વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Monthly Archives: એપ્રિલ 2019

1307 – ‘નેત્રદાન’ની સમજણ તથા વર્ષા વેદનો પ્રેરક કીસ્સો

‘નેત્રદાન’ની સમજણ તથા વર્ષા વેદનો પ્રેરક કીસ્સો

‘નેત્રદાન’ કઈ રીતે કરી શકાય? કોણ કરી શકે અને દાન કરેલી આંખ કોને કામ લાગી શકે? તેની સમજણ મેળવવા તથા સુશ્રી. વર્ષાબહેન વેદ ફુલટાઈમ અકાઉન્ટન્ટમાંથી આઈ–ડોનેશન કૅમ્પેનને લાઈફ–મીશન બનાવી ફુલટાઈમ પ્રચારક કેવી રીતે બની ગયાં? વિ.જાણવા મારા રેશનાલીસ્ટ મિત્ર શ્રી ગોવિંદ મારૂ ના બ્લોગ ‘અભીવ્યક્તી’ માં પ્રગટ નીચેનો લેખ’‘નેત્રદાન’ની સમજણ તથા વર્ષા વેદનો પ્રેરક કીસ્સો” જરૂર વાંચશો.

                       Varsha Vaid

‘અભીવ્યક્તી’

‘નેત્રદાન’ કઈ રીતે કરી શકાય? કોણ કરી શકે અને દાન કરેલી આંખ કોને કામ લાગી શકે? તેની સમજણમેળવવા તથા  સુશ્રી. વર્ષાબહેન વેદ ફુલટાઈમ અકાઉન્ટન્ટમાંથી આઈ–ડોનેશન કૅમ્પેનને લાઈફ–મીશન બનાવી ફુલટાઈમ પ્રચારક કેવી રીતે બની ગયાં? તે જાણવા ‘અભીવ્યક્તી’ બ્લૉગની મુલાકાત લેવા નીમન્ત્રણ છે.

View original post 1,789 more words

1306 – ‘સૌ મેં સે નીન્યાન્વે બેઈમાન,ફીર ભી મેરા ભારત મહાન !’… સુધા મુર્તી…. અનુવાદ: સોનલ મોદી

આ સંવેદન શીલ લેખનાં લેખિકા સુધા મુર્તી ( Sudha Murthy ) ભારતના બીલ ગેટ્સ

કહેવાતા આઈ-ટી ઉદ્યોગપતિ  શ્રી નારાયણ મૂર્તિ ( N.R.Narayana Murthyનાં ધર્મ પત્ની

છે.તેઓ ‘ઈન્ફોસીસ ફાઉન્ડેશન’ નામની સેવા સંસ્થાના ચેર પરશન છે.

આ લેખ શ્રીમતી સુધા મુર્તીના મુળ અંગ્રેજી પુસ્તક ‘WISE AND OTHERWISE – A SALUTE

TO LIFE’ નો ભાવાનુવાદ મનની વાત.. (–ઝીંદાદીલીને સલામ–)માંથી લેવામાં આવ્યો છે.

ઈન્ફોસીસ ફાઉન્ડેશન’ સંસ્થાના અનુભવે સુધા મુર્તી ભારતભરના અસંખ્ય જરુરતમંદોના પરીચયમાં આવ્યાં. ભાતીગળ અનુભવોની રસલ્હાણ એમણે ‘મનની વાત’ પુસ્તકમાં વહેંચી અને એનો રસાળ ગુજરાતી અનુવાદ  સોનલ મોદીની કસાયેલી કલમે કરવામાં આવ્યો છે. ડીસેમ્બર ૨૦૦૨માં પ્રગટેલા આ માનવસમ્વેદના જગાડતાં અદ્ભુત પુસ્તકની પાંચ આવૃત્તીઓ થઈ છે અને ત્યાર પછીયે એનાં પાંચ પુનર્મુદ્રણો થયાં છે.

આ લેખ શ્રી ઉત્તમભાઈ ગજ્જર ના જાણીતા બ્લોગ ‘સન્ડે ઈ–મહેફીલ’ (અંકઃ 311 – December 14, 2014) માં પ્રસિદ્ધ થયો છે .

લેખીકાએ  એમના  સામાજિક જીવનમાં અનુભવેલી  એક  સત્ય  ઘટના ઉપર આધારિત આ લેખ મને ખુબ ગમી ગયો.વિનોદ વિહારમાં આ પ્રેરક લેખને પ્રગટ કરવાની સંમતી આપવા માટે  શ્રી ઉત્તમભાઈ નો  હું આભારી છું.

વિનોદ પટેલ 

‘સૌ મેં સે નીન્યાન્વે બેઈમાન,ફીર ભી મેરા ભારત મહાન !’

…સુધા મુર્તી અનુવાદ: સોનલ મોદી

     

સોમવાર એટલે બધી ઑફીસ માટે કટોકટીનો દીવસ. બે દીવસનું ચડેલું કામ, ઢગલો ઈ.મેલ જોવાના, એટલી જ ટપાલ–છાપાંના ઢગલા, મીટીંગો. હુલ્લડ જેવી પરીસ્થીતી સર્જાઈ જાય. રવીવાર સુધી પહોંચવા માટે પણ સોમવાર પસાર કરવો જરુરી તો છે જ ને ?

          આવો જ એક સોમવાર હતો. હું ઑફીસમાં ગળાડુબ કામમાં હતી. એકાએક સેક્રેટરીએ આવીને મને કહ્યું, ‘બહેન, બહાર બે ભાઈઓ આવ્યા છે. તમને મળવા માગે છે. એપૉઈન્ટમેન્ટ લીધેલી નથી; પણ ક્યારના ઉભા છે. વળી, તેમાંના એક તો બહુ જ ઘરડા છે. અંદર બોલાવું ?’ મારી સેક્રેટરી મમતા એટલે ખુબ જ હોશીયાર. ફાલતુ લોકોને તો જોતામાં જ ઓળખી જાય. તેથી મેં કહ્યું, ‘હા, એમને અંદર આવવા દે.’

          એક પચાસેક વરસના ભાઈ અંદર આવ્યા. તેમની સાથે એક પંચોતર–એંશી વર્ષની ઉમ્મરના વડીલ હતા. વડીલ શરીરે અત્યન્ત કૃશ અને થોડા વાંકા વળી ગયેલા હતા. તેમણે જુનાં કપડાં પહેરેલાં અને ખભે જર્જરીત થેલો લટકાવેલો હતો. પેલા આધેડ ઉમ્મરના ભાઈને મેં પુછ્યું, ‘બોલો ભાઈ, શી બાબત આવવું થયું ? અમારી સંસ્થા તમારી કેવી રીતે મદદ કરી શકે?’

          પેલા વૃદ્ધ તો ચુપ જ રહ્યા; પણ આધેડ ઉમ્મરના ભાઈ કહે, ‘બહેન, મારે તો કંઈ જરુર નથી; પણ આ વડીલ સામે બસસ્ટૉપ પર બેઠેલા. સારા ઘરના લાગે છે. પુછપરછ કરતાં જાણવા મળ્યું કે બીચારાનું કોઈ નથી અને પૈસા પણ નથી. રહેવા માટે છાપરુંયે નથી.’ વગેરે વગેરે.. ભાઈને આગળ ઘણુંબધું કહેવું હતું; પણ આટલાં વર્ષોના સંસ્થાના અનુભવે હું થોડી ધીટ થઈ ગઈ છું. કદાચ થોડી તોછડાઈ પણ આવી જાય છે. લોકો મુદ્દાસર વાત કરતા નથી અને ગોળગોળ વાત ફેરવીને અન્તે તો પૈસાની જ માગણી કરતા હોય છે. ‘ગરજવાનને અક્કલ નહીં’ – તે કહેવત સાર્થક થતી મેં અનેક વાર નજરે જોઈ છે.

          મેં આડીઅવળી પ્રસ્તાવના વગર પુછ્યું, ‘તમે આ વડીલને મારી પાસે શી આશાએ લાવ્યા છો ?’

          પેલા ભાઈ કહે, ‘તમારી સંસ્થા(ઈન્ફોસીસ ફાઉન્ડેશન) વીશે મેં ઘણું સાંભળ્યું છે. આ કાકા મને ખરેખર મદદને લાયક લાગ્યા એટલે હું તેમને સીધો જ અહીં લઈ આવ્યો.’

          મેં કાકાને પુછ્યું, ‘તમારું ખરેખર કોઈ નથી ?’

          વડીલની આંખો ભરાઈ ગઈ. ગળામાં ડુમો ભરાઈ ગયો હશે કે કેમ; પણ ખુબ જ ધીમેથી ફક્ત એટલું જ બોલી શક્યા : ના…. બહેન, મારું કોઈ નથી.’

          મેં આગળ ચલાવ્યું, ‘બીજા કોઈ કુટુમ્બીજનો ?’ વડીલ કહે, ‘ના’. મેં તેમની નોકરી, પુર્વજીવન અંગે પણ પ્રશ્નો પુછ્યા. કાકા ખરેખર ખાનદાન, ની:સહાય અને જરુરીયાતમંદ લાગ્યા. બેંગ્લોર નજીકના જ એક વૃદ્ધાશ્રમ સાથે અમારે કાયમી સમ્પર્ક છે. મેં ત્યાં ફોન કરી, સંચાલીકાબહેનની મદદ માગી. ‘બીજી કોઈ વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આ વૃદ્ધને ત્યાં રાખવાની સગવડ થશે ? બધો ખર્ચ અમારી સંસ્થા ભોગવશે.’

          બધું નક્કી થઈ ગયું. પેલા ભાઈ વડીલની સાથે જ ઉભા થયા. મને કહે, ‘આ વડીલને હું જ વૃદ્ધાશ્રમ મુકી દઈશ. તમે આટલું કરો છો, તો મારી એટલી ફરજ તો છે જ કે તેમને ત્યાં સુધી મુકી આવું. ત્યાંથી જ મારી ઑફીસ જવા નીકળી જઈશ.’

          બન્ને ઉભા થયા. ગયા. હું મારી ફાઈલો, ઈ.મેલ, પત્રો, મુલાકાતીઓ, વાવચર્સ અને પ્લાનીંગની દુનીયામાં વ્યસ્ત થઈ ગઈ. વચ્ચે–વચ્ચે બે–ત્રણ વાર મારી ઑફીસમાંથી ફોન કરીને મેં વડીલની ખબર પુછી હતી; પણ જવાનો સમય નહોતો મળ્યો. અમારી સંસ્થા તરફથી એમનાં ખર્ચા–પાણીનો ચેક નીયમીતરુપે વૃદ્ધાશ્રમને પહોંચી જતો.

          એક દીવસ વૃદ્ધાશ્રમનાં સંચાલીકાબહેનનો મારા પર ફોન આવ્યો. ‘સુધાબહેન, તમે મોકલ્યા હતા તે વડીલ ખુબ જ બીમાર છે. અંતીમ ઘડીઓ ગણાય છે. તમને ખુબ યાદ કરે છે. સમય મળે તો સાંજે ઘરે જતાં અહીં થઈને ઘરે જશો ?’

          સાંજે થોડાં ફળો લઈને હું વૃદ્ધાશ્રમ પહોંચી. દાદા ખરેખર છેલ્લા શ્વાસ લઈ રહ્યા હતા. મને થયું, વડીલને પુછું, તેમને કોઈ સગાં–સમ્બન્ધી, ભાણીયા, ભત્રીજા, પૌત્રી કોઈ જ નથી ? કોઈને પણ તેઓ મળવા માંગે છે ? છેલ્લે–છેલ્લે કાંઈ કહેવા માંગે છે ? મેં તેમને પુછ્યું, ‘દાદા, તમારી કોઈ પણ ઈચ્છા હોય તો વીનાસંકોચે જણાવો. કોઈને બોલાવવા છે ? કોઈને કંઈ કહેવું છે ? તમારી પાસે કોઈનો ફોન નંબર હોય તો હું જઈને ફોન પણ કરી આવીશ.’

          ધ્રુજતા હાથે દાદાએ ચબરખીમાં એક નંબર લખી આપ્યો. હું બહાર દોડી. પબ્લીક ફોનમાંથી નંબર જોડી વડીલની તબીયતના સમાચાર અને વૃદ્ધાશ્રમનું સરનામું આપ્યું. થોડી જ વારમાં એક ભાઈ આવી પહોંચ્યા. લાગણી અને ચીંતાના ભાવ સાથે દાદાને ખાટલે ધસી પહોંચ્યા ! તેમને જોઈને મને લાગ્યું કે, મેં આ ભાઈને ક્યાંક જોયા છે. જરુર જોયા છે. રોજ હું એટલા બધા લોકોને મળું છું કે ઘણી વાર ભુલ થઈ જાય. કદાચ આ ભાઈ જેવા જ બીજા કોઈને જોયા હોય. મારી કંઈક ભુલ હશે. કંઈ યાદ આવતું ન હતું.

          થોડી વારમાં ડૉક્ટર આવ્યા. દાદાના મૃત્યુના સમાચાર આપ્યા. મને ખરેખર દુ:ખ થયું. ન તો મારા સગા હતા, ન સમ્બન્ધી; છતાંય મનમાં ભારોભાર ગ્લાની વ્યાપી. આ રીતે એકલા–અટુલા દુનીયામાંથી વીદાય લેવી તે પણ કેવી નીષ્ફળતા છે !

          પેલા ભાઈ બહાર આવ્યા. તેમની આંખોમાં આંસુ હતાં. શાન્તીથી બાજુની બૅંચ પર બેસીને કંઈક વીચારમાં ખોવાઈ ગયા. આખુંયે વાતાવરણ દુ:ખદ–ભારેખમ લાગતું હતું. વૃદ્ધાશ્રમનાં બહેન, હું અને આ ભાઈ, અંતીમવીધીની રાહ જોતાં બેઠાં હતાં.

          એકદમ પેલા ભાઈ કહે, ‘ડોસા અહીં આવ્યા ત્યારે તેમની પાસે એક ઝોળી–થેલી હતી ને, તે ક્યાં છે ?’

          સંચાલીકાબહેન કહે, ‘કઈ થેલી ?

          પેલા ભાઈ, ‘કેમ ? તે જોડે લાવ્યા હતા તે !’

          હવે મારા કાન સરવા થયા. આ થેલીની વાત તો ફક્ત મને જ ખબર હતી. કેમ કે મેં જ એમને વૃદ્ધાશ્રમમાં મોકલ્યા હતા. મેં પટાવાળાને દાદાના રુમમાં મોકલ્યા. થેલી આવતાંની સાથે જ પેલા ભાઈ ઝુંટવવા ગયા. હું વચ્ચે પડી. મેં કહ્યું, ‘તમને શો હક્ક છે આ થેલીની ગાંઠ ખોલવાનો ? તમે છો કોણ ? દાદા જોડે તમારે શો સમ્બન્ધ છે ? તમને આ થેલીની ખબર જ કેવી રીતે પડી ?’

          પેલા ભાઈને આ બધી પડપુછ ગમી નહીં; પણ તેમણે જવાબ આપવો જ પડે તેમ હતો. સંચાલીકાબહેન તો ફક્ત મને જ ઓળખતાં હતાં. આમેય, ભારતદેશમાં પુરુષોને, સ્ત્રીઓને જવાબ આપવો જરા ઓછો ગમતો હોય છે. પૌરુષ અને અહંકારના સદીઓ જુના ખ્યાલો જલદી દુર નહીં થાય. હવે જો કે સ્થીતી બદલાતી જાય છે.

          પેલા ભાઈ કહે, ‘હું જ એમને(દાદાને) અહીં મુકી ગયો હતો.’

          મેં કહ્યું, ‘પણ તમે છો કોણ ?’

          ભાઈ કહે, ‘હું એમનો પુત્ર છું.’

          મને ભયંકર શૉક લાગ્યો. હવે આ ભાઈને મેં બરાબર ઓળખ્યા. અરે, આ તો પેલા જ ભાઈ છે, જે આ વૃદ્ધને લઈને ફાઉન્ડેશનની ઑફીસે આવ્યા હતા અને મારી સામે હડહડતું જુઠ્ઠું બોલ્યા હતા કે વૃદ્ધ તેમને બસસ્ટૉપ પર મળ્યા હતા. અરેરે.. શો જમાનો આવ્યો છે ! થોડી વાર તો હું સ્તબ્ધ થઈ ગઈ. આવા માણસને કહેવું પણ શું ? મને સ્વસ્થ થતાં જરા વખત લાગ્યો, ‘અરે ભાઈ, તમે આટલું મોટું જુઠાણું કેમ ચલાવ્યું ?’

          ભાઈ કહે, ‘મારે ઘરે એમને રાખવાનો પ્રૉબ્લેમ હતો. મારી પત્નીને ને તેમને રોજ કજીયો–કંકાસ થાય. એક દીવસ મારી પત્નીએ કહી દીધું, ‘આ ઘરમાં ક્યાં હું નહીં; ક્યાં એ નહીં.’ એવામાં જ તમારી સંસ્થા વીશે ક્યાંક વાંચ્યું. અમે નક્કી કર્યું કે બાપુજીને તમારે આશરે મુકી દઈએ. પૈસા વગર અમારો તો પ્રૉબ્લેમ સોલ્વ થઈ ગયો.’

          ‘અરે ભાઈ, શો તમારો આઈડીયા છે ! ખરેખર, મેં આજ સુધી અનાથ બાળકો જોયાં છે; પણ અનાથ બાપ નથી જોયા. તમે તો ખરેખર ‘જીનીયસ’ છો. ભાઈ, તમારા બાપુજીને ખરી અવ્વલ મંજીલે પહોંચાડ્યા તમે તો…’

          થેલી હું જ પકડીને બેઠી હતી. હવે હું ખુબ જ ગુસ્સે થઈ ગઈ હતી. આ માણસ પ્રપંચી, જુઠ્ઠો અને શઠ તો હતો જ; પણ તેણે મને મુર્ખ બનાવીને પોતાનું કામ કાઢ્યું હતું. થેલીની ગાંઠ મેં ખોલી. અંદર બેત્રણ ફાટેલાં પહેરણ, થોડી દવાઓ, બેત્રણ ફોટા અને જર્જરીત થઈ ગયેલી એક બૅંકની પાસબુક હતી. મેં પાસબુક ઉઘાડી. બેલેન્સ જોઈને મારી આંખો ચાર થઈ ગઈ ! દોઢ લાખ રુપીયા ! માની શકો છો ? ખાતામાં બીજું નામ તેમના આ ‘પનોતા’ પુત્રનું હતું, જેણે તેમને ઘરમાંથી તડીપાર કર્યા હતા.

          મને પુત્ર પર તો ગુસ્સો આવ્યો જ હતો; પણ આ દીવંગત વૃદ્ધ પર વધારે ગુસ્સો આવ્યો. આ નપાવટ, નગુણા છોકરાને દોઢ લાખ રુપીયા અને જે વૃદ્ધાશ્રમે તેમને અંતીમ દીવસમાં આશરો આપ્યો તેને દોઢીયુંય નહીં ! દુનીયામાં ‘આભાર’ જેવો કોઈ શબ્દ રહ્યો છે ખરો ?

          છેલ્લાં થોડાં વર્ષોમાં મેં ઘણી દુનીયા જોઈ છે. પશ્ચીમના દેશોમાં વૃદ્ધોને વર્ષોનાં વર્ષો ક્લીનીકમાં, આશ્રમોમાં રહેતાં જોયા છે. જ્યારે આ વૃદ્ધો ગુજરી જાય છે ત્યારે તેમની સમ્પત્તીનો મોટો ભાગ, ઘણી વાર તો બધી જ સમ્પત્તી વૃદ્ધાશ્રમો કે હૉસ્પીટલોને આપતા જાય છે. તેમાંથી હૉસ્પીટલો અદ્યતન સાધનો વસાવે, નવી સગવડો ઉભી કરે. આ વૃદ્ધો તેમનાં છોકરાંઓને રાતી પાઈ પણ પરખાવતાં નથી. જો કે, છોકરાંઓ મા–બાપની સમ્પત્તીની અપેક્ષા પણ રાખતાં નથી હોતાં.

          પણ આપણે અહીં ભારતમાં પરીસ્થીતી તદ્દન ઉંધી છે. છોકરાં મા–બાપની સંભાળ રાખે કે ન રાખે, સમ્પત્તીની તો સમ્પુર્ણ આશા રાખે છે.

          પેલા ભાઈને મારાથી કહ્યા વીના ન રહેવાયું, ‘તમે અને તમારા બાપુજીએ મારી ઑફીસમાં, થોડા હજાર રુપીયા બચાવવા જે નાટક કર્યું, તે કરતાં તમને સહેજે શરમ ન આવી ? હવે સાચી જરુરીયાતમંદ વ્યક્તીને પણ હું શંકાની નજરે જોતી થઈ જઈશ. નજર સામે તમે જ આવશો.’

          ભાઈ શરમના માર્યા નીચું જોઈ ગયા. એક ટ્રક પાછળ થોડા વખત પહેલાં મેં વાંચેલું તે યાદ આવી ગયું : ‘સૌ મેં સે નીન્યાનબે બેઈમાન; ફીર ભી મેરા ભારત મહાન !’

          –સુધા મુર્તી

અનુવાદક : સોનલ મોદી (સમ્પર્ક : smodi1969@yahoo.co.in )   

સૌજન્ય ..સાભાર …શ્રી ઉત્તમ ગજ્જર 

‘સન્ડે ઈ–મહેફીલ’ – અંકઃ 311 – December 14, 2014

Inspirational Story Of Sudha Murthy

 

1305 – થોડાક રૂપિયા માટે ગરીબ સાથે ભાવતાલ કરવાનું આજથી બંધ! ….પદ્મશ્રી ડો.ગુણવંત શાહ

ગુણવંત શાહ

ગુણવંત શાહ

‘પદ્મશ્રી’ગુણવંત શાહ લેખક, ચિંતક, વક્તા છે. ‘વિચારોના વૃંદાવન’થી તેમણે ફિલસૂફીથી

પુરાણો સુધી અધિકૃતતાથી કલમ ચલાવી છે.

(પરિચય…વિકિપીડિયા )

થોડાક રૂપિયા માટે ગરીબ સાથે ભાવતાલ કરવાનું આજથી બંધ!.. ગુણવંત શાહ

એક વાચવા ,વિચારવા અને અમલમાં મુકવા જેવો સિદ્ધ હસ્ત લેખકની કલમે લખાએલો ચિંતન લેખ  

વર્ષો વીતી ગયાં, પરંતુ રેલવે સ્ટેશન પર જોવા મળતું એક દૃશ્ય હજી ભુલાતું નથી. પતિ, પત્ની અને બાળકો ટ્રેનમાં અમદાવાદ પહોંચે છે. તેઓ વડોદરાના સ્ટેશનેથી બેઠાં છે. સાથે ધાતુની ત્રણ મોટી બેગ છે અને બે ગુણમાં પિત્તળનાં વાસણો ભર્યાં છે. એ ઉપરાંત એક વજનદાર થેલામાં કશુંક એવું ભરેલું છે, જેને કારણે થેલો પત્ની જેટલો ભારે જણાય છે. અમદાવાદ સ્ટેશને ચાલુ ટ્રેને હમાલ ડબ્બામાં ચડી જાય છે. હમાલ સાથે જે ડાયલોગ શરૂ થાય તેમાં આખેઆખું અમદાવાદ સંભળાય છે:

ગરીબી તો દૂર થશે ત્યારે થશે, પરંતુ સામે ઊભેલા લાચાર આદમીને જોઇને પણ, જો આપણી કઠોરતમ સોદાબાજી પીગળવાની ન હોય, તો તીર્થયાત્રા, પૂજાપાઠ અને કર્મકાંડ વ્યર્થ જાણવાં

પતિ: સામાન રિક્ષા સુધી લઇ જવાના કેટલા રૂપિયા થશે?
હમાલ: સમજીને આપી દેજો ને.
પત્ની: અત્યારે જ કહી દે, જેથી ત્યારે માથાકૂટ કરવી ન પડે.
હમાલ: રૂપિયા ત્રીસ થશે.
પતિ: એટલા બધા હોય?
પત્ની: વાજબી કહો, નહીં તો…
હમાલ: ચાલો, પચ્ચીસ રૂપિયા… બસ?
પતિ: વીસ વાજબી છે, કબૂલ? નહીં તો…
હમાલ: સામાન ભારે છે એટલે વીસથી ઓછું નહીં પોસાય…
પત્ની: ભાઇ! હવે મારું માનો અને રૂપિયા પંદર રાખો.
હમાલ: સારું, પણ અઢાર આલજો… બસ!

કહેવાતા ભદ્ર વર્ગને ગરબી વર્ગ સાથે આવી રકઝક કર્યા પછી બચેલા રૂપિયા અધિક વહાલા કેમ લાગે છે?

1975ના વર્ષમાં મારે ઢાકામાં આવેલી ફાઇવસ્ટાર હોટેલ સોનારગાંવમાં પૂરો દોઢ મહિનો રહેવાનું બનેલું. રોજનું ડેઇલી એલાવન્સ રૂપિયા બે હજાર હતું. માનશો તે દિવસોમાં ઢાકામાં એક કરતાં વધારે ખાદી ભંડારો હતા. હું ઇરાદાપૂર્વક ખાદીભંડારમાં ગયો હતો. ત્યાં ખાદીના ઝભ્ભાનાં બટનની ચારે બાજુ અત્યંત કલાત્મક ભરતકામ જોવા મળતું. એ ખાદી ભંડારમાં ભાવતાલની છૂટ હતી. મેં સામટા દસ-બાર ઝભ્ભા ખરીદવાનું રાખ્યું તેથી મને સસ્તા ભાવે જે ઝભ્ભા મળ્યા તે પ્રવચન કરતી વખતે વર્ષો સુધી મારો ફેવરિટ પોશાક બની રહેલા. આજે પણ મારા ઘરમાં બે-ત્રણ ઝભ્ભા કબાટમાં સચવાયા છે. ઢાકાની ખાદી પણ જુદી પડી આવે તેવી મુલાયમ છે. આજે ખાદી ભંડારમાં ભાવતાવ કર્યાની વાત કહેતાં પણ મને સંકોચ થાય છે.

વર્ષો સુધી સુરતના નાનપુરા વિસ્તારમાં રહેવાનું બનેલું. ઉનાળામાં જાંબુ વેચવા માટે સાઇકલ પર ફેરિયો આવે, ત્યારે મંગલમૂર્તિ’નામના મકાનના ત્રીજે માળેથી હું એને મોટા અવાજે એક વાત અચૂક કહેતો ‘જો ભાઈ! મારા ઘરમાંથી બહેન એક કિલો જાંબુ લેવા માટે નીચે આવે, ત્યારે તું ભાવ ઘટાડતો નહીં. જો તેં ભાવ ઓછો કર્યો, તો સોદો કેન્સલ!’ એ ફેરિયો મારી સામે આશ્ચર્યથી જોઇ રહેતો! એ વખતે એનો ચહેરો સાક્ષાત્ કેવળપ્રયોગી અવ્યય જેવો બની રહેતો! સવારે વહેલો ઊઠીને પારકી ભોંય પર ઊગેલા જાંબુડા પર ચડીને જાંબુ પાડવામાં જોખમ કેવું રોકડું! જાંબુડાની ડાળી બરડ હોય, તેથી તરત માણસને ભોંયભેગો કરે, તો હાડકાં ખોખરાં થાય તેવો પૂરો સંભવ રહે છે. વળી ખેતરનો માલિક એને જાંબુ પાડતો ભાળી જાય, તો ગાળાગાળી અને મારામારી થાય તે નફામાં! આવું પરાક્રમ કર્યા પછી સાઇકલ પર બેસીને માઇલોનું અંતર કાપ્યા પછી એ ગરીબ માણસ આપણા ઘરે મધૂરાં જાંબુ વેચવા માટે આવે ત્યારે ભાવતાલ કરીને એની ખરી મહેનતની કમાણી પર કાપ મૂકવામાં કઇ સજ્જનતા? આજે પણ મારાં બાળકોને મારો આવો વારંવાર સાંભળેલો. ડાયલોગ યાદ હોય, તો નવાઇ નહીં!

વર્ષો પહેલાં વડોદરાના ફત્તેહગંજ વિસ્તારમાં રહેવાનું બનેલું. મારાં બધાં પાડોશીઓ ખ્રિસ્તી હતાં. એમના સહજ સંપર્કને કારણે હું ઇસુનો ભક્ત બની ગયો. બરાબર યાદ છે. લખવાની ટેવ પડી ન હતી, તેથી નવરાશનો વૈભવ અઢળક રહેતો. શાકભાજી લેવા માટે ત્યાંની બજારમાં જતો, ત્યારે શાકવાળીને ગંભીર વદને એક વાત કહેતો:

‘બહેન! તારે જે ભાવ લેવો હોય, તે લેજે પરંતુ ચીકુ, સફરજન કે ભીંડા સારા આપજે. ઘરે બહેનનો સ્વભાવ આકરો છે. જો શાકભાજી ખરાબ હશે, તો મારે વઢ ખાવી પડશે.’

માનશો? આવું નાટક કદી પણ નિષ્ફળ જતું નહીં. શાકભાજી વેચનાર ભોળી સ્ત્રી મને સારો જ માલ આપતી. પૈસા વધુ ખર્ચાતા, એટલે મને બજારમાં જવાનું કામ સોંપવાનું બંધ થઇ ગયેલું, તે નફામાં! પતિપ્રધાન સંસ્કૃતિ આવાં નાટકો કરતી હોય છે.

એક વાત પૂછવી છે: ગરીબ માણસ સાથે ક્રૂર બનીને ભાવતાલ કરવાથી મહિને કેટલા રૂપિયા બચે? આવો ભાવ વિનાનો તાલ કરવાથી કેટલા રૂપિયા વધારે ખર્ચાય? અમદાવાદીઓને આ બે પ્રશ્નો નકામા જણાશે. જીવનભર મેં આવો ભાવતાલ કરવાનું આગ્રહપૂર્વક ટાળ્યું છે. મુંબઇની સબર્બ ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે મારા ચકચકતા બૂટને પણ પોલિશ કરાવવા માટે આપ્યા છે. વળી પોલિશ કરનાર છોકરાને બેને બદલે રૂપિયા પાંચ આપ્યા છે. એ વખતે છોકરો જે સ્મિત આપે, તેમાં જ કૃષ્ણનું સ્મિત ભાળ્યું. સાચું કહું? એમ કરવાની ખરી પ્રેરણા મને ‘બૂટપોલિશ’ ફિલ્મમાંથી મળેલી. હજી મારા કર્ણમૂળમાં એ ફિલ્મની પંક્તિઓ સચવાયેલી છે.

સાંભળો:

યતીમોં કી દુનિયા મેં હરદમ અંધેરા,
યહાઁ ભૂલ કર ભી ન આયા સવેરા.

ગરીબી તો દૂર થશે ત્યારે થશે, પરંતુ સામે ઊભેલા લાચાર આદમીને જોઇને પણ, જો આપણી કઠોરતમ સોદાબાજી પીગળવાની ન હોય, તો તીર્થયાત્રા, પૂજાપાઠ અને કર્મકાંડ વ્યર્થ જાણવાં. નિયતિના ખેલને કારણે સામે ઊભેલા લાચાર મનુષ્યને જોઇને આપણને એમ લાગવું જોઇએ કે: હું એની જગ્યાએ હું ઊભો હોઉં તો!

આવી નિર્લજ્જ સોદાબાજીથી ભદ્ર આદમીને માલિક દૂર રાખે એવી પ્રાર્થના. આમીન!

પાઘડીનો વળ છેડે
મચ્છરો તો
ગાયની આંચળ પર બેસે
તોય, દૂધ નહીં ,
પરંતુ લોહી જ પીવાના!
– મલયાલમ ભાષાની કહેવત

Blog:

http://gunvantshah.wordpress.com

સૌજન્ય…

દિવ્ય ભાસ્કર ..રસધાર

1304 – ચિંતાનું ચૂરણ અને ફિકરની ફાકી કરીને જલસાથી જીવનારાઓ! … જય વસાવડા

ચિંતાનું ચૂરણ અને ફિકરની ફાકી કરીને જલસાથી જીવનારાઓ!
જય વસાવડા
  

આપણે પબ્લિકની કડવાશ કે ઝેર ઠાલવવામાં પાવરધા છીએ, એટલા વગર સ્વાર્થે મોંથી વખાણ કરવામાં થનગનાટ અનુભવતા નથી. સોશ્યલ નેટવર્કને પણ કાયમ નેગેટીવિટીનો અખાડો બનાવી દીધો છેે. ઘણાખરાને મૃત્યુની નજીક ઉભા રહીને જીંદગી ઓર ખુબસૂરત લાગે છે. ઠાઠડીમાં ઠઠારાને બદલે, એ બંધાય એ પહેલા ઠાઠમાઠથી જીવી લેવાનું રાખવું. દુનિયા જલે તો જલે અને સારી વાત કહેવામાં કે લાગણી પ્રદર્શિત કરવામાં બહુ માન કે મૌન ન રાખવું

જાતભાતની બ્રાન્ડસની ચીજોના વૈશ્વિક વેચાણને લીધે – દક્ષિણ કોરિયાની ઇકોનોમીમાં વિકાસ થતો ગયો, એમ જ ત્યાં આત્મહત્યાનો દર પણ વધતો ગયો! સંખ્યાની દ્રષ્ટિએ નહિ, પણ રેશિયોમાં ભારતને ય ટપી જાય એવો. આપઘાતની વધતી જતી ઘટનાઓ રોકવા ઘણાએ નુસખા લડાવ્યા એમાંનો એક પ્રોગ્રામ છે, કિમ-ડી-હોએ શરૂ કરેલો, ‘હેપી ડાઇંગ.’ હા, બરાબર વાંચ્યું છે, હેપી ડાઇંગ!

કોન્સેપ્ટ ઇન્ટરેસ્ટિંગ છે. એમાં ભાગ લેનારાઓએ પોતાના જ અંતિમ સંસ્કારના નાટકમાં જોડાવાનું. ખુદની અવસાન નોંધ પ્લસ આખ્ખી અંજલિ જાતે લખવાની. બનાવટી વસિયત કરવાના, સગા નહિ તો વ્હાલાઓને ફેરવેલ નોટ્સ લખવાની. એટલું જ નહિ, અંતિમવિધિના કપડાં પહેરી, આધ્યાત્મિક સંગીત- સુગંધ સાથે કોફિનમાં અડધી કલાક ચૂપચાપ એકલા પડયા પણ રહેવાનું! આત્મચિંતન કહો કે ધ્યાન.

ભાગ લેનારાઓએ કબૂલ પણ કરેલું છે કે, આ આખા અનુભવ પછી એ લોકો જિંદગીને વધુ ગંભીરતાથી લેતા થયા. મૃત્યુની નિકટ વિસ્તારપૂર્વક જાવ, તો જીવનની ભેટ લઈ પાછા આવો!

આ સમાચાર વાંચ્યા બાદ દિમાગી ચરખો ફેરવો તોલાગે કે આ પ્રયોગ જુદી રીતે ય કરી શકાય. ખાસ કરીને ડાઘુ જેવું ડાચું લઈને ફરતા જીંદગીથી કંટાળેલા કે હારેલા લોકો માટે. ઘણી વાર વ્યક્તિ અચાનક જ જતી રહે પછી સંઘરાયેલા એના સ્મરણો પળવારમાં આપણા મનમાં ધક્કામુક્કી કરવા લાગે. જોડાજોડ રિગ્રેટ્સનો ખડકલો થાય. કાશ, મળી લીધું હોત, ફરી લીધું હોત – અને પછી હવે આપણે સોશ્યલ નેટવર્કનો ઉપયોગ કરી આપણી લાગણી એની અવેજીમાં બીજાઓને સંભળાવીએ છીએ.

કદાચ, આ ભૂલો જતી કરવાની ક્ષમાશીલતા ગઈગુજરી ભૂલી જઈને વખાણ કરવાની ઉદારતા, ચૂકાદાઓ પડતા મૂકી ચાહવાની ચાતુરી – બધું જ જીવતેજીવ એના માટે રાખ્યું હોત તો? તો કદાચ એને લાગત કે એ સમજે છે, એનાં કરતા એની વેલ્યૂ બીજાઓ માટે વધુ છે. કોઈકને એનો ય ખાલી લાગે છે. એની નકામી લાગતી જીંદગી થકી કોઈકના અંધારા રોશન થયા છે, એને ય કોઈ યાદ કરવાવાળું, મિસ કરવાવાળું છે.

તો કદાચ એની આશા, જીવતર પરનો ભરોસો ટકી પણ જાત! એને લાઇફ રિટર્ન આપતી બ્લુ ચિપ સ્ક્રિપ્ટ જેવી લાગત, તો એમાં વધુ ઇન્વેસ્ટ કરવાનું મન પણ થાત. પણ આપણને જેમ જાહેરમાં મૂતરવામાં છોછ નથી, પણ ચુંબન કરવામાં ક્ષોભ થાય છે – એમ જ, આપણે પબ્લિકની કડવાશ કે ઝેર ઠાલવવામાં પાવરધા છીએ, એટલા વગર સ્વાર્થે મોંથી વખાણ કરવામાં થનગનાટ અનુભવતા નથી. સોશ્યલ નેટવર્કને પણ કાયમ નેગેટીવિટીનો અખાડો બનાવી દીધો છેે ઘણાખરાએ.

જે લોકો આટલાને સાફ કર્યા, ઝૂડયા, ફેસબુક આમ ને ટ્વિટર તેમ વગેરે પંચાતો કાયમ કર્યા કરતા હોય, પોલિટિકલ રણમેદાન બનાવી બેઠા હોય, કાયમ માટે પર્સનલ લાઇફના રોદણાં રોતા હોય, કે વારેઘડીએ સિસ્ટમના ફોલ્ટ શોધીને ગુસ્સામાં એંગ્રી મેન બનીને ફરતા હોય – અરે, બીજું કંઈ નહિ તો દિવસમાં આઠ- દસ વાર ફોટા અપલોડ એક જ પ્રકારના કરે કે પોસ્ટ જ મૂક્યા કરે, એમનું વધુ પ્રકાશિત દીવાનું તેલ વહેલું ખૂટે, એમ નક્કી જાણવું!

વાત એ છે કે મૃત્યુની નજીક ઉભા રહીને જીંદગી ઓર ખુબસૂરત લાગે છે. ઠાઠડીમાં ઠઠારાને બદલે, એ બંધાય એ પહેલા ઠાઠમાઠથી જીવી લેવાનું રાખવું દુનિયા જલે તો જલે અને સારી વાત કહેવામાં કે લાગણી પ્રદર્શિત કરવામાં બહુ માન કે મૌન ન રાખવું. ન જાને કિસ ગલી મેં જીંદગી કી શામ આ જાયે! અને કોને ખબર આપણી કોઈ મસ્ત કલંદર વાતથી કોઈકની અંધારી એકધારી રાતમાં લખેલું પ્રભાત પણ આવી જાય!

એક્સ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રેને કેન્સર થયું પછી ત્રણ જ દિવસમાં એનો પ્રેમાળ પતિ ગોલ્ડી બહલ એને અમેરિકા લઈ ગયો. ત્યાં ખબર પડી કે આ તો ચોથા સ્ટેજનું ઘાતક કેન્સર છે, જેમાં બચવાનો ચાન્સ ૩૦% ય નથી! દીકરાને ખાતર પણ સોનાલી મક્કમતાથી પહેલો રાઉન્ડ જીતીને હાલ પરત આવી ગઈ છે.

હમણાં એક ઇન્ટરવ્યૂમાં એણે કહ્યું કે, લાઇફ પાર્ટનર ગોલ્ડી મટકું માર્યા વિના દોડાદોડીમાં પડી ગયેલો. પછી બીમાર પત્નીને એણે કહ્યું કે, થોડુંક ‘ઓવર’ થઈ જાય ને પૈસા ખર્ચાઈ જાય કે સમય બરબાદ થાય એ ખોટ સહન થઈ શકશે. પણ એ અફસોસ સહન નહિ થાય કે કાશ, ગમે તેમ કરીને આમ કર્યું હોત તો રિઝલ્ટ આપણી ફેવરમાં આવત! અર્થાત્, ચાન્સ ન લીધા પછીના અફસોસ કરતા ચાન્સ લીધા પછી ફેઇલ જવાની ભોંઠપ સારી!

સોનાલીની માફક અચાનક જ જીવલેણ રોગનો શિકાર બનેલો ઉમદા અભિનેતા ઇરફાન પણ સ્ટીવ જોબ્સ ભોગ બનેલો, એ બીમારીમાં પટકાયા બાદ વાવડ મુજબ ફરી નોર્મલ શૂટિંગ શરૂ કરવાનો છે. એ વખતે લંડનથી એણે લખેલું કે મોત સામે ઉભું હોય, પછી કોઈ ફર્ક નથી પડતો. અચાનક તમે બધાથી પર થઈ જાવ છો, પછી બસમાં કોણ ચડે-ઉતરે છે એમાં ધ્યાન જ રહેતુંન થી. આફત આફત લાગતી નથી સ્વાદ સ્વાદ રહેતો નથી!

બસ, આ પ્રેશર જ ડિફાઇન કરે છે કે તમારું કાર્બન સ્ટ્રક્ચર કોલસાનું છે કે હીરાનું?

ક્રિસ ગેઇલે હમણાં ૩૯ની ઉંમરમાં ૩૯ છક્કાો ઝીંકી દીધા! ફ્લેમબોયન્ટ મિજાજ માટે જાણીતા ગેઇલે ઝટાઝટી બોલાવી વર્લ્ડ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર્સનો રેકોર્ડ પોતાના નામે ચડાવી દીધો છે. આધે મેં રામ, આધે મેં ગામ જેવી બાદશાહત છે એની. આઇપીએલમાં થોડા સમય પહેલાં માંડ બેઝ પ્રાઇઝમાં ગયેલો, આજે ફરી એના ભાવ વધી ગયા છે!

ટિપિકલ કેરેબિયન એવો અલગારી મસ્તીનો મિજાજ ધરાવતો ગેઇલ છેલછોગાળો છે, અને છેતરપિંડીવાળો નથી કારણ કે, એણે એની રંગીનશોખીન વૈભવવિલાસી લાઇફસ્ટાઇલ  છૂપાવી જ નથી! ક્રિસ ગેઇલ માટે લાઇફ ઇઝ કોન્સ્ટન્ટ ઓનગોઈંગ પાર્ટી! આપણા ફાંદ ફેલાવી વેપાર વિસ્તારતા ગુટકામય ગુજેશકુમારો સત્યોતેર જનમમાં ન કરે એટલા જલ્સા આ જમૈકિન જીગરવાલાએ ભોગવી લીધા છે. બોંતેર હૂરોવાળા જન્નતની કલ્પના ખાતર જેહાદીઓ બીજાનો જીવ લઈ લે છે. ક્રિસે તો જીવ લેવાને બદલે જીવ રેડીને એ મંઝિલ મેળવી છે કે જ્યાં એ સદેહે સ્વર્ગ ભોગવી ચૂક્યો છે, એ ય બોંતેરથી વધુ અપ્સરા સાથે!

ટબૂડી દિમાગ ટુચ્ચાઓના નાકનું ટીચકું આ વાંચીને ચડી જશે. પણ એમાંના કોઈએ બાવડાના બળે સ્ટેડિયમ કૂદાવતી સિક્સરો નથી મારી. વીર ભોગ્યા વસુંધરા. ફોર્ચ્યુન ફેવર્સ ધ બ્રેવ. એ લોકોએ સ્ટેડિયમમાં બેસી કોઈકની ફટકાબાજી વખાણવાની કે વખોડવાની છે. રમવાવાળો તો એની મોજના મિજાજથી સ્કોર ને લહેર કરતો જાય છે.

અને એટલું આસાન પણ નથી જલસાથી જીવવું તે! મનમોહન દેસાઈ, ડેવિડ ધવનની ફિલ્મો જોઈને એમ લાગેકે આ તો આપણે ય બનાવી શકીએ એવી મગજ વગરની છે પણ સાચે બનાવવા જાવ તો ખબર પડે! એ તો એ જ તોફાન મસ્તી તમારી અંદર હોય તો બહાર આવે. બાકી ટાંયટાંય ફિસ્સ થઈ જાય. ઓકેઝનલી વાત જુદી છે. પણ સાતત્ય ઉર્ફે કન્ઝિસ્ટન્સી ત્યારે જ રહે જ્યારે તમારું વ્યક્તિત્વ એ બાબતમાં કમ્ફર્ટેબલ હોય, તમારી તાસીરને એ માફક આવતું હોય. આકર્ષક રમનારાઓ થિયરીના મોહતાજ નથી હોતા, પ્રેક્ટિકલ સરતાજ હોય છે.

પણ મમ્મી- પપ્પાઓ જેના ફોટા જોઈ બચ્ચાંઓની આંખો હથેળીથી દાબી દે એવા ગેઇલની લાઇફ સ્ટોરી તો પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે મોટીવેશનનો મહામસાલો છે! યાદ છે, ગેઇલ આજે ગમે તેટલો ધમાકેદાર હોય, એનો આરંભ યાદ છે? ભારત સામે ૧૯૯૯માં રોબિનસિંઘે એને માત્ર એક જ રનમાં આઉટ કરેલો. એ એની વન-ડે ક્રિકેટમાં શરુઆત હતી! આજે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ટ્રિપલ સેન્ચ્યુરીઓ સહિત રનોનો ધોધ વરસાવી એ સિક્સર સમ્રાટ છે! પોઇન્ટ ટુ બી નોટેડ: શરુઆતમાં બધું ધાર્યું ન થાય તો મુંઝાવું ગભરાવું નહિ, આગળ સિક્સરો ફટકારવા માટે મજબૂત રહેવું!

અને એથી ય મોટી વાત. એક જમાનામાં સડક પરથી કચરો ય ઉઠાવેલો એણે. કોઈ મોટા કોચને બદલે સ્કૂલમાં ક્રિકેટ શીખ્યો. આજે અબજોપતિ એવો ગેઇલ શાનદાર જીવ છે. મોંઘી કાર, ગોગલ્સ, હેરસ્ટાઇલ, સુંદરીઓ… એનો એવરેજ ડે ‘શાવર, ડિનર, રમ, પાર્ટી, ડ્રન્ક, સ્લીપ’ એવો હોય છે. આપણી ગુડી ગુડી માન્યતાઓ એના સ્વીમિંગ પૂલમાં તણાઈ જાય એવો! જો કે, એના જેવી જ બિન્દાસ ફેશન ડિઝાઇનર નતાશા સાથે લગ્ન વિના થયેલી દીકરી બાદ એનામાં થોડો ઠહેરાવ, બદલાવ આવ્યો છે.

પણ મોટી વાત  એ છે કે ૨૦૦૫ની ઓસ્ટ્રેલિયા  ટૂર દરમિયાન ક્રિસ ગેઇલને અચાનક નબળાઈ લાગવા લાગી. મેડિકલ ચેકઅપમાં ખબર પડી કે એના હૃદયમાં તો વર્ષોથી એક કાણું છે! વર્ષોથી હશે, પણ ખ્યાલ જ ન રહ્યો ચાલુ સીરિઝે જ માતા-પિતા  સિવાય કોઈને  ય જાણ  કર્યા વિના  એની સર્જરી થઈ. જોખમી ઓપરેશન  સફળ  રહ્યું,  અને  આત્મકથા  ‘સિક્સ  મશીન : આઇ ડોન્ટ લાઇક ક્રિકેટ, આઇ લવ ઇટ’માં ગેઇલે હજુ બે વર્ષ પહેલા આ ધડાકો કર્યો!

એના જ શબ્દોમાં  ‘હું વિચિત્ર માણસ લાગું છું. તમે  માનો છો કે, તમે મને ઓળખો છો? ના, તમે મને નથી ઓળખતા. એ (હાર્ટ સર્જરી)ની ક્ષણે મને થયું કે  જીંદગી બહુ અણમોલ છે.  અને એટલે નક્કી કર્યું  કે લિવ લાઇફ કુલેસ્ટ.  એન્ટરટેઇન્મેન્ટથી જીવવું  અને જીવીને  બીજાની ડલ લાઇફમાં એન્ટરટેઇનર આપવું!’

હેડ ઓલ નો હેન્ડસ બાર જેવી એટીટયુડથી જીવતો ગેઇલ ફેમિલી મેન પણ દીકરીના જન્મ પછી જ થયો. પણ જલસાથી જણ જીવે છે, કાલની ચિંતા કે લોકોની પરવા કર્યા વગર, એ ય એની ટાલકાતોડ સિક્સર જ છે! એક જ લાઇફ છે, એમા સુખને ક્યાં સુધી ભવિષ્યકાળમાં રાખવું, વર્તમાનમાં લઈ આવો! ગેઇલ તો એની બદનક્ષી કરનારા દોઢડાઓ સામે ય કેસ કરી કરોડો જીતી ગયો!

સિક્સર કે ગ્લેમર પરમેનન્ટ ટકે નહિ, પણ આ નાફરમાનીથી બેપનાહ લુત્ફ લૂંટવાની મસ્તી લાજવાબ હોય છે. સફર કરો તો સફરિંગ આવે. રસ્તા હોય ત્યાં રોડા ય હોય, હમે ચલતે જાના હૈ! લાઇક, આપણી કોલમમાં એકાધિક ચમકી ગયેલી હિંદુ સંસ્કૃતિપ્રેમી સુપર પોપસ્ટાર ક્યુટડી ઢીંગલી સેલેના ગોમેઝ. જસ્ટીન બિબેરની એક્સ ગર્લફ્રેન્ડથી આગળ એની આગવી ઓળખ છે. એવોર્ડવિનર પોપ્યુલર પોપસિંગર ઉપરાંત હોલિવૂડ હીરોઇન પણ છે.

પણ સેલેના (કે સેલિના)ના ખુદના શબ્દોમાં આપણને એમ હોય કે દુનિયા આપણી મદદ કરશે, માર્ગદર્શન કરશે પણ જગત તો માત્ર બે ચીજ આપે છે: પ્રેશર એન્ડ જજમેન્ટસ. માટે સ્ટોપ ગિવિંગ ધેમ ઇમ્પોર્ટટન્ટસ. સ્ટે સ્ટ્રોંગ. પારકા અભિપ્રાયોને ન ગણકારો, સ્વયંને સિદ્ધ કરો.

સેલેનાનો સેક્સી ફોટો જોઈને લાગે છે કે, આ બધા પીઆર એજન્સીએ ફંક્શન માટે ગોખાવેલા ક્વોટ્સ હશે. વેલ, યુવાન ઉંમરે પ્રેમ, પ્રસિધ્ધિ, પ્રભાવ બધું જ હતું ત્યારે અચાનક એક દવસે કુદરતના સ્ટ્રાઇકે એની કૂકરી ઘૂમાવી. એને લુપસ તરીકે ઓળખાતો અસાધ્ય રોગ થયો, જેમાં શરીરની રોગપ્રતિકારક શક્તિને ઉંધો કમાન્ડ મળતાં એ ખુદની ઉપર જ આક્રમણ કેર! એનો કોઈ ઇલાજ નથી પણ થોડા કંટ્રોલ માટે આકરી તાવણી કરતી દર્દીલી કીમોથેરાપી લેવી પડે. એની વળી સાઇડ ઇફેક્ટસમાં વીકનેસ અને ડિપ્રેશન આવે.

એક દિવસ પાણી પીવાની બોટલ હાથમાંથી પડી ગઈ અને પકડી ન શકાઈ, એટલી નબળાઈ આવ્યા બાદ ખ્યાલ આવ્યો કે સેલિનાની કિડની કામ નથી કરતી અને ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડશે. સ્પેશ્યલ કેસમાં ય વારો આવતા વર્ષો નીકળે. લક બાય ચાન્સ આપણે ત્યાં ખરીદ-વેચાણને લીધે પ્રતિબંધ છે પણ અમેરિકામાં નજીકના સગા ઉપરાંત મિત્રો ય ઓફર કરી શકે. સેલેનાની બહેનપણી ફ્રાન્સીસે ખુશીથી ખુદની એક કિડની આપવાની તૈયારી બતાવી. સદનસીબે મેચ પણ થઈ.

ઓપરેશનની આગલી રાતે બંને જવાન બહેનપણીઓએ  મોં લટકાવી હતાશ થવાને બદલે ધમાલ કરી મૂકી. બહાર ગયા, ફેવરિટ ફૂડ ખાધું. વિલ પણ લખ્યું, નાચ્યા… ફ્રાન્સીસનું ઓપરેશન તો આસાનીથી પતી ગયું પણસેલેનાને કોમ્પિલકેશન અધવચ્ચે થયા. માંડ બચાવ થયો. પછી એને એવોર્ડ મળ્યો એ ય એણે કિડનીદાતા સખીને અર્પણ કર્યો છે. ફરીવાર એ સ્ટેજ પર આવે છે, અને આ સંઘર્ષ બાદ વધુ સોહામણી લાગે છે!

વેલ વેલ વેલ. જલસા કરવાવાળા બે પ્રકારના લોકો છે. એક, જેમને માત્ર જલસા કરવા છે, કોઈ જવાબદારી નથી લેવી. કોઈ ઘડતર માટે જવતર નથી હોમવું. કોઈ ટેલેન્ટને જાત નીચોવીને નિખારવી નથી. કોઈ સમસ્યાનો સ્થિર રહી મુકાબલો નથી કરવો. બસ ફક્ત પાર્ટી કરવી છે. આવા લોકો ‘કરુ પાર્ટી’ બની જતા હોય છે. ઇઝી મની એન્ડ પાથ ઓફ ક્રાઇમ. પછી અમુક બીજાને પૈસે જલસા કરે, અમુકના પૈસે બીજા જલસા કરે કે પછી જલસાનો અંત જેલમાં આવે!

બીજા હોય છે પ્રકૃતિએ મસ્તમૌલા. જે વર્કહાર્ડ, પાર્ટી હાર્ડરમાં માને છે. જે ખુદના જલસાના જોખમો અને જવાબદારીોન સાઇડ ઇફેક્ટસ સ્વીકારીને આગળ વધે છે. જે એટલે મોજમાં રહે છે કે જાણે છે કે જવાની અને મનુષ્યદેહ કાયમી નથી. અને જે પરમેનન્ટ ન હોય, એ જ પ્રેશિયસ હોય. એવરીડે રૂટિન બોરિંગ ઇન્વિટેશન ટુ ડિપ્રેશન. એમને નવું જાણવામાં થ્રિલ આવે છે.

એમને પોતાના થકી બીજા જલસા કરતા શીખે એ જોઈને કલેજે ટાઢક વળે છે. જે પરમાત્માની ગિફ્ટ એવા માનવજીવનને નકામી બાબતોમાં વેડફવાને બદલે પહેલા જલસા જેટલું કમાય છે, અને પછી એના ગયા બાદ બીજાઓ વાપરે એને બદલે ખુદ ભોગવે છે. ધ ક્રિએટીવ સેન્સિટિવ લવર્સ પ્લેઝન્ટ સોલ.

ક્રિસ ગેઇલ કે સેલેના ગોમેઝની કેટેગરી આમાં સેકન્ડ છે. એટલે ક્વોલિટી ફર્સ્ટ છે! એમણે જીંદગીના મેકઅપ પાછળનું બિહામણું અસ્થિકંકાલ જોયું છે. મૃત્યુને ટકોરા મારતું જોયું છે બારણે એટલે જીવન મૂલ્યવાન લાગે છે. હવે પરચૂરણ તકલીફો એમને ડગાવી નથી શકતી, એટલે આત્મવિશ્વાસથી આનંદનો ભોગવટો કરે છે. ખાલીખમ થઈ જવાનું. આ ફેરામાં કાંઈ ઘટવું ન જોઈએ! જોય ઇઝ વેક્સીન! સિદ્ધાર્થ રાંદેરિયા કહે છે એમ: ચાલ, જીવી લઈએ!
 

ઝિંગ થિંગ:-

‘કંઈ કરવાનું ન હોય એવી નવરાશ એ મજા નથી, ઘણું કરવાનું હોય ત્યારે ય ફુરસદ માણવી એ મજા છે.’
(એન્ડ્ર્યુ જેક્સન)

Source …https://www.gujaratsamachar.com/news/shatdal/jay-vasavada-anavrut-shatdal-magazine-13-march-2019

શ્રી જય વસાવડા એક પ્રખર વક્તા તરીકે ..
શ્રી જય વસાવડા સફળ લેખક તો છે જ એ સાથે તેઓ એક પ્રખર મોટીવેશનલ વક્તા તરીકે પણ ખુબ જાણીતા છે.
તેઓને દેશ અને વિદેશમાં સ્પીચ આપવા માટે આમંત્રવામાં આવે છે.
યુ-ટ્યુબ પર તમોને એમની સ્પીચ માટે અનેક વિડીયો જોવા/સાંભળવા મળશે. એમાંથી બે ઉદાહરણ રૂપ મને ગમતા બે વિડીયો સાંભળો.


Jay Vasavda’s latest motivational speech ..2018.

1303 – તમને અલાદ્દીનનો ચિરાગ મળી જાય તો?

મિત્રો,

અત્યારે દેશમાં ચાલી રહેલ ચૂંટણીની ભારે રાજકીય હલચલના માહોલ વચ્ચે સુપર રાજકીય હીરો લોક પ્રિય વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સીને જગતના હીરો અક્ષય કુમાર વચ્ચેનો ૬૮ મીનીટના ઈન્ટરવ્યુંનો વિડીયો દ્રશ્ય-શ્રાવ્ય મીડિયા માધ્યમોમાં વાઈરલ થઇ ગયો છે.

આ ઈન્ટરવ્યું ની ઉડીને આંખે વળગે એવી  ખાસિયત એ છે કે એમાં કોઈ રાજકારણ ની વાત કરવામાં આવી નથી પણ મોદીજી એ એમના અંગત જીવનની ઘણી પેટ છૂટી વાતો કરી છે એ જાણવા જેવી અને પ્રેરક છે.

મારા અમદાવાદી મિત્ર અને હાલ કેરો,ઈજીપ્ત નિવાસી શ્રી મુર્તઝા પટેલ એ એમના બ્લોગ ”નાઇલને કિનારેથી ”માં આ ઈન્ટરવ્યુંના અગત્યના અંશો વિષે એમના આગવા અંદાજમાં જે સુંદર નિરૂપણ કર્યું છે એ મને ગમી ગયું.

વિનોદ વિહારના વાચકો માટે મુર્તઝાભાઈ ના આભાર સાથે એને રી-બ્લોગ કરું છું.

વિનોદ પટેલ,

નાઇલને કિનારેથી....

Akshay-Modi

તમને અલાદ્દીનનો ચિરાગ મળી જાય અને જીન પ્રગટ થઇને તમને તમારી કોઈ ઈચ્છા પૂરી કરવાનું કહે તો તમે શું માંગો?

જો એ મને મળી જાય અને તેનામાં સાચા જ એવી કોઈ તાકાત હોય તો હું એને કહું કે “આખી દુનિયામાં રહેલા જેટલાં પણ સમાજશાસ્ત્રીઓ અને શિક્ષણ ક્ષેત્રમાં રહેલી દરેક વ્યક્તિના મગજમાં એમ ભરી દે કે ભાવિ પેઢીને અલાદ્દીન અને ચિરાગની વાર્તા સંભળાવવાનું બંધ કરે.

ચૂંટણીના માહોલની વચ્ચે (અમેરિકાના બધાં ‘જીનો’, મિડલ-ઇસ્ટના બધાં ‘અલાદ્દીનો’ અને એશિયાના બધાં ‘ચિરાગો’ને પંચ મારતો) એક અલગ અંદાઝ અને અદામાં પૅડમેન અભિનેતાએ સુપરમેન નેતાસાહેબનો ‘મેંગો પીપલ’ યુકત ઇન્ટરવ્યૂ લઇ જ લીધો.

તેમની કિશોરાવસ્થાથી લઇ અત્યારની ૬૮ વર્ષીય પછી આવનાર નિવૃત્તિની રસીલી અને મજેદાર સફરની ફેક્ટ વાતો અને ટિપ્સ જાણવા-માણવા આ ૬૮ મિનિટ્સની વિડીયો યુટ્યુબ પર ટાઈમ કાઢીને ખરેખર જોવા જેવી રહી. બેશક! બૉડી લેન્ગવેજ પરથી બંનેવ ધૂરંધરો વડીયેવડીયા દેખાય છે.

જે ચોકીદાર કરોડો લોકો માટે માત્ર ‘હાડા તૈણ કલ્લાક’ની…

View original post 227 more words

1302 – “હજર અલ અસ્વાદ”, કાબાનો પત્થર , એક રહસ્ય….. શરદ શાહ

આજની પોસ્ટના લેખના લેખક શ્રી શરદ શાહ આધ્યાત્મ માર્ગના પ્રવાસી છે.એમની નિવૃત્તિ પછીનું શેષ જીવન તેઓ એમના ગુરુ,ઓશોના શિષ્ય સ્વામીશ્રી બ્રહ્મવેદાંતજીના મા ધોપુર(ઘેડ)માં આવેલ આશ્રમમાં મોટો સમય રહી સાધનામાં વિતાવે છે.૧૯૮૬માં સ્વામી બ્રહ્મવેદાંતના પરિચયમાં તેઓ આવ્યા હતા ત્યારથી તેઓ એમના આશ્રમમાં જતા આવતા રહે છે.

તેઓ કોઈ કોઈ વાર એમના આધ્યાત્મિક વિષય ઉપરના લેખો મિત્રોમાં ઈ-મેલના માધ્યમથી મોકલતા હોય છે.એમના ફેસબુક પેજ પર પણ તેઓ લખતા હોય છે.

ગુજરાતી પ્રતિભા પરિચય ના સૌજન્યથી શ્રી શરદભાઈ શાહ નો પરિચય 

શ્રી શરદ શાહ


મળવા જેવા માણસ … શરદ શાહ … સંપાદક…પિ.કે.દાવડા 

 

ઈસ્લામમાં માનનારા લોકો માટે હઝ પર જવું સૌથી મોટી ખુશીની વાત હોય છે. દરેક મુસલમાન જીવનમાં એક વખત હજ જરૂર જવા ઈચ્છતો જ હોય છે.

શ્રી શરદભાઈએ વિનોદ વિહાર માટે મોકલેલ મુસ્લિમ સમાજ વિશેનો એમનો અભ્યાસ પૂર્ણ લેખ “હજર અલ અસ્વાદ” કાબાનો પત્થર એક રહસ્ય .” આજની પોસ્ટમાં એમના અભાર સાથે પ્રસ્તુત કરેલ છે. આશા છે આપને એ ગમશે. 

વિનોદ પટેલ 

“હજર અલ અસ્વાદ”, કાબાનો પત્થર , એક રહસ્ય….. શરદ શાહ

મક્કા સ્થિત કાબાનો પત્થર દુનિયા ભરના મુસ્લીમો માટે આસ્થાનો વિષય છે અને દર વરસે કરોડો મુસ્લિમ બિરાદરો ત્યાં હજ પઢવા ભેગા થાય છે. મુસલમાનોનું આ એક સૌથી મોટું તિર્થ સ્થળ છે અને દરેક ઈસ્લામમાં શ્રધ્ધા રાખનારના જીવનની ખ્વાહીશ હોય છે કે તેના જીવન દરમ્યાન તે કમસે કમ એકવાર તો હજની યાત્રા કરે જ.

હજની આ યાત્રા માટેના કેટલાંક નિયમો પણ ઈસ્લામ ધર્મમાં બતાવેલ છે. જેમાનો એક નિયમ છે કે સ્વઉપાર્જીત ધનનો જ ખર્ચ કરીને અને તમામ દેવાઓમાંથી મુક્ત થઈને જ હજની યાત્રા કરી શકાય. ભારતમાં હજ યાત્રા માટે ભારત સરકાર તરફથી સબસીડીની રકમ આપવામાં આવતી તે કેટલાંક હિન્દુ સંગઠનોને ખુંચતું  તો બીજી બાજુ કેટલાંક મુસ્લીમ લોકોને પણ આ સબસિડીની ખેરાતની રકમ મેળવી હજ યાત્રા કરવી તે  ઈસ્લામના નિયમોનુ ઊલંઘન લાગતું અને તેમને આવી યાત્રા કબુલ ન હતી. આખરે આ સબસીડી હટાવવામા આવી. ખેર! આ બધી રાજકીય રમતોમાં પડવા નથી માંગતો પણ અહીં આ લેખ દ્વારા મારી નાની બુધ્ધિમાં જેટલું સમજી શકાય છે તે સમજવાનો પ્રયાસ માત્ર છે. અહીં કોઈ ધર્મ વિશેષની લાગણી દુભવવાનો કોઈ આશય નથી તેમ છતાં કોઈને દુખ પહોંચે તો પહેલેથી ક્ષમા માંગી લઊં છું.

કાબાના આ પત્થર માટે અનેક પ્રકારના મત મતાંતરો, ઈતિહાસ અને કીમવદન્તિઓ છે. વૈજ્ઞાનિકો અને રસાયણ શાસ્ત્રીઓની દૃષ્ટિ પદાર્થથી ઉપ્પર નથી જતી અને તેઓની નજરે તો આ એક અકીક કે ગ્રેનાઈટ જેવો પત્થર કે કાચનો ટુકડો માત્ર છે. કેટલાંક તે ઉલ્કા હોવાનો દાવો કરે છે.

મુસલમાનો માટે આ પત્થર એક આસ્થાનો વિષય છે અને તેનુ મુખ્ય કારણ છે કે તેનુ આ સ્થળે સ્થાપન મહમ્મદ સાહેબે ખુદ કરેલ છે. તેમના એનલાઈટનમેન્ટના પાંચ વર્ષ પૂર્વે ઈસ્લામિક માન્યતા પ્રમાણે આ પત્થર આકાશમાંથી (સ્વર્ગમાંથી) આદમ દ્વારા પૃથ્વી પર મોકલવામાં આવેલ અને હાલની જગ્યાએથી લગભગ ૧૧૦૦ કિલોમીટર દુરના સ્થળેથી તે ટુકડાઓના રુપે આજથી ૬૦૦૦વર્ષ પહેલા મળી આવેલ. આજે પણ આ પત્થર સાત જેટલાં ટુકડાઓમાં છે અને જેને ચાંદીની ખિલીઓ, ખાસ પ્રકારના સિમેન્ટથી જોડી અને ચાંદીની ફ્રેઈમમાં મઢવામાં આવ્યો છે.

રંગે ડાર્ક બ્રાઊન કે કાળો દેખાતો આ પત્થર એક મજબુત દિવાલમાં સુરક્ષા વચ્ચે રાખવામાં આવે છે. હજના યાત્રાળુઓ આ પત્થરની ચારે તરફ સાતવાર એન્ટી ક્લોક વાઈસ પ્રદક્ષિણા કરે છે અને તે પણ સફેદ કાપડને શરીર પર લપેટીને. આટલું બેક ગ્રાઊન્ડ આપવાનુ કારણ એ જ છે કે આ વિષયને આધ્યાત્મિક દૃષ્ટિએ મુલવી શકાય અને હિન્દુ પરંપરામાં આ જ વાતને કેવી રીતે ધાર્મિક વિધીમાં વણેલી છે.

હિન્દુ ધર્મ ઈસ્લામ પૂર્વે લગભગ ૩૫૦૦ કે તેથી પણ વધુ પુરાણો છે અને ઈસ્લામની હાલની પરંપરા કદાચ હિન્દુ ધર્મમાંથી ઉતરી આવી હોય તેવી સંભાવના છે.હિન્દુ, મુસલમાન, ઈસાઈ કે અન્ય ધર્મોમાં અલગ અલગ તિર્થ સ્થાનો છે અને આ તિર્થ સ્થાનો પર એક ખાસ સમયે યાત્રાનુ આયોજન કરવામાં આવે છે. આ તિર્થ સ્થાનો એવા સ્થાનો છે જ્યાં ભુતકાળમાં થઈ ગયેલ અનેક બુધ્ધ પુરુષોની મૃત્યુ પર્યંત પણ  સુક્ષ્મ સ્વરુપે હાજરી હોય છે.આવા સ્થળોએ આસ્થા ધરાવનાર લોકો જ્યારે એક સમુહમાં ભેગા થાય છે ત્યારે તેમની ઈન્ડીવ્યુજીયાલિટી સમાપ્ત થઈ જાય છે અને એક કલેક્ટિવિટી ઊભી થાય છે. ગરીબ, તવંગર, ઊંચ, નીચના ભેદ દુર થાય છે અને એક એનર્જીનુ ફીલ્ડ ઉભુ થાય છે.

આસ્થા એક મહત્વનુ પરિબળ છે. અને જે તે ધર્મના બુધ્ધ પુરુષોની હાજરી આ એનર્જીને વિકસિત થવામાં શુક્ષ્મરુપે મદદગાર બને છે જેથી પરમશક્તિ (ઈશ્વર કે અલ્લાહ કે ગોડ)સાથે અનુસંધાનમાં મદદ મળે છે. બીજું પાસુ છે પત્થર. વિજ્ઞાન કહે છે કે દરેક ઓબ્જેક્ટનુ એક રાસાયણિક બંધારણ અને એક વિદ્યુત મંડળ હોય છે. હવે કયા પત્થરનુ વિદ્યુત મંડળ પરમશક્તિ સાથેના અનુસંધનમાં મદદગાર છે તે વિજ્ઞાનનો વિષય નથી પરંતુ તે ધર્મનો વિષય છે અને બુધ્ધપુરુષો જેઓએ સ્વયં અંતરયાત્રા કરી બુધ્ધત્વ પામેલા છે તે આવા પત્થરના વિદ્યુતને ઓળખી શકે છે જે પરમશક્તિ સાથે અનુસંધાનમાં મદદરુપ બને કે કેટલીસ્ટ બને.

હિન્દુઓ આવા પત્થરને ઘડી મુર્તિઓ કે શિવલીંગ બનાવતા અને ઈસ્લામમાં મહમ્મદ સાહેબે આવા પત્થરને ઓળખીને તેનુ મક્કામાં સ્થાપન કરાવ્યું જે સામુહિક રીતે અલ્લાહ સાથેના અનુસંધાનમાં ઈસ્લામમાં આસ્થા રાખનારને સહાયક બની શકે. હિન્દુઓમાં જે બાર જ્યોતિર્લીંગ છે તે કોઈ સામાન્ય પત્થરમાંથી નિર્માણ નથી થયેલાં પણ ખાસ પ્રકારના પત્થર છે જે ઈશ્વર સાથેના અનુસંધાનમાં સહાયક બની શકે.

આ પથ્થરની આસપાસ આસ્થા પૂર્વક સાત ફેરા પ્રદક્ષિણાનો રિવાજ હિન્દુઓમાં છે તેમ મુસલમાનો પણ કાબાના પત્થરની પ્રદક્ષિણાનો રિવાજ છે. અને બન્ને ધર્મમાં સાત ફેરા ફરવાનો રિવાજ છે. હિન્દુ શાસ્ત્રો આપણી ભિતર આવેલ સાત ચક્રો અને કુંડલીની જાગૃતિની વાત કરે છે તેના અનુસંધાને જ સાત ફેરા પ્રદક્ષિણાનો રિવાજ સ્થાપિત થયેલ છે.  જો સંપૂર્ણ આસ્થા અને પરમશક્તિ (ઈશ્વર કે અલ્લાહ) સાથે અનુસંધાનની ભિતર પ્યાસ હોય તો એક એક ફેરાએ એક એક ચક્રો ખુલતા જાય અને ભિતરની પ્રાણ ઉર્જાનુ ઉદ્વગમન થાય અને પરમ શક્તિ સાથે અનુસંધાન શક્ય બને.

બીજી મહત્વની વાત છે કે હિન્દુઓમાં શિવલીંગ પૂજા અને પ્રદક્ષિણા દરમ્યાન એક જ ધોતી જેવું વસ્ત્ર ધારણ કરવામાં આવે છે જેન કારણે ભિતર જ્યારે પ્રાણ ઉર્જાનુ ઉદ્વગમન થાય ત્યારે શરીરના કોઈ અંગો પર વસ્ત્રોને કારણે દબાણ ઉભું ન થવું જોઈએ.

જો આવું દબાણ ઉભું થાય તો ઉર્જાને ઉદ્વગમનમાં અવરોધક બને છે. એજ સિધ્ધાંત પર મુસલમાનો પણ જ્યારે કાબાના પત્થરની પ્રદક્ષિણા કરે ત્યારે એક જ સફેદ ચાદર ધારણ કરે છે.આ તિર્થ સ્થાનોનું મહત્વ તેના કારણે છે કે જે તે સ્થળ એક ખાસ જગ્યાએ આવેલ છે અને એક ખાસ પ્લેનેટરી સિચ્યુએશન વખતે જે તે સ્થળે ઉર્જાનો એક પ્રવાહ ત્યાં વહે છે. જે યાત્રાળુઓને પરમશક્તિ સાથે અનુસંધનામાં સહાયક બને છે. કોઈપણ આવા તિર્થ સ્થાન પર જઈ પરમાત્મા સાથે અનુસંધાન ન કરી શકો તો યાત્રાનો ફેરો ફોગટ સમજવો.

— શરદ શાહ 

આવા જ વિષય પર અન્ય પુરક માહિતી ….એક લેખ ..

હજ પર જનાર લોકોને મક્કા પહોંચી શુ-શી કરવું પડે છે ?

એક વિડીયો ..

The Mysterious Black Stone of Kaaba and first look don’t miss to look

 

આ અગાઉ વિનોદ વિહારમાં પ્રસિદ્ધ શ્રી શરદ શાહના આધ્યાત્મિક વિષય ઉપરના લેખો વાંચવા માટે નીચેની લીંક ઉપર ક્લિક કરો.


https://vinodvihar75.wordpress.com/category/%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AA%95/%E0%AA%B6%E0%AA%B0%E0%AA%A6-%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B9/