વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Monthly Archives: ડિસેમ્બર 2018

1261-નવા વર્ષ ૨૦૧૯ નું સ્વાગત,સંકલ્પો અને શુભેચ્છાઓ..

દેશ વિદેશમાં અને પોતાના અંગત જીવનમાં પણ બની ગયેલા ઘણા સારા માઠા બનાવોની યાદોને પાછળ છોડીને અગાઉના વર્ષોની જેમ વર્ષ ૨૦૧૮ પણ પસાર થઇ ગયું. નવી આશાઓ અને નવી આકાંક્ષાઓ સાથે આવેલ નવા વર્ષ ૨૦૧૯નું હૃદયથી સ્વાગત કરીએ.

સમયની સાથે મનુષ્યના જીવનનું ચક્ર પણ ફરતું જ રહે છે. એક જુનું વર્ષ જાય છે અને એક નવું વર્ષ આપણી ઉંમરમાં ઉમેરાઈ જાય છે.ભીત ઉપર નવા વર્ષનું કેલેન્ડર ટીંગાઈ જાય છે અને વર્ષ દરમ્યાન દર મહીને એ કેલેન્ડરનાં પાનાં બદલાતાં રહે છે.

આમ જોવા જઈએ તો નવા વર્ષમાં અને જુના વર્ષોમાં સમયની દ્રષ્ટીએ કોઈ ફેર નથી.નવું વર્ષ એ ફક્ત કેલેન્ડરની કમાલ છે.પરંતુ સ્વાભાવિક રીતે જ માણસને કૈક નવું હોય એ મૂળભૂત રીતે જ ગમે છે.

નવા વર્ષે,નવેસરથી, નવલા થઈએ

નવા વરસે કેલેન્ડર તો બદલાઈ ગયું પણ વર્ષ બદલાતાં તમે બદલાયા છો ખરા !તમારામાં રહેલી ખામીઓ જો દુર ના થાય તો સાચા અર્થમાં નવું વર્ષ કેમ કહેવાય !

નીચેની મારી પ્રસંગોચિત અછાંદસ કાવ્ય રચના નવા વર્ષના સ્પીરીટને ઉજાગર કરે છે.

નવા વરસે નવા બનીએ

ગમતી, ન ગમતી જૂની યાદોને પાછળ મૂકી,

જોતજોતામાં પસાર થઇ ગયું એક જુનું વરસ,

આવીને ઉભા એક નવા વર્ષને પગથાર.

ગત બાર મહિનાની જીવનની ખાતાવહીમાં,

કેટલુક જમા થયું કેટલુક ઉધાર પણ થયું.

નવા વરસે નવ નિર્માણનો સંકલ્પ કરીને,

નવલા વરસે નવલા બનીને ,નવેસરથી,

નવું વર્ષ હળીમળી સૌ પ્રેમથી ઉજવીએ,

નવો આશાદીપ જલાવી જાતને પ્રકાશીએ.

નકારાત્મકતા ત્યજી સકારાત્મક બનીએ,

જિંદગી આપણી છે એક ફળદાઈ ખેતર,

એમાં જુના વરસના ઘાસ નીદામણ દુર કરી

નવા વરસે જીવનનો નવો પાક ઉગાડીએ,

નુતન વર્ષે નવી આશાનો દીપ જલાવી,

૨૦૧૯ ના નવા વર્ષનું હર્ષથી સ્વાગત કરીએ.

વિનોદ પટેલ

નવું વર્ષ એક કોરા પુસ્તક જેવું છે .

નવા વર્ષના શુભ સંકલ્પો …

ઓક્ટોબર ૨૦૦૮ ના ”ધરતી” માસિકમાં પ્રકાશિત મારો લેખ નીચેની લીંક પર ક્લિક કરી વાંચો.

 

નવા વર્ષના શુભ સંકલ્પો — વિનોદ આર. પટેલ

આપ સૌ મિત્રોએ ગત વર્ષો દરમ્યાન વિનોદ વિહારને જે સહકાર આપ્યો છે એ માટે હું દિલી આભાર વ્યક્ત કરું છું.આજથી શરુ થતા ૨૦૧૯ના નવા વર્ષ દરમ્યાન પણ એથી વધુ  આપનો સહકાર મળતો રહેશે એવી આશા રાખું છું.

આ નવું વર્ષ આપને તથા આપના કુટુંબીજનોને સુખ, સફળતા, આરોગ્ય,આનંદ તેમ જ શારીરિક માનસિક અને આર્થિક રીતે સમૃદ્ધિ સભર બને એવી મારી હાર્દિક શુભ કામનાઓ વ્યક્ત કરું છું..

HAPPY NEW YEAR

HAPPY NEW YOU

આભાર,

વિનોદ પટેલ

૧૨૬૦- ધીમે ચાલ જિંદગી, મારાથી હાંફી જવાય છે. …સંકલિત

(એક મિત્રના વોટ્સેપ સંદેશમાંથી …ગમેલાનો ગુલાલ ….)

વોટ્સેપ પર એક મિત્ર તરફથી કોઈ અજ્ઞાત કવિ રચિત  નીચેની અછાંદસ રચના મળી એ વાંચતાં જ મને ગમી ગઈ.આ રચનામાં જીવન સંધ્યાએ પહોંચેલા અનેક વૃદ્ધ વ્યક્તિઓની હૃદયની વાણી ( કે વ્યથા !) પડઘાય છે.

 

 

 

 

ધીમે ચાલ જિંદગી મારાથી હાંફી જવાય છે.

તુ દોડતી જાય છે ને મારા થી ચલાતું પણ નથી ,

માટે

ધીમે ચાલ જિંદગી મારાથી હાંફી જવાય છે

 

ઘણા બધા સપનાઓ છે મારી આંખો માં,

થોડાક તેં બતાવેલા , થોડાક મેં સંઘરેલાં, 

કેટલાક સબંધો છે

મારી સાથે જોડાયેલા , 

ઘણા બધા ઈશ્વરે આપેલા ,

ને થોડા મેં બનાવેલા , 

એ બધા મારાથી

છૂટી ન જાય એ માટે

ધીમે ચાલ જિંદગી

મારા થી હંફાઈ જવાય છે .

 

કેટલીક લાગણીયો છે હૃદયમાં ,

ઘણી બધી ગમતી થોડીઘણી અણગમતી, 

કેટલીક જવાબદારીઓ છે ,

થોડીક જબરદસ્તી થોપેલી ,

થોડીક મેં સ્વીકારેલી,

એ બધાનો ભાર ઉંચકી ને

ચાલી શકુ એ માટે

ધીમે ચાલ જિંદગી મારાથી હાંફી જવાય છે .

 

કેટલાકના હૃદય માં સ્થાન બનાવવું છે ,

ને ઘણાયનુ હૃદયમાં સ્થાન ટકાવવું છે , 

કુદરત ની સુંદરતા ને માણવી છે ,

ને કંઈક કરી બતાવવુ છે , 

જવાબદારીઓ સાથે પોતાના સપના

પણ પુરા કરી શકું એ માટે 

ધીમે ચાલ જિંદગી

મારાથી હાંફી જવાય છે .

 

કોઈને કડવાશથી યાદ કરું

એવા વ્યવહાર ટાળ્યા છે ,

લોકોના હૃદયમાં હંમેશા મુસ્કુરાતી યાદ બની ને રહું

એવા પ્રયત્ન કર્યા છે ,

ભૂલથી પણ

કોઈના હૃદય ને ઠેસ ન પહોચે

એવી પ્રભુ પાસે પ્રાર્થના કરી છે , 

એ પ્રાર્થના ને વાસ્તવિકતામાં

જોઈ શકું એ માટે

ધીમે ચાલ જિંદગી

મારાથી હાંફી જવાય છે .

 

રેતની જેમ સમય

મુઠ્ઠીમાંથી સરકે છે ,

આજે સાથે ચાલીયે છીએ

કાલે સાથ છૂટી જાય , ખુબ પ્રેમ કરુ છું તને ,

આપણા બંન્ને નો સાથ યાદગાર બને એ માટે 

ધીમે ચાલ જિંદગી

મારાથી હાંફી જવાય છે ,

મારાથી ખરેખર હાંફી જવાય છે ..

નીચેની અંગ્રેજી રચનામાં જીવનને સકારાત્મક દ્રષ્ટીએ જોઇને જીવવાનો ભાવ છે

એ ગમે એવો છે. 

Life …

Life can seem ungrateful and not always kind

Life can pull at your heartstrings and play with your mind

 

Life can be blissful and happy and free

Life can put beauty in the things that you see

 

Life can place challenges right at your feet

Life can make good of the hardships that we meet

 

Life can overwhelm you and make your head spin

Life can reward those determined to win

 

Life can be hurtful and not always fair

Life can surround you with people who care

 

Life clearly does offer its ups and its downs

Life’s days can bring you both smiles and frowns

 

Life teaches us to take the good with the bad

Life is a mixture of happy and sad 

So….. 

Take the life that you have and give it your best

Think positive, be happy let God do the rest

 

Take the challenges that life has laid at your feet

Take pride and be thankful for each one you meet

 

To yourself give forgiveness if you stumble and fall

Take each day that is dealt you and give it your all

 

Take the love that you’re given and return it with care

Have faith that when needed it will always be there

 

Take time to find the beauty in the things that you see

Take life’s simple pleasures let them set your heart free

 

The idea here is simply to even the score

As you are met and faced with Life’s Tug Of War

 Author unknown

 

 

 

1258 – આપણી પ્રાર્થનાનો ઓરડો! … લેખિકા શ્રીમતી નીલમ દોશી

આ જની પોસ્ટમાં જાણીતાં લેખિકા શ્રીમતી નીલમબેન દોશીનો મને ગમેલો  લેખ ” આપણી પ્રાર્થનાનો ઓરડો!” વિ.વિ.ના વાચકો માટે પ્રસ્તુત છે.

આ લેખને વિનોદ વિહારમાં પોસ્ટ કરવાની સંમતી આપવા માટે નીલમબેનનો હું આભારી છું.

નીલમબેનના બ્લોગ પરમ સમીપે માં એમના પરિચયમાં તેઓએ લખ્યું જ છે કે …

”અહીં જે લખાય તેમાંથી આપને ગમે તે આપનું…અને ન ગમે તે મારું તો છે જ..! આ સહિયારી યાત્રામાં ગુલાલના થોડા છાંટણાથી આપની બે ચાર ક્ષણો રંગી શકાય તો પણ એની સાર્થકતા. જીવન પ્રત્યે સતત પોઝીટીવ.. હકારાત્મક અભિગમ એ જીવનલક્ષ્ય….”

પ્રાર્થના વિશેના પ્રસ્તુત લેખમાં લેખિકાના આધ્યાત્મિક વિચારો વાચકોને જરૂર ગમશે.

વિનોદ પટેલ

   શ્રીમતી નીલમ દોશી

એમનો ટૂંક પરિચય અહીં વાંચો.

આપણી પ્રાર્થનાનો ઓરડો! ……શ્રીમતી નીલમ દોશી

(લેખિકાના પુસ્તક ”જીવનઝરૂખે” માંથી..)

પ્રેમલ જ્યોતિ,તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ…

પ્રાર્થના એ ફકત ભારતીય સંસ્ક્રતિનું જ નહીં..કોઇ પણ સંસ્કૃતિનું આગવું અને અગત્યનું અંગ રહ્યું છે.દરેક ધર્મમાં એનું મહત્વ સ્વીકારાયું છે. શિશુ બોલતા શીખે ત્યારથી તેને એક કે બીજી રીતે પ્રાર્થના, કોઇ શ્લોક શીખવાડવામાં આવે છે જે જીવનપર્યંત..અંતિમ ક્ષણ સુધી ચાલતી રહે છે. જીવનની વિદાયવેળાએ… આખરી ઘડીએ પણ એના કાનમાં એવા કોઇ ધાર્મિક શબ્દો પડે એનું મહત્વ સ્વીકારાયું છે.

સ્કૂલમાં સવારે ગવાતી સમૂહ પ્રાર્થના મોટા થયા પછી પણ આપણી ભીતરમાં જળવાઇ રહેતી હોય છે. ગાંધીજી સર્વધર્મ પ્રાર્થનાના કેટલા આગ્રહી અને ચુસ્ત સમયપાલનના હિમાયતી હતા એનાથી આપણે કોઇ અજાણ્યા નથી જ.

પ્રાર્થના એક શબ્દની હોઇ શકે કે લાંબી પણ હોઇ શકે. અથવા શબ્દો વિના મૌન પણ હોઇ શકે. ગમે તેવો નાસ્તિક માનવી પણ જીવનમાં એકાદ ક્ષણે તો કોઇ અદ્રશ્યના અસ્તિત્વથી અભિભૂત થયો જ હોય છે. સંકટ સમયે.. કોઇ પરમ પીડાની ક્ષણે “ હે મા..” હે ભગવાન કે પછી એવો કોઇ પણ શબ્દ જે અનાયાસે આપોઆપ અંદરથી નીકળી આવે તે પ્રાર્થનાનું જ સ્વરૂપ છે ને ?

પ્રાર્થનાથી સમય કે સંજોગો બદલાય કે ન બદલાય પરંતુ જો દિલથી સાચી પ્રાર્થના થઇ શકે તો આપણું ભીતરનું પોત જરૂર બદલાઇ શકે.. અને એ બદલાયેલું પોત..બદલાયેલું મન સમય અને સંજોગો બદલવા સમર્થ બને છે. આત્મવિશ્વાસ, શ્રધ્ધા જાગે છે. અને ભીતરી શક્તિનો સંચાર થતા સંજોગો સામે ઝઝૂમવાની તાકાત આવે છે.

જીવનમાં ઘણી વખત નિરાશાની ક્ષણો આવતી હોય છે. અને આપણને લાગે છે કે ઇશ્વર આપણી કોઇ પ્રાર્થના સાંભળતો જ નથી. આપણા કોઇ પ્રશ્નો ઉકેલાતા જ નથી. અને ગુસ્સે ભરાયેલા શિશુની માફક આપણે કદીક બોલી ઉઠીએ છીએ.. “ જા, નથી રમતા..નથી કરવી પ્રાર્થના.. “ આપણી આવી બાલિશતા પર જગન્નનિયંતાને ચોક્કસ હસવું આવતું હશે.

આ વાત સાથે સંકળાયેલી ચીનની એક લોકકથા યાદ આવે છે.

એક માણસને એક વાર સપનું આવ્યું કે દેવદૂત એને સ્વર્ગની મુલાકાતે લઇ જાય છે. ત્યાં દેવદૂત એને એક પછી એક ઓરડામાં ફેરવે છે. એક ઓરડામાથી પસાર થતા માણસે ત્યાં પડેલા જુદા જુદા પ્રકારના અનેક બોક્ષ પડેલા જોયા. જે બધા પેક થયેલા, અકબંધ હતા અને દરેક પર “ ભેટ “ એવા શબ્દો લખાયેલા હતા. માણસને આશ્વર્ય થયું છે..આટલા બધા સુંદર ગીફટ બોક્ષ ? તેણે દેવદૂતને પૂછયું.

આ બધું શું છે ? આટલી બધી ભેટ કોની છે ? આ કોને આપવા માટેના બોક્ષ છે ?

દેવદૂતે જવાબ આપ્યો.

“અનેક લોકો પોતાને જોઇતી વસ્તુ માટે પ્રાર્થના કરતા હોય છે. માગણી કરતા હોય છે. એમને એની પ્રાર્થનાઓનો જવાબ આપવા માટે..એમને એ બધી વસ્તુઓ પહોંચાડવા માટે અમે એમની માગણી મુજબની ભેટ તૈયાર કરીએ છીએ..પણ હજુ એ પૂરી તૈયાર થાય અને એ પહોંચાડી શકીએ એ પહેલા જ એ લોકો પ્રાર્થના કરવાનુ છોડી દે છે અને અમારા પરથી વિશ્વાસ ઉઠાવી લે છે. એમનો ભરોસો તૂટી જાય છે. લોકો થોડી ધીરજ રાખીને રાહ જોવા તૈયાર નથી.

જયારે આટલા બધા લોકોની પ્રાર્થના સાંભળવાની હોય..એમની માગણીઓ, અપેક્ષાઓ પર હ્દ્યાન આપવાનું હોય ત્યારે વિલંબ તો થવાનો જ. પણ એ સમજયા સિવાય લોકો પ્રાર્થના ચાલુ રાખવાને બદલે છોડી દે છે. તેથી અમે એની પર ધ્યાન નથી આપી શકતા.અને તેમની અધૂરી તૈયાર થયેલી ભેટ અહીં જ રહી જાય છે. આ બધી એ પહોંચ્યા સિવાયની પડેલી ભેટોના બોક્ષ છે.. કાશ..એમણે પ્રાર્થના ચાલુ રાખી હોત તો અમે એમને આ ભેટો તૈયાર કરીને પહોંચાડી શકયા હોત. “

આ લોકકથાનો સન્દેશ સહેજે સમજાઇ શકે તેવો છે

ઘણી વખત તો આપણે પ્રાર્થના તો શું ઇશ્વર સુધ્ધાં બદલી નાખતા હોઇએ છીએ.. કોઇ આપણને કહે કે આ જગ્યાની માનતા તો બહું ફળે છે. બે ચાર અસરકારક ઉદાહરણ આપે અને આપણે તુરત ત્યાં દોડીએ.. પછી એ મસ્જિદ હોય, મન્દિર હોય કે ચર્ચ હોય.. આપણને ભગવાન સુધ્ધાં બદલી નાખતા વાર નથી લાગતી. આપણો ઇશ્વર પરનો વિશ્વાસ આસ્થા કેટલા તકલાદી બની ગયા છે.

હમણાં જ એક મિત્ર સાથે વાત થઇ ત્યારે મને કહે,

જયારથી મેં મુંબઇમાં હાજી અલીની મસ્જિદમાં જવાનું ચાલુ કર્યું છે ત્યારથી મારા બધા કામ સરસ રીતે પૂરા થાય છે. મેં કહ્યું તું તો હિન્દુ છે.

ત્યારે મોટી ફિલોસોફીની વાત કરતાં તેણે મને સમજાવ્યું કે આટલા વરસ સુધી શંકર ભગવાનના મંદિરે ગયો. એક પણ સોમવાર પાડયા સિવાય એકટાણા કર્યા અને મહાદેવજીને દૂધ ચડાવ્યું. પણ કંઇ વળ્યું નહીં. ત્યાં કોઇએ આ હાજી અલીની દરગાહની વાત કતી. આપણે તો અખતરો કરી જોયો..અને તું માનીશ..? જાણે ચમત્કાર થયો. હજુ તો બે શુક્રવાર જ ગયો હતો ત્યાં મારી માનતા, મહેનત ફળી.. મારું માને તો તું પણ ત્યાં જવાનું ચાલુ કરી દે.પછી જો ચમત્કાર…

તો કોઇ કહે છે.. બીજા બધા ગણપતિજીને છોડો.લાલબાગના ગણશેજી તો હાજરાહજૂર છે. એની પાસે જ જાઓ…

આમ આપણે તો ભગવાનના યે અખતરા કરવાવાળા ! ભગવાનને યે ભૂલાવામાં નાખી દઇએ. એક જગ્યા કે એક ભગવાન છોડીને બીજી, ત્રીજી જગ્યાએ ભટકતા રહીએ .
દોસ્તો, તમે જ કહો દોષ કોનો ? આપણી પ્રાર્થના વણસુણી જ રહી જાય ને ?

(મારા પુસ્તક જીવનઝરૂખેમાંથી…)

નીલમ દોશી 

પ્રાથના વિષે સ્વ.સુરેશ દલાલના વિચારો …

ડો .સુરેશ દલાલ (10-11-1932...8-10-2012)

ડો .સુરેશ દલાલ (10-11-1932…8-10-2012)

પ્રાર્થના વિશે જેમ જેમ વિચારું છું કે અનુભવું છું તેમ તેમ, એક વાત સમજાતી જાય છે કે, કોઇ પણ પ્રાર્થના હોય, પણ જો એમાં જીવ મૂકીને પ્રાર્થના ન કરીએ તો એ કેવળ ખાલી પોલા, બોદા શબ્દો છે.

જીભની રમત કરામત છે. જો જીવ મૂકીએ તો શબ્દ વિનાનું આપણું મૌન પણ પ્રાર્થના થઇ શકે. સમાજમાં મોટા ભાગના માણસો એમ માને છે કે, પ્રાર્થના એટલે આપણને જે જોઇએ છે એ માટેની ઇશ્વરને મૌખિક અરજી. લેવડ દેવડનો સંબંધ સ્થપાઇ જાય છે. મૂળ વસ્તુ ચાલી જાય છે, અને નકલી વસ્તુ રહી જાય છે. બધું વહેવારની ભૂમિકાએ ચાલે છે.

પ્રાર્થના એટલે ઇશ્વર સાથેની વાતચીત, એની સાથેનો સંવાદ, એની સાથેનો મનમેળ. આપણાં મનની એકાગ્રતા એ ઇશ્વરની પ્રાર્થના છે. સચ્ચાઇથી બોલાયેલો શબ્દ કે સચ્ચાઇથી કરાયેલું કામ ઇશ્વરની પ્રાર્થના છે. પ્રાર્થના આપમેળે થવી જોઇએ. પ્રાર્થના કરીએ એમાં આયાસ છે. પ્રાર્થનાનુ પરિણામ આવતું જ હોય છે, જો આપણી નજર પરિણામ તરફ ન હોય તો. ફૂલ એ બીજની પ્રાર્થનાનુ પ્રગટ સ્વરૂપ છે.

હરિજનને વહાલા ગાંધીજીએ એક સરસ વાત કહી હતી. એમને જ સૂઝે એવી વાત.

” પ્રાર્થના સાવરણી છે. આપણા મનના ઓરડામાં રોજ ને રોજ કચરો ભરાતો હોય છે. એને સાફ કરવા માટે નિત્ય, હર હંમેશ પ્રાર્થના કરવી જોઇએ.”

સુરેશ દલાલ

આજની પ્રાર્થના વિશેની પોસ્ટના અનુસંધાનમાં વિનોદ વિહારમાં અગાઉ પ્રસ્તુત નીચેની પોસ્ટ પણ વાંચો.  

098 -પરમ સમીપે … પ્રાર્થનાઓ …..કુન્દનિકા કાપડીયા

1257 – સરદાર વલ્લભભાઈ પટેલની ૬૮ મી પુણ્યતિથિ પ્રસંગે હાર્દિક શ્રધાંજલિ.

 

૧૫ મી જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ ભારત દેશની એકતાના ઘડવૈયા ,નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલનું હૃદય બંધ પડવાથી મુંબઈ ખાતે દુખદ અવસાન થયાને આજે ૬૮ વર્ષ પૂરાં થયાં .

આ પ્રસંગે બ્રિટનનાં વિશ્વપ્રસિધ્ધ અખબારે તેમને અંજલિ  આપતાં લખ્યું હતું. ‘‘પોતાના દેશની બહાર ઓછા જાણીતા સરદારે આંતરરાષ્ટ્રીય  પ્રસિધ્ધિની ખેવના રાખી નહોતી. તેમણે ગાંધીજી અને નહેરુ જેવી વિશ્વખ્યાતિ  મેળવી નહોતી પણ તે બંનેની સાથે તેઓ એવી ત્રિમૂ‍ર્તિનાં ભાગ હતાં કે જેણે  આજનાં ભારતનો આકાર રચી આપ્યો છે. સરદારના કાર્યનું મહત્વ , ગાંધી અને  નહેરુનાં કાર્ય કરતાં જરા જેટલું ય ઓછું મહત્વનું ન હતું.‘‘

૧૯૯૧ માં આઝાદીનાં એકતાલીશ વર્ષ પછી તેમને મરણોત્તર ‘‘ભારતરત્ન‘‘ ખિતાબ આપવામાં આવ્યો.

સરદાર વલ્લભભાઇ પટેલ-એમના 

 જીવન અને કાર્યના અગત્યના બનાવો

૧૮૭પ

જન્મ : તા. ૩૧ ઓકટો. નાં રોજ ખેડા જીલ્લાનાં નડિયાદ ગામે.            વતન : કરમસદ. પિતા ઝવેરભાઇ અને માતા લાડબાઇનાં ચોથા પુત્ર. અભ્યાસ : પ્રાથમિક તેમજ અંગ્રેજી ત્રીજા ધોરણ સુધીનું શિક્ષણ કરમસદમાં. અંગ્રેજી ચોથા ધોરણ સુધી પેટલાદમાં.

૧૮૯૩

લગ્ન : કરમસદ પાસે ગાના ગામે ૧૮માં વર્ષે ઝવેરબા સાથે લગ્ન.

૧૮૯૭

નડિયાદની સરકારી અંગ્રેજી શાળામાં રર વર્ષની વયે મેટ્રીકની પરીક્ષા પાસ.

૧૯૦૦

વકીલીની પરીક્ષા : નડિયાદની વકીલની પરીક્ષામાં ઊતીર્ણ થયા અને પંચમહાલનાં ગોધરામાં વકીલાતનો શુભારંભ.

૧૯૦ર

ગોધરા છોડી બોરસદમાં ફોજદારી વકીલ, જવલંત સફળતા અને ખ્યાપતિ પ્રાપ્તો કરી.

૧૯૦૪/પ

સંતાન પ્રાપ્તિ : ૧૯૦૪ એપ્રિલમાં પુત્રી મણિબહેન અને ૧૯૦પની ર૮ નવેમ્બપરનાં રોજ ડાહયાભાઇનો જન્મ.

૧૯૦૯

પત્નીનું અવસાન : ૧૧મી જાન્યુઆરીનાં રોજ પત્ની ઝવેરબાનું  ઓપ્રેશન દરમ્યાન મુંબઇમાં અવસાન થયાના સમાચાર બોરસદમાં કોર્ટમાં ખૂન કેસની  અગત્યની દલીલો સમયે મલ્યા.

૧૯૧૦

બેરિસ્ટર : બારએટલોની પરીક્ષા માટે ઈંગ્લેન્ડ ગયા, મિડલ ટેમ્પમલ નામની સુપ્રસિધ્ધ્ કોલેજમાં કાનૂની અભ્યા‍સ માટે પ્રવેશ મેળવ્યોં.

૧૯૧૨

બેરિસ્ટરની અંતિમ પરીક્ષામાં પ્રથમ વર્ગમાં પહેલા વર્ગમાં પહેલા નંબરે ઊતીર્ણ. પચાસ પાઉન્ડનું ઈનામ મેળવ્યું.વતન પાછા ફર્યા.

૧૯૧૩

કારકીર્દિ આરંભ : સરદારનાં મોટાભાઈ શ્રી વિઠ્ઠલભાઈ પટેલ  બોમ્બે કાઉન્સિલમાં મેમ્બર તરીકે ચૂંટાયા. ફેબ્રુ. માં સરદારે બેરિસ્ટર  તરીકે અમદાવાદમાં કારકીર્દિનો પ્રારંભ કર્યો.

૧૯૧૪

પિતાનો સ્વર્ગવાસ : માર્ચમાં પિતા ઝવેરભાઈનું ૮૫ વર્ષની વયે કરમસદ ખાતે અવસાન.

૧૯૧૫

જાહેર જીવન : અમદાવાદની ગુજરાત સભાનું સભ્યપદ અને જાહેર જીવનમાં પદાર્પણ.

૧૯૧૭

પૂજ્ય મહાત્મા ગાંધીજી સાથે પ્રથમ પ્રભાવક સંપર્ક :  સ્વાતંત્ર્ય માટેની દેશદાઝ દ્રઢીભૂત થઈ, ગુજરાત સભાનાં પ્રતિનિધિ તરીકે  લખનૌનાં કોંગ્રેસ અધિવેશનમાં હાજરી, અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં પ્રથમવાર  સભ્ય,, આરોગ્યિ સમિતિનાં અધ્યક્ષપદે વરણી, ગોધરા ખાતે પ્રથમ ગુજરાત  પ્રાંતિક સભાની કારોબારી સમિતિનાં મંત્રીપદે વરણી, વેઠપ્રથા સામે આંદોલનનાં  પુરસ્કર્તા.

૧૯૧૮

અમદાવાદમાં ઈન્ફલુએન્ઝાનાં રોગચાળાનાં પ્રતિકાર માટે  કામચલાઉ હોસ્પિ‍ટલની સ્થાપના, અછતગ્રસ્ત ખેડા જિલ્લાનાં ખેડૂતો પાસેથી  સરકાર દ્વારા વસૂલ કરાતાં જમીન મહેસૂલની વિરૂધ્ધમાં ‘‘નાકર‘‘ લડતનું સફળ  સંચાલન કર્યુ.

૧૯૧૯

અમદાવાદમાં મ્યુ.નાં મેનેજિંગ કમિટીનાં અધ્યક્ષ,  સ્વા્તંત્ર્ય આંદોલનને કચડી નાંખવા સરકારે લાદેલા રોલેટ બિલ સામે ૭મી  એપ્રિલે વિશાળ સરઘસ સાથે સત્યાગ્રહ શરૂ કર્યો. સરદારે ગાંધીજીના બે  પુસ્તાકો ‘‘ હિન્દ સ્વારાજ્ય ‘‘ અને ‘‘ સર્વોદય ‘‘નાં મુકેલા પ્રતિબંધનો  ભંગ કરી, બંને પુસ્તકોનું જાહેરમાં વેંચાણ કર્યુ, બીજુ પગલું ‘‘સત્યા  ગ્રહ‘‘ પત્રિકા સરકારની પૂર્વમંજુરી વિના પ્રસિધ્ધ કરી કાયદાનો ભંગ કર્યો, આ  ગેરકાયદે પત્રિકાનાં તંત્રી અને મુદ્રક તરીકે સરદાર પટેલનું નામ હોવા છતાં  અંગ્રેજ અધિકારીએ તેમની ધરપકડ કરવાની હિંમત કરી નહીં.

૧૯૨૦

અમદાવાદ મ્યુ.ની ચૂંટણીમાં ધૂરંધર શ્રી રમણભાઈ નિલકંઠને  પરાજિત કરી, સરદારે કોંગ્રેસનાં તમામ ઉમેદવારોને વિજયી બનાવ્યા, અંગ્રેજી  ઢબનાં પોષાકનો ત્યાગ કરી ખાદીનાં વસ્ત્રો અપનાવ્યા‍, સવિનય કાનૂન ભંગ  આંદોલનને ટેકો આપતો ઠરાવ, નાગપુર કોંગ્રેસ અધિવેશનમાંથી તિલક સ્વંરાજ ફંડ  માટેની હાકલનાં જવાબમાં ગુજરાતમાંથી દસ લાખનો ફાળો એકત્ર કર્યો. કોંગ્રેસ  પક્ષનાં ૩ લાખ સભ્યો બનાવી ગુજરાતનું ગૌરવ વધાર્યુ.

૧૯૨૧

ગુજરાત પ્રાંતિક કોંગ્રેસ સમિતિનાં પ્રથમ અધ્યક્ષ બન્યા,  ડિસે.માં અમદાવાદમાં મળેલા ૩૬માં કોંગ્રેસ અધિવેશનની સ્વાગત સમિતિનાં  અધ્યક્ષ બની સફળતાપૂર્વક સંચાલન કર્યુ.

