વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

1266 હૈયામાં હામ હોય તો હેમ મળે!… મુકેશ પંડ્યા

સૌજન્ય- મુંબઈ સમાચાર

દિવ્યાંગ ચંદીપસિંહ ની પ્રેરક કથા  

હૈયામાં હામ હોય તો હેમ મળે! ….કવર સ્ટોરી-મુકેશ પંડ્યા

ફળતા જિંદગીની, હસ્તરેખામાં નથી હોતી;
ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી.
– બરકત વિરાણી ‘બેફામ’

ઘણા લોકોને પોતાના નસીબને કોસવાની આદત હોય છે, ફલાણાએ સાથ ન આપ્યો એટલે હું નિષ્ફળ ગયો- આ એમનું પેટન્ટ વાક્ય હોય છે. ઘણા એવા હોય છે જે એમ વિચારતા હોય છે કે કોઇનો સાથ નથી તો શું થયું? મને ભગવાને બે હાથ તો આપ્યા જ છે ને. આવા લોકો કોઇના પણ સહકાર વિના પોતાના હાથને જ જગન્નાથ માનીને હસ્તરેખાઓને પણ બદલી નાખવામાં પાવરધા હોય છે. જોકે, ઘણા એવાય હોય છે જેની પાસેથી ભગવાને બે હાથ પણ છીનવી લીધા હોય છે, છતાંય આ લોકો એવું કામ કરી જાય છે કે હાથવાળાય પોતાના હાથ ઘસતા રહી જાય અને આ લોકો મેડલ લઇ જાય અને એ પણ પાછો હેમ એટલે કે સોનાનો. આનો અર્થ એવો થયો કે સફળતા મેળવવા કોઇના સાથ કે હાથની નહીં,પણ હૈયે હામ અને દિલમાં લગન હોવી જરૂરી છે. આજે આપણે પણ એવા એક પુરુષની વાત કરવી છે જેને હાથ નથી છતાંય બેઉ હાથે (સોરી. બેઉ પગે) સોનું (મેડલ) ઉલેચી રહ્યો છે.

જી… હાં, ચંદીપસિંહ સુદાન નામનો એક હસતો રમતો છોકરો ૧૧ વર્ષની ઉંમરે જ બે હાથ ગુમાવી બેઠો. જમ્મુમાં એના ઘરની ઉપરથી પસાર થતાં ખુલ્લા વાયરને ભૂલથી અડી બેઠો. લગભગ ૧૧,૦૦૦ વોલ્ટ જેવા હાઇવોલ્ટેજ કરંટ ધરાવતા વાયરને અડવું એટલે મોતને આમંત્રણ. જોકે તે આ પ્રચંડ વીજપ્રવાહના ખોફ છતાંય બચી તો ગયો, પણ અંગે અંગમાં બળતરા વ્યાપી ગઇ હતી. તબીબી ભાષામાં જેને ફોર્થ ડીગ્રી બર્ન કહેવાય એ રીતે એ દાઝ્યો હતો એટલે તેના બે હાથમાં ઘણો ચેપ ફેલાયો હતો.

આવી પરિસ્થિતિમાં તેનો જીવ બચાવવા ડૉક્ટરો પાસે તેના બેઉ હાથ કાપી લેવા સિવાય બીજો કોઇ વિકલ્પ બચ્યો ન હતો. ૨૦૧૧ની બનેલી આ ઘટનાને વાગોળતા તેના પિતા સુરિન્દર સિંહ જણાવે છે કે, ‘ચંદીપે હોસ્પિટલના બિછાને ઓપરેશન થઇ ગયા પછી મને કહ્યું હતું કે ડૉક્ટરને કહો કે મારી આંગળીઓ પર સખત દબાણ આવી રહ્યું છે, હાથે બાંધેલો પાટો થોડો ઢીલો કરે. પણ એને ક્યાં ખબર હતી કે તેના બેઉ હાથ કાપી નાખવામાં આવ્યા છે’

ખરેખર જ્યારે ચંદીપને ખબર પડી કે તેણે બે હાથ ગુમાવ્યા છે ત્યારે તેને ખૂબ આઘાત લાગ્યો હતો. એ ખૂબ રોયો હતો. એ દિવસો હતાં જ્યારે ચંદીપ શાળામાં ખેલકૂદ ક્ષેત્રે પણ સફળતાપૂર્વક આગેકૂચ કરી રહ્યો હતો. દોડ-સ્પર્ધા, ફૂટબોલ અને સ્કેટિંગમાં તેને ખૂબ રસ હતો. જોકે, તેને તેના કુટુંબ અને મિત્રોનો ખૂબ સહકાર મળ્યો. તેના મા-બાપ અને સગાવહાલાં તેને હંમેશાં કહેતાં રહેતાં કે જે બની ગયું છે એના વિશે ક્યારેય વિચારવું નહીં. ભૂતકાળ ભૂલીને હવે જે પરિસ્થિતિ છે એનો સહજતાથી સ્વીકાર કરીને આગળ વધવું જોઇએ. અમે સતત તારી સાથે છીએ.

ચંદીપના માબાપે તેને કંઇ પણ કરવાની છૂટ આપી હતી. તે જે પણ કાર્ય કરવા માગતો એમાં તેમનો પૂરો સહકાર રહેતો. ચંદીપ કહે છે કે તેને તેના મિત્રોનો પણ ઘણો સાથ-સહકાર મળ્યો. ઘણા એવા હોય છે કે દાઝ્યા પર ડામ દે, પણ તેના મિત્રોએ તેને ક્યારેય એવી લાગણી થવા જ ન દીધી કે તેણે બે હાથ ગુમાવ્યા છે.

દરેકના સાથ સહકારથી ચંદીપે તેની જિંદગીનો બીજો અધ્યાય શરૂ કર્યો. ચંદીપના જ શબ્દોમાં કહીએ તો, ‘મારા કુટુંબીઓ અને મિત્રોએ મારા માટે એટલું બધું કર્યુ હતું કે મને પણ વિચાર આવતો કે મારે પણ બદલામાં એવું કાંઇક કરવું જોઇએ જેથી આ બધા લોકો મારા માટે ગર્વ અનુભવે. હું શું કરી શકું એવું વિચારતો હતો અને એક દિવસ મને સ્કેટિંગ ક્ષેત્રે આગળ વધવાનો વિચાર આવ્યો. ઘણા લોકો એમ કહેતા કે સ્કેટિંગ કરવામાં શરીરની સમતુલા જાળવવી ઘણી જરૂરી છે અને બે હાથ વગર આ સમતુલા જાળવી શકાય નહીં. જોકે, મેં આ વાતને એક ચેલેન્જ તરીકે સ્વીકારી અને સ્ક્ેટિંગ ક્ષેત્રે કંઇક કરી બતાવવાનું નક્કી કર્યું.

સાચે જ, ચંદીપે સ્કેટિંગ ક્ષેત્રે ઘણું કરી બતાવ્યું. તેના હાથ ભલે ન હતાં, હૈયૈમાં હામ તો હતી જ. એ હિંમત અને લગનથી આગળ વધ્યો ને, રાષ્ટ્રીય સ્તરનો ખેલાડી બની ગયો. અત્યારે તો એ ૧૦૦ મીટરની પેરા-સ્કેટિંગ સ્પર્ધા માત્ર ૧૩.૯૫ સેક્ધડમાં પૂરી કરવાનો વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે. ૨૦૧૫માં ચંદીપને ઉત્તરાખંડમાં યોજાયેલી ઓલ ઇન્ડિયા રોલર સ્કેટિંગ ચેમ્પિયનશીપમાં કાંસ્ય પદક મળ્યો. અરે થોભો, આશ્ર્ચર્યની વાત તો એ છે કે આમાં સધળા સ્પર્ધકો તેના જેવા વિકલાંગ નહીં , પણ બે હાથવાળા ધરાવતા સામાન્ય લોકો હતાં.

જોકે સંદિપ માત્ર સ્કેટિંગમાં જ નહીં અન્ય રમતોમાં પણ ખૂબ આગળ વધ્યો. ટાએકવૉન્ડો જેવી માર્શલ આર્ટ ધરાવતી રમત એ ધગશથી શીખ્યો. આ રમતમાં પગને સામેવાળાના માથા સુધી ઉછાળીને, હવામાં ફંગોળાઇને અને પોતાની જાતને સમતુલિત રાખીને સામેવાળાને મહાત કરવાનો હોય છે. પણ ચંદીપ જેનું નામ. એણે તો આ રમતને પણ પડકાર સમજીને સ્વીકારી લીધી. સ્વીકારી લીધી તો ભલે સ્વીકારી લીધી, પણ તેમાં બબ્બે સુવર્ણ પદક પણ જીતી બતાવ્યા. હાં.. જી એણે તાજેતરમાં જ સાઉથ કોરિયા ખાતે

યોજાયેલી કિમયોન્ગ ટાએકવૉન્ડો ચેમ્પિયનશીપમાં બબ્બે સુવર્ણ ચંદ્રક મેળવીને જાણે નવા વર્ષની સોનેરી શરૂઆત કરી હતી. આટલું જ નહીં આની પહેલાં વિયેટનામમાં યોજાયેલી એશિયન ટાએકવૉન્ડો ચેમ્પિયનશીપમાં અને નેપાળ ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રિય ટાએકવૉન્ડો ચેમ્પિયનમાં પણ એ સુવર્ણ ચંદ્રકો જીતી ચૂક્યો છે. લ્યો બોલો, હાથેથી ચીજ-વસ્તુઓને ઉલેચતા ઘણા લોકોને તમે જોયા હશે, પણ આપણો આ વીરલો જાણે પગેથી સોનું ઉલેચી રહ્યો છે.

ચંદીપ સિંહ પોતાના રોજિંદા કામો પણ પગેથી ખૂબ સારી રીતે કરી રહ્યો છે . એટલું જ નહીં એ લેપટોપ અને મોબાઇલ પણ પગેથી ખૂબ સારી રીતે ઓપરેટ કરી શકે છે. આંતરરાષ્ટ્રિય દોડવીર મિલ્ખાસિંહે પણ તેના વખાણ કરતાં કહ્યું હતું કે, ‘ જ્યારે ચંદીપ મારી ઓફિસમાં આવ્યો. ત્યાં મે એને લેપટોપ અને મોબાઇલ પગેથી ચલાવતા જોયો, હું તો આશ્ર્ચર્ય ચકિત થઇ ગયો.’

ઉલ્લેખનીય છે કે મિલ્ખાસિંહ, મિલ્ખા ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવે છે અને ચંદીપને બે કૃત્રિમ હાથ બેસાડી આપવાની દિશામાં આગળ વધી રહ્યા છે એ સંદર્ભમાં ચંદીપ જોડે મળવાનું થાય છે.

મિલ્ખાસિંહ કહે છે કે, ‘અમે તેને આવા હાથ બેસાડી આપવા તત્પર છીએ જેથી તેની આગામી જિંદગી થોડી સરળતાથી પસાર થાય. આ હાથ બેસાડવાનો ખર્ચ ૪૦થી ૫૦ લાખ છે. અમે અમારાથી બનતા પ્રયત્નો તો કરીએ જ છીએ, સાથે આમ લોકોને પણ બનતી મદદ કરવાની અપીલ કરી છે.’

ચંદીપ અત્યારે ૧૯ વર્ષનો છે. મતદાન કરવાની ઉંમરે પહોંચેલા ઘણા યુવાનો કોઇ હસ્તરેખાશાસ્ત્રી પાસે પોતાનું ભવિષ્ય કેવું છે એ જાણવા હથેળી બતાવતાં હોય છે, જ્યારે ચંદીપે આ જ ઉંમરમાં આપણા લોકપ્રિય શાયર બરકત વિરાણી ‘બેફામ’ની લોકપ્રિય શાયરીની એક લાઇન, કે ‘સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી…’ ને ખરેખર સાર્થક કરીને એ સિદ્ધ કરી બતાવ્યું કે જીવનની સફળતા એ કોઇ હાથ કે તેની હસ્તરેખાઓની મોહતાજ નથી હોતી.

ચંદીપને આ નવા વર્ષમાં બે કૃત્રિમ હાથ જલદીથી મળી જાય એવી શુભેચ્છા.

સૌજન્ય… મુંબઈ સમાચાર .કોમ 

ચંદીપસિંહની પ્રેરક કથા વિડીયોમાં …

Asian championship Gold medal ..Taekwondo/international/Indian team player/india vs koera

Chandeep Singh – Official full documentary”

Chandeep Singh વિશેના અન્ય વિડીયો અહીં ક્લિક કરીને જુઓ 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: