આઠમી નવેમ્બર ની રાત્રીએ ભારતમાં અને અમેરિકામાં બનેલા બે બનાવોની દેશ વિદેશમાં મીડિયા અને નાગરિકોમાં ચોરે અને ચૌટે ચર્ચા ચાલી રહી છે અને તરખાટ મચાવી દીધો છે.
આ બે બનાવો એટલે ભારતમાં નરેન્દ્ર મોદીની સરકારનો રૃા. પ૦૦ અને રૃા. ૧૦૦૦ ની નોટોને ચલણમાંથી રદ કરવાના આ અચાનક લેવાયેલા કદમની જાહેરાત અને અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ નો રાષ્ટ્ર પ્રમુખની ચુંટણીમાં થયેલો અણધાર્યો વિજય.
ભારતમાં અચાનક રૃા. પ૦૦ અને રૃા. ૧૦૦૦ ની નોટો ચલણમાંથી રદ થયાની રાતો રાત સરકારી જાહેરાત પછી દેશમાં ઈમરજન્સી જેવો હાહાકાર મચ્યો છે.અનેક લોકો મૂંઝવણમાં મુકાઈ ગયા છે.એના મિશ્ર પ્રત્યાઘાતો પડ્યા છે.
પ્રતિભાવોમાં રાજનેતાઓ બે ભાગમાં વહેંચાઈ ગયા છે. મોટા ભાગે આ કદમને આવકારાયુ છે પરંતુ સંલગ્ન વૈકલ્પિક વ્યવસ્થાઓ પર પણ પ્રશ્નો ઉઠ્યા છે .
આ કદમની સૌથી મોટી અસર મોટા પ્રમાણમાં મોટી ચલણી નોટો દબાવીને બેઠેલા કાળા નાણાના ધારકોને થઈ છે . મુંગી વ્યક્તિને માર પડે, અને બોલી પણ ન શકે તેવી તેઓની દશા થઈ ગઈ છે .કાળાનાણાના ધારકો મનમાં બોલતા હશે કે, “એક દિન મેં હી માર દિયા; બેકાર હૂઆ ખજાના, ઈમાનદારી કી બઢી ખૂશ્બુઃ ‘બ્લેક મની’ હો ગયા ફસાના…!
ફિલ્મ કલાકારો રજનીકાન્ત અને કમલ હસને આ કદમની પ્રશંસા કરી, પરંતુ નોંધપાત્ર એ રહ્યું કે કરણ જોહરે આ કદમની ટ્વીટ કરીને પ્રશંસા કરી તો નરેન્દ્ર મોદીએ ટ્વીટ દ્વારા જવાબ આપ્યો કે “ભાવિ પેઢીને ભ્રષ્ટાચારથી મુક્ત કરવી છે…!”
સોશ્યલ મીડિયામાં અનેક પ્રકારની ટિપ્પણીઓ વહેતી થઈ, જેમાં કેટલીક ગંભીર હતી, તો ઘણી મનોરંજક હતી. લગભગ તમામ ટિપ્પણીઓનો અર્થ એવો નીકળતો હતો કે કદમ સારૃં લેવાયું છે; જરૃર હતી, પરંતુ કેટલીક વ્યવસ્થાઓ વધુ સારી બનાવાઈ શકી હોત, જેથી સામાન્ય લોકોને તકલીફ ઓછી પડે.
શ્રીશ્રી રવિશંકર મહારાજ અને “બાબા રામદેવે આ કદમને આવકાર્યુ.ભાજપના હાંસિયામાં ધકેલી દેવાયેલા વરિષ્ઠ નેતા એલ.કે. અડવાણીએ પણ આ કદમની પ્રશંસા કરી હતી .પ્રારંભથી જ કોંગ્રેસના પ્રવક્તા સુરજેવાલાએ આ અચાનક લેવાયેલા કદમથી આમ જનતાને પડનારી સમસ્યાઓની ટીકા કરી.રાહુલ ગાંધીએ અને દેશમાંથી ભ્રષ્ટાચાર દુર કરવાની ફીસીયાણી વાતો કરનાર દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલે એ પણ સરકારના નિર્ણયની ટીકા કરી છે .કોંગ્રેસના પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરે આ કદમને યોગ્ય ગણાવ્યું છે .આઝાદ ભારતમાં વર્ષ ૧૯પ૪ માં રિઝર્વ બેંકે અમલી બનાવેલી રૃા. પ૦૦ ની ચલણી નોટ રદ્દ થઈ હતી. જનતા પાર્ટીના શાસનમાં વડાપ્રધાન મોરારજી દેસાઈએ તા. ૧૬-જાન્યુઆરી-૧૯૭૮ ના રોજ મોટી ચલણી નોટો રદ્દ કરી હતી.
