વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

ચહેરો – વલીભાઈ મુસા

ભલે વિનોદ ભાઈનો ચહેરો હવે માત્ર ફોટાઓમાં જ દેખાવાનો હોય… આપણા સૌના મિત્ર વલીભાઈનું ‘ચહેરા દર્શન’ ગમી ગયું. એ અહીં રજૂ કરતાં પહેલાં….

વિનોદભાઈનો ચહેરો મને સ્વર્ગમાં પણ મલકાતો દેખાણો !

જગતના મોટા ભાગના ધર્મોમાંથી સર્વસામાન્ય એવું ખૂબ જ સાદું અને છતાંય ગહન એક સમીકરણ મળશે કે માનવી = આત્મા + શરીર. આમ આત્મા અને શરીરનું સહઅસ્તિત્વ જ માનવીના જીવનને શક્ય બનાવે છે. આત્મા જ મુખ્ય અને સંપૂર્ણત: મુખ્ય છે. આત્મા એ શરીરનો માલિક છે, જ્યારે શરીર એ તો તેનું ચાકર છે. બીજા શબ્દોમાં, આપણે શરીરને આત્માના સાધન તરીકે ઓળખાવી શકીએ અને એ સાધન થકી જ આત્મા પોતાના જીવનના ઉદ્દેશોને સિદ્ધ કરી શકે છે.

આત્મા અને શરીરને પોષણની જરૂર પડતી હોય છે. શ્રદ્ધા(ઈમાન) અને નૈતિક શિસ્ત એ આત્માના આહાર સમાન છે. તે જ પ્રમાણે, શરીરને પણ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાક, પાણી, હવા, આરોગ્યની કાળજી વગેરેની જરૂર પડતી હોય છે. આમ આત્મા અને શરીર બંને માટે સારી તંદુરસ્તી આવશ્યક બની જાય છે. માનવીએ એવા સજાગ રહેવું જોઈએ કે જેથી પોતાના આત્મા અને શરીર એમ ઉભય થકી પોતે બીમાર ન પડી જાય. જીવાતા જીવનમાં જો જરા પણ અસમતુલન આવી જાય તો માનવી પોતાના આત્મા અને શરીરના આરોગ્યની સમધારણ સ્થિતિને ગુમાવી બેસે છે અને એ બંનેના અધ:પતનને નિમંત્રે છે.

આત્મા અને શરીર સાથે સંબંધિત રોગો એકબીજાથી સાવ ભિન્ન છે. માનસિક અશાંતિ અને બૌદ્ધિક જટિલ ગ્રંથિઓ આત્માને બીમાર કરે છે, તો વળી ખોરાકની ટેવો અને તંદુરસ્તી પરત્વેની અજ્ઞાનતા શરીરને બીમાર કરે છે. આપણે આપણી જાતને આધ્યાત્મિકતાનાં ઊંચાં અને ઊંચાં શિખરો તરફ લઈ જવી હોય, તો આપણો આત્મા અને આપણું શરીર બંને સ્વસ્થ અને મજબૂત હોવાં જોઈશે. મનુષ્યજીવન અન્ય પ્રાણીઓના જીવન કરતાં શ્રેષ્ઠ છે. માનવી એ ઈશ્વરનું વિશિષ્ટ સર્જન છે અને તેણે તેના શિરે ઘણી જવાબદારીઓ નાખી છે કે જેમને તેણે ઉમદા કાર્યો અને સમર્પણની ભાવના સાથે પાર પાડવાની છે,

આમ ઈશ્વરની નજરમાં માનવીના જીવનનું એક મૂલ્ય છે. આ જીવનનો અર્થ એ નથી કે અન્ય પ્રાણીઓની જેમ આપણું મૃત્યુ ન આવે ત્યાં સુધી આપણે માત્ર જીવવું. ઈશ્વરે માણસને બૌદ્ધિક શક્તિ વડે મહા શક્તિશાળી બનાવ્યો છે. તેણે મનુષ્ય પાસે એવી અપેક્ષા રાખી છે કે તે પોતાના જીવનના અર્થ અને હેતુને સમજે. આધ્યાત્મિક ઉન્નતિ એ માનવજીવનનું પરમ લક્ષ છે. આધ્યત્મિક્તામાં ઈશ્વરને જાણવાની અને તેની નિકટતા પ્રાપ્ત કરવાની બાબતો સમાએલી છે. પરંતુ, ઈશ્વર સાથેની નિકટતાના સોપાનને સર કરવા માટેની નિસરણીનું પ્રથમ પગથિયું તો એ છે કે માનવી સૌથી પહેલાં પોતાની જાતને ઓળખી લે.

