• Home
  • અનુક્રમણિકા
  • મારા વિશે
  • મારી ઈ-બુકો (ડાઉન લોડ)
  • મિત્રોની અને અન્ય ગમતી ઈ-બુક ડાઉનલોડ
  • મનપસંદ વિભાગો
  • પ્રતિલિપિ પર મારી રચનાઓ

વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

મુખ્ય પૃષ્ઠ

Monthly Archives: જુલાઇ 2019

1316 – પ્રિય વ્યક્તિની આંખ ભીની કર્યાનો આનંદ…ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

Leave a comment Posted by વિનોદ આર પટેલ on જુલાઇ 18, 2019

પ્રિય વ્યક્તિની આંખ ભીની કર્યાનો આનંદ

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
દોડતું આવી છુપાઈ જાય છે, કોક મારામાં સમાઈ જાય છે, 
લાગણીનું સરનામું હું શું લખું? આંખ પણ સાલી ભરાઈ જાય છે.
 – શૈલેશ પંડયા ‘ભીનાશ‘
જિંદગીની કેટલીક ઘટનાઓ એવી હોય છે જે ક્યારેય ભુલાતી નથી. થોડીક ઘટનાઓ એવી હોય છે જે યાદ આવે ત્યારે આંખોના ખૂણામાં ભીનાશ બાઝી જાય છે. આંખો ભીની હોય છતાં દિલને ટાઢક થાય એવી ઘટનાઓ જીવનની સાચી મૂડી હોય છે. જિંદગીની ઘણી ખુશી એવી હોય છે જે બયાન કરવા માટે આપણને શબ્દો જડતાં નથી, શબ્દો જડી જાય તો પણ વ્યક્ત થઈ શકાતું નથી. આવા સમયે આ શબ્દો આંખોમાં ઉભરી આવે છે. જે ક્ષણની રાહ જોતાં હોઈએ એ ક્ષણ જ્યારે સામે આવી જાય ત્યારે સમય પણ એક અલૌકિક અવતાર ધારણ કરી લેતો હોય છે. આ ક્ષણ સાક્ષાત્કારની હોય છે,આ ક્ષણ ચમત્કાર જેવી હોય છે. માણસને એવું ફિલ થાય છે કે બધું જ મળી ગયું, જિંદગીમાં હવે કોઈ અપેક્ષા નથી, એવી લાગણી જિંદગીમાં બહુ ઓછી વખત આવતી હોય છે.
તમે યાદ કરો કે તમારી જિંદગીની બેસ્ટ ક્ષણ કઈ છે? આપણે વર્સ્ટ ઘટનાને વાગોળતા રહીએ છીએ. જિંદગીને સુંદર બનાવવી હોય તો જે સારું બન્યું છે તેની યાદો જીવંત રાખો.
વીતી ગયેલી જિંદગીનાં પાનાંઓમાંથી કેટલાંક પાનાં ફાડીને ફેંકી દેવા જેવાં હોય છે, એને સંઘરી ના રખાય. અગાઉના સમયમાં કોઈ સ્વજનનું અવસાન થાય ત્યારે અશુભ લખેલાં પોસ્ટકાર્ડ આવતાં. આ પોસ્ટકાર્ડ વાંચીને તરત ફાડી નાખવાની એક માન્યતા લોકોમાં હતી, આ પત્રને સાચવીને કોઈ ન રાખે. જિંદગીનાં અમુક અશુભ પાનાંઓને પણ આ જ રીતે ડિસ્ટ્રોય કરી દેવાં જોઈએ.
એટલું જ જરૂરી એ પણ છે કે સારાં પાનાંને દિલમાં મઢી લઈને જીવંત રાખવાં. એક સપનું કે એક સફળતા સાકાર થયા પછી તેનું રિપિટેશન થવું જોઈએ. તમે એક વાર સફળ થાવ તો સંતોષ ન માની લેવો, કારણ કે જો તમે બીજી વાર નિષ્ફળ જશો તો લોકો એવું જ માનશે કે તમને પહેલી સફળતા ફ્લુકલી જ મળી હતી. એ તો એનાં નસીબ કે એક વાર મેળ ખાઈ ગયો એવું લોકો માનશે. પહેલી વાર સફળતા મળે ત્યારે લોકો એવું માને છે કે તે નસીબદાર છે, જ્યારે તમે સતત સફળતા મેળવો ત્યારે જ લોકો સ્વીકારે છે કે તમે ખરેખર મહેનતુ છો.
પહેલી વખતે મળેલી સફળતાની ઘટનાને યાદ કરો, કેવી ખુશી થઈ હતી? લોકો અભિનંદન આપતા હતા ત્યારે છાતી કેવી ગજ ગજ ફૂલતી હતી? નક્કી કરો કે આ ઘટનાને મારે વારંવાર જીવવી છે. સાથે એ પણ યાદ રાખો કે તમારી સફળતાથી કોની આંખો ભીની થઈ ગઈ હતી? તમારી સફળતા માત્ર તમારી નથી હોતી, તમારી સફળતાનો સંતોષ બીજે ક્યાંક પણ છલકતો હોય છે. મા-બાપ, ભાઈ બહેન, દોસ્ત કે પ્રેમી જ્યારે એમ કહે કે આઈ એમ પ્રાઉડ ઓફ યુ ત્યારે તમારા સપનાની સાથે એ લોકોનું સપનું પણ પૂરું થતું હોય છે.
તમારી સફળતાનો આનંદ જ્યારે તમારી પ્રિય વ્યક્તિના ચહેરા પર ઝળકે ત્યારે એક અનુપમ દૃશ્ય ખડું થાય છે. તમે તમારી પ્રિય વ્યક્તિને ખુશ જોવા ઇચ્છો છો તો તમારી એ સફળતાને સાકાર કરો જેનું સપનું તમારી પ્રિય વ્યક્તિ તમારી માટે સેવે છે. ઘણી વખત આપણી પ્રેરણા જ આપણી પ્રિય વ્યક્તિની ઇચ્છા હોય છે. તમારા માટે કોઈએ સપનું સેવ્યું હોય તો માનજો કે તમે નસીબદાર છો, કારણ કે કોઈ વ્યક્તિ એવી ઘડીની રાહ જોતી હોય છે જ્યારે તમને જોઈને એને પોતાની જિંદગી સાર્થક લાગે.
એક વ્યક્તિની આ વાત છે. યુવાન હતા ત્યારે તેનું એક સપનું હતું કે હું પીએચડી કરીશ. ડોક્ટરેટ થવાની મહેચ્છા એણે જિંદગીભર દિલમાં સેવી હતી. પોતાના નામની આગળ ડોક્ટર લગાવીને તેણે ઘણી વખત નામ છેકી નાખ્યું હતું. પણ સતત એક ઇચ્છા સળવળતી હતી કે એક દિવસ મારા નામની આગળ ડોક્ટર લાગેલું હશે. અલબત્ત, આપણી દરેક ઇચ્છા ઘણી વખત કુદરતને મંજૂર હોતી નથી. એ માણસના સંજોગો જ એવા થયા કે એ ડોક્ટરેટનું ભણી ન શક્યા. એક અધૂરા સપનાનો વસવસો તેના દિલમાં કાયમ તરફડતો રહેતો હતો. કેટલીક વેદનાઓ એવી હોય છે કે જેને આપણે લાખ પ્રયત્નો છતાં દબાવી, મિટાવી કે ભુલાવી શકતા નથી. જેને યાદ ન કરવું હોય એ જ ભુલાતું હોતું નથી. દિલમાં સપનાની ઘણી કબરો એવી હોય છે કે જેના ઉપર ફૂલ ચડાવવા સિવાય આપણે કંઈ જ કરી શકતા નથી. એક સપના ઉપર એ માણસે ચોકડી મૂકી દીધી અને જીવવાનું ચાલુ રાખ્યું.
નોકરી હતી, ઘર હતું, પત્ની અને બે બાળકો હતાં, આમ તો સુખ કહી શકાય એવું બધું જ તેની પાસે હતું પણ અધૂરા રહી ગયેલા સપનાનું દુઃખ ક્યારેક તરવરી ઊઠતું. સંતાનોને પણ તેમણે પોતાના આ અધૂરા સપનાની વાત કરી હતી. સંવેદનશીલ દીકરી પિતાની આ વેદનાને સારી રીતે સમજી શકતી હતી. એવામાં પપ્પાનો બર્થ ડે આવ્યો . પપ્પાની બાજુમાં બેસીને તેણે પપ્પાનો હાથ પકડયો અને કહ્યું કે આજે મારે તમને બર્થ ડે ગિફ્ટ આપવી છે. પણ હું એ ગિફ્ટ આજે આપી શકું તેમ નથી, એટલે મારે તમને પ્રોમિસ આપવું છે કે હું જે ઇચ્છું છું એ ગિફ્ટ હું તમને એક દિવસ ચોક્કસ આપીશ. આટલું બોલીને તેણે પપ્પાની આંખમાં આંખ પરોવીને કહ્યું કે પપ્પા હું તમારું અધૂરું સપનું સાકાર કરીશ. હું ડોક્ટરેટ કરીશ, આઈ પ્રોમિસ યુ... પપ્પાની આંખના બંને ખૂણામાં ધીમે ધીમે ચોમાસું બેસી ગયું. ઘરની છત સામે જોઈને આંખમાં ઉભરી આવેલા આંસુ રોકવાનો પ્રયત્ન કર્યો, દીકરી આંસુ ન જોઈ જાય એટલે તેને ગળી વળગાડી લીધી, પિતાની આંખમાંથી ખરેલું ટીપું દીકરીના ખભા પર પડયું અને દીકરીએ સંકલ્પ કર્યો કે ડોક્ટરેટ ન થાઉં ત્યાં સુધી પિતાના આ આંસુની ભીનાશ હું મારામાં જીવતી રાખીશ.
એ દિવસથી તેણે પિતાનું સપનું પોતાની આંખમાં આંજી લીધું. પપ્પાની ભીની આંખોનું એ દ્રશ્ય તે તેના દિલમાં રોજ સજીવન કરતી. તેને થતું કે પિતાને માત્ર ડોક્ટરેટની વાત કરી તો આવું થયું, જ્યારે હું તેના હાથમાં ડિગ્રી મૂકીશ ત્યારે એને કેવો આનંદ થશે?
વર્ષો વીતતાં ગયાં. દીકરીએ ગ્રેજ્યુએશન પૂરું કર્યું. જોકે તેણે ડોક્ટરેટ થવાનું તેનું સપનું ઝાંખું થવા દીધું ન હતું. બન્યું એવું કે દીકરી માટે એક સરસ માગું આવ્યું. છોકરો પરિવાર બધું જ એકદમ યોગ્ય હતું. દીકરીએ પિતાને લગ્નની ના પાડી અને કહ્યું કે ડોક્ટરેટ થઈશ પછી જ લગ્ન કરીશ. આ વાત તેના મંગેતરને ખબર પડી. તેને તેની ભાવિ પત્ની માટે ગર્વ થયો. તેણે કહ્યું કે આપણાં લગ્ન તારા સપનાની આડે નહીં આવે. ઊલટું એમ સમજજે કે તારું સપનું હવે મારું પણ સપનું છે. દીકરીનાં લગ્ન થઈ ગયાં. ઘરની જવાબદારીમાં દીકરી થોડી ગૂંચવાઈ ગઈ, જોકે પિતાનું સપનું પૂરું કરવા તે મક્કમ હતી. આમ છતાં ઘણો સમય પસાર થઈ ગયો.
પપ્પાની તબિયત નરમ થતી જતી હતી, તેમને વારંવાર દવાખાને એડમિટ કરવા પડતા હતા. દીકરીએ એક વખત ડોક્ટર પાસે જઈને કહ્યું કે જ્યાં સુધી મારું પીએચડી પૂરું ન થાય ત્યાં સુધી પપ્પાને કંઈ થવા ન દેતા, નહીંતર હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું. દીકરીએ થિસીસ ફાઈલ કરી. વાઇવા પણ સરસ ગયો. બરાબર એ જ સમયે પપ્પા સીરિયસ થઈ ગયા. દવાખાને એડમિટ હતા, દીકરી દરરોજ ભગવાનને પ્રાર્થના કરે કે જલદી રિઝલ્ટ મળી જાય. અંતે તેને સમાચાર મળ્યા કે તમે પાસ છો, નાઉ યુ આર ડોક્ટર. દીકરી ડિગ્રી લઈને દોડીને પિતા પાસે ગઈ. દવાખાનાના બિછાને પપ્પાનો હાથ પકડીને કહ્યું કે ડેડી, માય ગિફ્ટ… આ વખતે પપ્પા આંસુ છુપાવી ન શક્યા અને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડયા. એક શબ્દ બોલી શકાય એવી સ્થિતિ ન હતી, આંખો જ્યારે બોલતી હોય છે ત્યારે વાચા હણાઈ જતી હોય છે, કારણ કે આંખોની ભાષા પાસે શબ્દો પણ વામણા થઈ જતા હોય છે. થોડા સ્વસ્થ થયા પછી પિતા બોલ્યા કે હવે મરી જાઉં તો પણ કોઈ અફસોસ નથી પણ દીકરીને ખબર હતી કે આ ખુશી જ પિતાને જિવાડી દેશે.
કોઈના સપનાને પોતાનું સપનું બનાવી લેવાનું કામ સહેલું નથી પણ જો પ્રેમ હોય તો આવું સપનું અઘરું પણ લાગતું નથી. તમારા વર્તનથી છેલ્લે તમારી વ્યક્તિની આંખો ક્યારે ભીની થઈ હતી? આપણે આપણી વ્યક્તિને રડાવવાનું જ જાણીએ છીએ પણ ક્યારેક આ રીતે પણ તેની આંખો ભીની થવા દો અને પછી જુઓ કે પ્રિય વ્યક્તિની આંખમાં બાઝેલી ભીનાશ તમને કેવી ટાઢક આપે છે.
છેલ્લો સીન :
જે માણસ પોતાની જિંદગીને અને અન્યની જિંદગીને અર્થહીન સમજે છે એ માત્ર દુર્ભાગી નથી પણ જીવવા માટે તદ્દન ગેરલાયક છે.
–આઇન્સ્ટાઇન
kkantu@gmail.com

સૌજન્ય…http://chintannipale.com/2012/08/06/07/59/1898

 

Krishnakant Unadkat

ચિંતન એટલે પોતાની સાથે નિરાંતે વાત કરવી તે!
કૃષ્ણકાંત ઉનડકટ, ચિંતન લેખ કૃષ્ણકાંત ઉનડકટ, ચિંતન લેખ

1315 -”ફોર્થ ઓફ જુલાઈ ”૨૦૧૯…..અમેરિકાના ૨૪૩મા જન્મ દિવસનાં સૌને અભિનંદન અને શુભેચ્છાઓ

1 ટીકા Posted by વિનોદ આર પટેલ on જુલાઇ 4, 2019

તા.૪થી જુલાઈ, ૨૦૧૯ નો દિવસ એટલે અમેરિકાનો ૨૪૩ મો જન્મ દિવસ.

અમેરિકાના ઈતિહાસ પર દ્રષ્ટિ કરીએ તો,તા.૪થી જુલાઈ,૧૭૭૬ના રોજ ‘’સ્વાતંત્ર્યના ઘોષણા પત્ર’’ (Declaration of Independance )નો ઠરાવ અમેરિકાની ફેડરલ કોંગ્રેસમાં પસાર થયો હતો. એ અનુસાર એ વખતના જુદા જુદા રાજ્યો એકત્ર બનીને, બ્રિટીશ હકુમતથી મુક્ત બનીને અમેરિકાનું એક સ્વતંત્ર સંયુક્ત રાષ્ટ્ર (USA) તરીકે જન્મ થયો. ત્યારબાદ અમેરિકનો આ દિવસ ને  દેશના સ્વાતંત્ર્ય દિવસ – Independence_Day  તરીકે  દર વરસે ઊજવણી કરે છે .

૪થી જુલાઈના રોજ જાહેર રજાના  દિવસે દેશ વાસીઓ પરેડો,પ્રવાસો,મિજબાનીઓ ,રોશની અને દારૂખાનું વિગેરે વિવિધ રીતે કાર્યક્રમોનું આયોજન થાય છે.

આ વખતે ૪થી જુલાઈએ હાલના ૪૫ મા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ દેશના પાટનગર વોશિંગટન ડી.સી.માં  SALUTE TO AMERICA નામે લીન્કન મેમોરીઅલ ખાતે એક નવીન પ્રથા શરુ કરી ભવ્ય મીલીટરી પરેડનું આયોજન કર્યું છે . 

અમેરિકાનું રાષ્ટ્ર ગીત

જેમ  ભારત નું રાષ્ટ્ર ગીત ‘’જન ગણ  મન અધિનાયક જય હૈ છે’’ એમ અમેરિકાનું રાષ્ટ્ર ગીત The Star-Spangled Banner છે.

અમેરિકાના રાષ્ટ્ર ગીતનો ઈતિહાસ અંગ્રેજીમાં વિકિપીડીયાની આ લીંક પર ક્લિક કરીને વાંચો.

આ ત્રણ નાનાં સહોદરો (siblings trio)ના મુખે આ વિડીયોમાં અમેરિકાનું આ રાષ્ટ્ર ગીત ગવાતું સાંભળીને તમે પણ તાજુબ થશો. 

ભારતના ‘’વંદે માતરમ્ ‘’ જેવું અમેરિકાનું એક બીજું લોકપ્રિય રાષ્ટ્ર ભક્તિને ઉજાગર કરતું ગીત છે, GOD BLESS AMERCA 

આ ગીતને યુ-ટ્યુબના સૌજન્યથી નીચેના વિડીયો પર ગવાતું સાંભળો .

અમેરિકાના ૧૭૭૬ જુલાઈ ૪ ના સ્વાતંત્ર્યના ઘોષણા પત્ર બાદના માત્ર ૨૪૩ વર્ષના ટૂંકા ઇતિહાસમાં અમેરિકાએ લગભગ દરેક ક્ષેત્રે અનન્ય પ્રગતિ સાધી છે.આજે અમેરિકા વિશ્વમાં એક સમૃદ્ધ ‘’સુપર પાવર’’ દેશ તરીકે ઉભરી આવ્યો છે.આ રાષ્ટ્રે દરેક ક્ષેત્રમાં  સાધેલ અનન્ય સિદ્ધિ માટે આ દિવસે હરએક અમેરિકન નાગરિક વ્યાજબી રીતે જ ગૌરવ લઇ શકે એમ છે.

દુનિયાના લગભગ બસો ઉપરાંત દેશોમાંથી દરેક ધર્મના લોકો ઉજળા ભવિષ્ય માટે અમેરિકામાં આવીને વસ્યા છે,એટલે તો અમેરિકાને વસાહતીઓનો દેશ કહેવામાં આવે છે.અમેરિકા એક મેલ્ટિંગ પોટ સમાન છે જેમાં વિવિધ દેશની સંસ્કૃતિ,નીતિ નિયમો અને સામાજિક સંસ્કારો ઓગળી જઈને એક નવી જ વૈશ્વિક અમેરિકન સંસ્કૃતિનું નિર્માણ થયું છે .

“અમેરિકા તરફના લોકોના આકર્ષણનું શું છે રહસ્ય ?”

આ મોહક દેશ અમેરિકામાં યેન કેન પ્રકારેણ આવવા માટે દુનિયાના અનેક દેશોના લોકો જે રીતે આકર્ષાય છે એનાં અનેક કારણો છે.એમાંનાં કેટલાંક મુખ્ય કારણો અંગે આ બ્લોગ વિનોદ વિહારની તારીખ  ૧૨મી ડિસેમ્બર,૨૦૧૧ની નીચેની પોસ્ટમાં પ્રસિદ્ધ થયેલ મારો ખુબ ચર્ચિત લેખ “અમેરિકા તરફના લોકોના આકર્ષણનું શું છે રહસ્ય ?”એને વાચકોની  કોમેન્ટ્સ સાથે,નીચેની લીંક ઉપર વાંચવા ભલામણ  છે.

https://vinodvihar75.wordpress.com/2011/12/12/

 

હાસ્યલેખક સ્વ.શ્રી હરનીશ જાનીની બે રચનાઓ  “ફોર્થ ઓફ જુલાઈ “ (ગઝલ)

અને “મગરનાં આંસુ “(અછાંદસ કાવ્ય )

૨૦,ઓગસ્ટ ૨૦૧૭ ના રોજ સ્વર્ગવાસી બનેલ એવોર્ડ વિજેતા હાસ્યલેખક મારા મિત્ર સ્વ.શ્રી હરનીશ જાનીની ગઝલ સ્વરૂપની બે કાવ્ય રચનાઓ  “ફોર્થ ઓફ જુલાઈ “અને “મગરના આંસુ “(અછાંદસ કાવ્ય ) માં જે કટાક્ષમય  સંદેશ એમણે સુંદર રીતે રજુ કર્યો છે એ માણવા અને વિચારવા જેવો છે. 

આ રચનાઓ અગાઉ ઘણા બ્લોગોમાં પ્રગટ થઇ છે. આ બે સમયોચિત રચનાઓને ફરી આજની પોસ્ટમાં પ્રસ્તુત કરી સ્વ.હરનીશભાઈને  સ્મરણાંજલિ  આપું છું.

                                                                                                                    

ફોર્થ ઓફ જુલાઈ …. હરનીશ જાની

 વતનની ધૂળ ખંખેરો હવે તો અમેરિકામાં.

 વતનના વન ઉગ્યા હવે તો અમેરિકામાં.

 તમારા બાળકોનું વતન છે આ તો

 ક્યાં સુધી પરદેશી રહેશો,અમેરિકામાં.

લોકશાહીના આ મંદિરનો ઉપકાર માનો.

બાંધો છો રોજ નવા મંદિરો અમેરિકામાં.

અન્ન આ ધરતીનું શ્વાસ આ આકાશનો .

સુજલામ્ સુફલામ્ બનાવો,અમેરિકામાં.

જન્મદાત્રી ભાગ્યમાં મળી તમને આનંદો.

જીવનદાત્રી તમારી પસંદની, અમેરિકામાં.

વરસાદના છાંટા પડે જો અમદાવાદમાં.

કયાં સુધી છતરીઓ ખોલશો ,અમેરિકામાં

આજે જાશું, કાલે જાશું , રટ હવે તો છોડો

કબર ખોદાઇ ગઇ છેતમારી, અમેરિકામાં.

હરનિશ જાની-યુ.એસ.એ. 

(રદિફ–કાફિયાની ચિંતા કર્યા સિવાય સદેશ વાંચો–તે સ્પષ્ટ છે.)

 

મગરનાં આંસુ  …. હરનીશ જાની

 જે દેશનો રોટલો ખાવો છે ,

તેને ગાળો ભાંડવી ઠીક નથી.

 વતનને તરછોડી આવ્યા છો જાતે,

 હવે રોદણાં રડવાં ઠીક નથી.

 લો કટના બ્લાઉઝ અને ખુલ્લા પેટ ગુજરાતમાં જોયા પછી,

અમેરિકાની સંસ્કૃતિની વાતો કરવી ઠીક નથી.

સરસ્વતી મંદીરોમા, જયાં વિદ્યાર્થીનીઓ સેઇફ નથી,

ત્યાં રોજે સંસ્કૃતિના બણગાં ફૂંકવાં ઠીક નથી..

બોલિવુડના બિભત્સ નૃત્યોને રોજ ટીવી પર જોયા પછી,

મનમાં ગમતી-અમેરિકાની ફેશન વખોડવી ઠીક નથી.

જયાં ઘરડાંઘર નીત નવાં બંધાતાં હોય ત્યાં,

ભારતીય માબાપોની સેવા કરતાં ‘શ્રવણો’ની વાતો ઠીક નથી.

મહારાજો, બાબાઓ, લાલુઓ, ‘ઠાકરે’ઓ-અને “ભાઇ”ઓ નો.

દેશ છોડી આવ્યા પછી, હવે ઓબામાને ગાળો દેવી ઠીક નથી.

જે માને તમે તરછોડીને આવ્યા છો તે હજુ ત્યાં જ છે.

પાછા પહોંચી જાવ ત્યાં ! કોઇ રોકે નહી,

પણ

મગરના આ આંસુ, ઠીક નથી.

હરનિશ જાની, ન્યુ જર્સી ,યુ.એસ.એ.

 

Happy 4th 0f July,2019

૪થી જુલાઈ ૨૦૧૯ ના આજના અમેરિકાના   

૨૪૩ મા જન્મ દિવસે વિનોદ વિહારના સુજ્ઞ વાચકોને..

અભિનંદન  અને અનેક શુભેચ્છાઓ .

 

 

પ્રકીર્ણ

1314 – ગુજરાતીઓ ખાવા માટે જ જીવે છે !

Leave a comment Posted by વિનોદ આર પટેલ on જુલાઇ 2, 2019

એ એક જાણીતી હકીકત છે કે ગુજરાતીઓ ખાવાના ખૂબ શોખીન હોય છે.ગુજરાતીઓની મુખ્ય બે ચિંતાઓ હોય છે. એક તો વજન વધી ગયું છે એને કેવી રીતે ઉતારવું અને બીજી ચિંતા હોય છે કે આજે ખાવામાં શું નવું છે !ખાવાની વાનગીઓની નવીનતામાં ગુજરાતી માનતો હોય છે.પરદેશી વાનગી પીઝા જેવી ખાવાની વાનગીઓમાં અલગ સ્વાદ ઉમેરીને ખાવાની કમાલ તો ગુજરાતીઓમાં જ જોવા મળે !

આજે કોઈ પણ પ્રખ્યાત ગુજરાતી રેસ્ટોરંટની ગુજરાતી થાળીની વાનગીઓની વિવિધતામાં  ગુજરાતીઓનો ખાવાનો શોખ જોઈ શકાય છે.જુઓ આ વિડીયો.

ગુજરાતીઓ  રૂપિયા કમાવાના માહિર તો હોય જ છે એની સાથે એમનો ખાવાનો શોખ  ખૂબ જાણીતો છે.રજાઓમાં ફરવા જાય ત્યારે પણ સાથે આખા કુટુંબ માટે ખૂબ બધા નાસ્તા લઈને જતા હોય છે.ડબ્બાઓ  ભરીને સેવ મમરા, ઢેબરાં,ગાંઠિયાં,સુખડી,પૂરીઓ, અથાણાં વિ.સાથે લઈને નીકળે છે.ટ્રેન ઉપડવાના અડધા કલાકમાં જ આખું કુટુંબ લહેજતથી નાસ્તાઓ ઝાપટવા માંડે છે.

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત

ગુજરાતીઓના એક બીજા ફરવાના શોખના કારણે તેઓ પરદેશની ટૂરમાં જાય તો ત્યાં પણ એમને ગુજરાતી થાળી અને અન્ય વાનગીઓ ખાવા માટે ઉપલબ્ધ બને છે.

અમેરિકામાં જ્યાં જ્યાં ગુજરાતીઓની વસ્તી વધુ હોય એવા ન્યુ જર્સી ,ન્યુયોર્ક,શિકાગો,લોસ એન્જેલસ,સાન ફ્રાંસીસ્કો જેવા શહેરોમાં ગુજરાતીઓની રેસ્ટોરન્ટો ધૂમ કમાણી કરતી હોય છે.આની પાછળ ગુજરાતીઓનો ખાવાનો શોખ કારણભૂત હોય છે.

ગુજરાતીઓ પરદેશના પ્રવાસે જાય ત્યારે પણ વિમાનમાં ડબ્બા ખોલીને ઘેરથી લાવેલો નાસ્તો કરતા જોવા મળે છે.એ વખતે વિમાનમાં એમની ઢેબરાં અથાણાં જેવી વાનગીઓની સુગંધ (કે ગંધ !)પ્રસરી જતી હોય છે અને અન્ય પ્રવાસીઓનું પણ ધ્યાન ખેંચે છે.!છતાં ખાવાના શોખ પાછળ ગુજરાતીઓ લાચાર હોઈ એને તેઓ નજર અંદાજ કરે છે.

લગ્નના જમણવારમાં ગુજરાતીઓનો ખાવાનો શોખ નજરે પડે છે.આજકાલ થતાં ગુજરાતીઓના લગ્ન પ્રસંગોએ એટલી બધી વિવિધતા ગુજરાતી વાનગીઓમાં હોય છે એટલી કદાચ બીજે જોવા નહિ મળે.

 મારા એક વોટ્સેપી મિત્રે મને હાસ્ય કલાકાર ડો.અવની વ્યાસના હાસ્ય પ્રોગ્રામનો એક કોમેડી વિડીયો મોકલ્યો છે એમાં ડો. અવનીએ ગુજરાતીઓના ખાવાના શીખને એમની આગવી રીતે સરસ રજુ કર્યો છે.

આ કોમેડી વિડીયો ડો. અવની વ્યાસ અને રામ ઓડિયોના આભાર સાથે

નીચે પ્રસ્તુત છે. આપને એ જરૂર ગમશે.

ખાવા માટે તો જીવી છીએ

Gujarati Comedy Video 2019 – Ram Audio

Artist:Dr.Avani Vyas .Script:Jitendra Vyas…

 

ડો.અવની વ્યાસના આવા બીજા કોમેડી વિડીયો જોવા માટે એમની

યુ-ટ્યુબની ચેનલની આ લીંક પર ક્લિક કરીને માણો .

વિડીયો, હાસ્ય યાત્રા, હાસ્ય લેખ વિડીયો, હાસ્ય યાત્રા

RSS feed

RSS આજનો સુવિચાર

  • Joseph Addison
    "What sculpture is to a block of marble, education is to the soul."
  • Anais Nin
    "Dreams are necessary to life."
  • Benjamin Franklin
    "You may delay, but time will not."

જનની – જનકને પ્રણામ

સ્વ. ધર્મપત્નીની યાદમાં ઈ-પુસ્તક

ફેસબુક પર વિનોદ પટેલ !

ઈ-વિદ્યાલય

ગુજરાતી ભાષાને નવલું નજરાણું

‘બની આઝાદ’ – ઈ બુક

વિનોદ વિહારની શરૂઆત સપ્ટેમ્બર, 2011થી મુલાકાતીઓની સંખ્યા-આપ આયે , બહાર આઈ ..

  • 1,343,097 મુલાકાતીઓ

નવી વાચન પ્રસાદી ..

  • વિનોદભાઈના જન્મદિવસે…. જાન્યુઆરી 15, 2022
  • ચહેરો – વલીભાઈ મુસા ડિસેમ્બર 25, 2020
  • સ્વ. વિનોદ પટેલ – મળવા જેવા માણસ ડિસેમ્બર 22, 2020
  • જીવન દીપ બૂઝાઈ ગયો ડિસેમ્બર 21, 2020
  • ગુજરાત નો 60 મો સ્થાપના દિવસ. જય જય ગરવી ગુજરાત મે 1, 2020
  • સત્ય ઘટના આધારિત પ્રેરક પ્રસંગો……૧ એપ્રિલ 28, 2020
  • Old age . .. Enjoy Gunvant shah article માર્ચ 24, 2020
  • 1337 – મહિલા દિન \ નારી શક્તિ અભિવાદન દિન ….. માર્ચ 9, 2020

વાચકોના પ્રતિભાવ

અનામિક પર વિનોદભાઈના જન્મદિવસે….
અનામિક પર વિનોદભાઈના જન્મદિવસે….
nabhakashdeep પર વિનોદભાઈના જન્મદિવસે….
નિલેશભાઈ પટેલ પર (63) ગુરુ પૂર્ણિમા અને ગુરુ…
Free Hindi Ebooks પર ( 922 ) ચાર બોધ કથાઓ …
ShabbirAhmed Ibrahim પર ચહેરો – વલીભાઈ મુસા

વિભાગો

Follow by Email

Email address...
Submit

Join 376 other subscribers

પ્રકીર્ણ

  • રજિસ્ટર
  • લોગ ઇન
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

પૃષ્ઠો

  • અનુક્રમણિકા
  • ગુજરાતી બ્લૉગ્સ/સાઈટ્સઃ
  • ગુજરાતી ભાષાનાં પ્રચલિત પુસ્તકોની લીંક …
  • પ્રતિલિપિ પર મારી રચનાઓ
  • મનપસંદ વિભાગો
  • મારા વિશે
  • મારી ઈ-બુકો (ડાઉન લોડ)
  • મિત્રોની અને અન્ય ગમતી ઈ-બુક ડાઉનલોડ

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 376 other subscribers

મહિનાવાર પોસ્ટ સંગ્રહ

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 376 other subscribers
જુલાઇ 2019
રવિ સોમ મંગળ બુધ ગુરુ F શનિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
« જૂન   ઓગસ્ટ »

અછાંદસ કાવ્ય અપંગનાં ઓજસ અમેરિકા કાવ્ય/ગઝલ ચિંતન લેખ ચિંતન લેખો નરેન્દ્ર મોદી નિબંધ પી.કે.દાવડા પી . કે . દાવડા પ્રકીર્ણ પ્રાસંગિક નિબંધ બોધ કથાઓ મારા લેખો કાવ્યો વાર્તાઓ મારા લેખો વાર્તાઓ કાવ્યો મિત્ર પરિચય રાજકારણ રી-બ્લોગ રીબ્લોગ વાર્તા વિડીયો વિનોદ પટેલ વિશેષ વ્યક્તિ વૃધ્ધા વસ્થાની વાતો વ્યક્તિ સંકલન સત્ય ઘટના સમાચાર સર્જક હાસ્ય યાત્રા

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 376 other subscribers
Follow વિનોદ વિહાર on WordPress.com
Follow વિનોદ વિહાર on WordPress.com
Follow વિનોદ વિહાર on WordPress.com

Follow Us

↑ Top Blog at WordPress.com.
  • Follow Following
    • વિનોદ વિહાર
    • Join 376 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • વિનોદ વિહાર
    • કસ્ટમાઇઝ
    • Follow Following
    • Sign up
    • લોગ ઇન
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
 

Loading Comments...