એક વાત એવી પણ વહેતી થઈ કે કાળાનાણાં ધારકો સોનું પાંચ ગણા ભાવે જૂની ચલણી નોટોના બદલામાં ખરીદી રહ્યાં છે, અને તોલાના સવા-દોઢ લાખ ખર્ચવા તૈયારી બતાવી રહ્યાં છે. અનેક સ્થળે રૃા. પ૦૦ અને ૧૦૦૦ ની નોટો ર૦૦-૩૦૦ માં પડાવી લેનારા લોકો પણ નીકળી પડ્યા હોવાના અહેવાલો આવી રહ્યાં છે.બનારસમાં તો બાર એસોસિએશને આ પગલાંને આવકારવા સરઘસ પણ કાઢયું હતું. આ બધી રસપ્રદ ઘટનાઓ લોકો માટે ચર્ચાની સરાણ પર ધારદાર બની રહી છે.
એક મિત્રના વોટ્સ એપ સંદેશમાંથી ….
જે કાગળ હતો તે અંતે તો કાગળ થઇ ગયો પ્રમાણિક માણસ અચાનક આગળ થઇ ગયો.
( સંકલિત )
P.M.Modi’s address to nation
India takes a historic step to fight corruption ,Black money and Terrorism
હજાર -પાંચસોની નોટો બંધ કરવાના આ ઐતિહાસિક નિર્ણયની અસરથી કવિ લોકો પણ બાકાત નથી રહ્યા.મુંબાઈ નિવાસી સાહિત્ય પ્રેમી મિત્ર શ્રી મહેન્દ્રભાઈ ઠાકરે ઈ-મેલમાં મોકલેલ
જાણીતા કવિ શ્રી કૃષ્ણ દવે ની આ રચના માણો.
લે લેતો જા- શ્રી કૃષ્ણ દવે
કાળા ડિબાંગ અંધારામાંથી બહાર આવેલી હજાર, પાંચસોની નોટમાંથી ગાંધીબાપુ બોલી ઉઠ્યા.
લે લેતો જા, શું રહી ગઈ તારી હસ્તી ? થઈ ગઈ ને એક જ પળમાં પસ્તી ?
મેં તો ઘણીવાર તને સમજાવ્યું’તુ ને ? કે આ રીતે મને ના ગોંધી રાખ,
પરંતુ અફસોસ આટલા વર્ષો પછી પણ મારૂ સ્વપ્ન તો અધુરું જ રહી ગયુ.
આજે ભલે તું જોઈ રહે મારી સામે આમ ગળગળો થઈને પરંતુ હવે તારો ભરોસો કઈ રીતે કરી શકાય ? શું એ વાતની મને કોઈ ખાત્રી આપી શકે ખરું ? કે આવતી કાલે બે હજારની નોટમાં ફરીવાર તું મને કેદ નહીં જ કરે ?
કૃષ્ણ દવે, તા-૧૧-૧૧-૨૦૧૬
શ્રી પરેશ ભટ્ટ ની રચના
સાભાર- શ્રી શરદ શાહ..ફેસ બુક
કિંમત બિલકુલ સસ્તી થઇ ગઈ નોટુમાંથી પસ્તી થઇ ગઈ પાંચ મિનિટ પીએમ શું બોલ્યા પબ્લિક સાથે મસ્તી થઇ ગઈ ડાધીયા કુતરા મ્યાંઉ કરે ને બિલ્લી સઘળી ભસ્તી થઇ ગઈ દોલત શોહરત લઈ લીધી ને વગર વરસાદે કસતી થઇ ગઈ ‘સો’નું બંડલ જેની પાસે આજ એ મોટી હસ્તી થઇ ગઈ જેણે ઝાઝા ભેગા કર્યા અક્કલ એની ખસતી ગઈ હસ્તી જે મોટી કહેવાતી આજ એ ટાંટિયા ઘસતી થઇ ગઈ –પરેશ ભટ્ટ
શ્રી મહેન્દ્ર શાહનું એક સુંદર કાર્ટુન …સાભાર પ્રસ્તુત …
આજની ઈ-મેલ માં મિત્ર શ્રી પી.કે.દાવડા એ જાણીતા કવિ શ્રી કૃષ્ણ દવેનું “આજનું શિક્ષણ ” એ નામની સુંદર કાવ્ય રચના મોકલી છે. શ્રી દાવડા અને કવી શ્રી કૃષ્ણ દવેના આભાર સાથે નીચે પ્રસ્તુત છે.
આ કાવ્યના જ વિષયની પૂર્તિ કરતો ડૉ. પંકજ જોશીનો રીડગુજરાતી માં November 27th, 2012 ના રોજ પ્રગટ લેખ નેટ જગતનાં ઊંડાં અભ્યાસી અને ખુબ જાણીતાં મારાં બીજાં મિત્ર સુ.શ્રી પ્રજ્ઞાબેન વ્યાસે ઈ-મેલમાં વાંચવા માટે મોકલ્યો હતો .
આ લેખના લેખક ડૉ. પંકજ જોશી અને લેખ મોકલવા બદલ બદલ સુ.શ્રી પ્રજ્ઞાબેનના આભાર સાથે આજની શિક્ષણ પ્રથા અંગે આપણને વિચારતા કરી મુકે એવો ચિંતન લેખ નીચે પ્રસ્તુત છે.
કારકિર્દીના કારખાનાં – ડૉ. પંકજ જોશી
[ ભારતના મુખ્ય વૈજ્ઞાનિકોમાંના એક એવા શ્રી પંકજભાઈના નામ તેમજ તેમના લેખનથી આપણે સૌ પરિચિત છીએ. તેઓએ આઈન્સ્ટાઈનના ગુરુત્વાકર્ષણના સિદ્ધાંત ઉપર પી.એચ.ડી. પ્રાપ્ત કરી છે. હાલ તેઓ મુંબઈની ‘ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ’ ખાતે પ્રોફેસર તરીકે સંશોધનકાર્ય કરી રહ્યાં છે. તારાઓના ગુરુત્વીય ભંગાણ અને વિલય વિશેની એમની ફાયરબોલ થિયરીની આંતરરાષ્ટ્રીય ધોરણે નોંધ લેવાઈ છે. ગુજરાતી ભાષા અને યુવાશિક્ષણ વિશે તેઓ સતત ચિંતિત રહે છે. તેમના પ્રસ્તુત લેખમાં પણ કારકિર્દીની રેસમાં જીવનનો આનંદ ખોઈ નાખતાં યુવાનો પ્રતિ ચિંતા વ્યક્ત થાય છે. આપ તેમનો આ સરનામે psjcosmos@gmail.com સંપર્ક કરી શકો છો.]
એક મિત્રનો દીકરો ચૌદ-પંદર વરસનો છે. દસમાની પરીક્ષા હમણાં જ આપી. સવારે સાડા-સાતે શાળા શરૂ થાય. બપોરે અઢી વાગે પાછો આવે. પછી સાડા-ત્રણે ક્લાસમાં જવાનું. અત્યારથી આઈ.આઈ.ટી.ની તૈયારી શરૂ. કોચિંગ ક્લાસમાંથી રાત્રે સાડા-આઠે પાછો આવે. પછી જમી લેવાનું અને રાત્રે સાડા-નવે બધું ક્લાસનું અને શાળાનું હોમ-વર્ક કરવા બેસી જવાનું. તે એ બધું રાત્રે એક વાગ્યા સુધી ચાલે. ત્યારે એ સમયે સુવે અને ફરી સવારે સાડા-છ વાગે ઉઠીને જેમ તેમ નાસ્તો કરી નિશાળે ભાગતો થાય !
તેના મમ્મી-પપ્પાને મેં પૂછ્યું કે તેને આ બધું અને આટલી મજૂરી ફાવે છે અને ગમે છે ? આટલી નાની ઉંમરમાં આટલું યંત્રવત જીવન, વરસના બાર મહિના આ જ રીતે ? અને બાળકના મન પર તેની શી અસર થાય ? ત્યારે તેઓ કહે કે એ તો બધું કરવું જ પડે, તેમાં કંઈ ચાલે જ નહી ! આમાં ગમવા-ન ગમવાની વાત જ ક્યાં આવે ? એન્જિનિયર થવું હોય, કારકિર્દી બનાવવી હોય તો અત્યારે તો આ જ રસ્તો છે, આમ જ કરવું પડે ! અમારે તો જરા મોડું થઈ ગયું, નહીં તો આઈ.આઈ.ટી.ના ક્લાસ તો આઠમા-નવમા ધોરણથી જ શરૂ થઈ જાય છે, ત્યારે જ શરૂ કરી દેવાના હોય ને ! મેં કહ્યું કે આમાં તેના શોખ, રસના વિષયો, આ બધાનું શું ? તેઓ કહે, તેનું કંઇ નહી. કેરિયર તો બનાવવી પડશે ને ? અને તે માટે તો આ સિવાય ચાલે જ નહીં, પછી ગમે કે ન ગમે ! અત્યારે તો છોકરાઓને રાત-દી મહેનત કરવી પડે તેવું છે !
મને તરત એક જ વિચાર આવ્યો કે આપણા દેશમાં બાળ-મજૂરીની વાતો તો ઘણી થાય છે. તો આ પણ અઢાર-વીસ કલાકની બાળ મજૂરી નથી તો શું છે ? અને સુખી-સદ્ધર માતા-પિતાઓ હોંશે હોંશે પોતાના બાળકોને આવા બધા કેળવણીના કારખાનાઓમાં ખુશીથી ધકેલી દે છે ! તેમાં બાળકને સફળતા મળી તો રાજીના રેડ અને ગામ ગજવશે અને નિષ્ફળતા મળી તો જાણે દુનિયા ડૂબી ગઈ તેવો શોક અને ખરખરો કરશે ! આમાંથી પરિણામ શું આવે છે ? છોકરા હોંશિયાર અને મહેનતુ હોય તો કંઈ ને કંઈ કરી તો લે છે, પરંતુ તેઓ અતિ યંત્રવત બનતા જાય છે. તેમનામાં એક પ્રકારની લાગણી શૂન્યતા જન્મવા લાગે છે અને તેઓ જડ જેવા બનતા જાય છે. કેરિયર અને કારકિર્દીને નામે તેમના પર જે એક પ્રકારનો બળાત્કાર વર્ષો સુધી થયા કરે છે તેના પરિણામે દુનિયાને જોવાની તેમની દ્રષ્ટિ જ બદલાઈ જાય છે. આમાં મૂળ કામ બાળકની સર્જનાત્મકતાનો નાશ થવાનું જ થાય છે અને છેવટે શાળાઓ, માતા-પિતા અને બાળકની લાગણીશૂન્યતા… આ જ સરવાળો નીકળે છે.
મહેનત કરવાની, ઊંચી સિદ્ધિઓ પ્રાપ્ત કરવાની કે કારકિર્દીઓ બનાવવાની ના નથી અને તેમાં કંઈ ખોટું પણ નથી. પરંતુ તે આવી અને આટલી હઠ કરીને જોર-જુલમથી ન થવું જોઈએ, જે માતા-પિતાઓ અને શાળાઓ આજે કરે છે. કેવળ સહજતા, સમજણ અને રસપૂર્વક બાળક પ્રેરાવું જોઈએ, પોતે જે કંઇ કરે તેમાં. કદાચ સાચી કેળવણીનું હાર્દ એમાં જ છે. વાસ્તવમાં શાળાઓનું તો કાર્ય જ આ છે અને બાળકનો સહજ વિકાસ તેનું નામ જ સાચી કેળવણી છે. પણ આજે તો આપણી મોટાભાગની શાળાઓ કેળવણી આપનાર સંસ્થાઓ નહીં પણ કારકિર્દીના કારખાનાંઓ બની ચુકી છે ! કવિ કૃષ્ણ દવેએ લખ્યું છે, ‘આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે, પતંગિયાઓને પણ કહી દો સાથે દફતર લાવે.’ જો શક્ય હોય તો આપણી આધુનિક શાળાઓના ‘મેનેજમેન્ટ’ શિસ્તને નામે આ પણ કરે તેવી આજે પરિસ્થિતિ છે.
આ બધામાં મૂળ વૈજ્ઞાનિક વાત સમજવાની છે તે એ છે કે માતા-પિતાનો કે સમાજનો મૂળ ઉદ્દેશ્ય શું છે ? છેવટે તો પોતાનું બાળક તેના જીવનમાં સુખી થાય, તેના જીવનમાં આનંદ પ્રગટે, તે શરીર અને મનથી એક અતિ આરોગ્યપૂર્ણ, સ્વસ્થ અને વિકાસશીલ જીવન જીવે… આ જ આપણે ઇચ્છીએ છીએ ને ? પણ જે પ્રકારનો અત્યાચાર આજે કેળવણી અને કારકિર્દીને નામે આજે બાળક પર થાય છે તેમાં એની સ્વસ્થ મનોભૂમિકાનો તો કેવળ નાશ જ થઇ જાય છે. છેવટે પેદા થાય છે તે તો એક યંત્રવત અને જડ વ્યક્તિત્વ, જેમાં સુખ પાંગરવાની અપેક્ષા કેવી રીતે રાખી શકાય ? આને કારણે જ આજે બાળકોમાં પણ અનેક માનસિક વિકૃતિઓ અને આપઘાતોનું પ્રમાણ વધતું ચાલ્યું છે અને અન્ય અનેક વિચાર વમળોમાં પણ બાળકો ફસાય છે. આ બધી કહેવાતી આધુનિક વિચારધારા તથા વિકાસની બલિહારી છે. આઈ.આઈ.ટી.ના વિદ્યાર્થીઓમાં અને આવી બીજી સંસ્થાઓમાં પણ અનેકવાર વિદ્યાર્થીઓ ભારે માનસિક તાણનો ભોગ બનતા હોય છે. આ બધાનું મૂળ કારણ આપણા કેવળ ખોટા અગ્રતાક્રમો જ છે. આવા બાળકો પછી ગેરમાર્ગે દોરાય છે, આપઘાતો કરે છે અથવા મોટા થાય ત્યારે જડ રોબોટ જેવા બની જાય છે.
કેટલાક સમય પહેલાં મુંબઈમાં અને અન્યત્ર ઉપરા-ઉપરી અનેક વિદ્યાર્થીઓના આપઘાતોના કિસ્સાઓ બન્યા હતાં તે ઘણાને યાદ હશે. કમનસીબી એ છે કે આપણે કાયમી ઉપાય કરવાને બદલે આ બધું બહુ જલદીથી ભૂલી જઈએ છીએ. આ બધી આત્મહત્યાઓ ભણવાના અને પરીક્ષાઓને લગતા પ્રશ્નો અને તાણમાંથી જ પેદા થઈ હતી અને આજે પણ થતી રહે છે. આ નવ યુવાનો કેવી કારમી મનોવ્યથામાંથી પસાર થતા હશે તેની કલ્પના તો કરી જુઓ ! પરંતુ આજે તો આપણને આપણા ‘વ્યસ્ત’ જીવનમાંથી એ વિશે વિચારવાનો પણ સમય નથી ! ખરેખર તો કરવા જેવું એક કામ એ છે કે એક રવિવારે નિરાંત હોય ત્યારે શાંતિથી એક ઓરડામાં બારણાં બંધ કરીને પંદર મિનીટ બેસી જાઓ અને તમારા બાળકના અંતરમાં પ્રવેશ કરવાનો, તેની માનસિકતા સમજવાનો પ્રયત્ન અને વિચાર કરો. એ સમયે બીજો કોઈ વિચાર કે બીજી વાત ન જોઈએ. અને તમને તેમાંથી બાળકની ઘોર માનસિક તાણ તરત સમજાશે.
મૂળ વાત એ થઈ છે કે આજે આપણા સમાજ પાસે સાચી સફળતા એટલે શું તે વિચારવા-સમજવાની પૈસા સિવાય કોઈ અન્ય દ્રષ્ટિ જ રહી નથી. બાળકને આપણે જીવન માટે તૈયાર કરવું છે કે કેવળ પૈસા કમાવાનું મશીન બનાવવું છે ? અહીં જે. આર. ડી. ટાટાની એક વાત યાદ કરવા જેવી છે. આપણો દેશ ‘સુપર પાવર’ બની જાય તેવી વાત જયારે થાય ત્યારે તેઓ કહેતા, ‘મારો ભારત દેશ સુખી બને એ મારે જોઈએ છીએ, સુપર પાવર બને તે નહી !’
અલબત્ત, અહીં સ્વાભાવિક પ્રશ્ન તમે એ જ કરશો કે આ બધામાં તે વળી ઉપાય શું અને આમાં તે સુધારો કેમ કરીને થાય ? આભ ફાટ્યું ત્યાં થીગડું કેમ દેવું ? પણ અહીં નિરાશાજનક અભિગમ અપનાવવાની જરૂર નથી. એકવાર વાસ્તવિક પરિસ્થિતિ સાચી રીતે સમજીને વિચાર કરવાનું શરૂ કરીએ એટલે પરિવર્તન અવશ્ય શરૂ થાય જ છે. એટલે સહુથી પહેલું કામ વિચાર કરવાની શરૂઆત કરવાનું છે.
વાચકોના પ્રતિભાવ