સુધી મારા સાથી ડૉક્ટરો પ્રાચીને ‘ઇમરજન્સી કેર’ તો આપી જ શકે.
અડધા કલાકમાં આણંદથી ડૉક્ટરનો ફોન આવ્યો, ‘શી ઇઝ ઇન ધ પ્રોસેસ ઓફ પ્રિમેચ્યોર લેબર. ગર્ભાશયનું મુખ ખૂલવા માંડ્યું છે. પ્રાચી અમદાવાદ સુધી પહોંચી નહીં શકે. રસ્તામાં જ…’
એ સમયે ‘ઓખી’ વાવાઝોડું ચાલતું હતું. કાલિત ઠંડી અને વરસાદી ભીનાશ હતી. મેં પ્રાચીનો વિચાર કરીને સલાહ આપી, ‘ઈશ્વરની ઇચ્છા હશે તો જ આવી મોસમમાં આવું બન્યું. હવે ડિલિવરી ત્યાં જ કરાવવી પડશે. બાળક જન્મે ત્યારે એનું વજન અને મેચ્યોરિટી જોયા પછી વિચારીશું.’
ડિલિવરી થઈ ગઈ. સાડા નવસો ગ્રામ વજનનો દીકરો જન્મ્યો હતો. અમદાવાદમાં તો એવી સવલતો છે કે છસો ગ્રામવાળું બાળક પણ બચી જાય છે, પણ ‘હાય હાય યે મજબૂરી, યે મૌસમ ઔર યે દૂરી!’ આણંદથી અમદાવાદ સુધી આવવામાં જ કળી કરમાઈ જાય.
આણંદમાં પણ સારા નવજાત શિશુનિષ્ણાતો છે જ. એવા એક ડૉક્ટરે બાબાને બચાવવા માટે ખૂબ પ્રયત્નો કર્યા. છ-સાત દિવસ નીકળી પણ ગયા. છેવટે મગજના રિપોર્ટમાં ખબર પડી કે બાળકનું મગજ પ્રિમેચ્યોર હોવાથી અને નબળાં ફેફસાંના કારણે સહેજ ઓક્સિજન ઓછો પડવાથી દિમાગમાં નુકસાન પહોંચ્યું છે. બાળકને વેન્ટિલેટર પરથી ખસેડી લેવામાં આવ્યું.
હું ખૂબ દુ:ખી હતો. પ્રાચીનું શું થયું હશે? એ ચાર-પાંચ દિવસ ખૂબ ખરાબ ગયા. પછી એક દિવસ પ્રાચી અને પ્રેયસ મને મળવા આવ્યાં. હવે લાગતું હતું કે એ કોઈ મક્કમ નિર્ણય પર આવી ગઈ હતી, ‘સર, હવે નેક્સ્ટ પ્રેગ્નન્સીમાં હું અને મારો હસબન્ડ અમદાવાદમાં જ નવે-નવ મહિના રહેવાનાં છીએ. તમારા હાથે જ ડિલિવરી કરાવવી છે. હું કહેતી હતીને કે મને તમારામાં પૂરી શ્રદ્ધા છે.’ હું આ અદભુત છોકરીને જોઈ રહ્યો. એની આંખોમાં આશાનું તેજ હતું અને ચહેરા પર આવનારા સુખનું આગોતરું સુખ! જે પસાર થઈ ગઈ તે ગઈ કાલ હતી, જે આવશે તે આવતી કાલ હશે. તો પછી આજે શા માટે રડવું? જો બીત ગઈ સો બાત ગઈ!
(શીર્ષક પંક્તિ : અદમ ટંકારવી)
ડો.શરદ ઠાકર
ઈ-મેલ સંપર્ક …drsharadthaker@yahoo.com
સૌજન્ય-ડો. શરદ ઠાકર…દિવ્ય ભાસ્કર
Courtesy-Laughing Gujju
વાચકોના પ્રતિભાવ