વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Category Archives: ગાંધીજી

( 544 ) ર જી ઓક્ટોબર,ગાંધી જયંતિ / પરિવાર જન્મ દિવસો …….સંકલિત


Gandhi Birth Day -2nd Octoberમારું જીવન એ જ મારો જીવન સંદેશ છે – મહાત્મા ગાંધીજી  


2 જી  ઓક્ટોબર, ૧૮૬૯ (ભાદરવા વદ બારસ, વિ.સં ૧૯૨૫) ના રોજ ગુજરાતના પોરબંદર શહેરમાં જન્મેલ એક બાળક ,મોહન કરમચંદ ગાંધી એક એવા પ્રકારનું ઉન્નત  જીવન જીવી ગયો કે વિશ્વમાં એ 
મહાત્મા ગાંધીના નામે અમર બની ગયો.

એક વિશ્વ માનવ બની ગયો  .

વિશ્વ વિચારક ટોફલર ગાંધીજી વિષે કહે છે  :

“૨૧ મી સદી  ટેકનોલોજીની દ્રષ્ટીએ સેટેલાઈટનો ઉપયોગ કરતી હશે અને 

માનવ મુલ્યોની દ્રષ્ટીએ ગાંધીને અનુસરતી હશે .”

એમની જન્મ જયંતીએ આપણે આ મહાન આત્માને યાદ કરી એમણે ચરિતાર્થ કરેલ જીવન મુલ્યોને આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ એ જ એમને સાચી શ્રધાંજલિ આપી ગણાશે  .  

વિનોદ પટેલ 

==============================

ગાંધી જયંતી સપ્તાહ 

Gandhi -chrkha

વિનોદ વિહારમાં 2012 ના વર્ષમાં ગાંધી જયંતિ પ્રસંગે એક સપ્તાહ સુધી મહાત્મા ગાંધીજી વિષે વિવિધ લેખો પ્રગટ કરીને ગાંધી જયંતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી .

આજની આ ગાંધી જયંતિ પ્રસંગે એ બધા લેખો એક જગાએ  નીચે  ફરી પ્રસ્તુત કરું છું .

(100 ) રજી ઓક્ટોબર એટલે ગાંધી જયંતિ-રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મ દિવસ

(101) ગાંધી જયંતિ (ભાગ-૨)- ગાંધીજીનાં પૌત્રી સુમિત્રા ગાંધીની એમના દાદા વિશેની કેટલીક રસપ્રદ વાતો

(102)The last day of Mahatma Gandhi-Friday, January 30, 1948 (ગાંધી જયંતી – ભાગ 3)

(103 ) ગાંધીજીના જીવનના કેટલાક પ્રસંગો – ગાંધી જયંતી ભાગ-4)

ગરીબોના બેલી મહાત્મા ગાંધીની પુણ્યતિથીએ એક ભાવાંજલિ

==========================================

2જી ઓક્ટોબર, મારા પૌત્ર  અર્જુનનો પણ જન્મ દીવસ

કેવો સુંદર સંજોગ છે કે મારા નાના દીકરા આશિષના પુત્ર અર્જુન નો પણ જન્મ દિવસ આજના ગાંધી જયંતીના પાવન દિવસે આવે છે  . 

સાન ડીયેગોના પ્રાણી સંગ્રહાલયની મુલાકાત વખતે લીધેલી પૌત્ર અર્જુનની એક હાલની તસ્વીર 

બીજી તસ્વીરમાં અર્જુનને બેઝ બોલની પ્રેક્ટીસ કરતો બતાવ્યો છે  .

Arjun and Vinodpatel

અર્જુનની પ્રથમ વર્ષ ગાંઠ ઉપર  ચકી ચીઝના મેજિક કેમેરા ઉપર લીધેલીગ્રાન્ડ પા (દાદા) વિનોદભાઈ સાથેની અર્જુનની એક યાદગાર તસ્વીર 

આજના પાવન દિને ,ચી. અર્જુનને ,ગ્રાન્ડ પા વિનોદભાઈ તરફથી 

11 મા જન્મ દિવસની અનેક 

શુભેચ્છાઓ અને ખોબલે ખોબલે આશીર્વાદ  .

એક બીજો યોગાનુયોગ પણ જુઓ કે મારા બન્ને ય પુત્રોની વર્ષ ગાંઠ આ ઓક્ટોમ્બર મહિનાની તારીખોમાં જ આવે છે  .

આ રવિવારે , 5મી ઓક્ટોબરે, અગિયારસના પવિત્ર દિવસે, આ ત્રણેયની વર્ષગાઠ,  સાન ડીયેગોના સ્વામીનારાયણ મંદિરમાં એકત્રિત હરિભક્તોની હાજરીમાં ભજન અને  ભોજન સાથે અમે આનંદથી ઉજવીશું  .

મારો પરિવાર 

Rakshabandhan -VRP with family- no-1

ડાબેથી દીકરી અને જમાઈ અને બે પુત્રો -સપત્ની સાથેની આ રક્ષા બંધન ના દિવસે

લીધેલી મારી સાથેની એક તસ્વીર 

VRP-WITH 6 G.K.-REVISED

મારાં વ્હાલાં 6 પૌત્ર -પૌત્રીઓ સાથેની મારી એક તસ્વીર 

પ્રિય ચી. અર્જુનને આજે  અને બે પુત્રો ધ્રુવેન અને આશિષ ને એમના આગામી 

જન્મ દિવસો નિમિત્તે વધાઈ અને  સૌના નિરામય દીર્ઘાયુષ્ય માટેની

શુભેચ્છાઓ અને આશીર્વાદ 

પપ્પા અને ગ્રાન્ડ પા –  વિનોદ પટેલ 

( 468 ) ગાંધીજીના કસ્તૂરબાને લખાયેલા લવલેટર્સ ! ….. તેજસ વૈદ્ય

 

ગાંધી અને લવલેટર્સ !  ગાંધીજી કસ્તૂરબાને પ્રેમપત્ર લખે ! ! ઘણાને કદાચ આ વાત જલ્દી માન્યામાં ના આવે એવું બની શકે !

Mohandas K.Gandhi and Kasturba Gandhi  - Photo of 1902 in South Africa .
Mohandas K.Gandhi and Kasturba Gandhi – Photo of 1902 in South Africa .

દેશની આઝાદી અને દેશ સેવા જેમનો એક ધર્મ બની ગયો હતો એવા મહાત્મા ગાંધી એમના દેશ સેવાના કાર્યોમાં ગળાડૂબ રહેતા હોવા છતાં સમય કાઢીને જ્યાં હોય ત્યાંથી અવાર નવાર કસ્તુરબા ને પત્રો લખી એમના પ્રત્યેની એમના હૃદયની લાગણી વ્યક્ત કરતા હતા .

ગાંધીજી અને કસ્તુરબા  એટલે એક આદર્શ પતિ-પત્નીના સંબંધોની મિશાલ .

આ પત્રોમાં ગાંધીજીને કસ્તુરબા પ્રત્યે કેવો હૃદયનો  પ્રેમ છલકાતો હતો એની વાત ગાંધીજીના આવા કેટલાક પ્રેમ પત્રોનું ઉદાહરણ આપીને શ્રી તેજસ વૈદ્ય શ્રી વિપુલ કલ્યાણીના નેટ મેગેઝીન  ઓપીનીયનમાં પ્રથમ પ્રગટ અને વિનોદ વિહારની આજની પોસ્ટમાં ફરી પ્રસ્તુત એમના લેખમાં કરી છે .

લેખક તેજસભાઈ કહે છે એમ આ દરેક પત્ર ગાંધીજીના પરિપક્વ પ્રેમનો દસ્તાવેજ છે.

આજના માહોલમાં ગાંધીજી અને દેશ માટે આપેલ એમનો ત્યાગ અને અને બલિદાન વિસરાતાં જાય છે ત્યારે એમના અદભૂત વ્યક્તિત્વની આવી અજાણી બાજુઓનો પરિચય થતો રહે એ જરૂરી છે .

આશા છે આપને પણ આ લેખ વાંચી ગાંધીજી અને કસ્તુરબાના પ્રેમ સંબંધો અંગે જાણીને એમના સુખી દામ્પત્ય જીવનની ઝાંખી કરવાનું ગમશે .

આજની પોસ્ટ માટે લેખક શ્રી તેજસ વૈદ્ય ,ગુજરાતી ભાષાના પ્રસાર અને પ્રચાર માટે ઉત્સાહથી કાર્ય રત એવા લંડન નિવાસી મિત્ર શ્રી વિપુલભાઈ કલ્યાણી અને એમના ઓપીનીયન મેગેજીનનો  હું ખુબ આભારી છું .

વિનોદ પટેલ

——————————————-

ગાંધીજીના કસ્તૂરબાને લખાયેલા લવલેટર્સ !  ….. તેજસ વૈદ્ય

ઓપીનીયન મેગેજીન , વિપુલ કલ્યાણી–વેલેન્ટાઈન્સ ડે વિશેષ

 

Kasturba is seen washing feet of her husband Gandhiji . Sardar Patel  is also seen looking at this memorable scene of love between this great couple !
Kasturba is seen washing feet of her husband Gandhiji . Sardar Patel
is also seen looking at this memorable scene of love between this great couple !

ગાંધીજી વળી કસ્તૂરબાને પ્રેમપત્ર લખે! આવો સવાલ જો થતો હોય તો બાએ બાપુને લખેલા કોઈ પણ પત્રને ઉઠાવીને સહેજ બારીકાઈથી વાંચજો. એ દરેક પત્ર પરિપક્વ પ્રેમનો દસ્તાવેજ છે.

કસ્તૂરબા અને ગાંધીજીનું જીવન આપણે સામાજિક કે રાજકીય રીતે જ જોયું છે. પાઠયપુસ્તકોથી લઈને ઇતિહાસ ગ્રંથોમાં તેમનું એ રીતે જ આકલન થયું છે. પણ … બા અને બાપુના જીવનના તાણાવાણામાં સુંદર લવસ્ટોરી પણ હતી. ગાંધીજીએ કસ્તૂરબાને લખેલા પત્રો, બંને વચ્ચેના પ્રસંગો, ચણભણમાં પ્રેમપદાર્થ પ્રગટ સૂક્ષ્મ સ્વરૂપે સમાયેલો છે .

ગાંધીજીના જે કાંઈ સિદ્ધાંત કે સત્યાગ્રહ હતા તે ગાંધીજીના હતા, કસ્તૂરબાના નહોતા. કસ્તૂરબાને તો એક સાદું ગૃહસ્થ જીવન જીવવું હતું. કસ્તૂરબાને ક્યારે ય મહાન બનવાની કે દેશને આઝાદ કરવાની ધખના નહોતી. તે છતાં ય તેમણે બાંસઠ વર્ષ સુધી ગાંધી ચીંધ્યા જીવતરે કસોટીભર્યું જીવન ગાળ્યું. તેમની સહજવૃત્તિ બાપુને અનુકૂળ થવાની હતી. એને આપણે પ્રેમ નહીં તો બીજં શું કહીશું?

“બા, આ સાથે અકોલાથી આવેલ કાગળ છે. તું મજામાં હશે. કાલે બંને છોકરીઓના વિવાહ છે. તારી ગેરહાજરી સઉને સાલે છે. કન્યાદાન મારે દેવાનું છે અને તે તારી ગેરહાજરીમાં.” (૦૬.૦૨.૨૯)

“બા, તેં મને બરાબર ચિંતામાં નાખી દીધો. તારી તબિયત વિશે આ વખતે મેં ચિંતા ભોગવી એવી કદી નથી ભોગવી. આજે દેવદાસનો તાર આવ્યો એટલે નિરાંત વળી. મારી ચિંતાનું કારણ તો તને મેં દુઃખી છોડી હતી એ હતું. હું સારું કરવા ગયો ને તને દુઃખ થયું પછી તો તું ભૂલી. પણ હું કેમ ભૂલું? માંદી તો હતી જ. ઈશ્વરે કૃપા કરી લાગે છે.” (૧૨.૧૦.૩૮)

“બા, તારે વિશે ખબર મળ્યા કરે છે. દેવદાસ તારી રાવ પણ ખાય છે કે તું ખૂબ નબળી થઈ ગઈ છે છતાં ઊઠબેસ કર્યા કરે છે. દાક્તર કહે તે માનવું જોઈએ. ઝટ સાજી થઈ જાય તો સહુ ચિંતામુક્ત થઈએ.” (૧૩.૧૦.૩૮)

“બા, તું મારા કાગળ ન હોવાની ફરિયાદ કરે છે. આજ તારી ટપાલ નથી. એ કેમ? અહીં તો બધું ઠીક જ ચાલે છે. ફિકર કરવાનું કંઇ કારણ નથી.”(૨૩.૦૨.૩૯)

ઉપર જે ટુકડા વર્ણવ્યા છે તે ગાંધીજીએ કસ્તૂરબાને લખેલા પત્ર છે. લવલેટર્સ વિશે આપણા મનમાં એક ચોક્કસ ફ્રેમ હોય છે. આછા ગુલાબી રંગના રોમેન્ટિક કાગળ હોય. એના પર અક્ષર મંડાયેલા હોય.એને પાછું એવા જ રોમેન્ટિક પરબીડિયામાં બીડેલું હોય. ટપાલી પણ પોસ્ટ કરવા જાય ત્યારે તેના મનમાં વિચાર ઝબકે કે છોકરા કે છોકરીનું ઠેકાણે પડી ગયું છે અને આ તો નક્કી પ્રેમપત્ર જ છે.સામેનું પ્રિય પાત્ર જ્યારે પરબીડિયું ખોલે ત્યારે અંદરથી કાગળની સાથે સુકાયેલા ગુલાબની પાંદડીઓ પણ નીકળે. કેટલાંક ઉત્સાહી તો વળી પ્રેમ પરબીડિયું મોકલે ત્યારે લેટરની અંદર પરફ્યૂમ પણ છાંટે!

