વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Category Archives: ઈ-બુકો

1197 – ” નિવૃત્ત થયા પછી ” સીનીયરો માટે ઉપયોગી ઈ-બુક

સીનીયરો માટે ઉપયોગી ઈ-બુક ” નિવૃત્ત થયા પછી ”..

નિવૃત થયા એટલે કમાવા માટેની રોજ બ રોજની પ્રવૃતિઓ અને વૃત્તિઓ લગભગ નહીવત થઇ જાય છે.મન ગમતી પ્રવૃત્તિમાં મન પરોવી ઘણું ઉપયોગી કામ આ સમયે થઇ શકે છે.એ કરવા માટે સમયની મૂડી હાથવગી હોય છે.

નેટ જગતમાં જાણીતા સાહિત્યકાર મિત્ર શ્રી. વિજય શાહના સંકલનથી બનાવેલ ૬૦+ના નિવૃત વયસ્કોએ ખાસ વાંચવા જેવી ઈ-બુક ” નિવૃત્ત થયા પછી ”માં સીનીયરો માટે ઉપયોગી વાચન સામગ્રી  મળી રહેશે.

સાભાર ..શ્રી  વિજય શાહ ….(રી-બ્લોગ માટે આભાર ..શ્રી સુરેશ જાની )

વિનોદ પટેલ

સૂરસાધના

     ૨૦૦૦ પહેલાં આવો પોતીકો બ્લોગ હશે, એવો સ્વપ્નમાં પણ ખ્યાલ ન હતો. નિવૃત્ત થયા પછી ‘અમદાવાદના મારા ફ્લેટની નજીક આવેલા શરદ મહેતા પાર્ટી પ્લોટની બાજુના મ્યુનિ. બગીચામાં સમવયસ્કો સાથે બાંકડા પર બેસીને ગપસપ કરીશ.’ – એવો ધૂંધળો ખ્યાલ  હતો.

પણ નિયતિનો કાંઈક અલગ જ પ્લાન હતો!’

     ૧૭ વર્ષ વીતી ગયાં અને જીવન  એ મૂળ ધારણા કરતાં અનેક ગણું સભર બની ગયું. વતન ઝૂરાપાના રોદણાના સ્થાને ‘ કેટલું બધું કરવું છે, પણ સમય ઓછો પડે છે.’– એ માહોલનો સુભગ હાલ છે !

   આવી મારી એકલાની નિયતિ નથી. ઘણા બધા ૬૦+ વયસ્કો એ ‘હાલ’માં હાલ મશગૂલ બનીને મ્હાલે છે.

એનો એક સરસ ચિતાર નેટ મિત્ર શ્રી . વિજય શાહના સંકલનથી બનાવેલ ઈ-બુકમાં છે.  આ રહી એ …

Nivrutt

આ મુખ પૃષ્ઠ પર ક્લિક કરી એ ઈ-બુક માણો

View original post

( 1041 ) હાસ્ય લેખક શ્રી હરનીશ જાનીની 76 મા જન્મ દિવસની ભેટ …”સુધન” ઈ-પુસ્તક

જિંદગીને જીવવાની ફિલસુફી સમજી લીધી,
જે ખુશી આવી જીવનમાં, આખરી સમજી લીધી.
-મરીઝ સાહેબ

ગુજરાતી સાહિત્યમાં જાણીતા હાસ્ય લેખક ન્યુ જર્સી નિવાસી શ્રી હરનીશ જાનીના હાસ્ય લેખ સંગ્રહનાં જે બે પુસ્તકો પ્રિન્ટ મીડિયામાં પ્રકાશિત થયાં એ ખુબ જ પ્રચલિત છે.એમનો પહેલો વાર્તા સંગ્રહ “સુધન” (સુધન એમના પિતાજીનું નામ ) ને સાહિત્ય એકેડેમીનું બીજું ઈનામ મળ્યું. ત્યારબાદ એમનાં બા ના નામ ઉપરથી “સુશીલા” નામે હાસ્ય નિબંધ સંગ્રહ બહાર પડ્યો જેને સાહિત્ય એકેડેમીનું શ્રેષ્ઠ હાસ્ય પુસ્તકનું પ્રથમ ઈનામ અને સાહિત્ય પરિષદનું જ્યોતીન્દ્ર દવે પારિતોષીક મળ્યાં છે.

હરનીશભાઈના એવોર્ડ વિજેતા પ્રથમ પુસ્તક ” સુધન” વિષે ” સુરત નિવાસી સાહિત્ય પ્રેમી મિત્ર શ્રી ઉત્તમભાઈ ગજ્જરે હરનીશભાઈના પ્રસંશકોને ખુશ કરે એવા સમાચાર ફેસ બુક દીવાલ ઉપર મુક્યા છે જે નીચે મુજબ છે:

તેઓ જણાવે છે :

ભાઈ હરનીશભાઈ નો પ્રથમ ‘હાસ્યવાર્તાઓ’નો સંગ્રહ તો છેક 2003માં પ્રકાશીત થયેલો .. પ્રકાશક હતાં : સુનીતા ચૌધરી, રંગદ્વાર પ્રકાશન અને મુદ્રક હતા જાણીતા ‘ચંદ્રીકા પ્રીન્ટરી’.

આજે લાંબા સમયથી એ પુસ્તક લગભગ અપ્રાપ્ય અવસ્થામાં હતું .. એની ઈ.બુક બનાવવાનું સુઝ્યું ને અનેકોના સહકારથી તે બની..

આજે તા. 05-04-2017નો રામનવમીનો દીવસ એ હરનીશભાઈનો જન્મદીવસ છે.તે ટાણે આ ઈ.બુક આપ સૌ રસજ્ઞોને ભેટ ધરતાં બહુ આનંદ થાય છે.

કોઈ પણ પાનું ખોલો, કોઈ પણ (હાસ્ય)વાર્તા વાંચવી શરુ કરો, ને તે પુરી વાંચ્યા વીના તમે ન રહી શકો તેની ખાતરી..વધારે વીગતો તો આ ઈ.બુકમાં જ છે.

આ ઈ.બુક હૃદયસ્થ રતીલાલ ચંદરયા કૃત વિશ્વપ્રસીદ્ધ વેબસાઈટ ગુજરાતી લેક્ક્ષિકોન પર મુકાઈ છે.સુજ્ઞ વાચકો ઈચ્છે ત્યારે નીચેની લીંક

http://www.gujaratilexicon.com/ebooks/category/3/humour-

પરથી તેની પીડીએફ અને ઈ.પબ બન્ને ડાઉનલોડ કરી શકશે..
સૌનો ખુબ આભાર..વીશ યુ હેપી રીડીંગ..

− ઉત્તમ ગજ્જર

વિનોદ વિહારના વાચકો ” સુધન -ઈ બુક “ના નીચેના ચિત્ર ઉપર ક્લિક કરીને આ અપ્રાપ્ય પુસ્તકના બધા જ લેખો વાંચી શકશે.

સહૃદયી હરનીશભાઈની ૭૬ મી વર્ષ ગાંઠ નિમિત્તે વાચકોને એમના હાસ્ય લેખોનું આ ઈ-પુસ્તક વિના મુલ્ય પ્રાપ્ય કરાવવા માટે લેખકનો અને ગુજરાતી લેક્ષિકોન વતી શ્રી ઉત્તમભાઈ ગજ્જરનો ખુબ આભાર .

        Shri Harnish Jani with family

શ્રી હરનીશભાઈ ને એમની ૭૬ મા જન્મ દિવસ માટે અભિનંદન.પ્રભુ એમને આરોગ્યમય દીર્ઘાયુ બક્ષે અને ગુજરાતી સાહિત્યને એમના લેખોથી સમૃદ્ધ કરતા રહે એવી હાર્દિક શુભેચ્છાઓ .

સુરતના અખબાર ‘ગુજરાતમીત્ર’ દૈનીકની બુધવારીય પુર્તી ‘દર્પણ’માં ન્યુ હરનીશ જાનીની કૉલમ ‘ફીર ભી દીલ હૈ હીન્દુસ્તાની’માં દર બુધવારે એમના હાસ્ય લેખો નિયમિત પ્રગટ થતા રહે છે.

મને ગમેલા એમના ઘણા હાસ્ય લેખો અને “ફેર ભી દિલ હૈ હિન્દુસ્તાની “કોલમના ગમેલા લેખો અગાઉ વિનોદ વિહારમાં પોસ્ટ કરવામાં આવ્યા છે.

આ બધા લેખો આ લીંક પર ક્લિક કરીને વાંચી શકાશે.

હરનીશભાઈ નો સંપર્ક
Harnish Jani
4, Pleasant Drive, Yardville, NJ08620
Email harnishjani5@gmail.com.
Phone 609-585-0861

( 1028 ) પી.કે.દાવડાના જન્મ દિવસની કેક – ગીતા સંદેશ (સંક્ષિપ્તમાં)

ફ્રીમોન્ટ, કેલીફોર્નિયા ( બે એરિયા ) નિવાસી મિત્ર શ્રી પી.કે.દાવડા જ્યારે એમના જીવનના ૮૧ વર્ષ પૂરાં કરીને ૮૨મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે એ પ્રસંગે એમને અભિનંદન અને તંદુરસ્તી ભર્યા દીર્ઘ જીવનની હાર્દિક શુભેચ્છાઓ .

જન્મ દિવસની પૌષ્ટિક કેક 

૮૧ ના આંકડાને ઉલટાવીએ એટલે ૧૮ નો આંકડો બને છે. શ્રીમદ ભગવદ ગીતાના અધ્યાય પણ ૧૮ છે.શ્રી પી.કે.દાવડાજી એ એમના જન્મ દિવસના એમના ઈ-મેલમાં ગીતાના ૧૮ અધ્યાયનો સંક્ષીપ્ત સાર લખી મોકલ્યો છે એને એમના આભાર સાથે નીચે પ્રસ્તુત છે. 

શ્રી પી.કે.દાવડા નો  જન્મ દિવસનો ગીતા સંદેશ (સંક્ષિપ્તમાં) 

(આ લેખમાં ગીતાને માત્ર ધાર્મિક પુસ્તક તરીકે ન ગણતાં, એક માનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્રના ગ્રંથ તરીકે અપનાવીને, મને જે સમજાયું એ સંક્ષિપ્તમાં રજૂ કર્યું છે.

આત્મા, મોક્ષ, પુનરજ્ન્મ જેવી બાબતોની વિગતોમાં ઉતરવાથી ઈરાદાપૂર્વક દૂર રહ્યો છું. માત્ર ૧૫ પાનાનો આ લેખ, આશરે ૧૫ મીનીટમાં વાંચી શકાય એવો હોવાથી, સમયના અભાવવાળા લોકો પણ વાંચશે, એવા આશયથી લેખને બને એટલો સંક્ષિપ્ત રાખવાનો પ્રયત્ન કર્યો છે. –પી. કે. દાવડા)

ગીતાનો ઉપદેશ સમયથી પર છે. એ ફક્ત અર્જુન માટે નથી, એ સમગ્ર માનવ જાતી માટે છે. અન્યાયક્યારેય સહન ન કરવો, ન્યાય માટે યુદ્ધ કરવાની જરૂર પડે તો યુદ્ધ પણ કરવું, એ જ જીવનનો ધર્મ છે. આવો ખુમારી ભર્યો સંદેશ, ગીતાએ સમગ્ર જગતને આપ્યો છે.

પ્રથમ અધ્યાયમાં અર્જુન વિષાદથી ઘેરાઈ જાય છે અને કહે છેઃ

‘‘પૂજા કરવા યોગ્ય વડીલોને હણીને હું રાજ્ય મેળવવા ઇચ્છતો નથી, હું યુદ્ધ નહીં કરું.’’

અર્જુન પોતાની વાતના સમર્થનમાં અનેક દલીલો કરે છે, અને કૃષ્ણ એ બધી દલીલો શાંતિથી સાંભળી લે છે.

શ્રીકૃષ્ણનો ઉપદેશ બીજા અધ્યાયથી શરૂ થાય છે.

બીજા અધ્યાયમાં કૃષ્ણ અનેક મુદ્દા ઉપર વાત કરે છે. પહેલો મુદ્દો કર્તાભાવનો છે. કર્તાભાવનો મુદ્દો નરસિંહ મહેતાએ બહુ સરસ રીતે સમજાવ્યો છે,

“હું કરૂં હું કરૂં એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે.”

કૃષ્ણ પણ અર્જુનને એ જ વાત સમજાવે છે કે તું તો માત્ર સાધન છે, આ બધાને મારનાર તો હું છું.

ત્યાર પછી કૃષ્ણ જન્મ-મૃત્યુ અને આત્માની વાત વિસ્તાર પૂર્વક કહે છે, આત્માની વાત સમજવી થોડી મુશ્કેલ છે.

ફૂલોમાં રહેલી અદભુત સુગંધની જેમ આત્મા અદ્રશ્ય છે. પરમાત્મા પણ અદ્રશ્ય છે, છતાં આ અદભુત સૃષ્ટિનું સર્જન કરનાર અને સંચાલન કરનાર કંઈક છે એટલું તો આપણે સ્વીકારવું પડે.

મન એ મગજમાંથી ઉત્પન્ન થતા તરંગો છે. શરીરની બધી ઇન્દ્રિયો મનને વશ છે. શરીરને વધુ ને વધુ સુખ સગવડ મળે એવા વિચારોમાં મન સતત ગૂંચવાયેલું રહે છે.

ભૌતિક સુખ,વૈભવ મેળવવા ક્યારેક મન ખોટાં કાર્યો કરવા પણ પ્રેરાય છે, ત્યારે મનથી જુદું કોઈક તત્વ, મનને ખોટાં કાર્યો ન કરવા ચેતવે છે. ‘‘આવું ન કરાય’’ એવો કોઈક અવાજ આપણે આપણી અંદરથી સાંભળીએ છીએ.

એ અદભુત અનુભવ એ જ આત્માનો અવાજ એમ મારૂં માનવું છે.

નરસિંહ મહેતાએ આત્મા વિષે સરસ વાત કહી છે,

‘‘જ્યાં લગી આત્મા તત્ત્વ ચિન્યો નહિ, ત્યાં લગી સાધના સર્વ જુઠ્ઠી.’’

આત્માની વાત સાંભળ્યા વિનાની બધી સાધના નિરર્થક છે.

બીજા અધ્યાયમાં ત્રીજી મહત્વની વાત સ્વધર્મની છે.

સાદા શબ્દોમાં સ્વધર્મ એટલે કર્તવ્ય. કૃષ્ણ અર્જુનને કહે છે, “યુદ્ધ નહીં કરે તો લોકો તને કાયર માનશે, તારી અપકીર્તિ થશે. યુદ્ધ ન કરવા કરતાં યુદ્ધ કરવું એ જ તારે માટે હિતાવહ છે. કૌરવોએ તમને અન્યાય કર્યો છે, ભીષ્મ, દ્રોણ, કર્ણ વગેરે તેમને સાથ આપે છે. અન્યાય સહન કરવો એ કાયરતા છે, અધર્મ છે, એની સામે તારે લડવું જ જોઈએ, કારણ કે તારો ક્ષત્રિય ધર્મ છે.’’

બીજા અધ્યાયમાં ચોથી મહત્વની વાત કર્મ અને એના ફળની છે. અહીં કૃષ્ણ અનાસક્તિ યોગ સમજાવતાં કહે છે, કે કર્મ કરવાની તારી ફરજ છે, એનો ત્યાગ કરીશ નહીં, પણ એના ફળનો ત્યાગ કર.

સૌથી મહત્વની વાત સ્થિતપ્રજ્ઞની વ્યાખ્યા છે. કૃષ્ણ કહે છે, ‘‘જ્યારે માનવી પોતાના મનમાંથી ઊઠતી તમામ ઇચ્છાઓનો ત્યાગ કરે, અને વાસના શૂન્ય મનથી પોતાના આત્મ સ્વરૂપમાં જ સંતુષ્ટ રહે, ત્યારેતેને ‘‘સ્થિતપ્રજ્ઞ’’ કહેવાય છે.’’

જીવનની તમામ મુશ્કેલીઓનું મૂળ ઇચ્છાઓમાં છે. દુઃખમાં જેના મનમાં ઉચાટ ન થાય અને સુખ મેળવવાની જેને લાલસા ન રહી હોય, જેના રાગ, ભય અને ક્રોધ નષ્ટ થઈ ચૂકે તેને સ્થિર બુદ્ધિવાળો કહેવાય.

વિષયોનું ચિંતન કરવાથી આસક્તિ થાય છે, તેમાંથી કામના એટલે કે ઇચ્છા જાગૃત થાય છે, તે પૂરી ન થાય તો ક્રોધ ઉત્પન્ન થાય છે. ક્રોધથી મોહ જન્મે છે અને તેને લીધે સારાસારનું ભાન રહેતું નથી. આમ સ્મૃતિનાશ થતાં બુદ્ધિનો નાશ થાય છે અને છેવટે અધોગતિ થાય છે.

ગીતામાં ત્રણ યોગ ઉપર ખૂબ ભાર મૂક્યો છે. કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ. અધ્યાય ત્રણ, ચાર અને પાંચમાં કર્મયોગ વિષે વિસ્તારથી સમજાવ્યું છે.

અર્જુનની જેમ આપણને પણ પ્રશ્ન થાય કે ‘‘ફળની આશા રાખ્યા વગર જ કર્મ કરવાનું હોય, અને જો ફળ મેળવવાનું જ ન હોય, તો પછી કર્મ જ શું કામ કરવું?” આનો ઉત્તર આપતાં ગીતા કહે છે કે કર્મ કરવું એકુદરતી છે. માનવી ઇચ્છે કે ન ઇચ્છે તો પણ કર્મ કર્યા વગર રહી જ ન શકે. તેનો સ્વભાવ તેને કર્મ કરવાનીફરજ પાડે. પરિણામે કર્મફળ તો ભોગવવું જ પડે. કોઈ સંસાર ત્યજીને સન્યાસી થઈ જાય તો પણ કર્મ ન ત્યજી શકે. પરંતુ જો માણસ કશી જ આશા રાખ્યા વિના ફક્ત પોતાની ફરજ રૂપે કર્મ કરે, અને તે કર્મ પરમાત્માને અર્પણ કરે તો તેને કર્મ બંધન કરતું નથી. ગીતામાં આ જ વાત જુદા જુદા અધ્યાયમાં વારંવાર કહેવામાં આવી છે.

લાભ, ગેરલાભ, યશ, અપયશ, સફળતા, નિષ્ફળતા, જય, પરાજય, સુખ, દુઃખ એ બધાં જ કર્મફળ છે. જો કર્મફળ પરમાત્માને અર્પણ કરી દઈએ તો પછી ચિંતા કરવાનું કોઈ કારણ જ રહેતું નથી.

ગીતા કહે છે, કર્મસંન્યાસ નહીં, કર્મફળસંન્યાસ લેવું જોઈએ. કર્મફળસંન્યાસ લેવાથી કર્મમાં એકાગ્રતા વધે છે, અને અંતે તો સારૂં ફળ મળે જ છે, કારણ કે ગીતામાં જ કહ્યું છે કે ફળ વગરનું કોઈ કર્મ નથી.

ચોથા અધ્યાયમાં જીવનની ચાર આવશ્યક્તા સમજાવી છે. ગીતાએ એમને યજ્ઞ નામ આપ્યા છે. (૧) કર્મયજ્ઞ  (૨) તપયજ્ઞ   (૩) યોગયજ્ઞ (૪) જ્ઞાનયજ્ઞ. આ ચારેમાં જે જે સાવધાની રાખવાની છે, તે પણ સમજાવી છે.

(૧) કર્મયજ્ઞઃ કોઈ પણ કર્મ, ઇચ્છાઓ તજીને કરવાં. કોઈનું અહિત ન થાય તે ખ્યાલ રાખીને કરવા. માત્ર પોતાના કલ્યાણ માટે નહીં.

(૨) તપયજ્ઞઃ શરીરની વધુ પડતી આળપંપાળ ત્યજીને નિત્ય કાર્યો કરવા. આળસ ત્યજવી , સ્વાદ ઉપર અંકુશ મૂકવો, વાણી ઉપર અંકુશ મૂકવો. ટાઢ, તડકો, વરસાદ બધું સહન કરીને શરીરને સુદ્રઢ બનાવવું અને વિકારો પર વિજય મેળવવો.

(૩) યોગયજ્ઞઃ – મનના વિચારો અને વિકારો પર કાબૂ મેળવવા પ્રયત્ન કરવો. પરમાત્માના ધ્યાનમાં લીન થઈને મનને વશ કરવું. પ્રાણાયમ, યોગ વગેરે દ્વારા, શ્વાસોશ્વાસ પર કાબૂ મેળવી, મનની અતિ ચંચળતા રોકીને પ્રભુને પામવાની કોશિશ કરવી.

(૪)જ્ઞાનયજ્ઞઃ – એટલે પરમાત્મા બધે વ્યાપેલા છે, જે કાંઈ દેખાય છે એ બધું જ પ્રભુમય છે તેમ સમજવું. કર્મ કરવા છતાં અકર્તા બનીને એટલે કે પ્રભુને આત્મસમર્પણ કરીને અહંકાર ત્યજવો . સૌનું હિત થાય એવી રીતે જીવવું.

ભગવાન પોતે ક્યારે અને શા માટે અવતાર ધારણ કરે છે? એ બાબત ગીતાજીના અધ્યાય ચોથામાં સાતમા શ્ર્લોકમાં અને આઠમા શ્ર્લોકમાં કહ્યું છેઃ જગતમાં, ધર્મ ઘટે અને અધર્મ વધે ત્યારે ધર્મની સંસ્થાપના માટેપરમાત્મા અવતાર ધારણ કરે છે. સજ્જનોનું રક્ષણ કરવા અને દુર્જનોનો વિનાશ કરવા પરમાત્મા યુગે યુગે અવતાર ધારણ કરે છે.

ગીતામાં જ્ઞાનને ખૂબ મહ્ત્વ આપ્યું છે. અધ્યાય ચોથો ‘શ્ર્લોક ૩૭માં કહ્યું છે, ‘‘જેમ પ્રજ્વલિત અગ્નિ લાકડાને બાળીને સંપૂર્ણ ભસ્મ કરે છે, તેમ જ્ઞાનરૂપ અગ્નિ કર્મોનાં બધાં બંધનોને બાળીને ભસ્મ કરે છે. સુનિયોજીત કર્મ કરવા જ્ઞાન આવશ્યક છે, એ વાત આજે પણ એટલી જ સ્વીકૃત છે.

ગીતાના છઠ્ઠા અધ્યાયમાં ધ્યાનયોગ વિષે સમજાવ્યું છે. મન અતિ ચંચળ હોવાથી એને વશ કરવું અતિ કઠિન છે. અભ્યાસ અને વૈરાગ્ય વડે તેને વશ કરાય છે. છઠ્ઠા અધ્યાયમાં શ્ર્લોક નં. ૧૦ થી ૧૫માં ધ્યાન કેમ કરવું એ વિષે બહુ સરસ રીતે સમજાવ્યું છે. એકાંતમાં, પવિત્ર સ્થાનમાં, નીચે દર્ભ અને તેની ઉપર મૃગચર્મ કે વસ્ત્રાસન પાથરીને બેસવું. મનને એકાગ્ર કરી, ચિત્ત અને ઈંદ્રિયોની ક્રિયાઓને વશ કરી અંતઃકરણની શુદ્ધિ માટે યોગાભ્યાસ કરવો જોઈએ. ધીમે ધીમે મન પ્રભુમય થતાં મનની શાંતિ અનુભવી શકાય.

છઠ્ઠા અધ્યાયમાં ૩૭મા શ્ર્લોકમાં અર્જુને સવાલ પૂછ્યો કે, ‘‘જે માનવી યોગમાં શ્રદ્ધાવાળો હોય, પણ પૂરો સંયમી ન હોવાથી તેનું મન યોગથી ચલિત થયું હોય, તો એ યોગની સિદ્ધિને પ્રાપ્ત ન કરતાં કઈ ગતિનેપામે છે?

ગીતામાં પરમાત્માએ ભુલ સુધારવાની તક આપવા અનેક પ્રકારના અભય વચન આપ્યા છે. આ સવાલના જવાબમાં પરમાત્માએ ગજબ અભય વચન આપતાં છઠ્ઠા અધ્યાયના ૪૦ મા શ્ર્લોકમાં કહ્યુંઃ ‘‘યોગભ્રષ્ટ થયેલો મનુષ્યમાં, પૂર્વમાં કરેલી સાધનાના સંસ્કાર ફરીથી જાગૃત થાય છે. જ્યાંથી સાધના અધૂરી રહી હતી ત્યાંથી આગળ વધી તે પૂર્ણ સિદ્ધિ માટે ફરીથી પ્રયત્ન શરૂ કરે છે. સાધનાને અંતે તે પરમ ગતિને પામે છે.”

બ્રહ્માંડના સર્જન અંગે ‘‘જ્ઞાન વિજ્ઞાન યોગ’’ નામના સાતમા અધ્યાયમાં શ્ર્લોક નં.૪ માં શ્રીકૃષ્ણ ભગવાનેકહ્યું છેઃ

‘‘પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર મારી જડ પ્રકૃતિ છે. બીજી મારી જીવરૂપ ચેતન પ્રકૃતિ છે. સર્વ પ્રાણીઓ આ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયાં છે. હું આ  સમગ્ર જગતનો ઉત્પાદક અનેસંહારક  છું. જેમ દોરામાં મણકા પરોવાયેલા છે તેમ આ સંપૂર્ણ જગત મારામાં પરોવાયેલું છે.’’

આઠમા અધ્યાય ‘અક્ષરબ્રહ્મયોગ’ માં પાંચમા શ્ર્લોકમાં એક અભય વચન આપ્યું છેઃ ‘‘જે અંતકાળે મારું જસ્મરણ કરતાં કરતાં દેહ છોડી જાય છે, તે મને પામે છે, તેમાં સંશય નથી.’’

વળી છઠ્ઠા શ્ર્લોકમાં કહ્યું છેઃ ‘‘મનુષ્ય અંત કાળે જે જે પદાર્થનું સ્મરણ કરતાં શરીર છોડે છે, તે તેને જ પામેછે.’’

નવમા અધ્યાયના શ્ર્લોક નં.૨૨માં પણ એક અનેરું વચન પરમાત્માએ આપેલું છે:

‘‘જેઓ અનન્ય ભાવે મારું જ ચિંતન કરે છે અને નિષ્કામ ભાવથી મને ઉપાસે છે, તેવા લોકોના યોગ તથા ક્ષેમનો ભાર હું વહન કરું છું. એટલે કે તેમના જીવન નિર્વાહ અને કુશળતાની હું કાળજી રાખું છું.’’ પરમ ભક્તશ્રી નરસિંહ મહેતાના જીવન દરમિયાન મુશ્કેલ પ્રસંગો બહુ સરળ રીતે ઉકલી ગયાની વાતો આપણે જાણીએ છીએ. પરમ ભક્ત મીરાંબાઈને અપાયલું ઝેર અમૃત બની ગયાની વાત પણ આપણે જાણીએ છીએ. આ બધા પ્રસંગો આપણને માન્યામાં ન આવે, પરંતુ પ્રભુમય બની જનાર માનવી માટે એ શ્રધ્ધેય છે, જે કદાચ આપણને ન સમજાય.

“યોગક્ષેમ વહામ્યંહમ” સમજવું હોય તો નાના બાળકનું ઉદાહરણ આપી શકાય. નાનકડું નિર્દોષ બાળક પોતાના ભોજનની, પોતાના રક્ષણની કોઈ ચિંતા કરતું નથી. પોતાના જીવનની તમામ જવાબદારી માને સોંપીને એ આનંદથી રમતું રહે છે. બાળક થોડુંક રડે, એટલે તેને ભૂખ લાગી હશે તેમ વિચારી મા બાળકને સ્તનપાન કરાવે અથવા જમાડે, જો બાળક રમતાં રમતાં પડી ગયું હોય તો તેના રક્ષણનો ઉપાય કરે. તેવી જ રીતે પરમાત્મા પોતાના ભક્તના જીવન નિર્વાહની તથા રક્ષણની કાળજી રાખે છે.

પરમાત્મા કેટલા બધા દયાળુ છે એ તો નવમા અધ્યાયના ૩૦મા શ્ર્લોકમાં આપેલું અભય વચન વાંચીએ ત્યારે જ સમજાય.

‘‘જો અતિશય દુરાચારી પણ અનન્ય ભાવથી મારો ભક્ત થઈ મને ભજે તો તેને સાધુ જ ગણવો.’’  અહીં અતિશય દુરાચારીને છાવરવાની વાત નથી, પરંતુ સુધરવાની તક આપવાની વાત છે.

ભગવાન પોતે સર્વવ્યાપક છે, અને સઘળું તેમનામાં સમાયેલું છે એ સમજાવવા ‘વિભૂતિ યોગ’ નામના ગીતાજીના ૧૦મા અધ્યાયમાં સમજાવ્યું છે. પ્રકૃતિ અને પ્રાણીમાં આપણે જેને સર્વોત્તમ માનીયે છીયે, એ બધામાં પરમાત્માનો અંશ છે. ઉદાહરણ આપવા બ્રહ્માન્ડમાંથી સૂર્ય-ચંદ્ર લીધા છે, પૃથ્વી ઉપરના તત્વોમાં પવન, પાણી, પર્વત, વૃક્ષ, નદી વગેરેમાં જે સર્વોત્તમ છે તેમનું વર્ણન કર્યું છે.

આ અધ્યાયમાં જ નારીની પ્રશંશા પણ કરી છે, એટલું જ નહીં, દેવતાઓમાં શિવ અને રામ એ બધું પણ એક જ પરમાત્માના અલગ અલગ સ્વરૂપો છે એમ પ્રતિપાદન કર્યું છે.

આ જ વાત નરસિંહ મહેતાએ ખૂબ જ ટુંકમાં કહી છે, “અખિલ બ્રહ્માન્ડમાં એક તું શ્રી  હરિ, જૂજવે રૂપ અનંત ભાષે.” અને “ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોયે.”

અગીયારમા અધ્યાયમાં ભગવાને અર્જુનને ‘‘વિશ્વરૂપ દર્શન’’ કરાવ્યું, તેનું વર્ણન આપ્યું છે. આ વર્ણનમાં પરમાત્માની માત્ર વિશાળતા જ નહીં, એની સંહારક શક્તિના ભયાનક સ્વરૂપનું પણ વર્ણન છે.

ગીતાજીના ૧૨મા અધ્યાયમાં ભગવાને પોતાને કેવો ભક્ત ગમે છે એ બાબત બહુ સરસ અને સરળ રીતે સમજાવ્યું છે. ભગવાન કહે છે,
‘‘જે પ્રાણી માત્રનો દ્વેષ કરતો નથી, જે સૌની સાથે મિત્રભાવે વર્તે છે, જે દયાળુ, મમતારહિત, અહંકાર વિનાનો, સુખદુઃખને સમાન માનનારો, ક્ષમાવાન, સદા સંતોષી, યોગનિષ્ઠ, મનને વશ રાખનારો, દ્રઢ નિશ્ચયવાળો અને મારામાં મન અને બુદ્ધિ અર્પણ કર્યાં છે તે મારો ભક્ત મને અતિપ્રિય છે.’’

‘‘જેનાથી લોકો સંતાપ પામતા નથી અને જે લોકોથી સંતાપ પામતો નથી, જે હર્ષ, શોક, ક્રોધ, ભય અને ઉદ્વેગથી રહિત છે તે ભક્ત મને અતિપ્રિય છે.’’

‘‘જે પુરુષ સ્પૃહા વિનાનો, પવિત્ર, નચિંત, પક્ષપાત રહિત, ભય રહિત અને જેણે સર્વ આરંભોનો ત્યાગ કર્યો છે તેવો મારો ભક્ત મને અતિપ્રિય છે.’’

‘‘જે હર્ષ પામતો નથી કે દ્વેષ કરતો નથી, શોક કરતો નથી કે ઇચ્છા કરતો નથી, જે શુભ અને અશુભ કર્મોના ફળને ત્યજી દે છે એવો મારો ભક્ત મને અતિપ્રિય છે.’’

‘‘જેને શત્રુ , મિત્ર, માન, અપમાન, ટાઢ, તાપ, સુખ, દુઃખ સરખાં છે, જે આસક્તિ રહિત છે, જે નિંદા અને સ્તુતિને સમાન સમજે છે, જે મનનશીલ છે, જે કંઈ સહજ ભાવે મળે તેમાં સંતોષ માને છે, જે મમતા રહિત છે, તે સ્થિર બુદ્ધિવાળો ભક્તિમાન પુરુષ મને અતિપ્રિય છે.’’

‘‘જે શ્રદ્ધાયુક્ત ભક્તો, મારામાં પરાયણ રહીને, મેં કહ્યું તે પ્રમાણે આ ધર્મમય અમૃતનું નિષ્કામ ભાવથી સેવન કરે છે તે ભક્તો મને અત્યંત પ્રિય છે.’’

કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ ત્રણે પરસ્પર સંકળાયેલા છે. કોઈ એક યોગનું સાચા દિલથી અનુસરણ કરીએ તો બીજા બે યોગની જુદી સાધના કરવી પડતી નથી. એ સાધના આપોઆપ થઈ જાય છે. સાચા દિલથી ભક્તિયોગને અનુસરનારને અધ્યાત્મનું જ્ઞાન શીખવું પડતું નથી. તેનાં તમામ કર્મો નિષ્કામ ભાવે જ થતાં હોય છે. શ્રી નરસિંહ મહેતા આનું જ્વલંત ઉદાહરણ છે. પ્રભુની ભક્તિ કરતાં કરતાં તેઓ પરમ તત્ત્વજ્ઞાની થઈ ગયા.

શ્રીકૃષ્ણ ભગવાને ગીતાજીના ૧૨મા અધ્યાયમાં શ્રેષ્ઠ ભક્તનાં લક્ષણો અંગે સમજાવ્યું છે, એ જ વાત નરસિંહ મહેતાએ ‘‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે…’’ ભજનમાં સમજાવી છે.

જ્ઞાન માટે ગીતામાં કહ્યું છે: ‘‘જ્ઞાન જેવું કાંઈ જ પવિત્ર નથી.’’ (ગીતા ૪ – ૩૮). જેમ કર્મ કામના રહિત હોવું જોઈએ તેમ જ્ઞાન અહંકાર રહિત હોવું જોઈએ. નહીંતર કર્મ અને જ્ઞાન બંને બોજારૂપ બની જાય. કર્મની જેમ જ જ્ઞાન તજવાનું નથી, પણ જ્ઞાનનો અહંકાર તજવાનો છે.

શ્રીકૃષ્ણ ભગવાને ગીતાજીના ૧૩મા અધ્યાયમાં ક્ષેત્ર એટલે કે શરીર અને ક્ષેત્રજ્ઞ એટલે કે શરીરમાં રહેલો આત્મા, જે પરમાત્માનો જ અંશ છે તે બાબત સમજાવી છે. શરીર પંચ મહાભૂતોનું બનેલું છે, તે નાશવંત છે. આત્મા નિર્ગુણ છે, છતાં ગુણોનો

ભોક્તા છે એટલે કે પ્રકૃતિમાંથી ઉત્પણ થયેલા ત્રણ ગુણ, સત્વ, રજસ, અને તમસને કારણે મનુષ્યને સુખ, દુઃખ ભોગવવાં પડે છે. જો આ ત્રણે ગુણોથી માનવી પર થઈ જાય એટલે કે ગુણાતીત થઈ જાય તો તે પરમાત્માને પામી શકે છે.

ગીતાજીના ૧૪મા અધ્યાયમાં ત્રણ ગુણ વિષે વિસ્તારથી સમજાવ્યું છે. આ ત્રણ ગુણો જ આપણાં સુખ, દુઃખ માટે કારણરૂપ છે. આ ત્રણે ગુણો પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા છે. સત્વગુણ નિર્મળ હોવાથી દોષરહિત છે. તે સુખ અને જ્ઞાનના સંગથી જીવને બાંધે છે. રજોગુણ, કામના અને આસક્તિથી ઊપજેલો છે. તે જીવને કર્મોની સાથે બાંધે છે. તમોગુણ અજ્ઞાનથી ઊપજેલો છે. તે પ્રમાદ, આળસ અને નિદ્રા વડે જીવને બાંધે છે.

સત્વગુણ સુખમાં જોડે છે, રજોગુણ કર્મમાં જોડે છે અને તમોગુણ પ્રમાદમાં જોડે છે. જ્યારે કોઈ પણ એક ગુણ વધે ત્યારે તે અન્ય બે ગુણોને દબાવીને વધે છે.

બધાં કર્મોમાં કર્તાપણાના અભિમાન રહિત થયેલો મનુષ્ય ગુણાતીત કહેવાય છે.

આપણું જીવન તો ત્રણે ગુણોના મિશ્રણવાળું છે. આપણામાં થોડાક શુભ વિચારો છે, થોડીક શુભ ભાવના છે, થોડાક વિકારો છે, થોડાં લોભ લાલચ છે. થોડીક આળસ છે, થોડોક દ્વેષ છે. ક્યારે ક્યા ગુણનું જોર વધી જાય તે કહેવાય નહીં.

ગીતાના ૧૫મા અધ્યાય ‘પુરુષોત્તમ યોગ’ માં સંસારને ઊંધા પીપળાના વૃક્ષ સાથે સરખાવીને કહ્યું છે: ‘‘આ વૃક્ષનાં મૂળ ઊંચે છે અને ડાળીઓ નીચે છે. વેદના છંદો તેનાં પાંદડાં છે.’’ આમ કહેવાનું કારણ એ છે કે સંસારની ઉત્પત્તિ પરમાત્માને આભારી હોવાથી જીવનતત્વરૂપી પોષણ ખેંચનારાં મૂળિયાં ઉપર તરફ છે. શાખાઓ જ્યારે વિસ્તરીને ધરતીમાં મોહરૂપી નવા મૂળ ગ્રહણ કરે છે, ત્યારે મુશ્કેલીઓ ઊભી થાય છે. આવી શાખાઓને દ્રઢ વૈરાગ્યરૂપી કુહાડીથી કાપી નાખીને ઉપર તરફ ગતિ કરવાની સલાહ ગીતાએ આપી છે, અને પછી એવું પદ શોધવા કહ્યું છે, જ્યાં પહોંચેલા માણસો સંસારમાં પાછા આવતા નથી. તે પરમ પદને પ્રાપ્ત કરી પુરૂષમાંથી પુરૂષોત્તમ થઈ શકાય છે.

ગીતાના ૧૬મા અધ્યાયમાં દૈવી સંપત્તિ તથા આસુરી સંપત્તિ વિષે ચર્ચા છે. પહેલા ત્રણ શ્ર્લોકમાં દૈવી સંપત્તિ વિષે છે: નિર્ભયતા, અંતઃકરણની શુધ્ધિ, અધ્યાત્મ, ધ્યાન, યોગમાં દ્રઢ સ્થિતિ, સાત્વિક દાન, ઈન્દ્રીયો ઉપર કાબૂ, તપ, વગેરે ૨૬ પ્રકારના દૈવી તત્વો વર્ણવ્યા છે. ત્યાર પછી આસુરી સંપત્તિ વિષે કહ્યું છે :  પાખંડ, ગર્વ, અહંકાર, ક્રોધ, કઠોરતા અને અજ્ઞાન આ ગુણો આસુરી સંપત્તિ તરફ વળેલા મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે.

દૈવી સંપત્તિ મોક્ષ આપનારી છે, જ્યારે આસુરી સંપત્તિ બંધનમાં નાખનારી છે. આસુરી સ્વભાવવાળા મનુષ્યો, શું કરવું જોઇએ અને શું ન કરવું જોઇએ, તે જાણતા નથી.

યજ્ઞનો અર્થ સમજાવતાં ગીતામાં કહ્યું છે, સારાં કાર્યો માટેનું અભિમાન પણ અયોગ્ય છે. પોતાને જ શ્રેષ્ટ માનનારા ઘમંડી પુરુષો, ધન અને માનના મદવાળા લોકો શાસ્ત્રવિધિ છોડીને દંભથી કેવળ નામ માત્રના યજ્ઞો કરે છે.

કામ, ક્રોધ તથા લોભ એ ત્રણ પ્રકારનાં નરકનાં દ્વાર છે. માટે એ ત્રણેને તજી દેવાં જોઈએ. આ ત્રણથી મુક્ત થયેલો મનુષ્ય પોતાનું કલ્યાણ થાય એવાં કર્મ કરે છે તેથી પરમ ગતિ પામે છે.’’

‘શ્રદ્ધા ત્રય વિભાગ યોગ’ નામના ૧૭મા અધ્યાયમાં બહુ ઉત્તમ શ્ર્લોક છે અને જીવન ઘડતર માટે ખાસ વાંચવા જેવા છે.

એમાં કહ્યું છે કે બધા મનુષ્યોની શ્રદ્ધા તેમના અંતઃકરણની શુદ્ધિ અનુસાર હોય છે. જેવી જેની શ્રદ્ધા, તેવો તે થાય છે. સાત્વિક શ્રદ્ધાવાળા પુરુષો દેવોને ભજે છે, રાજસી શ્રદ્ધાવાળા યક્ષ અને રાક્ષસોને ભજે છે અને તામસી શ્રદ્ધાવાળા ભૂત, પ્રેત વગેરેને ભજે છે.

આહાર પણ સૌને પોતપોતાની પ્રકૃતિ અનુસાર પ્રિય હોય છે.

સાત્વિક, બળ, આરોગ્ય, સુખ અને રુચિ વધારનારા, રસયુક્ત, પૌષ્ટિક તથા મનને ગમે તેવા આહાર સાત્વિક લોકોને પ્રિય હોય છે. કડવા, ખાટા, ખારા, ખૂબ ગરમ, તીખા તમતમતા, સૂકા અને દાહ કરનારા આહારો રાજસ મનુષ્યોને પ્રિય હોય છે.

કેટલીય વાર સુધી પડી રહેલું, દુર્ગંધયુક્ત, વાસી, ઉચ્છિષ્ટ અને અપવિત્ર ભોજન તામસ લોકોને પ્રિય હોય છે.

ફળની આકાંક્ષા વગરના મનુષ્યો, કર્તવ્ય સમજીને વિધિપૂર્વક જે યજ્ઞ કરે છે તે સાત્વિક યજ્ઞ છે. ફળની આકાંક્ષા રાખીને જે યજ્ઞ કરે છે તે રાજસ યજ્ઞ છે. શાસ્ત્રવિધિ રહિત, અન્નદાન રહિત, મંત્ર રહિત અને શ્રદ્ધા રહિત જે યજ્ઞ કરવામાં આવે છે તે તામસ યજ્ઞ છે.

તપનો અર્થ સમજાવતાં ગીતામાં કહ્યું છે, દેવતા, બ્રાહ્મણ, ગુરુ અને જ્ઞાનીજનોનું પૂજન, પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય અને અહિંસા આ શારીરિક તપ કહેવાય છે. કોઈને ઉદ્વેગ ન કરનારી, સત્ય, પ્રિય અને હિત કરનારી વાણી બોલવી તથા સદગ્રંથોનું પઠન કરવું તે વાણીનું તપ કહેવાય છે. મનની પ્રસન્નતા, સૌમ્ય ભાવ, મૌન, આત્મસંયમ અને ભાવનાશુદ્ધિ મનનું તપ કહેવાય છે. આ પ્રકારનું તપ જ્યારે પરમ શ્રદ્ધાથી, ફળની આકાંક્ષા વગર કરવામાં આવે છે ત્યારે સાત્વિક તપ કહેવાય છે. કોઈનાં સત્કાર, ખુશામત અથવા પૂજા માટે જે તપ થાય છે તે ક્ષણિક અને અનિશ્ચિત ફળ આપનાર રાજસ તપ કહેવાય છે. જે મૂઢતાપૂર્વક હઠથી, મન, વાણી અને શરીરને પીડીને બીજાનું અનિષ્ટ કરવાના હેતુથી તપ કરાય છે તેને તામસ તપ કહેવાય છે.

ઉપરની તમામ વાતો બહુ સરળ છે તેમ છતાં કાંઈ ન સમજાય તો તેની માથાકૂટ કરવાને બદલે જેટલું સમજાય તેટલું આચરણ કરીએ તો પણ જીવનમાં ઉપયોગી થાય

ગીતાના ‘શ્રદ્ધાત્રયવિભાગ યોગ’ માં દાનના ત્રણ પ્રકારની વાત કરી છે.

દાન આપવું એ ફરજ છે તેવી બુદ્ધિથી, બદલો મળવાની આશા વગર, યોગ્ય સમયે, યોગ્ય કાર્યમાટે, યોગ્ય વ્યક્તિને જે દાન આપવામાં આવે તો તે સાત્વિક દાન કહેવાય.  જે દાન બદલો મેળવવા માટે એટલે કે ફળની આશાથી, કચવાતા મને આપવામાં આવે તે રાજસ દાન કહેવાય. જે દાન તિરસ્કારથી અને અયોગ્ય કાર્ય માટે, કુપાત્રને આપવામાં આવે છે તે તામસ દાન કહેવાય.

પોતાના સ્વાર્થ વિના, બીજાનું દુઃખ દૂર કરવા, ધનનો સદ્ઉપયોગ થાય તેને ઉત્તમ ગણી શકાય. ધનનો ઉપભોગ કરવામાં કાંઈ ખોટું નથી. બીજાનું અહિત કર્યા સિવાય, પોતે જે કાંઈ કમાય તે ફક્ત પોતાના પરિવાર માટે જ વાપરે તેમાં કાંઈ જ અયોગ્ય નથી, પણ એ જીવનનું શ્રેષ્ઠ લક્ષણ નથી.

બીજાના હિત માટે અપાતું ધન એ દાન છે. ગીતામાં ભારપૂર્વક કહ્યું છે કે બદલો મળવાની આશા રાખ્યા વિના જે દાન અપાય તે જ સાત્વિક દાન છે. ગીતામાં અનેક વાર ફળની આશા રાખ્યા વિના જ કર્મ કરવા પર ભાર મૂકેલો છે. દાન લેનારી વ્યક્તિ આભાર માને એટલી પણ અપેક્ષા ન રાખવી જોઈએ. સંપૂર્ણ નિષ્કામ ભાવે દાન કરવું જોઈએ.

ગીતાનો ૧૮મો અધ્યાય છેલ્લો અધ્યાય છે. ગીતાની શરૂઆતમાં થયેલ વાત પર છેલ્લા અધ્યાયમાં પણ ખૂબ ભાર મૂક્યો છે.

‘‘નિયત કર્મોનો કદી ત્યાગ ન કરવો જોઈએ. છતાં મોહવશ, આપણે તેનો ત્યાગ કરીએ તો તે તામસ ત્યાગ કહેવાય છે. જે કંઈ કર્મ છે તે બધાં જ દુ:ખરૂપ છે, એમ સમજીને શારીરિક કષ્ટના ભયથી જે કર્મો છોડી દેવાય તેને રાજસ ત્યાગ કહે છે. આવા ત્યાગનું ફળ મળતું નથી. કર્તવ્ય તરીકે નિયત થયેલું કર્મ, જે પોતાનો ધર્મ સમજીને, આસક્તિ અને ફળની ઈચ્છાનો ત્યાગ કરીને કરાય છે, તે ત્યાગ સાત્વિક ત્યાગ મનાયો છે. આવો ત્યાગી બુદ્ધિમાન અને સંશયરહિત હોઈ મુશ્કેલ કામ ધિક્કારતો નથી. કર્મોનો સંપૂર્ણ ત્યાગ કરવો એ દેહધારી મનુષ્ય માટે શક્ય નથી, તેથી જે મનુષ્ય કર્મફળનો ત્યાગી છે તે જ ત્યાગી છે. “

કર્મોમાં જેને ‘‘હું કર્તા છું’’, એવો અહંકાર નથી, તેની બુદ્ધિ તે કર્મની સિદ્ધિ અસિદ્ધિથી લોપાતી નથી.

‘‘જે જ્ઞાનથી મનુષ્ય, જુદા જુદા દેખાતા સર્વ પ્રકૃતિ અને પ્રાણીઓમાં રહેલા પરમ તત્ત્વને, નિસ્પૃહ ભાવે જોઈ શકે તે જ્ઞાનને સાત્વિક જ્ઞાન કહે છે અને જે જ્ઞાનથી મનુષ્ય જુદા જુદા દેખાતા સર્વ ભૂતોમાં પરમ તત્ત્વને વહેંચાયેલું માને તે રાજસ જ્ઞાન છે. જે જ્ઞાન એક જ કાર્યમાં લાભ માની તેનું સ્વરૂપ સમજ્યા વિના, વગર વિચાર્યે તેમાં આસક્ત થઈ જાય તેને તામસ જ્ઞાન કહેવાય.’’

‘‘કર્તવ્ય તરીકે નિયત થયેલું જે કર્મ, રાગદ્વેષ અને આસક્તિથી રહિત થઈને ફળની ઇચ્છા વગર મનુષ્ય કરે તે સાત્વિક કર્મ છે. જે કર્મ ‘‘હું કર્તા છું” એવા અભિમાનપૂર્વક,  કામનાવાળો મનુષ્ય, ફળને માટે બહુ મહેનત ઉઠાવી કરે તે રાજસ કર્મ કહેવાય છે. વસ્તુઓના બગાડનો, હિંસાનો અને પરિણામ કે પોતાની શક્તિનો વિચાર કર્યા વગર મનુષ્ય અજ્ઞાનથી જે કાર્ય કરે છે તે તામસ કર્મ છે.

જે કર્તા, આસક્તિરહિત, અહંકાર ન રાખનારો, કાર્ય સિદ્ધ થાય કે ન થાય તેમાં સમાન ભાવ રાખવાવાળો, હર્ષ શોક વિનાનો છે તે સાત્વિક કર્તા છે. જે કર્તા આસક્તિયુક્ત, કર્મના ફળની ઈચ્છાવાળો અને લોભી છે, તથા બીજાઓને કષ્ટ દેવાના સ્વભાવવાળો અને હર્ષ શોકમાં આવેશવાળો છે, તે રાજસ કર્તા છે.

*જે કર્તા અવ્યવસ્થિત, અસંસ્કારી, શઠ, અજ્ઞાની, જક્કી, આળસુ, શોક કરનાર છે, તે તામસ કર્તા છે.

આ તમામ બાબતો અંગે વિચારીશું તો સ્પષ્ટ પણે સમજાશે કે ગીતામાં જીવનમાં સદગુણોને કેટલું બધું મહત્વ આપ્યું છે.

પરમાત્માનું અવતાર કાર્ય જ ધર્મ સંસ્થાપનાનું છે. સારા ગુણોનું મહત્વ સમાજમાં વધે તો જ સાચા અર્થમાં ધર્મની સંસ્થાપના થઈ શકે. સાત્વિક જ્ઞાન, રાજસ જ્ઞાન અને તામસ જ્ઞાન, સાત્વિક કર્મ, રાજસ કર્મ અને તામસ કર્મ એ ચર્ચા, અન્ય ગ્રંથોમાં જે કહેવાયું છે તેની પુનરોક્તિ જ છે.

“જે બુદ્ધિ, પ્રવૃત્તિ કે નિવૃત્તિ, કરવા યોગ્ય કે ન કરવા યોગ્ય, ભયવાળું કે અભય, બંધનકર્તા કે મુક્તિ આપનાર વિષે જાણે છે, તે સાત્વિક બુદ્ધિ છે. જેનાથી મનુષ્ય, ધર્મ તથા અધર્મને, કર્તવ્ય તથા અકર્તવ્યને યથાર્થ રીતે જાણી શકતો નથી, તે રાજસ બુદ્ધિ છે. અહંકારથી ઢંકાયેલી જે બુદ્ધિ અધર્મને ધર્મ સમજે છે અને બધા પદાર્થોને અવળી રીતે જુએ છે, તે તામસી બુદ્ધિ છે.’’

સુખના પણ ત્રણ પ્રકાર સમજાવતાં ગીતામાં કહ્યું છે: ‘‘જે સુખ શરૂઆતમાં ઝેર જેવું લાગે, પણ પરિણામે અમૃત સમાન હોય તેવું આત્મજ્ઞાનની પ્રસન્નતાથી થયેલું સુખ સાત્વિક છે. વિષયો અને ઇંદ્રિયોના સંયોગથી ઉત્પન્ન થયેલું સુખ, શરૂઆતમાં અમૃત જેવું મીઠું લાગે, પણ પરિણામે ઝેર જેવો ગુણ કરે, તે સુખ રાજસી છે. જે સુખ આરંભમાં અને પરિણામમાં આત્માને મોહ ઉત્પન્ન કરનાર અને નિદ્રા, આળસ તથા પ્રમાદમાંથી ઉત્પન્ન થયું છે, તે સુખ તામસી છે. “

પોતપોતાના સ્વાભાવિક કર્મમાં જ રત રહીને મનુષ્ય સુખ પામે છે. પોતાના ધર્મ કરતાં બીજાનો ધર્મ લાભકારક લાગતો હોય તો પણ, પોતાનો ધર્મ જ કલ્યાણકારક છે. તેથી પોતાના સ્વાભાવિક કર્તવ્યનું પાલન કરનારને પાપ લાગતું નથી. જેમ અગ્નિની સાથે ધુમાડો હોય છે તેમ કોઈ પણ કર્મ સાથે દોષ સંકળાયેલો જ હોય છે. પોતાનું કર્મ થોડો દોષયુક્ત હોય તો પણ તેનો ત્યાગ ન કરવો જોઈએ.

મન અને ઇંદ્રિયો જીતનાર, આસક્તિ રહિત બુદ્ધિવાળો મનુષ્ય,  જ્ઞાનયોગ દ્વારા, કર્મ કરવા છતાં, કર્મબંધનથી મુક્ત રહે છે. જ્ઞાનની પરમ નિષ્ઠા પામવાના આવશ્યક સાધનરૂપ અંતઃકરણની શુદ્ધિ બહુ જરૂરી છે.

ગીતામાં આખરે શ્રી કૃષ્ણ અર્જુન ને કહે છે, “હે અર્જુન! તું પણ ચિત્તથી સર્વ કર્મો મને સમર્પણ કરી, મને પામવાની એક નિશ્ચયવાળી બુદ્ધિથી, કર્મયોગનો આશ્રય લઈ, સતત મારામાં ચિત્તવાળો થા. મારામાં ચિત્ત જોડવાથી, તારી તમામ મુશ્કેલીઓ દૂર થઈ જશે. પરંતુ જો અહંકારને વશ થઈ મારૂં કહેવું નહીં સાંભળે, તો નાશ પામીશ. અહંકારને લીધે, તું એમ માને છે કે હું નહીં લડું, પણ તારો સ્વભાવ જ તને પરાણે એમાં જોડશે. મોહવશ તું અત્યારે જે કાર્ય કરવા નથી ઈચ્છતો, તે તારા સ્વભાવજન્ય પૂર્વ કર્મથી બંધાયેલો હોઈ પરવશ થઈને પણ કરીશ.”

અને અભય વચન આપતાં કહે છે, “બધા ધર્મોનો ત્યાગ કરીને મારે જ શરણે આવ. હું તને સર્વ પાપોથી મુક્ત કરીશ.’’ પરમાત્માનું આ અભયવચન બહુ વિચારવા જેવું છે. બીજું બધું તજીને જે પ્રભુશરણે જાય છે તેને પરમાત્મા પ્રેમથી આવકારે છે. તેની તમામ મુશ્કેલીઓ પ્રભુ દૂર કરે છે.

શ્રી  પી.કે.દાવડાની  ઈ-બુક – ગીતા મારી સમજ 

(આ ચિત્ર પર ક્લિક કરીને વાંચો )

gita

( 991 ) કવિતા અને ગઝલોમાં “જીવન”…. શ્રી પી.કે.દાવડા

પી.કે.દાવડા અને વિનોદ પટેલ (સાન ડીયાગો )

પી.કે.દાવડા અને વિનોદ પટેલ (સાન ડીયાગો-મારા આંગણે ! )

ફ્રીમોન્ટ,કેલીફોર્નીયા નિવાસી મારા સહૃદયી મિત્ર શ્રી.પી.કે.દાવડા એ તાંજેતરમાં 

” દાવડાનું આંગણું ” 

એ નામે એમનો ગુજરાતી બ્લોગ શરુ કર્યો છે .

બ્લોગીંગની એક નવી સ્ટાઈલ અપનાવીને એમણે એમના આ બ્લોગમાં અગાઉ લખેલા પ્રકાશિત અને અપ્રકાશિત લેખો,કાવ્યો,પરિચય લેખો વી.સાહિત્ય સામગ્રીને વિષયવાર ગોઠવી એની નવ ઈ-બુકો બનાવીને વાચકોને વાંચવા માટે મૂકી છે.

આજની પોસ્ટમાં એમની ઈ-બુક કવિતામાં માંથી મને ગમેલો એક લેખ ઉદાહરણ રૂપે નીચે પ્રસ્તુત છે.આશા છે આપને એ ગમશે. એમના આવા બીજા ઘણા લેખો તમોને એમની ઈ-બુકોમાંથી વાંચવા મળશે. 

દાવડાજીની અત્યાર સુધી પ્રકાશિત ૯ ઈ-બુકો આ પોસ્ટના અંતે મુકવામાં આવી છે જેનો જરૂર લાભ લેશો અને આપનો પ્રતિભાવ પણ  જણાવશો .

વિનોદ પટેલ  

 

કવિતા અને ગઝલોમાં “જીવન” 

ગુજરાતી કવિતામાં કવિઓએ જીવન શબ્દનો ઉપયોગ પોતપોતાની કલ્પના પ્રમાણે કર્યો છે.આ બધી રચનાઓમાંથી ઉમાશંકર જોશીની આ પંક્તિઓ મને સૌથી વધારે ગમે છે. 

સપનાનો વાણો, ને સ્નેહનો તાણો

બે    નું      ગૂંથેલું     જીવન    જાણો;

આની  કોરે રમણા, પેલી કોરે ભ્રમણા

 વચ્ચે   વહ્યાં  જાય   જીવન    જમના.”

 જીવનની આનાથી વધારે સુંદર પરિકલ્પના હોઈ જ ન શકે. 

મકરંદ દવેને જીવન સિતાર જેવું લાગે છે. તેઓ પૂછે છેઃ

દોસ્ત, વહેતા જીવનની
કોણ સિતાર સુણાવે છે?
બેઠો છે ક્યાં બજવૈયો ?
કૈં સૂર નથી, કૈં સાજ નથી.
 

અકબરઅલી જસદણવાલા તો જીવનને પોતાની મરજી મુજબ ઢાળે છે. તેઓ કહે છેઃ 

મનોરંજન કરી લઉં છું, મનોમંથન કરી લઉં છું,
પ્રસંગોપાત જીવનમાં પરિવર્તન  કરી  લઉં છું.

સમજપૂર્વક સમષ્ટિનું સમાલોચન કરી લઉં છું,
જીવનને હું વલોવી આત્મસંશોધન કરી લઉં છું.

સમય ક્યારે વિસામો ખાય છે અકબરના જીવનમાં ?
વિસર્જન થાય છે  નિત્, નિત્ નવું  સર્જન કરી લઉં છું.
 

અમૃત ઘાયલે તો જીવન વિષે ઘણી બધી વાતો કરી છે. દા.ત. 

જીવન જેવું જીવું છું એવું કાગળ પર ઉતારું છું,
ઉતારું છું    પછી    થોડું   ઘણું  એને  મઠારું  છું
;
ફરક  તારા  ને મારા વિષે છે   એટલો   જાહિદ,
વિચારીને  તું જીવે છે  હું  જીવીને   વિચારું  છું.”

અહીં ઘાયલ જીવન સાથે છેડછાડ કરતા નથી, થોડું ઠીકઠાક કરી લે છે. 

તેઓ બીજી જ્ગ્યાએ લખે છેઃ

જીવનનું પુછતા હો તો જીવન છે ઝેર ઘાયલનું
છતાં હિંમત જુઓ કે નામ અમૃતલાલરાખે છે

ભાઈ વાહ! ખરેખર હિંમતવાળા છે ઘાયલ. 

બીજી એક જ્ગ્યાએ ઘાયલને માશુકા વગરનું જીવન જીવવા જેવું જ નથી લાગતું,

મજા ક્યાં છે, ખુશી ક્યાં છે, દિલ ક્યાં છે, જીગર ક્યાં છે?
જીવનમાં   જીવવા   જેવું    કઈ   તારા   વગર   ક્યાં    છે ?”

ઘાયલ સાહેબ જરા શોધો, બીજું ઘણું બધું છે. 

બરકત વિરાણી તો જીવનને સાચું માનતા જ નથી. એમને તો સપના જેવું લાગે છેઃ

જીવન ને સ્વપ્ન માનું છું, મગર ત્યાગી નથી શકતો,
છું  એવી  જાગ્રુતિમાં  કે  વધુ  જાગી  નથી      શકતો,”
 

આદિલમન્સૂરી સાહેબનું જીવન તો પાણીની જેમ વહી ગયું.

પથ્થર બની હું જોતો રહ્યો કાળની ગતિ,
 વર્ષો જીવનનાં પાણી બની 
 સરી ગયાં

આદિલ સાહેબ, જીવન તો બધાનું ઝડપથી વહી જાય છે. 

અસિમ રાંદેરી સાહેબ તો પોતાનું જીવન કટકે કટકે જીવ્યા છે.

બચપણ, યૌવન, વૃદ્ધાવસ્થા,
 જીવન  પણ   છે  કટકે  કટકે.

આમ તો આપણું બધાનું જીવન કટકે કટકે જ જીવાય છે. 

બરકત વીરાણીએ ખૂબ સરસ વાત કહી છેઃ

બેફામ’  તોયે   કેટલું   થાકી   જવું     પડ્યું?
 નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી
 

અને આખરે, જીવનને ઈશ્વર અથવા માસુકાને સોંપનાર ગઝલકાર કહે છેઃ

“તમારી સૂચના  છે  સૌ  ગતિમાં

    તમે   કહ્યું   તો  ગગન   ફરે    છે

    તમારી   આંખોની   સાથ   સાથે

    અમારૂં   આખું   જીવન   ફરે   છે.”

અને અંતેઃ

“આ  મળ્યું  જીવન  છે જેવું એને જીવી જાણો,

અને મળ્યો જેમનો સાથ એને સહી પહેચાણો”  

— પી.કે.દાવડા ,ફ્રીમોન્ટ  

 

 શ્રી પી.કે.દાવડા ની ઈ-બુકો

( નીચેના ચિત્રો ઉપર ક્લિક કરીને ઈ-બુકોમાંનું સાહિત્ય  વાંચો .)

azadi……malava_jewa….ap

 

gita……..કંઈક કવિતા જેવું…..shodhkhol_uper_adharit    kavitaman

   

manthan……mari-dristie…..

( 974 ) શ્રી પી.કે.દાવડા આલેખિત ૫૦ મળવા જેવા માણસોની જીવન ઝરમરની ઈ-બુક ….

ગુજરાતી પ્રતિભા પરિચય  માંથી સાભાર રી-બ્લોગ 

‘મળવા જેવા માણસ’ -શ્રેણીના પચાસ પરિચયો શ્રી. પી.કે.દાવડાએ બહુ જ મહેનત કરીને બનાવ્યા હતા.

આ રહ્યા

હવે આ બધા સજ્જનો ઈ-બુકમાં …

પચાસ પરિશ્રમી અને જીંદાદિલ વ્યક્તિઓના સંઘર્ષમય જીવનની પ્રેરણાદાયી વાતો આ ઈ-બુકમાં શ્રી પી.કે.દાવડાએ બાખૂબી આલેખી છે એ જરૂર વાંચશો.

mj

ઈ-બુક વાંચવા આ ટાઈટલ પાના પર ‘ક્લિક’ કરો

View original post

( 790 ) ડૉ. શશીકાંત શાહનાં પુસ્તકોની વીજાણુ આવૃત્તીનું લોકાર્પણ

ડૉ. શશીકાંત શાહનાં પુસ્તકોની વીજાણુ આવૃત્તીનું લોકાર્પણ કરાયું

        જાણીતા શીક્ષણવીદ્ અને કટારલેખક ડૉ. શશીકાંત શાહની બે પુસ્તીકાઓ (1)‘આનંદની ખોજ’ અને (2) ‘ટીન–એજમાં બૉયફ્રેન્ડથી સાવધાન’ની વીજાણુ આવૃત્તી (ઈ.બુક્સ) ‘મણી મારુ પ્રકાશન’ દ્વારા ઈ.બુક્સ તૈયાર કરાઈ હતી. જેની લોકાર્પણ વીધી તા. 4-10-2015ને રવીવારે ‘હરીકૃષ્ણ કૉમ્યુનીટી સેન્ટર’, ગોતાલાવાડી, કતારગામ, સુરત ખાતે, નીવૃત્ત શીક્ષક, ‘ઉંઝા જોડણી’ના સમર્થક અને ‘સન્ડે ઈ.મહેફીલ’ના પ્રણેતા આદરણીય શ્રી. ઉત્તમભાઈ ગજ્જરના હસ્તે કરવામાં આવી હતી. ડૉ. શશીકાંતભાઈ શાહે સૌને આવકાર આપી, શ્રી. ગોવીન્દભાઈ મારુએ તૈયાર કરેલી ઈ.બુક્સ બદલ રાજીપો વ્યક્ત કર્યો હતો. ‘હરીકૃષ્ણ એક્સપોર્ટ’ના શ્રી. હીમ્મતભાઈ ધોળકીયાના પ્રમુખસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં, શ્રી. ગોવીન્દભાઈ મારુએ ઈ.બુક્સની વીશેષતાઓ પર વીસ્તૃત માહીતી આપી હતી. આદરણીયશ્રી ઉત્તમભાઈ ગજ્જરે વીદેશોનાં પરમ્પરાગત પુસ્તકાલયોનું રુપાંતર ઈ.પુસ્તકાલયોમાં થઈ રહ્યું હોવાની માહીતી સાથે, સમગ્ર વીશ્વ નવી ટૅકનોલૉજીના ઉપયોગથી સમય, જગ્યા, ખર્ચ, પરીશ્રમ વગેરે કઈ રીતે ઘટાડી રહી છે તેની ચર્ચા કરી હતી. શ્રી. ગોવીન્દ મારુએ બન્ને ઈ.બુક્સને વાંચવાની સહુલીયત બાબતે વીશાળ સ્ક્રીન પર જીવન્ત નીદર્શન કર્યું હતું.

અહેવાલ લેખન: આચાર્યશ્રી સુનીલ શાહ – sunilshah101@gmail.com   2015-10-05

♦●

4

(ડાબેથી સર્વશ્રી ગોવીન્દ મારુ, ઉત્તમ ગજ્જર, હીમ્મતભાઈ ધોળકીયા

અને ડૉ.શશીકાંતભાઈ શાહ)

(શીક્ષણવીદ્ અને કટારલેખક ડૉ. શશીકાંત શાહ)

(‘અભીવ્યક્તી’ બ્લોગર ગોવીન્દ મારુ)

(‘ઉંઝા જોડણી’ના સમર્થક અને ‘સન્ડે ઈ.મહેફીલ’ના

પ્રણેતા આદરણીય શ્રી. ઉત્તમભાઈ ગજ્જર)

ડૉ. શશીકાંત શાહનાં બે ઈ- પુસ્તકો

Anand ni khoj -આનંદની ખોજ-ઈ-બુક

teen -age-title-copy (1)

આનંદની ખોજ ઈ-પુસ્તકમાંનું  શ્રી ગુણવંત શાહનું એક અવતરણ …

જીવન આનંદપૂર્વક અને પ્રસન્નતાપૂર્વક જીવવાનું છે. કોઈ અકળ મહાસત્તા તરફથી મળેલી મૂલ્યવાન ભેટનું નામ જીવન છે. દુઃખ અને સુખ ઓચિંતાં આવી પહોંચે છે. સુખ અને દુઃખ બંનેનો જીવનમાં સ્વીકાર છે, પરંતુ એથી સુખી થવાનો પ્રયત્ન છોડવા જેવો નથી. સુખી થવું એ પ્રત્યેક મનુષ્યનો અધિકાર છે. જીવનમાં મનુષ્યને સૌથી વધારે આનંદ ક્યારે મળે ? જ્યારે જ્યારે માણસ બીજા માટે ઘસાઈ છૂટે ત્યારે તે સુખની ટોચ પર હોય છે. કર્મના કાયદામાં આપણી ચાંચ ભલે ન ડૂબે, પરંતુ પરાયા મનુષ્ય માટે કશુંક કરી છૂટવામાં જે પરિતોષ પ્રાપ્ત થાય એમાં જ આપણો ખરો સ્વાર્થ રહેલો છે. સ્વાર્થ એટલે શું ? ‘સ્વ’નો અર્થ સમજાય એ જ ખરો સ્વાર્થ !–ગુણવંત શાહ

ઉપરનાં બે ઈ-પુસ્તકો અને અને બીજાં આવાં જ પાંચ સુંદર ઈ-પુસ્તકો વાંચવા માટે સાહીત્ય પ્રીય મીત્ર શ્રી ગોવીંદ મારૂના બ્લોગ અભીવ્યક્તીની નીચેની લીંક પર ક્લીક કરશો.

https://govindmaru.wordpress.com/e-books/

આ અહેવાલની સાથે સાથે અભીવ્યક્તી બ્લોગમાં પોસ્ટ કરેલ શ્રી. યાસીન દલાલનો લેખ ‘મનુષ્યને મળેલી ઉત્તમ ભેટ : વીવેક બુદ્ધી’ લેખ ને પણ નીચેની લીંક પર ક્લીક કરીને માણો.

“મનુષ્યને મળેલી ઉત્તમ ભેટ : વીવેક બુધ્ધી : યાસીન દલાલ