વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Category Archives: નીલમ દોશી

1258 – આપણી પ્રાર્થનાનો ઓરડો! … લેખિકા શ્રીમતી નીલમ દોશી

આ જની પોસ્ટમાં જાણીતાં લેખિકા શ્રીમતી નીલમબેન દોશીનો મને ગમેલો  લેખ ” આપણી પ્રાર્થનાનો ઓરડો!” વિ.વિ.ના વાચકો માટે પ્રસ્તુત છે.

આ લેખને વિનોદ વિહારમાં પોસ્ટ કરવાની સંમતી આપવા માટે નીલમબેનનો હું આભારી છું.

નીલમબેનના બ્લોગ પરમ સમીપે માં એમના પરિચયમાં તેઓએ લખ્યું જ છે કે …

”અહીં જે લખાય તેમાંથી આપને ગમે તે આપનું…અને ન ગમે તે મારું તો છે જ..! આ સહિયારી યાત્રામાં ગુલાલના થોડા છાંટણાથી આપની બે ચાર ક્ષણો રંગી શકાય તો પણ એની સાર્થકતા. જીવન પ્રત્યે સતત પોઝીટીવ.. હકારાત્મક અભિગમ એ જીવનલક્ષ્ય….”

પ્રાર્થના વિશેના પ્રસ્તુત લેખમાં લેખિકાના આધ્યાત્મિક વિચારો વાચકોને જરૂર ગમશે.

વિનોદ પટેલ

   શ્રીમતી નીલમ દોશી

એમનો ટૂંક પરિચય અહીં વાંચો.

આપણી પ્રાર્થનાનો ઓરડો! ……શ્રીમતી નીલમ દોશી

(લેખિકાના પુસ્તક ”જીવનઝરૂખે” માંથી..)

પ્રેમલ જ્યોતિ,તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ…

પ્રાર્થના એ ફકત ભારતીય સંસ્ક્રતિનું જ નહીં..કોઇ પણ સંસ્કૃતિનું આગવું અને અગત્યનું અંગ રહ્યું છે.દરેક ધર્મમાં એનું મહત્વ સ્વીકારાયું છે. શિશુ બોલતા શીખે ત્યારથી તેને એક કે બીજી રીતે પ્રાર્થના, કોઇ શ્લોક શીખવાડવામાં આવે છે જે જીવનપર્યંત..અંતિમ ક્ષણ સુધી ચાલતી રહે છે. જીવનની વિદાયવેળાએ… આખરી ઘડીએ પણ એના કાનમાં એવા કોઇ ધાર્મિક શબ્દો પડે એનું મહત્વ સ્વીકારાયું છે.

સ્કૂલમાં સવારે ગવાતી સમૂહ પ્રાર્થના મોટા થયા પછી પણ આપણી ભીતરમાં જળવાઇ રહેતી હોય છે. ગાંધીજી સર્વધર્મ પ્રાર્થનાના કેટલા આગ્રહી અને ચુસ્ત સમયપાલનના હિમાયતી હતા એનાથી આપણે કોઇ અજાણ્યા નથી જ.

પ્રાર્થના એક શબ્દની હોઇ શકે કે લાંબી પણ હોઇ શકે. અથવા શબ્દો વિના મૌન પણ હોઇ શકે. ગમે તેવો નાસ્તિક માનવી પણ જીવનમાં એકાદ ક્ષણે તો કોઇ અદ્રશ્યના અસ્તિત્વથી અભિભૂત થયો જ હોય છે. સંકટ સમયે.. કોઇ પરમ પીડાની ક્ષણે “ હે મા..” હે ભગવાન કે પછી એવો કોઇ પણ શબ્દ જે અનાયાસે આપોઆપ અંદરથી નીકળી આવે તે પ્રાર્થનાનું જ સ્વરૂપ છે ને ?

પ્રાર્થનાથી સમય કે સંજોગો બદલાય કે ન બદલાય પરંતુ જો દિલથી સાચી પ્રાર્થના થઇ શકે તો આપણું ભીતરનું પોત જરૂર બદલાઇ શકે.. અને એ બદલાયેલું પોત..બદલાયેલું મન સમય અને સંજોગો બદલવા સમર્થ બને છે. આત્મવિશ્વાસ, શ્રધ્ધા જાગે છે. અને ભીતરી શક્તિનો સંચાર થતા સંજોગો સામે ઝઝૂમવાની તાકાત આવે છે.

જીવનમાં ઘણી વખત નિરાશાની ક્ષણો આવતી હોય છે. અને આપણને લાગે છે કે ઇશ્વર આપણી કોઇ પ્રાર્થના સાંભળતો જ નથી. આપણા કોઇ પ્રશ્નો ઉકેલાતા જ નથી. અને ગુસ્સે ભરાયેલા શિશુની માફક આપણે કદીક બોલી ઉઠીએ છીએ.. “ જા, નથી રમતા..નથી કરવી પ્રાર્થના.. “ આપણી આવી બાલિશતા પર જગન્નનિયંતાને ચોક્કસ હસવું આવતું હશે.

આ વાત સાથે સંકળાયેલી ચીનની એક લોકકથા યાદ આવે છે.

એક માણસને એક વાર સપનું આવ્યું કે દેવદૂત એને સ્વર્ગની મુલાકાતે લઇ જાય છે. ત્યાં દેવદૂત એને એક પછી એક ઓરડામાં ફેરવે છે. એક ઓરડામાથી પસાર થતા માણસે ત્યાં પડેલા જુદા જુદા પ્રકારના અનેક બોક્ષ પડેલા જોયા. જે બધા પેક થયેલા, અકબંધ હતા અને દરેક પર “ ભેટ “ એવા શબ્દો લખાયેલા હતા. માણસને આશ્વર્ય થયું છે..આટલા બધા સુંદર ગીફટ બોક્ષ ? તેણે દેવદૂતને પૂછયું.

આ બધું શું છે ? આટલી બધી ભેટ કોની છે ? આ કોને આપવા માટેના બોક્ષ છે ?

દેવદૂતે જવાબ આપ્યો.

“અનેક લોકો પોતાને જોઇતી વસ્તુ માટે પ્રાર્થના કરતા હોય છે. માગણી કરતા હોય છે. એમને એની પ્રાર્થનાઓનો જવાબ આપવા માટે..એમને એ બધી વસ્તુઓ પહોંચાડવા માટે અમે એમની માગણી મુજબની ભેટ તૈયાર કરીએ છીએ..પણ હજુ એ પૂરી તૈયાર થાય અને એ પહોંચાડી શકીએ એ પહેલા જ એ લોકો પ્રાર્થના કરવાનુ છોડી દે છે અને અમારા પરથી વિશ્વાસ ઉઠાવી લે છે. એમનો ભરોસો તૂટી જાય છે. લોકો થોડી ધીરજ રાખીને રાહ જોવા તૈયાર નથી.

જયારે આટલા બધા લોકોની પ્રાર્થના સાંભળવાની હોય..એમની માગણીઓ, અપેક્ષાઓ પર હ્દ્યાન આપવાનું હોય ત્યારે વિલંબ તો થવાનો જ. પણ એ સમજયા સિવાય લોકો પ્રાર્થના ચાલુ રાખવાને બદલે છોડી દે છે. તેથી અમે એની પર ધ્યાન નથી આપી શકતા.અને તેમની અધૂરી તૈયાર થયેલી ભેટ અહીં જ રહી જાય છે. આ બધી એ પહોંચ્યા સિવાયની પડેલી ભેટોના બોક્ષ છે.. કાશ..એમણે પ્રાર્થના ચાલુ રાખી હોત તો અમે એમને આ ભેટો તૈયાર કરીને પહોંચાડી શકયા હોત. “

આ લોકકથાનો સન્દેશ સહેજે સમજાઇ શકે તેવો છે

ઘણી વખત તો આપણે પ્રાર્થના તો શું ઇશ્વર સુધ્ધાં બદલી નાખતા હોઇએ છીએ.. કોઇ આપણને કહે કે આ જગ્યાની માનતા તો બહું ફળે છે. બે ચાર અસરકારક ઉદાહરણ આપે અને આપણે તુરત ત્યાં દોડીએ.. પછી એ મસ્જિદ હોય, મન્દિર હોય કે ચર્ચ હોય.. આપણને ભગવાન સુધ્ધાં બદલી નાખતા વાર નથી લાગતી. આપણો ઇશ્વર પરનો વિશ્વાસ આસ્થા કેટલા તકલાદી બની ગયા છે.

હમણાં જ એક મિત્ર સાથે વાત થઇ ત્યારે મને કહે,

જયારથી મેં મુંબઇમાં હાજી અલીની મસ્જિદમાં જવાનું ચાલુ કર્યું છે ત્યારથી મારા બધા કામ સરસ રીતે પૂરા થાય છે. મેં કહ્યું તું તો હિન્દુ છે.

ત્યારે મોટી ફિલોસોફીની વાત કરતાં તેણે મને સમજાવ્યું કે આટલા વરસ સુધી શંકર ભગવાનના મંદિરે ગયો. એક પણ સોમવાર પાડયા સિવાય એકટાણા કર્યા અને મહાદેવજીને દૂધ ચડાવ્યું. પણ કંઇ વળ્યું નહીં. ત્યાં કોઇએ આ હાજી અલીની દરગાહની વાત કતી. આપણે તો અખતરો કરી જોયો..અને તું માનીશ..? જાણે ચમત્કાર થયો. હજુ તો બે શુક્રવાર જ ગયો હતો ત્યાં મારી માનતા, મહેનત ફળી.. મારું માને તો તું પણ ત્યાં જવાનું ચાલુ કરી દે.પછી જો ચમત્કાર…

તો કોઇ કહે છે.. બીજા બધા ગણપતિજીને છોડો.લાલબાગના ગણશેજી તો હાજરાહજૂર છે. એની પાસે જ જાઓ…

આમ આપણે તો ભગવાનના યે અખતરા કરવાવાળા ! ભગવાનને યે ભૂલાવામાં નાખી દઇએ. એક જગ્યા કે એક ભગવાન છોડીને બીજી, ત્રીજી જગ્યાએ ભટકતા રહીએ .
દોસ્તો, તમે જ કહો દોષ કોનો ? આપણી પ્રાર્થના વણસુણી જ રહી જાય ને ?

(મારા પુસ્તક જીવનઝરૂખેમાંથી…)

નીલમ દોશી 

પ્રાથના વિષે સ્વ.સુરેશ દલાલના વિચારો …

ડો .સુરેશ દલાલ (10-11-1932...8-10-2012)

ડો .સુરેશ દલાલ (10-11-1932…8-10-2012)

પ્રાર્થના વિશે જેમ જેમ વિચારું છું કે અનુભવું છું તેમ તેમ, એક વાત સમજાતી જાય છે કે, કોઇ પણ પ્રાર્થના હોય, પણ જો એમાં જીવ મૂકીને પ્રાર્થના ન કરીએ તો એ કેવળ ખાલી પોલા, બોદા શબ્દો છે.

જીભની રમત કરામત છે. જો જીવ મૂકીએ તો શબ્દ વિનાનું આપણું મૌન પણ પ્રાર્થના થઇ શકે. સમાજમાં મોટા ભાગના માણસો એમ માને છે કે, પ્રાર્થના એટલે આપણને જે જોઇએ છે એ માટેની ઇશ્વરને મૌખિક અરજી. લેવડ દેવડનો સંબંધ સ્થપાઇ જાય છે. મૂળ વસ્તુ ચાલી જાય છે, અને નકલી વસ્તુ રહી જાય છે. બધું વહેવારની ભૂમિકાએ ચાલે છે.

પ્રાર્થના એટલે ઇશ્વર સાથેની વાતચીત, એની સાથેનો સંવાદ, એની સાથેનો મનમેળ. આપણાં મનની એકાગ્રતા એ ઇશ્વરની પ્રાર્થના છે. સચ્ચાઇથી બોલાયેલો શબ્દ કે સચ્ચાઇથી કરાયેલું કામ ઇશ્વરની પ્રાર્થના છે. પ્રાર્થના આપમેળે થવી જોઇએ. પ્રાર્થના કરીએ એમાં આયાસ છે. પ્રાર્થનાનુ પરિણામ આવતું જ હોય છે, જો આપણી નજર પરિણામ તરફ ન હોય તો. ફૂલ એ બીજની પ્રાર્થનાનુ પ્રગટ સ્વરૂપ છે.

હરિજનને વહાલા ગાંધીજીએ એક સરસ વાત કહી હતી. એમને જ સૂઝે એવી વાત.

” પ્રાર્થના સાવરણી છે. આપણા મનના ઓરડામાં રોજ ને રોજ કચરો ભરાતો હોય છે. એને સાફ કરવા માટે નિત્ય, હર હંમેશ પ્રાર્થના કરવી જોઇએ.”

સુરેશ દલાલ

આજની પ્રાર્થના વિશેની પોસ્ટના અનુસંધાનમાં વિનોદ વિહારમાં અગાઉ પ્રસ્તુત નીચેની પોસ્ટ પણ વાંચો.  

098 -પરમ સમીપે … પ્રાર્થનાઓ …..કુન્દનિકા કાપડીયા

( 833 ) નવા વરસે નવલા રે થઈએ …..

મિત્રો.

નવા વર્ષ ૨૦૧૬ ની આ પ્રથમ પોસ્ટ શરુ કરું એ પહેલાં સૌ મિત્રોને નવા વર્ષનાં અભિનંદન અને આ નવું વર્ષ આપને સુખ, સફળતા, આરોગ્ય,આનંદ તેમ જ શારીરિક માનસિક અને આર્થિક રીતે સમૃદ્ધિ સભર બને એવી મારી હાર્દિક શુભ કામનાઓ વ્યક્ત કરું છું.

દેશ વિદેશમાં અને પોતાના જીવનમાં પણ બની ગયેલા ઘણા અવનવા બનાવોની યાદોને પાછળ છોડી પસાર થયેલ ગત વર્ષ ૨૦૧૫ને પ્રેમથી વિદાય આપીએ અને નવી આશાઓ અને આકાંક્ષાઓ સાથે આવેલ નવા વર્ષ ૨૦૧૬ નું એવા જ પ્રેમથી સ્વાગત કરીએ.

માણસ વિશેનો સ્વ.કવિ સુરેશ દલાલનો આશાવાદ આ પંક્તિઓમાં કેવો ધબકે છે !

ક્યારેક સારો લાગે ક્યારેક નરસો લાગે

તોયે માણસ મને હૈયા સરસો લાગે

સમયની સાથે મનુષ્યના જીવનનું ચક્ર પણ ફરતું જ રહે છે. એક જુનું વર્ષ જાય છે અને એક નવું વર્ષ આપણી ઉંમરમાં ઉમેરાઈ જાય છે.ભીત ઉપર નવા વર્ષનું કેલેન્ડર ટીંગાઈ જાય છે અને વર્ષ દરમ્યાન દર મહીને એ કેલેન્ડરનાં પાનાં બદલાતાં રહે છે.

આમ જોવા જઈએ તો નવા વર્ષમાં અને જુના વર્ષોમાં સમયની દ્રષ્ટીએ કોઈ ફેર નથી .નવું વર્ષ એ ફક્ત કેલેન્ડરની કમાલ છે.પરંતુ માણસને કૈક નવું કરવાનું મૂળભૂત રીતે જ ગમે છે.એટલા માટે એક વર્ષના સમય ગાળામાં જુદા જુદા સમયને કોઈ ઉત્સવ સાથે જોડીને જન સમાજ આનંદ અને ઉત્સાહની અભિવ્યક્તિ કરવાની તક ઝડપી લે છે.આવો આનંદ અને ઉત્સાહ અને આશાવાદ આખું વર્ષ ટકી રહે તો કેવું સારું !

હિંદુ ધર્મમાં જેમ દિવાળી-બેસતા વર્ષનો મહિમા છે એમ જ ખ્રિસ્તી ધર્મમાં ક્રિસમસ-ન્યુ યરનું પર્વ પણ ભીતરના  ઉત્સાહ અને ઉલ્લાસને બહાર લાવી અવનવી રીતે એને વ્યક્ત કરી આનંદ અને નવીનતાનો અહેસાસ કરવાનું સાર્વજનિક પર્વ છે.

પ્રશ્ન એ છે કે વર્ષ તો બદલાયું પણ આપણે બદલાયા છીએ ખરા ! ગત વર્ષોના અનુભવોમાંથી શીખીને નવા વરસે જો આપણી જાતને નવલી ના બનાવીએ તો ખરા અર્થમાં એને નવું વર્ષ ના કહી શકાય.

નીચેની મારી પ્રસંગોચિત અછાંદસ કાવ્ય રચના નવા વર્ષના સ્પીરીટને ઉજાગર કરી નવા વર્ષના લેવા જેવા કેટલાક સંકલ્પો ની વાત કરે છે.

NEW YEAR

નીચેનું અંગ્રેજી અવતરણ નવા વરસે જીવનમાં અપનાવવા જેવું છે.

You did not choose your date of birth,
Nor do you know your last,
So live this gift that is your present,
Before it becomes your past.
–Linda Ellis

નવા વર્ષના સંકલ્પો

નવું વર્ષ આવે એટલે નવા વર્ષના સંકલ્પો લેવાનો સ્વાભાવિક રીતે ઉત્સાહી લોકોના  મનમાં ઉમંગ જાગે છે .શરુઆતનો ઉત્સાહ ઓસરી જતાં જો કે એ સંકલ્પો બહુ લાંબુ ટકતા નથી. એમ છતાં સારા સંકલ્પો લેવામાં કશું ખોટું નથી . નવી રીતે વિચારવાની એથી એક તક પ્રાપ્ત થાય છે અને લાભ કારક પણ બની શકે છે.

ચાલો નવા વર્ષની શરૂઆત હસીને કરીએ અને વર્ષ દરમ્યાન હસતા રહેવાનો સંકલ્પ કરીએ .જાણીતાં લેખિકા સુ.શ્રી.નીલમ દોશી અને હ્યુસ્ટન નિવાસી હાસ્ય લેખક શ્રી ચીમન પટેલના નવા વર્ષના સંકલ્પો વિશેના મને ગમેલા હાસ્ય રસિક લેખો બન્નેના આભાર સાથે નીચે પ્રસ્તુત કરેલ છે.

નવા વરસના શુભ સંકલ્પો.( હાસ્ય લેખ ) …….. લેખિકા – નીલમ દોશી

શ્રીમતી નીલમ દોશી

                 શ્રીમતી નીલમ દોશી

અત્તરકયારી…

હાસ્યં શરણં ગચ્છામિ..

હાસ્યં બ્રહ્મા, હાસ્યં વિષ્ણુ, હાસ્યં દેવો મહેશ્વર:

હાસ્યં સાક્ષાત્ પરબ્રહ્મ તસ્મૈ શ્રી હાસ્યાય નમ:

નવા વરસની શરૂઆત હાસ્યથી થાય એનાથી વધારે રૂડું બીજું શું હોઇ શકે ?  આપ સૌના ચહેરા હમેશા હાસ્યથી ઝગમગતા રહે એવી હાર્દ્કિ ભાવના સાથે આજે અહીં અત્તરકયારીમાં હાસ્યના અત્તરથી તરબતર થઇશું ?

આ આખો લેખ નીલમ બેનના બ્લોગ પરમ સમીપેની  આ લીંક ઉપર વાંચો .

(નીલમબેનનો વિગતે પરિચય ગુજરાતી પ્રતિભા પરિચયના સૌજન્યથી અહીં વાંચો. )

________________________________________

નવા વર્ષના સંકલ્પો (હાસ્ય લેખ ) લેખક- ચીમન પટેલ “ ચમન “

Chiman Patel -"Chaman"

 Chiman Patel -“Chaman”

હ્યુસ્ટન નિવાસી હાસ્ય લેખક શ્રી ચીમન પટેલ ના હાસ્ય લેખોના ગમતીલા પુસ્તક “ હળવે હૈયે “ માંથી આ લેખ લેવામાં આવ્યો છે.

નીચેની પી.ડી.એફ. ફાઈલની લીંક ઉપર ક્લિક કરી આ લેખ વાંચો .

Nava Varshana Sankalpo–Hasya lekh- Chiman Patel

શ્રી ચીમનભાઈનો પરિચય એમના બ્લોગ  “ચમન કે ફૂલ “ની

આ લિંક ઉપર વાંચી શકાશે.

 

આપ સૌ મિત્રોએ ગત વરસોમાં વિનોદ વિહારને જે સહકાર આપ્યો છે એ માટે આભાર વ્યક્ત કરી નવા વરસે પણ એથી વધુ  સહકાર મળતો રહેશે એવી આશા સાથે નવા વર્ષની શુભકામનાઓ .

HAPPY NEW YEAR — HAPPY NEW YOU

આભાર,

વિનોદ પટેલ

( 744 ) મળવા જેવા માણસ…શ્રીમતી નીલમ દોશી….પરિચય …શ્રી પી.કે.દાવડા

મળવા જેવા માણસ….સુ.શ્રી.નીલમ દોશી…..પરિચય ..શ્રી પી.કે.દાવડા 

શ્રીમતી નીલમ દોશી

શ્રીમતી નીલમ દોશી

                   

નીલમબહેનનો જન્મ ૧૯૫૫ માં પોરબંદરમાં થયો હતો. એમના પિતાનો અભ્યાસ અને બચપણ આફ્રીકામાં ગુજરેલું જ્યારે માતા જામખંભાળીયાના નગરશેઠની પુત્રી હતા. પિતા એલ.આઇ.સી.માં બ્રાન્ચ મેનેજર હતા. દાદાનો પોરબંદરમાં ક્પડાંનો મોટો સ્ટોર  હતો. નીલમબહેનના જન્મ સમયે કુટુંબ આર્થિક રીતે સંપન્ન હતું.

નીલમબહેનનું પ્રાથમિક અને નવમા ધોરણ સુધીનું માધ્યમિક શિક્ષણ પોરબંદરની શાળામાં થયું હતું. ભણવામાં તેજસ્વી હોવાથી હંમેશાં પહેલો નંબર આવતો. જ્યારે નીલમબહેન ત્રીજા ધોરણમાં હતા ત્યારે એમનો બીજો નંબર આવ્યો એમ કહ્યું ત્યારે અતિ સંવેદનશીલ સ્વભાવને લીધે લાગી આવતા નીલમબહેનને મરી જવાનો વિચાર આવ્યો. મરવું કેવી રીતે એ મૂંઝવણમાં પહેલા એ સમુદ્ર કિનારે ગયા, પછી વિચાર બદલી જંગલમાં ધ્રુવની જેમ તપ કરવા ગયેલા.  પણ આખરે  કોઇ પરિચિત વ્યક્તિએ એમને ઘરે પહોંચાડી દીધા.

 દસમા અને અગિયારમા ધોરણનો અભ્યાસ નીલમબહેને જેતપુરમાં કર્યો. અહીં એમની સાહિત્યમાં રૂચિ કેળવાઇ.  અહીંથી ૧૯૭૧ માં એમણે S.S.C. ની પરિક્ષા, તાલુકામાં પ્રથમ આવીને, પાસ કરી.

શાળાજીવન દરમ્યાન એમનો ફાજલ સમય અને વેકેશનનો સમય મોટેભાગે એમના શિક્ષકોને ત્યાં પસાર થતો. અહીં એમને નવા નવા પુસ્તકો વાંચવા મળતા, શું વાંચવું એનું માર્ગદર્શન મળતું, ચર્ચાઓ થતી, અને લખવા માટે પ્રેરણા મળતી. સાહિત્ય સર્જનનો પાયો નાખનાર શિક્ષકો સંધ્યાબહેન, ઉષાબહેન અને પ્રભાબહેનને નીલમબહેન આજે  પણ પ્રેમથી  યાદ કરે છે. નીલમબહેનનું લઘુકથાનું પુસ્તક “પાનેતર” એમણે એમના આ ત્રણ શિક્ષકોને અર્પણ કર્યું છે.

S.S.C. પાસ કર્યા પછી નીલમબહેનની ઈચ્છા આર્ટસમાં જવાની હતી, પણ પિતાની ઇચ્છાને લીધે  રાજકોટની કોલેજમાં સાયન્સમાં એડમીશન લીધું. બે વર્ષ રાજકોટની હોસ્ટેલમાં રહી અભ્યાસ કર્યા બાદ એમણે જામનગરની કોલેજમાંથી ૧૯૭૫ માં Distinction સાથે B.Sc. ની ડીગ્રી મેળવી.

૧૯૭૮ માં નીલમબહેનના લગ્ન બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી ગોલ્ડ મેડલ સાથે B.Tech. (Chemical Engineering) ડીગ્રી મેળવેલા હરીશભાઈ દોશી સાથે થયા. દંપતીને એક પુત્ર અને એક પુત્રી છે, બંને ડોકટર છે અને અમેરિકામાં સ્થાયી થયા છે. પતિ સાથે ફકત સહજીવન નહીં સખ્ય જીવન જિવાય છે એનું ગૌરવ છે. એમની નવલકથા “ દોસ્ત, મને માફ કરીશ ને ? “ પુસ્તક  જીવન સાથી હરીશને અર્પણ કરતા લખ્યું છે.

“ દોસ્ત, મને માફ કરીશને ? એમ પૂછવાની જેને કદી જરૂર નથી પડી એવા દોસ્ત અને જીવનસાથી હરીશને સ્નેહપૂર્વક..”

Nilam-2                        

 લગ્ન પછી નીલમબહેને મીઠાપુર હાઈસ્કૂલમાં ૧૮ વર્ષ શિક્ષિકા તરીકે નોકરી કરી. તેઓ કહે છે, “મારા શિક્ષકોએ મને ઘણું આપ્યું છે એનો થોડો અંશ હું પણ મારા વિધ્યાર્થીઓને આપી શકું અને એ રીતે ગુરૂદક્ષિણા ચૂકવી શકું.એવી ભાવના છે. આજે હું જેમ મારા શિક્ષકોને ભાવથી યાદ કરું છું, એ જ રીતે મારા અનેક વિધ્યાર્થીઓ, દેશ કે પરદેશમાંથી દર શિક્ષક દિવસે મને અચૂક ફોન કરે છે. અને ઘણાં સાથે જીવંત સંપર્ક આજે પણ છે, જેને હું મારા જીવનની અમૂલ્ય મૂડી ગણું છું.”

કોલેજના વર્ષો દરમ્યાન અને લગ્ન બાદ પણ નીલમબહેનનો સાહિત્ય પ્રત્યેનો લગાવ જારી રહ્યો. સંદેશ, સ્ત્રી, જનસત્તા, ગુજરાત ગાર્ડિયન, મુદ્રાલેખ, માર્ગી વગેરેમાં નિયમિત કોલમ ઉપરાંત, વાર્તાઓ, લેખો, અખંડઆનંદ, નવનીત, પરબ, શબ્દ સૃષ્ટિ, છાલક, સંવેદન,અભિયાન, ચિત્રલેખા,અભિષેક, નવચેતન, જલારામ દીપ વગેરે જુદા જુદા સામયિકોમાં નિયમિતપણે પ્રકાશિત થતા રહે છે. વીસ પુસ્તકો પ્રકાશિત થઇ ચૂકયા છે.અને હજુ સર્જન ચાલુ છે.  

nilam-3

Nilam-4

 એમના ચાર પુસ્તકોને ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ, અને કલાગુર્જરી મુંબઇ દ્વારા એવોર્ડ મળેલા છે. એમનું “ઝાલરટાણું” નાટક રેડિયો ઉપર પ્રસારીત થયું છે, અને અનેક શૈક્ષણિક કાર્યક્રમો અને કાવ્યોનો રસાસ્વાદ આકાશવાણી રાજકોટ પરથી,પ્રસારિત થયા છે, ઉપરાંત એમની વાર્તા અને એમનો ઇંટરવ્યુ  ઓસ્ટ્રેલિયા રેડિયો પરથી તથા રેડિયો આઝાદ ( ટેક્ષસાસ, ડલાસ ) પરથી પણ  પ્રસારિત  થયા છે. નીલમબહેનનો વધારે પરિચય મેળવવા તો તમારે એમના બ્લોગ–

“પરમ સમીપે “  ની આ લીંક 

https://paramujas.wordpress.com પર મુલાકાત લેવી પડશે .

માત્ર એમની સમયની વ્યાખ્યા કરતી થોડી પંક્તિઓ અહીં નમુના રૂપે રજૂ કરૂં છું.

કણ કણ બની વેરાતો સમય
સપનાઓમાં વિખેરાતો સમય
રેતી સમ હથેળીમાંથી સરતો સમય
બંધ મુઠીમાં કદી સચવાતો સમય
સાતતાળી દઇ સદા છટકતો સમય
યાદોની કરવતથી કપાતો સમય
પારાની જેમ દદડતો સમય
પલપલ રંગ બદલતો સમય
વ્યસ્તતાના વાઘા પહેરી ફરતો સમય
‘હાશકારા’થી સદા આઘો રહેતો સમય
અહમના હાથપંખાથી વીંઝાતો સમય
સ્મરણોના ખાલીપાથી નીતરતો સમય
‘સ્ટેચ્યુ’ કહેતાં યે ન થંભતો સમય
પ્રસૂતિગૃહથી સ્મશાન સુધીનો રસ્તો સમય.

નીલમબહેન કહે છે:

” જીવન અનેક આયામમાં વિસ્તરતું હોય છે.  એક લેખક તરીકેની સામાજિક નિસ્બત ગણીને  સામાજિક વિષયો પર હકારાત્મક અભિગમ સાથે  સતત લખતી રહું છું. જનસેવા એ જ પ્રભુ સેવા…એ એક જ સૂત્રનો અમલ શકય અંશે કરી રહી છું. મને ગરીબ, અનાથ બાળકો માટે વિશેષ પક્ષપાત છે, એમને માટે કંઇ પણ થઇ શકે એ જ જીવનનું ધ્યેય..એ જ સપનું અને એ જ કર્મ.અને મારે માટે એ જ ધર્મ. હું કંઇ મોટી સંત મહાત્મા નથી. એક સામાન્ય માણસ છું. મૌન રહીને જે પણ થઇ શકે તે નાના નાના કાર્ય કરતા રહેવું ગમે છે.”

“મળવા જેવા માણસ” લેખમાળામાં નીલમબેનનો પરિચય લખવાનો મને મોકો મળ્યો એને હું મારૂં સદભાગ્ય સમજું છુ.

-પી. કે. દાવડા

=======================================

શ્રી દાવડાજીએ અગાઉ કરાવેલા  ૪૦+ વ્યક્તિઓના પરિચય

વાંચવા માટે શ્રી સુરેશભાઈ જાનીના બ્લોગ 

ગુજરાતી પ્રતિભા પરિચય ની આ લીંક ઉપર ક્લિક કરો.