પ્રેમનો રકાસ કેમ થયો અને કેમ વફાની આબરૂ ગઈ ? ‘મરીઝ’ ‘તબીબ’ કેવી રીતે થયા અને ઇલાજ કઇ રીતે પતી ગયો ? દર્દની શાન કઇ રીતે જતી રહી અને કઇ રીતે દવાની આબરૂ ગઇ ?
લોગ ઇન થયો રકાસ પ્રેમનો વફાની આબરૂ ગઈ. પીતા બધા થઈ ગયા, શૂરાની આબરૂ ગઈ. ‘મરીઝ’ બની ગયા ‘તબીબ’ અને પતી ગયો ઇલાજ. રહી ના શાન દર્દની, દવાની આબરૂ ગઈ. શૂન્ય પાલનપુરી
આજે ગુજરાતી ભાષાના આલા દરજ્જાના શાયર શૂન્ય પાલનપુરીની પુણ્યતિથિ. જેમણે એમ કહ્યું કે અમે તો કવિ કાળને નાથનારા… કવિ ખરેખર કાળને નાથનારો હોય છે. કાળને નાથવાનો અર્થ અહીં તેની સાથે બાથંબાથી કરવાનો નથી કે ઈશ્વર પેટલીકરની નવલકથામાં ચંદા નામની સ્ત્રી જે રીતે સાંઢને નાથે છે તે રીતે નાથવાનો પણ નથી. વાત સમયના પ્રવાહની છે.
કવિ કાળને એ રીતે નાથે છે કે તે કાળગ્રસ્ત થતો નથી. તેનું શરીર ચોક્કસ નાશ પામે છે. તેનું સર્જન જીવતું રહે છે. આપણે આપણા પ્રાચીન કવિઓને તેમના શરીરથી ઓળખતા પણ નથી.તેમના ચહેરા કેવા હતા તેની પણ જાણ નથી. પરંતુ તેમનું સર્જન આજે પણ આપણી વચ્ચે જીવે છે. કેમ કે તેમણે સર્જનથી કાળને નાથ્યો છે.
ગુજરાતી ગઝલના મોભાદાર આ શાયરનો જન્મ ૧૯૨૨ના રોજ અમદાવાદ જિલ્લાના લીલાપુર ગામે થયો હતો અને અવસાન ૧૭ માર્ચ ૧૯૮૭ના રોજ થયું હતું ૧૬ વર્ષની વયે ગઝલ લખવાની શરૂ કરનાર આ શાયરે આજીવન ગઝલની સાધના કરી.
એક વખત હરીન્દ્ર દવેને લખેલા પત્રમાં ગઝલસર્જન વિશે તેમણે જે લખેલું તે આજે પણ અનેક શાયરોને ઉપયોગી થાય તેમ છે. તેમણે લખ્યું હતું. ‘ગઝલકાર એ શબ્દનો શિલ્પી છે. એક શિલ્પકાર સુંદર પ્રેરણા થાય તો એ પ્રેરણાને આકાર દેવા તત્પર થાય છે.
પણ એ માટે એને શરીરશાસ્ત્ર (ચહર્ચાસઅ)નો અભ્યાસ હોવો જોઇએ. નહીંતર ક્યાંક પગ કરતા હાથ જાડો થઇ જાય. ક્યાંક દેહના પ્રમાણમાં માથું નાનું થઇ જાય. બાકી પ્રેરણા તો દૈવી જ હોય છે. ગઝલકારને ગઝલ લખવાની પ્રેરણા એ દૈવી ઘટના છે.
યાંત્રિકતા લાવવાની છે ફક્ત ગઝલ-કલા પૂરતી. એનાથી વધુ સપ્રમાણ લખી શકાય. ‘તેમની આ વાત પર ઘાયલ સાહેબે પણ મહોર મારી અને લખ્યું. ‘શૂન્ય દૈવી પ્રેરણાથી અધિક મહત્ત્વ સજ્જતાને આપે છે.’ અને તેમના ગઝલસર્જનમાં આપણે તે સજ્જતા જોઈ શકીએ છીએ.’
શૂન્ય સાહેબના ઉપરોક્ત મુક્તક પાછળ ગુજરાતી શાયરીનો એક છુપો પ્રસંગ પણ વણાયેલો છે. આ મુક્તક ખરેખર તો ચાર પંક્તિમાં સમાયેલી એક ઘટના સ્વરૂપે છે. જો કે હવે તે પ્રસંગ જગજાહેર છે.
સાહિત્યજગતનો ભાગ્યે જ કોઈ માણસ આ પ્રસંગથી અજાણ હશે. તેના વિશે ઘણી વાર વર્તમાનપત્રોમાં પણ લખાઈ ગયું છે. ચંદ્રશેખર ઠક્કુર નામના એક જ્યોતિષીએ રૂપિયા બે હજારમાં મરીઝની ગઝલો ખરીદી અને ‘દર્દ’ નામથી પોતાના નામે સંગ્રહ પ્રકાશિત કર્યો. ગઝલનો છંદ ન તૂટે તે માટે ‘મરીઝ’ની જગ્યાએ ઉપનામ ‘તબીબ’ રાખી દેવામાં આવ્યું. હવે થયું એવું કે આખી ઘટનાની જાણ શૂન્ય પાલનપુરીને થઈ.
આ વાત જાણી ગઝલને બંદગી માનનાર શાયર શૂન્ય સાહેબ ગુસ્સાથી રાતાચોળ થઇ ગયા. તે વખતે તે મુંબઇના અખબારમાં નોકરી કરતા હતા. ગુસ્સે ભરાયેલા શૂન્ય સાહેબે અખબાર માટે આ આખી ઘટનાની એક સ્ટોરી લખી. પછી તંત્રી દ્વારા ચંદ્રશેખર ઠક્કુરને ઓફિસમાં બોલાવ્યા. શૂન્ય સાહેબે લખેલી સ્ટોરી તેમને વાંચવા આપીને કહ્યું કે આવતી કાલે આ સ્ટોરી છપાવાની છે.
આ વાત સાંભળી ચંદ્રકાન્ત ઠક્કુર રડવા જેવા થઇ ગયા અને માફી માગવા લાગ્યા. ત્યારે શૂન્ય પાલનપુરીએ કહ્યું કે તમે અત્યારે જ એક ખુલાસો લખીને જાહેર કરો કે મારી ભૂલ થઇ ગઈ છે અને મારી તમામ ગઝલો મરીઝે લખેલી છે. ચંદ્રશેખર ઠક્કુર તૈયાર થઇ ગયા. બીજા દિવસે છાપામાં માફીનામું છપાયું અને આમ મરીઝની તમામ ગઝલો પાછી મળી. આ કામનો બધો યશ શૂન્ય પાલનપુરીને જાય છે.
આ ઘટના પછી શૂન્ય સાહેબે ઉપરોક્ત મુક્તક લખ્યું અને એક કાર્યક્રમમાં રજૂ કર્યું. પ્રેમનો રકાસ કેમ થયો અને કેમ વફાની આબરૂ ગઈ ? ‘મરીઝ’ ‘તબીબ’ કેવી રીતે થયા અને ઇલાજ કઇ રીતે પતી ગયો ? દર્દની શાન કઇ રીતે જતી રહી અને કઇ રીતે દવાની આબરૂ ગઇ ? તે બધી જ વાત માત્ર ચાર જ પંક્તિમાં તેમણે સાંકેતિક રીતે કહી દીધી. સમજનારા શાનમાં સમજી ગયા હતા.
આ તો એક પ્રસંગની વાત થઈ. તે સિવાય શૂન્ય સાહેબની અનેક ગઝલો, મુક્તકો અને શેર એટલા બધા લોકપ્રિય છે કે તેની યાદી માત્રથી લેખ પૂરો થઇ જાય. આજે જ્યારે તેમની પુણ્યતિથિ છે ત્યારે તેમની જ એક સુંદર ગઝલથી તેમને વંદન કરીએ.
લોગઆઉટ
કાંટાના ડંખ સાથે છે ફૂલોનું ઝેર પણ. વાળે છે શું વસંત ગયા ભવનું વેર પણ. તણખા છે સંસ્કૃતિના કળિયુગનો વાયરો. જંગલની જેમ ભડકે બળે છે શહેર પણ. દ્રષ્ટિની સાથ સાથ પડણ પણ છે આંખમાં. જ્યોતિની ગોદમાં છે તિમિરનો ઉછેર પણ. આવ્યા તમાશો જોયો અને લીન થઇ ગયા. ભૂલી ગયા કે પાછા જવાનું છે ઘેર પણ. શંકર બધું જ પી ન શક્યા ‘શૂન્ય’ એટલે. આવ્યું છે વારસામાં અમારે આ ઝેર પણ.
વારંવાર માણવી ગમે તેવી મરીઝ સાહેબની એક બેનમુન ગઝલ.
આ મોહબ્બત છે, કે છે એની દયા, કહેતા નથી.
એક મુદ્દત થઇ કે, તેઓ હા કે ના કહેતા નથી.
બે જણા દિલથી મળે તો એક મજલીસ છે ‘મરીઝ’
દિલ વિના લાખો મળે, એને સભા કહેતા નથી.
હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઇએ ; પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઇએ.
આધુનિક ગુજરાતી કવિતાના સક્ષમ કવિ, ગઝલકાર અને સાહિત્યકાર સ્વ.ચિનુ મોદી ના અવસાન બાદ એમના ખુબ જ નજીકના મિત્ર, હાસ્ય લેખક વિનોદ ભટ્ટ એમના નીચેના લેખમાં એમની રમુજી અને રમતિયાળ શૈલીમાં શ્રધાંજલિ આપે છે એ વાંચવા જેવી છે.
આ બન્ને સાહિત્યકારો હાલ આપણી સમક્ષ હાજર નથી . ચિનુ અને વિનુની આ જોડીનો સ્વર્ગમાં મિલાપ થયો છે. વિ.પ.
વારતા ચિનુ-વિનુની…વિનોદ ભટ્ટ
ચિનુ મોદી. હા, ડો. ચિનુ મોદી લગભગ દરેક બાબતમાં મારાથી ઘણો આગળ હતો. ખાવામાં-પીવામાં, હરવામાં-ફરવામાં, ચરવામાંય આગળ હતો. ને જવામાં પણ મોખરે રહ્યો, મારાથી તે દોઢેક વર્ષ નાનો હતો, જુનિયર હતો, તો પણ મારી સિનિયોરિટી તેણે ડુબાડી દીધી. તેનું હું કશું જ બગાડી ન શક્યો, હું તો શું, કોઇ એ જિદ્દી માણસને ફોસલાવી ન શક્યું. તેના કાનમાં બોલેલી કવિતાઓ પણ તેણે ન સાંભળી.
આમતો તુલના માટે ખાસ અવકાશ નથી, પણ ઉપરછલ્લી, જરાતરા સરખામણી કરીએ તો ચિનુના ને મારા બાપા, બંનેનો ગુસ્સો બહુ જલદ હતો, એનું કારણ કદાચ એ હશે કે બાળઉછેરનાં પુસ્તકો તે સમયમાં ખાસ પ્રગટ થતાં નહીં હોય ને બહાર પડ્યાં હશે તો પણ ફટકારવા આડે એ બંને પિતાશ્રીઓને એ વાંચવાનો સમય નહીં મળ્યો હોય. જોકે ચિનુના બાપા તેને બૂટે ને બૂટે મારતા. ને મારા બાપા મને ચંપલથી મારતા.
મને પ્રમાણમાં ઓછું વાગતું. ચિનુની ખબર નથી, પણ મને તો મારા બાપા કયા કારણે મારે છે એની ખબર પણ પડતી નહીં ને વધુ માર પડે એ બીકે માર મારવાનું કારણ જાણવાની હિંમત પણ મેં કરી ન હતી. અલબત્ત બંનેના પિતાઓની મહત્ત્વાકાંક્ષાઓ અલગ અલગ હતી. ચિનુના બાપુજી તેને આઇ.એ.એસ. ઓફિસર બનાવવા માગતા હતા ને મારા ફાધર મને વનેરુમાંથી એક નોર્મલ છોકરો બનાવવા ઇચ્છતા હતા. આઇ.એ.એસ. થવા માટેતો અમુક બૌદ્ધિક આંક જરૂરી હોય છે.
જ્યારેવનેરુને સામાન્ય માણસ બનાવવાની મહત્ત્વાકાંક્ષા જરા પણ વધારે નહીં હોય. છતાં બંને બાપા નિષ્ફળ નીવડ્યા. ફુલ્લી ફેલ થયા. જોકે ચિનુ છેલ્લાં કેટલાંય વરસથી SPIPAના આઇ.એ.એસ.ના વિદ્યાર્થીઓને ભણાવતો હતો. તેના બાપુજી હયાત હોત તો આ જાણીને ખુશ થયા હોત. બાપાઓ નાની વાતે રાજી થતા હોય છે. હા, ચિનુ મારાથી બે માર્ક આગળ હતો. S.S.C.માં ગુજરાતી વિષયમાં મારા પાંત્રીસ માર્ક હતા ને તેના સાડત્રીસ. અમે બંને સર એલ. એ. શાહ આર્ટ્સ કોલેજમાં સાથે હતા, પણ કોલેજમાં તે ભાગ્યે જ દેખા દેતો.
આચાર્યશ્રી એમ. એમ. ઠાકોર સાહેબે કૉલેજના વિદ્યાર્થીઓને મિત્રતાના દાવે એકવાર હળવાશથી કહ્યું હતું કે,
‘વહાલાં વિદ્યાર્થી ભાઇ-બહેનો, એક વાત યાદ રાખજો. આપણી કોલેજની સામે મ્યુનિસિપાલિટીએ હમણાં જ બગીચો બાંધ્યો છે અને શહેરીજનો આપણી કોલેજને કારણે એને લો-ગાર્ડનને બદલે લવ-ગાર્ડન કહે છે. તમે પણ ફ્રી પિરિયડમાં ત્યાં જવું હોય તો જજો. પણ એક વાત યાદ રાખજો આપણી પાસે મેટરનિટી હોસ્પિટલની સગવડ નથી.’
હા, અમારા બંનેમાં એ બાબતે સામ્ય છે કે અમે ઘણી કોલેજો બદલી હતી. મેં વિદ્યાર્થી તરીકે ને તેણે એક પ્રોફેસર લેખે અડધો-પોણો ડઝન કોલેજોને લાભ આપ્યો હતો. એ તો યુવાન કવિઓને કવિતા પણ શીખવતો. ***
અમારી કૃતિઓ છપાવવા ને એ દ્વારા નામ કમાવા અમે બંને સરખાં હવાતિયાં મારતા. ‘કુમાર’ કે ‘અખંડઆનંદ’ જેવાં સામયિકો તો અમારી સામે આંખ ઊંચકીને જોતાં સુધ્ધાં નહીં. શું થાય! પણ ચિનુ મારે ત્યાં સાઇકલ લઇને આવે.પછી અમે મેગેઝિનના તંત્રીની ઓફિસે પહોંચી જઇએ. અમે આને મૃગયા કહેતા. ભક્તિમાર્ગ કાર્યાલય મારા ઘરથી બહુ નજીક. ત્યાંથી ‘વિશ્વવિજ્ઞાન’ પ્રગટ થાય.
એના સંપાદક રમણ નાવલીકર અમને કામના માણસ તરીકે બરાબરના ઓળખે. ઑફિસની બાજુની એક ઓરડીમાં રમણભાઇ, તેમનાં પત્ની ને બે-અઢી વર્ષની નાનકડી દીકરી રહે. અમે જઇએ એટલે ગંજીફરાક ને પટાવાળો લેંઘો પહેરીને શાક સમારતા બેઠેલા પતિને આનંદથી તેમની પત્ની કહી દે કે પેલા બે આયા છે તે બકુડીને રાખશે, તમે જઇને ખંખોળિયું કરી આવો. અમારા નામની બહેનને ખબર નહોતી. અને આજ્ઞાંકિત પતિ અડધાં સમારેલ શાકની થાળી ને શાક માંડ કપાય એવું બુઠ્ઠું ચપ્પુ મારા હાથમાં મૂકીને ને રમાડવા માટે દીકરી ચિનુને સોંપીને સ્નાન કરવા જાય.
અમે બંને ઓશિયાળા ચહેરે એકબીજા સામે જોતા અમને સોંપાયેલ કામ કરીએ.લાલચ એટલી જ કે ‘વિશ્વવિજ્ઞાન’નો સંપાદક અમારી રચના સહાનુભૂતિથી વાંચે ને આવતા કે પછીના અંકમાં છાપે-સભાર પરત ન કરે. લેખક થવા માટે અમે આવી લાચારી પણ વેઠી છે.
***
ચિનુને લાભશંકરનો પરિચય મેં કરાવેલો. આદિલ મન્સૂરીને લઇને તે મારા ઘેર બે-ત્રણ વાર આવેલો, પણ એ છોકરડો આદિલ મારા સ્મરણમાં નથી. તેના પાલડી ગામ વાળા ઘેર ગયાનું કે તેનાં માતા-પિતાને મળવાનું બન્યું નથી. ચિનુની મધર બંદૂક રાખતી, પણ મા જ્યારે એ બંદૂક સાફ કરવા, સર્વિસ કરવા બહાર કાઢતી ત્યારે ચિનુ ઘરની બહાર સરકી જતો. એનું કારણ એ કે ગુજરાતી સાહિત્યે એક સશક્ત સર્જક વગર ચલાવી લેવું ન પડે.
ચિનુએ તેની આત્મકથા ‘જલસા અવતાર’માં નોંધ્યું છે કે તેની મા ધનાઢ્ય કુટુંબની એકમાત્ર સંતાન હતી તો પણ ચિનુના બાપુજીથી તે બહુ બીતી. પણ પછી બાપુજીના અવસાન બાદ સ્પ્રિંગ ઉપરથી દબાણ ખસી ગયું. એની મધર ઘેર આવતા બધા કવિઓને નખશિખ ઓળખતી ને જે તે કવિ વિશેનો પોતાનો મત મોઢામોઢ પ્રગટ કરતી. આદિલ મન્સૂરીને તો જોતાં વેંત ચોપડાવતી: ‘સાલા મિયાં, તેં જ મારા દીકરાને બગાડ્યો.’
આનો અર્થ એ થયો કે બગડવાની બાબતમાં ચિનુ ચંદ્રકાન્ત બક્ષી જેવો સ્વાવલંબી નહોતો, કોઇની મદદની તેને જરૂર હતી. નાટ્યકાર સુભાષ શાહને તે ગિલિન્ડર કહેતી. (માં કભી જૂઠ નહીં બોલતી, સુભાષ પ્લીઝ ટેઇક ઇટ ઇઝી).
***
મિત્રો, એ તમે જોયુંને કે લેખક બનવા માટે અમે બંનેએ કેવાં કેવાં ‘તપ’ કરેલાં! એ વાત જવા દો. (જોકે ‘એ વાત જવા દો’ કવિમિત્ર અનિલ જોશીનો તકિયા કલામ છે. તે કોઇ અગત્યની વાત કર્યા પછી તરત જ આ વાક્ય બોલે છે). હા, પણ એ વાત જવા દેવા જેવી નથી કે અમે બંને જોતજોતામાં મહાન સર્જક તો બની ગયા. અલબત્ત અમે બંને મહાન સર્જકો છીએ એ હકીકતની અમારા બે સિવાય કોઇને આજેય ખબર નથી. હશે. સો-દોઢસો વરસ પછીય કોઇને આ માહિતી મળશે તો પણ અમે અમારું લખ્યું ને રમણ નાવલીકરની બેબલીને રમાડ્યું વસૂલ માનીશું.
***
ચિનુ અને વિનુ એકબીજાના ગાઢ મિત્ર હતા એટલે તો અમારી વચ્ચે નાની મોટી માલ વગરની વાતમાં ઠેરી જતી. 30મી સપ્ટેમ્બરે તેનો જન્મ દિવસ.2016ની તેની વર્ષગાંઠ નિમિત્તે વિનુ-ચિનુની જુગલબંધીના કાર્યક્રમનો પ્રસ્તાવ લઇને તે મારી પાસે આવ્યો. હુકમ કર્યો કે આપણે બંને સ્ટેજ પર સાથે બેસીને, ‘તને સાંભરેરે, મને કેમ વિસરેરે’ની વાતો કરીશું. મેં તરત જ હા પાડી. પણ એક ઓડિટ કાઢ્યું:
‘ચિનિયા, આ કાર્યક્રમ તારા જન્મદિન નિમિત્તે છે એટલે તારું નામ પહેલું હોય, ‘ચિનુ-વિનુની જુગલબંધી.’ મારી સામે એઝ યુઝવલ, સ્થિર આંખે જોઇ તે ડોમિનેટિંગ અવાજે બોલ્યો. ઉંમરમાં તે મારા કરતાં લગભગ દોઢ વર્ષ નાનો હોવા છતાં સર્જક લેખે દોઢેક કિલોમીટર મોટો હોવાથી મેં ચૂપ રહેવાનું પસંદ કર્યું. એનું બીજુંને મોટું કારણ એ કે મારો ચિનિયો ભારે રીસાળ.
તેની આગળ જીદ કરવા જતાં કાર્યક્રમનાં કાગળિયાં ફાડીને ચાલવા માંડે. બાળક આગળ બાળક થવું વિનુને કેમનું ગમે! અહીં જેવા સાથે તેવા થવાય એવું ન હતું. પણ તે ઉદાર ઘણો. હા, એક વાર તેને મેં દુભવેલો ખરો. જેના ઘાની વાત તેણે આત્મકથામાં એક જ વાક્યમાં નોંધી છે. તેણે બીજાં લગ્ન કર્યાં એ સામે મારો ખાસ વાંધો ન હતો. (કયા મોઢે હું વાંધો ઉઠાવું?). પણ બીજાં લગ્ન કરવા માટે તે ઇર્શાદ એહમદ બની ગયો એ મને જરાય નહોતું ગમ્યું. મારા ભાગનો અડધો ચિનુ ગુમાવવાનું મને પાલવ્યું ન હતું.
આ કારણે થોડા ગુસ્સામાં અને વધારે તો વેદનાથી એક લેખ મેં મારી કોલમમાં ફટકારેલો, જાણે હું ચિનુને ફટકારું છું. લેખનું શીર્ષક હતું: ‘જૂની કહેવત છે. ‘શીરા માટે શ્રાવક બનવું.’ નવી કહેવત: ‘બિરિયાની માટે ઇર્શાદ થવું.’ મારો આ પ્રહાર વાંચતી વખતે ચિનુને ચચરેલો,પણ એ લખતી વેળાએ ચિનુના વિનુને એ કેટલો ચચર્યો હતો એની તો ખુદ ચિનુને પણ એ સમયે જાણ નહોતી. બાય ધ વે, મારી નાની સગ્ગી બહેનનું નામ પણ હંસા હતું.’
જોકે આ જ ચિનુને તેની પત્ની હંસાએ સાચા પ્રેમ અને ફટકિયા પ્રેમ વચ્ચેનો ભેદ, ચિનુને સાચકલો પ્રેમ આપીને સમજાવેલો, ને ચિનુએ શબ્દોમાં અપરાધભાવ ભીની આંખે વ્યક્ત કરીને પોતાને તુચ્છ લાગ્યો હોવાનું આત્મકથામાં કબૂલ્યું છે. હું સાહિત્ય પરિષદનો પ્રમુખ થયો એ ચિનુને ગમ્યું નહોતું. આ ગુના માટે મારી જોડે થોડોક સમય બોલવાનું પણ તેણે બંધ કર્યું હતું ને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પરિષદ માટે મને રૂપિયા 51 લાખનું મોટું ડોનેશન આપ્યું ત્યારે ચિનુએ મને અણગમાથી જાહેરમાં કહેલું કે ‘લ્યા વિનોદ ગાયને દોહીને કૂતરાંને પાવાનો કોઇ અર્થ ખરો?’
એના મરવાના થોડા વખત પહેલાં તેણે મારા બરડા પર પ્રેમથી ધબ્બો મારતાં કહ્યું કે મારી ગાયને દોહીને-વાળી કહેવત સાચી પડીને! લાગે છે કે ચિનુ દૂ…રનું જોઇ શકતો હોવો જોઇએ. તે જ્યોતિષ સારું જોતો હતો. એક પોતાનું ભવિષ્ય બાદ કરતાં ઘણાનું તેણે ભાખેલ ભવિષ્ય લગભગ સાચું પડતું. એક પોતાની કુંડળી જોવામાં તે માર ખાઇ ગયો. તેને તો 94 વર્ષ જીવવાનું વચન ખુદ તેના ગ્રહોએ આપ્યું હતું- પછી એ ફરી ગયા!’
***
તેનો શુક્ર ઘણો બળવાન હતો. તે જાહેરમાં કહેતો કે ગુજરાતી સાહિત્યના કોઇ પણ સર્જક કરતાં આ ચિનુ મોદીએ બહુ જલસા કર્યા છે. કદાચ આ વિધાન જ તેને નડ્યું છે, આ જલસા અવતારે ઘણાં બધાંનાં મનમાં ઇર્ષ્યાભાવ પેદા કર્યો. ‘ચિનુ ભાઇ’ સાબ બહુ લિસ્સો’ કહેનાર આપણે તેનાથી જરાય ઓછા લિસ્સા નથી, પણ વાત જાણે એમ છે કે તકના અભાવે આપણામાંના કેટલાક પોતાનું ચરિત્ર્ય ટકાવી શક્યા છે. બાકી વિનુમાં પણ ચિનુ કાયમ લાગ જોઇને બેઠેલો હોય છે.
જોકે ગુજરાતી છાપાઓની કૉલમ્સ વાંચતાં તેમજ શોકસભાના અહેવાલો જોતાં સમજાય છે કે ચિનુની સર્જકતાને બદલે વધારે મહિમા તેની ઇતર પ્રવૃત્તિઓનો વધારે થયો છે. કોઇ એક યુનિવર્સિટી તૈયાર કરી શકે એનાથી વધુ યુવાન શક્તિશાળી કવિઓ ચિનુએ એકલા હાથે તૈયાર કરી આપ્યા છે. સાહિત્યના લગભગ બધાં જ સ્વરૂપોમાં તેણે તગડું કામ કર્યું છે. તે નાટકો પણ ઝડપથી લખી શકતો. એક વાર થોડા યુવાન છોકરા-છોકરીઓ જ ચિનુને ઘેરી વળ્યાં. કહે: ‘ચિનુકાકા, અમારે ઝડપથી ભજવવા માટે એક એકાંકી નાટક જોઇએ છે. ચિનુના હાથમાં ગુજરાતના માહિતી ખાતાનો અંક હતો.
તેણે એક દીકરીના હાથમાં અંક મૂક્યો. કહ્યું: ‘ગમે તે પાનું ખોલ ને જે વંચાય એ બોલ. એના પર હું એકાંકી લખી આપીશ.’ દીકરીએ અંકની વચ્ચેનું એક પાનું ખોલ્યું. બોલી: ‘ઝાલ્યાં ન રહ્યાં.’ બીજે દિવસે ચિનુલાલે આ જ વિષય ‘ઝાલ્યાંન રહ્યાં’ પરનું નાટક છોકરાંના હાથમાં મૂકી દીધું. બાય ધ વે, આવી વિરલ ટેલેન્ટ ઉર્દૂ વાર્તાકાર સહાદત હસન મન્ટોમાં હતી. પણ ચિનુની આવી બધી પોઝિટિવ વાત લખવામાં આપણો T.R.P. તે કંઇ વધતો હશે? – જવા દો એ વાત.
પણરહી રહીને અત્યારે હાસ્યકાર જ્યોતીન્દ્ર દવે યાદ આવી ગયા. ‘શીલ અને સાહિત્ય’ની વાત કરતાં તેમણે એકવાર કહ્યું હતું કે,
‘આપણે કુંભારને ત્યાં માટલું લેવા જઇએ છીએ ત્યારે માટલું કેટલું મજબૂત ને ટકાઉ છે એ તપાસવા આપણે માટલા પર ટકોરા મારીએ છીએ, કુંભારના માથા પર નહીં. (તેજીને તો બસ, એક જ ટકોરો પૂરતો છે).’
*** યાદ આવ્યું: મારી ચિતા પર વૃક્ષ કાપીને તેનાં લાકડાં ગોઠવશો નહીં, કદાચ આવતા જન્મે મને પંખીનો અવતાર મળે તો હું માળો ક્યાં બાંધીશ?’
– ચિનુ મોદી
તેને ચિનુ મોદી થઇને બળવું નહોતું તેમજ ઇર્શાદ એહમદ બનીને દટાવું નહોતું એટલે તો તેણે દેહદાન કર્યું-કેવો ચતુર વાણિયો! –વિનોદ ભટ્ટ
ચિનુ મોદીની એક રચના …
વસવસો – ચિનુ મોદી ‘ઈર્શાદ’
રહે એ જ ‘ઇર્શાદ’ને વસવસો, કહી ના શક્યો કોઇને કે ખસો…
અહીં તહીં-અત્ર તત્ર આપણું હૃદય ખોલ્યા ન કરવું, એવી મીઠી સલાહ આપણા વરિષ્ઠ કવિશ્રી રાજેન્દ્ર શાહ આપે છે…
બોલીએ ના કંઇ આપણું હૃદય ખોલીએ ના કંઇ વેણને રે’વું ચૂપ નેણ ભરીને જોઇ લે વીરા વેણના પાણી ઝીલનારું તે સાગર છે વા કૂપ… બોલીએ ના કંઇ!
આપણી વ્યથા, અવરને મન રસની કથા ઇતરના કંઇ તથા, જીરવી એને જાણીએ વીરા! પ્રાણમાં જલન હોય ને તોય ધરીએ શીતલ રૂપ… બોલીએ ના કંઇ!
હૃદય તો કેટલી રૂડી રચના છે કુદરતની? પરંતુ આપણે જ ઘડીએ ઘડી આપણા જ હૃદય પર હુમલો કરતા રહીએ છીએ!
આજે તો ‘વાતનું વતેસર’ થવાનો માહોલ છે, તો ક્યાંક નહીં ચોતરફ આજે ‘વાતુનાં વડાં’ કરવાની મોસમ છે. જ્યારે ‘વાતમાં કંઇ માલ નથી’ ત્યારે પછી આપણી વાતોની વાત માંડીને જાતને શા માટે પરેશાન કરવી? અને હૃદય તો કેટલી રૂડી રચના કુદરતની? પણ આપણને તો ‘હૃદય’ જોડે તરત જ યાદ આવે ‘હૃદયરોગ’… Heart પછી સીધો Heart Attack! એટલે હૃદય નિચોવીને કે હૈયું ઠાલવીને વાત કરી શકાય એવી પણ સ્થિતિ નથી. હકીકતમાં, આપણું હૃદય આપણા પર હુમલો નથી કરતું પણ આપણે જ ઘડીએ ઘડી આપણા હૃદય પર હુમલો કરતા રહીએ છીએ. ન કરવા જેવું કરીને- ન વિચારવા જેવું વિચારીને-ન બોલવા જેવું બોલીને-ન વર્તવા જેવું વર્તીને ને ન જીવવા જેવું જીવીને આપણે હાર્ટ પર એટેક કરતા રહીએ છીએ ને? બાકી બચે છે તો નજદીકના લોકો હુમલા કરે છે ને હૃદયને ઠેસ પહોંચાડ્યા કરે છે. ‘હૃદય ખોલવું નહીં’ એવું કવિ કહે છે તેનું હાર્દ આ છે.
અને હૃદય ઠાલવવા કોઇ વ્યક્તિ કે કોઇ અંગત ખૂણો તો જોઇએ ને! આજે મિત્રો-ફન-સગાં-વહાલાં તો અઢળક છે પણ જેની પાસે દિલ ખોલીને વાત કરી શકાય તેવો એક નીજી જીવ ક્યાં? પાંડુરંગદાદાને વર્ષો પહેલાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ડી.લીટ. ડોક્ટરેટ ઓફ લિટરેચર, માત્ર ડોક્ટરેટ નહીં!)ની ઉપાધિ અર્પણ કરી ત્યારના ભવ્ય સમારોહનું સંચાલન કરવાનો લહાવો મને મળેલો. હજારો સ્વાધ્યાયીઓ દાદાને સાંભળવા હાજર હતા.
મને બરાબર સ્મરણ છે કે એમાં પાંડુરંગદાદા બોલ્યા ન હતા, માત્ર રડ્યા હતા! એમણે આરંભમાં જ કહ્યું: ‘મૈં આજ બોલને નહીં, આપકે પાસ રોને આયા હૂં. બોલું તો સુનનેવાલે લાખોં હૈ લેકિન રોના ચાહું તો કિસકે પાસ રોઉં? કૌન સમજેગા મેરા દર્દ? કૌન પીએંગે મેરે આંસુ?’
જેમના જીવનને એક બદલાવ આપ્યો છે તેવા અઢળક અનુયાયીઓ હોવા છતાં પાંડુરંગદાદાની આ વ્યથા!! રાજકોટના એક જાહેર કાર્યક્રમમાં લોકશિક્ષક શ્રી મોરારિબાપુએ પણ કહેલું કે: ‘આજના સમયની મોટામાં મોટી ક્રાઇસિસ એ છે કે બેસવું તો કોની સાથે બેસવું?’ વાત સાચી છે. અંગત ને પોતીકો માની જેની પડખે બેઠા છીએ એ સાચુકલો જ નીકળશે તેની ખાતરી શું?
કદાચ એટલે જ પુષ્પ અંધકારમાં ખૂલે છે કે પોતાની પીડા કોઇ જોઇ ન લે. ખીલવાની નજાકત દિવસના અજવાળામાં સૌ સમક્ષ પાથરી દે છે.
કોઇ એક બંધ કળીને અનિમેષ જોયા કરો તો પણ એ કળી જ્યારે ખુલીને પુષ્પત્વ પ્રગટ્યું એ ક્ષણ તમે પકડી નહીં શકો! આ જ તો છે અસ્તિત્વની લીલા! આપણે આપણા સ્વ-રૂપ સિવાય અન્ય સ્થાને આપણા સ્વરૂપને પામવાનો પ્રયત્ન કરીએ તો તે કેવી રીતે પામી શકીએ? એટલું સમજી લેવામાં શાણપણ છે કે: જે જ્યાં નથી, ત્યાં તે કદી ન મળે!
bhadrayu2@gmail.com
સૌજન્ય … દિવ્ય ભાસ્કર ..
અમદાવાદ : *માનસ-નવજીવન શ્રી રામકથા* દરમ્યાનની સાંધ્ય ગોષ્ઠિમાં *પ્રિય-પૂજ્ય મોરારિબાપુ* ના સાનિધ્યે *ભદ્રાયુ વછરાજાની* નું વક્તવ્ય :
વિષય હતો : *વાત હૃદય નીચોવીને..* (૨૮-૦૨-૨૦૧૯)..
અહોભાવ સાથે હાર્દિક સૌજન્ય: *સંગીતની દુનિયા, મહુવા* ..
અત્યંત ગરીબ છોકરીએ દેશનું નામ રોશન કર્યું! સુખનો પાસવર્ડ-આશુ પટેલ
રમતગમતક્ષેત્રે દુનિયાભરમાં ભારતનું નામ રોશન કરનારી હિમા દાસની અનોખી જીવનકથા વાચકો સાથે શેર કરવી છે.
