વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: જુલાઇ 4, 2019

1315 -”ફોર્થ ઓફ જુલાઈ ”૨૦૧૯…..અમેરિકાના ૨૪૩મા જન્મ દિવસનાં સૌને અભિનંદન અને શુભેચ્છાઓ

તા.૪થી જુલાઈ, ૨૦૧૯ નો દિવસ એટલે અમેરિકાનો ૨૪૩ મો જન્મ દિવસ.

અમેરિકાના ઈતિહાસ પર દ્રષ્ટિ કરીએ તો,તા.૪થી જુલાઈ,૧૭૭૬ના રોજ ‘’સ્વાતંત્ર્યના ઘોષણા પત્ર’’ (Declaration of Independance )નો ઠરાવ અમેરિકાની ફેડરલ કોંગ્રેસમાં પસાર થયો હતો. એ અનુસાર એ વખતના જુદા જુદા રાજ્યો એકત્ર બનીને, બ્રિટીશ હકુમતથી મુક્ત બનીને અમેરિકાનું એક સ્વતંત્ર સંયુક્ત રાષ્ટ્ર (USA) તરીકે જન્મ થયો. ત્યારબાદ અમેરિકનો આ દિવસ ને  દેશના સ્વાતંત્ર્ય દિવસ – Independence_Day  તરીકે  દર વરસે ઊજવણી કરે છે .

૪થી જુલાઈના રોજ જાહેર રજાના  દિવસે દેશ વાસીઓ પરેડો,પ્રવાસો,મિજબાનીઓ ,રોશની અને દારૂખાનું વિગેરે વિવિધ રીતે કાર્યક્રમોનું આયોજન થાય છે.

આ વખતે ૪થી જુલાઈએ હાલના ૪૫ મા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ દેશના પાટનગર વોશિંગટન ડી.સી.માં  SALUTE TO AMERICA નામે લીન્કન મેમોરીઅલ ખાતે એક નવીન પ્રથા શરુ કરી ભવ્ય મીલીટરી પરેડનું આયોજન કર્યું છે . 

અમેરિકાનું રાષ્ટ્ર ગીત

જેમ  ભારત નું રાષ્ટ્ર ગીત ‘’જન ગણ  મન અધિનાયક જય હૈ છે’’ એમ અમેરિકાનું રાષ્ટ્ર ગીત The Star-Spangled Banner છે.

અમેરિકાના રાષ્ટ્ર ગીતનો ઈતિહાસ અંગ્રેજીમાં વિકિપીડીયાની આ લીંક પર ક્લિક કરીને વાંચો.

આ ત્રણ નાનાં સહોદરો (siblings trio)ના મુખે આ વિડીયોમાં અમેરિકાનું આ રાષ્ટ્ર ગીત ગવાતું સાંભળીને તમે પણ તાજુબ થશો. 

ભારતના ‘’વંદે માતરમ્ ‘’ જેવું અમેરિકાનું એક બીજું લોકપ્રિય રાષ્ટ્ર ભક્તિને ઉજાગર કરતું ગીત છે, GOD BLESS AMERCA 

આ ગીતને યુ-ટ્યુબના સૌજન્યથી નીચેના વિડીયો પર ગવાતું સાંભળો .

અમેરિકાના ૧૭૭૬ જુલાઈ ૪ ના સ્વાતંત્ર્યના ઘોષણા પત્ર બાદના માત્ર ૨૪૩ વર્ષના ટૂંકા ઇતિહાસમાં અમેરિકાએ લગભગ દરેક ક્ષેત્રે અનન્ય પ્રગતિ સાધી છે.આજે અમેરિકા વિશ્વમાં એક સમૃદ્ધ ‘’સુપર પાવર’’ દેશ તરીકે ઉભરી આવ્યો છે.આ રાષ્ટ્રે દરેક ક્ષેત્રમાં  સાધેલ અનન્ય સિદ્ધિ માટે આ દિવસે હરએક અમેરિકન નાગરિક વ્યાજબી રીતે જ ગૌરવ લઇ શકે એમ છે.

દુનિયાના લગભગ બસો ઉપરાંત દેશોમાંથી દરેક ધર્મના લોકો ઉજળા ભવિષ્ય માટે અમેરિકામાં આવીને વસ્યા છે,એટલે તો અમેરિકાને વસાહતીઓનો દેશ કહેવામાં આવે છે.અમેરિકા એક મેલ્ટિંગ પોટ સમાન છે જેમાં વિવિધ દેશની સંસ્કૃતિ,નીતિ નિયમો અને સામાજિક સંસ્કારો ઓગળી જઈને એક નવી જ વૈશ્વિક અમેરિકન સંસ્કૃતિનું નિર્માણ થયું છે .

“અમેરિકા તરફના લોકોના આકર્ષણનું શું છે રહસ્ય ?”

આ મોહક દેશ અમેરિકામાં યેન કેન પ્રકારેણ આવવા માટે દુનિયાના અનેક દેશોના લોકો જે રીતે આકર્ષાય છે એનાં અનેક કારણો છે.એમાંનાં કેટલાંક મુખ્ય કારણો અંગે આ બ્લોગ વિનોદ વિહારની તારીખ  ૧૨મી ડિસેમ્બર,૨૦૧૧ની નીચેની પોસ્ટમાં પ્રસિદ્ધ થયેલ મારો ખુબ ચર્ચિત લેખ “અમેરિકા તરફના લોકોના આકર્ષણનું શું છે રહસ્ય ?”એને વાચકોની  કોમેન્ટ્સ સાથે,નીચેની લીંક ઉપર વાંચવા ભલામણ  છે.

https://vinodvihar75.wordpress.com/2011/12/12/

 

હાસ્યલેખક સ્વ.શ્રી હરનીશ જાનીની બે રચનાઓ  “ફોર્થ ઓફ જુલાઈ “ (ગઝલ)

અને “મગરનાં આંસુ “(અછાંદસ કાવ્ય )

૨૦,ઓગસ્ટ ૨૦૧૭ ના રોજ સ્વર્ગવાસી બનેલ એવોર્ડ વિજેતા હાસ્યલેખક મારા મિત્ર સ્વ.શ્રી હરનીશ જાનીની ગઝલ સ્વરૂપની બે કાવ્ય રચનાઓ  “ફોર્થ ઓફ જુલાઈ “અને “મગરના આંસુ “(અછાંદસ કાવ્ય ) માં જે કટાક્ષમય  સંદેશ એમણે સુંદર રીતે રજુ કર્યો છે એ માણવા અને વિચારવા જેવો છે. 

આ રચનાઓ અગાઉ ઘણા બ્લોગોમાં પ્રગટ થઇ છે. આ બે સમયોચિત રચનાઓને ફરી આજની પોસ્ટમાં પ્રસ્તુત કરી સ્વ.હરનીશભાઈને  સ્મરણાંજલિ  આપું છું.

                                                                                                                    

ફોર્થ ઓફ જુલાઈ …. હરનીશ જાની

 વતનની ધૂળ ખંખેરો હવે તો અમેરિકામાં.

 વતનના વન ઉગ્યા હવે તો અમેરિકામાં.

 તમારા બાળકોનું વતન છે આ તો

 ક્યાં સુધી પરદેશી રહેશો,અમેરિકામાં.

લોકશાહીના આ મંદિરનો ઉપકાર માનો.

બાંધો છો રોજ નવા મંદિરો અમેરિકામાં.

અન્ન આ ધરતીનું શ્વાસ આ આકાશનો .

સુજલામ્ સુફલામ્ બનાવો,અમેરિકામાં.

જન્મદાત્રી ભાગ્યમાં મળી તમને આનંદો.

જીવનદાત્રી તમારી પસંદની, અમેરિકામાં.

વરસાદના છાંટા પડે જો અમદાવાદમાં.

કયાં સુધી છતરીઓ ખોલશો ,અમેરિકામાં

આજે જાશું, કાલે જાશું , રટ હવે તો છોડો

કબર ખોદાઇ ગઇ છેતમારી, અમેરિકામાં.

હરનિશ જાની-યુ.એસ.એ. 

(રદિફ–કાફિયાની ચિંતા કર્યા સિવાય સદેશ વાંચો–તે સ્પષ્ટ છે.)

 

મગરનાં આંસુ  …. હરનીશ જાની

 જે દેશનો રોટલો ખાવો છે ,

તેને ગાળો ભાંડવી ઠીક નથી.

 વતનને તરછોડી આવ્યા છો જાતે,

 હવે રોદણાં રડવાં ઠીક નથી.

 લો કટના બ્લાઉઝ અને ખુલ્લા પેટ ગુજરાતમાં જોયા પછી,

અમેરિકાની સંસ્કૃતિની વાતો કરવી ઠીક નથી.

સરસ્વતી મંદીરોમા, જયાં વિદ્યાર્થીનીઓ સેઇફ નથી,

ત્યાં રોજે સંસ્કૃતિના બણગાં ફૂંકવાં ઠીક નથી..

બોલિવુડના બિભત્સ નૃત્યોને રોજ ટીવી પર જોયા પછી,

મનમાં ગમતી-અમેરિકાની ફેશન વખોડવી ઠીક નથી.

જયાં ઘરડાંઘર નીત નવાં બંધાતાં હોય ત્યાં,

ભારતીય માબાપોની સેવા કરતાં ‘શ્રવણો’ની વાતો ઠીક નથી.

મહારાજો, બાબાઓ, લાલુઓ, ‘ઠાકરે’ઓ-અને “ભાઇ”ઓ નો.

દેશ છોડી આવ્યા પછી, હવે ઓબામાને ગાળો દેવી ઠીક નથી.

જે માને તમે તરછોડીને આવ્યા છો તે હજુ ત્યાં જ છે.

પાછા પહોંચી જાવ ત્યાં ! કોઇ રોકે નહી,

પણ

મગરના આ આંસુ, ઠીક નથી.

હરનિશ જાની, ન્યુ જર્સી ,યુ.એસ.એ.

 

Happy 4th 0f July,2019

૪થી જુલાઈ ૨૦૧૯ ના આજના અમેરિકાના   

૨૪૩ મા જન્મ દિવસે વિનોદ વિહારના સુજ્ઞ વાચકોને..

અભિનંદન  અને અનેક શુભેચ્છાઓ .