વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: નવેમ્બર 26, 2018

1253 – પ્રવૃત્તિ જ જ્યારે ધ્યાન બની જાય…./ કલ્યાણસુંદરમ…શ્રી આશુ પટેલના બે પ્રેરક લેખો

પ્રવૃત્તિ જ જ્યારે ધ્યાન બની જાય…. આશુ પટેલ

એક ઝેન ગુરુએ એક દિવસ તેમના એક શિષ્યને કહ્યું, ‘તું મારી પાસેથી ઘણું શીખ્યો છે. હવે ધ્યાનના અંતિમ તબક્કાની સાધના માટે તું મારા એક મિત્ર પાસે જા.’

તે ઝેન ગુરુએ શિષ્યને બીજા એક ઝેન ગુરુ પાસે મોકલ્યો. શિષ્ય નવા ઝેન ગુરુ પાસે ગયો. તે મોડી સાંજે તેમની પાસે પહોંચ્યો. તેણે તેમને મળીને કહ્યું કે મારા ગુરુએ મને ધ્યાનના અંતિમ તબક્કાની સાધના માટે તમારી પાસે મોકલ્યો છે.

બીજા ઝેન ગુરુએ કહ્યું, ‘તારા ગુરુ એ જાણે જ છે, પરંતુ તેમણે તને અહીં મોકલ્યો છે તો ચોક્કસ કોઈ કારણ હશે. તું અહીં રોકાઈ શકે છે.’

તે શિષ્યને હતું કે અહીં આ ઝેન ગુરુ અને તેમના શિષ્યો રોજ ધ્યાન કરતા હશે. તે આતુરતાથી બીજા દિવસની સવાર પડવાની રાહ જોવા લાગ્યો, પરંતુ બીજા દિવસે તે નિરાશ થયો. તેણે જોયું કે આખા દિવસ દરમિયાન ઝેન ગુરુ કે તેમના શિષ્યોએ ધ્યાન કર્યું જ નહીં કે એ વિષે કશી જ વાત પણ કરી નહીં.

આમ ને આમ ઘણા દિવસો વીતી ગયા. હવે આગંતુક શિષ્યની ધીરજ ખૂટવા લાગી હતી. તેણે એક દિવસ ઝેન ગુરુ પાસે જઈને પૂછી લીધું, ‘મારા ગુરુએ મને ધ્યાનના અંતિમ તબક્કાની સાધના વિશે જાણવા અહીં મોકલ્યો છે. મને એ જ્ઞાન ક્યારે મળશે?’

ઝેનએ પૂછ્યું, ‘તો અત્યાર સુધી તેં અહીં શું જોયું?’

શિષ્ય ગૂંચવાઈ ગયો, ‘પણ અહીં તો કોઈ ધ્યાનમાં બેસતું જ નથી!’

ઝેન ગુરુ હસ્યા. તેમણે કહ્યું, ‘અહીં રોજ સૌ ધ્યાનમાં જ હોય છે. હું પણ બધો સમય ધ્યાનમાં જ હોઉં છું.’

શિષ્યએ કહ્યું, ‘મને સમજાયું નહીં. કૃપા કરીને સમજાવશો?’

ઝેન ગુરુએ કહ્યું, ‘જીવન દરમિયાન પ્રવૃત્તિ તો કરવી જ પડે એટલે અમે અહીં બધી પ્રવૃત્તિ કરીએ છીએ, પરંતુ અમે ધ્યાનમાં રહીને જ પ્રવૃત્તિ કરતાં રહીએ છીએ. ધ્યાન જીવનથી જુદું નથી. જીવન છે એટલે પ્રવૃત્તિ કરવી પડે અને અમે ધ્યાનમાં રહીને પ્રવૃત્તિ કરીએ છીએ, ધ્યાનમાં રહીને જ જીવીએ છીએ. મઠમાં બધી પ્રવૃત્તિઓ કરતા કરતા અમે ધ્યાનમાં જ હોઈએ છીએ.’

પ્રવૃત્તિને જ ધ્યાન બનાવી દેવાનું કામ સામાન્ય માણસો માટે તો અશક્ય બની રહે, પણ પ્રવૃત્તિઓ દિલ દઈને કરીએ તો પ્રવૃત્તિનો ભાર કે થાક ન લાગે અને જીવન જીવવાની પણ મજા આવે.

એક લાઈબ્રેરિયને તેની આખી જિંદગી ગરીબ લોકોની સેવા પાછળ વિતાવી દીધી
આશુ પટેલ

તમિલનાડુના થુથુકડી જિલ્લાના શ્રીવાયકુંથમના નિવૃત્ત લાઈબ્રેરિયન કલ્યાણસુંદરમને સુપરસ્ટાર રજનીકાંતે પોતાના દત્તક પિતા જાહેર કર્યા છે, સંયુક્ત રાષ્ટ્રસંઘે તેમનો સમાવેશ વીસમી સદીના સર્વોત્કૃષ્ટ લોકોમાં કર્યો છે અને અમેરિકાની એક સંસ્થાએ તેમને મેન ઓફ ધ મિલેનિયમ જાહેર કર્યા છે.