હવે, મારા સુજ્ઞ વાંચકોનું ધ્યાન ‘પ્રથમ પોતાની જાતને ઓળખવી અને પછી મહાન શક્તિશાળી ઈશ્વરને જાણવો’ એ બાબત ઉપર કેન્દ્રિત કરું છું. અહીં નીચે મારી એક ગુજરાતી ટૂંકી વાર્તા છે કે જેને તમે લલિત નિબંધમાં પણ વર્ગીકૃત કરી શકો છો. મારી વાર્તા ‘સહજ જ્ઞાન’ ની શૈલી તમને કદાચ રમુજી લાગશે, પણ તે વાર્તા તમને ચૂપચાપ તમારી કલ્પના બહાર તેના વિષયવસ્તુ અને તેના લક્ષની પરાકાષ્ઠાએ લઈ જશે. આ વાર્તાના વાંચન દરમિયાન તમને એવું લાગશે કે વાર્તાના અનામી પાત્રની સાથે ને સાથે તમે પણ એ આધ્યાત્મિક દુનિયામાં વિહરો છો.

હવે, આગળ વધો અને વાર્તાને માણો…..]

-વલીભાઈ મુસા

સહજ જ્ઞાન
ચહેરા ! માનવીઓના ચહેરા ! સાફસુથરા અને ખરડાયેલા ચહેરા ! નિખાલસ અને દંભી, નિર્દોષ અને ખૂની ચહેરા ! ત્યાગી અને ભોગી ચહેરા ! કરૂણાસભર અને લાગણીશૂન્ય ચહેરા ! સ્વમાની અને અભિમાની ચહેરા, વિવેકી અને ખુશામતિયા ચહેરા ! લટકતા ચહેરા, ટટ્ટાર ચહેરા ! લાલચુ અને દરિયાવદિલ ચહેરા ! વૃદ્ધ, યુવાન અને બાળકોના ચહેરા ! સ્ત્રીપુરુષના ચહેરા ! કાળા-ગોરા, રૂપાળા-કદરૂપા ચહેરા ! નેતાઓના ચહેરા, પ્રજાઓના ચહેરા ! ખેડૂત અને ખેતમજૂર, શેઠ અને ગુમાસ્તાઓના ચહેરા ! અભિનેતા-અભિનેત્રીઓના ચહેરા ! શીતળાના ડાઘવાળા ચહેરા ! ચીબાં કે ચપટાં નાકવાળા ચહેરા ! વિવિધરંગી આંખની કીકીઓ ધરાવતા ચહેરા ! અંધ ચહેરા ! પાતળા કે જાડા હોઠવાળા ચહેરા ! દાઢીધારી અને ક્લિનશેવ ચહેરા ! મૂછાળા ચહેરા ! પફપાવડરયુક્ત ચહેરા ! પરસેવાથી રેબઝેબ ચહેરા ! ચશ્માંધારી ચહેરા ! નાકકાન વીંધેલા ચહેરા ! અલંકૃત અને કુદરતી ચહેરા ! કપાળે રંગબેરંગી ચાંદલા અને કોરાં કપાળવાળા ચહેરા ! માતાઓ, પુત્રીઓ, ભગિનીઓ અને વનિતાઓના ચહેરા ! વિધવાઓના ચહેરા, વિધુરોના ચહેરા ! પિતા, પુત્ર, ભાઈ અને ભરથારોના ચહેરા ! સૌમ્ય અને રૂક્ષ ચહેરા ! હસતા-હસાવતા, રડતા-રડાવતા ચહેરા ! ગભરુ અને ડરપોક ચહેરા ! નીડર અને મક્કમ ચહેરા ! ચહેરા જ ચહેરા ! ચોતરફ, બસ ચહેરા જ ચહેરા ! ચહેરાઓનાં જંગલ, ચહેરાઓના મેળા, ચહેરાઓનાં પ્રદર્શન, ચહેરાઓનાં બજાર, ચહેરાઓનાં ખેતર, ચહેરાઓના પહાડ, ચહેરાઓના દરિયા, ચહેરાઓનું આકાશ ! અરે, ચહેરાઓનું બ્રહ્માંડ !