૧૯૨૩

અંગ્રેજ સરકાર સામે નાગપુરમાં સફળ ઝંડા સત્યાયગ્રહ,  અમદાવાદ શાળાઓનાં પ્રશ્ને મ્યુ.માં થી સસ્પેન્ડ થતાં જાહેર ફાળાથી ‘‘પીપલ્સ  એજ્યુકેશન બોર્ડ‘‘ દ્વારા શાળાઓનું સંચાલન, બોરસદ તાલુકાનાં લોકો પર  ડિસે.માં સરકારે નાખેલા અન્યાયી ‘‘હૈડિયાવેરા‘‘ વિરુધ્ધ સત્યાગ્રહના કારણે  વેરો રદ કરવા સરકારને ફરજ પાડી, વલ્લભભાઈને ‘‘બોરસદનાં સરદાર‘‘નું માનવંતુ  બિરુદ મળ્યું.

૧૯૨૪

પુન: જીત્યા અમદાવાદ મ્યું. માં પ્રમુખ ચૂંટાયા.

૧૯૨૭

ગુજરાતમાં અભૂતપૂર્વ રેલસંકટ રાહત કાર્યોથી ગર્વનર જનરલ લોર્ડ વેવલને પ્રભાવિત કર્યા અને સરકાર પાસેથી એક કરોડની સહાય મેળવી.

૧૯૨૮

અમદાવાદ મ્યુ.માંથી રાજીનામુ, ખેડૂતો પરનાં મહેસૂલ વધારા  સામે બારડોલી સત્યા‍ગ્રહનો પ્રારંભ, ખેડૂતોનાં નેતા તરીકે ‘‘સરદાર‘‘ નું  ગૌરવંતુ બિરુદ મેળવ્યું, કલકત્તાનાં કોંગ્રેસ અધિવેશનમાં સ્વાતંત્ર્ય  લડતનાં ‘‘સરદાર‘‘ તરીકે બહુમાન કરાયું.

૧૯૨૯

પુનામાં મળેલ મહારાષ્ટ્ર રાજકીય પરિષદના પ્રમુખ તથા મોરબી ખાતે કાઠિયાવાડ રાજકીય પરિષદનાં પ્રમુખ તરીકે વરણી.

૧૯૩૦

દાંડીના મીઠા સત્યાગ્રહમાં ૭મી માર્ચે રાસ ગામે  જાહેરસભામાં ધરપકડ અને કેદ, ૩૦મી જૂને કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ, ૧લી  ઓગષ્ટે પુઃન ધરપડ અને યરવડા જેલમાં કારાવાસ.

૧૯૩૧

ઓગષ્ટમાં સીમલા ખાતે ગાંધી-ઇરવીન કરાર થતાં માર્ચમાં મુક્તિ, કરાંચીમાં કોંગ્રેસનાં ૪૬માં અધિવેશનમાં પ્રમુખ ચૂંટાયા.

૧૯૩૨

સરકાર વિરોધી આંદોલનમાં નેતૃત્વં લેવા બદલ જાન્યું.માં  યરવડા જેલમાં ગાંધીજી સાથે ૧૬ માસ સુધી નજરકેદ, નવે.માં માતા લાડબાઇનું  કરમસદમાં અવસાન.

૧૯૩૩

૧લી ઓગષ્ટે નાસિક જેલમાં બદલી, મોટાભાઇ વિઠ્ઠલભાઇ પટેલનું ૨૨મી ઓક્ટો.માં સ્વિત્ઝર્લેન્ડમાં અવસાન.

૧૯૩૮

કેન્દ્રીય કોંગ્રેસ પક્ષનાં શિસ્તનું પાલન કરવાની  નેતાગીરી તથા કડક પગલા ભરવાની નીતિને કારણે હિંદના ‘‘તાનાશાહ‘‘નું બિરુદ,  કાઠિયાવાડ રાજકીય પરીષદનાં અધ્ય્ક્ષસ્થાશને, બારડોલીનાં હરીપુરા ગામે  કોંગ્રેસનું પહેલું ગ્રામ અધિવેશન સુભાષચંદ્ર બોઝનાં અધ્યાક્ષસ્થાસને  યોજ્યું.

૧૯૩૯

૧૯૩૯માં ભાવનગર પ્રજા પરીષદનાં યજમાન પદે કાઠિયાવડ  રાજકીય પરીષદમાં સરદારનાં સ્વાગત સરઘસ પર ખૂની હુમલામાં બચી ગયા, પણ  નાનાભાઇ ભટ્ટને ઇજા થઇ અને શ્રી બચુભાઇ પટેલ નામના ખેડૂત સામનો કરતાં શહીદ  થયા.

૧૯૪૦

ગાંધીજીના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સરદારે, અગ્રભાગ  ભજવ્યો. જાહેરસભાઓ, વ્યાનખ્યાનો, સ્વરાજ્ય માટે જાગૃતિ, સ્વતંત્રતાની  ચોક્કસ બાંહેધરી પ્રજાને આપી, નવે.૧૮નાં સાબરમતી જેલમાં, ત્યારબાદ પુનાની  યરવડા જેલમાં ખસેડાયા.

૧૯૪૧

ર૮ ફેબ્રુ.માં કમલા નહેરુ હોસ્પીટલ માટે રુ.પાંચ લાખનો ફાળો ઉઘરાવી પ્રારંભ કરાવ્યો, ર૦ ઓગષ્ટનાં નાદુરસ્ત તબિયતથી જેલમુક્ત.

૧૯૪૨

ઓગષ્ટ ૮નાં મુંબઇમાં અખિલ હિન્દ કોંગ્રેસ કારોબારીની  બેઠકમાં અંગ્રેજોને ‘હિન્દ છોડો‘‘નાં ઠરાવને અનુમોદન, તા. ૯મીએ ધરપકડ, ૧૯૪૪  સુધી અહમદનગરની જેલમાં કેદ. ૧૯૪પ માં યરવડા જેલમાં, ૧પમી જૂને મુક્ત થયા.           

૧૯૪૬

ડિસે.૯નાં ભારતીય બંધારણ સભામાં પ્રથમવાર ભાગ, કેબીનેટ મિશન સાથે પમી મે એ ત્રણ અંગ્રેજ સભ્યો સાથે સીમલામાં વાટઘાટ.

૧૯૪૭

એપ્રિલ ૪નાં વલ્લભવિદ્યાનગરમાં વિઠ્ઠલભાઇ પટેલ  મહાવિદ્યાલયનું ઉદઘાટન, જૂલાઇ પનાં સરદારશ્રીનાં અધ્યક્ષસ્થાને દેશી  રાજ્યોની સમસ્યાઓનાં ઉકેલ અર્થે કેન્દ્રામાં નવા ‍‘‘રિયાસતી‘‘ ખાતાની રચના,  ૧પમી ઓગષ્ટે સ્વતંત્ર સ્વાયત સંસ્થા હિંદી સંઘના પ્રથમ નાયબ વડાપ્રધાન અને  ગૃહમંત્રી.
૯મી નવે.ના સરદારનાં માર્ગદર્શન અને સહાયથી ભારત સરકારે  જુનાગઢનું શાસન સંભાળ્યું અને તેનો વહીવટ ‘‘આરઝી હકૂમત‘‘ નાં સરસેનાપતિ અને  ‘‘વંદે માતરમ‘‘ પત્રનાં તંત્રીશ્રી શામળદાસ ગાંધીને સોંપ્યો. ૧૩મી એ વિશ્વ  વિખ્યાત સોમનાથનાં મંદિરનાં નવનિર્માણ માટે સમુદ્રજળ હથેળીમાં લઇને  પ્રતિજ્ઞા લીધી હતી.
કાશ્મીરમાં ડિસે.માં પાક લશ્કરની સહાયથી મુઝાઇદીને હુમલો  કર્યો. મહારાજા હરિસિંહજીએ ભારતની મદદ માંગી. લોર્ડ માઉન્ટ બેટનનાં અધ્ય  ક્ષપદે વડાપ્રધાન નહેરુ, સરદાર પટેલ, સરદાર બલદેવસિંહ, જનરલ બૂચર, જનરલ  રસેલ, આર્મી કમાન્ડબર બક્ષી ગુલામ મહમદ વગેરે કાશ્મીરને કઇ રીતે મદદ કરી  શકાય તે અંગે ચર્ચા કરી. પંડિતજીએ અત્યંત ચિંતાભર્યુ ખૂબ જ અસહાય વલણ  અખત્યાર કર્યુ. આ પ્રસંગે કાશ્મીરનાં દિવાન મહેરચંદ ખન્નાએ ઉગ્ર સ્વરે  કહ્યું કે જો તમે કાશ્મીરને મદદ કરવાના ન હો, તો અમે ઝીણા સાથે  પાકિસ્તા્નમાં જોડાઇ જઇશું. આથી નહેરુએ ક્રોધિત સ્‍વરે ખન્નાને ચાલ્યા  જવાનું કહ્યું. જનરલ બૂચરે પણ સાધન સામગ્રીનાં અભાવે કાશ્મીરને લશ્કરી સહાય  શક્ય નથી તેમ જણાવ્યું. ગવર્નર માઉન્ટર બેટન તટસ્થસ રહ્યા.
સરદાર પટેલે ગુસ્સાયભર્યા અવાજે નિર્ણયાત્મ‍ક શબ્દોસમાં  ખન્નાને કહ્યું, ‘‘તમારે પાકિસ્તાન જવાનું નથી. તમે કાશ્મીર પહોંચી જાવ.  તમને બધી મદદ સવાર સુધીમાં મળી જશે.‘‘ અને સરદારે લશ્કરનાં સેનાપતિઓને  સંબોધતા દ્રઢ સ્વરે કહ્યું, ‘‘તમારે ગમે તે ભોગે કાશ્મીર બચાવવાનું છે.  તમારી પાસે સાધન સામગ્રી હોય કે ન હોય તમારે આ કાર્ય પાર પાડવાનું છે. ગમે  તે કરો, પણ કરો જ. કાલે સવારથી આ ‘‘ઓપરેશન એર લિફટ‘‘ શરુ કરી દો. કોઇપણ  સંજોગોમાં કાશ્મીર બચવું જોઇએ.‘‘ અને રાતોરાત વી.પી.મેનને વિમાનમાં  મહારાજાની ભારતીય સંઘમાં જોડાવાની સહી લઈ આવ્યા ત્યારે વહેલી સવારે સરદાર  વિમાનગૃહે હાજર હતા. તા. ર૭ ઓકટો. નાં રોજ લશ્કર શ્રીનગરમાં ઉતારી દીધું.  સરદાર જાતે પ્લેનમાં લશ્કરને માર્ગદર્શન આપવા કાશ્મીર ગયા હતાં. સરદારની  કુનેહથી કાશ્મીંર બચી ગયું.

૧૮૪૮

ફેબ્રુ.૧પનાં જામનગરના લાલ બંગલામાં રાજ પ્રમુખશ્રી  જામસાહેબ અને મુખ્યમંત્રીશ્રી નવલરાય ઢેબરની ઉપસ્થિતિમાં સરદાર પટેલે  સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્ય સંઘની રચના કરી.

૧૯૪૯

ર૦મી જાન્યુ. જૂનાગઢનું રાજ્ય સૌરાષ્ટ્ર રાજ્યમાં વિલિન  થયું, ૨૬મી ફેબ્રુ.ઉસ્મા‘નિયા યુનિવર્સિટીએ ‘‘ડોકટર ઓફ લોઝ‘‘ની માનદ પદવીથી  સરદારનું બહુમાન કર્યુ.            એપ્રિલ ૭ – જોધપુર, જયપુર, બિકાનેર, જેસલમેર, ઉદેપુર, ભરતપુર  રાજ્યોએ તેમના રાજ્યોનાં બનેલ ‘‘રાજસ્થાન સંઘનું ઉદઘાટન કર્યું , એપ્રિલ  ૨૨ – ગ્વાલિયર, ઈંન્દોર, મધ્યાભારતનાં ર૩ દેશી રાજ્યોએ તેમના રાજ્યોનો સંઘ  બનાવવા સંધીપત્ર સહીઓ કરી.            ૧૭મી સપ્ટેમ્બરે હૈદરાબાદમાં લશ્ક‍રે ‘‘પોલો જંગ‘‘માં વિજયી  બની ૧૮મીએ મેજર જનરલ ચૌધરીએ સરદારનાં માર્ગદર્શન તળે હૈદરાબાદનાં ગર્વનર  જનરલનો હોદો સંભાળ્યો.            નવે. – ૩નાં નાગપુર યુનિવર્સિટી, તા. રપમી એ બનારસ હિંદુ  યુનિવર્સિટી અને તા. ૨૭મીએ અલ્હાબાદ યુનિવર્સિટીએ સરદાર પટેલની સિધ્ધિઓને  ‘‘ ડોકટર ઓફ લોઝ‘‘ની માનાદ ઉપાધિઓ એનાયત કરી.            ઓકટો. – ૭થી નવે.૧૫ સુધી, વડાપ્રધાન નહેરુ અમેરિકા, બ્રિટન,  કેનેડા જતાં કાર્યવાહક વડાપ્રધાન તરીકે સરદાર પટેલે સંચાલન કરી તેમની  સૂઝબૂઝથી સફળ સંચાલન કર્યુ.

૧૯૫૦

૨૮ એપ્રિલે અમદાવાદમાં વતનપ્રેમીઓએ રૂ.૧૫ લાખની થેલી  સાથે સરદારનું સન્માન કર્યુ. સરદારે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીનું  ખાતમુહૂર્ત કર્યુ.              તા.૨૦ થી ૨૨ સપ્ટે.નાં રોજ નાસિક કોંગ્રેસ અધિવેશનમાં  હાજરી. સાતમી નવેમ્બરે સરદારે વડાપ્રધાન નહેરુને તિબેટ અંગે ચીનની દાનત સાફ  નથી તે અંગેના ઐતિહાસિક પત્ર સરદારની દૂરંદેશી, મુત્સદગીરી અને વિશ્વનાં  રાજકારણનાં આટાપાટા અંગેની કોઠાસૂઝનો યાદગાર દસ્તાવેજ સાબિત થયો.              ૯ નવેમ્બરે ચીની આક્રમણ અંગે રામલીલા મેદાનની સભામાં ચેતવણી ઉચ્ચારી.
15 ડિસેમ્બસર મુંબઈમાં આ મહામાનવનો સ્વર્ગવાસ થયો.              પુત્રશ્રી ડાહ્યાભાઈના હાથે દેશનેતાઓની હાજરીમાં અગ્નિદાહ અપાયો.              આ દુઃખદ પ્રસંગે તત્કાલિન વડાપ્રધાન પંડિત નહેરુએ તેમને  શ્રધ્ધાંજલિ આપતાં કહ્યું, ‘‘સ્વાતતંત્ર્ય સંગ્રામનાં કપ્તાન અને  મુશ્કેલીઓમાં માર્ગ બતાવનાર રાહબર હતાં.‘‘              આ પ્રસંગે બ્રિટનનાં વિશ્વપ્રસિધ્ધ અખબારે તેમને અંજલિ  આપતાં લખ્યું હતું. ‘‘પોતાના દેશની બહાર ઓછા જાણીતા સરદારે આંતરરાષ્ટ્રીય  પ્રસિધ્ધિની ખેવના રાખી નહોતી. તેમણે ગાંધીજી અને નહેરુ જેવી વિશ્વખ્યાતિ  મેળવી નહોતી પણ તે બંનેની સાથે તેઓ એવી ત્રિમૂ‍ર્તિનાં ભાગ હતાં કે જેણે  આજનાં ભારતનો આકાર રચી આપ્યો છે. સરદારના કાર્યનું મહત્વ , ગાંધી અને  નહેરુનાં કાર્ય કરતાં જરા જેટલું ય ઓછું મહત્વનું ન હતું.‘‘

૧૯૯૧

આઝાદીનાં એકતાલીશ વર્ષ પછી તેમને મરણોત્તર ‘‘ભારતરત્ન‘‘ ખિતાબ આપવામાં આવ્યો.

लोह पुरुष सरदार वल्लभ भाई पटेल जीवनी |
Sardar Vallabhbhai Patel Jeevani In Hindi

लोह पुरुष वल्लभभाई पटेल एक कृषक परिवार से थे जिसमे चार बेटे थे. एक साधारण मनुष्य की तरह इनके जीवन के भी कुछ लक्ष्य थे. यह पढ़ना चाहते थे, कुछ कमाना चाहते थे और उस कमाई का कुछ हिस्सा जमा करके इंग्लैंड जाकर अपनी पढाई पूरी करना चाहते थे.इन सबमे इन्हें कई परिशानियों का सामना करना पड़ा. पैसे की कमी, घर की जिम्मेदारी इन सभी के बीच वे धीरे-धीरे अपने लक्ष्य की तरफ बढ़ते रहे.शुरुवाती दिनों में इन्हें घर के लोग नाकारा समझते थे. उन्हें लगता था ये कुछ नहीं कर सकते. इस वीडियो में हम आपको सरदार वल्लभ भाई पटेल जीवनी, नारे, कविता सुनाने जा रहे है।

”સરદાર સંગોષ્ઠિ” ..કાજલ ઓઝા વૈદ્ય …

યુ-ટ્યુબ પર વિડીયો ભ્રમણ કરતાં Kaajal Oza vaidya  My Own  

નામની કાજલ ઓઝા વૈદ્યની વિડીયો ચેનલ પર” સરદાર સંગોષ્ઠિ” ના ત્રણ વિડીયો મેં જોયા અને સાંભળ્યા .મને એ ગમ્યા.

આ વિડીયોમાં સરદાર પટેલના જીવનની ઘણી અજાણી બાબતો પર એમના વક્તવ્યમાં પ્રકાશ એમણે ફેંક્યો છે.

ક્રાંતિકારી વિચારો ધરાવતાં કાજલબેનની પાંચ અખબારોમાં પ્રસિદ્ધ થતી વિવિધ કૉલમ્સ દર અઠવાડિયે વાચકો માટે પ્રેરણા અને નવા વિચારો લઈને આવે છે.કાજલ ઓઝા વૈદ્ય અને જય વસાવડાનાં પ્રવચનો અને લેખો ખાસ કરીને આધુનિક યુવાન વર્ગ માટે મોટું આકર્ષણ છે.

સરદાર પટેલના અવનવા જીવન પ્રસંગોનું કાજલબેનના શબ્દોમાં જ ‘સરદાર સંગોષ્ઠિ ” ના નીચેના ત્રણ વિડીયો જોઈ/સાંભળીને લોખંડી પુરુષ સરદાર પટેલને વંદન કરીએ અને એમની પુણ્ય તિથી પ્રસંગે શ્રધાંજલિ આપીએ.

Kaajal oza vaidya || સરદાર સંગોષ્ઠિ 01 ||

Kaajal oza vaidya|| સરદાર સંગોષ્ઠિ 02 ||

kaajal oza vaidya latest speech || સરદાર સંગોષ્ઠિ || part-03

સરદાર પટેલના જીવન અને કાર્યો પર હિન્દી-અંગ્રેજીમાં અનેક

વિડીયો યુ-ટ્યુબ ની આ લીંક  પર જોઈ શકાશે.

આ લોખંડી પુરુષની આજની પુણ્યતિથિ પ્રસંગે દેશ માટે જીવન ન્યોછાવર કરનાર સરદાર પટેલને રાષ્ટ્ર માટેની તેમની અનુકરણીય સેવાઓ તથા દેશની એકતા તથા અખંડતાના યાદગાર કાર્યોનું સ્મરણ કરી એમને હાર્દિક શ્રધાંજલિ.

જય ભારત ….જય સરદાર.

1256- શીલા – અધઃ પતન અને પુનરુત્થાનની ગાથા

બે એરીયાની ગુજરાતી સાહિત્યના પ્રસાર માટે કામ કરતી જાણીતી સંસ્થા ”બેઠક” ના મુખપત્ર જેવા બ્લોગ ”શબ્દોનું સર્જન” માં સહૃદયી મિત્ર શ્રી સુરેશ જાનીનો લેખ ”શીલા – અધઃ પતન અને પુનરુત્થાનની ગાથા ” નો લેખ પ્રકાશિત થયો છે.

મને ગમેલો આ વિચાર પ્રેરિત પ્રેરણાદાયી લેખ, લેખક અને ”બેઠક” ના આભાર સાથે વિનોદ વિહારના વાચકો માટે અત્રે પુન: બ્લોગ કરેલ છે.

વિનોદ પટેલ

"બેઠક" Bethak

પ્રારંભ 

  પર્વતના ઉત્તુંગ શિખર ઉપર તે પોતાના ગર્વમાં મુસ્તાક મલકી રહી હતી. ભૂમિ પરનાં બધાં તત્વો દૂર તળેટીમાં સાવ વામણા લાગતાં હતાં. સૌથી નજીકના લીલાં શંકુદ્રુમ વ્રુક્ષો પણ નાના છોડવા જેવા ઘણે દૂર , નીચે મગતરાં જેવાં લાગતાં હતાં. એ કાળમીંઢ ચટ્ટાન આખા જગતના છત્રપતિ જેવો ભાવ ધારણ કરી પોતાની એકલતાના સામ્રાજ્યમાં રમમાણ હતી. તેને કશાનો ડર ન હતો. કોઈ તેની પાસે ઢુંકી શકે તેમ ન હતું. એક મહાન ઈશ્વર જેવા તેના હોવાપણાના ગર્વમાં તે શીલા મહાલી રહી હતી. કોની મગદુર છે તેના એક કણને પણ ચળાવી શકે? ઓતરાદા પવન હોય કે દખણાદા; હમ્મેશ ધવલ બરફના વાઘા તે હમ્મેશ ધારણ કરી રાખતી.   કોઈ ઉષ્માની, સુર્યના કોઈ કિરણની મગદૂર ન હતી, તેના આ વાઘાને લવલેશ ઊતારી શકે. ધવલગિરિનું આ સૌથી ઉંચું  શિખર સંસારનું સર્વોચ્ચ બિન્દુ હતું તેવો તેને દર્પ હતો.

        એક કાજળકાળી, ઘનઘોર રાતે નભોમંડળમાં કાળાંડિબાંગ વાદળો આ શિખરથી ઘણે ઊંચે ઘેરાયેલાં હતાં. શીલા તેની એકલતામાં એક નાનો શો ભય…

View original post 1,121 more words

1255- સીક્કાની બીજી બાજુ …વાર્તા ….લેખિકા …આશા વીરેન્દ્ર

સીક્કાની બીજી બાજુ…વાર્તા ….–આશા વીરેન્દ્ર

વસુન્ધરા હજી પંદરેક દીવસ પહેલાં જ આ સોસાયટીમાં રહેવા આવી હતી. લગ્ન નહોતાં કર્યાં અને માતા–પીતા ગામમાં રહેતાં હતાં એટલે તદ્દન એકલી. સવારથી નોકરી પર જવા નીકળી જાય તે છેક રાતે પાછી આવે. એટલે હજી સુધી આડોશપાડોશમાં કોઈને ઓળખતી નહોતી.

લીફ્ટમાં ઉપર ચડતી વખતે સાથે થઈ ગયેલી નાનકડી છોકરીને એણે ધ્યાનથી જોઈ. દુબળું–પાતળું શરીર, એના માપ કરતાં થોડું મોટું ફ્રોક અને હાથમાં પકડેલી થેલીમાં થોડાં શાકભાજી.

‘શું નામ તારું?

‘મંગા’ છોકરીએ કંઈક સંકોચ સાથે જવાબ આપ્યો.

‘ઘરકામ કરે છે?’ માત્ર ડોકું ધુણાવી તેણે હા પાડી.

કોના ઘરે?’

‘૪૦૨માં દાદા રહે છે એમના ઘરે. ત્યાં જ રહું છું, દીવસ–રાત.’

વસુન્ધરાના મગજ પર બાળમજુરી નાબુદીની ધુન બરાબર સવાર હતી. કોઈ છોકરાને ચાની લારી પર કપ–રકાબી ધોતાં જુએ કે હૉટલમાં ટેબલ સાફ કરતાં જુએ તો, એની આંતરડી કકળી ઉઠતી. હસવા–રમવાની ઉમ્મરે અને ભણવાની ઉમ્મરે ફુલ જેવાં બાળકોએ આવાં કામ શા માટે કરવાં પડે? એમને આમાંથી મુક્ત કરાવવાં જ જોઈએ. અત્યાર સુધીમાં કેટલાયે માલીકોની વીરુદ્ધ ફરીયાદ કરીને એણે આવાં બાળકોનાં કામ છોડાવેલાં. આ નવા ઘરમાં આવીનેય મંગાની નોકરી છોડાવીને એણે પોતાના મીશનનાં શ્રીગણેશ કરી દીધાં.

રવીવારની સવારે આરામથી દસેક વાગ્યે નહાવા જવાનો વીચાર કરતી હતી ત્યાં દરવાજાની ઘંટડી વાગી.

‘તમે જ મીસ વસુન્ધરા?’ સફેદ કફની–પાયજામામાં પ્રભાવશાળી દેખાતા વયસ્ક પુરુષે પુછ્યું.

‘જી, આવોને અન્દર…’

‘ના, ઉભા ઉભા જ બે વાત કરીને રજા લઈશ.’ બોલવાની ઢબ પરથી તેઓ શાલીન હોવાની છાપ પડતી હતી. ‘હું ૪૦૨ નંબરમાં એકલો રહું છું. મારું નામ વીનાયક રાવ. ૮૪ વરસની ઉમ્મર થઈ છે અને સાવ એકલો રહું છું. હાથપગ ચાલે છે અને એકલો હરીફરી શકું છું; પણ હવે થાકી જાઉં છું. મારે તમને પુછવું છે કે આ ઉમ્મરની વ્યક્તીને કોઈના સહારાની જરુર હોય કે નહીં?’

શો જવાબ આપવો તે વસુન્ધરાને સમજાયું નહીં. એ કંઈક મુંઝાયેલી હતી ત્યાં મી. રાવે આગળ ચલાવ્યું : 

‘હું મંગાનું શોષણ કરું છું એવી ફરીયાદ કરીને તમે એની નોકરી છોડાવી એથી તમને આનન્દ થયો હશે, ખરું ને? હું માનું છું કે આપણામાંના દરેકે, એક સારા નાગરીક તરીકેની પોતાની ફરજ બજાવવી જ જોઈએ; પણ એક વડીલ તરીકે શીખામણના બે શબ્દો તમને કહી શકું?’

‘જી, જરુર.’ વસુન્ધરાએ કંઈક થોથવાતાં કહ્યું.

‘જુઓ બહેન, સીક્કાની હમ્મેશાં બે બાજુ હોય છે. ફક્ત એક જ બાજુ જોઈને કોઈ નીર્ણય કરીએ, કોઈ પગલું ભરીએ, તો ક્યારેક પસ્તાવાનો વખત આવે. બસ, આથી વધુ મારે કંઈ નથી કહેવું અને વધારે બોલતાં થાકી પણ જાઉં છું.’

એમના ગયા પછી વસુન્ધરાનો જીવ બળવા લાગ્યો. શું પોતાનાથી કંઈ ખોટું થઈ ગયું હતું? ઉતાવળીયું પગલું ભરાઈ ગયું હતું? નોકરીની ભાગદોડમાં પછી તો વાત લગભગ ભુલાવા આવી હતી. કૉલેજમાં ભણતી મીરાં અને છઠ્ઠે માળે રહેતાં સંધ્યાબહેન સાથે ‘કેમ છો?’ પુછવા જેટલો સમ્બન્ધ પણ બંધાયો હતો.

એક સાંજે હજી તો ઓફીસથી આવી જ હતી ત્યાં સંધ્યાબહેન ઉતાવળે આવ્યાં.

‘વસુન્ધરા, ખબર પડી? ૪૦૨ નંબરવાળાં રાવ અંકલ બપોરે ખુરસીમાં બેઠાં બેઠાં ચા પીતા હતા, જોરમાં ઉધરસ આવી ને ખલાસ ! કેવું સુન્દર મોત !’ સંધ્યાબહેન અને વસુન્ધરા દર્શન કરવા ગયાં ત્યારે એમના મીત્રો અને સોસાયટીના લોકોથી ઘર ભરેલું હતું. જુદા જુદા લોકો પાસેથી કેટલીયે અજાણી વાતો કાને પડતી હતી.

‘એજ્યુકેશન ડીપાર્ટમેન્ટમાં ઉચ્ચ અધીકારી હતા. પર્યાવરણ માટે, પાણીની સમસ્યા માટે, દેશના અર્થતંત્ર માટે – કેટકેટલા વીષયો પર કામ કર્યું ! કાયમ ગરીબ–યુવા, જરુરીયાતમન્દોને પડખે ઉભા રહ્યા. અમેરીકા રહેતા બન્ને પુત્રોના આગ્રહ છતાં પત્નીના મૃત્યુ પછી સ્વદેશમાં રહેવું જ પસંદ કર્યું.’ 

બીજે દીવસે સવારે એમનો મૃતદેહ નીચે લાવવામાં આવ્યો. વસુન્ધરાની જાણ બહાર જ એની આંખોમાંથી નીકળેલાં એનાં આંસુ ગાલ પર રેલાતાં હતાં. ત્યાં જ એક બાઈ હાથમાં હાર લઈને આવી. એ રડતી જતી હતી અને બોલતી જતી હતી :

‘મારે માટે તો દાદા દેવતા સમાન હતા. મારો વર તો એક્સીડન્ટમાં મરી ગયો. આજે હું ને મારાં છોકરાંઓ જીવતાં છીએ તે દાદાને લીધે.’ થીંગડાંવાળા સાડલાથી આંખો લુંછતાં એણે કહ્યું, ‘મારી મોટી મંગાને એમની પાસે રાખીને દાદાએ મોટી મહેરબાની કરી. એનું ખાવા–પીવાનું, કપડાં–લત્તા, સારા સંસ્કાર આપવાનું બધું દાદાએ કર્યું. કોઈ બાઈએ આવા સન્ત જેવા માણસ સામે ફરીયાદ કરી મંગાની નોકરી છાડાવી; તોય ઘરે બેઠા એ આખો પગાર આપી જતા. હવે કોણ અમારો હાથ પકડશે ?’

વસુન્ધરાને ખ્યાલ આવ્યો, ઓહ! આ તો મંગાની મા! એની પાછળ ઉભી રહીને મંગા પણ હીબકાં ભરતી હતી. એણે નજીક જઈને સ્ત્રીને ખભે હાથ મુકી કહ્યું :

‘કાલથી મંગાને મારા ઘરે મોકલજે. જે રીતે દાદા રાખતા હતા એમ જ હું એને રાખીશ, ભણાવીશ પણ ખરી. ના ન કહીશ બહેન. આ ગુનેગારને એની ભુલનું પ્રાયશ્ચીત્ત કરવાનો મોકો આપજે.’

મંગાને હાથે માથ ફેરવતાં એણે પુછ્યું, ‘આ દીદીને ઘરે આવીશ ને, મંગા? મંગાએ આંસુ લુછતાં ‘હા’ પાડી.

–આશા વીરેન્દ્ર

(‘શ્રી. આદુરી સીતારામ મુર્તી’ની ‘તેલુગુ’ વાર્તાને આધારે..
તા. 16 માર્ચ, 2018ના ‘ભુમીપુત્ર’ પાક્ષીકમાં છેલ્લે પાને પ્રકાશીત થયેલી વાર્તા).

સર્જક–સમ્પર્ક :
આશા વીરેન્દ્ર,
બી–401, ‘દેવદર્શન’, પાણીની ટાંકી પાસે, હાલર,વલસાડ– 396 001 

ફોન : 02632-251 719 મોબાઈલ : 94285 41137 ઈ–મેઈલ : avs_50@yahoo.com

સૌજન્ય …શ્રી ઉત્તમ ગજ્જર 

સન્ડે ઈ.મહેફિલ માંથી સાભાર 

વર્ષઃ ચૌદમું – અંકઃ 414 –November 25, 2018
‘ઉંઝાજોડણી’માં અક્ષરાંકનઃ ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com