વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Category Archives: ગાંધીજી

( 1008 ) મહાત્મા ગાંધી, રેંટિયો અને ઈન્ટરનેટ …… સોનલ પરીખ

૩૦મી જાન્યુઆરી એટલે કે ગાંધી નિર્વાણ દિને  દેશ અને પરદેશમાં પૂજ્ય બાપુને ભાવભરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી .

આજથી ૬૯ વર્ષ અગાઉ ૩૦મી જાન્યુઆરી, ૧૯૪૮ ના દિવસે મહાત્મા ગાંધીએ પોતાના જીવનની આહુતિ આપી હતી .ગાંધી દેશ માટે જીવ્યા હતા અને દેશ માટે શહીદ બની એમનાં કાર્યોથી વિશ્વમાં અમર બની ગયા.

વિશ્વ પ્રસિદ્ધ નાટ્યકાર બર્નાડ શો એ મહાત્મા ગાંધી વિષે કહ્યું હતું કે –

“આવનારી પેઢીઓ ભાગ્યે જ વિશ્વાસ કરશે કે ક્યારેક આ સંસારમાં એવી વ્યકિત પણ રહી હતી, જે આધુનિક સ્વતંત્ર ભારતના પિતા,નવરાષ્ટ્રના નિર્માતા અને ભાગ્ય વિધાતા એવી ઘણી વિવીધતાઓ લઈને કોઈ નોખી માટીનો માનવી આ દેશમાં જન્મયો હશે”.

મારી નીચેની અછાંદસ રચનાથી પૂજ્ય બાપુને ભાવભરી શ્રદ્ધાંજલિ આપું છું.

ગાંધી અને આઝાદી …અછાંદસ રચના

Gandhi Sketch- Vinod Patel

પંદરમી ઓગસ્ટ ૧૯૪૭ એ ભારત બન્યો આઝાદ,

ખુશી ફરી વળી, સમગ્ર દેશે ખુબ જશન મનાવ્યો,

દિલ્હીમાં દેશ નેતાઓ ઉજવણીમાં હતા મગ્ન ,

પણ આઝાદીની લડતમાં આગેવાની લેનાર,

દેશ માટે જીવન ખપાવનાર દુખી રાષ્ટ્રપિતા ,

અલિપ્ત રહ્યા, ગેરહાજર રહ્યા એ ઉજવણીમાં,

ક્યાં હતા એ જશન ટાણે, અને શું કરતા હતા ?

કોમી દંગાઓથી દુખી આ દેશનેતા, એ વખતે,

દિલ્હીની ઉજવણીની ખાણી પીણીથી ઘણે દુર ,

બંગાળના નાના ગામમાં અનશન  ઉપર  હતા !

 નિસ્પૃહી હતા આ દીન દુખિયા મહાત્મા ગાંધી !

કેવી કરુણતા કે ,આઝાદીના માત્ર છ માસ પછી ,

એક ખૂનીના હાથે, દેશ માટે તેઓ શહીદ થયા .

દેશ માટે જીવનાર અને મરનાર આ રાષ્ટ્રપિતાને,

શહીદીની ૬૯મી સંવત્સરીએ દિલી સ્મરણાંજલિ. 

–વિનોદ પટેલ

=========

રીડ ગુજરાતી.કોમના સૌજન્યથી ગાંધી ઉપરનો મને ગમેલો એક લેખ મહાત્મા ગાંધી, રેંટિયો અને ઈન્ટરનેટ “ એનાં લેખિકા સાહિત્યકાર સુશ્રી સોનલ પરીખના આભાર સાથે નીચે પ્રસ્તુત છે.

મહાત્મા ગાંધી, રેંટિયો અને ઈન્ટરનેટ…..સોનલ પરીખ

મહાત્મા ગાંધીનું વ્યક્તિત્વ અત્યંત સીધુંસાદું હતું,સાથે અનેક પરિમાણીય અને માપનનાં કોઈ ધોરણોમાં બંધ ન બેસે તેવું વિરાટ હતું. તેઓ વિજ્ઞાન અને ટેકનોલૉજીના પ્રખર વિરોધી હતા એવી એક વ્યાપક માન્યતા છે. સાથે અનેક બુદ્ધિજીવીઓ ગાંધીજી આજે હયાત હોત તો કૉમ્પ્યુટર અને ઈન્ટરનેટનો માનવીય નિસબત અને માનવ વિકાસના સંદર્ભે સારામાં સારો ઉપયોગ કરતા હોત તેવું પણ માને છે.

તાજેતરમાં એક દળદાર અંગ્રેજી પુસ્તક પ્રકાશિત થયું છે : ‘મ્યુઝિક ઑફ ધ સ્પિનિંગ વ્હીલ’ – જેમાં રેંટિયા જેવા સાદા યંત્રને સ્વાતંત્ર્યસંગ્રામ અને આત્મનિર્ભરતાનું પ્રતીક બનાવનાર મહાત્મા ગાંધીના ઈન્ટરનેટ યુગ સાથેનાં જોડાણની એક શક્યતા વર્ણવાઈ છે. પ્રસ્તુત છે વાચકો માટે એ પુસ્તકની થોડી રોચક વાતો….

વર્ષ 1931ના ડિસેમ્બર મહિનામાં મહાત્મા ગાંધી અને યુરોપના નૉબલ પ્રાઈઝ વિજેતા ચિંતક રોમા રોલાં – આ બે સુપ્રસિદ્ધ મહાપુરુષો વચ્ચે એક વાર્તાલાપ થયો હતો. આજે પણ એને વાંચીને મન પ્રકાશિત થઈ ઊઠે. તેનો એક અંશ જોઈએ.

રોમા રોલાં : તમે સત્યને ઈશ્વર શા માટે કહો છો ?

મહાત્મા ગાંધી : હિંદુઓમાં ઈશ્વરનાં હજારો નામ છે, પણ તેમાંનું એક પણ નામ ઈશ્વરની વિભૂતિને સર્વથા વ્યક્ત કરતું નથી. ઈશ્વર તેનાં સર્વ સર્જનોમાં- દરેક જીવમાં રહેલો છે. તેથી તેનું કોઈ એક નામ ન હોઈ શકે તેમ પણ આપણે કહીએ છીએ. પણ મારે માટે ઈશ્વરને વ્યક્ત કરી શકે તેવો જો કોઈ એક શબ્દ હોય તો તે સત્ય છે. પહેલાં હું કહેતો, ઈશ્વર સત્ય છે. પણ હવે હું માનું છું કે સત્ય ઈશ્વર છે.

રોમા રોલાં : પણ સત્ય એટલે શું ?

મહાત્મા ગાંધી : પ્રશ્ન અઘરો છે, પણ મેં મારા પૂરતું શોધી કાઢ્યું છે કે મારા અંતરાત્માનો અવાજ તે જ મારું સત્ય.

રોમા રોલાં : સત્ય એ જ ઈશ્વર હોય તો હું માનું છું કે ઈશ્વર એટલે પૂર્ણ આનંદ. સાચી કલા, નિરામય સૌંદર્ય, સૌજન્ય, સહજ આનંદ – આ ઈશ્વરનાં રૂપો છે.

મહાત્મા ગાંધી : હિંદુ ધર્મમાં ‘સચ્ચિદાનંદ’ શબ્દ છે. એનો અર્થ પણ આ જ છે. સત્ય આનંદવિહોણું ન હોઈ શકે. તેની શોધમાં હતાશા, યાતના, થાક બધું નથી આવતું તેમ નથી, પણ અંતે જે પ્રાપ્ત થાય છે તે નિર્ભેળ આનંદ જ હોય છે.

આ અંશ એક દળદાર પુસ્તક ‘મ્યુઝિક ઑફ ધ સ્પિનિંગ વ્હીલ : મહાત્મા ગાંધીઝ મેનિફેસ્ટો ફોર ધ ઈન્ટરનેટ એજ’ ના એક પ્રકરણમાંથી લેવામાં આવ્યો છે.

સત્ય, સત્ય પ્રાપ્તિનો નિર્ભેળ આનંદ અને સામાન્ય માનવીને પોતાનામાં રહેલાં સત્ય અને સત્વથી પરિચિત કરાવવો તે હતું મહાત્મા ગાંધીનું જીવન ધ્યેય. એક ગુલામ દેશનો હડધૂત થતો ગરીબ ગ્રામજન પણ પોતાની જાતને નિરુપયોગી કે અસહાય ન મહેસૂસ કરે તે માટે તેમણે તેના હાથમાં ચરખો મૂક્યો. ચરખાએ એ યુગમાં એવી ક્રાંતિ સર્જી કે ભારતનું નિર્માલ્ય પ્રજાજીવન એક વિરાટ ચૈતન્ય બની પોતાને જકડી રાખનાર સાંકળોને તોડી શક્યું.આ સંદર્ભે આ પુસ્તકના લેખક સુધીન્દ્ર કુલકર્ણી જે ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ  બિહારી વાજપાઈના અંગત સહાયક હતા, તેમણે એક રસપ્રદ વાત કરી છે કે જે ક્રાંતિ ચરખાએ ગાંધીયુગમાં કરી હતી એ ક્રાંતિ-સામાન્ય માનવીના સશક્તીકરણની- આજે ઈન્ટરનેટે કરી બતાવી છે.