૯ જાન્યુઆરી, ૨૦૦૦ના દિવસે આસામના નાગાવ જિલ્લાના ઢિંગ શહેરની નજીકના કંધુલીમારી નામનાં નાનકડાં ગામમાં રંજિત અને જોનાલી દાસના ઘરે જન્મેલી હિમા દાસ તેના પાંચ ભાઈ-બહેનોમાં સૌથી નાની હતી. તેનાં માતા-પિતા ખેતી કરતાં હતાં. હિમાનું કુટુંબ અત્યંત ગરીબ હતું અને માટી અને ઈંટોથી બનાવેલા ઘરમાં રહેતું હતું. તે માત્ર ૧૨ વર્ષની હતી ત્યારથી જ તેના પિતાને ખેતરના કામમાં મદદરૂપ બનવા લાગી હતી. તે તેના પિતાની સાથે ખેતરમાં જતી હતી અને ખેતરમાં બધાં પ્રકારનાં કામ કરતી હતી. તે ઘણી વખત તેના પિતાને કહેતી કે તમે આરામ કરો. હું ખેતરનું કામ સંભાળું છું. તો ખેતરમાં ચોખાનું ઉત્પાદન થાય એને ઘરે પહોંચાડવા માટે પણ તે તનતોડ મહેનત કરતી હતી. ખેતરમાં તૈયાર થયેલા ચોખા ઘરે લઈ જવા માટે તેના કુટુંબ પાસે કોઈ વાહન નહોતું એટલે તે ચોખાની ગુણીઓ સાઈકલ પર લઈ જઈને ઘર સુધી પહોંચાડતી હતી.
હિમાનાં માતા-પિતાને પણ સ્પોર્ટ્સ પ્રત્યે લગાવ હતો એટલે તેઓ તે નાની હતી ત્યારથી જ તેને રમતગમતક્ષેત્રમાં રસ લેવા પ્રેરણા આપતાં હતાં. હિમાને સ્કૂલનાં શરૂઆતનાં વર્ષોમાં ફૂટબોલ પ્રત્યે આકર્ષણ હતું. તે તેની સ્કૂલમાં છોકરાઓ સાથે ફૂટબોલ રમતી હતી. તે ફૂટબોલ પ્લેયર તરીકે કરીઅર બનાવવા ઈચ્છતી હતી, પરંતુ તે થોડી મોટી થઈ એ પછી તેને લાગ્યું કે ભારતમાં મહિલાઓ માટે ફૂટબોલની રમતમાં અવકાશ નથી. એ દરમિયાન તેને એક ટીચરે સલાહ આપી કે તું દોડવાની પ્રેક્ટિસ કર. તું દોડની સ્પર્ધામાં ઊતરીશ તો તું ઘણી આગળ નીકળી શકશે. એટલે તેણે દોડવીર બનવાનું નક્કી કર્યું.
હિમાએ દોડવીર બનવાનું નક્કી કર્યું એ પછી તે રોજ સવારે ચાર વાગ્યે ઊઠીને તેના પિતાની સાથે દોડવા જતી હતી. જો કે પછી એક સમય એવો આવ્યો કે ક્યારેક તેના પિતા ચાર વાગે ઊઠે તે અગાઉ જ દોડવા માટે જતી રહી હોય! હિમા તેના પિતા સાથે વહેલી સવારે ઊઠીને દોડવા જતી ત્યારે સ્વાભાવિક રીતે તેના નાનકડા ગામમાં દોડવા માટે ટ્રેકની સુવિધા નહોતી. તેઓ ગામની બહારની ઊબડખાબડ જમીન ઉપર કે ખેતરોમાં દોડતાં હતાં. જોકે એવી સ્થિતિમાં પણ હિમાનો ઉત્સાહ ઓછો થયો ન હતો.
હિમા કિશોરાવસ્થાથી જ બીજી છોકરીઓ કરતાં જુદી પડવા લાગી હતી. તે જ્યારે નવમા ધોરણમાં ભણતી હતી ત્યારે તેના એક સહાધ્યાયીની તબિયત લથડી હતી એ વખતે તે તેને ઊંચકીને સ્કૂલથી હોસ્પિટલ સુધી લઈ ગઈ હતી. તેણે તેના ગામમાં દેશી દારૂ વેચાતો બંધ કરવા માટે દેશી દારૂનાં પીઠાઓ વિરુદ્ધ આંદોલન ચલાવ્યું હતું. તેણે અન્ય મહિલાઓ સાથે મળીને દારૂનો ધંધો કરતા ખેપાનીઓને ગામમાં દારૂ વેચવાનું બંધ કરી દેવા ચેતવણી આપી હતી. પરંતુ દારૂ વેચવાનો ધંધો કરનારાઓએ તેની વાત માની નહોતી. એ પછી જ્યારે તેને ખબર પડતી કે તેના ગામના અમુક માણસો દારૂ વેચી રહ્યા છે ત્યારે તે મહિલાઓની ટુકડી લઈને એ જગ્યાએ પહોંચી જતી. દારૂનું વેચાણ બંધ ન થયું એટલે હિમા ગામની છોકરીઓ અને મહિલાઓને ભેગી કરીને જ્યાં દારૂનું ઉત્પાદન થતું હતું એ દારૂની ભઠ્ઠી પર ધસી ગઈ હતી અને તેની
મહિલાસેનાએ દારૂની એ ભઠ્ઠી અને ત્યાં પડેલા દારૂના જથ્થાનો નાશ કરી દીધો હતો!
હિમા જ્યારે ઢિંગ નવોદય વિદ્યાલયમાં ભણવા માટે ગઈ ત્યારે સમસુલ હક નામના તેના એક શિક્ષકે તેને સલાહ આપી હતી કે તું નાગાવ જઈને ત્યાં સ્પોર્ટ્સ ટીચર ગૌરીશંકર રોયને મળ. હિમા તેના પિતા સાથે નાગાવ જઈને ગૌરી શંકર રોયને મળી હતી. તે તેના પિતા સાથે નાગાવનાં સ્ટેડિયમમાં જઈને રોયને મળી ત્યારે તેમણે તેને કહ્યું હતું કે મને દોડીને બતાવ. હિમાની દોડવાની ગતિ અને સ્ફૂર્તિ જોઈને તેમણે તેની ડિસ્ટ્રિક્ટ ઍથ્લેટ ટીમ માટે પસંદગી કરી હતી. એ પછી હિમા દાસે સ્પર્ધાઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું અને માત્ર માત્ર તેર વર્ષની ઉંમરે પ્રથમ ગોલ્ડમેડલ જીતી લીધો હતો.
એ પછી તો હિમા ઝડપથી આગળ વધતી ગઈ. તે ટૂંક સમયમાં નેશનલ લેવલ પર રમવા લાગી હતી. નેશનલ લેવલ પર ઝળક્યા બાદ બહુ ટૂંકા સમયમાં તે ઈન્ટરનેશનલ લેવલ પર દેશનું પ્રતિનિધિત્વ કરવાની તેને તક મળવા લાગી.
હિમાએ એપ્રિલ, ૨૦૧૮માં ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લીધો હતો અને તે ફાઈનલમાં પહોંચી હતી જેમાં તેણે ૫૧.૩૨ મિનિટમાં ૪૦૦ મીટરની દોડ પૂરી કરી હતી. તે માત્ર ૧.૧૮ સેક્ધડના તફાવતથી ગોલ્ડ મેડલ ચૂકી ગઈ હતી. એ વખતે તેની અને ગોલ્ડ મેડલ વિજેતા બનેલી બોટ્સવાનાની અમાન્તલે મોન્ટ્શો વચ્ચે માત્ર એક પોઈન્ટ સત્તર સેક્ધડનો તફાવત હતો. જો કે થોડા મહિનાઓ બાદ ફિનલેન્ડના ટેમ્પેરમાં ૧૨ જુલાઈ, ૨૦૧૮ના દિવસે યોજાયેલી વર્લ્ડ અન્ડર ટ્વેેન્ટી ચેમ્પિયનશિપમાં તેણે ૪૦૦ મીટર દોડ સ્પર્ધા ૫૧.૪૬ સેક્ધડમાં પૂરી કરીને ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. એ સાથે તે ભારતની પ્રથમ દોડવીર બની હતી જેણે ગોલ્ડ મેડલ મેળવ્યો હોય!
