Dr. Sharad Thakar is Gujarati Author. Writing “રણમાં ખીલ્યું ગુલાબ” since 1993 and “ ડૉક્ટર ની ડાયરી” since 1995 in leading Gujarati Daily New Paper. Author of 28 books, Recipient of many state level and national awards for literary work. Professionally a Gynaecologist at Ahmedabad.
હું જ્યારે ડૉ.ભટ્ટના નિવાસસ્થાને ગયો, ત્યારે ઘરમાં જબરદસ્ત ધમાલ મચી હતી. ઘરની હાલત દેશની સંસદ જેવી બની ગઇ હતી. મેં રાડારાડનું કારણ પૂછ્યું. જવાબ મળ્યો કે ડૉ.ભટ્ટનો રૂમાલ જડતો ન હતો.ડૉ.ભટ્ટ આમ બધી બાબતે ડોક્ટર જેવા જ હતા, પણ ભૂલવાની વાતે પ્રોફેસરની જેવા હતા.‘મારે, યાર, અત્યારે બહાર જવું છે અને મારો હાથરૂમાલ જડતો નથી.’ ડૉ.ભટ્ટ ગાંડાની જેમ ઘરમાં ઘૂમી વળ્યા હતા. ટાલવાળા માથા ઉપર જે કંઇ બે-ચાર વાળ હતા તે પણ રૂમાલની ચિંતામાં એન્ટેનાની જેમ ઊભા થઇ ગયા હતા.
મેં સૂચન કર્યું, ‘એક રૂમાલ ખોવાયો હોય તો બીજો લઇ લો ને! ઘરમાં એક જ રૂમાલ રાખો છો?’ આવું કહેવાનો મને અધિકાર હતો, મારે એમના પરિવાર સાથે એવી ઘરવટ હતી.‘રૂમાલ તો એક ડઝન રાખું છું, પણ મારે આ શર્ટ-પેન્ટ સાથે મેચ થાય તેવો બ્રાઉન રંગનો હેન્કી જોઇએ છે. મારી પાસે છે પણ ખરો. ભગવાન જાણે ક્યાં ગૂમ થઇ ગયો? આ વસુ મારી કોઇ વસ્તુનું ધ્યાન રાખતી નથી!’ ડૉ.ભટ્ટના ગુસ્સાનું મિસાઇલ હવે પત્નીની દિશામાં તકાયું.
‘આ વસુ જ તમારી દરેક ચીજવસ્તુનું ધ્યાન રાખે છે.’ આવું બોલતાં, મલકાતાં, હાથમાં પતિને જોઇતો હતો એ રૂમાલ લઇને આવતાં ડૉ.ભટ્ટના ધર્મપત્ની ડ્રોઇંગરૂમમાં પ્રવેશ્યાં. પતિના હાથમાં રૂમાલ મૂક્યો.
‘મોજાં તમારા રૂમાલવાળા કબાટના ડ્રોઅરમાં છે. લો, એ પણ લઇ આવી છું, નહીંતર બે મિનિટ પછી એને શોધવાની કસરત ચાલુ થઇ જાત!’ વસુબહેને બ્રાઉન રંગના મોજાંની જોડ પતિના હાથમાં મૂકી.
‘થેન્કયુ, વસુ! તું ન હોત તો આજે મારું શું થાત?’
‘આજની વાત છોડો, આખી જિંદગીની વાત કરો! તમારી નાની-નાની દરેક ચીજનું ધ્યાન હું જ તો રાખું છું! સાવ ભાન વગરના છો! રામ જાણે કેવી રીતે ડોક્ટર બની ગયા?!’ આવું બોલતી વખતે વસુબહેનના ચહેરા ઉપર પતિની કાળજી લેતી ભારતીય નારીનું અભિમાન ઝલકતું હતું અને આંખોમાં સુખી દાંપત્યનો સંતોષ મલકતો હતો.
વરસો થઇ ગયા આ ઘટનાને. નોકરીના સ્થળે હું એકલો જ રહેતો હતો. પત્ની અમદાવાદમાં હજુ ભણતી હતી. મારા કામમાંથી પરવારું કે તરત જ હું ડૉ. ભટ્ટના નિવાસસ્થાને જઇ પહોંચતો હતો. સાંજની ચા અમે સાથે માણતા હતા. રાત્રે ટીફિન જમવા પૂરતો હું મારા ઘરે જઉં અને તરત પાછો આવી જઉં. પછી મોડી રાત સુધી પત્તા ટીચતાં અને ગપ્પા મારતાં અમે બેસી રહીએ. મારી ભેંકાર જુવાનીના એ સમયને સંગાથના શોરગૂલથી ભરી દેવાનું પવિત્ર કાર્ય ડૉ.ભટ્ટ અને એમના પત્ની વસુબહેને પાર પાડ્યું હતું.
પતિ-પત્ની વચ્ચે ગજબનો પ્રેમ હતો, સુમેળ હતો, એકમેકને સમજવાની અને ગમા-અણગમા પારખવાની શક્તિ હતી. એમનું દાંપત્ય નર્યું ગળપણનું બનેલું મિષ્ટાન્ન ન હતું, પણ બધાં જ સ્વાદો ધરાવતી ચટપટી વાનગી જેવું હતું. ખરી મજા ડૉ.ભટ્ટના ભૂલકણાં સ્વભાવને કારણે આવતી હતી. તે દિવસે રૂમાલ ખોવાયો હતો, તો થોડાંક દિવસો પછી એમના ચશ્માં અર્દશ્ય થઇ ગયા!‘મારા ચશ્માં ક્યાં છે?’ ચશ્માં ક્યાં છે?’ ડૉ.ભટ્ટે ઘર માથે લીધું.
‘ચશ્માં તમારા નાક પર તો છે!’ વસુબહેને પતિનું ધ્યાન દોર્યું.‘આ તો દૂરનું જોવાના ચશ્માં છે, હું વાંચવા માટેના શોધું છું. તું આમ બાધાની જેમ મારી સામે ઊભી રહીને દલીલો ન કર! મને ચશ્માં શોધવામાં મદદ કર!’ ડૉ.ભટ્ટની ઘાંટાઘાંટ સાંભળીને વસુબહેને ઘરનો ખૂણેખૂણો ફેંદી નાખ્યો. છેવટે ચશ્માં જડ્યા ખરાં!‘થેન્કયુ, વસુ! થેન્કયુ! ચશ્માં ક્યાંથી મળ્યા?’ ડૉ.ભટ્ટના જીવમાં જીવ આવ્યો.
પણ વસુબહેનના જવાબથી પાછો જીવ ઊડી ગયો, ‘તમારા ટોઇલેટમાં ફ્લશની ટેંક ઉપર પડ્યા હતા!’‘ત્યાં કોણ મૂકી આવ્યું હશે?’ ‘તમે! બીજું કોણ લેટ્રીનમાં તમારા ચશ્માં પહેરીને જાય? તમને ટેવ છે ત્યાં બેઠાં-બેઠાં સવારનું છાપું વાંચવાની! હું તમારી આદતો જાણું છું માટે મેં ત્યાં તપાસ કરી. નહીંતર…’ અધૂરા વાક્યમાં જેટલાં ટપકાં હતા એના કરતાં વસુબહેનની આંખોમાં પતિની નાની-નાની વાતનું ધ્યાન રાખવાનું અભિમાન વધારે સમાયેલું હતું.
અમારો સથવારો લગભગ એક-દોઢ વરસનો રહ્યો. ખૂબ મજાઓ માણી, પણ સૌથી વધારે સાતત્યપૂર્ણ ઘટનાઓ આ ચીજવસ્તુઓ ખોવાઇ જવાની અને પાછી જડી જવાની બનતી રહી. દરેક વસ્તુ વસુબહેન જ ખોળી આપતાં. કારની ચાવી કચરાટોપલીમાંથી મળી આવે. ભટ્ટ સાહેબનો કોટ માળીયા પરથી જડી આવે. એક વાર સાહેબનું ટી-શર્ટ ખોવાયું હતું. ખૂબ શોધ્યું પણ ન જ મળ્યું. એ દિવસે ડૉ.ભટ્ટ શરીરના ઉપરના ભાગે એ ટી-શર્ટ સિવાય બીજું કશું જ પહેરવાના મૂડમાં ન હતા.
પણ ટી-શર્ટ એના માલિક કરતાંયે વધારે હઠીલું નીકળ્યું. બે મહિના પછી વસુબહેન જ્યારે તેલનો ડબ્બો લૂછવા માટે કપડાંનો ગાભો શોધતાં હતાં, ત્યારે મસોતાંના ઢગલા વચ્ચે પતિદેવનું ગૂમ થયેલું ટી-શર્ટ મળી આવ્યું. એ પણ ગાભા જેવું જ બની ગયું હતું. પણ ડૉ.ભટ્ટે જીદ પૂરી કરવા ખાતર એક વાર તો એ ગાભો પણ પહેરી નાખ્યો! પત્ની સામે જોઇને પૂછ્યું યે ખરું, ‘શું વિચારે છે? તારો પતિ કેવો હેન્ડસમ દેખાય છે એવું ને?’
‘ના, હું તો એવું વિચારતી હતી કે જો તમને હું ન મળી હોત તો તમારું શું થાત? ચશ્માં, પેન, બૂટ-મોજાં, હાથરૂમાલ અને પહેરવાના કપડાં આ બધું ખોઇને સાવ નડીંગ-ધડીંગ ફરતાં હોત! હું છું ત્યારે તમારી નાની-નાની દરેક વાતનું ધ્યાન રાખું છું.’ આવું બોલતાં વસુબહેનની આંખોમાં ચમકતાં સંતોષ અને મોં ઉપર લિંપાયેલી ગૌરવની લાગણીમાં ડૉ.ભટ્ટની સંમતિ પણ ભળેલી હતી અને મારી સાક્ષી પણ!એ પછી અમે છુટા પડ્યાં.
***
તાજેતરમાં મારે બહારગામ જવાનું બન્યું. એક જાણીતા શહેરમાં જાહેર સમારંભમાં મને વકતવ્ય આપવા માટે બોલાવવામાં આવ્યો હતો. અમદાવાદથી કારમાં જવાનું હતું. સમારંભનો સમય સવારના નવ વાગ્યાનો હતો. વહેલાં ઊઠીને પાંચ કલાકનો પ્રવાસ કરીને નિધૉરીત સમયે પહોંચવાનું શક્ય ન હતું. માટે આયોજકોએ રસ્તો કાઢ્યો, ‘તમે અમદાવાદથી સાંજે નીકળીને આગલા દિવસે રાતે જ આવી જાવ! સવારે બહુ વહેલા ઊઠવાની ચિંતા નહીં રહે! હોટલમાં તમારા માટે રૂમ બૂક કરાવી લઇશું.’ હું પહોંચી ગયો. હોટલના રજિસ્ટરમાં સહી કરતી વખતે ઉપર નીચેના ખાનાઓ ઉપર સહજપણે મેં નજર ફેરવી લીધી.
એક નામ વાંચીને હું ઊછળી પડ્યો. મારી તદ્દન બાજુના રૂમમાં ડૉ.ભટ્ટ અને શ્રીમતી ભટ્ટ ઊતરેલા હતા! કેટલાં બધાં વરસો પછી આ મિત્ર દંપતીને મળી શકાશે એ વિચારમાત્રથી હું રોમાંચિત થઇ ઊઠ્યો. મારા રૂમાં બેગ મૂકી ન મૂકી અને હું પડોશમાં દોડી ગયો. બેલ વગાડી. બારણું એક રૂપાળી યુવતીએ ઊઘાડ્યું. હું ડઘાઇ ગયો. અંદર પથારીમાં ડૉ.ભટ્ટ બેઠેલા હતા. યુવતી પારદર્શક ગાઉનમાં જેટલી ઢંકાતી હતી એના કરતાં વધુ તો છતી થતી હતી.
‘સોરી, ભટ્ટસાહેબ! આટલાં લાંબા સમય પછી તમને મળવાના જોશમાં મને લાગે છે કે મેં તમને ખોટા સમયે ખલેલ પહોંચાડી! રજિસ્ટરમાં મેં શ્રીમાન ભટ્ટ વાંચ્યું એટલે મને થયું કે વસુબહેન…’ડૉ.ભટ્ટ મારી પાસે દોડી આવ્યા, ‘નેવર માઇન્ડ, શરદભાઇ! જાણેઅજાણ્યે તમે મારી ખાનગી જિંદગી જોઇ લીધી. આ ઉત્કંઠા છે. બે વરસથી મારે ત્યાં નર્સ છે. અમે….યુસી…! પણ એક વિનંતી છે…આ વાત ખાનગી રાખજો. વસુને ખબર નથી….’ ડૉ.ભટ્ટ ખોવા જેવું ખોઇ નાખતા હતા,પણ શોધવા જેવું એમણે શોધી લીધું હતું! મને દયા આવી ગઇ વસુબહેન પર! એ બિચારી ભોળી ભારતીય ધર્મપત્ની એનાં પતિની દરેક નાની-નાની વાત પર નજર રાખતી રહી. એમાં આવડી મોટી વાત સાવ જ એનાં ધ્યાન બહાર નીકળી ગઇ!‘
ગીતાના ૭૦૦ શ્ર્લોકોમાં શું લખ્યું છે એ તો ઘણાં લોકોને ખબર છે, પણ આ ૭૦૦ શ્ર્લોકોમાં જે નથી લખ્યું,છતાં ગીતાની રચના, એના બંધારણમાંથી પણ ઘણું બધું જ્ઞાન મળી શકે છે. ગીતાના બંધારણમાંથી અમુક મુદ્દા મારા ધ્યાનમાં આવ્યા છે,એમાંથી થોડા હું અહીં સંક્ષિપ્તમાં રજૂ કરૂં છું.– પી. કે. દાવડા
ગીતાની શરૂઆત “ધૃતરાષ્ટ્ર ઉવાચ”થી થાય છે, અને અંત “સંજય ઉવાચ”થી થાય છે. એનો અર્થ, ગીતા વાંચ્યા પહેલાં આપણે ધૃતરાષ્ટ્ર જેવા આંધળા છીએ, પણ ગીતા વાંચ્યા અને સમજ્યા પછી આપણને સંજય દૃષ્ટી મળે છે.
ગીતા છંદોબધ્ધ રચના છે. પ્રથમ શ્ર્લોકની શરૂઆત છે, “ધર્મક્ષેત્રે કુરૂક્ષેત્રે”. હવે છંદનો ભંગ કર્યા વગર એ લખી શકત “કુરૂક્ષેત્રે ધર્મક્ષેત્રે”, પણ એવું નથી કર્યું. કદાચ એમાં એવો સંદેશ છે કે આપણે આ દુનિયામાં આવીએ છીએ ત્યારે શરીર અને મનથી આપણે ધર્મક્ષેત્ર જેવા છીએ,એને કુરૂક્ષેત્ર તો આપણે જીવન દરમ્યાન બ નાવીએ છીએ.
બીજા એક શ્ર્લોકમાં લખ્યું છે, “પરિત્રાણાય સાધુનામ, વિનાશાય દુષ્કૃતામ”. અહીં પણ પરિત્રાણાય સાધુનામ પહેલાં લખ્યું છે, દુષ્ટોને મારવાની વાત પછી કરી છે. ભગવાનનો મુખ્ય ઉદ્દેશ સારા માણસોનું રક્ષણ કરવાનો છે, અને એના માટે જરૂર પડે ત્યારે દુષ્ટોનો નાશ કરે છે.
ગીતા ટુ-વે ‘સંવાદ’ છે. કૃષ્ણ અને અર્જુન મિત્રો છે, બન્નેનો અલગ અલગ મત છે, એટલે ચર્ચાના રૂપમાં દલીલો થાય છે,પણ ક્યાંયે એકબીજાને ઉતારી પાડવાનો પ્રયાસ નજરે પડતો નથી. ક્યાંયે એકબીજા ઉપર ગુસ્સે થતા નથી. અર્જુન શંકાઓના રૂપમાં સવાલ કરે છે, અને કૃષ્ણ સમાધાનના રૂપમાં જવાબ આપે છે. આમ ગીતા બે સજ્જન માણસો વચ્ચે ચર્ચા કઈ રીતે થવી જોઈએ એનું એક ઉદાહણ છે.
ગીતાની શરૂઆતમાં અર્જુન નહીં લડવા
માટેની તર્કબધ્ધ દલીલો કરે છે. શ્રીકૃષ્ણ બધું ચુપચાપ સાંભળી લે છે, વચ્ચે ટોકતા પણ નથી અને કંઈ બોલતા પણ
નથી. જ્યારે અર્જુન થાકીને સલાહ માગે છે ત્યારે જ શ્રીકૃષ્ણ સમજાવવાની શરૂઆત કરે
છે. આ ગીતાનો પહેલો પાઠ કહી શકાય, કે વણમાગી સલાહ આપવી નહીં.
અર્જુન ક્ષત્રિય છે, એટલે અન્યાય સામે લડવાનો એનો ધર્મ છે. આ વાત કૃષ્ણ અર્જુનને સમજાવીને કહે છે, એની ઠેકડી ઉડાવીને નથી કહેતા. સાચી વાત પણ સારી રીતે કહેવી જોઈએ, એ ગીતાની બીજી શીખ છે. ગીતા એ પણ શીખવે છે કે બે મિત્રો વચ્ચે મદભેદ હોય તો પણ શિષ્ટાચાર છોડીને વર્તવું ન જોઈએ.
ગીતામાં એકની એક વાત ફરી ફરી કહેવામાં આવે છે. કૃષ્ણ પોતાની દલીલ અર્જુનના મનમાં ઠસાવવા માટે એકની એક વાત અલગ અલગ રીતે કહે છે, જ્યારે એમને ખાત્રી થાય છે કે અર્જુન આ વાત હવે સમજી ગયો છે, ત્યારે એ બીજી વાતો કહે છે. શિક્ષકોએ આ વાત ગીતામાંથી સમજવાની જરૂર છે. અર્જુન વચ્ચે વચ્ચે અનેક શંકાઓ વ્યક્ત કરે છે, અનેક સવાલો પૂછે છે, છતાં કૃષ્ણ કંટાળ્યા વિના શાંતિથી દરેક સવાલનો જવાબ આપે છે. સારા ગુરૂએ શિષ્ય પ્રત્યે આવો ભાવ કેળવવો જોઈએ.
શ્રીકૃષ્ણ અર્જુનની લડાઈ લડતા નથી, એને લડવા માટે તૈયાર કરે છે. તેનો અર્થ એ થયો કે દરેક માણસે પોતે જ પોતાની લડાઈ લડવી પડે.ભગવાન આપણા બદલે લડવા માટે ન આવે. યુદ્ધમાં વિજયી થવા માટેના માર્ગો ભગવાન બતાવે પણ યુધ્ધ તો આપણે જ લડવું પડે.
ગીતામાં માત્ર ધર્મની વાત નથી, એ જીવન જીવવાની રીત બતાવે છે.ગીતા માત્ર પરલોકની વાત નથી કરતી, આ લોકમાં કેમ સુખ, શાંતિ અને તંદુરસ્તી મળે, એની વાત કહે છે.ગીતા વૃધ્ધાવસ્થામાં સમજવાની કૃતિ નથી, એ બાળપણથી આત્મસાત કરવા જેવી શીખામણ આપે છે.
ગીતા જીવનની વાસ્તવિકતા સ્વીકારીને
પરમાર્થ સાધવાની વાત કરે છે. જીવન મળ્યું એટલે તેને જીવવું પડશે, અને જીવવા માટે સંઘર્ષ કરવો પડશે, પણ સંઘર્ષ કઈ રીતે કરવો એ ગીતા શીખવે
છે.
હિન્દુ ધર્મમાં અનેક ફાંટા અને અનેક
પંથો હોવા છતાં, પ્રત્યેક પંથે અને પ્રત્યેક ફાંટાએ
ભગવદ ગીતાને માન્યતા આપી છે. ગીતાનો સંદેશ લોકોને સહેલાઈથી ગળે ઉતરે છે.
ગીતામાં કહેલી વાતોમાં પર્યાયના રૂપમાં
બાંધછોડની ગુંજાઈશ દેખાય છે. ગીતાએ દર્શાવેલા જીવન જીવવાના અનેક માર્ગોમાંથી કોઈપણ
એક માર્ગ પસંદ કરી આગળ વધવાની છૂટ અન્ય કોઈ ધર્મગ્રંથમાં ભાગ્યે જ હશે.
જે ગ્રંથમાં ‘મામેકં શરણં વ્રજ’ જેવી ઇશ્વરને અનુસરવાની અચળ આજ્ઞા છે,એમાં જ ‘યથેચ્છસિ તથા કુરૂ’ (તને જેમ યોગ્ય લાગે તેમ કર!) વાળી મુકત મોકળાશ પણ છે!
ગીતા નિષ્ક્રિય બનીને કર્મનો ત્યાગ કરવાને બદલે કર્મનો મોહ ત્યાગવાની વાત કરે છે. ગાંધીજીએ કહ્યું છે, ‘જે કર્મ છોડે એ પડે, કર્મ કરી તેના ફળને છોડે એ ચડે!’. ગીતાનું મઘ્યબિંદુ હોય તો એ છે ‘અનાસક્તિ’. આખી ગીતાનો સારાંશ એક જ શબ્દમાં આપવો હોય તો એ શબ્દ છે ‘સ્થિતપ્રજ્ઞ’.
રમતમાં હમેશાં જીત જ થાય તે શક્ય નથી, તેમ સંઘર્ષમાં હંમેશાં સફળ જ થવાય તેમ ન માની લેવું. તેથી ગીતા ફળની અપેક્ષા રાખ્યા વિના કર્મ કરવાની વાત કરે છે. એનો અર્થ એ નથી કે કરેલાં કર્મ મિથ્યા છે, અને તેનું ફળ નહિ મળે. ફળ તો અવશ્ય મળશે, પણ તે તમારી અપેક્ષા પ્રમાણેનું ન પણ હોય. વ્યહવારમાં તો આપણે હંમેશાં બોલીએ છીએ કે આપણે તો આ કામ ઈમાનદારીથી કર્યું છે,જોઈએ હવે પ્રભુ કેવો બદલો આપે છે. આ માત્ર બોલવાની વાત નથી, જીવનના એકે એક કામ માટે આ વૃતિ કેળવવાની અને અમલમાં લાવવાની વાત છે.
ગીતાએ જીવનનો સંઘર્ષ ક્યાં સુધી થાય
અને ક્યારે શસ્ત્રો હેઠાં મૂકી દઈને શરણાગતિ સ્વીકારી લેવી પડે એ વાત કરીને
માનવીના પુરુષાર્થની સીમા બતાવી દીધી છે.
ગીતા મન ઉપર બુધ્ધિથી કાબુ રાખવાની વાત
કરે છે.
આપણી અંદર પાંડવો જેવા સદગુણ અને કૌરવો જેવા દુર્ગુણો છે.આ બધા આપણી અંદર એક સાથે રહેતા હોવાથી આપણને એ બધાને સાચવવાની આદત પડી જાય છે, અને લડાઈ કરવાથી કતરાઈએ છીએ. ગીતા કહે છે, આ ખોટું છે, મક્કમતાથી બુરાઈઓ સામે લડાઈ કરી એમાંથી મુક્તિ મેળવવી જોઇએ. આપણે અર્જુનની જેમ આનાકાની ન કરીએ એટલા માટે ગીતા આપણને કૃષ્ણ બનીને માર્ગ દેખાડે છે.
પ્રકૃતિમાંથી આપણને કેટલી બધી અમુલ્ય
વસ્તુઓ મફતમાં મળે છે. સૂર્યનો પ્રકાશ, જીવવા માટે જરૂરી ઓક્સીજન, પાણી;
આપણે
જો આના બદલામાં પ્રકૃતિને કંઈ ન આપીએ તો આપણી ગણત્રી ચોરમાં થવી જોઈએ. પુરૂષ અને
પ્રકૃતિ વચ્ચે પ્રમાણિક આપ લે કરવાથી જ પૃથ્વી ઉપરનું જીવન ટકી રહેશે. પુરૂષ અને
પ્રકૃતિ એક જ પરમાત્માના અંશ છે. જો આ વાત સ્વીકારી લેવામાં આવે તો માણસ અને માણસ
વચ્ચેના ઘર્મના ઝગડા બંધ થઈ જાય, અને પશુ અને પક્ષીઓ પ્રત્યેનો પણ વ્યહવાર બદલાઈ જાય.
ગીતાની શીખ પ્રમાણે વર્તવા સ્વસ્થ શરીર
અને સ્વસ્થ મન હોવાં જરૂરી છે, જેના માટે સ્વસ્થ ખોરાક લેવો જરૂરી છે. ગીતા રોજીંદા જીવનમાં
ખોરાકનું મહત્વ સમજાવે છે, કેવો
ખોરાક ખાવો જોઈએ અને કેવો ખોરાક ત્યજવો જોઈએ, એ ગીતામાં વિગતવાર સમજાવ્યું છે.
ગીતામાં એક મોટી વાત કહી છે. કોઈપણ
કર્મ સારૂં કે ખરાબ નથી, એનો
આધાર એ સારા કે ખરાબ ધ્યેય માટે કરવામાં આવ્યું છે એના ઉપર છે. દરેક વ્યક્તિને
અમુક કામ એક કર્તવ્ય તરીકે મળ્યું હોય છે.
જેલમાં ફાંસીગર જે કામ કરે છે એમાં કોઈ પાપ નથી. એ માણસને મારતો નથી, એ માત્ર કાયદાનું પાલન કરે છે.
અંતમાં ગીતા એક સંદેશ આપે છે કે સારી
અને સાચી સલાહ આપવી એ તમારૂં કર્તવ્ય છે, પણ સામા માણસે તમારી સલાહ પ્રમાણે વર્તવું કે પોતાની ઈચ્છા પ્રમાણે
વર્તવું એ સામા માણસ ઉપર છોડી દેવું જોઈએ. કૃષ્ણે પણ અર્જુનને અંતમાં એ જ કહ્યું
છે કે “યથેચ્છસિ તથા કુરુ” , હવે તને જે યોગ્ય લાગે તે કર. ગીતા
મોસ્ટ ડેમોક્રેટિક ગ્રંથ છે. આજની જનરેશનના કોઈ પણ છોકરા-છોકરીને મળો તો એને સૌથી
વધારે ગમતી બાબત હોય તો આ લિબર્ટી છે, આ ફ્રીડમ છે, આ
સ્વતંત્રતા છે.
અંતમાં અર્જૂન વિષાદમાંથી બહાર આવે છે, અને કહે છે, “નષ્ટો મોહઃ સ્મૃતિરલબ્ધા ત્વપ્રસાદાન
મયા અચ્યુત” અને “ સ્થિતોઅસ્મી ગતસન્દેહઃ કરિષ્યે વચનં તવ”. ગીતાનો સંદેશ જેને સમજાઈ જાય, એનો મોહ નાશ પામે છે અને એ ઇશ્વરે
બતાવેલા માર્ગ પર ચાલવા તૈયાર થઈ જાય છે.
માણસે જીવનમાં શું કરવું એ રામાયણ શીખવે છે, અને શું ન કરવું તે મહાભારત શીખવે છે, પણ જીવન કેવી રીતે જીવવું એ ગીતા શીખવે છે.
સંજય ધૃતરાષ્ટ્રનો સારથી છે. દિવ્ય
દૃષ્ટી પ્રાપ્ત કરી માત્ર હકીકતનું જ બ્યાન કરે છે. સાચું રીપોર્ટીંગ કેમ કરાય
એનું ઉત્તમ ઉદાહરણ છે.
ગીતા કહે છે કે Every problem comes with a solution.
ભગવદગીતાને જીવનનો Flow Chart બનાવો તો અનેક પ્રશ્નો ઉકલી જાય. Flow Chart માં IF-THAN અને GOTO જેવા કમાન્ડ છે તેવાજ કમાન્ડ ગીતામાં
છે.
પી. કે. દાવડા
ગીતા સંદેશ
કુરુક્ષેત્રના મેદાનની વચ્ચે રથ ઉભો રાખીને સારથી બનેલા શ્રી કૃષ્ણે સખા અર્જુનની શંકાઓનું નિવારણ કરતાં કરતાં અર્જુનને નિમિત્ત બનાવીને વિશ્વની માનવ જાતને જીવન જીવવા માટેની કળા માટેનો એક અણમોલ અને પ્રેરક સંદેશ આપ્યો છે.
આવી રત્નાકર જેવી ગીતાની અંદર ડૂબકી મારી ઊંડેથી રત્નો પ્રાપ્ત કરીને એનું ગાન કરીએ અને જીવન સંગીત પ્રગટાવીએ. અગાઉની મારી એક પોસ્ટમાં શ્રીમદ ભગવદ ગીતાનો સંદેશ સંક્ષેપમાં મૂળ અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ભાવાનુવાદ કરીને મુક્યો હતો એને આજની પોસ્ટમાં વાચકો માટે અહીં ફરી રજુ કરૂ છું…વિનોદ પટેલ
આપણે એક સાથે ચાલીએ; એક સાથે બોલીએ; આપણું મન એક બને.‘યોગ એ પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા મળેલી એક અમૂલ્ય ભેટ છે. તેમાં મન અને શરીર; વિચાર અને ક્રિયા; સંયમ અને પરિપૂર્ણતા વચ્ચે રહેલી એકતા છે; જે મનુષ્ય અને પ્રકૃતિ મધ્યોની સંવાદિતાનું મૂળરૂપ છે, એ આરોગ્ય અને કલ્યાણનો સમગ્ર દૃષ્ટિકોણ છે. યોગ એ કસરત નહીં પરંતુ આપણામાં, વિશ્વમાં તથા પ્રકૃતિમાં રહેલી એકાત્મતાની શોધ છે. આપણી જીવનશૈલીમાં ફેરફાર કરી તથા ચેતના જાગૃત કરીને તે આપણને આબોહવાનાં પરિવર્તનોનો સામનો કરવામાં મદદ કરી શકે છે. ચાલો, આપણે એક આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અપનાવવા તરફ કાર્ય કરીએ.”
યોગ મૂળભૂત રીતે એક આધ્યાત્મિક શાખા છે. જે એક અત્યંત સૂક્ષ્મ વિજ્ઞાન પર આધારિત છે. તેનો મુખ્ય હેતુ શરીર અને મન વચ્ચે સમન્વય લાવવાનો છે. તે સ્વસ્થ જીવન જીવવા માટેની એક કલા તથા વિજ્ઞાન છે. યોગ શબ્દ સંસ્કૃતની મૂળ ‘યુગ ધાતુ માંથી મળે છે. જેનો અર્થ જોડવું, બાંધવું કે સંગઠિત કરવું એવો થાય છે. યોગ-શાસ્ત્રો અનુસાર યોગના અભ્યાસ દ્વારા વ્યક્તિગત ચેતનાનું સર્વવ્યાપક ચૈતન્ય સાથે સંમિલન થાય છે. આધુનિક વૈજ્ઞાનિકો અનુસાર બ્રહ્માંડમાં રહેલી દરેક વસ્તુ એક જ આકાશ પરિમાણની અભિવ્યક્તિ છે. જે વ્યક્તિ આ અસ્તિત્વના ઐક્યનો અનુભવ કરે છે, તે યોગી છે અને યોગી એ કહેવાય કે જેણે એક્યતાની સ્થિતિ પ્રાપ્ત કરી લીધી છે અને તે સ્થિતિને મુક્તિ, નિર્વાણ, કેવલ્ય અથવા મોક્ષ કહે છે. ‘
યોગ’ આાંતરિક વિજ્ઞાન પણ છે. જેમાં એવી વિભિન પદ્ધતિઓનો સમાવેશ થાય છે, જેના દ્વારા મનુષ્ય શરીર અને મન વચ્ચે સામંજસ્ય/સંવાદિતા મેળવીને આત્મસાક્ષાત્કાર કરી શકે છે. યોગસાધનાનું લક્ષ્ય તમામ પ્રકારની પીડાઓ અને કષ્ટો દૂર કરવાનો છે. જેથી જીવનના દરેક સ્થળે સ્વતંત્રતાનો અનુભવ, સુખ અને સંવાદિતા પ્રાપ્ત થાય છે.
તાજેતરમાં થયેલ તબીબી અભ્યાસ જણાવે છે કે યોગ દ્વારા શારીરિક માનસિક ઘણા ફાયદા થાય છે. અને આ ફાયદા નિયમિત યોગાભ્યાસ કરનારામાં જણાયા છે.
આવા જ અમુક તબીબી અભ્યાસ જણાવે છે કે…
યોગ શારીરિક તંદુરસ્તી, સ્નાયુની મજબૂતી અને હૃદયની તંદુરસ્તી માટે ખૂબ લાભદાયી છે.
યોગ ડાયાબિટીસ, શ્વસનતંત્રના રોગ, લોહીનું ઊંચું-નીચું દબાણ તથા જીવનચર્યાને લગતા રોગોમાં લાભદાયી છે.
યોગ તનાવ, થાક, ચિંતા વગેરે ઘટાડવામાં ખૂબ મદદ કરે છે.
યોગ એ પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા મળેલી એક અમૂલ્ય ભેટ છે. તેમાં મન અને શરીર; વિચાર અને ક્રિયા; સંયમ અને પરિપૂર્ણતા વચ્ચે રહેલી એકતા છે; જે મનુષ્ય અને પ્રકૃતિ મધ્યોની સંવાદિતાનું મૂળરૂપ છે, એ આરોગ્ય અને કલ્યાણનો સમગ્ર દૃષ્ટિકોણ છે. યોગ એ કસરત નહીં પરંતુ આપણામાં, વિશ્વમાં તથા પ્રકૃતિમાં રહેલી એકાત્મતાની શોધ છે. આપણી જીવનશૈલીમાં ફેરફાર કરી તથા ચેતના જાગૃત કરીને તે આપણને આબોહવાનાં પરિવર્તનોનો સામનો કરવામાં મદદ કરી શકે છે.
યોગ વ્યક્તિના શરીર, મન, લાગણી તથા ઉર્જાના સ્તરો પર કામ કરે છે. આથી યોગના ચાર મુખ્ય વર્ગીકરણો થયા છે : કર્મયોગ, જ્યાં આપણે શરીરનો ઉપયોગ કરીએ છીએ. જ્ઞાનયોગ, જ્યાં આપણે મન/બુદ્ધિનો ઉપયોગ કરીએ છીએ. ભક્તિયોગ, જ્યાં આપણે લાગણીનો ઉપયોગ કરીએ છીએ. ક્રિયાયોગ, જ્યાં આપણે ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. આપણે યોગની જે કોઇ પદ્ધતિ અનુસરીએ છીએ તે આમાંથી કોઇપણ એક વગીકરણમાં જ સમાવિષ્ટ થાય છે.પ્રત્યેક વ્યક્તિ આ ચાર પરિબળોનું એક અનન્ય સંયોજન હોય છે. માત્ર એક ગુરુ જ જિજ્ઞાસુ માટે આવશ્યક એવા આ ચાર માર્ગોના યોગ્ય સંયોજન/શિક્ષણની હિમાયત કરી શકે છે. યોગ પરનાં તમામ પ્રાચીન ભાષ્યોએ ગુરુના માર્ગદર્શન નીચે કામ કરવાની જરૂરિઆત પર ભાર મૂક્યો છે.
યોગાસનોના અભ્યાસ માટે વિશેષ સૂચનો
અભ્યાસની શરૂઆત ઇષ્ટદેવ અથવા ગુરુદેવનું સ્મરણ કરી પ્રાર્થનાથી કરવી જોઇએ.
આસનોનો અભ્યાસ શ્વાસના વિશિષ્ટ ક્રમ અનુસાર વિધિમાં દર્શાવ્યા મુજબ કરવો જોઇએ.
ખોટી ઉતાવળ ન કરવી જોઇએ. ઉતાવળ અથવા બળજબરી કરવાથી શરીરને નુકશાન થવાથી પૂરી સંભાવના છે.
સામાન્ય રીતે યોગાસનોના અભ્યાસ દરમ્યાન આાંખો બંધ રાખવી જોઇએ. આાંખો બંધ હોય ત્યારે પણ વિધિમાં દર્શાવ્યા મુજબ દષ્ટિને સ્થિર કરવા પ્રયત્ન કરવો જોઇએ. કેટલાંક આસનોમાં આંખ ખૂલ્લી રાખવાની પણ સૂચના હશે, તે આસનોમાં સમતોલન જાળવવાનું હોય તેમાં જો દષ્ટિ બંધ રાખવાની સૂચના હોય તો પણ શરૂઆતમાં અભ્યાસ દરમ્યાન દષ્ટિ ખૂલ્લી રાખી શકાય, જેથી સમતોલન ગુમાવી પડી જવાનો ભય ન રહે.અભ્યાસ દરમ્યાન ચોક્કસ સમય અને નિયમિતતા જાળવવાં જોઇએ.
અભ્યાસ પૂરો કર્યા પછી થોડી મિનિટ સુધી શવાસનમાં શિથિલીકરણ કરીને આરામ કરવો જોઇએ એનાથી થાક દૂર થાય છે.અભ્યાસ શાંતિપાઠ કરીને પૂર્ણ કરવો જોઇએ.
યોગ વિષયક પારિભાષિક શબ્દો
યોગનો અભ્યાસ કરતાં પૂર્વે કેટલાક પરિભાષિક શબ્દો સમજવા જોઇએ. એવા શબ્દો અને તેમનાં અર્થો નીચે દર્શાવ્યા મુજબ છે.
બાહ્યકુંભક : રેચકને અંતે વાયુને બહાર રોકી રાખવાની ક્રિયા.
પ્રણવ મુદ્રા : કુંભક કરવા માટે જમણા હાથની પ્રથમ બે આંગળીઓને હથેળી તરફ વાળીને જમણા અંગૂઠાથી જમણું નાસાપુટ બંધ કરવાથી બનતી મુદ્રાને ‘પ્રણવ અથવા ઓમકાર મુદ્રા’ કહેવામાં આવે છે.
સંસ્કૃતમાં અંગૂઠાને અંગુષ્ઠ પ્રથમ આાંગળીને ‘તર્જની’, બીજી આંગળીને ‘મધ્યમા’ , ત્રીજી આાંગળીને ‘અનામિકા’ અને ચોથી આાંગળીને ‘કનિષ્ઠકા કહેવામાં આવે છે. જ્ઞાનમુદ્રા : હાથની તર્જનીનું અને અંગૂઠાનું ટેરવું પરસ્પર અડકાડીને બાકીની આંગળીઓ સીધી રાખવાથી જ્ઞાનમુદ્ર બને છે. આ જ્ઞાનમુદ્રા જમણા હાથ વડે કે બનને હાથ વડે પણ થઇ શકે છે.
આસન-પ્રાણાયામના અભ્યાસ દરમ્યાન વસ્ત્રો પહોળાં, ઢીલાં અને ઓછાં પહેરવા જોઇએ, જેથી મુક્ત રીતે હલનચલન થઇ શકે.અભ્યાસ દરમ્યાન પસીનો થાય તો સ્વચ્છ વસ્ત્ર અથવા રૂમાલથી લૂછી નાખવો જોઇએ.અભ્યાસ પૂરો કર્યા પછી લગભગ ૨૦-૩૦ મિનીટ પછી, સહેજ હુંફાળા પાણીથી સ્નાન કરવું જોઇએ.
વાચકોના પ્રતિભાવ