વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

સ્વ. વિનોદ પટેલ – મળવા જેવા માણસ

લેખક – સ્વ. પી.કે. દાવડા

​ વિનોદભાઇનો  જન્મ બર્માના રંગુન શહેરમાં ૧૯૩૭માં થયો હતો. બીજા વિશ્વયુધ્ધ વખતે જાપાને  જ્યારે રંગુન ઉપર સખત બોમ્બમારો કર્યો ત્યારે એનાથી બચવા વિનોદભાઈનું કુટુંબ ૧૯૪૧માં કમાયેલી મિલકતો ત્યાં છોડીને  પોતાના મૂળ વતન, મહેસાણા જીલ્લાના ડાંગરવા ગામમાં આવી ગયું હતું .ગામમાં કુટુંબનો વ્યવસાય ખેતીનો હતો .

          ડાંગરવામાં  આવ્યાના થોડા મહિનાઓમાં જ વિનોદભાઈને સખ્ત તાવ આવ્યો અને ગામમાં ચાલતા પોલીયોના વાયરસમાં ઝડપાઈ ગયા .આ પોલીયોની અસરથી એમનો જમણો હાથ અને ડાબો પગ જીવનભર માટે નબળા પડી ગયા .વિનોદભાઈનું  છ ધોરણ સુધીનું શિક્ષણ ડાંગરવામાં જ થયું. ૧૯૫૦માં ગુજરાતમાં જાણીતી કડીની સંસ્થા સર્વવિદ્યાલયમાં સાતમા ધોરણમાં દાખલ થયા અને ત્યાંથી ૧૯૫૫માં એસ.એસ.સી. પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસકરી. પોતાની શારીરિક ક્ષતિ ભણતરમાં બાધા રૂપ ન થાય એટલા માટે વિનોદભાઈએ પોતાની જાતને મનાવી કે

“ભગવાન જ્યારે એક દ્વાર બંધ કરેછે ત્યારે બીજું દ્વાર પણ ખોલી આપે છે.કુદરતે મારી શારિરિક ખોટની મને બૌધિક શક્તિની ભેટ આપીને પૂરી કરી છે, જેના બળે મારો જીવન રાહ હું સરળ બનાવી શક્યો છું .”

      કડીની શાળાના અભ્યાસ દરમ્યાન વિનોદભાઈ સ્કુલના વિશાળ પરિસરમાં જ આવેલ પાટીદાર વિદ્યાર્થી આશ્રમ નામની બોર્ડિંગમાં રહેતા. ૪૦૦ છાત્રોવાળા આ ગાંધી મૂલ્યોને વરેલ આશ્રમમાં ગુરુઓ સાથે રહેવાથી એમનામાં બાહ્ય દુનિયાની ઘણી સમજદારી આવી ગઈ હતી .શાળાના આચાર્ય સ્વ. નાથાભાઈ દેસાઈ અને ગુજરાતીના શિક્ષક જાણીતા સાહિત્યકાર શ્રી મોહનલાલ પટેલે વિનોદભાઈમાં સાહિત્યનો અને પુસ્તક વાંચનનો પ્રેમ જગાડ્યો. આશ્રમમાં ગૃહપતિ ગુરુઓ સાથે સ્ટેજ ઉપર બેસી સવાર-સાંજની પ્રાર્થના ગવડાવતી વખતે એમનો આત્મવિશ્વાસ  વધતો કે શારીરિક અડચણ હોવા છતાં જીવનમાં હું પણ કંઈક કરી શકું એમ છું.

૧૯૫૫માં એસ.એસ.સીમાં પ્રથમ વર્ગમાં ઉતીર્ણ થયા બાદ વિનોદભાઈએ અમદાવાદની એચ.એલ.કોમર્સ કોલેજમાંથી ૧૯૫૯માં બી.કોમ. ની પરીક્ષા પાસ કરી. રંગુનની જાહોજલાલી જોયા પછી ગામમાં પિતાને ચાર દીકરા અને ત્રણ દીકરીઓના બહોળા કુટુંબનો ખેતી,દૂધ અને ગામમાં નાના વેપારની ટૂંકી આવકમાંથી નિભાવ કરવાનો હોવાથી પિતાને  આર્થિક રીતે સંકળામણ રહેતી હતી.આ સંજોગોમાં કોલેજના અભ્યાસ માટે વિનોદભાઈને સંસ્થાઓ તરફથી સારા માર્ક ઉપર અપાતી  સ્કોલરશીપ ઉપર આધાર રાખવો પડેલો, એટલે બી.કોમ.માં પાસ થયા બાદ તરત જ એમણે મહિલાઓની એક સેવાભાવી સંસ્થા વિકાસ ગૃહમાં હિસાબનીશ અને સેક્રેટરી તરીકે ૧૪૫ રૂપિયાના માસિક પગારની નોકરી સ્વીકારી હતી . પગારનો પહેલો ચેક મળતાં એમને અને પિતાને ખુબ આનંદની લાગણી થઇ હતી . અહીં  આઠેક મહિના જોબ કર્યાં પછી એમને એમના પિતા જ્યાં નોકરી કરતા હતા એની નજીકમાં કઠવાડા, અમદાવાદમાં નવી સ્થપાતી કમ્પની સેલ્યુલોઝ પ્રોડક્ટ્સ ઓફ ઈન્ડીયા લીમીટેડમાં એકાઉન્ટ ક્લાર્ક તરીકેની નોકરી મળી ગઈ . આ કમ્પનીમાં જોબ કરતાં કરતાં એમણે ૧૯૬૦માં બી.એ. , ૧૯૬૨માં એમ. કોમ. ,૧૯૬૯માં એલ.એલ.બી. સુધીની પરીક્ષાઓ પાસકરી .સાથે સાથે  કમ્પનીની મેનેજમેન્ટ દ્વારા  એમની મહેનત અને વફાદારીની કદર થતી રહી અને એમના હોદ્દાઓમાં અને વેતનમાં વૃદ્ધિ થતી રહી .

૧૯૭૩ થી ૧૯૭૬, ત્રણ વર્ષ અમેરિકાસ્થિત એમના પિત્રાઈ ભાઈઓની વડોદરા નજીક નંદેસરી ખાતેની ફોર્મલડીહાઈડ કેમિકલ બનાવવાના નવા પ્રોજેક્ટ સીમાલીન કેમિકલ્સને શરૂ કરવા માટે સખત મહેનત કરી. ૧૯૭૬માં અમેરિકા રહેતા ત્રણ ભાઈઓએ એમને અમેરિકા ફરવા માટે બોલાવ્યા.આ ચાર મહિનાના અમેરિકાના રોકાણ દરમ્યાન કેલીફોર્નીયા નજીકના આઠ  સ્ટેટમાં તેઓ ભાઈઓ સાથે જોવા જેવાં સ્થળોએ કેમ્પરમાં ખૂબ ફર્યા. ત્યાંના કુદરતી સૌંદર્યથી અને અમેરિકાના પ્રથમ અનુભવથી તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા.

અમેરિકાથી પાછા ફર્યા બાદ જ્યાં પ્રથમ કામ કરતા હતા એ સેલ્યુલોઝ પ્રોડક્ટ્સ લિમિટેડે દેશમાં ન બનતું કેમિકલ ઇથીલીન એમાઈન્સ વડોદરા ખાતેની ફેક્ટરીમાં બનાવવા માટે પ્રમોટ કરેલ નવી કમ્પની ડાયામાઈન્સ એન્ડ કેમિકલ્સની અમદાવાદ ઓફિસમાં કંપની સેક્રેટરી અને ફાઈનાન્સ મેનેજર તરીકે ૧૯૭૬થી ફરી જોડાઈ ગયા. આ ઓફિસમાં રહી નવા પ્રોજેકટના પબ્લિક ઇસ્યુથી માંડી પ્રોજેક્ટ શરુ થયો ત્યાં સુધીના ફાઈનાન્સ, માર્કેટિંગ અને અન્ય વહીવટી પ્રશ્નો અને એના ઉકેલનો બહોળો અનુભવ પ્રાપ્ત કર્યો . અમદાવાદની કેમિકલ બનાવતી એક પ્રાઈવેટ લીમીટેડ કમ્પનીએ  વિનોદભાઈના ધંધાકીય જ્ઞાન અને અનુભવોને લીધે એમના ડિરેક્ટરોના બોર્ડમાં એક ડિરેક્ટર તરીકે એમની ૧૫ વર્ષ સુધી નિમણુંક કરી દીધી .

ઉપરની બે મોટી ગ્રુપ કંપનીઓમાં મેનેજમેન્ટ કેડરમાં અગત્યના હોદા સંભાળી, સળંગ ૩૪ વર્ષની સેવાઓ આપી ૧૯૯૪ માં વિનોદભાઈએ છેલ્લે કમ્પનીના સીનીયર એક્ઝીક્યુટીવના પદે રહીને નિવૃતિ લીધી .નિવૃતિ બાદ ભાઈઓના આગ્રહથી   વિનોદભાઈ ગ્રીનકાર્ડ લઈ કેલીફોર્નીયામાં રહેતાં સંતાનો અને અન્ય પરીવાર જનો સાથે કાયમી વસવાટ માટે ૧૯૯૪માં માતા અને પિતાને લઈને અમદાવાદથી અમેરિકા આવી ગયા .

વિનોદભાઈનાં લગ્ન ૧૯૬૨માં કુસુમબહેન સાથે થયાં હતાં . ત્રીસ વર્ષના સુખી લગ્ન જીવનબાદ ૧૯૯૨માં ૫૪વર્ષની વયે જ કુસુમબહેનનો  દુખદ સ્વર્ગવાસ થયો. એમનાબે પુત્રો અને એક પુત્રી હાલમાં કેલીફોર્નીયા, અમેરિકામાં જ છે.

૧૯૬૨માં વિનોદભાઈના લગ્ન બાદ કુટુંબની આર્થિક પરિસ્થિતિ સુધરી હતી .એમનાથી ત્રણ નાના ભાઈઓ એક પછી એક એમ અમેરિકા ભણવા ગયા અને ત્યાં જ સ્થાયી થયા. પહેલાં ભાડાના મકાનમાં રહેતા એના બદલે નારણપુરામાં મોટા બે માળના મકાનમાં માતા પિતા સાથે સહકુટુંબ રહેવાનું શક્ય બન્યું .અહીં આ મકાનમાં જ અમેરિકાથી આવીને એમના ત્રણે ય નાના ભાઈઓએ લગ્ન કર્યાં હતાં અને પરત અમેરિકા ગયા હતા . ભૂતકાળમાં કુટુંબના ઉત્કર્ષ માટે જેઓએ ખુબ સંઘર્ષ અને ત્યાગ કર્યો અને જીવનભર વિનોદભાઈની સાથે રહ્યાં અને એમને અઢળક પ્રેમ આપ્યો એ વિનોદભાઈના જીવનનાં ત્રણ મુખ્ય પ્રિય પાત્રો — ૧૯૯૨માં જીવન સાથી કુસુમબેન ,૧૯૯૫માં માતા શાંતાબેન અને ૨૦૦૭માં પિતાશ્રી રેવાભાઈ એમને છોડીને  વિદાય થયાં છે,એનું એમના મનમાં દુખ છે પરંતુ આ ત્રણ દિવ્યાત્માઓનું સ્મરણ એમને હંમેશાં પ્રેરણા આપતું રહે છે .

કુટુમ્બીજનો સાથે

          અમેરિકામાં રહીને ૨૦૦૬ થી ૨૦૧૧ સુધીમાં વિનોદભાઈ એ એમનામાં વર્ષોથી પડેલા સાહિત્યના રસને તાજો કર્યો અને સર્જનની પ્રવૃતિમાં લાગી ગયા. એમના લેખ, વાર્તા, કાવ્ય વગેરે અમદાવાદથી પ્રસિધ્ધ થતા માસિક “ધરતી” માં છપાતા. આ માસિકમાં એમની પહેલી વાર્તા “પાદચિન્હો” ૧૯૯૬માં   છપાઈ  .એજ રીતે અમેરિકામાં ન્યુયોર્ક અને ન્યુજર્સીથી પ્રગટ થતા સાપ્તાહિક “ગુજરાતટાઈમ્સ” માં એમનાં લખાણો નિયમિત રીતે પ્રગટથતાં રહ્યાં .

           વિનોદભાઈએ  ૨૦૧૧માં કોમપ્યુટરમાં  ગુજરાતીમાં  કેમ લખાય એ  શીખી લીધું અને “વિનોદવિહાર” નામે બ્લોગ શરૂ કર્યો. બ્લોગની પ્રવૃત્તિ વિષે વિનોદભાઈ કહેછે: “નિવૃતિમાં સારી રીતે સમય પસાર કરવાનું બ્લોગ ઉત્તમ સાધન છે . યોગ: કર્મશુ કૌશલમની જેમ બ્લોગીંગ એક મેડીટેશનની ગરજ સારે છે. બ્લોગીંગ માટે જરૂરી અવનવી ટેકનીકોનું જ્ઞાન આપવા તેમ જ સતત માર્ગ દર્શન આપી પ્રોત્સાહિત કરવા માટે મારા આત્મીયમિત્ર શ્રીસુરેશજાનીનો હું આભારીછું .વિનોદવિહારના માધ્યમથી કદી નજરે જોયા કે મળ્યા ન હોય પણ મળવા ગમે એવા ઘણા સહૃદયી નેટમિત્રો સાથે આત્મીય સંબંધ બંધાય છે . મિત્રો સાથે બ્લોગના માધ્યમથી તેમ જ ઈ-મેલોથી સતત સંપર્ક અને વિચાર વિનિમયથી મન સતત આનંદમાંરહેછે.”

“બાળપણની શારીરીક  ક્ષતિ અને ૭૮ વર્ષની  ઉંમરે શરીર ભલે બરાબર સાથ નથી આપતું પણ મારું મગજ આ ઉંમરે પણ ખુબ તેજ દોડી રહ્યું છે . હજુ કામ આપતા એકજ  હાથે ટાઈપ કરીને મારા બ્લોગની પોસ્ટ તૈયાર કરી તમારા જેવા અનેક મિત્રો /ચાહકોને શક્ય એટલું સંસ્કારી સાહિત્ય  હજુ પીરસી શકું છું  એથી મનમાં ખુબ આનંદ અને સંતોષની લાગણી થાય છે. આવી શક્તિ ચાલુ રાખવા માટે ભગવાનનો હું આભાર માનું છું .”

વિનોદભાઈની જીવનની ફીલોસોફી વિશે તેઓ કહે છે કે,

“જીવનમાં ગમે એટલા વિપરીત સંજોગો આવે પણ હિંમત ન હારવી, મન મજબુત રાખવું અને સંતોષી જીવન જીવવા પ્રયત્નશીલ રહેવું .જે પળ જીવતા હોઈએ એને ઉત્સાહ અને જોશથી જીવી લેવી. ગીતાનો આસાર મનમાં હંમેશાં યાદરાખવો….जो हुआ वह अच्छा हुआ, जो हो रहा है, वह अच्छा हो रहा है, जो होगा, वह भी अच्छा होगा .

આંતરિક હિમ્મત, દિલી પુરુષાર્થ, સકારાત્મક અભિગમ, ભગવાન ઉપર શ્રધા અને એની કૃપા જ્યારે ભેગા થાય એટલે જીવન યાત્રાનો રસ્તો સરળ બની જાય છે. “

4 responses to “સ્વ. વિનોદ પટેલ – મળવા જેવા માણસ

  1. nabhakashdeep ડિસેમ્બર 22, 2020 પર 3:38 પી એમ(PM)

    સાચે જ ખમીરવંતી પ્રતિભા હતા ને ‘વિનોદ વિહાર’ થકી બહોળા શુભેચ્છોકોના ચહિતા બની, મળવા જેવા માણસ બની ગયા. લેખકશ્રી દાવડાજીએ તલાસી આલેખેલી આ લેખમાળા થકી , વિનોદભાઈનો જીવન સંદેશ , સાચે જ મૂલ્યવાન છે. અમે તું રુબરું થવાનો ને નેટ માધ્યમથી માણવા માટે સદનશીબ રહ્યા.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  2. dave amita ડિસેમ્બર 22, 2020 પર 10:34 પી એમ(PM)

    વિનોદભાઈને હું તેમના લેખો થકી જાણું છું એટલે જ્યારે મળવા જેવા માણસમાં તેમનો જીવન સંદેશ વાંચી ખરેખર લાગે છે કે તેમનું જીવન પ્રેરણાદાયી છે અને બની રહેશે. તેમના આત્માને શાંતિ મળો તેવી ઈશ્વરને પ્રાર્થના.
    અમિતા દવે

    Like

  3. Hasmukh Doshi ડિસેમ્બર 23, 2020 પર 7:18 એ એમ (AM)

    All I can add is His father was working at Maize Products, Kathwada, and Vinodbhai is to go with us on a school bus. I grew up in Kathwada. He was very inspired in my life. God bless his soul.

    Like

  4. phbharadia ડિસેમ્બર 23, 2020 પર 8:26 એ એમ (AM)

    હેલ્લો સુરેશ ભાઈ જાની, તમારી ક્ષેમકુશળતા.

    તમારા તરફથી મળેલા ઈમેલ દ્વારા ઘણી દિલગીરી સાથે જાણ્યું કે શ્રી વિનોદ ભાઈ પટેલ લાંબી યાત્રાએ નીકળી ગયા છે!

    આપ મેળે જિંદગીમાં ઉન્નતિ કરી પોતાના લોકોને આગળ કરવામાં તેમણે ઘણી મહેનત કરી તેવું શ્રી પી કે દાવડા જી ના
    તેમના વિષે લખેલા જીવન-કવન માં વાંચ્યું.

    દિવંગત વિનોદ ભાઈ પટેલ ને હું પણ ઈમેલ થકી જાણતો થયો હતો, જોકે બહુ સંપર્ક ના હતો પણ કોઈ કોઈ વાર તેમને મારા મોકલેલ ઈમેલની પહોંચ લખતા, બહુ સમયથી તેમણે કોઈ પહોંચ લખી ના હતી.

    તેઓ લાંબી આવરદા ભોગવીને અને સંપન્ન સ્થિતિમાં રહીને ગુજરાતી સાહિત્યની ખેવના કરતાં કરતાં લાંબી યાત્રાએ
    ૨૧ મી ડિસેમ્બર ૨૦૨૦ ના દિવસે નીકળી ગયા.

    તેમના આત્માને પરમશાંતિ મળો તેવી પાર્થના કરીએ.

    તમારો આભાર કે માહિતી આપી. તમારી સંભાળ લેતા રહેશો.

    લિ. પ્રભુલાલ ભારદિઆ

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: