વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

1292 વૃદ્ધ થવું એટલે સમૃદ્ધ બનવું ….રમેશ તન્ના

(ફોટો સૌજન્ય- દિવ્ય ભાસ્કર )

આ પૃથ્વી પરનો દરેકે દરેક વૃદ્ધ સમૃદ્ધ જ હોય છે. જે વૃદ્ધ છે તે સમૃદ્ધ છે એ વિધાન ખોટું છે. સાચું વિધાન છેઃ જે સમૃદ્ધ છે તે વૃદ્ધ છે. વૃદ્ધ શબ્દ આવ્યો છે વૃદ્ધિ પરથી અને વૃદ્ધિ શબ્દ હકારાત્મક શબ્દ છે. જે વૃદ્ધિ પામે છે તે વૃદ્ધ.

વૃદ્ધ રહીને સમૃદ્ધ રહેવા માટેની કેટલીક શરતો છે. જે વ્યક્તિ આ શરતોનું પાલન કરે છે તે આજીવન સમૃદ્ધિ સાથેનું લીલુંછમ વૃદ્ધત્વ પામે છે. આ શરતો સાવ જ સરળ છે. તેના માટે કોઈ રકમ ખર્ચવાની નથી. તેના માટે કોઈ બાધા કે માનતા રાખવાની નથી. ના, ભાઈ ના તેના માટે કોઈ યાત્રા કરવાની પણ આવશ્યકતા નથી. શું કહ્યું? ટેસ્ટ? રિપોર્ટ? ના, મારા સાહેબ ના. એવું કશું કરવાની કોઈ જરૂર નથી. તો જરૂર શેની છે? લો.. વાંચો…

આ શરતો સાવ જ સરળ છે.તેના માટે કોઈ રકમ ખર્ચવાની નથી.

(૧) છોડો તમામ પ્રકારની અપેક્ષાઓઃ વૃદ્ધ બનીને સમૃદ્ધ રહેવું છે? પહેલી શરત છે અપેક્ષાઓ છોડો. કવિ હરીન્દ્ર દવેના કાવ્યની એક સરસ પંક્તિ છે, ‘ક્યારેય કોઈનો પ્રેમ ઓછો હોતો નથી, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે.કેવી સરસ વાત છે. મોટા ભાગની સમસ્યાઓ અપેક્ષામાંથી જ જન્મતી હોય છે. અપેક્ષા રાખીએ તો દુઃખ થાય ને! જા અપેક્ષાઓ રાખીએ જ નહીં તો? ના રહેગા બાંસ, ના બજેગી બાંસુરી.

(૨) તમે કોઈ કશું પૂછશો નહીં: મોટા ભાગના વૃદ્ધોની મોટામાં મોટી તકલીફ હોય છે, મને કોઈ પૂછતું નથી. વહુ દાળમાં મસાલો કરે ત્યારે અને દીકરો ધંધામાં કોઈ નવું ડીલ કરે ત્યારે તમને ના પૂછે તો મરચાં લાગી જતાં હોય તો માનજો કે તમે સમૃદ્ધ વૃદ્ધ નથી, જૂના-પુરાણા ઘરડા છો. જીવનમાં સુખી થવું હોય અને બીજાને પણ સુખી કરવા હોય તો ‘મને કોઈ પૂછતું નથી’ને બદલે ‘મને કોઈ પૂછશો નહીં’ નો મંત્ર અમલમાં મૂકો. ‘મને કોઈ પૂછશો નહીં’ એવું કહેશો એટલે લોકો વધારે પૂછવા આવશે. આમ છતાં તમારે સહેજે ચલિત થવાનું નથી. મક્કમ રહેવાનું છે

(૩) ખોટું ના લગાડશો, રીસ ના ચડાવશોઃ ઘણા લોકો ઉપરથી ખોટું લગાડવાનું ટેન્ડર ભરીને, પ્રભુ પાસે સહી કરાવીને, પાકા પાયે મંજૂર કરાવીને જ આ પૃથ્વી પર આવ્યા હોય છે! આવા લોકોને વાતે વાતે વાંકું પડે છે. તેમને કોઈ પણ બાબતમાં તરત જ ખોટું લાગી જાય છે અને નવો શ્વાસ લે એ પહેલાં તો તેમને રીસ ચડી જતી હોય છે. તમે જોજો, તમારી આસપાસ આવા ઘણા લોકો હશે. આવા લોકો દુઃખી થાય છે અને દુઃખી કરે પણ છે. ઘણા વૃદ્ધ લોકોમાં પણ આવી કુટેવ જાવા મળે છે. જ્યારે જુઓ ત્યારે ઊતરેલી કઢી જેવું મોં કરીને, મોં ફુલાવીને બેઠા હોય. કાંઈ પૂછીએ તો આડું જ બોલે.. આવું ના કરો મારા ભગવાન.

ભગવાને સરસ જીવન આપ્યું છે તો તે માણો સરસ રીતે. ખોટું લગાડતા અને રીસ ચડાવતા લોકો ખરેખર તો ઈમોશનલ બ્લેકમેઈલિંગ જ કરતા હોય છે. આ બધું બાળકો કરે (હવે તો બાળકો પણ સુધરી ગયાં છે, તેઓ પણ આવું કરતાં નથી).

(૪) તન અને મનને સ્વસ્થ રાખોઃ સદીઓ પહેલાં કોઈ વૃદ્ધે જ કહ્યું હશે કે પહેલું સુખ તો જાતે નર્યા. તન અને મનથી સ્વસ્થ રહો. જે રોગ શરીરમાં ઓલ રેડી મહેમાન બનીને પધારી ચૂક્યા છે તેને મિત્ર બનાવો. ડાયાબિટીસ, કોલેસ્ટેરોલ કે બીપી કે પછી અન્ય કોઈ રોગ. વારસામાં મળેલા થોડાક રોગને બાદ કરતાં મોટા ભાગના રોગને આપણા શરીરમાં પ્રવેશ આપવા આપણે ભારે પરિશ્રમ કર્યો છે. વારંવાર કંકોતરીઓ લખીને, તેમને આમંત્રણ આપી આપીને આપણે બોલાવ્યા છે. દરેક રોગ સ્વમાની હોય છે અને લાખ આમંત્રણ વિના તે કોઈનાય શરીરમાં આવતો નથી. આપણે તેમને બોલાવી જ લીધા છે તો હવે તેમને સાચવવાના. તેમને મિત્ર બનાવવાના. તેમનું ધ્યાન રાખવાનું.

(૫) કસરત, ધ્યાન અને યોગઃ તન અને મનને સ્વસ્થ રાખવા વગર પૈસે અનેક અસરકારક રસ્તાઓ ઉપલબ્ધ છે. તેનો નિયમિત અમલ કરવાનો.

(૬) હસો, હસી કાઢોઃ હાસ્ય એ આ વિશ્વની સૌથી મોટી ઓષધિ છે. નિયમિત હસતા રહો અને હસાવતા રહો. આપણું નામ હસમુખ ના હોય તોય આપણે હસી તો શકીએ જ ને! વાતે વાતે હસો. હસવાની ટેવ પાડો. બીજી એક વાત.. હસી કાઢો. જવાહરલાલ નેહરુએ એક વખત ગાંધીજીને ફરિયાદ કરી હતી કે મારા મંત્રીઓ મને ગાંઠતા નથી. કેબિનેટની બેઠકમાં જાતભાતના સવાલો પૂછીને મને હેરાન કરે છે. બાપુએ તેમને કહ્યું કે સરદારની જેમ કેટલીક બાબતોને હસી કાઢતા શીખો. એક ઉદાહરણઃ દાળમાં મીઠું વધુ પડ્યું છે. બમણું છે. બૂમો ના પાડશો. ફરિયાદ ના કરશો. હસતાં હસતાં ધર્મપત્ની કે પુત્રવધુને કહો કે આજકાલ મીઠાની કંપનીઓ તો જુઓ. પોતાના મીઠાની ખારાશ બમણી કરી દીધી છે. જે કહેવું છે તે કહેવાઈ જશે અને છતાં કોઈને હર્ટ નહીં થાય.

(૭ ) ડર કાઢી નાખોઃ માણસને મોટા ભાગે કાલ્પનિક ડરથી ઘણું નુકસાન થાય છે. બીમારીનો ડર, મૃત્યુનો ડર કે મને કશુંક થઈ જશે તેનો ડર. આ બધા જ કાલ્પનિક ડર છે. ડરથી ડરશો નહીં. ડર કે આગે જીત હોય કે નહીં.

લાગણી વેળાઃ

જે સભામાં વૃદ્ધ નથી એ સભા સભા નથી. – મહાભારત

લેખક વરિષ્ઠ પત્રકાર છે અને દરિયાપારના ગુજરાતીઓમાં માતૃભાષાને જીવંત રાખવામાં સક્રિય રહ્યા છે.

રમેશ તન્ના

ગુડ મોર્નિંગ ગુજરાત,દિવ્ય ભાસ્કર 

(લેખોની સંખ્યા – 42) આ લીંક પર જુઓ બધા

https://www.divyabhaskar.co.in/rasdhar/daily-column

ઈ-મેલ સંપર્ક

positivemedia2015@gmail.com

સૌજન્ય …

દિવ્ય ભાસ્કર ..રસધાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: