સીક્કાની બીજી બાજુ…વાર્તા ….–આશા વીરેન્દ્ર
વસુન્ધરા હજી પંદરેક દીવસ પહેલાં જ આ સોસાયટીમાં રહેવા આવી હતી. લગ્ન નહોતાં કર્યાં અને માતા–પીતા ગામમાં રહેતાં હતાં એટલે તદ્દન એકલી. સવારથી નોકરી પર જવા નીકળી જાય તે છેક રાતે પાછી આવે. એટલે હજી સુધી આડોશપાડોશમાં કોઈને ઓળખતી નહોતી.
લીફ્ટમાં ઉપર ચડતી વખતે સાથે થઈ ગયેલી નાનકડી છોકરીને એણે ધ્યાનથી જોઈ. દુબળું–પાતળું શરીર, એના માપ કરતાં થોડું મોટું ફ્રોક અને હાથમાં પકડેલી થેલીમાં થોડાં શાકભાજી.
‘શું નામ તારું?
‘મંગા’ છોકરીએ કંઈક સંકોચ સાથે જવાબ આપ્યો.
‘ઘરકામ કરે છે?’ માત્ર ડોકું ધુણાવી તેણે હા પાડી.
કોના ઘરે?’
‘૪૦૨માં દાદા રહે છે એમના ઘરે. ત્યાં જ રહું છું, દીવસ–રાત.’
વસુન્ધરાના મગજ પર બાળમજુરી નાબુદીની ધુન બરાબર સવાર હતી. કોઈ છોકરાને ચાની લારી પર કપ–રકાબી ધોતાં જુએ કે હૉટલમાં ટેબલ સાફ કરતાં જુએ તો, એની આંતરડી કકળી ઉઠતી. હસવા–રમવાની ઉમ્મરે અને ભણવાની ઉમ્મરે ફુલ જેવાં બાળકોએ આવાં કામ શા માટે કરવાં પડે? એમને આમાંથી મુક્ત કરાવવાં જ જોઈએ. અત્યાર સુધીમાં કેટલાયે માલીકોની વીરુદ્ધ ફરીયાદ કરીને એણે આવાં બાળકોનાં કામ છોડાવેલાં. આ નવા ઘરમાં આવીનેય મંગાની નોકરી છોડાવીને એણે પોતાના મીશનનાં શ્રીગણેશ કરી દીધાં.
રવીવારની સવારે આરામથી દસેક વાગ્યે નહાવા જવાનો વીચાર કરતી હતી ત્યાં દરવાજાની ઘંટડી વાગી.
‘તમે જ મીસ વસુન્ધરા?’ સફેદ કફની–પાયજામામાં પ્રભાવશાળી દેખાતા વયસ્ક પુરુષે પુછ્યું.
‘જી, આવોને અન્દર…’
‘ના, ઉભા ઉભા જ બે વાત કરીને રજા લઈશ.’ બોલવાની ઢબ પરથી તેઓ શાલીન હોવાની છાપ પડતી હતી. ‘હું ૪૦૨ નંબરમાં એકલો રહું છું. મારું નામ વીનાયક રાવ. ૮૪ વરસની ઉમ્મર થઈ છે અને સાવ એકલો રહું છું. હાથપગ ચાલે છે અને એકલો હરીફરી શકું છું; પણ હવે થાકી જાઉં છું. મારે તમને પુછવું છે કે આ ઉમ્મરની વ્યક્તીને કોઈના સહારાની જરુર હોય કે નહીં?’
શો જવાબ આપવો તે વસુન્ધરાને સમજાયું નહીં. એ કંઈક મુંઝાયેલી હતી ત્યાં મી. રાવે આગળ ચલાવ્યું :
‘હું મંગાનું શોષણ કરું છું એવી ફરીયાદ કરીને તમે એની નોકરી છોડાવી એથી તમને આનન્દ થયો હશે, ખરું ને? હું માનું છું કે આપણામાંના દરેકે, એક સારા નાગરીક તરીકેની પોતાની ફરજ બજાવવી જ જોઈએ; પણ એક વડીલ તરીકે શીખામણના બે શબ્દો તમને કહી શકું?’
‘જી, જરુર.’ વસુન્ધરાએ કંઈક થોથવાતાં કહ્યું.
‘જુઓ બહેન, સીક્કાની હમ્મેશાં બે બાજુ હોય છે. ફક્ત એક જ બાજુ જોઈને કોઈ નીર્ણય કરીએ, કોઈ પગલું ભરીએ, તો ક્યારેક પસ્તાવાનો વખત આવે. બસ, આથી વધુ મારે કંઈ નથી કહેવું અને વધારે બોલતાં થાકી પણ જાઉં છું.’
એમના ગયા પછી વસુન્ધરાનો જીવ બળવા લાગ્યો. શું પોતાનાથી કંઈ ખોટું થઈ ગયું હતું? ઉતાવળીયું પગલું ભરાઈ ગયું હતું? નોકરીની ભાગદોડમાં પછી તો વાત લગભગ ભુલાવા આવી હતી. કૉલેજમાં ભણતી મીરાં અને છઠ્ઠે માળે રહેતાં સંધ્યાબહેન સાથે ‘કેમ છો?’ પુછવા જેટલો સમ્બન્ધ પણ બંધાયો હતો.
એક સાંજે હજી તો ઓફીસથી આવી જ હતી ત્યાં સંધ્યાબહેન ઉતાવળે આવ્યાં.
‘વસુન્ધરા, ખબર પડી? ૪૦૨ નંબરવાળાં રાવ અંકલ બપોરે ખુરસીમાં બેઠાં બેઠાં ચા પીતા હતા, જોરમાં ઉધરસ આવી ને ખલાસ ! કેવું સુન્દર મોત !’ સંધ્યાબહેન અને વસુન્ધરા દર્શન કરવા ગયાં ત્યારે એમના મીત્રો અને સોસાયટીના લોકોથી ઘર ભરેલું હતું. જુદા જુદા લોકો પાસેથી કેટલીયે અજાણી વાતો કાને પડતી હતી.
‘એજ્યુકેશન ડીપાર્ટમેન્ટમાં ઉચ્ચ અધીકારી હતા. પર્યાવરણ માટે, પાણીની સમસ્યા માટે, દેશના અર્થતંત્ર માટે – કેટકેટલા વીષયો પર કામ કર્યું ! કાયમ ગરીબ–યુવા, જરુરીયાતમન્દોને પડખે ઉભા રહ્યા. અમેરીકા રહેતા બન્ને પુત્રોના આગ્રહ છતાં પત્નીના મૃત્યુ પછી સ્વદેશમાં રહેવું જ પસંદ કર્યું.’
બીજે દીવસે સવારે એમનો મૃતદેહ નીચે લાવવામાં આવ્યો. વસુન્ધરાની જાણ બહાર જ એની આંખોમાંથી નીકળેલાં એનાં આંસુ ગાલ પર રેલાતાં હતાં. ત્યાં જ એક બાઈ હાથમાં હાર લઈને આવી. એ રડતી જતી હતી અને બોલતી જતી હતી :
‘મારે માટે તો દાદા દેવતા સમાન હતા. મારો વર તો એક્સીડન્ટમાં મરી ગયો. આજે હું ને મારાં છોકરાંઓ જીવતાં છીએ તે દાદાને લીધે.’ થીંગડાંવાળા સાડલાથી આંખો લુંછતાં એણે કહ્યું, ‘મારી મોટી મંગાને એમની પાસે રાખીને દાદાએ મોટી મહેરબાની કરી. એનું ખાવા–પીવાનું, કપડાં–લત્તા, સારા સંસ્કાર આપવાનું બધું દાદાએ કર્યું. કોઈ બાઈએ આવા સન્ત જેવા માણસ સામે ફરીયાદ કરી મંગાની નોકરી છાડાવી; તોય ઘરે બેઠા એ આખો પગાર આપી જતા. હવે કોણ અમારો હાથ પકડશે ?’
વસુન્ધરાને ખ્યાલ આવ્યો, ઓહ! આ તો મંગાની મા! એની પાછળ ઉભી રહીને મંગા પણ હીબકાં ભરતી હતી. એણે નજીક જઈને સ્ત્રીને ખભે હાથ મુકી કહ્યું :
‘કાલથી મંગાને મારા ઘરે મોકલજે. જે રીતે દાદા રાખતા હતા એમ જ હું એને રાખીશ, ભણાવીશ પણ ખરી. ના ન કહીશ બહેન. આ ગુનેગારને એની ભુલનું પ્રાયશ્ચીત્ત કરવાનો મોકો આપજે.’
મંગાને હાથે માથ ફેરવતાં એણે પુછ્યું, ‘આ દીદીને ઘરે આવીશ ને, મંગા? મંગાએ આંસુ લુછતાં ‘હા’ પાડી.
–આશા વીરેન્દ્ર
(‘શ્રી. આદુરી સીતારામ મુર્તી’ની ‘તેલુગુ’ વાર્તાને આધારે..
તા. 16 માર્ચ, 2018ના ‘ભુમીપુત્ર’ પાક્ષીકમાં છેલ્લે પાને પ્રકાશીત થયેલી વાર્તા).
સર્જક–સમ્પર્ક :
આશા વીરેન્દ્ર,
બી–401, ‘દેવદર્શન’, પાણીની ટાંકી પાસે, હાલર,વલસાડ– 396 001
ફોન : 02632-251 719 મોબાઈલ : 94285 41137 ઈ–મેઈલ : avs_50@yahoo.com
♦●♦
સૌજન્ય …શ્રી ઉત્તમ ગજ્જર
સન્ડે ઈ.મહેફિલ માંથી સાભાર
વર્ષઃ ચૌદમું – અંકઃ 414 –November 25, 2018
‘ઉંઝાજોડણી’માં અક્ષરાંકનઃ ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com
વાચકોના પ્રતિભાવ