વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Monthly Archives: ફેબ્રુવારી 2019

1275 – હથેળીમાં લક્ષ્મીની રેખા અને હૃદયમાં કરુણાની ધારાઃ કોણ ચડે ? વાત આફ્રિકા અને ભારતમાં અનેક સેવાકીય પ્રવૃતિઓ કરતા રિઝવાન આડતિયાની…રમેશ તન્ના

 મિત્રો,

અગાઉની પોસ્ટમાં તમે શ્રી રમેશ તન્ના લિખિત બે વતન પ્રેમી અને વિદ્યા પ્રેમી એન.આર.આઈ દાનવીરો ગણપત યુનીવર્સીટીના સ્થાપકો સ્વ.અનીલ પટેલ અને શ્રી ગણપત પટેલના જીવનની પ્રેરક વાતો વાંચી.

આજની પોસ્ટમાં  એ જ લેખકની કલમે લખાયેલ આફ્રિકા અને ભારતમાં અનેક સેવાકીય પ્રવૃતિઓ કરતા રિઝવાન આડતિયાની વાત પણ એટલી જ પ્રેરક છે.

વતનથી દુર વિદેશોમાં સારું કમાઈને વતનમાં એમના ધનનો સદુપયોગ કરતા શ્રી પટેલ મિત્રો અને શ્રી આડતિયા જેવા એન.આર.આઈ દાનવીરોને સલામ.

વિનોદ પટેલ 

દરિયાપાર રહેતા ગુજરાતીઓનો વતનપ્રેમ માત્ર હૃદયમાં નથી હોતો, અમલમાં પણ હોય છે. દરિયાપર ગયેલા ગુજરાતીઓથી જમીનની ભૂગોળ તો છૂટે છે પણ હૃદયની ભૂગોળમાં તો માદરે-વતન સતત ધબકતું જ રહે છે.

દરિયાપાર વસતા ગુજરાતીઓ બે પ્રકારના હોય છે.

એક એવા ગુજરાતીઓ જે ‘ગયા બાદ ગયા’માં માનીને જીવે છે. હું કોણ અને વતન કોણ? જે દેશમાં ગયા ત્યાં જ રહી પડ્યા. આવા લોકો સ્વપ્નમાંય વતનને યાદ કરતા નથી હોતા. ઘણા લોકો તેને ‘ફાટેલી નોટો’ કહે છે.

રિઝવાન આડતિયા કહે છે, ‘અમારા દેશના ખેડુતો કહે છે કે ધરતીમાંથી જેટલું ધાન્ય ઊગે તે બધું ખાવા માટે નથી હોતું, એમાંથી થોડાક દાણા ફરીથી ધરતીમાં રોપવા પડે છે, તો જ બીજો પાક ઊગે છે.’

દરિયાપાર વસતા બીજા કેટલાક ગુજરાતીઓ એવા છે જે માતૃભૂમિનું ઋણ ભૂલતા નથી. તેઓ સતત પોતાના વહાલા અને પ્યારા દેશને યાદ કરે છે. માત્ર યાદ કરીને તેઓ બેસી નથી રહેતા, વતનનું ઋણ ફેડવા કશુંક નક્કર કરે છે. આવા ગુજરાતીઓ ‘ખણખણતા રૂપિયા’ જેવા હોય છે.

આફ્રિકાના મોઝામ્બિકમાં વસતા રિઝવાન આડતિયા આવો જ એક ખણખણતો રૂપિયો છે.

સફળ જીવન તો ઘણા જીવતા હોય છે, રિઝવાનભાઈ સાર્થક જીવન જીવી રહ્યા છે.

વર્ષોથી રોજ સવારે ત્રણ વાગે ઊઠી જાય છે. ધ્યાન અને યોગ કરે. વહેલી સવારનો સમય તેઓ પોતની જાત માટે અનામત રાખે છે. તેમના શ્વાસોચ્છવાસમાં પોઝિટિવિટી અને પરમાર્થ છે.