શું વિશેષ છે કલ્યાણસુંદરમમાં કે જેના કારણે તેમને આટલું બધુ માન મળ્યું છે? તેમણે તેમનું આખું જીવન સમાજના કલ્યાણનાં કાર્યોમાં સમર્પી દીધું છે અને એ માટે લગ્ન પણ નથી કર્યા. તેમણે સાચા અર્થમાં તન, મન, ધનથી સમાજની સેવા કરી છે.

કલ્યાણસુંદરમે પાંત્રીસ વર્ષ સુધી શ્રીવાયકુંથમના કલા મહાવિધ્યાલયમાં લાઈબ્રેરિયન તરીકે ફરજ બજાવી. ૧૯૬૨થી તેમણે પોતાનો પગાર ગરીબોની મદદ પાછળ ખર્ચવા માંડ્યો હતો. ૧૯૬૨માં ભારતા-ચીન યુદ્ધ વખતે તેઓ યુદ્ધ ફંડમાં તેમની સોનાની ચેઈન આપવા એક અખબારની ઓફિસમાં ગયા હતા એ વખતે એ અખબારના તંત્રીએ તેમને મજાકમાં કહ્યું કે લોકોની સેવામાં દર મહિને પગાર આપી દો તો તમને ખરા માનું. એ વખતે જ કલ્યાણસુંદરમે નક્કી કરી લીધું કે હવે હું દર મહિને મારો પગાર ગરીબ લોકો પાછળ ખર્ચીશ.

લાઈબ્રેરિયન તરીકે ડ્યૂટી પૂરી થાય એ પછી તેમણે એક રેસ્ટોરાંમાં વેઈટર તરીકે કામ શોધી લીધું. એમાથી તેઓ પોતાનો ખર્ચ કાઢવા લાગ્યા અને લાઈબ્રેરિયન તરીકેનો પગાર તેઓ ગરીબો પાછળ ખર્ચવા લાગ્યા.

કલ્યાણસુંદરમ નિવૃત્ત થયા ત્યારે તેમણે રિટાયરમેન્ટ બેનિફિટના દસ લાખ રૂપિયા મળ્યા એ પણ તેમણે ગરીબોને દાનમાં આપી દીધા.

ગાંધીજીને પોતાના આદર્શ માનતા કલ્યાણસુંદરમે પોતાનું આખું જીવન બીજાઓને મદદરૂપ થવામાં વિતાવ્યું અને હજી પણ તેઓ પોતાનાથી થાય એટલી મદદ લોકોને કરી રહ્યા છે.

કલ્યાણસુંદરમ જેવા માણસો બીજાઓને સુખ આપીને સુખ મેળવતા હોય છે.

આશુ પટેલ

આશુ પટેલ

આશુ પટેલ એટલે સાહસ, ધૈર્ય અને સરળતાનો સમન્વય. ગુજરાતી પત્રકારત્વમાં તેમને નામ અનેક રેકોર્ડ્સ બોલાય છે. આશુ પટેલે જુદાજુદા વિષયો પર 39 પુસ્તકો લખ્યા છે, જેમાં અંડરવર્લ્ડના ઈતિહાસથી માંડીને વાર્તાસંગ્રહ, નવલકથાઓ અને જીવનલક્ષી પુસ્તકોનો સમાવેશ થાય છે. તેમણે અનેક ગુજરાતી અખબારોમાં તંત્રી તરીકે ફરજ બજાવી છે. તેઓ ‘ગુજરાત સમાચાર’, ‘સંદેશ, ‘દિવ્ય ભાસ્કર’ અને ‘મુંબઈ સમાચાર’ સહિત અનેક ટોચના અખબારોમાં કલમ ચલાવી ચૂક્યા છે. હાલમાં તેઓ ‘દિવ્ય ભાસ્કર’માં સાપ્તાહિક કોલમ ‘બ્લેક એન્ડ વ્હાઈટ’ અને ‘મુંબઈ સમાચાર’માં દૈનિક કોલમ ‘સુખનો પાસવર્ડ’ લખે છે. તેઓ અમેરિકા સહિત અનેક દેશોની સરકારના વિશેષ મહેમાન તરીકે વિદેશપ્રવાસો કરી ચૂક્યા છે. તેમની પ્રથમ અંગ્રેજી નવલકથા ‘મેડમ એક્સ’ પ્રકાશિત થઈ છે જેના પરથી પ્રખ્યાત ફિલ્મ ડિરેક્ટર તિગ્માંશુ ધુલિયા હિન્દી ફિલ્મ બનાવી રહ્યા છે.

સૌજન્ય ..સાભાર ..https://guj.cocktailzindagi.com/zen/