ગીતાના ૭૦૦ શ્ર્લોકોમાં શું લખ્યું છે એ તો ઘણાં લોકોને ખબર છે, પણ આ ૭૦૦ શ્ર્લોકોમાં જે નથી લખ્યું,છતાં ગીતાની રચના, એના બંધારણમાંથી પણ ઘણું બધું જ્ઞાન મળી શકે છે. ગીતાના બંધારણમાંથી અમુક મુદ્દા મારા ધ્યાનમાં આવ્યા છે,એમાંથી થોડા હું અહીં સંક્ષિપ્તમાં રજૂ કરૂં છું.– પી. કે. દાવડા
ગીતાની શરૂઆત “ધૃતરાષ્ટ્ર ઉવાચ”થી થાય છે, અને અંત “સંજય ઉવાચ”થી થાય છે. એનો અર્થ, ગીતા વાંચ્યા પહેલાં આપણે ધૃતરાષ્ટ્ર જેવા આંધળા છીએ, પણ ગીતા વાંચ્યા અને સમજ્યા પછી આપણને સંજય દૃષ્ટી મળે છે.
ગીતા છંદોબધ્ધ રચના છે. પ્રથમ શ્ર્લોકની શરૂઆત છે, “ધર્મક્ષેત્રે કુરૂક્ષેત્રે”. હવે છંદનો ભંગ કર્યા વગર એ લખી શકત “કુરૂક્ષેત્રે ધર્મક્ષેત્રે”, પણ એવું નથી કર્યું. કદાચ એમાં એવો સંદેશ છે કે આપણે આ દુનિયામાં આવીએ છીએ ત્યારે શરીર અને મનથી આપણે ધર્મક્ષેત્ર જેવા છીએ,એને કુરૂક્ષેત્ર તો આપણે જીવન દરમ્યાન બ નાવીએ છીએ.
બીજા એક શ્ર્લોકમાં લખ્યું છે, “પરિત્રાણાય સાધુનામ, વિનાશાય દુષ્કૃતામ”. અહીં પણ પરિત્રાણાય સાધુનામ પહેલાં લખ્યું છે, દુષ્ટોને મારવાની વાત પછી કરી છે. ભગવાનનો મુખ્ય ઉદ્દેશ સારા માણસોનું રક્ષણ કરવાનો છે, અને એના માટે જરૂર પડે ત્યારે દુષ્ટોનો નાશ કરે છે.
ગીતા ટુ-વે ‘સંવાદ’ છે. કૃષ્ણ અને અર્જુન મિત્રો છે, બન્નેનો અલગ અલગ મત છે, એટલે ચર્ચાના રૂપમાં દલીલો થાય છે,પણ ક્યાંયે એકબીજાને ઉતારી પાડવાનો પ્રયાસ નજરે પડતો નથી. ક્યાંયે એકબીજા ઉપર ગુસ્સે થતા નથી. અર્જુન શંકાઓના રૂપમાં સવાલ કરે છે, અને કૃષ્ણ સમાધાનના રૂપમાં જવાબ આપે છે. આમ ગીતા બે સજ્જન માણસો વચ્ચે ચર્ચા કઈ રીતે થવી જોઈએ એનું એક ઉદાહણ છે.
ગીતાની શરૂઆતમાં અર્જુન નહીં લડવા
માટેની તર્કબધ્ધ દલીલો કરે છે. શ્રીકૃષ્ણ બધું ચુપચાપ સાંભળી લે છે, વચ્ચે ટોકતા પણ નથી અને કંઈ બોલતા પણ
નથી. જ્યારે અર્જુન થાકીને સલાહ માગે છે ત્યારે જ શ્રીકૃષ્ણ સમજાવવાની શરૂઆત કરે
છે. આ ગીતાનો પહેલો પાઠ કહી શકાય, કે વણમાગી સલાહ આપવી નહીં.
અર્જુન ક્ષત્રિય છે, એટલે અન્યાય સામે લડવાનો એનો ધર્મ છે. આ વાત કૃષ્ણ અર્જુનને સમજાવીને કહે છે, એની ઠેકડી ઉડાવીને નથી કહેતા. સાચી વાત પણ સારી રીતે કહેવી જોઈએ, એ ગીતાની બીજી શીખ છે. ગીતા એ પણ શીખવે છે કે બે મિત્રો વચ્ચે મદભેદ હોય તો પણ શિષ્ટાચાર છોડીને વર્તવું ન જોઈએ.
ગીતામાં એકની એક વાત ફરી ફરી કહેવામાં આવે છે. કૃષ્ણ પોતાની દલીલ અર્જુનના મનમાં ઠસાવવા માટે એકની એક વાત અલગ અલગ રીતે કહે છે, જ્યારે એમને ખાત્રી થાય છે કે અર્જુન આ વાત હવે સમજી ગયો છે, ત્યારે એ બીજી વાતો કહે છે. શિક્ષકોએ આ વાત ગીતામાંથી સમજવાની જરૂર છે. અર્જુન વચ્ચે વચ્ચે અનેક શંકાઓ વ્યક્ત કરે છે, અનેક સવાલો પૂછે છે, છતાં કૃષ્ણ કંટાળ્યા વિના શાંતિથી દરેક સવાલનો જવાબ આપે છે. સારા ગુરૂએ શિષ્ય પ્રત્યે આવો ભાવ કેળવવો જોઈએ.
શ્રીકૃષ્ણ અર્જુનની લડાઈ લડતા નથી, એને લડવા માટે તૈયાર કરે છે. તેનો અર્થ એ થયો કે દરેક માણસે પોતે જ પોતાની લડાઈ લડવી પડે.ભગવાન આપણા બદલે લડવા માટે ન આવે. યુદ્ધમાં વિજયી થવા માટેના માર્ગો ભગવાન બતાવે પણ યુધ્ધ તો આપણે જ લડવું પડે.
ગીતામાં માત્ર ધર્મની વાત નથી, એ જીવન જીવવાની રીત બતાવે છે.ગીતા માત્ર પરલોકની વાત નથી કરતી, આ લોકમાં કેમ સુખ, શાંતિ અને તંદુરસ્તી મળે, એની વાત કહે છે.ગીતા વૃધ્ધાવસ્થામાં સમજવાની કૃતિ નથી, એ બાળપણથી આત્મસાત કરવા જેવી શીખામણ આપે છે.
ગીતા જીવનની વાસ્તવિકતા સ્વીકારીને
પરમાર્થ સાધવાની વાત કરે છે. જીવન મળ્યું એટલે તેને જીવવું પડશે, અને જીવવા માટે સંઘર્ષ કરવો પડશે, પણ સંઘર્ષ કઈ રીતે કરવો એ ગીતા શીખવે
છે.
હિન્દુ ધર્મમાં અનેક ફાંટા અને અનેક
પંથો હોવા છતાં, પ્રત્યેક પંથે અને પ્રત્યેક ફાંટાએ
ભગવદ ગીતાને માન્યતા આપી છે. ગીતાનો સંદેશ લોકોને સહેલાઈથી ગળે ઉતરે છે.
ગીતામાં કહેલી વાતોમાં પર્યાયના રૂપમાં
બાંધછોડની ગુંજાઈશ દેખાય છે. ગીતાએ દર્શાવેલા જીવન જીવવાના અનેક માર્ગોમાંથી કોઈપણ
એક માર્ગ પસંદ કરી આગળ વધવાની છૂટ અન્ય કોઈ ધર્મગ્રંથમાં ભાગ્યે જ હશે.
જે ગ્રંથમાં ‘મામેકં શરણં વ્રજ’ જેવી ઇશ્વરને અનુસરવાની અચળ આજ્ઞા છે,એમાં જ ‘યથેચ્છસિ તથા કુરૂ’ (તને જેમ યોગ્ય લાગે તેમ કર!) વાળી મુકત મોકળાશ પણ છે!
ગીતા નિષ્ક્રિય બનીને કર્મનો ત્યાગ કરવાને બદલે કર્મનો મોહ ત્યાગવાની વાત કરે છે. ગાંધીજીએ કહ્યું છે, ‘જે કર્મ છોડે એ પડે, કર્મ કરી તેના ફળને છોડે એ ચડે!’. ગીતાનું મઘ્યબિંદુ હોય તો એ છે ‘અનાસક્તિ’. આખી ગીતાનો સારાંશ એક જ શબ્દમાં આપવો હોય તો એ શબ્દ છે ‘સ્થિતપ્રજ્ઞ’.
રમતમાં હમેશાં જીત જ થાય તે શક્ય નથી, તેમ સંઘર્ષમાં હંમેશાં સફળ જ થવાય તેમ ન માની લેવું. તેથી ગીતા ફળની અપેક્ષા રાખ્યા વિના કર્મ કરવાની વાત કરે છે. એનો અર્થ એ નથી કે કરેલાં કર્મ મિથ્યા છે, અને તેનું ફળ નહિ મળે. ફળ તો અવશ્ય મળશે, પણ તે તમારી અપેક્ષા પ્રમાણેનું ન પણ હોય. વ્યહવારમાં તો આપણે હંમેશાં બોલીએ છીએ કે આપણે તો આ કામ ઈમાનદારીથી કર્યું છે,જોઈએ હવે પ્રભુ કેવો બદલો આપે છે. આ માત્ર બોલવાની વાત નથી, જીવનના એકે એક કામ માટે આ વૃતિ કેળવવાની અને અમલમાં લાવવાની વાત છે.
ગીતાએ જીવનનો સંઘર્ષ ક્યાં સુધી થાય
અને ક્યારે શસ્ત્રો હેઠાં મૂકી દઈને શરણાગતિ સ્વીકારી લેવી પડે એ વાત કરીને
માનવીના પુરુષાર્થની સીમા બતાવી દીધી છે.
ગીતા મન ઉપર બુધ્ધિથી કાબુ રાખવાની વાત
કરે છે.
આપણી અંદર પાંડવો જેવા સદગુણ અને કૌરવો જેવા દુર્ગુણો છે.આ બધા આપણી અંદર એક સાથે રહેતા હોવાથી આપણને એ બધાને સાચવવાની આદત પડી જાય છે, અને લડાઈ કરવાથી કતરાઈએ છીએ. ગીતા કહે છે, આ ખોટું છે, મક્કમતાથી બુરાઈઓ સામે લડાઈ કરી એમાંથી મુક્તિ મેળવવી જોઇએ. આપણે અર્જુનની જેમ આનાકાની ન કરીએ એટલા માટે ગીતા આપણને કૃષ્ણ બનીને માર્ગ દેખાડે છે.
પ્રકૃતિમાંથી આપણને કેટલી બધી અમુલ્ય
વસ્તુઓ મફતમાં મળે છે. સૂર્યનો પ્રકાશ, જીવવા માટે જરૂરી ઓક્સીજન, પાણી;
આપણે
જો આના બદલામાં પ્રકૃતિને કંઈ ન આપીએ તો આપણી ગણત્રી ચોરમાં થવી જોઈએ. પુરૂષ અને
પ્રકૃતિ વચ્ચે પ્રમાણિક આપ લે કરવાથી જ પૃથ્વી ઉપરનું જીવન ટકી રહેશે. પુરૂષ અને
પ્રકૃતિ એક જ પરમાત્માના અંશ છે. જો આ વાત સ્વીકારી લેવામાં આવે તો માણસ અને માણસ
વચ્ચેના ઘર્મના ઝગડા બંધ થઈ જાય, અને પશુ અને પક્ષીઓ પ્રત્યેનો પણ વ્યહવાર બદલાઈ જાય.
ગીતાની શીખ પ્રમાણે વર્તવા સ્વસ્થ શરીર
અને સ્વસ્થ મન હોવાં જરૂરી છે, જેના માટે સ્વસ્થ ખોરાક લેવો જરૂરી છે. ગીતા રોજીંદા જીવનમાં
ખોરાકનું મહત્વ સમજાવે છે, કેવો
ખોરાક ખાવો જોઈએ અને કેવો ખોરાક ત્યજવો જોઈએ, એ ગીતામાં વિગતવાર સમજાવ્યું છે.
ગીતામાં એક મોટી વાત કહી છે. કોઈપણ
કર્મ સારૂં કે ખરાબ નથી, એનો
આધાર એ સારા કે ખરાબ ધ્યેય માટે કરવામાં આવ્યું છે એના ઉપર છે. દરેક વ્યક્તિને
અમુક કામ એક કર્તવ્ય તરીકે મળ્યું હોય છે.
જેલમાં ફાંસીગર જે કામ કરે છે એમાં કોઈ પાપ નથી. એ માણસને મારતો નથી, એ માત્ર કાયદાનું પાલન કરે છે.
અંતમાં ગીતા એક સંદેશ આપે છે કે સારી
અને સાચી સલાહ આપવી એ તમારૂં કર્તવ્ય છે, પણ સામા માણસે તમારી સલાહ પ્રમાણે વર્તવું કે પોતાની ઈચ્છા પ્રમાણે
વર્તવું એ સામા માણસ ઉપર છોડી દેવું જોઈએ. કૃષ્ણે પણ અર્જુનને અંતમાં એ જ કહ્યું
છે કે “યથેચ્છસિ તથા કુરુ” , હવે તને જે યોગ્ય લાગે તે કર. ગીતા
મોસ્ટ ડેમોક્રેટિક ગ્રંથ છે. આજની જનરેશનના કોઈ પણ છોકરા-છોકરીને મળો તો એને સૌથી
વધારે ગમતી બાબત હોય તો આ લિબર્ટી છે, આ ફ્રીડમ છે, આ
સ્વતંત્રતા છે.
અંતમાં અર્જૂન વિષાદમાંથી બહાર આવે છે, અને કહે છે, “નષ્ટો મોહઃ સ્મૃતિરલબ્ધા ત્વપ્રસાદાન
મયા અચ્યુત” અને “ સ્થિતોઅસ્મી ગતસન્દેહઃ કરિષ્યે વચનં તવ”. ગીતાનો સંદેશ જેને સમજાઈ જાય, એનો મોહ નાશ પામે છે અને એ ઇશ્વરે
બતાવેલા માર્ગ પર ચાલવા તૈયાર થઈ જાય છે.
માણસે જીવનમાં શું કરવું એ રામાયણ શીખવે છે, અને શું ન કરવું તે મહાભારત શીખવે છે, પણ જીવન કેવી રીતે જીવવું એ ગીતા શીખવે છે.
સંજય ધૃતરાષ્ટ્રનો સારથી છે. દિવ્ય
દૃષ્ટી પ્રાપ્ત કરી માત્ર હકીકતનું જ બ્યાન કરે છે. સાચું રીપોર્ટીંગ કેમ કરાય
એનું ઉત્તમ ઉદાહરણ છે.
ગીતા કહે છે કે Every problem comes with a solution.
ભગવદગીતાને જીવનનો Flow Chart બનાવો તો અનેક પ્રશ્નો ઉકલી જાય. Flow Chart માં IF-THAN અને GOTO જેવા કમાન્ડ છે તેવાજ કમાન્ડ ગીતામાં
છે.
પી. કે. દાવડા
ગીતા સંદેશ
કુરુક્ષેત્રના મેદાનની વચ્ચે રથ ઉભો રાખીને સારથી બનેલા શ્રી કૃષ્ણે સખા અર્જુનની શંકાઓનું નિવારણ કરતાં કરતાં અર્જુનને નિમિત્ત બનાવીને વિશ્વની માનવ જાતને જીવન જીવવા માટેની કળા માટેનો એક અણમોલ અને પ્રેરક સંદેશ આપ્યો છે.
આવી રત્નાકર જેવી ગીતાની અંદર ડૂબકી મારી ઊંડેથી રત્નો પ્રાપ્ત કરીને એનું ગાન કરીએ અને જીવન સંગીત પ્રગટાવીએ. અગાઉની મારી એક પોસ્ટમાં શ્રીમદ ભગવદ ગીતાનો સંદેશ સંક્ષેપમાં મૂળ અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ભાવાનુવાદ કરીને મુક્યો હતો એને આજની પોસ્ટમાં વાચકો માટે અહીં ફરી રજુ કરૂ છું…વિનોદ પટેલ
વાચકોના પ્રતિભાવ