આ એક એવા એનઆરઆઈ છે જે પોતાના વતન માટે મોટી સખાવતો આપે છે, અનેક પ્રવૃત્તિઓ કરે છે તો સાથે સાથે તેઓ જ્યાં વસે છે, તે સ્થાનિક આફ્રિકાના લોકો માટે પણ ઘણી સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. માત્ર ભારતમાં જ નહીં, એશિયા ખંડમાં તેઓ સેવાકીય પ્રવૃતિઓ કરે છે. છ લાખથી વધુ લોકોએ તેમની સંસ્થાનો સીધો લાભ લઈને જીવનમાં અજવાળું પાથર્યું છે.

જન્મભૂમિ અને કર્મભૂમિ બન્ને પ્રત્યેની પોતાની કૃતજ્ઞતાને તેઓ અદા કરી રહ્યા છે.

***

રિઝવાનભાઈ મૂળ પોરબંદરના. તેમના પિતાનું બે ઓરડીનું મકાન. એમાંથી એક રૂમમાં શિંગ-દાળિયા શેકવાની ભઠ્ઠી હતી. બીજી એક ઓરડી હતી તેમાં નવ જણ રહેતા. રિઝવાનભાઈને નાનપણમાં શાળાએ જવાનું ના ગમતું. મન જ ના માનતું. ધાર્મિક પ્રકૃતિના રિઝવાનભાઈને હિઝ હાઈનેસ નામદાર આગાખાન સાહેબની તસવીર ગમતી.

નાનપણથી જ શ્રદ્ધાળુ. તેઓ નાના હતા ત્યારે, પોરબંદરમાં એક વખત એક બાવો વશીકરણ કરીને રિઝવાનને લઈ જતો હતો. છેક ગામ બહાર પાડોશી મહિલાએ તેને જોઈ ગઈ અને માંડ માંડ પરત લાવી. રિઝવાન આડતિયાએ પરત આવવાનું જ હતું કારણ કે સામાજિક દાયિત્વનું ઘણું કામ તેમની પ્રતીક્ષામાં હતું.

રિઝવાનભાઈ નાના હતા ત્યારથી જ તેમના મનમાં નિત્ય નવું કામ કરવાનો ઉત્સાહ રહેતો. તેમને ધાર્મિક પુસ્તકો વાંચવામાં ખૂબ રસ પડે, પણ વિજ્ઞાન કે ગણિત ના ગમે. માતાની આજ્ઞા લઈને તેમણે નાનપણમાં પોરબંદરની માધુરી નોવેલ્ટી સ્ટોરમાં વગર પૈસે નોકરી કરી હતી. મૂળ તો ધંધો શીખવાની ભાવના. નિષ્ઠા અને સૂઝ એવી કે એક મહિનામાં તેમણે 40 ટકા ધંધો વધારી આપ્યો. એ વખતે જ નક્કી થઈ ગયું હતું કે આ માણસ ધંધા માટે જ જન્મ્યો છે.

1986માં તેમણે સત્તર વર્ષની ઉંમરે પ્રથમ વિદેશ પ્રવાસ કર્યો. પ્રથમ જોબ કરી અને પછી ધંધો શરૂ કર્યો. માત્ર 150 રૂપિયા લઈને નીકળેલો એક નાનકડો છોકરો પ્રામાણિકતા, નિષ્ઠા, મહેનત, ધંધાકીય સૂઝ, વહેંચીને ખાવાની વૃત્તિ જેવા ગુણો ને કારણે જોતજોતામાં સફળ વેપારી બન્યો અને અનેક દેશોમાં તેમનો ધંધો વિસ્તર્યો.

રિઝવાનભાઈ ખૂબ કમાયા તો એ બધું સમયસર સમાજને ખોબલેને ખોબલે પરત પણ આપવા લાગ્યા.તેમણે રિઝવાન આડતિયા ફાઉન્ડેશનની રચના કરી. આફ્રિકાના મોઝામ્બિકના પાટનગર મપુતોમાં મધર ટેરેસા સંચાલિત એક અનાથાશ્રમ આવેલો છે. અહીં 125 બાળકોને આશ્રમ આશ્રય આપવામાં આવ્યો હતો. તેમના ભોજન અને શિક્ષણનો ખર્ચ ક્યાંથી કાઢવો તે પ્રશ્ન હતો. રિઝવાનભાઈએ તરત જવાબદારી સ્વીકારી. આવી તો તેઓ અનેક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે.

***

મોઝામ્બિકના એક નાનકડા ટાઉનમાં દેશના શિક્ષણમંત્રીની ઉપસ્થિતિમાં એક આધુનિક બાંધકામવાળી નવી શાળાનું ઉદઘાટન થયું. તે મકાન બાંધી આપ્યું હતું રિઝવાન આડતિયાએ. એ વખતના ઉદબોધનમાં શિક્ષણમંત્રીએ કહ્યું હતું, “આ દેશ(આફ્રિકા)માં લાખો વિદેશી લોકો આવીને અબજો ડોલર્સ કમાતા રહ્યા છે પણ તેમાંથી રિઝવાન આડતિયા જેવો પરગજુ વિચાર ભાગ્યે જ કોઈને આવ્યો હશે!”

જવાબમાં રિઝવાનભાઈએ કહ્યું હતું, ‘હું આ દેશને પ્રેમ કરું છું… હું જે કંઈ કમાયો છું તે આ દેશને પ્રજાના સાથ અને સહકારને કારણે કમાયો છું. અમારા દેશના ખેડુતો કહે છે કે ધરતીમાંથી જેટલું ધાન્ય ઊગે તે બધું ખાવા માટે નથી હોતું, એમાંથી થોડાક દાણા ફરીથી ધરતીમાં રોપવા પડે છે, તો જ બીજો પાક ઊગે છે.’

નવ દેશોમાં 150 સ્ટોર્સ અને 40થી વધુ વેરહાઉસ ધરાવતા રિઝવાન આડતિયાએ આફ્રિકામાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી છે તો એશિયા અને ભારતમાં પણ તેમનું ફાઉન્ડેશન સેંકડો પ્રવૃત્તિઓ કરે છે. આ ફાઉન્ડેશને લોકોની જીવનશૈલીમાં સુધારો કરીને તેમને આત્મનિર્ભર કરવાનું બીડું ઝડપ્યું છે. ભારતમાં આ ફાઉન્ડેશને જૂનાગઢ જિલ્લાનું માળિયા હાટીના નામનું ગામ દત્તક લીધું છે અને કરોડો રૂપિયાના ખર્ચ તેને આદર્શ ગામ બનાવ્યું છે.

તેઓ સિનિયર સિટિઝન માટે પણ અનેક પ્રવૃત્તિઓ કરે છે. ગુજરાતના જુદાં જુદાં શહેરોમાં તેઓ નિયમિત રીતે સિનિયર સિટિઝન્સ માટે આખા દિવસના ઉત્સવ કરે છે. જુદા જુદા વૃદ્ધાશ્રમોમાંથી વડીલો સજીધજીને આવે. એસી બસમાં જ તેમને લાવવાના. ભાવતાં ભોજન કરાવાય. મનોરંજક કાર્યક્રમો યોજાય. તેમને આદર અને પ્રેમથી ભીંજવી દેવાના. જતી વખતે આકર્ષક ભેટ પણ અપાય.આનંદ અને માત્ર આનંદ.

એક વખત તેમણે પોરબંદરની વરિષ્ઠ ઈસ્લામી મહિલાઓ માટે આઠ દિવસનો સિંગાપોર અને મલેશિયાનો પ્રવાસ ગોઠવ્યો. ક્રુઝ દ્વારા કરાવેલા આ પ્રવાસની તમામ તૈયારી તેમના ફાઉન્ડેશનને કરી. તેમનો પાસપોર્ટ બનાવ્યો, સામાનની બેગ, સ્વાસ્થ્ય માટેની દવાઓ, બધી સગવડ ફાઉન્ડેશન કરી. આવા એક કાર્યક્રમમાં તેમણે દરેક લાભાર્થીને ટેબલેટ આપ્યું હતું. અરે, ટેબલેટ ચલાવતાં પણ શીખવ્યું હતું. રિઝવાન આડતિયા ફાઉન્ડેશન ઉંમર, જાતિ, શારીરિક ક્ષમતા, ધર્મ કે રાજકીય પક્ષાપક્ષીના ભેદભાવ વિના સ્વાસ્થ્ય, શિક્ષણ, રોજગાર અને આજીવિકા માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરે છે. ભારતમાં એકલા રહેતા વડીલો માટે તેઓ ઘણી પ્રવૃત્તિઓ કરે છે. તેઓ યુવાનો અને સિનિયર સિટિઝન માટે પસંદગી મેળા, સમૂહ લગ્ન, મહિલા સશક્તિકરણ અને કોમ્યુનિટી હૉલનું નિર્માણ પણ કરે છે.

રિઝવાનભાઈ દર વર્ષ સમાજ માટે એક ચોક્કસ રકમ જુદી રાખે છે, જે લાખો કરોડોમાં હોય છે. તેઓ સફળ મોટિવેટર પણ છે. વ્યક્તિત્વવિકાસનાં તેમનાં વ્યાખ્યાનો ઘણાં લોકપ્રિય છે. દુનિયાના વિવિધ દેશોના યુવાનો સમક્ષ તેઓ વ્યક્તિત્વ વિકાસનાં વ્યાખ્યાનો આપે છે.

આટલી બધી સખાવતો કરતા રિઝવાનભાઈ કહે છે, “આપણાથી થાય એટલું આપણે કરવું. સમાજે આપેલું છે તે જ સમાજના ચરણે પાછું ધરવાનું છે.”

તો આ છે એક અનોખા એનઆરઆઈ.

લાગણીવેળાઃ

જે આપે છે, તે જ પામે છે.

રમેશ તન્ના

રમેશ તન્નાલેખક વરિષ્ઠ પત્રકાર છે અને દરિયાપારના ગુજરાતીઓમાં માતૃભાષાને જીવંત રાખવામાં સક્રિય રહ્યા છે.

સંપર્ક 

positivemedia2015@gmail.com

 લેખકના ગુડ મોર્નિંગ ગુજરાત કોલમના બધા લેખો અહીં વાંચો.

સૌજન્ય .. આભાર .. દિવ્ય ભાસ્કર … રમેશ તન્ના 

1274 – ગણપત યુનિવર્સિટીના સ્થાપક, ”વિદ્યા શિલ્પી” સ્વ. અનિલ પટેલ .. પરિચય … ભાવાંજલિ 

આ અગાઉ વિનોદ વિહારમાં પદ્મશ્રી ગણપતભાઈ પટેલ વિશેની  તારીખ 1-28-2019 ની પોસ્ટ નંબર 1271 માં  ગણપત યુનીવર્સીટીના પ્રથમ પ્રેસીડન્ટ સ્વ.અનિલભાઈ પટેલનો નિર્દેશ કરવામાં આવ્યો હતો.

અનિલભાઈ અને ગણપતભાઈ બન્ને મહેસાણા જીલ્લાના વિદ્યા પ્રેમી વતનીઓ એટલે અમેરિકામાં તેઓ બન્ને ખુબ જ નજીકના મિત્રો બન્યા હતા.બન્નેના દિલમાં ગુજરાતમાં એમના વતન નજીકમાં જ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે કંઇક કરી છૂટવાની અને એ રીતે સમાજે ભણવા માટે એમને કરેલી મદદનું ઋણ અદા કરવાની ભાવના મનમાં રમતી હતી.આ ભાવનાથી પ્રેરાઈને મહેસાણા ઉત્તર ગુજરાતના આ બે પાટીદારોએ મળીને ગુજરાતને ગણપત યુનિવર્સિટીના રૂપમાં એક ઉત્તમ યુનિવર્સિટીની ભેટ ધરી છે.

આ બન્ને મિત્રો ધરતીથી જોડાયેલા સામાન્ય આર્થિક પરિસ્થિતિના ખેડૂત પુત્રો હતા.તેઓ બન્ને એમની આવડત,પુરુષાર્થ,ખંત અને ધગશને બળે સિદ્ધિ અને પ્રસિદ્ધિને પામ્યા છે.

ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ ઉદ્યોગ પ્રધાન અને મહેસાણા ભાજપના આગેવાન શ્રી અનિલ ત્રિભોવનદાસ પટેલ 2002થી 2007 સુધી ધારાસભ્ય હતા. ત્યારબાદ તેમણે ચૂંટણી લડવાની ના પાડી હતી અને કહ્યું હતું કે મારે હવે શિક્ષણ ક્ષેત્રે કામ કરવું છે.આમ તેઓ સામાજિક અને શૈક્ષણિક કાર્યોમાં વધુ સમય ફાળવતા હતા.એપોલો ગ્રુપના માલિક અનિલભાઈએ  જો ધાર્યું હોત તો તેઓ રાજકારણમાં પણ લાંબી ઇનિંગ્સ રમી શક્યા હોત, પણ તેમના દિલમાં શિક્ષણનું કામ પ્રથમ નંબરે હતું. ગણપતભાઈની જેમ તેઓ પણ માનતા હતા કે કોઈ પણ પ્રજા કે સમાજે પ્રથમ નંબરે આવવું હોય તો શિક્ષણના માધ્યમથી જ આવી શકાય.

મહેસાણા નજીક નાનકડા ગામ ખેરવા ગામે 300 એકર જમીનમાં પથરાયેલી હજારો યુવાનોના જીવનમાં પરિવર્તન લાવી રહેલી ગણપત યુનિવર્સિટી એ અનિલભાઈની ગુજરાતને આપેલી અણમોલ ભેટ છે. ગણપતભાઈ અને અનિલભાઈ છેલ્લાં થોડાં વર્ષોથી દિવસ-રાત સતત ગણપત યુનિવર્સિટીના વિકાસની જ મથામણ કરતા હતા.કમનશીબે અનિલભાઈ પટેલનું 74 વર્ષે તારીખ ૮ મી ફેબ્રુઆરી ૨૦૧૮ ના રોજ પ્રોસ્ટેટના કેન્સરની બીમારીથી નિધન થતાં બે ઉત્તમ અને નિકટના મિત્રોની જોડી તૂટી હતી.

ગણપતભાઈનો પરિચય એમના મિત્ર અનિલભાઈના પરિચય વિના અધુરો રહે છે. એટલા માટે પદ્મશ્રી ગણપતભાઈ વિશેની અગાઉની પોસ્ટના અનુસંધાનમાં આ પોસ્ટમાં સ્વ. અનિલભાઈનો પરિચય કરાવવાનો ઉપક્રમ રાખ્યો છે.

સ્વ. અનિલભાઈ પટેલનો જન્મ તારીખ ૮ મી માર્ચ, ૧૯૪૪ ના રોજ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના લણવા ગામે થયો હતો.

અનીલ પટેલે પ્રાથમિક શિક્ષણ લણવામાં મેળવ્યા બાદ માધ્યમિક શિક્ષણ ઉત્તર ગુજરાતની છગનભાએ સ્થાપેલી જાણીતી વિદ્યા સંસ્થા કડી સર્વ વિદ્યાલયમાંથી મેળવ્યું હતું.

અનિલ પટેલ એન્જિનિયરિંગમાં માસ્ટર કરવા માટે અમેરિકા ગયા હતા. અભ્યાસ બાદ અનિલ પટેલે મહેસાણામાં આવી સમાજસેવાની શરૂઆત કરી હતી.તેઓ 38 વર્ષની ઉંમરમાં મહેસાણાની નાગલપુર કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી બન્યા હતા. ત્યારબાદ ૨૦૦૫ માં ગણપતભાઈની સાથે  એમણે મહેસાણા નજીક ખેરવા ગામે ૩૦૦ એકરના વિસ્તારમાં ગણપત યુનીવર્સીટીની સ્થાપના કરીને ગુજરાતમાં કેળવણીના ક્ષેત્રમાં ખુબ જ  અગત્યનું કાર્ય કર્યું છે.ગણપત યુનિવર્સિટી જેવી હાઇટેક વિદ્યા સંસ્થાના નિર્માણને કારણે અનિલભાઈ ‘વિદ્યા શિલ્પી’ તરીકે નામના અને પ્રતિષ્ઠા પામ્યા છે એ યોગ્ય જ છે.

અનિલભાઈની દુખદ વિદાય પછી ગણપત યુનિવર્સિટીના સ્થાપક સંવર્ધક અનિલભાઇ પટેલના જન્મદિને એટલે કે ૮ મી માર્ચે દર વર્ષે ”વિદ્યા શિલ્પી દિવસ ” તરીકે ઉજવવાનું યુનિવર્સિટીના બોર્ડ ઓફ ગવર્નર્સની સભામાં નક્કી કરવામાં આવ્યું હતું.

આ રીતે પ્રથમ વિદ્યા શિલ્પી દિવસે એટલે કે ૮મી માર્ચ ૨૦૧૮ થી ગણપત યુનીવર્સીટીને વિશ્વકક્ષાની બનાવવાના સ્વપ્ન સાથે શ્રી ગણપતભાઈ પટેલે યુનીવર્સીટીના બીજા પ્રેસીડન્ટ તરીકેની બટાન એમના મજબુત હાથમાં સંભાળી લીધી છે.

ગણપત યુનીવર્સીટીની વેબ સાઈટ પર મુકેલ નીચેના ચિત્રમાં દર્શાવેલ  આંકડાઓમાં મે ૨૦૧૮ સુધીમાં થયેલ પ્રગતિ જોઈ શકાશે.

(મોટા આંકડામાં વાંચવા માટે ચિત્ર પર ક્લિક કરો )

સ્વ. અનિલભાઈ પટેલ વિષે શ્રી રમેશ તન્નાનો વિગતવાર

પરિચય લેખ ..

       સ્વ.અનિલભાઈ પટેલ

જાણીતા પત્રકાર અને લેખક શ્રી રમેશ તન્નાએ સ્વ.અનીલ પટેલના અવસાન બાદ એમના વિષે એમનો પરિચય કરાવતો અને એમનાં કાર્યોને અંજલિ આપતો એક વિગતવાર લેખ અમેરિકામાંથી પ્રકાશિત થતા જાણીતા સામયિક ‘’ ગુજરાત ટાઈમ્સ’’માં લખ્યો હતો.

અનિલભાઈ અને તેમના ભાઈઓના અભ્યાસ માટે સમાજે જે આર્થિક મદદ કરી હતી તેનો પાકો હિસાબ રખાયો હતો. એક ડાયરીમાં એક-એક રૃપિયાની નોંધ રખાઈ હતી. અનિલભાઈ તથા ભાઈઓ બે પાંદડે થયા ત્યારે પાઈએપાઈ ચૂકવવામાં આવી હતી. અનિલભાઈએ તો સમાજે પોતાને ભણવા માટે જે મદદ કરી હતી તેનું ઋણ ગણપત યુનિવર્સિટી સ્થાપીને અદા કર્યું હતું. 

શ્રી રમેશ તન્નાના સૌજન્ય અને આભાર  સાથે ગુ.ટા.ની નીચેની લીંક પર ક્લિક કરીને આ લેખ વાંચી શકાશે.

 અનિલભાઈ પટેલે ગણપત યુનીવર્સીટી સ્થાપી સમાજે ભણવા માટે કરેલી મદદનું ઋણ અદા કર્યું છે. ..પરિચય લેખ ..શ્રી રમેશ તન્ના  

સૌજન્ય ..ગુજરાત ટાઈમ્સ – February 16, 2018

આ વિડીયોમાં ગણપત યુનીવર્સીટીના પ્રેસીડન્ટ શ્રી અનિલભાઈ પટેલને  છઠા પદવીદાન સમારંભમાં વક્તવ્ય આપતા જોઈ શકાશે.

Ganpat University 6th Convocation President Shri Anilbhai Patel 12 12 2012

આવા બીજા વિડીયો ગણપત યુનીવર્સીટીની યુ-ટ્યુબ વિડીયો ચેનલની આ લીંક પર ક્લિક કરીને જોઈ શકાશે.

અનીલ પટેલ/ગણપત યુનિવર્સિટી વિષે વિશેષ માહિતી સંદર્ભ … 

ગણપત યુનીવર્સીટી ની વેબ સાઈટ 

ગણપત યુનીવર્સીટી (વીકી પીડીયા …ગુજરાતીમાં )

ગણપત યુનીવર્સીટી ( વિકિપીડિયા ..અંગ્રેજીમાં )