ટૂંકમાં, લવલેટર તો આવા જ હોય એવી એક પ્રચલિત ફ્રેમ આપણા મનમાં છે. અલબત્ત, આમાં કંઈ ખોટું નથી. આ એક અદ્દભુત ઘટના છે. વર્ષો પછી જ્યારે બંને પાત્ર ફરી એ પત્રો ઉઘાડે ત્યારે એમાં ગુલાબની પાંખડીઓ સાવ કરચલી થઈ ગઈ હોય ને સ્પ્રેની સુગંધ ભલે ઊડી ગઈ હોય પણ એની અસર તો બંને માટે આજીવન તાજી જ હોય છે.હવે મુદ્દાની વાત. પ્રેમપત્રના આ પ્રચલિત કોચલા અને વ્યાખ્યાની બહાર પણ પતિ-પત્ની વચ્ચે એકબીજાંની કાળજી અને ઝીણું ઝીણું જતન લેતા જે પત્રો લખાય એ પણ પ્રેમપત્ર જ છે. એ રીતે ગાંધીજીએ કસ્તૂરબાને લખેલા તમામ પત્ર પ્રેમપત્ર છે.

એ દરેક પત્રમાં ઝીણું ઝીણું જતન ઝળકે છે. બાપુ દેશભરમાં રખડતા હોય તો ય બાને પત્ર લખવાનું ચૂકતા નથી. અરે, રસપ્રદ વાત તો એ છે કે ગાંધીજીએ મોડી રાત્રે તેમ જ મળસ્કે પત્રો લખ્યા છે.

 જુઓ, કેટલાક નમૂના.

“બા, સવારના ૩.૩૦ થયા છે ગુરુવાર છે.(૨૯.૦૩.૩૪)”,

“બા, આજે શુક્રવાર છે. તારો કાગળ હજુ નથી મળ્યો. સવારના ૩ વાગવાનો વખત છે.”(૦૬.૦૪.૩૪),

“બા, સવારના ૪ થવા આવ્યા છે. આંખમાં ઊંઘ છે.”(૨૭.૦૪.૩૪)

તમામ પત્રોમાં બા પ્રત્યે ખૂબ વહાલ ઝળકે છે. ક્યારેક તો એમ લાગે કે બાપુ પોતે બા પાસે હાજર નથી અને હાજરી પુરાવવા પત્ર લખે છે. દરેક પત્ર બાપુની બા પ્રત્યેની કાળજી દર્શાવે છે. કાળજી એ પ્રેમનું વ્યક્ત  સ્વરૂપ નથી તો શું છે? ‘કાળજી’ શબ્દ કદાચ ‘કાળજા’ પરથી તો નહીં આવ્યો હોય ને!

( ઓપીનીયન મેગેજીનની આ લીંક ઉપર ક્લીક કરીને આ આખો લેખ વાંચો .)

 

————————————————————

નીચેનાં વિડીયોમાં મહાત્મા ગાંધીની જગત નિયંતા ભગવાન ઉપરની અપાર શ્રધાનાં આપણને દર્શન થાય છે .

ગાંધીજીના જીવનકાળની તસ્વીરો જોતાં જોતાં એમના આ મનનીય પ્રવચન સાંભળવાનો

આધ્યાત્મિક આનંદ  લો .

Mahtma Gandhi’s Speech on God

(324 ) ગાંધી જયંતિ – વિશ્વ માનવ મહાત્મા ગાંધીનો જન્મ દિવસ

મોહનદાસ કરમચંદ ગાંધી (ઓકટોબર ૨, ૧૮૬૯ – જાન્યુઆરી ૩૦, ૧૯૪૮)

મોહનદાસ કરમચંદ ગાંધી (ઓકટોબર ૨, ૧૮૬૯ – જાન્યુઆરી ૩૦, ૧૯૪૮)

૨ જી ઓક્ટોબર એટલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મ દિવસ .

એમના જીવન કાર્યો અને જીવન સંદેશને યાદ કરીને એમાંથી પ્રેરણા લેવાનો દિવસ .

ગાંધીજીએ કહેલું કે મારું જીવન એ જ મારો સંદેશ છે .

મહાત્મા ગાંધી એક વિશ્વ માનવ હતા।

વિશ્વ પ્રસિદ્ધ નાટ્યકાર બર્નાડ શોએ મહાત્મા ગાંધી વિષે કહ્યું હતું કે –

“આવનારી પેઢીઓ ભાગ્યે જ વિશ્વાસ કરશે કે ક્યારેક આ સંસારમાં એવી વ્યકિત પણ રહી હતી, જે આધુનિક સ્વતંત્ર ભારતના પિતા,નવરાષ્ટ્રના નિર્માતા અને ભાગ્ય વિધાતા એવી ઘણી વિવીધતાઓ લઈને કોઈ નોખા માટીનો માનવી આ દેશમાં જન્મયો હશે”.

વિશ્વ વિચારક ટોફલર જુઓ ગાંધીજી વિષે શું કહે છે !

“૨૧ મી સદી  ટેકનોલોજીની દ્રષ્ટીએ સેટેલાઈટનો ઉપયોગ કરતી હશે અને  માનવ મુલ્યોની દ્રષ્ટીએ ગાંધીને અનુસરતી હશે .”

ગાંધીજીના  જીવન અને કાર્યોની વિગતે માહિતી વિકિપીડીયાની આ લીંક ઉપર વાચો .

ગાંધીજી એક સાચા વૈષ્ણવ જન  હતા . કવિ નરસિંહ મેહતાનું આ ભજન જે ગાંધીજીને ખુબ પ્રિય હતું અને એમની પ્રાર્થના સભામાં  વારંવાર ગવાતું હતું એ નીચે પ્રસ્તુત છે .

આ ભજનમાં જણાવેલ વૈષ્ણવ જનનાં લક્ષણો દરેક જણમાં હોવાં જોઈએ  .જો હોય તો જ એમને સાચી અંજલી આપી કહેવાય .

વૈષ્ણવ જન તો તેને કહિયે, જે પીડ પરાયી જાણે રે  

પર દુ:ખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે. ॥ધૃ॥

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે  

વાચ કાછ મન નિશ્છળ રાખે ધન ધન જનની તેની રે. ॥૧॥

 સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માત રે  

જિહ્વા થકી અસત્ય ન બોલે પરધન નવ ઝાલે હાથ રે. ॥૨॥

મોહ માયા વ્યાપે નહિ જેને દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે  

રામ નામ શુ તાળી રે લાગી સકળ તીરથ તેના તનમાં રે. ॥૩॥

વણ લોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યાં રે  

ભણે નરસૈયો તેનું દર્શન કરતાં કુળ એકોતેર તાર્યાં રે. ॥૪॥

-નરસિંહ મહેતા

ગાંધી જયંતિ દિને સાતમા ધોરણમાં અભ્યાસ કરતી કિશોરી રાધા રાજીવ મહેતાએ  ” જો મને ગાંધી મળે તો ” એ વિષય ઉપર જે પ્રભાવિત કરે એવું વક્તવ્ય આપ્યું હતું એને નીચેના વિડીયોમાં સાંભળો . આ સાંભળીને તમે જરૂર તાજુબ થઇ જશો .

Awesome speech on Gandhiji by 7th Standard girl Radha Mehta

JO MANE GANDHI MALE TO

 

_____________________________________________________________________

૨૦૧૨-ગાંધી જયંતિ સપ્તાહ

ગયા  વરસે ગાંધી જયંતિ પ્રસંગે એક સપ્તાહ સુધી મહાત્મા ગાંધીજી વિષે વિવિધ લેખો પ્રગટ કરીને ગાંધી જયંતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી .

આ ગાંધી જયંતિ પ્રસંગે ગાંધીજી અંગેના આ બધાં લેખોને વાચકો એક જગાએ વાંચી  શકે એટલે એ લેખોને નીચે પ્રસ્તુત કરું છું .
(100 ) રજી ઓક્ટોબર એટલે ગાંધી જયંતિ-રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મ દિવસ
(101) ગાંધી જયંતિ (ભાગ-૨)- ગાંધીજીનાં પૌત્રી સુમિત્રા ગાંધીની એમના દાદા વિશેની કેટલીક રસપ્રદ વાતો

(102)The last day of Mahatma Gandhi-Friday, January 30, 1948 (ગાંધી જયંતી – ભાગ 3)

(103 ) ગાંધીજીના જીવનના કેટલાક પ્રસંગો – ગાંધી જયંતી ભાગ-4)

ગરીબોના બેલી મહાત્મા ગાંધીની પુણ્યતિથીએ એક ભાવાંજલિ

(106) ગાંધીજી ગાંધીવાદી ન હતા – ચંદ્રકાન્ત બક્ષી (ગાંધી જયંતી ભાગ-5)

ગુજરાતી સાહિત્ય જગતમાં સ્વ.ચંદ્રકાંત બક્ષીના નામથી  કોઈ અજાણ્યું નથી.આજીવન કલમ જીવી અને એમની  આગવી

ખુમારીથી સાહિત્ય  જગતમાં છવાઈ ગયેલા  આ જાણીતા લેખકનો આશ્ચર્ય ઉપજાવે એવા શીર્ષક વાળો લેખ “ગાંધીજી

ગાંધીવાદી ન હતા” બઝ્મે વફા  બ્લોગના આભાર સાથે આજની પોસ્ટમાં મુક્યો છે.

વિનોદ વિહારમાં ,તા.2જી ઓક્ટોબર,2012 ના રોજ શરુ કરેલું ગાંધી સપ્તાહ ગાંધીજી વિશેના આ લેખથી આજની પોસ્ટથી

વિરામશે .આ લેખ અને લેખના અનુસંધાનમાં આપેલું અન્ય ગાંધી સાહિત્ય આપને  જરૂર રસસ્પદ  અને  પ્રેરક  લાગશે.

વિનોદ આર. પટેલ  ,સાન ડીયેગો 

________________________________________________________

ગાંધીજી ગાંધીવાદી ન હતા – ચંદ્રકાન્ત બક્ષી

૧૯૪૮માં ગાંધીજીના અવસાન પછી ચાર વર્ષ બાદ બીબીસીએ ગાંધીજી વિશે એક મોટો રેડિયોપ્રોગ્રામ આપવાનું નક્કી કર્યું અને એમની સાથે જીવેલી વ્યક્તિઓના ટૂંકા ઈન્ટરવ્યુ સાથે એ પ્રોગ્રામ તૈયાર કર્યો. એક જ વ્યક્તિ વિશે બીબીસીનો આ લાંબામાં લાંબો કાર્યક્રમ હતો. ત્રણ વર્ષ પછી પરિણામ એ આવ્યું કે ૨૭ કલાકનું રેકોર્ડિંગ થયું હતું. ટેપની લંબાઈ સાડા પંદર માઈલ જેટલી હતી. ૯૦ કલાકનું એડિટિંગ થયું હતું. ૭૮ ટેપો હતી. પણ આ પરિશ્રમ પછી જે નિષ્પત્તિ થઈ એમાં ગાંધીજી વિશે ઘણી અંતરંગ માહિતી પ્રકાશમાં આવી હતી.

“ગાંધીના ગુજરાતમાં આવું થઈ શકે?” જેવા બાલિશ પ્રશ્નો પૂછનારાઓની આંખો પહોળી થઈ જાય એવું ગાંધીજીનું વ્યક્તિત્વ આ રેકોર્ડિંગમાંથી સાફ ઊભરે છે. ઉમાશંકર જોશી વારંવાર કટાક્ષમાં કહેતા અને એમાં સંપૂર્ણ સત્ય હતું – “ગાંધીજી ગાંધીવાદી ન હતા!” જેમની પ્રતિક્રિયાઓ આપવામાં આવી છે એ લોકો ગાંધીજીની સૌથી નિકટ હતા અને એમના પ્રતિભાવ હિન્દુસ્તાનના મૌખિક ઇતિહાસનો એક અંશ બની જાય છે. કેટલીક માહિતી ખરેખર રોચક પણ છે.

ડો. રાજેન્દ્ર પ્રસાદ સર્વ પ્રથમ ૧૯૧૭માં બિહારમાં ગાંધીજીના સંપર્કમાં આવ્યા. ગાંધીજી પ્રથમ વાર અમદાવાદની ક્લબમાં આવ્યા ત્યારે સરદાર બ્રીજ રમી રહ્યા હતા અને એમની સાથે માવળંકર પણ હતા, જે પાછળથી લોકસભાના અધ્યક્ષ બન્યા હતા. ઔંધના એક નાના દેશી રાજ્યના રાજપુત્ર આપા પંત ત્રણચાર વર્ષ પછી આશ્રમમાં બેહોશ થઈ ગયા ત્યારે ગાંધીજીએ આપા પંતને માંસાહાર કરવાનો આદેશ આપ્યો હતો અને લખ્યું હતું કે જો તમે શાકાહારી પ્રોટેઈન પચાવી ન શકતા હો તો તમારે માંસાહારી પ્રોટેઈન જ લેવું જોઈએ.

રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ માટે ગાંધીજી ઈંગ્લેન્ડ ગયા ત્યારે બર્નાર્ડ શો અને ચાર્લી ચેપ્લીન ગાંધીજીને મળ્યા હતા. દ. આફ્રિકાના રાષ્ટ્રપતિ જનરલ સ્મટ્સે ગાંધીજીને મળીને ૧૭ વર્ષ પહેલાં ગાંધીજીએ જેલમાં બનાવીને સ્મટ્સને ભેટ આપેલાં ચપ્પલ પાછાં આપ્યાં હતાં! ગાંધીજીને અમેરિકા આવવાનું આમંત્રણ અપાયું ત્યારે ગાંધીજીએ મજાકમાં કહ્યું હતું કે અમેરિકામાં ૨૪ કલાક પછી મને પ્રાણીબાગમાં મૂકી દેવામાં આવશે. ઈંગ્લેન્ડમાં બે ડિટેક્ટિવો સાર્જન્ટ અવન્સ અને સાર્જન્ટ રોજર્સ ગાંધીજીની સાથે જ સતત રાખવામાં આવ્યા હતા, જેમની સાથે ગાંધીજીની એટલી મૈત્રી થઈ હતી કે હિન્દુસ્તાન આવ્યા પછી બ્રિટિશ માલની હોળી કરનાર ગાંધીજીએ એમને માટે ખાસ આગ્રહપૂર્વક સરસ ઈંગ્લિશ ઘડિયાળોની ભેટ મોકલી હતી. ડો. વેરીઅર એલવીને જ્યારે પોતાની ધર્મપરિવર્તન કરવાની ઇચ્છા વિશે લખ્યું ત્યારે ગાંધીજીએ એમને પોતાના જ ખ્રિસ્તી ધર્મમાં રહેવાની સ્પષ્ટ સલાહ આપી હતી. ગાંધીજી લંડનની રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ માટે સ્ટીમરમાં કેબિન – બર્થમાં નહીં પણ ડેકના સામાન્ય પ્રવાસી તરીકે ગયા હતા, જ્યાં ખાવાનું, સૂવાનું, પ્રાર્થના કરવાનું, બધું ખુલ્લામાં હતું. બાળકોએ આવીને ગાંધીજીની રજા માગી કે અમે ડેક પર નાચી શકીએ છીએ ત્યારે ગાંધીજીએ કહ્યું કે “મારી સૂવાની જગ્યાની આસપાસ તમે નાચી શકો છો, પણ મારા ઉપર નહીં નાચતા!” રોમમાં ગાંધીજી વેટિકનમાં ગયા હતા. મીચેલ એન્જેલોનાં અમર ચિત્રો જોયાં પણ એમને સૌથી વધારે રસ પિત્તળના વિરાટ ક્રોસમાં પડયો હતો. એ ક્રોસની પાછળ જઈને જોઈ આવ્યા હતા, જ્યાં જવાની મનાઈ હતી.

નોઆખલી પાસેના ગામમાં ગાંધીજી એક ધોબીના ઘરમાં રહ્યા હતા, કેરોસીનના લાલટેનના અજવાળામાં પત્રો લખતા, રોજ સવારે પાંચ મિનિટ બંગાળી શીખતા, એક ગામથી બીજા ગામ સુધી માઈલો ઉઘાડા પગે ચાલતા. એક આંધળી વૃદ્ધાએ ગાંધીજીને કહ્યું હતું, હું તમને જોવા માગું છું, બાપ! હું તમને હાથથી અડું! ગાંધીજીએ એ વૃદ્ધાનો હાથ પકડયો ત્યારે એમની આંખોમાં આંસુ હતાં. એ વખતે ગાંધીજી ૭૭ વર્ષના હતા.

ગાંધીજીની અંગ્રેજ શિષ્યા મીરાંબહેન ઉર્ફે માર્ગરેટ સ્લેડે કહ્યું છે કે ગાંધીજીનો નિર્ણય હતો કે કૂતરાંઓ મારી નાખવામાં અહિંસાના સિદ્ધાંતનું કોઈ ઉલ્લંઘન ન હતું. આશ્રમમાં એક વાછરડાના શરીરમાં કીડા પડી ગયા અને રોગ અસાધ્ય બની ગયો ત્યારે ગાંધીજીએ એ વાછરડાને મારી નાખવાની અનુમતિ આપી હતી. મીરાંબહેને વર્ણન કર્યું છે કે બાપુ ઝૂક્યા, વાછરડાનો આગલો પગ હાથમાં લીધો, ડોક્ટરે એની પાંસળીઓમાં એક ઈન્જેક્શન આપ્યું. એક ઝટકો લાગ્યો અને વાછરડું મરી ગયું. બાપુ એક શબ્દ બોલ્યા નહીં. વાછરડાના મોઢા પર એક કપડું ઢાંકીને ચાલ્યા ગયા. આ ઘટનાની બહુ તીવ્ર પ્રતિક્રિયા આવી. રેહાના તૈયબજીએ કહ્યું કે બાપુએ મને એક પત્ર બતાવ્યો જે એક જૈન મિત્ર તરફથી આવ્યો હતો. લખ્યું હતું: ગાંધી, તમે વાછરડું મારી નાખ્યું છે. તમે ગૌહત્યા કરી છે, જો હું બદલામાં તમારી હત્યા ન કરું તો હું જૈન નથી.

ડો. ઝાકિર હુસેન કહે છે કે ગાંધીજી હંમેશને માટે રેંટિયો વપરાય એમ ઇચ્છતા ન હતા. ગાંધીજી એ મશીનના વિરોધી હતા જે મનુષ્યનું શોષણ કરે છે. જે વિરાટ મશીનોનો કોઈ માલિક નથી એ મશીનોના ગાંધીજી વિરોધી હતા. એ કહેતા કે જે મશીનનો માણસ પોતે માલિક બની શકે, વાપરી શકે એ આદર્શ મશીન હતું. (આજનાં કમ્પ્યૂટરો માટે ગાંધીજીનો કદાચ વિરોધ ન હોત!) જેલમાં ગાંધીજીની પાછળ પ્રતિમાસ બ્રિટિશ સરકાર ૧૫૦ રૃપિયા ખર્ચ કરતી હતી ત્યારે જેલ સુપરિન્ટેન્ડન્ટે ઉપરી અધિકારીઓને લખ્યું કે આવા મહાન પુરુષ માટે સરકારે વધારે ખર્ચ કરવો જોઈએ. ગાંધીજીને ખબર પડી ત્યારે એમણે કહ્યું કે આ પૈસા ઈંગ્લેન્ડથી આવતા નથી, મારા દેશવાસીઓના ખિસ્સામાંથી આવે છે. મારી પાછળ મહિને ૩૫ રૃપિયાથી વધારે તમે ખર્ચો એવું હું ઇચ્છતો નથી. ગાંધીજી માનતા કે અંકુશો વ્યક્તિના પ્રયત્નો અને જવાબદારીને રૃંધી નાખે છે.

ગાંધીજીની હત્યાની આગલી સાંજે, જાન્યુઆરી ૨૯, ૧૯૪૮ને દિવસે ઇન્દિરા (ગાંધી) એમના નાનકડા પુત્ર રાજીવને લઈને ગાંધીજીને મળવા ગયાં હતાં. ઇન્દિરા ગાંધી કહે છે કે બાપુ મારા નાના છોકરા સાથે રમવા લાગ્યા. અમે ગોળાકાર બનાવેલો એક ફૂલગુચ્છ લઈને બાપુ પાસે ગયાં હતાં, જે વાસ્તવમાં વાળમાં નાખવા માટે હતો. બાપુએ મારા દીકરા રાજીવને પૂછયું કે આ ફૂલો હું ક્યાં લગાવું? મારા માથા પર પહેરી લઉં? મારા દીકરાએ બાપુને કહ્યું: માથા પર તમે કેવી રીતે લગાવશો? તમારે વાળ તો છે જ નહીં?

દાંડીકૂચ માટે એક પણ સ્ત્રીને પસંદ કરવામાં આવી ન હતી. અને દરેક આશ્રમવાસીએ ડાયરી લખવાની હતી. દાંડીકૂચ પછી ગાંધીજીને પકડવા માટે પોલીસ આવી ત્યારે ૧૮૨૭ના ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કાનૂન નીચે વોરંટ જારી  થયું હતું. ગાંધીજીએ પોલીસની રજા લઈને બાવળનું દાતણ કરવું શરૃ કર્યું હતું અને પોલીસને વોરંટ વાંચવાની વિનંતી કરી હતી…!

(સફરનામા)

Please click the following YRL to read more about Gandhiji by Chandrakant Baxi and Shekhadam Abuwala.

http://bazmewafa.wordpress.com/2011/10/01/tamarunnamgandhiji_shekhadam/

___________________________________________________________

Best ever Gandhi Quotes

See ,read and conemplate on such other Best Quotes of Mahatma Gandhi on this web site : 

http://goodguy.hubpages.com/hub/Gandhi-Quotes

_________________________________________________________

વિનોદ વિહાર -ગાંધી જયંતી ભાગ- 1 થી ભાગ 4 ના લેખો

નીચે વાંચો.

   1. (100 ) રજી ઓક્ટોબર એટલે ગાંધી જયંતિ-રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મ દિવસ

2. (101) ગાંધી જયંતિ (ભાગ-૨)- ગાંધીજીનાં પૌત્રી સુમિત્રા ગાંધીની એમના દાદા વિશેની કેટલીક રસપ્રદ વાતો

4. (103 ) ગાંધીજીના જીવનના કેટલાક પ્રસંગો – ગાંધી જયંતી ભાગ-4