એ પછી બીજા જ મહિને હિમાએ ઍશિયન ગેમ્સમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ૨૬ ઓગસ્ટ, ૨૦૧૮ના દિવસે ૪૦૦ મીટરની દોડ ૫૦.૭૯ સેક્ધડમાં પૂરી કરીને નવો ઈન્ડિયન નેશનલ રેકોર્ડ બનાવ્યો હતો. એ સાથે તેણે સિલ્વર મેડલ જીતી લીધો હતો.
તેણે જુલાઈ, ૨૦૧૩માં યોજાયેલી અંડર-ટ્વેેન્ટી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો એ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેને અભિનંદન આપ્યા હતા. આ ઉપરાંત આસામ સરકારે તેને આસામની પ્રથમ બ્રાન્ડ ઍમ્બેસેડર ફોર સ્પોર્ટ્સ બનાવવાની જાહેરાત કરી હતી.
હિમાએ ગોલ્ડ મેડલ જીતીને રેકોર્ડ કર્યો એ સાથે તેના આર્થિક સંઘર્ષનો પણ અંત આવી ગયો હતો. તેના પર ઈનામોની વર્ષા થઈ હતી. અને જગવિખ્યાત બ્રાન્ડ અડિડાસે એની જાહેરાતોમાં મોડેલ બનવા માટે હિમા સાથે તગડી રકમનો કોન્ટ્રેક્ટ કર્યો હતો.
જો કે જ્યારે હિમા વિશ્ર્વવિક્રમ કરી રહી હતી ત્યારે તેના કુટુંબે પાડોશીના ઘરે જઈને તેને સ્પર્ધામાં ભાગ લેતા જોવી પડી હતી કારણ કે તેના ઘરમાં ટીવી નહોતું! હિમાનાં વતન એવા ખોબા જેવડા કંધુલિમારી ગામમાં માંડ સો જેટલાં કુટુંબો જ રહે છે. એ ગામ વિશે દેશમાં કોઈને ખબર નહોતી, પરંતુ હિમાએ વર્લ્ડ રેકોર્ડ કર્યો એ સાથે તેનાં ગામમાં કેટલાય રાજકારણીઓ, પત્રકારો અને અન્ય ઘણા લોકો હિમાને મળવા માટે ધસી ગયા હતા. હિમા વર્લ્ડ રેકોર્ડ કરીને ગામ પાછી આવી ત્યારે ગામના લોકોએ એન્ટ્રી પોઈન્ટ પર બેનર સાથે ઊભા રહીને તેનું સ્વાગત કર્યું હતું.
હિમાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ગોલ્ડમેડલ મેળવ્યો એ પછી ૨૫ સપ્ટેમ્બર, ૨૦૧૮ના દિવસે આપણા દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દના હાથે પ્રતિષ્ઠિત અર્જુન એવૉર્ડ આપીને તેને સન્માનિત કરાઈ હતી. તો ૧૪ નવેમ્બર, ૨૦૧૮ના દિવસે યુનિસેફ દ્વારા તેને ભારતની સૌ પ્રથમ યુથ ઍમ્બેસેડર જાહેર કરાઈ હતી.
હિમાએ ‘મોન જય’ નામનું એક ગ્રુપ બનાવ્યું છે, જે લોકોને મદદરૂપ બનવા માટે આતુર રહે છે. જેનો અર્થ થાય છે કે ‘હું કરવા ઈચ્છું છું’ ૨૦૧૩માં ગામના છ ફ્રેન્ડની મદદથી તેણે આ ગ્રુપ શરૂ કર્યું હતું. ૨૦૧૬થી આ ગ્રુપની પ્રવૃત્તિઓ વેગીલી બની હતી. આ ગ્રુપ ઘણાં સામાજિક કાર્યો કરે છે. હિમા ઈન્ટરનેશનલ સ્તરે ગોલ્ડ મેડલ જીતનાર માત્ર બીજી આસામીઝ ઍથ્લેટ છે. તેની અગાઉ માત્ર એક આસામીઝ ઍથ્લેટ ભોગેશ્ર્વર બરુઆએ ઈન્ટરનેશનલ ગોલ્ડ મેડલ જીત્યો હતો. એ એવૉર્ડ તેમણે બેંગકોકમાં ૧૯૬૬માં યોજાયેલી ઍશિયન ગેમ્સમાં મેળવ્યો હતો.
હિમાની નજર હવે ટોક્યો ઓલિમ્પિક્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરીને ગોલ્ડ મેડલ જીતવા પર મંડાયેલી છે. હિમાની નાની બહેન રિન્તી પણ હિમાની જેમ દોડવીર બનવા માગે છે
‘ઢિંગ એક્સપ્રેસ’નાં હુલામણા નામથી મશહૂર બની ગયેલી ઍથ્લેટ હિમા દાસ દેશની સંખ્યાબંધ કિશોરીઓ અને યુવતીઓ માટે રોલ મોડેલ અને પ્રેરણાસ્ત્રોત સમી બની ગઈ છે. વ્યક્તિ નિશ્ર્ચય કરી લે તો અત્યંત વિષમ સ્થિતિમાં પણ પોતાનો રસ્તો કાઢીને અકલ્પ્ય સિદ્ધિ મેળવી શકે છે એનો પુરાવો હિમા દાસ છે.
બ્લોગ વિશ્વમાં જાણીતા મારા સહૃદયી મિત્ર અને આ બ્લોગના સહ સંપાદક શ્રી સુરેશ જાનીની પસંદગીની બે ગઝલ રચનાઓ અને એનું સુંદર ગઝલાવલોકન જાણીતા બ્લોગ ”વેબ ગુર્જરી”ની બે પોસ્ટમાં પ્રકાશિત થયું છે .મને એ વાંચતાં જ ગમી ગયું.
વેબ ગુર્જરી અને અવલોકનકાર સુરેશભાઈના આભાર સાથે એને વિ.વિ.ના વાચકો માટે અત્રે પુનઃ પ્રગટ કરેલ છે.
આમે ય શ્રી સુરેશભાઈ આંખો ઉઘાડી રાખી અવલોકન કરવાનો કુદરતી શોખ ધરાવનાર જાગૃત વ્યક્તિ છે એ એમની ”મારાં અવલોકનો ” ની ઈ-બુકોના લેખો વાંચવાથી સહેજે ખ્યાલ આવી જશે.
વિનોદ પટેલ
બે ગમતીલી ગઝલો અને એનું સુંદર ગઝલાવલોકન … સુરેશ જાની
સૌજન્ય/સાભાર … વેબ ગુર્જરી …
ગઝલાવલોકન – ૧ :
ગઝલ ..”ગમતાંનો કરીએ ગુલાલ”…. મકરંદ દવે
ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીયે ને ગમતાંનો કરીએ ગુલાલ
આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી સમદરની લ્હેર લાખ સૂણી ક્યાંય સાંકળી ખાડા ખાબોચિયાને બાંધી બેસાય આ તો વરસે ગગનભરી વ્હાલ ગમતાંનો કરીએ ગુલાલ
ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી સરીસરી જાય એને સાચવશે ક્યાં લગી આવે તે આપ કરી પળમાં પસંદગી મુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી ને વેર્યે ફોરમનો ફાલ ગમતાંનો કરીએ ગુલાલ
આવે મળ્યું તે દઈશ આંસુડે ધોઈને ઝાઝેરું જાળવ્યું તે વ્હાલેરું ખોઈને આજ પ્રાણ જાગે તો પૂછવું શું કોઈને માધવ વેચતી વ્રજનારી સંગ તારાં રણકી ઊઠે કરતાલ ગમતાંનો કરીએ ગુલાલ
ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીયે ને ગમતાંનો કરીએ ગુલાલ
લિફટમાં દસમે માળે પહોચ્યા તો ઘરમાં મોટા અવાજે કોઈ ફિલ્મી ગીત વાગી રહ્યું હતું !
બેલ મારી તો માજીનો અવાજ સંભળાયો “ કાન્તા,દરવાજો ખોલ પીઝાવાળો ઝટ આવી ગયો લાગે છે ! ”
દરવાજો ખુલ્યો તો ૯મા માળ પર રહેતા કાન્તાકાકીને ઉભેલા જોઇને પતિ પત્ની આશ્ચર્ય પામી ગયા.
ઘરમાં ગયા તો ફલેટના સાત આઠ માજી અને બે ચાર ડોસા હાથમાં કોકો- કોલાના ગ્લાસ સાથે,મ્યુઝીક સીસ્ટમ પર વાગતા “ પાણી પાણી —– ” ગીત સાથે ઝૂમી રહ્યા હતા !
પુત્ર પુત્ર- વધુને જોઇને માજી થોડીક ક્ષણ અવાક થઇ ગયા,પણ સ્થિરતા જાળવી બોલ્યાં .. “ બેટા શું થયું પાર્ટી કેન્સલ થઇ, વાંધો નહિ, ચાલો હું ફોન કરી એક વધુ પીઝા મંગાવી દઉં છું !”
આ નવી વાર્તા પરથી યુવાનો એટલું સમજી લે કે ઘરડા માતા પિતાને લાચાર સમજવાની ભૂલ કદાપી કરશો નહિ, તમે આજે જે જીવનના પાઠ ભણી રહ્યા છો,તેમાં તમારા જન્મ દાતા PHD થયેલા છે !
સીનીયર લોકો તમે સંતાનોના આશ્રિત બનીને જીવશો નહિ, તમારી પી.એચ.ડીની ડીગ્રીનો ઉપયોગ કરીને જીવો !
પત્ની એ કહ્યું – આજે ધોવા માટે વધારે કપડા નહિ કાઢતા, કામવાળી બે દિવસ નહિ આવે…
પતિ: કેમ???
પત્ની: ગણપતી ના તહેવાર માટે તે તેની દીકરી ના છોકરાઓ ને મળવા જવાની છે. અને હા ગણપતિ ના તહેવાર માં તેને 500 રૂપિયા આપું બોનસ??
પતિ: કેમ?? હમણાં દિવાળી આવે જ છે ને ત્યારે આપશું
પત્ની: અરે ગરીબ છે બિચારી, દીકરી ને મળવા જાય છે તો તેને પણ સારું લાગશે અને આ મોંઘવારી માં આટલા પૈસા થી એ શું તહેવાર ઉજવશે?
પતિ: તું પણ જરૂર થી વધારે દયાળુ થઇ જા છો
પત્ની: ના ચિંતા નહિ કરો આજે આપણે પીઝઝા ખાવા જવાનો પ્રોગ્રામ હતો એ હું કેન્સલ કરી નાખું છુ. વાંસી પાવ ના એ 8 ટુકડા માં ખાલી ખોટા 500 રૂપિયા ઉડી જશે.
પતિ: વાહ…અમારા મોઢા માંથી પીઝઝા છીનવી ને બાઈ ની થાળી માં???
ત્રણ દિવસ પછી કચરું કાઢતી કામવાળી ને સાહેબે એ પૂછ્યું
પતિ:કેમ રહી રજા?
કામવાળી: બહુ સારી રહી સાહેબ…દીદી એ 500 રૂપિયા આપ્યા હતા ને…તહેવાર નું બોનસ
પતિ: તો જઈ આવી જમાઈ ને ત્યાં?? મળી લીધું દીકરી અને છોકરાઓ ને
કામવાળી: હા સાહેબ મજા આવી, બે દિવસ માં 500 રૂપિયા ખર્ચી નાખ્યા
પતિ: એમ?? શું કર્યું 500 રૂપિયાનું???
કામવાળી:
દીકરી ના છોકરા માટે ૧૫૦ રૂપિયા નો શર્ટ લીધો, બેબી માટે 40 રૂપિયા ની ઢીંગલી, દીકરી ને 50 રૂપિયા આપ્યા મીઠાઈ ના, 50 રૂપિયા નો મંદિર માં પ્રસાદ ચઢાવ્યો, 60 રૂપિયા તો આવવા જવા નું ભાડું થયું, 25 રૂપિયા ની બંગડી દીકરી ને આપી, 50 રૂપિયા નો બેલ્ટ જમાઈ ને આપ્યો અને વધેલા 75 રૂપિયા દીકરી ના છોકરાઓ ને આપ્યા, બુક અને પેન્સિલ લેવા માટે કચરા
પોતા કરતી વખતે પુરેપુરો હિસાબ એના મોઢે હતો!!!
પતિ: 500 રૂપિયા માં આટલું બધું????
મન માં જ વિચાર આવવા લાગ્યા….
તેની સામે 8 ટુકડા કરેલા પીઝઝા ફરી રહ્યા હતા અને દરેક ટુકડો જાણે ઝેર લાગી રહ્યો હતો…
પોતાના એ એક પીઝઝા ના ખર્ચ ની બરાબરી તે કામવાળી બાઈ ના તહેવાર ના ખર્ચ સાથે કરી રહ્યો હતો.
#પહેલો ટુકડો છોકરા ની શર્ટ નો, #બીજો ટુકડો દીકરી ની મીઠાઈ નો, #ત્રીજો મંદિર માં પ્રસાદ નો, #ચોથો ભાડા નો, #પાંચમો ઢીંગલી નો, #છઠ્ઠો બંગડી નો, #સાતમો જમાઈ ના બેલ્ટ નો અને #આઠમો બુક-પેન્સિલ નો.
આજ સુધી તેણે હમેશા પીઝઝા ની એક બાજુ જ જોઈ હતી ક્યારેય પણ પીઝઝા પાછળ થી કેવો દેખાય છે એ જોવાનો પ્રયત્ન નહોતો કર્યો.
પરંતુ આજે આ કામવાળી બાઈ એ પીઝઝા ની બીજી બાજુ દેખાડી હતી…
પીઝઝા ના એ આઠ ટુકડા આજે તેને જીવન નો અર્થ સમજાવી ગયા હતા.
“જીવન માટે ખર્ચ” કે “ખર્ચ માટે જીવન” એને એક ઝાટકે સમજાય ગયું હતું.
વાચકોના પ્રતિભાવ