૩૧મી ઓક્ટોબર ૨૦૧૮ એટલે અખંડ ભારતના શિલ્પી અને ભારતના પૂર્વ નાયબ વડા પ્રધાન લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની ૧૪૩ મી જન્મ જયંતીનો દિવસ .
આ દિવસે ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડિયામાં દેશના પહેલા ગૃહમંત્રી અને નાયબ વડા પ્રધાન લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની લોખંડથી બનાવેલી દુનિયાની ૧૮૨ મિટરની સૌથી ઉંચી એકતાની પ્રતિમા Statue of Unity નું અનાવરણ કરી ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક રંગારંગ કાર્યક્રમમાં દેશ અને દુનિયાને સમર્પિત કરી હતી.
PM Modi performs Rashtrarpan Puja & visits museum at ‘Statue of Unity’ in Kevadia, Gujarat
સરદારની પ્રતિમાના અનાવરણ વખતની કેટલીક યાદગાર તસ્વીરો
દુનિયાની સૌથી ઉંચી સરદાર પટેલની Statue of Unity –એકતાની પ્રતિમા વિષે જાણવા જેવી માહિતી …
સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઉંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ એ અત્યાર સુધી વિશ્વની સૌથી ઉંચી મુર્તિ તરીકે પ્રસિદ્ધ ચીન ખાતેની સ્પ્રિંગ ટેમ્પલની 153 મીટરની ઊંચી બૌદ્ધ પ્રતિમાનો રેકોર્ડ તોડયો છે.
વિશ્વની અન્ય ઉંચી પ્રતિમાઓ સામે સ્ટેચ્યુ ઓફ યુનિટી નું પ્રથમ સ્થાન આ તસ્વીર બતાવે છે.
દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલનું આ સ્ટેચ્યુ નર્મદા નદી પર બનાવેલ સરદાર સરોવર બંધથી 3.5 કિલોમીટર દુર આવેલું છે.દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા નર્મદા ડેમની સામે સ્થાપિત કરી ગુજરાતના પ્રવાસનને એક નવી ઊંચાઈએ લઈ જવાનું દુરંદેશી ભર્યું ભગીરથ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે.ગુજરાત માટે આ ગૌરવની વાત છે.
નર્મદા ડેમ એ સરદારનું સપનું હતું અને આ ડેમની પરિયોજનાને પણ સરદારના નામ સાથે જોડવામાં આવ્યું છે.
આ સ્થળ પસંદ કરવા પાછળનો એક હેતુ આદિવાસી વિસ્તારને એક ઉત્તમ પ્રવાસન સ્થળની ભેટ આપવાનો પણ રહ્યો છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ તેની પ્રવાસીઓને માહિતી આપવા માટે સ્થાનિક ૧૦૦ આદિવાસી યુવાનોને ગાઈડ તરીકે તૈયાર કરાયા છે. આસપાસના ૧૭ કિ.મી.ના એરિયામાં ફ્લાવર ઓફ વેલી પણ તૈયાર કરવામાં આવી છે, તે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
કચ્છના રણની કાયાપલટ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સરદારની સૌથી ઊંચી પ્રતિમાનો ડ્રીમ પ્રોજેક્ટ પણ સાકાર થયો છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કુલ વજન 1700 ટન છે. તેની ઊંચાઇ 522 ફુટ છે. સરદાર પટેલના ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ બનાવવાનો કુલ ખર્ચ રૂ. 2,989 કરોડ થયો છે.
સ્ટેચ્યુના નિર્માતા કંપની લાર્સન એન્ડ ટુબ્રો અને અન્ય કંપનીઓને અલગ-અલગ કામ સોંપીને પ્રતિમાનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. બ્રોન્ઝ આવરણ ધરાવતી વિશ્વની આ સૌથી ઊંચી પ્રતિમા તૈયાર કરવામાં ૭૦ હજાર ટન તો સિમેન્ટ વાપરવામાં આવ્યો છે.
ભારતની ટેકનોલોજી અને એન્જીનીયરીંગ સામર્થ્યનું પણ આ એક પ્રતિક છે.
સરદારની પ્રતિમા તૈયાર કરવાનું કામકાજ ડિસેમ્બર ર૦૧૪માં શરુ કરવામાં આવ્યું હતું. ચાર વર્ષના રેકોર્ડ-બ્રેક સમયમાં સરદારની આ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા તૈયાર કરવામાં આવી છે.ચીન ખાતેની બુદ્ધની પ્રતિમાને પૂર્ણ કરતાં ૧૧ વર્ષ લાગ્યાં હતાં .
સરદારની આગવી ઇમેજ સાથે પ્રતિમા તૈયાર કરવામાં પડદા પાછળના કસબી અને અસલી હીરો મુખ્ય ડિઝાઇનર રામ સુતાર છે.દિલ્હી નજીક નોઈડા એરિયામાં રહેતા આ ૯૩ વર્ષીય મૂર્તિકાર દુનિયાભરમાં શિલ્પકળા માટે વિખ્યાત છે. એમને ભારતના શ્રેષ્ઠ એવા પદ્મભૂષણ, પદ્મશ્રી ઍવૉર્ડ મળી ચૂક્યા છે.
છેલ્લા પાંચ દસકામાં દુનિયાભરમાં તેમણે પ૦થી વધારે મૂર્તિઓ તૈયાર કરી છે. દિલ્હીમાં પાર્લામેન્ટની બહાર ૧૯૯૩માં મહાત્મા ગાંધીની જે પ્રતિમા મૂકવામાં આવી તે પણ રામ સુતારે તૈયાર કરેલ છે.
શ્રી રામભાઇ સાથે તેમના પુત્ર શ્રી અનિલભાઇ પણ શિલ્પકાર તરીકે કાર્યરત છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ માટેનું રોમટીરીઅલ પસંદ કરવા આ પિતા-પુત્ર અનેક વખત ચીન જઇ આવ્યા છે.
હાલમાં તેઓ ૪૧૩ ફુટ ઊંચા છત્રપતિ શિવાજી મેમોરીઅલ સ્ટેચ્યુના નિર્માણ કાર્યમાં વ્યસ્ત છે. જે મુંબઇમાં મુકાવાનું છે.
આજે ૯૩ વર્ષે પણ શ્રી રામ સુતાર તેમના વર્કશોપમાં આઠ-આઠ કલાક કામ કરે છે અને દરેક કાર્ય પર બારીકાઈથી નજર રાખે છે.
વાચકોના પ્રતિભાવ