વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Monthly Archives: નવેમ્બર 2019

1329 વિકિસ્રોત ગુજરાતી પર હાલ ઉપલબ્ધ પુસ્તકોની યાદી.

વિકિસ્રોત:પુસ્તકો

હવે નેટ ઉપર ઘણા ગુજરાતી બ્લોગો, વેબ સાઈટો અને ગુજરાતી ઈ-બુક મળી શકે છે. પણ યુ.કે.ના શ્રી. ધવલ વ્યાસની આગેવાની હેઠળ એક ટીમ સરસ કામ કરી રહી છે –

આ મિત્રોએ બહુ જહેમતથી ટાઈપ કરીને ગુજરાતી ભાષાની વિરાસત જેવી ઘણી બધી ચોપડીઓ કોઈ જાતની ફી વિના વિશ્વ ભરના ગુજરાતીઓ માટે મુકી છે.

નીચે આપેલ લિન્ક પર ક્લિક કરી એની પર નજર ફેરવો.

‘ગાંધીજીની આત્મકથા’, ‘સૌરાષ્ટ્રની રસધાર’ , ‘સરસ્વતીચન્દ્ર’ વિ. એક ક્લિકે મળી જશે!
આભાર … ધવલ ભાઈ અને એમના સાથાઓનો

વિકિસ્રોત ગુજરાતી પર હાલ ઉપલબ્ધ પુસ્તકોની યાદી અહીં આપવામાં આવી છે. આપ નીચેના કોષ્ટકમાં પુસ્તકના નામ, પુસ્તકના લેખક અને પુસ્તકના પ્રકાર મુજબ સોર્ટીંગ (કક્કાવારી ગોઠવણ) કરી શકો છો. આમ કરવા જે તે કોલમના મથાળાની બાજુમાં આપેલ Sort symbol.png ચિહ્નનો ઉપયોગ કરો.

ક્રમ નામ લેખક પ્રકાર
રચનાત્મક કાર્યક્રમ મોહનદાસ કરમચંદ ગાંધી ચળવળ નિર્દેશન
સત્યના પ્રયોગો અથવા આત્મકથા મોહનદાસ કરમચંદ ગાંધી આત્મકથા
ભદ્રંભદ્ર રમણભાઈ મ. નીલકંઠ હાસ્યનવલ
આરોગ્યની ચાવી મોહનદાસ કરમચંદ ગાંધી આરોગ્ય
મિથ્યાભિમાન દલપતરામ નાટક
મેઘાણીની નવલિકાઓ ખંડ ૧ ઝવેરચંદ મેઘાણી નવલિકા
મેઘાણીની નવલિકાઓ ખંડ ૨ ઝવેરચંદ મેઘાણી નવલિકા
ઓખાહરણ પ્રેમાનંદ આખ્યાન
દાદાજીની વાતો ઝવેરચંદ મેઘાણી બાળ સાહિત્ય
૧૦ કલાપીનો કેકારવ કલાપી કાવ્યસંગ્રહ
૧૧ શ્રી સામાયિક સૂત્ર (સ્થાનકવાસી) જૈન ધાર્મિક સાહિત્ય ધાર્મિક
૧૨ સોરઠને તીરે તીરે ઝવેરચંદ મેઘાણી નવલકથા
૧૩ કાશ્મીરનો પ્રવાસ કલાપી પ્રવાસ વર્ણન
૧૪ આ તે શી માથાફોડ ! ગિજુભાઈ બધેકા કેળવણી
૧૫ કથન સપ્તશતી દલપતરામ કહેવત સંગ્રહ
૧૬ ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસ દલપતરામ ઐતિહાસિક
૧૭ અનાસક્તિયોગ મોહનદાસ કરમચંદ ગાંધી ધાર્મિક
૧૮ સ્ત્રીસંભાષણ દલપતરામ નાટક
૧૯ લક્ષ્મી નાટક દલપતરામ નાટક
૨૦ તાર્કિક બોધ દલપતરામ બોધકથા
૨૧ ગંગાબાઈ જમનાબાઈની વાત દલપતરામ નાટક
૨૨ માણસાઈના દીવા ઝવેરચંદ મેઘાણી બોધકથા
૨૩ હિંદ સ્વરાજ મોહનદાસ કરમચંદ ગાંધી સમાજ ઘડતર
૨૪ કંકાવટી ઝવેરચંદ મેઘાણી વ્રતકથા
૨૫ સર્વોદય મોહનદાસ કરમચંદ ગાંધી સમાજ ઘડતર
૨૬ કુસુમમાળા નરસિંહરાવ દિવેટિયા કાવ્ય સંગ્રહ
૨૭ મંગળપ્રભાત મોહનદાસ કરમચંદ ગાંધી સમાજ ઘડતર
૨૮ ગામડાંની વહારે‎ મોહનદાસ કરમચંદ ગાંધી સમાજ ઘડતર
૨૯ સોરઠ, તારાં વહેતાં પાણી‎ ઝવેરચંદ મેઘાણી નવલકથા
૩૦ ભટનું ભોપાળું નવલરામ પંડ્યા નાટક
૩૧ રાઈનો પર્વત રમણભાઈ મ. નીલકંઠ હાસ્યનવલ
૩૨ અખાના છપ્પા અખો છપા સંગ્રહ
૩૩ અખેગીતા અખો કાવ્ય સંગ્રહ
૩૪ નળાખ્યાન પ્રેમાનંદ આખ્યાન
૩૫ ઋતુના રંગ ગિજુભાઈ બધેકા બાળ સાહિત્ય
૩૬ વેવિશાળ ઝવેરચંદ મેઘાણી નવલકથા
૩૭ મારો જેલનો અનુભવ મોહનદાસ કરમચંદ ગાંધી અનુભવ કથા
૩૮ શ્રી આનંદધન ચોવીશી આનંદધન મુનિ સ્તવન સંગ્રહ
૩૯ વનવૃક્ષો ગિજુભાઈ બધેકા બાળ સાહિત્ય (માહિતી સંચય)
૪૦ મૂરખરાજ અને તેના બે ભાઈઓ મોહનદાસ કરમચંદ ગાંધી બોધકથા
૪૧ સૌરાષ્ટ્રની રસધાર ૧ ઝવેરચંદ મેઘાણી લોકકથા
૪૨ રસિકવલ્લભ દયારામ આધ્યાત્મિક-ભક્તિ પદો
૪૩ સિંધુડો ઝવેરચંદ મેઘાણી શૌર્યગીતો
૪૪ અકબર બીરબલ નિમિત્તે હિંદી કાવ્યતરંગ નવલરામ પંડ્યા વાર્તા
૪૫ પાયાની કેળવણી મોહનદાસ કરમચંદ ગાંધી કેળવણી
૪૬ વસુંધરાનાં વહાલાં દવલાં ઝવેરચંદ મેઘાણી નવલકથા
૪૭ ન્હાના ન્હાના રાસ – ભાગ ૧ ન્હાનાલાલ કવિ કાવ્ય સંગ્રહ
૪૮ ન્હાના ન્હાના રાસ – ભાગ ૨ ન્હાનાલાલ કવિ કાવ્ય સંગ્રહ
૪૯ પાંખડીઓ ન્હાનાલાલ કવિ ટૂંકી વાર્તાઓ
૫૦ જયા-જયન્ત ન્હાનાલાલ કવિ નાટક
૫૧ ચિત્રદર્શનો ન્હાનાલાલ કવિ શબ્દચિત્ર સંગ્રહ
૫૨ બીરબલ અને બાદશાહ પી. પી. કુન્તનપુરી-યોગી વાર્તા સંગ્રહ
૫3 રાષ્ટ્રિકા અરદેશર ફરામજી ખબરદાર દેશભક્તિ ગીત સંગ્રહ
૫૪ કલ્યાણિકા અરદેશર ફરામજી ખબરદાર ભક્તિ ગીત સંગ્રહ
૫૫ રાસચંદ્રિકા અરદેશર ફરામજી ખબરદાર કાવ્ય સંગ્રહ
૫૬ તુલસી-ક્યારો ઝવેરચંદ મેઘાણી નવલકથા
૫૭ રા’ ગંગાજળિયો‎ ઝવેરચંદ મેઘાણી નવલકથા
૫૮ કિલ્લોલ ઝવેરચંદ મેઘાણી હાલરડાં સંગ્રહ
૫૯ ઈશુ ખ્રિસ્ત કિશોરલાલ મશરૂવાળા ચરિત્રકથા
૬૦ વેણીનાં ફૂલ ઝવેરચંદ મેઘાણી કાવ્ય સંગ્રહ
૬૧ બુદ્ધ અને મહાવીર કિશોરલાલ મશરૂવાળા ચરિત્રકથા
૬૨ રામ અને કૃષ્ણ કિશોરલાલ મશરૂવાળા ચરિત્રકથા
૬૩ મામેરૂં પ્રેમાનંદ આખ્યાન
૬૪ અંગદવિષ્ટિ શામળ મહાકાવ્ય
૬૫ રાવણ મંદોદરી સંવાદ શામળ મહાકાવ્ય
૬૬ પ્રભુ પધાર્યા ઝવેરચંદ મેઘાણી નવલકથા
૬૭ નંદબત્રીશી શામળ મહાકાવ્ય
૬૮ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ મોહનદાસ કરમચંદ ગાંધી ઐતિહાસિક
૬૯ સુદામા ચરિત પ્રેમાનંદ આખ્યાન
૭૦ સ્રોતસ્વિની દામોદર બોટાદકર કાવ્ય સંગ્રહ
૭૧ કુરબાનીની કથાઓ ઝવેરચંદ મેઘાણી લઘુ કથા સંગ્રહ
૭૨ રાસતરંગિણી દામોદર બોટાદકર કાવ્ય સંગ્રહ
૭૩ ફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત્ર શારદા મહેતા જીવનચરિત્ર
૭૪ ગાંધીજીનો અક્ષરદેહ – ૧ મોહનદાસ કરમચંદ ગાંધી ઐતિહાસિક તવારિખ
૭૫ સૌરાષ્ટ્રની રસધાર ૨ ઝવેરચંદ મેઘાણી લઘુ કથા સંગ્રહ
૭૬ સરસ્વતીચંદ્ર – ૧ ગોવર્ધનરામ ત્રિપાઠી નવલકથા
૭૭ સરસ્વતીચંદ્ર – ૨ ગોવર્ધનરામ ત્રિપાઠી નવલકથા
૭૮ સરસ્વતીચંદ્ર – ૩ ગોવર્ધનરામ ત્રિપાઠી નવલકથા
૭૯ સરસ્વતીચંદ્ર – ૪ ગોવર્ધનરામ ત્રિપાઠી નવલકથા
૮૦ કરણ ઘેલો નંદશંકર મહેતા ઐતિહાસિક નવલકથા
૮૧ લાલકિલ્લાનો મુકદ્દમો ઝવેરચંદ મેઘાણી ઐતિહાસિક તવારિખ
૮૨ કલમની પીંછીથી ગિજુભાઈ બધેકા બાળ સાહિત્ય
૮૩ એક સત્યવીરની કથા અથવા સોકરેટીસનો બચાવ મોહનદાસ કરમચંદ ગાંધી ચરિત્રકથા
૮૪ દિવાસ્વપ્ન ગિજુભાઈ બધેકા શિક્ષણ પ્રયોગ કથા
૮૫ બે દેશ દીપક ઝવેરચંદ મેઘાણી ચરિત્રકથા
૮૬ ન્હાના ન્હાના રાસ – ભાગ ૩ ન્હાનાલાલ કવિ કાવ્ય સંગ્રહ
૮૭ શિવાજીની સૂરતની લૂટ ઇચ્છારામ દેસાઇ ઐતિહાસિક નવલકથા
૮૮ ગંગા – એક ગુર્જર વાર્તા ઇચ્છારામ દેસાઇ નવલકથા
૮૯ સવિતા-સુંદરી ઇચ્છારામ દેસાઇ નવલકથા
૯૦ સૌરાષ્ટ્રની રસધાર ૩ ઝવેરચંદ મેઘાણી લોકકથા
૯૧ ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન નારાયણ વિશનજી ઠક્કુર ઐતિહાસિક નવલકથા
૯૨ સોરઠી સંતો ભાગ ૧ ઝવેરચંદ મેઘાણી લોકકથા
૯૩ ઘાશીરામ કોટવાલ દિવાન શાકેરરામ દલપતરામ હાસ્યનવલ
૯૪ ઝંડાધારી – મહર્ષિ દયાનંદ ઝવેરચંદ મેઘાણી ચરિત્રકથા
૯૫ વીરક્ષેત્રની સુંદરી ડો રામજી (મરાઠી) : અનુવાદક :નારાયણ વિશનજી ઠક્કુર નવલકથા
૯૬ સાર-શાકુંતલ નર્મદ નાટક
૯૭ સોરઠી બહારવટીયા – ભાગ પહેલો ઝવેરચંદ મેઘાણી લોકકથા
૯૮ સોરઠી બહારવટીયા – ભાગ બીજો ઝવેરચંદ મેઘાણી લોકકથા
૯૯ સોરઠી બહારવટીયા – ભાગ ત્રીજો ઝવેરચંદ મેઘાણી લોકકથા
૧૦૦ શોભના રમણલાલ દેસાઈ નવલકથા
૧૦૧ છાયાનટ રમણલાલ દેસાઈ નવલકથા
૧૦૨ બાપુનાં પારણાં ઝવેરચંદ મેઘાણી કાવ્ય સંગ્રહ
૧૦૩ ઠગ રમણલાલ દેસાઈ નવલકથા
૧૦૪ વેરાનમાં ઝવેરચંદ મેઘાણી લઘુ કથા સંગ્રહ
૧૦૫ બંસરી રમણલાલ દેસાઈ નવલકથા
૧૦૬ એકતારો ઝવેરચંદ મેઘાણી ભજન સંગ્રહ
૧૦૭ હૃદયવિભૂતિ રમણલાલ દેસાઈ નવલકથા
૧૦૮ પંકજ રમણલાલ દેસાઈ લઘુ કથા સંગ્રહ
૧૦૯ કાંચન અને ગેરુ રમણલાલ દેસાઈ લઘુ કથા સંગ્રહ
૧૧૦ દીવડી રમણલાલ દેસાઈ લઘુ કથા સંગ્રહ
૧૧૧ પત્રલાલસા રમણલાલ દેસાઈ નવલકથા
૧૧૨ નિરંજન ઝવેરચંદ મેઘાણી નવલકથા
૧૧૩ ગુજરાતની ગઝલો કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી (સંપા.) ગઝલ સંગ્રહ
૧૧૪ ગુજરાતનો જય ઝવેરચંદ મેઘાણી ઐતિહાસિક નવલકથા
૧૧૫ સાસુવહુની લઢાઈ મહિપતરામ રૂપરામ નીલકંઠ નવલકથા
૧૧૬ પુરાતન જ્યોત ઝવેરચંદ મેઘાણી ચરિત્રકથા
૧૧૭ પ્રતિમાઓ ઝવેરચંદ મેઘાણી લઘુકથા સંગ્રહ
૧૧૮ યુગવંદના ઝવેરચંદ મેઘાણી કાવ્ય સંગ્રહ
૧૧૯ દિવાળીબાઈના પત્રો દિવાળીબાઈ પત્ર સંગ્રહ
૧૨૦ નારીપ્રતિષ્ઠા મણિલાલ દ્વિવેદી નિબંધ
૧૨૧ ત્રિશંકુ રમણલાલ દેસાઈ નવલકથા
૧૨૨ જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખુ પ્રફુલ્લ રાવલ ચરિત્રકથા
૧૨૩ સિદ્ધરાજ જયસિંહ જયભિખ્ખુ ઐતિહાસિક નવલકથા
૧૨૪ આત્મવૃત્તાંત મણિલાલ દ્વિવેદી આત્મકથા
૧૨૫ કચ્છનો કાર્તિકેય વિશનજી ચતુર્ભુજ ઠક્કુર ઐતિહાસિક નવલકથા
૧૨૬ સાઠીના સાહિત્યનું દિગ્દર્શન ડાહ્યાભાઈ દેરાસરી
૧૨૭ કલાપી નવલરામ જગન્નાથ ત્રિવેદી જીવનચરિત્ર
૧૨૮ મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો સઈદ શેખ માહિતી પુસ્તિકા
૧૨૯ ગુજરાતી નાટ્યવિવેચન ડૉ દીપક ભાનુશંકર ભટ્ટ વિવેચન
૧૩૦ સૌરાષ્ટ્રની રસધાર ૪ ઝવેરચંદ મેઘાણી લોકકથા
૧૩૧ સૌરાષ્ટ્રની રસધાર ૫ ઝવેરચંદ મેઘાણી લોકકથા
૧૩૨ લીલુડી ધરતી – ૧ ચુનીલાલ મડિયા નવલકથા
૧૩૩ લીલુડી ધરતી – ૨ ચુનીલાલ મડિયા નવલકથા
૧૩૪ વ્યાજનો વારસ(કાર્યાધીન) ચુનીલાલ મડિયા નવલકથા

1328 આર્થર રોબર્ટ એશની પ્રેરક જીવન કથા/ આર્થર એશનો પુત્રીને પત્ર….. મેહુલ સોલંકી

આર્થર રોબર્ટ એશની પ્રેરક જીવન કથા/
આર્થર એશનો પુત્રીને પત્ર

Arther Ashe

આર્થર એશ જુનીયર (જુલાઈ:1943 – ફેબ્રુઆરી:1993)

વર્જિનિયામાં રિચમંડમાં જન્મેલા અને ઉછરેલા એક અગ્રેસર આફ્રિ અમેરિકન ટેનિસ ખેલાડી હતા. આર્થર એશ – અમેરિકન ટેનિસ ખેલાડી, પ્રથમ આફ્રિઅમેરિકન વ્યક્તિ, મહત્વની ટેનિસ પ્રતિયોગિતા વિજેતાના શાનદાર જમીન સરસા ફટકા અને પ્રહારોઓએ અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં તહેલ્કો મચાવ્યો હતો અને વિમ્બલ્ડનનો તાજ પહેરાવ્યો હતો. અમેરિકાની ડેનિસ કપ ટીમમાં તેઓ 1963થી વાર્ષિક કરારથી જોડાયા હતા અને 1984થી તેમાં પ્રથમ ખેલાડી અને એ પછી કોચ તરીકેની સેવાઓ આપી હતી.

આર્થર એશે, 10 વર્ષની ઊંમરથી ડૉ. વોલ્ટર જહોન્સન કે જેણે 1957ના વિમ્બલ્ડન વિજેતા મહિલા એલ્થી ગિબ્સનને આ રમતનું શિક્ષણ આપ્યું હતું, તેના માર્ગદર્શન હેઠળ ટેનિસ રમવાનું શરૂ કર્યું હતું. તેમણે કેલિફોર્નિયા યુનિવર્સિટી, લોસ એન્જલ્સમાં (UCLA) શિક્ષણ પ્રાપ્ત કર્યું હતુ. 1963માં તેઓ ડેવિસ કપ નેશનલ ટેનિસ ટીમમાં રમનાર પ્રથમ આફ્રિઅમેરિકન (Afri-American) ખેલાડી બન્યાં હતાં. ત્યારબાદ બે વર્ષ પછી તે યુ.એસ. ઇન્ટર કોલેજ સિંગલ્સ ચેમ્પિયનશિપ જીત્યા હતાં કે જેમાં તેમણે નેશનલ કોલેજિયેટ એથલેટિક એસોસિએશનની સામે UCLAનું નેતૃત્વ સંભાળ્યું હતું.

1966માં તેમણે UCLAમાંથી બિઝનેસ મેનેજમેન્ટની સ્નાતકની ઉપાધિ મેળવી હતી. અમેરિકન આર્મી રિઝર્વમાં તેમની સેકન્ડ લેફ્ટેનન્ટ તરીકે નિયુક્તિ થઈ હતી. તેમને સક્રિય સેવાઓ દરમિયાન યુ.એસ. મિલિટરી એકડેમીમાં મૂકવામાં આવ્યા હતાં, ત્યાં તેમણે ડેવિસ કપ માટે ટેનિસ રમવાનું ચાલુ રાખ્યું હતું. તેમના સેવા કાળમાં એશ કેટલીક હરીફાઈઓ જીત્યાં હતાં. આમાં 1967ની ‘યુ.એસ. ક્લે-કોર્ટ ચેમ્પિયનશિપ’ અને 1968ની ‘યુ.એસ. એમેચ્યોર ચેમ્પિયનશિપ’નો સમાવેશ થાય છે. 1968માં મુખ્ય ટેનિસ ટુર્નામેન્ટથી તેમણે વ્યાવસાયિક હરીફાઈમાં રમવાનું શરૂ કર્યું. પરંતુ તેની મિલિટરી સેવાઓને કારણે તેમનો દરજ્જો એમેચ્યોર ખેલાડીનો રહ્યો. તે વર્ષની યુ.એસ.ઓપનમાં તેમણે કેટલાક વ્યાવસાયિક ખેલાડીને પરાજિત કર્યાં હતાં અને પુરુષોની સિંગલ્સમાં વિજય પ્રાપ્ત કર્યો હતો. એમેચ્યોર ખેલાડીમાં એશ એક જ એવા સફળ ખેલાડી રહ્યાં હતાં કે જેણે એક જ કેલેન્ડર વર્ષમાં યુ.એસ. એમેચ્યોર ચેમ્પિયનશિપ અને યુ.એસ ઓપન ટાઈટલમાં વિજય હાંસલ કર્યો હતો.

પ્રથમ લેફ્ટનન્ટ તરીકે માનભેર છૂટા થયા પછી ૧૯૬૯માં એશે પ્રોફેશનલ ટેનિસ સર્કિટમાં જોડાયા હતાં. તે જ વર્ષમાં તેમણે તથા તેની સાથેના કેટલાક અન્ય ખેલાડીઓએ એક જૂથની રચના કરી હતી. જે એસોસિએશન ઓફ ટેનિસ પ્લેયર્સ (એટીપી) બન્યું. આ એસોસિએશન- ક્રમ, ઈનામની રકમ, આંતરરાષ્ટ્રિય ટેનિસ સ્પર્ધાની દેખરેખ રાખતી સંસ્થા બન્યું. 1970માં એશે ઓસ્ટ્રેલિયન ઓપન ટાઈટલ ઝડપીને તેની બીજી મુખ્ય ટેનિસ ચેમ્પિયનશિપમાં વિજય પ્રાપ્ત કર્યો. તેની સર્વોત્તમ રમત 1975માં જોવા મળી હતી. તેમાં તેમણે તેના સાથી જિમ્મી કોનર્સને વિમ્બલ્ડન સિંગલ્સ ટાઈટલમાં હરાવીને અમેરિકામાં પ્રથમક્રમ મેળવ્યો હતો. 1971માં એશ ફ્રેંચ ઓપન અને 1977માં ઓસ્ટ્રેલિયન ઓપન ખાતે ડબલ્સ ચેમ્પિયનશિપ પણ જીત્યાં હતાં.

1979માં આર્થર એશના હૃદયની શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી. પછી એકવર્ષ બાદ તેમણે સ્પર્ધાઓમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. 1981થી 1984 સુધી તેમણે યુ.એસ.ડેવિસ કપ ટીમમાં બિનખેલાડી તરીકે સેવાઓ આપી હતી. તે ઘણી ચેરિટેબલ પ્રવૃત્તિઓમાં અને નેશનલ જુનિયર ટેનિસ લીગ અને એબીસી સીટીઝ ટેનિસ પ્રોગ્રામ જેવી યુવાકેન્દ્રિત સંસ્થાઓમાં સક્રિય હતાં. 1983માં હૃદયની બીજીવારની શસ્ત્રક્રિયામાં આર્થરએશને એચ.આઈ.વી.નો ચેપ ધરાવતું લોહી, કે જે એઈડઝ પેદા કરે છે, તે ચઢાવવામાં આવ્યું હોવાની સંભાવના છે. તેના રોગની જાણ થયા પછી, તે સક્રિય ભંડોળ એકત્ર કરનાર અને એઈડઝ સંશોધન પ્રવૃત્તિઓના પ્રવક્તા બન્યા. શ્રી એશે ‘હાર્ડ રોડ ટુ ગ્લોરી : એ હિસ્ટરી ઓફ ધી આફ્રિઅમેરિકન એથલેટ’ (ત્રણ ભાગ, 1983) અને ‘ડેય્ઝ ઓફ ગ્રેસ: એ મેમોઈર’ (1993) એમ બે પુસ્તક લખ્યાં છે. ખેલકૂદના ક્ષેત્રમાં તેમના વિશિષ્ટ પ્રદાનના માનમાં 1997માં ન્યુ યોર્ક સીટીના મુખ્ય સ્ટેડિયમમાંના યુ.એસ. ટેનિસ સેન્ટરને ‘આર્થર એશ સ્ટેડિયમ’ એવું નામાભિધાન કરવામાં આવ્યું હતું.

આર્થર રોબર્ટ એશ મેનહટનમાં ન્યુયોર્ક હોસ્પિટલ કોર્નેલમાં શનિવાર, ફેબ્રુઆરી-1993ના રોજ ન્યુમોનિયાને કારણે મૃત્યુ પામ્યાં. પછીના બુધવારે વર્જિનિયાના રિચમંડમાં વૂડલેન્ડ સ્મશાન ગૃહમાં તેમને દફન કરવામાં આવ્યા હતાં. તેમની ઉક્ત શીર્ષકવાળી આત્મકથામાં તેણે જાતિ, શિક્ષણ, સંગીત, રાજકારણ, શોખ અને ખેલકૂદ જેવા પોતાને અગત્યના લાગતા વિષયોને પોતાના આગવા દૃષ્ટિકોણથી રજૂ કર્યા છે. તેમાં હૃદયરોગ અને એઇડઝના દર્દી તરીકેના નિજી અનુભવો વ્યક્ત કર્યા છે. તે ખેલકૂદ જગતના મહાન નાયક તો છે જ પણ સાથોસાથ અસાધારણ વ્યક્તિ છે, જે તેમની આ કથામાંથી જણાઈ આવે છે. અતુલનિય ગરિમા અને શાન ધરાવતા ટેનિસ ખેલાડી આર્થર એશે – 1975માં વિમ્બલ્ડનમાં વિજ્ય પ્રાપ્ત કરીને સાબિત કરી આપ્યું હતું કે સખત પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી, પુરુષાર્થથી સફળતા સિદ્ધ થઈ શકે છે. તેમણે ડેવિસ કપનું કપ્તાન પદ સંભાળ્યું હતું. રમતગમતની આ અપૂર્વ સિદ્ધિ ઉપરાંત તેમણે અનેક ક્ષેત્રમાં બહુવિધ યોગદાન આપ્યું હતું. તેમની આત્મકથામાં વંશીય ભેદભાવના અભિશાપથી પર થયેલા માનવની પ્રેરણાદાયક, સંવેદનશીલ તેમજ કરુણગાથા અને અકાળે અસ્ત પામેલા તારલિયાના હૃદયદ્રાવક અનુભવોનું સમૃદ્ધ ભાથું છે. 1998માં તેમને લોહી ચડાવવામાં આવ્યું ત્યારે તે દૂષિત હોવાથી તેઓ એઇડઝના ભોગ બન્યા હતાં. ત્યારથી 1993 સુધી વિશ્વના આદરને યોગ્ય સાબિત કરે એવું ગરિમાપૂર્ણ જીવન જીવ્યાં હતાં. અમેરિકાના અશ્વેત લોકોના વિકાસ અને પ્રગતિની બાબત હોય કે એઇડઝના વિશે ફેલાયેલા અજ્ઞાનના પ્રશ્નો હોય, તેમનો સંઘર્ષ સદાયે ચાલુ રહ્યો હતો.

આર્થર એશ વિષે અંગ્રેજીમાં વધુ માહિતી વિકિપીડિયા
ની નીચેની લીંક પર વાંચો.

Arthur Ashe (cropped).jpg

                      https://en.wikipedia.org/wiki/Arthur_Ashe

શાશ્વત અમીટ છાપ છોડી જનાર વિચારવંત, ખેલકૂદના વ્યાવસાયિક વિશ્વથી ઉપર ઉઠેલી એક ભલી વ્યક્તિની આત્મકથાનો એક ચિરસ્મરણીય અંશ અત્રે પુત્રી કેમેરાને લખાયેલ પત્રના રૂપમાં નીચે પ્રસ્તુત છે :
.

વહાલી કેમેરા,

મારો આ પત્ર તું પહેલીવાર વાંચીશ ત્યારે મેં આમાં જે લખ્યું છે તે વિશે ચર્ચા કરવા માટે હું કદાચ હાજર નહીં હોઉં. કદાચ તારી મા અને તારી સાથે જીવનનાં સુખદુ:ખ વહેંચવા તમારી દૈનિક જિંદગીમાં હિસ્સો લેવા હાજર પણ હોઉં. આમ છતાં, મેં વિદાય લઈ લીધી હશે . મારી વિદાયથી તું ઉદાસ થઈશ. થોડા સમય સુધી તું મને સ્પષ્ટરીતે યાદ કરીશ, તેમાં શંકાને સ્થાન નથી. ત્યારે વિસ્મૃત થતી જતી સ્મૃતિમાં હું હાજર હોઇશ. યાદનું ઓસરી જવું એ એક સ્વાભાવિક ક્રિયા છે. છતાં એ આશાએ આ પત્ર લખું છું કે મારા વિશેની સ્મૃતિ તારા મનમાંથી સંપૂર્ણપણે ક્યારેય વીસરાય નહીં. તારી આખી જિંદગી સુધી તારા જીવનનો એક હિસ્સો બની રહેવાનું મને ગમે છે.

આજે તારી ઉંમર છે તેનાથી થોડાક વધુ મહિના હું મોટો હતો ત્યારે મારી મા મૃત્યુ પામી હતી. તે ખરેખર કેવી લાગતી હતી, તેનો અવાજ કેવો હતો, તેનો સ્પર્શ કેવો હતો તેની મને યાદ રહી નથી. આ બધી બાબતો અનુભવવા હું ખૂબ જ તડપતો હતો.પરંતુ તે ચાલી ગઈ હતી અને તે ઈચ્છાઓ ક્યારેય પૂરી થઈ શકી નહીં. તારા અને મારા ખાતર મને આશા છે કે હું લાંબો સમય તારી સાથે હાજર રહું. પરંતુ આપણે જે કંઈ ઇચ્છીએ તે બધું હંમેશાં મેળવી શકતા નથી. આપણા કાબૂ બહારની બાબતો અંગેનાં બધાં પરિવર્તનો માટે આપણે તૈયાર રહેવું જોઇએ અને તેને સ્વીકારવી જ જોઇએ. તારા વિશેના સૌથી વધુ અગત્યના મારા ખ્યાલો આ પુસ્તકમાં છે. જે તારા કબાટ જેટલા જ દૂર હશે. તારી મા તારી સાથે લાંબો સમય હાજર રહેશે. મોટા ભાગની બાબતો અંગેના મારા વિચારોથી તે પૂરેપૂરી વાકેફ છે. હું શું વિચારતો હોઉં કે કહેવા માગતો હોઉં તે જાણવાની ઇચ્છા થાય ત્યારે તેને પૂછી લેજે.

દીકરી કેમેરા, સંયોગવશાત જાન્યુઆરી 20, 1993ના રોજ વોશિંગ્ટન ડી.સી.નો ઉદ્ઘાટન સમારોહ ચાલુ છે. વિલિયમ જેફરસન ક્લિન્ટન અમેરિકાના નવા પ્રમુખ બન્યા તે પછીના થોડા કલાકો બાદ જ આ પત્ર તને લખું છું. મારા દીવાનખંડમાં ટીવી પર ભભકાદાર અને ભવ્ય ઝાકઝમાળ હું જોઇ રહ્યો હતો. ખાસ કરીને મને માયા એન્જેલોને સાંભળવાનું ગમતું હતું. ઊંચી, જાજરમાન અને સુરીલા અવાજને કારણે આપણા નવા પ્રમુખે તેને આ પ્રસંગ માટે જે વિશિષ્ટ ગીત લખવા કહ્યું હતું તેનું તે પઠન કરી રહી હતી. જીવનમાં વણાયેલાં આફ્રિઅમેરિકન વિશ્વનાં પ્રતીકો અને સંદર્ભોની અને બહેતર કરી બતાવવાના માનવજાતના પડકારોની તેની ગૂંથણી સાંભળીને મારી આંખોમાંથી અશ્રુ સરી રહ્યાં હતાં. તેમાં તે ‘ખડક, નદી, વૃક્ષ’ને પૃથ્વી ઉપરનાં અને ભીતરનાં સ્થળો જે સમય જતાં લિખિત અને અલિખિત ઈતિહાસને લુપ્ત કરી રહ્યાં હતાં એવાં સ્થળોનાં સાક્ષી તરીકે દર્શાવતી હતી. મારા માટે નદી અને વૃક્ષ એક વિશિષ્ટ પ્રતીકનું સ્થાન ધરાવે છે. કારણ કે તેમાં હું જન્મ્યો હતો અને ઉછર્યો હતો એવા દક્ષિણભાગના ધર્મ અને સંસ્કારનો હિસ્સો હતો. આ જ પ્રદેશમાં ઘણા અશ્વેત લોકો ગુલામીમાં અને આઝાદીમાં જીવ્યા છે એવા આફ્રિઅમેરિકન લોકસંગીત અને ઈતિહાસનો મોટો હિસ્સો બની રહે છે.

તારાથી વધુ મોટો નહીં એવા એક છોકરા તરીકે મેં ચર્ચમાં ‘નદીની પાર આરામ’નું ભાવભર્યું વચન, રવિવારની પ્રાર્થનાસભામાં સાંભળેલાં આધ્યાત્મિક વચનોમાં એક વચન હતું, જે મારા મનમાં સદાયે ગુંજતું રહે છે. આ શબ્દો અને સંગીતનો એવો અર્થ હતો કે પૃથ્વી પર ગુલામ તરીકે આપણું જીવન અતિશય કપરું અને પ્રતિકૂળ હોય તો પણ કંઈ વાંધો નહીં અથવા તો આપણી આઝાદીમાં જે કંઈ વીતી ગયું હોય, આપણે એકવાર નદી પાર કરી પછી, એટલે કે મૃત્યુની નદી પસાર કરી પછી પેલે પાર આપણે ઈશ્વરની શાંતિનું વરદાન મેળવીશું. આ નદી મૃત્યુ છે અને જીવન પણ છે. નદીઓ શાશ્વત છે અને હંમેશાં પરિવર્તનશીલ છે. સમયની કોઈ પણ બે ક્ષણોએ નદી એકની એક નથી રહેતી. નદીનું પાણી હંમેશાં વહેતું જ રહે છે. જીવન પણ એવું જ છે ! માયા એન્જેલોએ આજે ઉદ્ઘાટનના કાર્યક્રમમાં તે સુંદર રીતે સંભળાવ્યું.

તારા માટે નિશ્ચિત એવી બાબત એ છે કે તું મોટી થતી જાય એમ તારે પરિવર્તનની ઝડપ સ્વીકારવી પડશે. ઘણા લોકો પરિવર્તનનો વિરોધ કરે છે, પછી ભલે તે પરિવર્તન બહેતર કેમ ન હોય….! પરંતુ બદલાવ આવશે અને જીવનની સાદી અને નિર્વિવાદી હકીકત તું સ્વીકારે અને સમજે તો તારે બધા જ ફેરફારો સાથે અનુકૂલન સાધવાનું રહેશે. ત્યાર પછી તને સવાયો લાભ મળશે. મારી ઇચ્છા છે કે તું તે લાભનો ઉપયોગ કરે. લોકોમાં તું નેતા બની રહે અને ક્યારેય પાછી પાની કરે નહીં અને અન્ય લોકોની ઘૃણાને પાત્ર બને નહીં. બીજી બાજુ કેટલીક એવી બાબતો છે જે ક્યારેય બદલાતી નથી. કેમેરા, તે અપરિવર્તનશીલ હોય છે. માયા એન્જેલોનું વૃક્ષ સમીપ અને વિસ્તરેલું ઊભું છે. મારી એવી કલ્પના છે કે તેના મનમાં કોઈ એવું તત્વ છે જે તોતિંગ, પાંદડાવાળું, મોટાં અને ઊંડાં મૂળ ધરાવતુ ઓકનું ઝાડ છે. આ તત્વ તે વૃક્ષને ઝંઝાવાતોમાં નમવા દે છે, ટકાવી રાખે છે. આ મોટા વૃક્ષના જીવનનું રહસ્ય તેની શક્તિ, તેના મૂળની આ ઊંડાઈ છે. ખાસ કરીને એવાં મૂળ જેણે ઘણાં સમય પહેલાં પ્રથમ અંકુરિત થઈને ધરતીમાં ઊંડે ઊંડે સ્થાન જમાવ્યું હતું. ક્યાંય પણ તું ભવ્ય વૃક્ષ જુએ તો તું જોઇશ કે તે વૃક્ષે ટકી રહેવા માટે ઝઝુમવું પડ્યું હતું, આમથી તેમ ઝોલાં ખાવાં પડ્યાં હતાં. જાતિવિશેષ જૂથો જેવાં લોકોનાં મોટાં જૂથો તે વૃક્ષ જેવાં હોવાં જોઇએ. કેમેરા, તું પણ તેના જેવી જ હોવી જોઇએ. જો કે તારી લડાઈ હંમેશાં નૈતિક રીતે વાજબી પરિણામ માટેની હોવી જોઈએ. તું એ વૃક્ષનો હિસ્સો છે. આપણા પરિવારમાં મારા પિતાના પક્ષે મારા દાદાનું આપણા પરિવારનું વૃક્ષ (પેઢીનામું) આપણે ગર્વભેર દર્શાવીએ છીએ. મારા દાદાની પિતરાઈ બહેન થેલ્માએ ચીવટપૂર્વક દોરેલો આ આંબો છે. થેલ્મા મેરીલેન્ડમાં રહે છે. તે પક્ષે આપણે બ્લેકવેલ કૂળમાંથી ઊતરી આવ્યા છીએ. તારું નામ કેમેરા એલિઝાબેથ એટલે કે કેમેરા એશ – આ પુરાણા વૃક્ષનું સૌથી તાજાંપાન પૈકીનું એક તાજું પાન છે. તું આફ્રિઅમેરિકન લોકોની દસમી પેઢીની એક દીકરી છો. તે વૃક્ષ પરનું તારું સ્થાન તું ક્યારેય ભૂલતી નહીં. તારી માતા બધાં આફ્રિઅમેરિકનોની જેમ જ, ત્રીજી પેઢીની અમેરિકન છે. તે મિશ્ર પશ્ચાદભૂ ધરાવે છે. તેના દાદા, પૂર્વ ભારતીય પૂર્વજમાં સેન્ટ ફ્રેન્કોઇસ ગુડેલોમાં જન્મ્યા હતા. તેઓ લુજિયાના થઈને અમેરિકામાં આવ્યા હતા. સેન્ટ જેમ્સ પેરિસમાં જન્મેલી એક અમેરિકન મહિલા સાથે તેમણે લગ્ન કર્યું હતું. તે 1840માં ગુલામ તરીકે જન્મેલી એક વ્યક્તિની પુત્રી હતી. દક્ષિણ અમેરિકાના અશ્વેત લોકોએ ઉત્તર અમેરિકામાંનું પરિવર્તન કર્યું એવા મહાસ્થળાંતર તરીકે આજે તેને ઓળખીએ છીએ. એના એક ભાગ તરીકે મમ્મીના દાદાદાદીએ શિકાગો તરફ પ્રયાણ કર્યું હતું. તેમનાં બાળકોમાં તેના પિતાનો, જ્હોન વોરેન મુત્તુસ્વામી (તેના માટે તું મિસ કેમેરા હતી તેમ તારા માટે બુમ્પા)નો સમાવેશ થતો હતો. તે સ્થપતિ છે. તેથી તારી મમ્મીએ કલાકારની પ્રતિભા ક્યાંથી મેળવી તે તું સમજી શકે છે. બધાં તેને તેના છેલ્લા નામ વિશે પૂછે છે કે તે ક્યાંથી આવ્યું ? મુત્તુસ્વામી નામ બધાને મુંઝવે છે. તે ભારતના મુત્તુસ્વામીનું અંગ્રેજી સ્વરૂપ છે.

મમ્મીના નાની તે એલિઝાબેથ હન્ટ મુત્તુસ્વામી (કેટલાક લોકો તેને ‘સ્કીકી’ કહે છે) આર્કાન્સામાં હોટ સ્પ્રિંગ ખાતે જન્મ્યાં હતાં. અમે તેના માનમાં તારું નામ એલિઝાબેથ રાખ્યું છે. મમ્મીનાં માતા પિતા, તેમનાં માબાપનાં એકનાં એક સંતાન હતાં. તેના નાના ચિરોકી ઈન્ડિયન હતાં. તેના પૂર્વજોને શ્વેત લોકોએ વર્જિનિયા અને ઉત્તર લેરોલીનામાંથી હાંકી કાઢ્યા હતાં. આ શ્વેત લોકોએ ‘મેનિફેસ્ટ ડેસ્ટિની’ તરીકે ઓળખાતા તેમના ખ્યાલને અનુસરીને તેમની જમીન ખૂંચવી લેવાનો હક માનતાં હતાં. મમ્મીની નાની હજી હયાત છે. ૧૭મી માર્ચના રોજ તે 100 વર્ષ પૂરાં કરશે. 100 વર્ષ જીવવાની તું કલ્પના કરી શકે છે ? અને તે પણ તારું મગજ અને સ્મૃતિ સારી રીતે કામ કરતાં હોય એમ ? તેણે ત્રણ પતિઓ ગુમાવ્યા છે અને તેનાં અગિયાર બાળકોમાંથી બે બાળકો મૃત્યુ પામ્યાં છે. અતિ કપરા વંશીય ભેદભાવ તેમજ જીવનની અન્ય હાડમારીઓ વચ્ચે પરિવારોની તાકાતનું આપણા માટેનું તે જીવંત પ્રતીક છે.

આજે અત્યારે વંશીય ભેદભાવ વિશે તને કહું છું. તે વિશે તું ચોક્કસપણે જાણતી નથી. તને કોઇ ભેટ આપી શકું તો તે વંશીય ભેદભાવના બોજ વિનાની તારી જિંદગી હોય તે. હું આ ભેટ આપી શક્તો નથી. તારે તેની સાથે કામ પાર પાડવાનું અને સુખી તથા ભલા થવાનું શીખી લેવું પડશે. ભૂતકાળમાં વંશીય ભેદભાવને કારણે ખાસ કરીને કોઇ અન્ય વ્યક્તિની ઊંચાઈ સુધી અશ્વેત વ્યક્તિ પહોંચવાની આકાંક્ષા રાખે તો તે મુશ્કેલ હતું. દાદા, મારા પિતાને આ તકલીફ ભોગવવી પડી હતી. દક્ષિણમાં ઘણા બધા લોકોની જેમ પહેલાં વિશ્વયુદ્ધ પછી તરત જ તે એક મોટા કુટુંબમાં જન્મ્યાં હતાં. આ પરિવાર પણ ગરીબી અને વિભાજનથી પીડિત હતો. યુ.એસ.એ રૂટમાં વર્જિનિયામાં સાઉથ હિલ નામના સ્થળે તેઓ મોટા થયા હતાં. તેના પિતા એડવર્ડ ‘પિંક’ એશ (તેના વર્ણને કારણે હુલામણું નામ પડ્યું હતું) લિંકન, નોર્થ કેરોલિનામાં 1883માં જન્મ્યા હતાં. તેની માતા, અમેલિયા ‘મા’ જોન્સન એશ ટેયલર, સાઉથ હિલથી બહુ દૂર નહીં એવા વર્જિનિયાના કેમ્બ્રિજના ફાર્મમાં મોટાં થયાં હતાં. કમનસીબે, પિંક એશે 1920ના દાયકામાં તેની પત્ની અને બાળકોને છોડી દીધાં હતાં ત્યારે મારા પિતા અત્યારે તારી ઉંમર છે, તેનાથી વધુ મોટા ન હતાં. ક્યારેક આ રીતે લગ્નજીવનનો અંત આવતો હોય છે, જેમાં એક અથવા બીજી વ્યક્તિ નિર્ણય કરે છે કે તેણે છૂટું થઈ જવું જ જોઇએ. પરંતુ મારી મા ક્યારેય પિંકને ભૂલી શક્યાં ન હતાં. તે 1949માં ગુજરી ગયા ત્યારે મારી ઉંમર છ વર્ષની હતી. 1977માં તે જ્યારે ગુજરી ગયાં તેના થોડા મહિના પૂર્વે અમે- હું અને તારી મમ્મી તેને મળવા ગયાં ત્યારે તેણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પિંક તેના જીવનનો મહાન હિસ્સો હતાં. તેમનું પ્રિય ગીત હતું ‘ધિસ લિટલ લાઈફ ઓફ માઈન’. જ્યારે અમે તેમને મળવા જતાં ત્યારે રેકર્ડ પ્લેયર ઉપર તે અમને સંભળાવતાં. સંગીત સાથે તે હળવે હળવે ડોલતાં અને તેમાં તલ્લીન થઈ જતાં. ભૂતકાળની પેઢીઓની સ્મૃતિઓ તેને આ રીતે ડોલાવતી તેમાં કોઈ સંદેહ નથી. હું તેને ખૂબ જ ચાહતો. નાનો છોકરો હતો ત્યારે મેં કેમ્બ્રિજના તેના ફાર્મ ઉપરના મોટા ઘરમાં ઉનાળાની ઘણી રજાઓ ગાળી હતી. ત્યાં મેં પહેલીવાર ટટ્ટુ જોયું હતું અને હું ખૂબ જ ડરી ગયો હતો. મને યાદ છે કે હું સારો છોકરો હતો અને તેથી તે મને બપોર પછી લીંબુના શરબતનો મોટો ગ્લાસ આપતાં હતાં. દર વખતે રજાઓ દરમિયાન તે અમારી રાહ જોતાં. મારો ભાઇ, પપ્પા અને મારે તેને ઘરેથી પાછા ફરવાનું થતું ત્યારે તે ખૂબ જ રડતાં અને તેનાં ડૂસકાંનો અવાજ અમે પપ્પાની ગાડીમાં બહાર નીકળતાં ત્યારે પણ સંભળાતો. પ્રેમ વિચિત્ર અને શક્તિશાળી હોય છે. વિશ્વમાં સૌથી અદ્દભુત શક્તિ છે અને તેમાંયે પરિવારનો પ્રેમ સૌથી વધુ શક્તિશાળી અને અનુપમ છે !

મારી માના પક્ષે તેઓ મારા દાદા કરતાં થોડા વધુ નસીબદાર હતાં. તેનાં માતાપિતા, જોની અને જીમી કનિંગહામ (અમે તેને મોટીમા કહેતાં પરંતુ તેનું સાચું નામ ‘જીમી’ હતું) જ્યોર્જિયાના ઓલ્થ્રોપ પરગણામાંથી રિચમંડ આવ્યાં હતાં અને શહેરના પશ્ચિમ છેવાડે આવેલી અશ્વેત વસ્તીમાં-વેસ્ટવુડમાં સ્થાયી થયાં હતાં. મોટીમાને દસ બાળકો સોંપીને 1932માં જોની મૃત્યુ પામ્યા. ગૌરવ, શ્રદ્ધા અને શિસ્તપૂર્વક તેણે જાતે આ બાળકોનો ઉછેર કર્યો. 1938માં તેમની મોટી પુત્રી મેરી (બેબી તેનું હુલામણું નામ છે) અને મારા પિતા-આર્થર એશ મોટીમાના દીવાનખંડમાં પરણ્યા. તેઓ થોડો સમય ત્યાં જ રહ્યા હતાં. મોટીમાને હું ક્યારેય ભૂલી શકીશ નહીં. વેસ્ટવૂડ બાપ્તિસ્ટ ચર્ચમાં એક સેવક તરીકે સફેદ બૂટ સહિતના સફાઈદાર સીવેલા સફેદ ગણવેશ અને છાતીએ ડાબા ભાગે લેસવાળો રુમાલ તે ગર્વભેર ધારણ કરતાં. તેમની પ્રિય છીંકણીનો સડાકો મને કાયમ યાદ રહેશે. છીંકણીની ચપટી ભરીને તે નીચેના હોઠ પાછળ ભરાવતાં. મેક્સવેલ કંપનીના કોફીના ખાલી ડબ્બાનો તે થૂંકદાની તરીકે ઉપયોગ કરતાં. અમે બધાં તેમને ચાહતાં. 1972માં તેમની અંતિમક્રિયા વખતે તેમનું કોફિન કબરમાં ઉતારતાં રૂડી અંકલ બોલી ઊઠ્યા હતાં, ‘આવજે, મમા.’… ત્યારે મારા દિલમાં કંઈક વિસ્ફોટ થયો અને હું બેફામ રડી પડ્યો. તે પહેલાં અને તે પછી હું ક્યારેય આટલું રડ્યો નથી. રિચમંડમાં વુડલોન સ્મશાનગૃહમાં મારી માની કબરથી માંડ 100 વાર જેટલી દૂર તેની કબર છે. મારા પિતાએ, તેના પોતાના પિતા અને પત્ની-મારી માને- એક વર્ષથી ઓછા સમયમાં ગુમાવ્યાં તે મેં જોયું છે. આ ભારે મોટો ફટકો હતો અને ત્યારથી મારા માટે પરિવાર, તું કલ્પના કરી શકે તેના કરતાંય વધુ મહત્વનો બની ગયો હતો. ગુલામીના અનેક ભય વિશે હું વિચારું છું ત્યારે પરિવારનો ખાતમો મને સૌથી ખરાબ રીતે પીડે છે. તે વિનાશનાં પરિણામો આપણે હજી પણ ભોગવી રહ્યાં છીએ. 1863માં પ્રમુખ અબ્રાહન લિંકને ગુલામોને મુક્તિ આપી ત્યારે કેવી ઉત્તેજના ફેલાઈ હશે ! ઈતિહાસકારો જણાવે છે કે હજારો અશ્વેત લોકો ત્યારે તેના પરિવારના સભ્યો પશુઓની જેમ વેચાયાં હતાં તેની શોધમાં નીકળી પડ્યાં હતાં. આ શોધ સફળ કે નિષ્ફળ પુરવાર થાય ત્યારની ખુશી કે દુ:ખની લાગણી કેટલી ઊંડી હોય તેની તું કલ્પના કરી શકે છે ? ધારો કે તને અને તારી મમ્મીને મારી પાસેથી કોઈ છીનવી લે અને અંતે 10 વર્ષ સુધી તમને શોધવાના મારા તીવ્ર પ્રયત્ન પછી એ જ જાણવા મળે કે તું ટાઈફોઈડથી મૃત્યુ પામી છે અને મમ્મી મળતી નથી ! કેવું કમનસીબ ! ઘણા લોકોના જીવનમાં બનેલી આવી સાચી ઘટનાઓ જોવા મળે છે. હવે તને કદાચ સમજાયું હશે કે દાદી એલિઝાબેથ અને નાનીમા લોરેન તને આટલાં બધાં કાર્ડ અને ભેટ શા માટે મોકલાવે છે ! અથવા જોની કાકા વિયેતનામના યુદ્ધમાં કે જ્યાં ઘણા લોકો મરી ગયા અથવા તો ગંભીર રીતે ઘાયલ થયાં, છતાંયે જવા તૈયાર થાય છે. તે ફરીથી વિયેતનામ ગયા તેનું કારણ એ નથી કે તે બહાદુર હતા અને સમુદ્રને સમર્પિત હતા. પરંતુ તેના ભાઈ એટલે કે મારે ત્યાં જવું પડે નહીં એટલા માટે.

બીજા બધાંની જેમ તારે પણ એક દિવસ પરિવાર હશે. જે તારી જિંદગીને સમૃદ્ધ બનાવશે અને આ વૃક્ષ જીવંત અને વૃદ્ધિ પામતું છે તે જાણીને તને ખૂબ ખુશી આપશે. લગ્ન એ તારા જીવનનો સૌથી મોટો નિર્ણય બની રહેશે. મને લાગે છે કે સૌથી વધુ અગત્યનો તારો નિર્ણય બાળકનો બની રહેશે. આજે બધાં લગ્નોમાં લગ્નવિચ્છેદ થાય છે, જે દુઃખદ અને ભયજનક વિચાર છે. બેટા કેમેરા, તેનો અર્થ એ છે કે તારે કાળજીપૂર્વક પતિ શોધવો જોઈએ. સામાન્યપણે બાળક માટે માતા-પિતા બંને એટલાં જ જરૂરી છે. આજે ઘણી મહિલાઓ જેમ કરે છે તેમ તારે લગ્ન વિના બાળકો થાય તે મને નહીં ગમે, પરંતુ તેમ છતાં હું તને ચાહીશ. હું માત્ર એટલું જ ઈચ્છીશ કે પતિની પસંદગી કરવામાં, તારી મમ્મી અને મેં એકબીજાને પસંદ કરતી વેળા જેટલાં સદભાગી હતાં, તેટલી સદભાગી તું બને. બે વ્યક્તિઓ સુવિધાને ખાતર તેની પદ્ધતિઓમાં સાનુકૂળ બનવા માટે શીખી રહ્યાં હોવાથી કોઈ લગ્ન સમસ્યાવિહોણું નથી હોતું પરંતુ હું અને તારી મમ્મી એકબીજાના ઉત્કટ પ્રેમમાં હતાં. તું અમારા જીવનને સમૃદ્ધ કરવા અને પરિવારની અમારી સમજ પરિપક્વ કરવા આવી તે પહેલાં અમે આટલા પ્રેમમાં ક્યારેય ન હતાં. આજકાલ લોકો નાની નાની વાતોમાં લગ્નવિચ્છેદ કરે છે, તે દયાજનક બાબત છે. તારી મમ્મી અને હું પરણ્યાં, તેની આગલી રાતે અમારા લગ્ન કરાવનાર એન્ડ્ર્યુ યંગની પત્ની, જેન યંગે અમને એક મૂલ્યવાન સલાહ આપી હતી. તેણે કહ્યું હતું કે લગ્નનું સૌથી મહત્વનું એક ઘટક ક્ષમાભાવના છે. દરેક સહભાગી બીજા સહભાગીને માફ કરવાનું હોય છે. ક્ષમા કરવામાં હિંમતની આવશ્યક્તા રહે છે, પરંતુ તે જ તેનું રહસ્ય છે. હવે જયારે હું જીનને મળું છું અને વિદાય લઉં છું ત્યારે કહું છું ‘માફી-ક્ષમાભાવની વાત કરી લઈએ !’ બંને પાત્રો માફ કરવાની ઈચ્છા ધરાવતાં ન હોય તો લગ્ન કે સાચા માનવસંબંધો ભલે સમૃદ્ધ થાય, પરંતુ ટકી શકતા નથી. લગ્નને વૃદ્ધિ પામવા, ખીલવા માટે કેટલાક મૂળભૂત સિદ્ધાંતોની આવશ્યક્તા રહે છે. હું નાનો હતો ત્યારે મારા પિતા અમારા કુટુંબના વડા હતાં. ઘરના વડા મહત્વના તમામ નિર્ણયો કરતા. તેમની પત્ની, બાઈબલમાં ઉલ્લેખાયા પ્રમાણે તેની ‘સાથીદાર’ હતી. 1950 અને 1970ના દાયકાઓમાં કેટલીક શાણી અને બહાદુર મહિલાઓએ આ વલણને પડકાર્યું અને હવે ઘણા લોકો મૂંઝાયા છે અને અન્ય લોકો નવી ભૂમિકાના પ્રયોગો કરી રહ્યા છે. મમ્મી અને હું એ બાબત વિશે સંમત હતાં કે મારી સૌથી પહેલી ભૂમિકા આપણા ત્રણેયનું રક્ષણ કરવાની અને વ્યવસ્થા કરવાની છે. તેની પ્રાથમિક ભૂમિકા તેના સહિત આપણા સૌનું ભલું કરવાની, હિત સાચવવાની છે. તું બહુ નાની છો ત્યારે તેને ઘણી ફુરસદ મળે છે. ફોટોગ્રાફીના તેના વ્યવસાયમાં હજુ પણ તે સંકળાયેલી રહેશે. તું પસંદ કરીશ તો તું અને તારા પતિને પણ તમારા બંને માટે યોગ્ય સૂત્રોની બાબતમાં સંમત થવું જ પડશે. મારી સલાહ નવી નથી. આપણા પરિવારનાં વડીલોએ તેમના સંચિત શાણપણ અને મૂલ્યોને મારી પેઢી સુધી લાવવા પ્રયાસ કર્યો છે. હું હંમેશાં તેના વિશે જાગ્રત છું. થેલ્માએ આપણા પરિવારના વૃક્ષમાં મારું નામ સોનેરી રંગથી લખ્યું છે. આ એક જ પાન સોનેરી છે, તે મને મુંઝવે છે. તે સોનેરી રંગ મને હંમેશાં યાદ કરાવે છે કે મારે મારા પરિવારની ક્યારેય નાલેશી થાય તેવું કશું કરવું જોઇએ નહીં. કારણ કે રોગગ્રસ્ત એક પાન સમગ્ર વૃક્ષને ખતમ કરી નાખે છે. આપણા પૂર્વજો આપણી ઉપર નજર રાખે છે. હું તારી ઉપર નજર રાખું છું. તેમાં તેમની કલ્પના કરતાં પણ આપણે ઘણી વધુ સારી સ્થિતિમાં છીએ. તેથી આપણે તેમના માટે નીચાજોણું થાય તેવું કરવું ન જોઇએ.

બેટા કેમેરા, તારી ચામડીનો આ વર્ણ અને તું છોકરી છો ને છોકરો નથી, એ કારણે તારી વિશ્વસનીયતા અને ક્ષમતા અને વિશે સતત પ્રશ્નો ઊઠાવવામાં આવશે, પછી ભલે તું ખૂબ જ શિક્ષિત અને સમૃદ્ધ કેમ ન હોય ! સાથે સાથે તારી બદામી ચામડીના ફાયદા પણ ઘણા રહેશે. તેનાથી તું સાવધ રહેજે. સુપ્રિમ કોર્ટના જસ્ટિસ થ્રુગૂ્ડ માર્શલને એવું પૂછવામાં આવ્યું કે તમારી નિવૃતિ પછી તમારી જગ્યાએ કોઇ આફ્રિઅમેરિકન વ્યક્તિની નિયુક્તિ કરવી કે કેમ ? ત્યારે તેમણે આગ્રહસહ કહ્યું કે, ‘ના, તે જગ્યા પ્રમુખ સાહેબને મળી શક્તી ઉત્તમ લાયકાત ધરાવતી વ્યક્તિને જ આપવી જોઇએ.’ આમ જ કરવું જોઇએ. પરંતુ દુનિયામાં ઘણા લોકો રંગાંધળાં હોતાં નથી. વર્ણના લોકોની ક્ષમતા વિશેની તેની એકવિધતાને કારણે કોઈ લાયક પુરુષને કે સ્ત્રીને કોઇ પદ માટે નાપસંદ કરવામાં આવે છે અને લાયકાત ન ધરાવતી કોઇ વ્યક્તિને જ્યારે કોઇ પદ કે ઈનામની ના પાડવામાં આવે ત્યારે તે ભેદભાવ વિશે ચીસો પાડે છે. ત્યારે મને ગુસ્સો આવે છે અને હું નિરાશ થઈ જઉં છું. તારો ઉછેર થયો છે તેની વિરુદ્ધ હું અલગ રહીને ઉછર્યો છું. મારા સહાધ્યાયીઓને અને મને હંમેશાં એવું યાદ કરાવવામાં આવતું હતું કે આપણે આપણી સૌથી ખરાબ લાલચ નિરાશાનો પ્રતિકાર કરવાનો હતો. વંશવાદ જો આટલો વિકૃત હોય તો આપણે કોઇ પણ બાબત વિશે શા માટે ઉત્તમ કરી છૂટવું જોઇએ ? શા માટે સખત અભ્યાસ કરવો જોઇએ ? મને કહેવા દે કેમેરા કે વંશવાદ અને જાતિવાદ આપણા ઉત્તમ કાર્ય ન કરવા માટેનાં બહાનાં ન બનવાં જોઇએ. મોટા ભાગે આ દૂષણ હંમેશાં જળવાઈ રહે છે. પરંતુ તારે તેનાથી ઉપર ઊઠવાનો પ્રયત્ન કરવો જોઇએ.

તારે કોઈ પણ સોબતમાં તેઓ સારા લોકો હોય ત્યાં સુધી અનુકૂળ રહેવાનું શીખી લેવું જોઇએ. ટેનિસના ખેલાડી તરીકે વિશ્વભરના મારા પ્રવાસ દરમિયાન મને જણાયું હતું કે અનંત વૈવિધ્ય ધરાવતા લોકો સાથેનો સહેવાસ, ઊંડી મૈત્રી શક્ય જ નહીં, પરંતુ વ્યક્તિના જીવનને અતિસમૃદ્ધ કરે છે. તેને તારામાં સીમિત કરતી નહીં કે અન્યને તેમ કરવા દઈશ નહીં. કોલેજના કેમ્પસમાં હું જઉં છું અને ઉપાહારગૃહોમાં જોઉં છું કે દાખલા તરીકે અશ્વેત વિદ્યાર્થીઓ પોતાની મરજીથી અન્ય અશ્વેત વિદ્યાર્થીઓની સાથે અલગ બેઠેલા હોય છે. આમ જોઉં છું ત્યારે મને નિરાશા થાય છે. ટેવવશ કે અવિચારીપણે અથવા કાયરતાને લીધે આ પ્રણાલી સમયનો વ્યય જ છે. સંસ્કૃતિઓ અને પશ્ચાદભૂ ધરાવતા લોકોને મળવા માટે ઉપયોગ થવો જોઇએ એવો આ સમય જે વિદ્યાર્થીઓને મળે છે તે લોકોને સમજીને તેમાં ભળી જવાની ક્રિયા શિક્ષણનો આવશ્યક હિસ્સો છે. મને આશા છે કે તું થઈ શકે એટલા વિવિધ પ્રકારના લોકો સાથે દોસ્તી કેળવવાની હિંમત કરીશ. કેટલાક આફ્રિઅમેરિકન લોકો કદાચ તને ચીડવે કે ઘૃણા દર્શાવે તો કેટલાક અન્ય લોકો કદાચ તને ઠપકો આપે. પરંતુ તારે કોઇ પણ રીતે આવી મૈત્રી કેળવવામાં ચીવટ રાખવી જોઇએ. તારે વધારે કંઈક કરવું જ રહ્યું. મમ્મી અને હું એવો આગ્રહ રાખશું કે તારે અંગ્રેજી ઉપરાંત ઓછામાં ઓછી બે અન્ય ભાષાઓ શીખવી જ જોઇએ. તેમાંની એક સ્પેનિશ હોવી જોઇએ અને બીજી ભાષા તારી મરજી મુજબની હોઈ શકે. જો કે ફ્રેંચ ભાષા સારી છે. મેં ક્યારેય બીજી ભાષામાં નિપુણતા મેળવી નથી. મને તેનું ઘણું દુ:ખ છે. ભાષામાં પ્રવાહિતા હોય તે વાતચીત માટેનું મહત્ત્વનું અંગ છે. અને તેનો કોઇ વિકલ્પ નથી. આપણા અમેરિકન ભયને ક્યારેય ગણકારતી નહીં. અને અંગ્રેજી સિવાયની અન્ય ભાષાના અજ્ઞાનને ચલાવી લઈશ નહીં. યુરોપમાં બાળકો સરળતાથી વિદેશી ભાષા શીખે છે. તું કદાચ જોઈશ કે થોડા સમયમાં યોગ્ય લઢણ સાથે અંગ્રેજી બોલતા અમેરિકન પ્રમુખ પછી ભલે તે સ્ત્રી હોય કે પુરુષ અહીં જન્મ્યા હશે.

