વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: માર્ચ 12, 2019

1284 -ધુપછાંવ …. લેખક શ્રી દીનેશ પંચાલ

આ.શ્રી ઉત્તમભાઈ ગજ્જરએ એમની ફેસબુક દીવાલ ઉપર મુકેલ લેખક શ્રી દીનેશ પંચાલ લિખિત ”ધુપછાંવ’ (પ્રકાશક: સાહીત્ય સંકુલ, સુરત) પુસ્તકમાંથી એમને ગમતા અંશો પ્રગટ કર્યા છે એ મને ગમી ગયા.

લેખક શ્રી દિનેશ પંચાલ અને આ.ઉત્તમભાઈ ના આભાર સાથે વાચકો માટે આજની પોસ્ટમાં એને પ્રકાશિત કર્યા છે .આશા છે આપને એ વાંચવા  અને વિચારવા ગમશે. 

લેખ અને લેખકનો પરિચય આપતાં શ્રી ઉત્તમભાઈ લખે છે … 

Dinesh Panchal

નવસારીના ભાઈ દીનેશ પંચાલ, બૅન્કના નીવૃત્ત અધીકારી છે. વર્ષોથી લખે છે. સુરતના ‘ગુજરાતમીત્ર’ દૈનીકની એમની રવીવારીય કટાર ‘જીવન સરીતાને તીર’ ખુબ જ આવકાર અને આદર પામી છે. દરેક લેખને અંતે, તેઓ ‘ધુપછાંવ’ નામનું ટુંકું; પણ ચોટસભર લટકણીયું મુકે. એનું પણ એક પુસ્તક થયું છે! તેમાંથી કેટલાક અહીં રજુ કર્યા છે.
–ઉત્તમ મધુ ગજ્જર..

પુસ્તકની પ્રસ્તાવનામાં શ્રી ભગવતીકુમાર શર્મા લખે છે:

‘…‘ધુપછાંવ’નાં એમનાં લખાણોમાં બધાં જ વાનાં છે, જેની આ પ્રકારનાં લખાણોના રસીયા વાચકોને અપેક્ષા રહેતી હોય છે. ‘ધુપછાંવ’માં મૌલીકતા છે, રોચકતા છે, ચબરાકી છે, ચોંકાવી મુકે તેવાં તત્ત્વો છે, ટકોર છે, ટકોરા છે, વીનોદ છે, વ્યંગ છે, ચાબુકપ્રહારો છે, ઉપદેશ છે, માહીતી છે, મનોરંજન છે, લાઘવ તો છે જ. આજના વેગસભર સમયના અને ફાસ્ટફુડના માહોલમાં જીવતા વાચકોને, આનાથી વધારે તો બીજું શું જોઈએ ? આટલું જ ભયોભયો ગણાય…’

શ્રી દીનેશ પંચાલ લિખિત ”ધુપછાંવ’ પુસ્તકમાંથી સાભાર …

એરીંગ અને મંગળસુત્ર..

એક યુવતીને સવારે પોતાના પતીની પથારીમાંથી એની નાની બહેનના કાનનું એરીંગ મળી આવ્યું. યુવતીએ પતીની હાજરીમાં નાની બહેનને તે સુપરત કર્યું. સાળી–બનેવી બન્નેની ગરદન શરમથી ઝુકી ગઈ. થોડા દીવસો બાદ પતીએ પત્નીને કહ્યું, ‘તું ખરેખર મહાન છે. તેં મને માફ કરી દીધો..’ 

પત્નીએ પોતાની આંખોમાં અશ્રુ સ્વરુપે રેલાઈ જતો એક પ્રશ્ન પુછી જ નાખ્યો: ‘મેં તો તમને માફ કરી દીધા; પણ ધારો કે મારું મંગળસુત્ર તમારા ભાઈની પથારીમાંથી મળી આવ્યું હોત, તો તમે મને માફ કરી શક્યા હોત ખરા..?’ પતીની નજર શરમના ભારથી ઝુકી ગઈ. (પાન:15)

..અદ્યતન અર્ધાંગના..

ફર્સ પર પોતું મારતી વહુ કરતાં, પીએચ.ડીનો થીસીસ લખતી પુત્રવધુ બૌદ્ધીકોને ગમે. વૈભવલક્ષ્મીનું વ્રત કરતી કન્યા કરતાં, બીઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કરતી યુવતી વીશેષ આવકાર્ય ! તુલસીક્યારા સામે બેસી સંતોષીમાતાની ચોપડી વાંચતી યુવતી કરતાં, લાઈબ્રેરીમાં બેસી ટાઈમ્સ ઓફ ઈન્ડીયા વાંચતી યુવતીમાં નારીસમાજનું વીશેષ કલ્યાણ છુપાયેલું છે. કડવાચોથને દીવસે પતીના પગ ધોઈ પી જતી ધાર્મીક સન્નારી કરતાં, પતીની ભુલો બદલ પ્રેમથી તેના કાન આમળતી મૉડર્ન નારીની આજે વીશેષ જરુર છે. એકાદ હાર–કંગનની ખરીદી કરવા પતીદેવ ખુશમીજાજમાં હોય તેવી તકની પ્રતીક્ષા કરતી હાઉસહોલ્ડ ગૃહીણી કરતાં, પોતાના પગારમાંથી પતીને પેન્ટ ખરીદી આપી તેને ખુશ કરી દેતી કમાઉ પત્ની આજે પુરુષને વધારે ગમે છે. (પાન:19)

..જીજીવીષાની ઝડપ..

એક કુતરો ખીસકોલીની પાછળ દોડ્યો. ખીસકોલી દોડીને ઝાડ પર ચડી ગઈ. કુતરો નીચેથી ખીસકોલીને જોઈ રહ્યો. પછી એણે ખીસકોલીને પુછ્યું, ‘‘તું મારા કરતાં વધુ ઝડપથી કેવી રીતે દોડી શકે છે? તારામાં આ શક્તી આવી ક્યાંથી?’’

ખીસકોલીએ જવાબ આપ્યો, ‘‘પગમાંથી.’’
કુતરાએ કહ્યું, ‘‘પગ તો તારા કરતાં મારા મોટા છે; છતાં હું તને પકડી ન શક્યો!’’
ખીસકોલીએ સ્પષ્ટતા કરતાં કહ્યું, ‘‘તારી વાત સાચી છે. આપણે બન્ને પગ વડે જ દોડ્યા; પણ તારા પગને તારી ‘ભુખ’નો સાથ હતો, જ્યારે મારા પગને મારી ‘જીજીવીષા’નો સાથ હતો. ભુખ કરતાં ‘જીવી જવાની ઈચ્છા’ વધુ બળવાન હોય છે. એ બન્ને�ની રેસમાં જીજીવીષાનો ઘોડો આગળ નીકળી જાય છે! તારી પાછળ વાઘ દોડે તો જ તને આ વાત સમજાઈ શકે!’’ (પાન:100)

..વીશ્વાસઘાત..

દુકાનદાર રોજ સવારે પોતાની દુકાનનું શટર ખોલી ઉંબરને બેત્રણ વાર ‘શ્રદ્ધા’થી પગે લાગે છે. ત્યાર બાદ ગ્રાહકોને પણ એવી જ ‘નીષ્ઠા’થી લુંટે છે. આવું થાય ત્યારે ઉંબરો કેવો વીશ્વાસઘાત અનુભવતો હશે? મરહુમ માનવતા અને ગંગાસ્વરુપ પ્રામાણીકતાનો આ દેશ છે! જ્યાં માણસ પોતાનાં ગલ્લા–તીજોરીમાં અગરબત્તી ફેરવે છે; પરંતુ ત્યાર બાદ વેપલો કરવામાં એ ગલ્લાની એવી હાલત કરે છે કે લક્ષ્મીદેવી ખુદ સ્વહસ્તે ધુએ તોય એ ગલ્લો પવીત્ર થઈ શકતો નથી. પ્રામાણીકતા વીનાનો વ્યવહાર, સુગંધ વીનાની અગરબત્તી જેવો બેઅસર રહે છે. અગરબત્તીમાં અંતે ‘રાખ’ બચે છે. અપ્રામાણીક વ્યવહારમાં અંતે ‘શાખ’ પણ બચતી નથી. (પાન:23)

..સુસંસ્કારનું બીયારણ..

સદ્દગુણોનો છોડવો સુસંસ્કારના બીયારણ વીના ઉગી શકતો નથી. દુર્ગુણો ઘાસની જેમ વીના વાવેતરે ઉગી નીકળે છે. છોડવાઓને રોગ લાગી શકે છે. ઘાસને રોગ લાગતો નથી. કળીયુગના દુર્યોધનો, અર્જુન કરતાં દીર્ઘાયુષ્ય ભોગવે છે. આજના રક્તપીત્તીયા રાજકારણમાં અજીબોગરીબ તમાશા જોવા મળે છે. અહીં હીરણ્યકશ્યપુ અને રાવણ ભેગા મળી રામની ‘સોપારી’ સ્વીકારે છે. સી.બી.આઈ. રાવણો માટે અભયારણ્યની હીમાયત કરે છે; પણ રામને ‘રામભરોસે’ છોડી દેવામાં આવે છે ! દેશમાં અશાન્તી જળવાઈ રહે તેની જવાબદારી અન્ડરવર્લ્ડના ગેંગસ્ટરો અને રાજકારણીઓની જોઈન્ટ લાયાબીલીટીઝ ગણાય છે. શોધવા નીકળીએ તો દેશમાંથી ‘લાલુપ્રસાદો’ ઘણા મળી રહે. ‘લાલ બહાદુર શાસ્ત્રી’ શોધ્યા જડતા નથી ! (પાન : 29)

..કાચબાછાપ પુણ્ય..

હું મોરારીબાપુ હોઉં તો રામકથામાં લોકોને ભારપુર્વક સમજાવું : ‘ભગવાનની મુર્તી આગળ મોંઘી ધુપસળી સળગાવવાને બદલે; ઘરડાં માબાપના ઓરડામાં રાત્રે કાચબાછાપ અગરબત્તી સળગાવશો તો વધુ પુણ્ય મળશે.’ (પાન:33)

…પોંક અને જુવાર..

પ્રેમ આંધળો નહીં; આંધળી વાનીના પોંક જેવો હોય છે. દીલના કુણા કણસલા પર લાગેલા લાગણીના દુધાળા દાણા એટલે પ્રેમ ! એકવીસમે વરસે દીલના ડુંડા પર પ્રેમના પ્રથમ દાણા ફુટે છે, એની મઝા કંઈક ઓર હોય છે. એકાવનમા વરસે એ દાણા પાકી જુવાર બની જાય છે. એકવીસનો પ્રેમ અને એકાવનનો પ્રેમ વચ્ચે પોંક અને જુવાર જેટલું છેટું પડી જાય છે. પોંકના વડાં થઈ શકે ને જુવારના રોટલા ! માણસને પોંક–વડાં વીના ચાલી શકે; રોટલા વીના નહીં. એથી માણસ જુવારનાં પીપડાં ભરે છે–પોંકનાં નહીં. (પાન:46)

..માપદંડ..

ક્યારે કહી શકાય કે લગ્નજીવન સફળ થયું છે? પ્રશ્ન અઘરો છે. છતાં એક નાનકડો માપદંડ સુઝે છે. આજે મારે ફરીથી લગ્ન કરવાના આવે તો, હું મારા અત્યારના જીવનસાથીને જ પસંદ કરું એવો (હોઠ પરથી નહીં; અંતરમાંથી) અવાજ આવે તો કહી શકાય કે લગ્નજીવન સફળ થયું છે. (પાન:78)

..મનના મરોડ..

બે સંતાનો થઈ ગયા પછી સ્ત્રીઓનું દૈહીક સૌંદર્ય બરફના ટુકડાની જેમ ઓગળવા માંડે છે. અંગમરોડ લાચાર બને છે ત્યારે મનના મરોડ કામ આવે છે. આઈબ્રોના સૌંદર્ય કરતાં, આઈક્યુનો પ્રભાવ વધી જાય છે. હોઠોના સૌંદર્ય કરતાં, હૈયાનું સૌંદર્ય મેદાન મારી જાય છે. દીલ પીગળી જાય એવા બે શબ્દો હોઠોની લીપસ્ટીક કરતાં, હજાર ગણા પ્રભાવક સીદ્ધ થાય છે. નજરનાં કામણ પળ બે પળના કીમીયાગર હોય છે; શબ્દોનાં કામણ હૈયું આરપાર વીંધી નાખે છે. શરીરના સૌંદર્ય કરતાં સ્વભાવનું સૌંદર્ય મેદાન મારી જાય છે. દેહસૌંદર્યની હદ બ્યુટી પાર્લરથી શરુ થઈ, વૉશબેઝીનમાં ખતમ થઈ જાય છે. મનના સૌંદર્યની હદ દીલથી શરુ થઈ પુરા કદની આખી જીન્દગી કવર કરી લે છે. દેહસૌંદર્યનો બુખાર દારુના નશાની જેમ ઉતરી જાય છે. દીલનો બુખાર ઝટ ઉતરતો નથી. દેહના સૌંદર્યને સૅક્સની ગરજ રહે છે. મનનું સૌંદર્ય સૅક્સનું ઓશીયાળું હોતું નથી ! ‘મલેરીયા’ અને ‘લવેરીયા’ વચ્ચે આટલો જ ફેર. એકની દવા હોય છે; બીજાની નથી હોતી ! (પાન:102)

..પુરુષ પગારમાં.. સ્ત્રી વઘારમાં..

પુરુષપ્રધાન સમાજમાં વહુનો ‘દાડમ’ જેવો નાનો દોષ પણ સાસરીયાને ‘તડબુચ’ જેટલો મોટો દેખાતો હોય છે. આપણા સમાજમાં સાઈકલ ચલાવતાં ન આવડતી હોય એવા મુરતીયા કરતાં, રોટલી વણતાં ન આવડતી હોય એવી દીકરીઓ જ વધુ વગોવાય છે. દીકરી કૉલેજમાં પ્રતીવર્ષ શ્રેષ્ઠ નાટ્યદીગ્દર્શનનો એવોર્ડ જીતી લાવતી હશે; પણ તેને દાળ વઘારતાં નહીં આવડતું હશે, તો સાસરાના સ્ટેજ પર કરુણ રસનું નાટક ભજવાયું જ સમજો ! એટલે ઉત્તમ તો એ જ છે કે બે બદામની દાળને ખાતર દીગ્દર્શન–કલાએ વગોવાવું નહીં પડે તે માટે, છોકરીઓએ રોજબરોજનાં ઘરકામો શીખી લેવાં જોઈએ. વીશેષત: રસોઈકામ તો ખાસ! કોઈ બૅન્ક–કૅશીયરને એકથી સો સુધીની પાકી ગણતરી આવડવી જેટલી જરુરી હોય છે; તેટલું જ એક સ્ત્રી માટે રસોઈકામ જરુરી બની રહે છે. યાદ રહે, મુરતીયો સલમાન ખાન જેટલો રુપાળો દેખાતો હશે; પણ ભણ્યો નહીં હોય, નોકરી ના કરતો હોય તો કોઈ યુવતી તેને પરણવા તૈયાર થશે ખરી ? સામાજીક અપેક્ષાનુસાર પુરુષ પગારમાં અને સ્ત્રી વઘાર(પાકકલા)માં શ્રેષ્ઠ હોવી જોઈએ ! (પાન:94)

..દીનેશ પંચાલ..

 

 

લેખક–સંપર્ક:

શ્રી દીનેશ પાંચાલ, સી-12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી – 396 445 સેલફોન: 94281 60508

@@@

સૌજન્ય ...

‘સન્ડે ઈ–મહેફીલ’ – વર્ષઃ પહેલું – અંકઃ 003 – June 12, 2005
‘ઉંઝાજોડણી’માં અક્ષરાંકનઃ ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com