ચહેરાઓની ભીડમાં ભીંસાતો, લપાતો, ગુંગળાતો, ખીલતો, કરમાતો, બહુરૂપી-બહુરંગી મારો ચહેરો લઈને હું પણ ચહેરાઓની ભીડનો એક અંશ બનીને ભમી રહ્યો છું. મારી નજરે આવી ચઢતા એ ચહેરાઓને અવલોકું છું, વર્ગીકૃત કરું છું, પસંદ કરું છું, તિરસ્કૃત કરું છું, વારંવાર જોઉં છું, બીજી વખત જોવાથી ડરું છું !

હું દૃષ્ટા છું, ચહેરાઓ દૃશ્ય છે, મારાં ચક્ષુમાં દૃષ્ટિ છે. આસપાસના સઘળા ચહેરા મારાં ચક્ષુમાં ઝીલાય છે, છતાંય તેમની એક મર્યાદા છે ! મારાં ચક્ષુ મારા ચહેરાને જોઈ શકતાં નથી ! પરંતુ મારે મારો ચહેરો જોવો છે, મારે જાણવું છે કે કેવોક છે મારો ચહેરો ! મારે મારા ચહેરા વિષેનો અભિપ્રાય મેળવવો છે ! પણ સાચો અભિપ્રાય હું આપી શકીશ ? તાટસ્થ્ય જળવાશે ખરું ? હરગિજ નહિ ! તો પછી કોને પૂછું ? આયનાને પૂછું ? ના, કેમ કે તે પ્રતિબિંબ આપશે, અભિપ્રાય નહિ ! અભિપ્રાય તો મારે જ આપવાનો રહેશે. વળી એ પણ નિર્વિવાદ છે કે મારો અભિપ્રાય મને ભાવતો, મને ગમતો જ હશે ! મારે તો તટસ્થ અભિપ્રાય જોઈએ, સાચો અભિપ્રાય જોઈએ ! હું જાણવા માગું છું કે હું જે ચહેરો લઈને ફરું છું તે અસલી છે કે નકલી ? મારા મૂળભૂત ચહેરા ઉપર બીજા ચહેરાનું મહોરું પહેરીને તો હું નથી ફરી રહ્યો ! મૂળ ચહેરા ઉપર એક જ નવીન ચહેરો કે પછી એક ઉપર બીજો, ત્રીજો કે સંખ્યાબંધ ચહેરા છે ?

હું નીકળી પડું છું, મારા ચહેરા વિષેની પૂછતાછ કરવા ! સામે જે કોઈ આવે તેને પૂછતો જાઉં છું, નિ:સંકોચ પૂછી બેસું છું; મારી ડાગળી ચસકી ગયાની શંકા લોકો કરશે કે કેમ તેની પણ પરવા કર્યા સિવાય હું પૂછતો જાઉં છું.

પ્રારંભે હું મળ્યો, મારા ફેમિલી કેશકર્તકને ! જવાબ મળ્યો, મારી શૉપમાં આપ પ્રવેશો છો ત્યારે વધી ગએલી દાઢીના આવરણમાં આપનો ચહેરો મને સંપૂર્ણ દેખાતો નથી ! ત્યાર પછી તો વળી સાબુના ફીણમાં બધું જ ઢંકાઈ જાય છે ! અસ્ત્રાના બે હાથ ફરી ગયા પછી પણ મને આપનો ચહેરો દેખાતો નથી. મને તો માત્ર છૂટાછવાયા રહી ગયેલા વાળ માત્ર દેખાય છે ! મારું લક્ષ હોય છે – બસ; વાળ, વાળ અને વાળ ! માટે સાહેબ, આપના ચહેરા વિષે હું કશું જ કહી શકું નહિ ! સોરી ! તેણે ચાલાકીપૂર્વક મને હાથતાળી આપી દીધી ! પણ વળી છૂટા પડતાં તેણે મારા ઘરનું સરનામું બતાવી દેતાં મારા કાનમાં ફૂંક મારી, ‘સાહેબ, આડાઅવળા ભટકવા કરતાં ઘરવાળાંને પૂછી લો તો વધારે સારું, કારણ કે તમારે તેમનો સહવાસ વધારે !’

હું ઝડપથી ઘર તરફ રવાના થયો અને પ્રથમ ઘરવાળી અને પછી ઘરવાળાંને પૂછ્યું. બધાંએ જાણે કે સર્વાનુમતે ઠરાવ પસાર કરી દીધો હોય તેમ જવાબ વાળી દીધો, ‘તમારો ચહેરો ? સુંદર, અતિ સુંદર !’ મને તેમના અભિપ્રાયમાં નર્યા પક્ષપાતની ગંધ આવી.

તાબડતોબ હું ઘરેથી નીકળ્યો. મિત્રો પાસે ફરી વળ્યો. વિવિધ અભિપ્રાયો મળ્યા : ‘વેદિયો, ચિબાવલો, ચીકણો, રૂપાળો, એરંડિયું પીધેલો, છેલબટાઉ, વરણાગિયો, રમતિયાળ, ગંભીર, ચોખલિયો, ઉતાવળિયો, બળતરિયો, લોભિયો, ધૂતારો, સત્યવાદી, શેતાની, ગધેડા-પાડા-કાગડા જેવો, ભોળિયો, ડફોળ, માયકાંગલો, આખાબોલો, ખુશામતિયો, બોચો, સુંવાળો, ખંતીલો, એદી, હરામી, ડંફાસિયો !’ મિત્રોએ મને ગૂંચવી નાખ્યો, મને હતાશ કર્યો. દુશ્મનોને પૂછી લેવાનું વિચાર્યું, પણ તેમની કરડી આંખો નજર સમક્ષ આવી જતાં મુલતવી રાખ્યું, અનામત રાખ્યું ! નાછૂટકે છેલ્લે પૂછવાનું રાખી હું આગળ વધ્યો.

પહાડોને પૂછ્યું, ‘મારો ચહેરો કેવોક છે ?’ જવાબમાં મારા પ્રશ્નના પડઘા મળ્યા. નદીને પૂછ્યું : કલકલ અવાજમાં મારા પ્રશ્નને તેણે હસી કાઢ્યો. દરિયાને પૂછ્યું : તેના ઘૂઘવાટમાં મારો પ્રશ્ન ડૂબી ગયો. વૃક્ષોને પૂછ્યું : ડાળીઓ હલાવીને ‘જવાબ નથી’નો સંકેત આપ્યો. કૂતરાની ટપકતી લાળને, મતલોલૂપ ચૂંટણીના ઉમેદવારોની આંખોને, રેલપાટાની ફિશપ્લેટોને, ટિક ટ્વેન્ટીની શીશીને, મદિરાને, ગેસના બાટલાઓને, રેશનીંગ કાર્ડને, કચરાના ડબ્બાને, બીડીઓનાં ઠૂંઠાંઓને, તમાકુ ઘસેલા રખડતા પોલિથીન ટુકડાઓને, ઘોડાઓના હણહણાટને, આકાશને, હૉટલના એંઠવાડને, રેલવે પ્લેટફોર્મની ગંદકીને, ડૉક્ટરોના સ્ટેથોસ્કૉપને, ઉકરડાઓને, ગટરનાં ઢાંકણાંઓને, બાગબગીચાઓને, રંગબેરંગી ફૂલોને, ફુવારાઓને, ભિખારીઓની આજીજીને; જે સામે આવ્યું તેમને પૂછતો જ ગયો. મારો એક જ પ્રશ્ન હતો, ‘મારો ચહેરો કેવો છે ?’ બધાંએ કાં તો જવાબ આપવાનું ટાળ્યું અથવા ગમે તેવાં વિશેષણોથી મારા ચહેરાને કાં તો નવાજ્યો અથવા વખોડ્યો. હું પૃથ્વી ફરી વળ્યો. જડ અને ચેતનને પૂછી લીધું. મને ક્યાંયથી મારા ચહેરા વિષેનો વ્યવસ્થિત જવાબ ન મળ્યો.

હું હાર્યો, થાક્યો, કંટાળ્યો. પથારીમાં આડો પડ્યો. મેં આંખો બંધ કરીને અંતરના ઊંડાણમાં ડોકિયું કર્યું, પછી અંતરમાં ઊતર્યો, ઊંડો ને ઊંડો ઊતરતો ગયો. બાહ્ય જગત દેખાતું બંધ થયું, આંતરજગત ખૂલ્લું થતું ગયું. દૂરદૂર સુધી મને દિવ્ય આકાશ દેખાવા માંડ્યું. પછી તો મને પાંખો ફૂટી. હું ઊડવા માંડ્યો. ચહુદિશ મારું ઉડ્ડયન થતું રહ્યું. મને કોઈ દિવ્ય આનંદની અનુભૂતિ થઈ રહી હતી. મને સ્વૈરવિહાર કરવાની ખૂબ મજા પડી. મજાની વાત તો એ હતી કે મને પાંખો હલાવતાં જરાય પરિશ્રમ પડતો ન હતો. સહેજ પાંખો હલાવું અને સ્થિર કરું તેટલામાં તો અસંખ્ય જોજનોનું અંતર કપાતું હતું. અકલ્પ્ય અને અનંત આનંદ લૂટતાં કેટલાય સમય સુધી મારો સ્વૈરવિહાર ચાલુ રહ્યો.

ત્યાં તો દૂર-સુદૂર મેં એક વિરાટ વૃક્ષ જોયું – દિવ્ય વૃક્ષ જોયું ! દિવ્ય પ્રકાશથી ઝળહળતું અદભુત વૃક્ષ ! જોજનો સુધી ફેલાયેલી પ્રકાશમય ડાળીઓ ! તેના ઉપર તેજોમય પર્ણ અને ફૂલ ! હું લલચાયો. થાક્યો ન હતો, વિસામાની જરૂર ન હતી; છતાંય આનંદ લૂંટવા એક ડાળીએ બેઠો. હું મંદગતિએ ડાળીએ ઝૂલવા માંડ્યો. કોઈ પક્ષીનું પીછું ખરે, તેમ મારામાંથી કંઈક ખરતું – કંઈક છૂટું પડતું હું અનુભવવા માંડ્યો. સાપ કાંચળી ઊતારે તેમ મારા દેહમાંથી બીજો દેહ વિખૂટો પડવા માંડ્યો. મારી જ પ્રતિકૃતિ સમી એ આકૃતિ દિવ્ય તેજ ધરાવતી હતી. તેણે વિરાટ ધવલ વૃક્ષની પ્રદક્ષિણા કરીને મારી સામેની ડાળીએ આસન જમાવ્યું. હું રોમાંચ અનુભવવા માંડ્યો. દિવ્ય જ્યોતિસ્વરૂપ તેના ચહેરા ઉપર દિવ્ય સ્મિત, આંખોમાં દિવ્ય પ્રકાશ, ધવલ દાંત, ઘેરા ધવલ હોઠ, તેજસ્વી કપોલ પ્રદેશ ! અદભુત કૃતિ ! અદભુત આકૃતિ ! અદભુત મારી પ્રતિકૃતિ ! અમારી વચ્ચે વાર્તાલાપ શરૂ થયો :

મેં પૂછ્યું, ‘તું કોણ છે ?’

‘પૂછવાની જરૂર ખરી !’ જવાબ મળ્યો.

‘તોયે !’

‘હું તારું સૂક્ષ્મ સ્વરૂપ અને તું છે મારા ઉપરનું આવરણ ! તું નાશવંત, હું અમર ! છતાંય પરમ જ્યોતિરૂપ ઈશ્વરમાં વિલીન થઈ જવાની શક્યતા ખરી ! મારો નાશ તો નહિ જ ! માત્ર ભળી જવું ! તેને મોક્ષ, મુક્તિ, ઉદ્ધાર, સિદ્ધિ ગમે તે નામ આપ !’

‘મતલબ કે ‘તું’ એ ‘હું’ જ છું ! તો મારા ‘હું’ને કેવી રીતે છૂટો પાડી શકાય ?’

‘વળી પાછી ભૂલ ! એમ કહે કે ‘સૂક્ષ્મ ‘હું’થી સ્થૂળ ‘હું’ કઈ રીતે છૂટો પડે ? સહેલો સિદ્ધાંત બતાવું ?’

‘હા’

‘એ છે શેષ સિદ્ધાંત, બાદબાકીનો સિદ્ધાંત, છેદ સિદ્ધાંત !’

‘એ વળી શું ?’

‘તારા નાશવંત શરીરના એક એક અંગને બાદ કરતો જા, તારાથી દૂર કરતો જા ! એટલે સુધી કે તારા બાહ્ય શરીરને સંપૂર્ણપણે ફેંકી દે ! છેલ્લે વધે તે ‘હું’ કે જે હાલ તારી સામે મોજૂદ છે !’

‘મેં મારા જગતના તમામ ધર્મોના સર્વસારરૂપ એક વાત જાણી છે કે આપણો ઈશ્વર દિવ્ય પ્રકાશરૂપ છે, જેને કોઈ જ્યોતિરૂપે કે નૂરસ્વરૂપે ઓળખાવે છે ! મને ‘તું’માં દેખાતા ‘હું’માં ઈશ્વરીય દિવ્ય પ્રકાશની પ્રતીતિ થાય છે, તો પછી ‘હું’ ઈશ્વર તો નથી ?’

‘ના હરગિજ નહિ, કેમ કે તારા જેવાં અનંત જડ અને ચેતન પોતપોતાનાં આવાં સૂક્ષ્મ સ્વરૂપો ધરાવે છે ! પછી તો ઘણા ઈશ્વર થઈ જાય ! પણ, ઈશ્વર તો એક જ છે. તે નિરંજન છે, નિરાકાર છે ! આમ તું તો ઈશ્વરનો અંશમાત્ર છે. તે અખંડ છે, તું ખંડ છે; ખંડ કદીય સમગ્રની બરાબર થઈ શકે નહિ ! તારા દુન્યવી ભૂમિતિશાસ્ત્રમાં પણ આ સિદ્ધાંત વડે કેટલીક આકૃતિઓના પ્રમેયો સિદ્ધ કરવામાં આવે છે. તારું અસ્તિત્વ નહિવત્ છે; વિરાટ સમદરના ટીપા સમાન, વિરાટ વૃક્ષના પર્ણ સમાન કે પછી દિવ્ય પ્રકાશના એક કિરણ સમાન તું છે. ખાબોચિયું સમુદ્રતોલે ન આવી શકે. પાણીનું બંધારણ સમાન હોવા છતાં ‘બિંદુ’ એ બિંદુ છે અને ‘સિંધુ’ એ સિંધુ છે.’

‘અમારી વચ્ચે બીજો કોઈ ફરક ખરો ?’

‘હા, તું અનંત સર્જનો પૈકીનું એક સર્જન, જ્યારે તે એટલે કે ‘ઈશ્વર’ સર્જક !’

‘એક વધુ પ્રશ્ન પૂછું કે તે જો બધું જ સર્જી શકે તો પછી પોતાના જેવો સર્વશક્તિમાન બીજો ઈશ્વર સર્જી શકે ખરો ?’

‘હા’

‘તો પછી મારે કોને ભજવો ?’

‘સર્જકને જ તો વળી ! ખેર, રહેવા દે. આ બધી ગહન વાતો છે. તું તારા ચહેરાના પ્રશ્ન ઉપર આવી જા. મારા ચહેરા સામે તેં જોયું ? આ જ તારો અસલી ચહેરો છે, તારા સૂક્ષ્મ સ્વરૂપનો ચહેરો ! તારા સ્થૂળ દેહના ચહેરા ઉપર તું અનેક મહોરાં બદલતો જાય છે, બદલી શકે છે; કારણ કે તું સત્યથી દૂર ભાગ્યો છે !’

“તારો ‘સત્ય’ શબ્દ સાંભળીને મને એક વળી બીજો પ્રશ્ન યાદ આવે છે. ધર્મશાસ્ત્રોમાં, સત્ય એ જ ઈશ્વર છે તે મને કઈ રીતે સમજાવીશ ?”

“અહીં તારી ભૂલ થાય છે. ‘સત્ય’ એ તો અનેક ગુણો કે વિશેષણો પૈકીનો એક શબ્દ છે. ‘સત્ય’ને ઈશ્વર તરીકે પ્રસ્થાપિત કરવા કરતાં એમ કહેવું વધુ ઇષ્ટ રહેશે કે ઈશ્વર સત્ય છે; માત્ર ‘સત્ય’ જ નહિ, ‘પરમ સત્ય’ છે. આમ છતાંય સાવ સહેલી રીતે એ બંનેની એકરૂપતા તને સમજાવું. ઈશ્વર એક જ છે અને કોઈપણ પ્રશ્નનો સત્ય ઉત્તર એક જ હોય છે, અસત્ય ઉત્તરો અનેક હોઈ શકે. ‘તારા બંને હાથનાં આંગળાં કેટલાં’નો સત્ય જવાબ એક જ છે; પણ તેના અસત્ય જવાબો ‘દસ’ સિવાયની અગણિત સંખ્યાઓ હોઈ શકે. આમ ઈશ્વરને અને સત્યને એકત્વનો ગુણ લાગુ પડે છે, માટે આ ગુણથી ઉભય એકરૂપ છે.”

‘તારી પાસેથી દિવ્ય જ્ઞાન લાધ્યું !’

“એ તારી ભ્રમણા છે. આપણા વચ્ચેની આટલી વાતચીતમાં દિવ્ય જ્ઞાનનો સૂક્ષ્માતિસૂક્ષ્મ અંશ પણ નથી. એને તું ‘સહજ જ્ઞાન’ કહી શકે ! ખેર, આપણી વચ્ચે ભવિષ્યે પણ ઘણીબધી વાતો થતી રહેશે. જ્યારેજ્યારે તું આંતરદર્શન કરશે, ત્યારેત્યારે તારી સમક્ષ હાજર થતો રહીશ. એક જ મુલાકાતે સઘળું જ્ઞાન પ્રાપ્ત ન થઈ શકે ! હવે, મૂળ વાત તારા ચહેરા વિષેની ! તેં તારો અસલી ચહેરો હોઈ લીધો, જાણી લીધો ? એ ભૂલીશ નહિ કે તું દિવ્ય ચહેરો ધરાવે છે ! આ ચહેરાનું પ્રતિબિંબ તને તારા અંતરના અરીસામાં જોવા મળશે ! જે ‘હું’ને જાણી શકે, તેના માટે જ પરમ સત્યરૂપ ઈશ્વરને જાણવા માટેનાં દ્વાર ખુલી શકે ! છેલ્લે એક વાત અન્યના ચહેરાઓ વિષે કે જે તને ચિત્રવિચિત્ર લાગતા હતા, હવે તને બદલાયેલા લાગશે. કેવા લાગશે તે હું નહિ કહું ! એની અનુભૂતિ તું જાતે જ કરી લેજે.’

મારામાંથી છૂટો પડેલો ‘હું’ ફરી મારામાં પ્રવેશવા માંડ્યો. હું બેમાંથી એક થઈને જાગ્યો. ઊઠ્યો. શું એ દિવાસ્વપ્ન હતું કે પછી તંદ્રાવસ્થા યા સહજ જ્ઞાન ! અરીસામાં જોયું. મારા દિવ્ય ચહેરાનાં મને દર્શન થયાં. હું મારી રોજિંદી પ્રવૃત્તિઓમાં ગોઠવાયો. સામે આવતાજતા અન્ય ચહેરાઓ પણ મને દિવ્ય લાગવા માંડ્યા. મને દિવ્ય દૃષ્ટિની જડીબુટ્ટી હાથ લાગી ગઈ હતી. મને સઘળું દિવ્ય, સુંદર, અતિ સુંદર દેખાવા માંડ્યું ! અંતરમાં એક સૂત્ર સ્ફૂર્યું ! પણ ના, એને સૂત્ર કહીશ તો તે શુષ્ક લાગશે ! એને મંત્ર જ કહીશ ! હા, તે જ ઉચિત ગણાશે. તો એ મંત્ર છે : ‘દિવ્ય જો દૃષ્ટિ, તો દિવ્ય સૃષ્ટિ !’

– વલીભાઈ મુસા

3 responses to “ચહેરો – વલીભાઈ મુસા

  1. nabhakashdeep ડિસેમ્બર 25, 2020 પર 8:51 એ એમ (AM)

    Reblogged this on આકાશદીપ and commented:
    મનન ,ચીંતન એજ જીવન અને એની પેલેપાર- સાભાર
    સંકલન-

    Like

  2. Anila patel ડિસેમ્બર 26, 2020 પર 1:23 એ એમ (AM)

    ચહેરાઓના પ્રકાર , એનું ચિંતન, ચિંતનથી મનન અને મન નથી આત્માને તરફની ઊર્ધ્વ વિચારમાં ના બહુ ગહન એક ૠષિના દર્શન થયા.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: