વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ફેબ્રુવારી 3, 2019

1274 – ગણપત યુનિવર્સિટીના સ્થાપક, ”વિદ્યા શિલ્પી” સ્વ. અનિલ પટેલ .. પરિચય … ભાવાંજલિ 

આ અગાઉ વિનોદ વિહારમાં પદ્મશ્રી ગણપતભાઈ પટેલ વિશેની  તારીખ 1-28-2019 ની પોસ્ટ નંબર 1271 માં  ગણપત યુનીવર્સીટીના પ્રથમ પ્રેસીડન્ટ સ્વ.અનિલભાઈ પટેલનો નિર્દેશ કરવામાં આવ્યો હતો.

અનિલભાઈ અને ગણપતભાઈ બન્ને મહેસાણા જીલ્લાના વિદ્યા પ્રેમી વતનીઓ એટલે અમેરિકામાં તેઓ બન્ને ખુબ જ નજીકના મિત્રો બન્યા હતા.બન્નેના દિલમાં ગુજરાતમાં એમના વતન નજીકમાં જ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે કંઇક કરી છૂટવાની અને એ રીતે સમાજે ભણવા માટે એમને કરેલી મદદનું ઋણ અદા કરવાની ભાવના મનમાં રમતી હતી.આ ભાવનાથી પ્રેરાઈને મહેસાણા ઉત્તર ગુજરાતના આ બે પાટીદારોએ મળીને ગુજરાતને ગણપત યુનિવર્સિટીના રૂપમાં એક ઉત્તમ યુનિવર્સિટીની ભેટ ધરી છે.

આ બન્ને મિત્રો ધરતીથી જોડાયેલા સામાન્ય આર્થિક પરિસ્થિતિના ખેડૂત પુત્રો હતા.તેઓ બન્ને એમની આવડત,પુરુષાર્થ,ખંત અને ધગશને બળે સિદ્ધિ અને પ્રસિદ્ધિને પામ્યા છે.

ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ ઉદ્યોગ પ્રધાન અને મહેસાણા ભાજપના આગેવાન શ્રી અનિલ ત્રિભોવનદાસ પટેલ 2002થી 2007 સુધી ધારાસભ્ય હતા. ત્યારબાદ તેમણે ચૂંટણી લડવાની ના પાડી હતી અને કહ્યું હતું કે મારે હવે શિક્ષણ ક્ષેત્રે કામ કરવું છે.આમ તેઓ સામાજિક અને શૈક્ષણિક કાર્યોમાં વધુ સમય ફાળવતા હતા.એપોલો ગ્રુપના માલિક અનિલભાઈએ  જો ધાર્યું હોત તો તેઓ રાજકારણમાં પણ લાંબી ઇનિંગ્સ રમી શક્યા હોત, પણ તેમના દિલમાં શિક્ષણનું કામ પ્રથમ નંબરે હતું. ગણપતભાઈની જેમ તેઓ પણ માનતા હતા કે કોઈ પણ પ્રજા કે સમાજે પ્રથમ નંબરે આવવું હોય તો શિક્ષણના માધ્યમથી જ આવી શકાય.

મહેસાણા નજીક નાનકડા ગામ ખેરવા ગામે 300 એકર જમીનમાં પથરાયેલી હજારો યુવાનોના જીવનમાં પરિવર્તન લાવી રહેલી ગણપત યુનિવર્સિટી એ અનિલભાઈની ગુજરાતને આપેલી અણમોલ ભેટ છે. ગણપતભાઈ અને અનિલભાઈ છેલ્લાં થોડાં વર્ષોથી દિવસ-રાત સતત ગણપત યુનિવર્સિટીના વિકાસની જ મથામણ કરતા હતા.કમનશીબે અનિલભાઈ પટેલનું 74 વર્ષે તારીખ ૮ મી ફેબ્રુઆરી ૨૦૧૮ ના રોજ પ્રોસ્ટેટના કેન્સરની બીમારીથી નિધન થતાં બે ઉત્તમ અને નિકટના મિત્રોની જોડી તૂટી હતી.

ગણપતભાઈનો પરિચય એમના મિત્ર અનિલભાઈના પરિચય વિના અધુરો રહે છે. એટલા માટે પદ્મશ્રી ગણપતભાઈ વિશેની અગાઉની પોસ્ટના અનુસંધાનમાં આ પોસ્ટમાં સ્વ. અનિલભાઈનો પરિચય કરાવવાનો ઉપક્રમ રાખ્યો છે.

સ્વ. અનિલભાઈ પટેલનો જન્મ તારીખ ૮ મી માર્ચ, ૧૯૪૪ ના રોજ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના લણવા ગામે થયો હતો.

અનીલ પટેલે પ્રાથમિક શિક્ષણ લણવામાં મેળવ્યા બાદ માધ્યમિક શિક્ષણ ઉત્તર ગુજરાતની છગનભાએ સ્થાપેલી જાણીતી વિદ્યા સંસ્થા કડી સર્વ વિદ્યાલયમાંથી મેળવ્યું હતું.

અનિલ પટેલ એન્જિનિયરિંગમાં માસ્ટર કરવા માટે અમેરિકા ગયા હતા. અભ્યાસ બાદ અનિલ પટેલે મહેસાણામાં આવી સમાજસેવાની શરૂઆત કરી હતી.તેઓ 38 વર્ષની ઉંમરમાં મહેસાણાની નાગલપુર કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી બન્યા હતા. ત્યારબાદ ૨૦૦૫ માં ગણપતભાઈની સાથે  એમણે મહેસાણા નજીક ખેરવા ગામે ૩૦૦ એકરના વિસ્તારમાં ગણપત યુનીવર્સીટીની સ્થાપના કરીને ગુજરાતમાં કેળવણીના ક્ષેત્રમાં ખુબ જ  અગત્યનું કાર્ય કર્યું છે.ગણપત યુનિવર્સિટી જેવી હાઇટેક વિદ્યા સંસ્થાના નિર્માણને કારણે અનિલભાઈ ‘વિદ્યા શિલ્પી’ તરીકે નામના અને પ્રતિષ્ઠા પામ્યા છે એ યોગ્ય જ છે.

અનિલભાઈની દુખદ વિદાય પછી ગણપત યુનિવર્સિટીના સ્થાપક સંવર્ધક અનિલભાઇ પટેલના જન્મદિને એટલે કે ૮ મી માર્ચે દર વર્ષે ”વિદ્યા શિલ્પી દિવસ ” તરીકે ઉજવવાનું યુનિવર્સિટીના બોર્ડ ઓફ ગવર્નર્સની સભામાં નક્કી કરવામાં આવ્યું હતું.

આ રીતે પ્રથમ વિદ્યા શિલ્પી દિવસે એટલે કે ૮મી માર્ચ ૨૦૧૮ થી ગણપત યુનીવર્સીટીને વિશ્વકક્ષાની બનાવવાના સ્વપ્ન સાથે શ્રી ગણપતભાઈ પટેલે યુનીવર્સીટીના બીજા પ્રેસીડન્ટ તરીકેની બટાન એમના મજબુત હાથમાં સંભાળી લીધી છે.

ગણપત યુનીવર્સીટીની વેબ સાઈટ પર મુકેલ નીચેના ચિત્રમાં દર્શાવેલ  આંકડાઓમાં મે ૨૦૧૮ સુધીમાં થયેલ પ્રગતિ જોઈ શકાશે.

(મોટા આંકડામાં વાંચવા માટે ચિત્ર પર ક્લિક કરો )

સ્વ. અનિલભાઈ પટેલ વિષે શ્રી રમેશ તન્નાનો વિગતવાર

પરિચય લેખ ..

       સ્વ.અનિલભાઈ પટેલ

જાણીતા પત્રકાર અને લેખક શ્રી રમેશ તન્નાએ સ્વ.અનીલ પટેલના અવસાન બાદ એમના વિષે એમનો પરિચય કરાવતો અને એમનાં કાર્યોને અંજલિ આપતો એક વિગતવાર લેખ અમેરિકામાંથી પ્રકાશિત થતા જાણીતા સામયિક ‘’ ગુજરાત ટાઈમ્સ’’માં લખ્યો હતો.

અનિલભાઈ અને તેમના ભાઈઓના અભ્યાસ માટે સમાજે જે આર્થિક મદદ કરી હતી તેનો પાકો હિસાબ રખાયો હતો. એક ડાયરીમાં એક-એક રૃપિયાની નોંધ રખાઈ હતી. અનિલભાઈ તથા ભાઈઓ બે પાંદડે થયા ત્યારે પાઈએપાઈ ચૂકવવામાં આવી હતી. અનિલભાઈએ તો સમાજે પોતાને ભણવા માટે જે મદદ કરી હતી તેનું ઋણ ગણપત યુનિવર્સિટી સ્થાપીને અદા કર્યું હતું. 

શ્રી રમેશ તન્નાના સૌજન્ય અને આભાર  સાથે ગુ.ટા.ની નીચેની લીંક પર ક્લિક કરીને આ લેખ વાંચી શકાશે.

 અનિલભાઈ પટેલે ગણપત યુનીવર્સીટી સ્થાપી સમાજે ભણવા માટે કરેલી મદદનું ઋણ અદા કર્યું છે. ..પરિચય લેખ ..શ્રી રમેશ તન્ના  

સૌજન્ય ..ગુજરાત ટાઈમ્સ – February 16, 2018

આ વિડીયોમાં ગણપત યુનીવર્સીટીના પ્રેસીડન્ટ શ્રી અનિલભાઈ પટેલને  છઠા પદવીદાન સમારંભમાં વક્તવ્ય આપતા જોઈ શકાશે.

Ganpat University 6th Convocation President Shri Anilbhai Patel 12 12 2012

આવા બીજા વિડીયો ગણપત યુનીવર્સીટીની યુ-ટ્યુબ વિડીયો ચેનલની આ લીંક પર ક્લિક કરીને જોઈ શકાશે.

અનીલ પટેલ/ગણપત યુનિવર્સિટી વિષે વિશેષ માહિતી સંદર્ભ … 

ગણપત યુનીવર્સીટી ની વેબ સાઈટ 

ગણપત યુનીવર્સીટી (વીકી પીડીયા …ગુજરાતીમાં )

ગણપત યુનીવર્સીટી ( વિકિપીડિયા ..અંગ્રેજીમાં )