કેમેરા, અમેરિકા તારો દેશ છે. કેટલાક લોકો કહેશે કે તે માત્ર તેમનો જ દેશ છે, તારો નહીં. તેમની વાતોમાં આવી જઈશ નહીં. 1930ની પ્રમુખની ચૂંટણી મને યાદ આવે છે. ત્યારે પ્રોટેસ્ટન્ટ વર્ચસ્વવાળા લોકોને ભય હતો કે કેથોલિક એવા જહોન એફ. કેનેડી જીતશે તો તે દરેકની ઉપર તેમનો ધર્મ થોપશે. (હકીકતે તો રિપબ્લિકની સ્થાપના થઈ ત્યારથી તેઓ આમ કરવાની કોશિશ કરતાં હતાં) કેટલાક અમેરિકનો માને છે કે તેમને આપણા રાષ્ટ્રનું ભાવિ ઘડવાનો/નિયત કરવાનો લગભગ દિવ્ય અને ઐતિહાસિક અધિકાર છે ! ઉદાર વિચારસરણી ધરાવતી એક મુક્ત વ્યક્તિ તરીકે મને આશા છે કે આ ચર્ચામાં તારે પીછેહઠ કરવાની નથી જ. 1992માં જમણેરી રિપબ્લિકન નેશનલ કન્વેન્શનમાં રાજકીય ભાષણખોર પેટ્રિક બુચનાન ઊભા થયાં અને સભામાં એકત્ર થયેલા તારા અને મારા જેવા લોકોને ‘આપણો દેશ પાછો લઈ લો’ એવી વિનંતિ કરી હતી, ત્યારે મેં દૃઢ નિર્ણય કર્યો હતો કે તે સફળ થવા જોઇએ નહીં, એ સફળ થશે નહીં. અમેરિકા તેમનો જ દેશ નથી. તેનો મત, મારા મત અને તું મતદાન કરવાની ઊંમરની થાય ત્યારે તારા મત કરતાં વધુ મૂલ્યવાન નથી. જે કોઈ પણ જૂથ એવું માનતું હોય કે તે રાજ્યના જહાજને માર્ગદર્શન આપવાનો ઉચિત અધિકાર ધરાવે છે તો તેનો તારે પ્રતિકાર કરવો જ રહ્યો. આપણા બધાના હાથ સુકાન પર હોવા જ જોઇએ. વધુમાં, ઘણા આફ્રિઅમેરિકન લોકોને જે દારુણ સ્થિતિમાં જીવવું પડ્યું છે તેમાંથી પેદા થયેલા અશ્વેત ચળવળકારો જાતિવિશેષ લઘુમતીઓ વચ્ચેની કૃતિમ ખાઈ બનાવીને તેમની સંકુચિત રાજકીય કારકિર્દી જમાવવા પ્રયત્ન કરશે. તને અશ્વેત લોકોની વિરુદ્ધના કાવાદાવા અને જાતિસંહાર જેવો શબ્દપ્રયોગ છૂટથી સાંભળવા/જોવા મળશે. જેમ બને તેમ કેમેરા, તું લોકોને માનવ તરીકે અને તેમના સાંસ્કૃતિક દાવામાં સામાજિક બન્યા હોય તેવી પ્રથમ વ્યક્તિ તરીકે જોઈ શકશે. નાના છોકરા તરીકે હું એ બાબતથી વાકેફ હતો કે શ્વેતો મને એક વ્યક્તિ તરીકે નહીં પણ સામાન્યરીતે એક અશ્વેત વ્યક્તિ વિશે તેઓ માનતા હતાં. તે પ્રમાણે મને તેવો ગણતા હતાં.

જાતિવાદ છતાં કેમેરા, ટેનિસ રમીને મેં ઘણું ધન એકઠું કર્યું છે, જેથી વિશ્વમાંનાં અન્ય તમામ બાળકો કરતાં તું ઘણા વધુ ભૌતિક લાભો ધરાવતી હોઇશ. હું મોટો થયો ત્યારે મારી પાસે વધુ પૈસા હતા નહીં. જો કે અમે ગરીબ પણ ન હતા. મારા પિતાએ પૈસાની બાબતમાં મને શાણો અને મધ્યમમાર્ગી બનવાનું શીખવ્યું હતું. ધનનો ઉપયોગ કરો, તેને તમારો ઉપયોગ કરવા દેશો નહીં, ડહાપણપૂર્વક વાપરો. તમારી આવક અને દોલત આ મૂળભૂત સિદ્ધાંત અનુસાર હોવાં જોઈએ, જેમાં આરામદાયક ઘર, તમને પોષાય એવું ઉત્તમ શિક્ષણ, જરુરિયાતમંદોને આર્થિક સખાવતો, બચત કરેલી રકમ- જેને કટોકટી સિવાય હાથમાં લેવાની ન હોય. તારી પાસે અમાપ દોલત હોય અથવા તું કમાઈ લે, પરંતુ તારી આવકનાં સાધનોની મર્યાદામાં રહેવાય તે વિષે સાવધ રહેજે.

કેમેરા, તારા સ્વાસ્થ્યની સંભાળ લેજે, તે બાબતમાં જરાય બેદરકાર રહેતી નહીં. તું શાળાએ જાય પછી મમ્મી એક કલાક સુધી કસરત કરે છે અને હું તેને વ્યાયામ કરવા પ્રોત્સાહન આપું છું. શાળામાં તું કોઈ પણ નિપુણતા મેળવે પરંતુ શાળા છોડ્યા પછી પણ લાંબો સમય તું કુશળતાથી રમી શકતી હોય એવી ઓછામાં ઓછી બે રમતમાં તું કુશળ હોવ એવી મારી ઇચ્છા છે. ખેલકૂદ અદ્દભુત વસ્તુ છે ! તારી આખી જિંદગીમાં તે તને સુખચેન અને આનંદ આપી શકે છે. ખેલકૂદ તને જીવનમાં તારા વિશે, તારી લાગણીઓ-આવેગો અને ચારિત્ર્ય બાબતમાં, કટોકટીની પળોમાં અને હારની સ્થિતિમાં કઈ રીતે અડગ રહેવું એવું ઘણું બધું શીખવી દે છે. આ બાબતમાં રમતગમતના પાઠોની સરળતાથી નકલ થઈ શકતી નથી. તું ઝડપથી તારી મર્યાદાઓ સમજી લઈશ. પરંતુ આત્મવિશ્વાસ અને તારી જાત અંગેની હકારાત્મક સમજ પણ પેદા કરી લઈશ. ખેલકૂદથી તું પર છો તેવું ક્યારેય વિચારતી નહીં. હમણાં નહીં, પરંતુ થોડાં વર્ષ પછી તું છોકરાઓમાં રસ લેવાનું શરૂ કરીશ. ત્યારે હું ન હોઉં તો તને લાગશે કે મમ્મી તારા ઉપર જે નિયંત્રણો મૂકશે તેને કારણે તે ક્રૂર રીતે તારું સામાજિક જીવન બરબાદ કરી રહી છે. આ નિયંત્રણો તેમને લગતાં છે. પુખ્તવયની વ્યક્તિ તરીકે તારી સાથે વર્તાવ કરવામાં આવે એવી તારી ઉતાવળમાં તું કદાચ પુખ્તવયના લોકોની જેવી કે વાહન ચલાવવું, મોડે સુધી બહાર રોકાવું, મદ્યપાન કરવું, નશાકારક પદાર્થોનું સેવન કરવું, જુગાર રમવો અને જાતીય બાબતો વિશે પ્રયાસ કરવા ઈચ્છીશ. દારૂ અને નશાકારક/કેફી પદાર્થોને કારણે બરબાદ થતાં ઘણાં જીવન મેં જોયાં છે, જેનો ઉલ્લેખ તો અલગ રીતે જ કરવો પડે. કારણ કે આવી બધી હાનિકારક પ્રવૃત્તિઓ સહજતાથી અને સરળતાથી ઉપલભ્ય છે. ખાસ કરીને, શરાબ એક અભિશાપ બની શકે છે. કેમેરા, આપણા કુટુંબમાં કેટલાક લોકો શરાબી (આલ્કોહોલિક) હતાં પરિણામે તેમણે ખૂબ જ સહન કરવું પડ્યું હતું. કામ એ ઇશ્વરની અમૂલ્ય બક્ષિશ છે.પુરુષ કે સ્રીએ તેનો અવિવેકી રીતે ઉપભોગ કરવો જોઇએ નહીં. સમય થાય ત્યારે સહભાગી અને અવસર કાળજીપૂર્વક શોધી લેજે. ઘણી મહિલાઓના કેસમાં થાય છે તેવું, તારી જાતનું શોષણ થવા દઈશ નહીં. કોઇ તને તરછોડી દે અને ભૂલી જાય તેવું હરગીજ થવા દઈશ નહીં.

અંતમાં, સંગીત અને કલાઓની અભિરુચિ તું કેળવે તેવું હું ઈચ્છું છું. હું નાનો હતો ત્યારે જુનિયર હાઈસ્કૂલ અને હાઈસ્કૂલમાં છ વર્ષ સુધી બેન્ડમાં સંગીત વગાડતો હતો અને સંગીત પ્રત્યેની ચાહના વિકસાવી હતી. મને કાયમી આશ્ચર્ય થતું હતું કે માનવજાત કેવી અદ્દભુત ધૂનો અને સુરાવલીઓ સર્જી શકે છે ! દરેક વસંતમાં મારી સ્કૂલમાં જે કાર્યક્રમો યોજાતા તેમાં અમે સાદાં સફેદ જેકેટ અને બો-ટાઈ ધારણ કરતા અને ડ્યુક એલિંગ્ટનથી લઈને બિથોવનની ધૂનો રેલાવતાં. આપણા ઘરના સંગીતના આલબમમાં તને આખા વિશ્વનું સંગીત જોવા મળશે, જે મેં મારા પ્રવાસ દરમિયાન એક્ત્ર કર્યું હતું. ઘણીવાર હું કોઈ સ્થળ વિશે વિચારું છું ત્યારે સૌ પ્રથમ વિચાર મને સંગીતનો આવે છે. બ્રિટનની ટ્રમ્પેટ, ઓસ્ટ્રેલિયા અને જર્મનીનાં વાયોલિન, મિડલ ઈસ્ટની વાંસળી, પશ્ચિમ આફ્રિકાના ફિંગર પિયાનો, અમેરિકન ઇન્ડિયનના ડ્રમ, ઈટાલીનાં મેંડોલિન, સ્પેનના કાસ્ટનેટ, જાપાનના સિમ્બલ્સ. આપણા વર્ગના ગુલામોના પૂર્વજોનાં ફિડલ વિષે હું વિચારું છું. દરેક સૂર કોઇ એક સ્થળ અને લોકોની નિશાની જેવો લાગે છે. દરેક સૂર વિશ્વની સંવાદિતાનો એક હિસ્સો છે. હું હંમેશાં, કલાથી -કાવ્યથી દ્રવી જાઉં છું. આમાંથી કોઇ એક વસ્તુ ક્ષૂદ્ર છે અથવા વ્યર્થ છે અથવા નાણાં એકઠાં કરવાથી ઊતરતું છે એવું કોઇ કહે તો ક્યારેય માનતી નહીં. કલા, સાહિત્ય અને સંગીત વિના જીવન શુષ્ક અને લાગણીહીન થઈ જાય છે. કલા ખુદ અસ્તિત્વનો આવશ્યક અંશ છે, માનવજાતની એક સહજવૃત્તિ છે. યુરોપની કલા બાકીના વિશ્વ માટેનું એકમાત્ર ધોરણ છે તે ખ્યાલનો વિરોધ કરતાં હું કહીશ કે તેની કેટલીક કૃતિઓ મને ભાવવિભોર કરી દે છે. દા.ત. રોમમાં સેન્ટ પિટરના બેસિલિકામાંનો પથ્થરનો એક નાનકડો ટુકડો, શક્ય એટલો ભારે વિષાદ શિલ્પવિષયક જટિલતા ધારણ કરીને, વ્યક્તિની કાયમી યાદદાસ્તનો ભાગ બની જાય છે. મહાન કલા નિર્જીવને સજીવ બનાવે દે છે. તારી જાતમાં અને અન્યમાં ઈશ્વરની આ ભેટનો આદર કરજે.

કેમેરા, ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખજે. સુખ અને ભૌતિક પદાર્થોથી અથવા વિજ્ઞાનના દાવા કે ધર્મ વ્યર્થ છે તેવું માનતા અથવા ઈશ્વર તારા કરતાં નિમ્ન છે તેવું વિચારતા બુદ્ધિશાળી વિચારકોની વાતમાં આવી લલચાઈ જતી નહીં. શારીરિક અથવા બૌદ્ધિક પોષણની જેમ આધ્યાત્મિક પોષણ પણ એટલું જ જરૂરી છે. તું પસંદ કરે એ ધર્મ ઈશ્વરમાં પાયાની, મૂળભૂત શ્રદ્ધા જેટલો મહત્વનો નથી. બાળપણમાં હું એપિસ્કોપાલ પ્રિસ્ટોરિયન અને બાપ્તિસ્ટ ચર્ચોમાં જતો. પછી હું કેથોલિક ચર્ચમાં ગયો, કારણ કે હું એવા પરિવારમાં રહેતો જે ત્યાં ધાર્મિક ક્રિયાઓ કરતો હતો. મમ્મી પોતે પણ કેથોલિક છે અને તું જાણે છે તેમ તે સમૂહપ્રાર્થનામાં જાય છે. ખ્રિસ્તી ધર્મ સહિતના આ અને અન્ય બધા ધર્મો ઈશ્વર તરફનો પંથ દર્શાવે છે. આ બધા ધર્મો પાછળના સિદ્ધાંતો પ્રભુએ જ ધડ્યા હશે અને હંમેશાં ઈશ્વરી કાનૂન અન્વયે હશે તેવી તારી સમજ હોવી જોઇએ. આ સોનેરી નિયમનો સ્વીકાર કરજે. ઈશ્વર પાસે તરફેણની માગણી કરતી નહિ, તેને બદલે સારું શું છે અને તે શું કરવા ઈચ્છે છે તે જાણવાનું શાણપણ માગજે. અને તે પ્રમાણે કરજે. બાઈબલને સમજજે. પર્વત પરનો બોધ અને ઉપદેશ વાચજે. તે શાશ્વત ગ્રંથમાંનું સર્વ કંઈ વાચજે. તારા અંધકારમય સમય દરમિયાન તને તેમાં આશ્વાસન મળશે. જીવનનો અર્થ અને તારે કઈ રીતે જીવવું જોઇએ તે તને બાઈબલમાં મળશે. તારામાં જીવન વિશેની ઊંડી સમજનો વિકાસ થશે. ક્યારેક ધર્મો વચ્ચે સંઘર્ષ અને હરીફાઈ થતાં હોય છે. પરંતુ બાઈબલમાં સત્ય અને માર્ગદર્શનનો મહાસાગર છે. જે તમામ વિવાદોથી પર છે અને તારા માટે સદાયે ઉપલબ્ધ છે.

બેટા કેમેરા, મારું વિશ્વ જેટલું ઉત્તેજિત છે તેના કરતાંયે તારું વિશ્વ કેટલુંય વધારે ઉત્તેજિત નીવડશે. અગાઉ ક્યારેય વિકસી ન હોય એવી પ્રૌદ્યોગિકી(ટેકનોલોજી) વિસ્તરી રહી છે. પરિવર્તનનાં સાધનો ચારે બાજુ જોવા મળે છે. ઘણીવાર તને લાગશે કે તું જે કંઈ કરવા ઈચ્છે છે તેને માટે તારી પાસે પૂરતો સમય નથી. સમય બનાવો/બચાવો, સમયની ઉપર નિયંત્રણ રાખો. તમારા ઉપર સમયે રાખવો જોઇએ તેના કરતાં વધુ અંકુશ તેને ન રાખવા દો. તમારા જીવનની પ્રવૃત્તિમાં સંતુલન સાધો. મારા પિતા સાદી છતાં સુખી જિંદગી જીવતા હતા. તે સખત કામ કરતા, પરંતુ મોસમ પૂરી થાય પછી મચ્છીમારી કરવા જતાં. અલબત્ત, આજે હું જે પ્રલોભનોનો સામનો કરું છું અથવા તું સામનો કરીશ તેવાં પ્રલોભનો તેમની સામે ન હતાં. કોઈ પણ પ્રવૃત્તિની પસંદગી કાળજીપૂર્વક કરજે અને તારી પસંદગીની પ્રવૃત્તિમાં સંપૂર્ણપણે સમર્પિત થજે. મહેરબાની કરીને કોઈ એક વસ્તુની નિષ્ણાત બનજે, જેથી લોકો તને માનવસંસાધન તરીકે અપનાવે.

શરૂઆત કરી હતી એ રીતે હું પરિવારની બાબત વિશે વાત કરીને સમાપન કરીશ. મેં જે સંસ્કૃતિઓ વિશે સાંભળ્યું છે તે દરેકમાં પરિવાર એ કેન્દ્રિય સામાજિક એકમ છે. તે સંસ્કૃતિનો આધાર અને પાયો છે. મારા મતે તું પરિવારની અગિયારમી અને તારી મમ્મીના પક્ષે ચોથી, ઓળખી શકાય એવી પેઢીની સભ્ય છો. અમે તને શક્ય એવી રીતે સુખી અને ઉત્પાદક જીવન તરફ દોરી શકીએ એવી ઉત્તમ રીતે તૈયાર કરવાનો પ્રયાસ કર્યો છે. આ માર્ગે કદાચ તું ડગમગીશ કે ક્યારેક પડી જઈશ. પરંતુ તે પણ સાવ સામાન્ય અને અપેક્ષિત ઘટના છે. ઊભી થજે, તારા પગ પર ખડી થજે અને શાણી થજે અને આગળ અને આગળ ધપતી જજે. આજે જે રીતે હું તારી સાથે ચાલી રહ્યો છું તેમ આખા અથવા તો મોટાભાગના રસ્તે કદાચ તને સાથ નહીં આપી શકું. તારે જરૂર હોય ત્યારે જીવતો અને તંદુરસ્ત હું કદાચ ન હોઉં, તેથી તું મારા ઉપર ગુસ્સે થતી નહીં. તારી સાથે હંમેશાં રહેવા સિવાય તેથી વધુ મને કશુંયે ગમે નહીં જ. મેં વિદાય લઈ લીધી હોય તો તું નિરાશ કે દિલગીર થતી નહીં. આપણે સાથે હતા ત્યારે મેં તને ખૂબ જ ચાહી છે અને તેં મને જે ખુશી આપી છે તે હું તને ક્યારેય આપી શકીશ નહીં. બેટા કેમેરા, તું આ પુસ્તક હાથમાં લે અને વાંચે ત્યારે અથવા ગડથોલિયું ખાઈને પડી જાય ત્યારે અને ફરીથી તું ઊભી શકીશ કે નહીં તે જાણતી ન હો ત્યારે મને યાદ કરજે. હું તને જોઇ રહ્યો હોઇશ, સ્મિત કરી રહ્યો હોઇશ અને તને પ્રોત્સાહન આપતો હોઈશ.

સૌજન્ય… મેહુલ સોલંકી