ઈન્ટરનેટ વાપરતો વૃદ્ધ કે અશક્ત માનવી દુનિયાના એક ખૂણામાં બેસીને માહિતી, જ્ઞાન ને મનોરંજન મેળવી શકે છે. સમય બદલાતો જાય તેમ સાધનો બદલાતાં જાય : ત્યારે ચરખો હતો, આજે ઈન્ટરનેટ છે. પણ ધ્યેય બન્નેનું એક જ છે – અને તો પછી ઈન્ટરનેટ એક સાચા માનવપ્રેમી મહાત્મા ગાંધીની વૈચારિક ક્રાંતિનો જ એક ચહેરો કેમ ન હોઈ શકે ? સુધીન્દ્ર કુલકર્ણી ઈન્ડિયન એક્સપ્રેસની પોતાની કોલમમાં પણ આ વાત વારંવાર કહેતા.

મહાત્મા ગાંધીનો જન્મ 1869માં થયો. ઈન્ટરનેટનો જન્મ તેનાgandhi-internet બરાબર સો વર્ષ પછી એટલે કે 1969માં થયો. ઈન્ટરનેટ યુગનું એક સીમાચિહ્ન એટલે સ્ટીવ જૉબ્સ.

સ્ટીવ જૉબ્સે 1990ના દાયકામાં એપલનું મશહૂર ‘થીંક ડિફરન્ટ’ એડવર્ટાઈઝિંગ કૅમ્પેન શરૂ કર્યું ત્યારે તેણે મહાત્મા ગાંધીનો ચરખા સાથેનો ફોટોગ્રાફ પસંદ કર્યો હતો, જેના પર ‘થીંક ડિફરન્ટ’ ઉપરાંત ‘બી ધ ચૅન્જ યુ વીશ ટુ સી ઈન ધ વર્લ્ડ’ એવું મહાત્મા ગાંધીનું અવતરણ હતું.

ડિજિટલ ટેકનૉલૉજીના અનેક ચહેરા છે, પણ તેના સંશોધન સાથે ઊંડી સામાજિક નિસબત જોડાયેલી છે. ઈન્ટરનેટ વિશ્વ સાથે જોડાયેલા તમામ ‘જેન્યુઈન’ સંશોધકોનું ધ્યેય ધન નહીં, પણ માનવજાતની સેવા અને સર્જનાત્મકતાનો આવિષ્કાર છે. આ સંશોધકો કહે છે કે ડિજિટલ ક્રાંતિ ખરેખર તો પ્રકૃતિના ઉત્ક્રાંતિના નિયમને અનુસરે છે.

પ્રકૃતિમાં વિકાસ છે, પણ સંઘર્ષ નથી, સહકાર છે. ગાંધીએ પણ આ સિદ્ધાંત માનવવિકાસના પાયામાં જોયો છે. જોકે, ઈન્ટરનેટ વ્યાવસાયિકતાને રાજકારણની સાંકડી સીમાઓથી નિયંત્રિત થાય તો તે માનવવિકાસને બાધક નીવડે છે, જેમ માનવીનું મગજ નૈતિક મૂલ્યોવિહોણી બુદ્ધિથી ગેરમાર્ગે દોરવાય અને વિકાસને બદલે પતન લાવે તેમ.

સ્ટીવ જૉબ્સ કહે છે, ‘માનવીનું મન અત્યંત ઉધમાતિયું છે, જેમ તમે તેને શાંત પાડવા જાઓ તેમ તે વધુ ધાંધલ કરે છે, પણ એકવાર જો તે શાંત થાય તો એક સાચી ક્ષણમાં રહેલી અપરંપાર શક્યતાઓને જોઈ શકે છે.’ ‘હિંદ સ્વરાજ’માં ગાંધીજીએ લખ્યું છે, ‘મન અશાંત પક્ષી જેવું છે. જેમજેમ તેને વધુ પ્રાપ્તિ થાય તેમતેમ તેની ઝંખના વધતી જાય છે. તેના અસંતોષનો કોઈ અંત નથી.’ ‘પ્રાર્થના, ઉપવાસ, મૌન અને કાંતણ વડે તે શાંત થાય છે અને ચરખાના મધુર ગુંજારાવ જેવો પોતાના આત્માનો અવાજ પછી તે સાંભળી શકે છે.’

સ્ટીવ જૉબ્સે ભારતમાં આવ્યા બાદ પોતાનું નિરીક્ષણ આ શબ્દોમાં નોંધ્યું છે : ‘અમેરિકા અને ભારત વચ્ચે અત્યંત વિરાટ સાંસ્કૃતિક તફાવત છે. ભારતની ગ્રામીણ પ્રજા અમેરિકાના લોકોની જેમ બુદ્ધિના આધારે નથી જીવતી. આ પ્રજા પોતાની સહજ સ્ફુરણાના આધારે જીવે છે અને આ તેમની આ શક્તિ વિશ્વની અન્ય પ્રજાઓ કરતાં અનેક ગણી વધુ વિકસિત છે. હું માનું છું કે ઈન્ટ્યુઝન ઈઝ મોર પાવરફુલ ધેન ઈન્ટલેક્ટ. મારા જીવન પર આ બાબતની બહુ મોટી અસર છે.’

8 એપ્રિલ, 1921માં ભારતભ્રમણ કર્યા બાદ એક વ્યાખ્યાનમાં ગાંધીજીએ કહ્યું હતું, ‘આ પ્રવાસમાં મેં જોયું કે ભારતની ગ્રામીણ સ્ત્રીઓ આપણે તેમને માનીએ છીએ તેવી બુદ્ધિહીન કે અસંસ્કારી નથી. તેઓ પોતાની સહજ સમજના આધારે ભણેલા ભારતીયોના વિચાર વાદળમાં ધૂંધળું જોતી દષ્ટિ કરતાં વધુ સ્પષ્ટ જોઈ શકે છે.’

લેખક કહે છે, ‘ઈન્ટરનેટ અને અન્ય ડિજિટલ ટેકનૉલૉજી મહાત્માના વિચારોનું વહન કરવાનું સામર્થ્ય ચોક્કસ ધરાવે છે.’ ઈન્ટરનેટમાં ગાંધી જેમાં માનતા તેવી વ્યક્તિગત અને વૈશ્વિક જીવનશૈલીનો નવો યુગ નિર્માણ કરવાની ભરપૂર શક્યતાઓ રહેલી છે. એક એવું વિરાટ વિશ્વ, જેની ધરી નૈતિક મૂલ્યોની બનેલી હોય – જેમાં સંવાદિતા અને સાતત્યપૂર્ણ વિકાસ હોય.

‘ઈન્ટરનેટ સત્યાગ્રહીઓ’ ઊભા કરવાની વાત સાથે લેખકે અટલ બિહારી વાજપાઈએ જે ભૌતિક, સાંવેદનિક, રાજકીય, વૈશ્વિક, પડોશી રાષ્ટ્રો વચ્ચેની અને ડિજિટલ ‘કનેક્ટિવિટી’ની વાત કરી હતી તેનો પણ સંદર્ભ આપ્યો છે. ગાંધીજી કહેતા, ‘હું ભારતનો નહીં, સત્યનો સેવક છું.’ તેઓ ક્રાંતિકારી હતા. તેઓ વિજ્ઞાન અને ટેકનૉલોજીના નહીં, માણસ અને માણસાઈનું હનન કરતાં  તેનાં પરિણામોના વિરોધી હતા.

પુરાતન સાદા યંત્ર રેંટિયાથી માંડી તંત્રજ્ઞાનના વિકાસની ચરમસીમા સમા ઈન્ટરનેટ આ બન્ને અંતિમોને વિચારીએ તો લાગે છે કે મહાત્માની શાંતિમય અને અહિંસક વિશ્વકુટુંબ રચવાની ઝંખનાએ જે તાલાવેલીથી ચરખો ચલાવ્યો હતો તે જ નિપુણતાથી ઈન્ટરનેટને પણ આવકાર્યું જ હોત અને કૉમ્પ્યુનિકેશન રિવોલ્યુશનના આ યુગમાં પણ તેઓ અવતાર પુરુષ રહ્યા જ હોત. આ પુસ્તક મહાત્મા ગાંધીનો વૈચારિક ક્રાંતિનો તંતુ ઈન્ટરનેટ વિશ્વ સાથે જોડવાનો એક રસ પડે તેવો ઉપક્રમ લઈને આવ્યું છે. કોઈ ગાંધીજને કે ગાંધીયુગના કોઈ ચિંતકે ગાંધીવિચારોને આ પ્રકારનું પરિમાણ આપ્યું હોવાનું જાણમાં નથી.

-સોનલ પરીખ

સંપર્ક :sonalparikh1000@gmail.com

સૌજન્ય :રીડ ગુજરાતી.કોમ

 

gandhi-sins-2-3

===========

બે એરીયાની જાણીતી સંસ્થા “બેઠક” ઘણી સુંદર સાહિત્ય પ્રવૃતિઓ કરી રહી છે, એમાંની એક પુસ્તક પરબની પ્રવૃત્તિ છે.એમાં સભ્યોને વાંચવા માટે પુસ્તકો અપાય છે.હવે નવા વર્ષથી સારા પુસ્તકો વડીલોને સાંભળવા મળે એ માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી ઓડિયો -વિડીયો માધ્યમનો ઉપયોગ શરુ કરી સદવિચારો લોકો સુધી પહોંચાડવા ” વાચિકમ” નું અભિનવ પગલું શરુ કર્યું છે. આ માટે આ સંસ્થાને અભિનંદન ઘટે છે.

નીચેના ઓડિયોમાં સુશ્રી.દીપલ પટેલને એક જાણીતા પુસ્તકમાંથી ૩૦મી જાન્યુઆરીના શહીદ દિનને અનુરૂપ ગાંધીજી વિશેના ભાગનું પઠન કરતાં તમે સાંભળી શકશો.

Vachikam-Dipal patel

સૌજન્ય :શબ્દોનું સર્જન – બેઠક 

( 972 ) એક દિન મેં હી માર દિયાઃ બેકાર હૂઆ સારા ખજાના……

ભારતમાં અચાનક રૃા. પ૦૦ અને રૃા. ૧૦૦૦ ની નોટો ચલણમાંથી રદ થવાથી મચેલો તરખાટ …

એક દિન મેં હી માર દિયાઃ બેકાર હૂઆ સારા ખજાના,
ઈમાનદારી કી બઢી ખૂશ્બુ, ‘બ્લેક મની’ હો ગયા ફસાના…!

“ભાવિ પેઢીને ભ્રષ્ટાચારથી મુક્ત કરવી છે…!”… નરેન્દ્ર મોદી

આઠમી નવેમ્બર ની રાત્રીએ ભારતમાં અને અમેરિકામાં બનેલા બે બનાવોની દેશ વિદેશમાં મીડિયા અને નાગરિકોમાં ચોરે અને ચૌટે ચર્ચા ચાલી રહી છે અને તરખાટ મચાવી દીધો છે.

આ બે બનાવો એટલે ભારતમાં નરેન્દ્ર મોદીની સરકારનો રૃા. પ૦૦ અને રૃા. ૧૦૦૦ ની નોટોને ચલણમાંથી રદ કરવાના આ અચાનક લેવાયેલા કદમની જાહેરાત અને અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ નો રાષ્ટ્ર પ્રમુખની ચુંટણીમાં થયેલો અણધાર્યો વિજય.

ભારતમાં અચાનક રૃા. પ૦૦ અને રૃા. ૧૦૦૦ ની નોટો ચલણમાંથી રદ થયાની રાતો રાત સરકારી જાહેરાત પછી દેશમાં ઈમરજન્સી જેવો હાહાકાર મચ્યો છે.અનેક લોકો મૂંઝવણમાં મુકાઈ ગયા છે.એના મિશ્ર પ્રત્યાઘાતો પડ્યા છે.

પ્રતિભાવોમાં રાજનેતાઓ બે ભાગમાં વહેંચાઈ ગયા છે. મોટા ભાગે આ કદમને આવકારાયુ છે પરંતુ સંલગ્ન વૈકલ્પિક વ્યવસ્થાઓ પર પણ પ્રશ્નો ઉઠ્યા છે .

આ કદમની સૌથી મોટી અસર મોટા પ્રમાણમાં મોટી ચલણી નોટો દબાવીને બેઠેલા કાળા નાણાના ધારકોને થઈ છે . મુંગી વ્યક્તિને માર પડે, અને બોલી પણ ન શકે તેવી તેઓની દશા થઈ ગઈ છે .કાળાનાણાના ધારકો મનમાં બોલતા હશે કે, “એક દિન મેં હી માર દિયા; બેકાર હૂઆ ખજાના, ઈમાનદારી કી બઢી ખૂશ્બુઃ ‘બ્લેક મની’ હો ગયા ફસાના…!

ફિલ્મ કલાકારો રજનીકાન્ત અને કમલ હસને આ કદમની પ્રશંસા કરી, પરંતુ નોંધપાત્ર એ રહ્યું કે કરણ જોહરે આ કદમની ટ્વીટ કરીને પ્રશંસા કરી તો નરેન્દ્ર મોદીએ ટ્વીટ દ્વારા જવાબ આપ્યો કે “ભાવિ પેઢીને ભ્રષ્ટાચારથી મુક્ત કરવી છે…!”

સોશ્યલ મીડિયામાં અનેક પ્રકારની ટિપ્પણીઓ વહેતી થઈ, જેમાં કેટલીક ગંભીર હતી, તો ઘણી મનોરંજક હતી. લગભગ તમામ ટિપ્પણીઓનો અર્થ એવો નીકળતો હતો કે કદમ સારૃં લેવાયું છે; જરૃર હતી, પરંતુ કેટલીક વ્યવસ્થાઓ વધુ સારી બનાવાઈ શકી હોત, જેથી સામાન્ય લોકોને તકલીફ ઓછી પડે.

શ્રીશ્રી રવિશંકર મહારાજ અને “બાબા રામદેવે આ કદમને આવકાર્યુ.ભાજપના હાંસિયામાં ધકેલી દેવાયેલા વરિષ્ઠ નેતા એલ.કે. અડવાણીએ પણ આ કદમની પ્રશંસા કરી હતી .પ્રારંભથી જ કોંગ્રેસના પ્રવક્તા સુરજેવાલાએ આ અચાનક લેવાયેલા કદમથી આમ જનતાને પડનારી સમસ્યાઓની ટીકા કરી.રાહુલ ગાંધીએ અને દેશમાંથી ભ્રષ્ટાચાર દુર કરવાની ફીસીયાણી વાતો કરનાર દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલે એ પણ સરકારના નિર્ણયની ટીકા કરી છે .કોંગ્રેસના પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરે આ કદમને યોગ્ય ગણાવ્યું છે .આઝાદ ભારતમાં વર્ષ ૧૯પ૪ માં રિઝર્વ બેંકે અમલી બનાવેલી રૃા. પ૦૦ ની ચલણી નોટ રદ્દ થઈ હતી. જનતા પાર્ટીના શાસનમાં વડાપ્રધાન મોરારજી દેસાઈએ તા. ૧૬-જાન્યુઆરી-૧૯૭૮ ના રોજ મોટી ચલણી નોટો રદ્દ કરી હતી. 

એક વાત એવી પણ વહેતી થઈ કે કાળાનાણાં ધારકો સોનું પાંચ ગણા ભાવે જૂની ચલણી નોટોના બદલામાં ખરીદી રહ્યાં છે, અને તોલાના સવા-દોઢ લાખ ખર્ચવા તૈયારી બતાવી રહ્યાં છે. અનેક સ્થળે રૃા. પ૦૦ અને ૧૦૦૦ ની નોટો ર૦૦-૩૦૦ માં પડાવી લેનારા લોકો પણ નીકળી પડ્યા હોવાના અહેવાલો આવી રહ્યાં છે.બનારસમાં તો બાર એસોસિએશને આ પગલાંને આવકારવા સરઘસ પણ કાઢયું હતું. આ બધી રસપ્રદ ઘટનાઓ લોકો માટે ચર્ચાની સરાણ પર ધારદાર બની રહી છે.

એક મિત્રના વોટ્સ એપ સંદેશમાંથી ….

જે કાગળ હતો તે અંતે તો કાગળ થઇ ગયો
પ્રમાણિક માણસ અચાનક આગળ થઇ ગયો.

( સંકલિત )

P.M.Modi’s address to nation

India takes a historic step to fight corruption ,Black money and Terrorism

Source…http://www.narendramodi.in/text-of-prime-minister-s-address-to-the-nation-533024

 Daily Mail UK ની આ લીંક પર સમાચાર વાંચો.

http://www.dailymail.co.uk/indiahome/indianews/article-3921344/India-adapts-cash-withdraw-Rs-100-note-PRECIOUS-shortage-lower-denomination-notes-causes-chaos-markets-hospitals.html#i-575163cd58006609

રૂપિયા ૨૦૦૦ અને રૂપિયા ૫૦૦ ની નવી નોટોની તસ્વીર 

new-currency-500-2000
હજાર -પાંચસોની નોટો બંધ કરવાના આ ઐતિહાસિક નિર્ણયની અસરથી કવિ લોકો પણ બાકાત નથી રહ્યા.મુંબાઈ નિવાસી સાહિત્ય પ્રેમી મિત્ર શ્રી મહેન્દ્રભાઈ ઠાકરે ઈ-મેલમાં મોકલેલ

જાણીતા કવિ શ્રી કૃષ્ણ દવે ની આ રચના માણો.

લે લેતો જા- શ્રી કૃષ્ણ દવે 

કાળા ડિબાંગ અંધારામાંથી બહાર આવેલી હજાર,
પાંચસોની નોટમાંથી ગાંધીબાપુ બોલી ઉઠ્યા.

લે લેતો જા, શું રહી ગઈ તારી હસ્તી ?
થઈ ગઈ ને એક જ પળમાં પસ્તી ?

મેં તો ઘણીવાર તને સમજાવ્યું’તુ ને ?
કે આ રીતે મને ના ગોંધી રાખ,

ફળિયામાં ઊંડે ઊંડે દાટી રાખેલા ડબ્બાઓમાં,
ટાઈલ્સની નીચે બનાવેલા ભંડકિયાઓમાં,
ખૂણે ખાંચરે આવેલા અંધારા માળિયાઓમાં,
કબાટની પાછળના ચોરખાનાઓમાં,
ઓફિસોના ખખડધજ ડ્રોવારોમાં,
આલીશાન આવાસોની અનબ્રેકેબલ સૂટકેશોમાં,
ભરડો લઈને બેઠેલા ભ્રષ્ટાચારીઓની જઠરોમાં,
લોહિતરસ્યા વરુઓની સળકતી દાઢોમાં,

અરે એ તો બતાવ કે ક્યાં ક્યાં તે મને નથી ગોંધી રાખ્યો ?
મે અપાવેલી આઝાદીને તું એકલો જ હડપ કરી જવા બેઠો છે ને કાંઇ ?

મારે તો આઝાદીને રમતી જોવી હતી-

છેક છેવાડે આવેલા ગામડાની ગલીઓમાં,
ખેડાઈ રહેલા ખેતરોના ઢેફાની સુગંધમાં,
પડી રહેલા પરસેવાની ઠંડકમાં,
વવાઈ રહેલા સપનાઓની નાજુક કીકીઓમાં,
વહેવા મથી રહેલા ઝરણાના ખળખળમાં,
આકાશ ભરીને ઊડી રહેલી નાનકડી પાંખોમાં
ઈમાનદારી થી છલકાતી આંખોમાં,
અને સરળતાથી જિવાઈ રહેલા જીવનમાં.

પરંતુ અફસોસ આટલા વર્ષો પછી પણ મારૂ સ્વપ્ન તો અધુરું જ રહી ગયુ.

આજે ભલે તું જોઈ રહે મારી સામે આમ ગળગળો થઈને
પરંતુ હવે તારો ભરોસો કઈ રીતે કરી શકાય ?
શું એ વાતની મને કોઈ ખાત્રી આપી શકે ખરું ?
કે આવતી કાલે બે હજારની નોટમાં ફરીવાર તું મને કેદ નહીં જ કરે ?

કૃષ્ણ દવે, તા-૧૧-૧૧-૨૦૧૬

શ્રી પરેશ ભટ્ટ ની રચના 

સાભાર- શ્રી શરદ શાહ..ફેસ બુક 

કિંમત બિલકુલ સસ્તી થઇ ગઈ
નોટુમાંથી પસ્તી થઇ ગઈ
પાંચ મિનિટ પીએમ શું બોલ્યા
પબ્લિક સાથે મસ્તી થઇ ગઈ
ડાધીયા કુતરા મ્યાંઉ કરે ને
બિલ્લી સઘળી ભસ્તી થઇ ગઈ
દોલત શોહરત લઈ લીધી ને
વગર વરસાદે કસતી થઇ ગઈ
‘સો’નું બંડલ જેની પાસે
આજ એ મોટી હસ્તી થઇ ગઈ
જેણે ઝાઝા ભેગા કર્યા
અક્કલ એની ખસતી ગઈ
હસ્તી જે મોટી કહેવાતી
આજ એ ટાંટિયા ઘસતી થઇ ગઈ
–પરેશ ભટ્ટ

શ્રી મહેન્દ્ર શાહનું એક સુંદર કાર્ટુન …સાભાર પ્રસ્તુત …

new-currency-mahendra-cartoon

( 940 ) ગાંધીજી વિષે અલપ ઝલપ વિચારો.. રજૂઆત…… શ્રી પી.કે.દાવડા/ગાંધીજીની આત્મકથા ભાગ ૧ થી ૪

મોહનદાસ કરમચંદ ગાંધી (ઓકટોબર ૨, ૧૮૬૯ – જાન્યુઆરી ૩૦, ૧૯૪૮)

મોહનદાસ કરમચંદ ગાંધી (ઓકટોબર ૨, ૧૮૬૯ – જાન્યુઆરી ૩૦,       ૧૯૪૮)

ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જીવન અને એમના વિચારો ઉપર આજ દિન સુધીમાં પુષ્કળ સાહિત્ય લખાયેલું આજે ઉપલબ્ધ છે.ગાંધીજીનું વ્યક્તિત્વ જ એવું નિરાળું અને આકર્ષક હતું કે એના વિષે હજુ પણ ઘણું લખાતું રહેશે અને વંચાતું રહેશે.

ફ્રીમોન્ટ,કેલીફોર્નીયા નિવાસી મિત્ર શ્રી પી.કે.દાવડાજીએ એમને ઉપલબ્ધ સંદર્ભમાંથી ગાંઘી સાહિત્યનું અધ્યયન કરી ગાંધીજીના જીવનનાં કેટલાંક પાસાંઓ પર પ્રકાશ પાડતા ત્રણ લેખો મિત્રોને એમની ત્રણ ઈ-મેલમાં મોકલ્યા હતા.

ગાંધી જીવન પર સરળ ભાષામાં માહિતી પૂરી પાડતા આ લેખો મને ગમી જતાં આજની પોસ્ટમાં વાચકો માટે એ અત્રે પ્રસ્તુત કર્યા છે.

એમના ત્રણ લેખો પછી પ્રતિલિપિ.કોમના સૌજન્યથી ગુજરાતી ભાષામાં ગાંધીજીની આત્મકથાના ચાર ભાગ ની લીંક આપી છે જેથી ગાંધીજીના સમગ્ર જીવનની ઝાંખી એમનાજ શબ્દોમાં એમાંથી વાચકોને મળી રહેશે

આશા છે આજની પોસ્ટમાં રજુ કરેલ ગાંધી સાહિત્ય આપને ગમશે અને પ્રેરક લાગશે .

વિનોદ પટેલ

===================

ગાંધી આજના સંદર્ભમાં ……પી.કે.દાવડા

આજે આપણે પાંચ હજાર વરસ પહેલા લખાયલી ગીતાનો સંદર્ભ શોધી, એને વખાણીએ છીએ, તો માત્ર ૬૮ વરસ પહેલાં લખાયલા ગાંધી વિચારોમાં આજનો સંદર્ભ શોધવામાં શા માટે સંકોચ કરીએ છીએ !

ગાંધીની હૈયાતીમાં અને ત્યારબાદ, વિશ્વના અતિ પ્રસિધ્ધ માનવીઓએ પણ ગાંધીની વાતોનો સંદર્ભ શોધી કાઢીને એમના વિષે ઉચ્ચારેલા શબ્દો આજે એ દેશોના ઇતિહાસમાં અંકિત થઈ ગયા છે. માત્ર થોડા જ ઉદાહરણ આપું.

જ્યોર્જ બર્નાડ શો એ કહ્યું હતું, “ગાંધીએ મારા ઉપર હિમાલય જેવી મોટી અસર છોડી છે.”

ઈથોપિયાના રાજા હેઈલ સેલાસીએ કહ્યું હતું, “જ્યાંસુધી સ્વતંત્ર માણસો અને સ્વતંત્રતા અને ન્યાયના ચાહકો રહેશે, ત્યાં સુધી ગાંધીની યાદ રહેશે.”

વિયેટનામના ક્રાંતિકારી હો ચી મિન્હે કહ્યું હતું, “હું અને અન્ય ભલે ક્રાંતિકારીઓ છીએ, છતાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ગાંધીના ચાહક છીએ , એથી જરાયે વધારે નહિં અને જરાયે ઓછું નહિં.”

યુનોના ભૂતપૂર્વ સેક્રેટરી જનરલ યું થાંટે કહ્યું હતું, “ગાંધીના ઘણાં સિધ્ધાંતો સમસ્ત વિશ્વ માટે અને કાયમને માટે લાગુ પડે છે. મને આશા છે કે એમની શાંતિપૂર્વક પરિવર્તન લાવવાની રીત એના સમયમાં જેમ સાચી હતી, તેમ આજે પણ સાચી છે.”

૧૯૯૭માં, આધુનિક કોમપ્યુટર યુગનું સૌથી જાણીતા સ્ટીવ જોબ્સે ગાંધીજીના મોટા ફોટા પાસે ઊભા રહીને કહ્યું હતું:

“ધૂની લોકો, અલગ જાતના લોકો અને બળવાખોર લોકોને સલામ કરું છું. કારણકે આવા લોકો ધારે છે કે દુનિયા બદલી શકાય છે, અને એ લોકો દુનિયા બદલે છે.”આવી હતી ગાંધીજીની સ્ટીવ જોબ્સ ઉપર અસર.

અલબર્ટ આઈનસ્ટાઈને કહ્યું, “ગાંધી આવતી અનેક પેઢીઓ માટે રોલ મોડેલ બની રહેશે. આપણા સમયની બધી જ રાજદ્વારી વ્યક્તિઓમાંથી ગાંધી સૌથી વધારે પ્રબુધ્ધ છે.” વધારામાં એમણે કહ્યું હતું, “આવનારી પેઢીઓ ભાગ્યે જ માની શકશે કે હાડમાંસનો બનેલો આવો માનવ ક્યારેય પણ આ ધરતી પર ચાલ્યો હતો.”

માર્ટિન લ્યુથર કીંગ જુનીઅરે કહ્યું હતું, “ઈશુએ અમને લક્ષ્ય આપ્યું અને મહાત્મા ગાંધીએ પધ્ધતિ શીખવાડી.”

દલાઈ લામાએ ઘણીવાર કહ્યું છે કે એ મહાત્મા ગાંધીને અનુસરે છે. “મને મહાત્મા ગાંધી પ્રત્યે ઘણો આદર છે. એ મહામાનવ હતા જેને મનુષ્ય સ્વભાવની જાણ હતી. એના જીવનમાંથી મને પ્રેરણા મળી છે.”

નેલસન મંડેલાએ અનેક્વાર કહ્યું હતું કે” ગાંઘી એક મહાન શિક્ષક હતા. ગાંધીના વિચારોએ સાઉથ આફ્રીકાના બદલાવમાં અગત્યનો ફાળો આપ્યો છે. ગાંધીના શિક્ષણથી રંગભેદની નાબૂદી થઈ શકી છે.”

૨૦૧૨ કોલંબિયા યુનિવર્સિટી, ન્યુયોર્કમાં પ્રવચન આપતાં આંગ સાન સુચિએ કહ્યું હતું, “મારા જીવનમાં ગાંધીની મોટી અસર છે.”

આ લીસ્ટ તો ઘણું લાંબું છે. અહીં મેં માત્ર થોડા ઉદાહરણ જ એટલા માટે આપ્યા છે કે આવી વિશ્વવ્યાપી અસર ધરાવનારી વ્યક્તિઓને ગાંધીજીની વિચાર ધારામાંથી સંદર્ભ મળે છે,તો આપણા જેવા સામાન્ય માણસોના રોજીંદા જીવનમાં ઉપયોગી થાય, એવા સંદર્ભ આપણે શા માટે ન સમજી લઈએ?

આ સંદર્ભ શોધવા અને સમજવા, આજથી થોડા દિવસ હું ગાંધીજીના જીવનના પ્રસંગો અને એની આજે પ્રાસંગિકતા વિષે લખવાનો પ્રયત્ન કરવાનો છું.

આમ આદમી માંથી ખાસ આદમી

શાળામાં વિદ્યાર્થી તરીકે ગાંધીજી એક સામાન્ય શ્રેણીના વિદ્યાર્થી હતા. ૧૮૮૭ માં અમદાવાદથી એમણે ગણિત, ઈતિહાસ, નેચરલ સાયન્સ, અંગ્રેજી અને ગુજરાતી વિષય સાથે સરેરાશ ૪૦ ટકા માર્કસ સાથે મેટ્રીકની પરીક્ષા પાસ કરેલી. શામળદાસ કોલેજમાં પહેલા વર્ષમાં ખૂબ જ નબળો દેખાવ કરી, અભ્યાસ છોડી દીધો.

એ જમાનામાં મેટ્રીક પાસ થનાર, ઈંગ્લેન્ડમાં કાયદાનો અભ્યાસ કરી, બેરીસ્ટર બની શકતા. ગાંધીજીએ પણ એમ જ કર્યું હતું.
ગાંધીજી ઈંગ્લેંડથી બેરિસ્ટર થઈ પાછા આવ્યા અને રાજકોટ અને મુંબઈમાં વકીલાત શરૂ કરી, પણ વકીલાત જામી નહિં.

વચેટિયાને ખુશ કરવા પડે, ખોટું સાચું કરવું પડે, આ બધું એમને ફાવતું નહિં.

એમણે મુંબઈની એક શાળામાં શિક્ષકની ૭૫ રૂપિયા પગારવાળી નોકરી માટે અરજી કરી, પણ એમની પાસે બી.એ. ની ડીગ્રી ન હોવાથી એ નોકરી ન મળી.

આ વાત ઉપરથી સાબિત થાય છે કે શરૂઆત ગમે એટલી નબળી હોય, જીવનમાં એક ધ્યેયને એકાગ્રતા અને ઈમાનદારીથી વળગી રહીને માણસ એવરેસ્ટ જેવી ઊંચાઈ સર કરી શકે છે.

આવતી કાલથી એમની પ્રગતિની વાતો અને એનો આજના સંજોગોમાં સંદર્ભ લખવાની શરુઆત કરીશ.
-પી. કે. દાવડા

ગાંધીજી આફ્રીકા શા માટે ગયા?

દક્ષિણ આફ્રીકામાં દાદા અબ્દુલા નામના એક વેપારીનું ૪૦,૦૦૦ પાઉન્ડનું લેણું એક તૈયબલી નામના મેમણ ઉપર નીકળતું હતું. કોર્ટમાં કેસ ચાલતો હતો. અબ્દુલાના અંગ્રેજ વકીલને અબ્દુલ્લા પોતાની વાત અંગ્રેજીમાં બરોબર સમજાવી શકે એવા માણસની એમને જરૂર હતી. કોઈકની ભલામણથી આ કામ માટે એમણે ગાંધીજીને આફ્રીકા બોલાવ્યા. શરૂઆતમાં એક વરસનું એગ્રીમેન્ટ કર્યું, વરસના ૧૦૫ પાઉન્ડ પગાર, અને રહેવા ખાવાની સગવડ, અને ફર્સ્ટક્લાસમાં મુસાફરી.

ગાંધીજીએ દાદા અબ્દુલ્લા અને તૈયબશેઠ વચ્ચે મામલો લવાદ દ્વારા ઘરમેળે પતાવી આપ્યો. આનાથી ગાંધીજીની શાખ ત્યાંના ભારતીયોમાં વધી, અને લોકોએ તેમને ત્યાં જ રોકાઈ જઈ પ્રેકટીસ કરવા સમજાવી લીધા.

૨૧ વરસ પછી ગાંધીજીએ આફ્રીકા છોડ્યું ત્યારે તેમની વાર્ષિક આવક ૬૦૦૦ પાઉન્ડની હતી.

સામાન્ય માન્યતા એવી છે કે એમને રેલ્વેના ફર્સ્ટક્લાસના ડબ્બામાંથી ઉતારી દીધા ત્યારબાદ ગાંધીજીએ ૨૧ વરસ સુધી આફ્રીકામાં રહીને માત્ર અંગ્રેજો સામે સત્યાગ્રહની લડત જ કરી હતી. હકીકતમાં એમણે કુટુંબનું પાલન પોષણ કર્યું, બાળકોને શિક્ષણ અપાવ્યું , વકીલ તરીકે પ્રેકટીસ કરી અને સમાજને સંગઠિત કરી, સત્યાગ્રહની લડાઈની આગેવાની લીધી.
એટલે કુટુંબ અને નોકરી ધંધાવાળા લોકો સામાજીક કામ ન કરી શકે એ માન્યતા ગાંધીજીના જીવન ઉપરથી ખોટી ઠરે છે. આમ આજે પણ ગાંધીજીના જીવનની વાતો આપણને પ્રેરણા આપવાની શક્તિ ધરાવે છે.

ગાંધીજીની જગ્યાએ બીજી કોઈ વ્યક્તિ હોત તો અબ્દુલા અને તૈયબજી વચ્ચે સુલેહ ન કરાવત, કારણ કે સુલેહ થઈ જાય અને કોર્ટમાંથી કેસ નીકળી જાય તો જે કામ માટે એને નોકરીએ રાખ્યો હતો એ કામ પતી જાય. પછી એની જરૂરત ન રહે અને નોકરી જતી રહે.

-પી. કે. દાવડા

Gandhi book photo

મહાત્મા ગાંધીજીની “આત્મકથા અથવા 

સત્યના પ્રયોગો “ભાગ ૧ થી ૪.. પ્રતિલિપિ પ્રકાશન 

પ્રતિલિપિ.કોમ ના સૌજન્યથી મહાત્મા ગાંધીજીની વિશ્વ વિખ્યાત આત્મકથા “સત્યના પ્રયોગો અથવા આત્મકથા” નું ઈ-પુસ્તક ગુજરાતી ભાષામાં નીચેના ચાર ભાગમાં સૌને માટે વાંચવા માટે ઉપલબ્ધ છે.

નીચેની લીંક પર ક્લિક કરીને આ ચાર ભાગમાં ગાંધીજીના સમગ્ર જીવનને એમના જ શબ્દોમાં વાંચો અને સૌને વંચાવો …. વિનોદ પટેલ

સત્યના પ્રયોગો અથવા આત્મકથા … ભાગ-૧.

સત્યના પ્રયોગો અથવા આત્મકથા   ભાગ-૨ 

સત્યના પ્રયોગો અથવા આત્મકથા ..ભાગ-૩ 

સત્યના પ્રયોગો અથવા આત્મકથા ..ભાગ-૪

( 681 ) ગાંધીજીને સમજવાની અને સમજાવવાની એક તડપ નારાયણભાઈમાં હતી…શ્રી રમેશ ઓઝા .

આજીવન ગાંધી મુલ્યોના પ્રચાર અને પ્રસારમાં જીવન વ્યતીત કરનાર સ્વ.નારાયણ દેસાઈ વિષેની આ અગાઉની પોસ્ટ નંબર680 ના અનુસંધાનમાં આજની પોસ્ટમાં જાણીતા કથાકાર રમેશ ઓઝા લિખિત લેખ

ગાંધીજીને સમજવાની અને સમજાવવાની એક તડપ નારાયણભાઈમાં હતી.

અને જાણીતા લેખક શ્રી સૌરભ શાહનો લેખ

નારાયણ મહાદેવ દેસાઈ: ૨૪-૧૨-૧૯૨૪થી ૧૫-૩-૨૦૧૫

સંપાદિત કર્યા છે.

આ બન્ને લેખો સ્વ. નારાયણ દેસાઈના ગાંધી સમર્પિત જીવન અને કાર્યો ઉપર સુંદર પ્રકાશ પાડે છે.

વિનોદ પટેલ

=================================

ગાંધીજીને સમજવાની અને સમજાવવાની એક તડપ નારાયણભાઈમાં હતી..-

શ્રી રમેશ ઓઝા

.

 

Vipul kal

૧૯૪૨માં મહાદેવભાઈનું આગાખાન પૅલેસમાં ગાંધીજી સાથે કેદમાં હતા ત્યારે અવસાન થયું હતું. ૧૯૪૪માં ગાંધીજીને આગાખાન પૅલેસમાંથી છોડવામાં આવ્યા એ પછી ગાંધીજીના મહાત્માપણાની કસોટી કરે એવા યાતનાના દિવસો શરૂ થયા હતા. મહાદેવભાઈના અવસાન પછી ગાંધીજીની પાંખમાં નારાયણભાઈ હતા અને યુવાન નારાયણભાઈ એ યાતનાના સાક્ષી હતા

ગાંધીજીની હત્યા આઘાતજનક ઘટના જરૂર હતી, નિરાશાજનક નહોતી. શરમજનક એ લોકો માટે હતી જેમણે ગાંધીજીની હત્યા કરી હતી અને હજી આજે પણ તેનો બચાવ કરે છે. નિરાશાજનક એટલા માટે નહોતી કે ગાંધીજીએ હજારો કાર્યકરોની ફોજ તૈયાર કરી હતી જેઓ આત્મવિશ્વાસથી છલકાતા હતા અને તેમના મનમાં કોઈ પ્રકારની દુવિધા નહોતી. આ બધા જીવનદાની લોકો હતા.

સમાજ એક અનસૂયાબહેન સારાભાઈને ઓળખે છે, કારણ કે એ અંબાલાલ સારાભાઈનાં પુત્રી હતાં. અનસૂયાબહેને પારિવારિક સાહેબી છોડીને સમાજ માટે જીવન સમર્પિત કરી દીધું હતું, પરંતુ એ સમયે શંકરલાલ બૅન્કર જેવા બીજા હજારો લોકો હતા જેમણે લોકસંગ્રહ માટે સ્વસંગ્રહ છોડી દીધો હતો.

સમાજ એક હરિલાલને ઓળખે છે, કારણ કે તેઓ ગાંધીજીના પુત્ર હતા, પરંતુ એ યુગમાં ગાંધીને સમર્પિત કાર્યકરોના ઘરમાં અનેક હરિલાલો હતા જેમના મનમાં સ્વૈછિક ભૂખ સામે અસંતોષ હતો. જીવન ધારણ કરનાર બધા લોકો પોતાને માટે કે પોતાના પરિવાર માટે જીવે છે, પરંતુ થોડા લોકો એવા પણ હોય છે જેઓ પોતાને અને પોતાના પરિવારને સુધ્ધાં બાજુએ મૂકીને સમાજ માટે જીવન જીવે છે. કઠોપનિષદમાં આને અનુક્રમે પ્રેય અને શ્રેય તરીકે ઓળખાવવામાં આવ્યું છે.

કઠોપનિષદે જેને વ્યક્તિગત ગુણ કહ્યો છે એ શ્રેયને ગાંધીજીએ કદાચ ઇતિહાસમાં પહેલી વાર સામાજિક બનાવી દીધો હતો. ૧૯૪૮માં ગાંધીજી હજારોની સંખ્યામાં શ્રેયાર્થીઓને પાછળ મૂકતા ગયા હતા એટલે ગાંધીજીની હત્યાની ઘટના, આગળ કહ્યું એમ, આઘાતજનક ઘટના હતી, નિરાશાજનક નહોતી.

આજે એક એક શ્રેયાર્થી આપણી વચ્ચેથી જાય છે ત્યારે હૃદયમાં ચીરા પડે છે. અંગત સ્વાર્થે જાણે દુશ્મનાવટ સાથે વળતું આક્રમણ કર્યું છે. આજે જે સ્વાર્થ જોવા મળે છે એ કઠોપનિષદે કહ્યું છે એવું પ્રેય નથી, પરંતુ કૃપણતા છે; જેને વિકૃતિ જ કહેવી પડે. કદાચ એવું હશે કે માનવી જ્યાં સુધી સેચ્યુરેશન લેવલે ન પહોંચે ત્યાં સુધી તેના મનમાં અભાવ પેદા થતો નથી. એ સમય જ્યારે આવશે ત્યારે સમાજને દિશાદર્શનની જરૂર પડશે એટલે ગાંધીજી જે અનેક દીવાદાંડીઓ આપતા ગયા હતા એમાં એક દીવાદાંડી નારાયણ દેસાઈ હતા. ચુનીભાઈ વૈદ્ય પછી ટૂંકા ગાળામાં આ બીજો આંચકો છે.

નારાયણભાઈ માટે મારા મનમાં વિલોભનીય આકર્ષણ હતું, કારણ કે તેમનો ગાંધીજી સાથેનો સંબંધ ગાંધીજીના બીજા સાથીઓ અને સમકાલીનો કરતાં જુદો હતો. મુદ્દલ કરતાં વ્યાજ વહાલું હોય એ ન્યાયે મહાદેવભાઈના પુત્ર નારાયણભાઈ ગાંધીજી માટે લાડકા હતા. નારાયણભાઈ ગાંધીજીનો બાબલો હતા એટલે ગાંધીજીના ખોળામાં બેસવાનો તેમને અધિકાર હતો. બાબલો સ્વતંત્ર મિજાજનો તરુણ હતો એટલે કોઈ પૂછવાની હિંમત ન કરે એવા સવાલો પૂછવાનો તેમને અધિકાર હતો.

બાબુભાઈ (સર્વોદય પરિવાર માટે નારાયણભાઈ બાબુભાઈ હતા) ગાંધીજીના યુવાસાથી હતા અને તેમનું ઘડતર ગાંધીજીના હાથે થયું હતું. ૧૯૪૨માં મહાદેવભાઈનું આગાખાન પૅલેસમાં ગાંધીજી સાથે કેદમાં હતા ત્યારે અવસાન થયું હતું. ૧૯૪૪માં ગાંધીજીને આગાખાન પૅલેસમાંથી છોડવામાં આવ્યા એ પછી ગાંધીજીના મહાત્માપણાની કસોટી કરે એવા યાતનાના દિવસો શરૂ થયા હતા. મહાદેવભાઈના અવસાન પછી ગાંધીજીની પાંખમાં નારાયણભાઈ હતા અને યુવાન નારાયણભાઈ એ યાતનાના સાક્ષી હતા. નારાયણભાઈને વાંચતી, સાંભળતી કે મળતી વખતે બાપુ-બાબલાના સંબંધોની એ પૃષ્ઠભૂમિ કાયમ મનમાં અંકાયેલી રહેતી.



મેં એ નારાયણભાઈને પણ જોયા છે જેમને મળતાં ડર લાગે અને મેં એ નારાયણભાઈને પણ જોયા છે જેમને ક્યારે ય છોડવાનું મન ન થાય. જેમને સાક્ષાત્ ગાંધીજીની હૂંફ મળી હોય અને જેમણે ગાંધીજીના નિદ્વર્‍ન્દ્વ પ્રેમની સગી આંખે કસોટી થતી જોઈ હોય એ પોતે ઊંચાઈ ન પામે એવું બને ખરું? છેલ્લાં વર્ષોમાં નારાયણભાઈને પ્રેમથી છલકાતા મેં જોયા છે. ગયા વર્ષે નારાયણભાઈ તેમનાં નવા પ્રકાશિત થયેલા પુસ્તક ‘જિગરના ચીરા’ના લોકાર્પણ માટે મુંબઈ આવ્યા હતા. એ સમયે તેમણે મને કહ્યું હતું કે અત્યારે મારું ચિત્ત ગાંધીમય રહે છે અને ભાગ્યે જ બાપુ સિવાય બીજો કોઈ વિચાર આવે છે.



ગાંધીજીને સમજવાની અને સમજાવવાની એક તડપ નારાયણભાઈમાં હતી. ગાંડી ગુજરાત વધારે પડતી ગાંડી થવા લાગી ત્યારે નારાયણભાઈની એ તડપ વધારે તીવ્ર થવા માંડી હતી. એ અરસામાં તેમની બાયપાસ સર્જરી કરવામાં આવી ત્યારે તેમણે ગુજરાતીમાં ગાંધીજીનું બૃહદ્દ ચરિત્ર લખવાનો સંકલ્પ કર્યો હતો. આધુનિક આયુર્વિજ્ઞાન થકી મળેલાં વર્ષોનો ઉપયોગ તેમણે સાર્વજનિક કામો ઓછાં કરીને પલાંઠી મારવા માટે કર્યો હતો.

ગાંધીજીએ જેટલી તીવ્રતા સાથે ‘હિન્દ સ્વરાજ’ લખ્યું હતું એટલી જ તીવ્રતા સાથે તેમણે ત્રણ ભાગમાં ગાંધીજીનું ચરિત્ર લખ્યું હતું. ગોધરા પછીનું ગુજરાત તેમને માટે મોટો આંચકો હતું એટલે ત્યારે તેમણે ગામેગામ જઈને ગાંધીકથા કરવાનો સંકલ્પ કર્યો હતો.

ગુજરાતમાં કથા-ર્કીતનની ઓરલ ટ્રેડિશન વધારે પ્રભાવી નીવડે છે તો તેમણે એનો પ્રયોગ કરી જોયો હતો. છેલ્લાં ૧૨-૧૩ વર્ષમાં ૧૫૦ જેટલી કથાઓ તેમણે કરી હતી જેમાં પાંચ દિવસ પાંચ-પાંચ કલાક તેઓ ગાંધીજીવન અને ગાંધીદર્શનનો શ્રોતાઓને સરળ ભાષામાં પરિચય કરાવતા હતા.

ગાંધીજીને પામવાની અને પમાડવાની તીવ્રતા એટલી હતી કે છેલ્લે-છેલ્લે તો તેઓ ગાંધીને શ્વસતા હતા. સાધારણ રીતે ગાંધીવાદીઓ કલાની બાબતમાં ઉદાસીન હોય છે અને કેટલાકને તો મેં રુક્ષ પણ જોયા છે. નારાયણભાઈ આમાં અપવાદ હતા. નારાયણભાઈ સારું ગાતા. તેમણે પોતે કેટલીક રચનાઓ સ્વરાંકિત પણ કરી છે. તેઓ ગુજરાતી-હિન્દી-અંગ્રેજી ઉપરાંત ઉડિયા અને બંગાળી ભાષા પર પણ પ્રભુત્વ ધરાવતા હતા. તેમણે ગુજરાતીમાં રેખાચિત્રો, જીવનચરિત્રો અને સંસ્મરણો લખ્યાં છે જે ભાષાલાલિત્યમાં કોઈ મૌલિક સાહિત્યકૃતિની બરાબરી કરે એવાં છે.

જીવનચરિત્ર કેવું હોવું જોઈએ એનું જો કોઈ ઉદાહરણ આપવું હોય તો નારાયણભાઈએ તેમના પિતા મહાદેવભાઈ દેસાઈનું લખેલું ચરિત્ર ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ વાંચવું જોઈએ. તેમને સાહિત્ય માટેના રણજિતરામ સુવર્ણચન્દ્રક, મધ્યસ્થ અકાદમી અવૉર્ડ વગેરે ઇલકાબો તો મળ્યા છે, પરંતુ ગુજરાતના સારસ્વતોએ સર્વાનુમતે તેમને ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ તરીકે ચૂંટયા હતા. બાય ધ વે મહાદેવભાઈ અને નારાયણભાઈ એવી એકમાત્ર પિતા-પુત્રની જોડી છે જેમને બન્નેને મધ્યસ્થ સાહિત્ય અકાદમીનો અવૉર્ડ મળ્યો છે. મહાદેવભાઈને ૧૯૫૫માં ડાયરીઓ માટે મરણોત્તર ઇલકાબ આપવામાં આવ્યો હતો. ઉંમર જોતાં નારાયણભાઈ જવાનો અફસોસ નથી, પરંતુ ખપ જોતાં નારાયણભાઈ જવાનો અફસોસ મોટો છે.

સૌજન્ય-આભાર ઓપીનીયન…શ્રી વિપુલ કલ્યાણી 

====================================

નારાયણ મહાદેવ દેસાઈ: ૨૪-૧૨-૧૯૨૪થી ૧૫-૩-૨૦૧૫

…..ગુડ મોર્નિંગ – સૌરભ શાહ

પિતાની અદ્ભુત જીવનકથા (બેઉ અર્થમાં – પિતાના અદ્ભુત જીવનની કથા અને પિતાના જીવનની કથાનું અદ્ભુત શૈલીમાં આલેખન) લખનારા નારાયણ દેસાઈએ ૧૯૯૨માં પ્રગટ થયેલા લગભગ ૭૦૦ પાનાંના આ પુસ્તક ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ની પ્રસ્તાવનામાં નોંધ્યું છે:

‘ડાયરીઓ ઉથલાવી જોઈ તો તે નામે ‘મહાદેવભાઈની ડાયરી’ ખરી, પણ હતી સર્વ ગાંધીજીની ડાયરી. મારા જન્મદિવસની આસપાસના અઠવાડિયાની ડાયરી ખોળી જોઈ, તો તેમાં પુત્ર જન્મનો ઉલ્લેખ જ ન મળે!’

પોતાની જાતને ગાંધીના ખેપિયા તરીકે ઓળખાવનાર સ્વ. નારાયણ દેસાઈ ના ગાંધી સમર્પિત જીવન અને કાર્યો ઉપર સરસ પ્રકાશ પાડતો જાણીતા લેખક શ્રી સૌરભ શાહ નો મુંબઈ સમાચારમાં પ્રકાશિત લેખ નીચેની લીંક ઉપર ક્લિક કરીને વાંચો .

નારાયણ મહાદેવ દેસાઈ : ૨૪-૧૨-૧૯૨૪ થી ૧૫-૩-૨૦૧૫ .

..શ્રી સૌરભ શાહ 

સૌજન્ય- મુંબઈ સમાચાર 

=============

સ્વ. નારાયણ દેસાઈ ના જીવન અને કાર્યને સમજવા માટે નીચે પ્રસ્તુત વિડીયો જોવા જ જોઈએ

NARAYAN DESAI | Gujarat Sahitya Academy | સર્જક અને સર્જન-Published on Sep 4, 2012

Narayan Desai -Shri Somnath Films
(video Uploaded on Jun 2,2011)

સ્વ.નારાયણ દેસાઈની ગાંધી કથા

સ્વ.નારાયણ દેસાઈની ગાંધી કથાના યુ-ટ્યુબ પર તમને અનેક વિડીયો જોવા મળશે.એમાંથી એક મને પસંદ એક વિડીયો પ્રસ્તુત છે.

Gandhi katha in Gujarati by Shree Narayan Desai in Edison, NJ—Published on Apr 21, 2012

( 678 ) લંડનના પાર્લામેન્ટ સ્ક્વેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ

તારીખ ૧૪ મી માર્ચ, ૨૦૧૫ ના રોજ લંડનના પાર્લામેન્ટ સ્ક્વેર ખાતે ચર્ચિલ અને સાઉથ આફ્રિકાના ગાંધી નેલ્સન મંડેલાની પ્રતિમાઓની જોડાજોડ ભારતના મહાત્મા ગાંધીની પ્રતિમાની અનાવરણ વિધિ ભારતના નાણાં મંત્રી અરૂણ જેટલી અને બ્રિટનના વડા પ્રધાન કેમેરોનના શુભ હસ્તે કરવામાં આવી હતી.

આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન કરતાં શ્રી જેટલીએ કહ્યું હતું કે ૧૯૪૭ની મધ્યરાત્રિ પછી ભારત અને ઈંગ્લેન્ડે ઘણી લાંબી મંઝિલ કાપી છે.આજે વિશ્વની સૌથી જૂની લોકશાહી અને વિશ્વની સૌથી મોટી લોકશાહી એકસાથે ભેગી મળી છે.

આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલ બ્રિટનના વડા પ્રધાન કેમેરોને ગાંધીજીની વિચારધારા વિષે બોલતાં કહ્યું હતું કે ગાંધીજી ના વિચારો અનુસાર આપણે માનવજાતમાંથી ક્યારેય વિશ્વાસ ગુમાવવો જોઈએ નહીં. માનવજાત એક વિશાળ સમુદ્ધ જેવી છે . જો સમુદ્રમાં કેટલાંક ટીપાં ગંદા હોય તો એથી આખો સમુદ્ર કઈ ગંદો બની જતો નથી .

પ્રસંગે ખાસ હાજરી આપવા લંડન પહોંચી ગયેલા સુપર સ્ટાર અમિતાભ બચ્ચને એના વિખ્યાત સ્વરમાં ગાંધીજીના પુસ્તક ‘ધ વર્લ્ડ ઓફ ટુ મોરો’માંથી કેટલાક અંશો વાંચી સંભળાવ્યા હતા.

આ પ્રસંગને આવરી લેતા ત્રણ વિડીયો નીચે પ્રસ્તુત છે.

Mahatma Gandhi’s statue unveiled at London’s Parliament Square

આ પ્રથમ વિડીયોમાં ગાંધીજીની આ ઐતિહાસિક પ્રતિમાનો પરિચય આપવામાં આવ્યો છે.

આ વિડીયોમાં નાણાંમંત્રી શ્રી અરુણ જેટલી , બ્રિટનના વડા પ્રધાન કેમેરોન અને  અમિતાભ બચ્ચનની સ્પીચના કેટલાક અંશો સાંભળવા મળશે 

સુપર સ્ટાર અમિતાભ બચ્ચનની આખી સ્પીચ આ વિડીયોમાં સાંભળવા મળશે.

અમિતાભ બચ્ચનની આ સ્પીચમાં એમણે વાંચેલાં ગાંધીજીના લેખનાં ટૂંકાં અવતરણોમાં વિશ્વ શાંતિ માટે એમણે જે વિચારો અને સંદેશ વિશ્વ સામે રજુ કર્યા છે એ આ આજની વૈશ્વિક પરિસ્થિતિમાં પણ એટલું જ મહત્વ ધરાવે છે .

વિશ્વ ઇતિહાસની આ કેવી વિચિત્ર ઘડી (Irony ) કહેવાય કે જે વ્યક્તિએ બ્રિટીશોની ગુલામીની ઝઝીરમાંથી દેશને મુક્ત કરવા અને દેશમાંથી એમને તગેડી મુકવા માટે “કવિટ ઇન્ડિયા “ની લડત ચલાવી હતી  એ જ વ્યક્તિ મહાત્મા ગાંધીની પ્રતિમા એ જ બ્રીટીશની પ્રજા એના પાર્લામેન્ટ હાઉસની સામે જ એક બ્રિટીશ વડા પ્રધાનના હસ્તે ખુલ્લી મુકાઈ છે.!

ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન જેમણે એક વખત મહાત્મા ગાંધીની ‘અર્ધનગ્ન ફકીર’ કહીને ઠેકડી ઉડાવી હતી તે બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલના પૂતળાની બાજુમાં જ ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

સમય સમય બળવાન છે, નહિ મનુષ્ય બળવાન એ આનું નામ !સમયે સમયે વિશ્વના રાજકીય ઈતિહાસનાં પાનાં પલટાતાં રહે છે અને એમાં નવો ઈતિહાસ લખાતો રહે છે.

દરેક માનવીના જીવન ઇતિહાસનું પણ એવું જ નથી શું ?

વિનોદ પટેલ

( 631) પ્રતિલિપિ પ્રકાશિત ક્લાસિક ઈ-બુકો વિના મુલ્ય વાંચો.

ગુજરાતી સાહિત્યમાં કવિ દલપતરામ ડાહ્યાભાઈ ના નામથી ભાગ્યે જ કોઈ અજાણ્યું હશે. એમની કવિતાઓ ઉપરાંત તેઓ એમનાં મિથ્યાભિમાન -નાટક જેવાં અન્ય પુસ્તકોથી પણ તેઓ ખુબ જાણીતા છે.

 કવિ દલપતરામનું બાવલું 

DALPATRAAM

સૌજન્ય -વિકિપીડિયા -પરિચય 

પ્રતિલિપિ એ દલપતરામની લખેલી બોધ કથાઓ ની એક ઈ-બુક

 तार्किक बोध

પ્રકાશિત કરી છે એ સૌએ વાંચવા જેવી છે .  

तार्किक बोध

પંજાબનો રહેવાશી ક્રૂરચંદ, અને ગુજરાતનો સુરચંદ, એ બંને રોજગાર વાસ્તે પરદેશ જતાં રસ્તામાં એકઠા થયા.

તેઓ ચાલ્યા જતા હતા તે માર્ગને એક પડખે સુકા તળાવમાં વગર બાંધેલો કૂવો હતો, તેમાંથી કોઈ એક માણસે બૂમ પાડીને કહ્યું કે-

“અરે મને આમાંથી કોઈ કાઢો” તે સાંભળીને ક્રૂરચંદે તો મનમાં કંઈ ધાર્યું નહીં, પણ સુરચંદે જોયું તો, પાણી પીવા ઉતરતાં ખશી પડેલો. અને ગભરાયેલો આદમી તે કુવામાં દીઠો. પછી તેણે ક્રૂરચંદને બોલાવ્યો. તેણે પણ આવીને જોયું.

સુરચંદ : આપણે બંને જણ મળીને તતબીરથી આને બહાર કાઢીએ.

ક્રૂરચંદ : મારે એની કે એના બાપની ગરજ નથી. એની મેળે ઘણોયે નીકળશે. આપણે શા વાસ્તે ખોટી થવું જોઈએ ?

સુરચંદ : ત્યારે તમારે જવું હોય તો જાઓ, પણ હું તો એને બહાર કાઢ્યા વિના આવીશ નહિ.

આ આખી બોધ કથા તથા ઘણી બધી દલપતરામ લિખિત બોધકથાઓ નીચેની ઈ-બુકમાં વાંચવી તમને ખુબ ગમશે.

તાર્કિક બોધ – કવિ દલપતરામની બોધ કથાઓ

Tarkik bodh

 આ ઈ-બુક વાંચવા માટે ઉપરના ચિત્ર ઉપર ક્લિક કરો.

દલપતરામ નાં બીજાં ત્રણ ખુબ જાણીતાં પુસ્તકો

૧. મિથ્યાભિમાન -નાટક

૨. અંધેર નગરી

૩.કથના સપ્તશતી -કહેવત સંગ્રહ

ની ત્રણ ઈ-બુકો પણ પ્રતિલિપિ ના સૌજન્યથી નીચેની લીંક

ઉપર વિના મુલ્યે વાંચી શકશો

પ્રતિલિપિ- દલપતરામ -ઈ બુકો 

સત્યના પ્રયોગો અથવા આત્મકથા -ગાંધીજી 

મહાત્મા ગાંધીની આત્મકથા -સત્યના પ્રયોગો ની ઈ-બુક પણ પ્રતિલિપિ એ પ્રકાશિત કરી છે .

આ આત્મકથાના પુસ્તકના નીચેના ચિત્ર ઉપર ક્લિક કરીને આખું પુસ્તક વાંચવાનો વિના મુલ્ય લાભ લેવાની તક ચુકશો નહિ.

atmakatha

આત્મકથાના બીજા ભાગ તથા પ્રતિલિપિ પ્રકાશિત બધી જ ક્લાસિક હિન્દી ,ગુજરાતી ઈ-બુકો વાંચવા માટે નીચેની લીંક ઉપર ક્લિક કરો .

http://www.pratilipi.com/classics/books