વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Category Archives: અપંગનાં ઓજસ

1266 હૈયામાં હામ હોય તો હેમ મળે!… મુકેશ પંડ્યા

સૌજન્ય- મુંબઈ સમાચાર

દિવ્યાંગ ચંદીપસિંહ ની પ્રેરક કથા  

હૈયામાં હામ હોય તો હેમ મળે! ….કવર સ્ટોરી-મુકેશ પંડ્યા

ફળતા જિંદગીની, હસ્તરેખામાં નથી હોતી;
ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી.
– બરકત વિરાણી ‘બેફામ’

ઘણા લોકોને પોતાના નસીબને કોસવાની આદત હોય છે, ફલાણાએ સાથ ન આપ્યો એટલે હું નિષ્ફળ ગયો- આ એમનું પેટન્ટ વાક્ય હોય છે. ઘણા એવા હોય છે જે એમ વિચારતા હોય છે કે કોઇનો સાથ નથી તો શું થયું? મને ભગવાને બે હાથ તો આપ્યા જ છે ને. આવા લોકો કોઇના પણ સહકાર વિના પોતાના હાથને જ જગન્નાથ માનીને હસ્તરેખાઓને પણ બદલી નાખવામાં પાવરધા હોય છે. જોકે, ઘણા એવાય હોય છે જેની પાસેથી ભગવાને બે હાથ પણ છીનવી લીધા હોય છે, છતાંય આ લોકો એવું કામ કરી જાય છે કે હાથવાળાય પોતાના હાથ ઘસતા રહી જાય અને આ લોકો મેડલ લઇ જાય અને એ પણ પાછો હેમ એટલે કે સોનાનો. આનો અર્થ એવો થયો કે સફળતા મેળવવા કોઇના સાથ કે હાથની નહીં,પણ હૈયે હામ અને દિલમાં લગન હોવી જરૂરી છે. આજે આપણે પણ એવા એક પુરુષની વાત કરવી છે જેને હાથ નથી છતાંય બેઉ હાથે (સોરી. બેઉ પગે) સોનું (મેડલ) ઉલેચી રહ્યો છે.

જી… હાં, ચંદીપસિંહ સુદાન નામનો એક હસતો રમતો છોકરો ૧૧ વર્ષની ઉંમરે જ બે હાથ ગુમાવી બેઠો. જમ્મુમાં એના ઘરની ઉપરથી પસાર થતાં ખુલ્લા વાયરને ભૂલથી અડી બેઠો. લગભગ ૧૧,૦૦૦ વોલ્ટ જેવા હાઇવોલ્ટેજ કરંટ ધરાવતા વાયરને અડવું એટલે મોતને આમંત્રણ. જોકે તે આ પ્રચંડ વીજપ્રવાહના ખોફ છતાંય બચી તો ગયો, પણ અંગે અંગમાં બળતરા વ્યાપી ગઇ હતી. તબીબી ભાષામાં જેને ફોર્થ ડીગ્રી બર્ન કહેવાય એ રીતે એ દાઝ્યો હતો એટલે તેના બે હાથમાં ઘણો ચેપ ફેલાયો હતો.

આવી પરિસ્થિતિમાં તેનો જીવ બચાવવા ડૉક્ટરો પાસે તેના બેઉ હાથ કાપી લેવા સિવાય બીજો કોઇ વિકલ્પ બચ્યો ન હતો. ૨૦૧૧ની બનેલી આ ઘટનાને વાગોળતા તેના પિતા સુરિન્દર સિંહ જણાવે છે કે, ‘ચંદીપે હોસ્પિટલના બિછાને ઓપરેશન થઇ ગયા પછી મને કહ્યું હતું કે ડૉક્ટરને કહો કે મારી આંગળીઓ પર સખત દબાણ આવી રહ્યું છે, હાથે બાંધેલો પાટો થોડો ઢીલો કરે. પણ એને ક્યાં ખબર હતી કે તેના બેઉ હાથ કાપી નાખવામાં આવ્યા છે’

ખરેખર જ્યારે ચંદીપને ખબર પડી કે તેણે બે હાથ ગુમાવ્યા છે ત્યારે તેને ખૂબ આઘાત લાગ્યો હતો. એ ખૂબ રોયો હતો. એ દિવસો હતાં જ્યારે ચંદીપ શાળામાં ખેલકૂદ ક્ષેત્રે પણ સફળતાપૂર્વક આગેકૂચ કરી રહ્યો હતો. દોડ-સ્પર્ધા, ફૂટબોલ અને સ્કેટિંગમાં તેને ખૂબ રસ હતો. જોકે, તેને તેના કુટુંબ અને મિત્રોનો ખૂબ સહકાર મળ્યો. તેના મા-બાપ અને સગાવહાલાં તેને હંમેશાં કહેતાં રહેતાં કે જે બની ગયું છે એના વિશે ક્યારેય વિચારવું નહીં. ભૂતકાળ ભૂલીને હવે જે પરિસ્થિતિ છે એનો સહજતાથી સ્વીકાર કરીને આગળ વધવું જોઇએ. અમે સતત તારી સાથે છીએ.

ચંદીપના માબાપે તેને કંઇ પણ કરવાની છૂટ આપી હતી. તે જે પણ કાર્ય કરવા માગતો એમાં તેમનો પૂરો સહકાર રહેતો. ચંદીપ કહે છે કે તેને તેના મિત્રોનો પણ ઘણો સાથ-સહકાર મળ્યો. ઘણા એવા હોય છે કે દાઝ્યા પર ડામ દે, પણ તેના મિત્રોએ તેને ક્યારેય એવી લાગણી થવા જ ન દીધી કે તેણે બે હાથ ગુમાવ્યા છે.

દરેકના સાથ સહકારથી ચંદીપે તેની જિંદગીનો બીજો અધ્યાય શરૂ કર્યો. ચંદીપના જ શબ્દોમાં કહીએ તો, ‘મારા કુટુંબીઓ અને મિત્રોએ મારા માટે એટલું બધું કર્યુ હતું કે મને પણ વિચાર આવતો કે મારે પણ બદલામાં એવું કાંઇક કરવું જોઇએ જેથી આ બધા લોકો મારા માટે ગર્વ અનુભવે. હું શું કરી શકું એવું વિચારતો હતો અને એક દિવસ મને સ્કેટિંગ ક્ષેત્રે આગળ વધવાનો વિચાર આવ્યો. ઘણા લોકો એમ કહેતા કે સ્કેટિંગ કરવામાં શરીરની સમતુલા જાળવવી ઘણી જરૂરી છે અને બે હાથ વગર આ સમતુલા જાળવી શકાય નહીં. જોકે, મેં આ વાતને એક ચેલેન્જ તરીકે સ્વીકારી અને સ્ક્ેટિંગ ક્ષેત્રે કંઇક કરી બતાવવાનું નક્કી કર્યું.

સાચે જ, ચંદીપે સ્કેટિંગ ક્ષેત્રે ઘણું કરી બતાવ્યું. તેના હાથ ભલે ન હતાં, હૈયૈમાં હામ તો હતી જ. એ હિંમત અને લગનથી આગળ વધ્યો ને, રાષ્ટ્રીય સ્તરનો ખેલાડી બની ગયો. અત્યારે તો એ ૧૦૦ મીટરની પેરા-સ્કેટિંગ સ્પર્ધા માત્ર ૧૩.૯૫ સેક્ધડમાં પૂરી કરવાનો વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે. ૨૦૧૫માં ચંદીપને ઉત્તરાખંડમાં યોજાયેલી ઓલ ઇન્ડિયા રોલર સ્કેટિંગ ચેમ્પિયનશીપમાં કાંસ્ય પદક મળ્યો. અરે થોભો, આશ્ર્ચર્યની વાત તો એ છે કે આમાં સધળા સ્પર્ધકો તેના જેવા વિકલાંગ નહીં , પણ બે હાથવાળા ધરાવતા સામાન્ય લોકો હતાં.

જોકે સંદિપ માત્ર સ્કેટિંગમાં જ નહીં અન્ય રમતોમાં પણ ખૂબ આગળ વધ્યો. ટાએકવૉન્ડો જેવી માર્શલ આર્ટ ધરાવતી રમત એ ધગશથી શીખ્યો. આ રમતમાં પગને સામેવાળાના માથા સુધી ઉછાળીને, હવામાં ફંગોળાઇને અને પોતાની જાતને સમતુલિત રાખીને સામેવાળાને મહાત કરવાનો હોય છે. પણ ચંદીપ જેનું નામ. એણે તો આ રમતને પણ પડકાર સમજીને સ્વીકારી લીધી. સ્વીકારી લીધી તો ભલે સ્વીકારી લીધી, પણ તેમાં બબ્બે સુવર્ણ પદક પણ જીતી બતાવ્યા. હાં.. જી એણે તાજેતરમાં જ સાઉથ કોરિયા ખાતે

યોજાયેલી કિમયોન્ગ ટાએકવૉન્ડો ચેમ્પિયનશીપમાં બબ્બે સુવર્ણ ચંદ્રક મેળવીને જાણે નવા વર્ષની સોનેરી શરૂઆત કરી હતી. આટલું જ નહીં આની પહેલાં વિયેટનામમાં યોજાયેલી એશિયન ટાએકવૉન્ડો ચેમ્પિયનશીપમાં અને નેપાળ ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રિય ટાએકવૉન્ડો ચેમ્પિયનમાં પણ એ સુવર્ણ ચંદ્રકો જીતી ચૂક્યો છે. લ્યો બોલો, હાથેથી ચીજ-વસ્તુઓને ઉલેચતા ઘણા લોકોને તમે જોયા હશે, પણ આપણો આ વીરલો જાણે પગેથી સોનું ઉલેચી રહ્યો છે.

ચંદીપ સિંહ પોતાના રોજિંદા કામો પણ પગેથી ખૂબ સારી રીતે કરી રહ્યો છે . એટલું જ નહીં એ લેપટોપ અને મોબાઇલ પણ પગેથી ખૂબ સારી રીતે ઓપરેટ કરી શકે છે. આંતરરાષ્ટ્રિય દોડવીર મિલ્ખાસિંહે પણ તેના વખાણ કરતાં કહ્યું હતું કે, ‘ જ્યારે ચંદીપ મારી ઓફિસમાં આવ્યો. ત્યાં મે એને લેપટોપ અને મોબાઇલ પગેથી ચલાવતા જોયો, હું તો આશ્ર્ચર્ય ચકિત થઇ ગયો.’

ઉલ્લેખનીય છે કે મિલ્ખાસિંહ, મિલ્ખા ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવે છે અને ચંદીપને બે કૃત્રિમ હાથ બેસાડી આપવાની દિશામાં આગળ વધી રહ્યા છે એ સંદર્ભમાં ચંદીપ જોડે મળવાનું થાય છે.

મિલ્ખાસિંહ કહે છે કે, ‘અમે તેને આવા હાથ બેસાડી આપવા તત્પર છીએ જેથી તેની આગામી જિંદગી થોડી સરળતાથી પસાર થાય. આ હાથ બેસાડવાનો ખર્ચ ૪૦થી ૫૦ લાખ છે. અમે અમારાથી બનતા પ્રયત્નો તો કરીએ જ છીએ, સાથે આમ લોકોને પણ બનતી મદદ કરવાની અપીલ કરી છે.’

ચંદીપ અત્યારે ૧૯ વર્ષનો છે. મતદાન કરવાની ઉંમરે પહોંચેલા ઘણા યુવાનો કોઇ હસ્તરેખાશાસ્ત્રી પાસે પોતાનું ભવિષ્ય કેવું છે એ જાણવા હથેળી બતાવતાં હોય છે, જ્યારે ચંદીપે આ જ ઉંમરમાં આપણા લોકપ્રિય શાયર બરકત વિરાણી ‘બેફામ’ની લોકપ્રિય શાયરીની એક લાઇન, કે ‘સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી…’ ને ખરેખર સાર્થક કરીને એ સિદ્ધ કરી બતાવ્યું કે જીવનની સફળતા એ કોઇ હાથ કે તેની હસ્તરેખાઓની મોહતાજ નથી હોતી.

ચંદીપને આ નવા વર્ષમાં બે કૃત્રિમ હાથ જલદીથી મળી જાય એવી શુભેચ્છા.

સૌજન્ય… મુંબઈ સમાચાર .કોમ 

ચંદીપસિંહની પ્રેરક કથા વિડીયોમાં …

Asian championship Gold medal ..Taekwondo/international/Indian team player/india vs koera

Chandeep Singh – Official full documentary”

Chandeep Singh વિશેના અન્ય વિડીયો અહીં ક્લિક કરીને જુઓ 

1210- અપંગની પ્રતિભા- ભરત પટેલ

એક દિવ્યાંગ પ્રતિભાનો પરિચય …

વિકલાંગતા સામેના મહાભીનીશ્ક્રમણમાં જીત મેળવી સમાજની ઉપયોગી સેવા કરનાર મહેસાણા જીલ્લાના વતની દિવ્યાંગ ભરતભાઈ પટેલ વિષે ગુજરાત પ્રતિભા પરિચય માં પ્રગટ પ્રેરક લેખ અત્રે સાભાર રીબ્લોગ કરેલ છે.

વિનોદ પટેલ

ગુજરાતી પ્રતિભા પરિચય

સાભાર – શ્રી. નિરંજન પટેલ

ઈ.સ. ૨૦૦૦ થી  ‘વિકલાંગ  મિત્ર’ મસિક ચલાવતા શ્રી. ભરત પટેલનું આત્મ કથાનક ( બે ભાગમાં )

Bharat Patel – 1

Bharat Patel – 2

    નીચે દર્શાવેલ ચિત્ર અને તેની સાથે સંકળાયેલી લિન્ક પરથી ‘વિકલાંગ મિત્ર’ ના બધા અંક ઓન -લાઈન વાંચી શકાશે.

Vikalang આ શિર્ષક ચિત્ર પર ક્લિક કરી ગુજરાતની વિકલાંગ સંસ્થાની વેબ સાઈટની મુલાકાત લો.

View original post

1207- આખું અમેરિકા ગજાવે છે આ ગુજરાતી ટેણિયો….

આખું અમેરિકા ગજાવે છે આ ગુજરાતી ટેણિયો

અમેરિકામાં ગુજરાતી દમ્પતિને ત્યાં જન્મેલો આ ટેણિયો
 – નામે સ્પર્શ શાહ, આખું અમેરિકા ગજવે છે.
એના વિષે આ વિડીયોમાં માહિતી જાણીને આ ટેણીયાને સલામ કરવાનું મન થશે.

સ્પર્શના ઘણા બધા વિડિયો જોવા અહીં ક્લિક કરો.

1173 – સાઈકલનો અવાજ …. ટૂંકી વાર્તા ….. લેખક- ‘હરીશ્ચન્દ્ર’

‘ભુમીપુત્ર’ના છેલ્લે પાને પ્રગટતી ‘હરીશ્ચંદ્ર’ બહેનોની સંક્ષેપ કથાઓ ગુજરાતી લેખનમાં વીશેષ ભાવે સ્થાન પામી છે. આ કથાઓ એ બહેનોની સ્વતંત્ર કૃતીઓ નથી; ભારતની વીવીધ ભાષાઓમાંથી ચુંટી કાઢેલાં ફુલો તેમણે ગુજરાતી ભાષાપ્રેમીઓને ધર્યાં છે પણ એની વીશેષતા જેટલી એના લાઘવમાં છે, એટલી જ એની જબ્બર સુચકતામાં છે….અનુવાદ તો આ છે નહીં; બધું જ નવું સ્વરુપ છે. નવું સ્વરુપ આપવું; છતાં જુનું રાખવું અને પોતાની જાતને ક્યાંય દેખાવા ન દેવી, તે એક તપ માગે છે. આવી મધુર તપસ્વીતા તો બન્ને બહેનોનાં જીવનમાં છે જ; પણ આમાં પણ એ તપ ઉતર્યું છે.

‘વીનોબાજીની પ્રેરણાથી લગભગ ચીર પ્રવાસમાં રહેનારી આ બહેનોએ દક્ષીણ–ઉત્તર–પુર્વ–પશ્ચીમ ભારતમાંથી આ બધી વાર્તાઓ કેવી રીતે શોધી અને તેનો પુનર્જન્મ બન્નેએ કેવી રીતે કર્યો તે પણ એક નવાઈભરી ઘટના છે. બે જણ લખે; છતાં એક જણે, એક હાથે લખ્યું હોય તેવું લાગે, તે બન્નેનાં મનૈક્યની પ્રસાદી છે…આવી પ્રસાદી મળતી રહો અને આપણે આરોગતા રહીએ…’

–મનુભાઈ પંચોલી, લોકભારતી, સણોસરા, 21 જાન્યુઆરી 1984 ‘વીણેલાં ફુલ’ ભાગ–1ની પ્રસ્તાવનામાંથી સાભાર..

સૌજન્ય-આભાર … શ્રી ઉત્તમ ગજ્જર ..સન્ડે-ઈ-મહેફિલ

soldier-in-wheel-chair

સાઈકલનો અવાજ …. ટૂંકી વાર્તા ….. લેખક- ‘હરીશ્ચન્દ્ર’

હું આ ત્રીજી વાર અમેરીકા આવ્યો છું. જગ્યાની શોધમાં છું. ઈન્ફર્મેશન ટૅકનોલૉજીમાં કામ કરનારા અમારા જેવાની આ જ દશા છે. કોઈ એક જગ્યાએ ડેરા નાખીને રહેવાનું ન હોય.જ્યાં પ્રોજેક્ટ મળે ત્યાં જઈને રહેવું પડે.પ્રોજેક્ટ પુરો થયો કે બીસ્તરા પોટલાં બાંધો અને સ્વદેશ સીધાવો. ડૉલરનું આકર્ષણ અહીં તાણી લાવે.

આ વખતે મારી કંપની છે, એક કસ્બામાં. મકાન શોધતો રહ્યો. બે અઠવાડીયાં હૉટેલમાં રહ્યો.છ બાર મહીના માટે આવનારા મારા જેવાને સ્વતંત્ર મકાન કરતાં ઍપાર્ટમૅન્ટ વધુ માફક આવે છે.બરફ પડે ત્યારે કારના પાર્કીંગ માટે જગ્યા સાફ કરવી,ઘાસ ઉગી જાય ત્યારે તેને કાપવું, બાથરુમમાં નળ બગડ્યો કે તેને દુરસ્ત કરવો આવી કોઈ ઝંઝટ જ નહીં. બધું ઍપાર્ટમૅન્ટના વ્યવસ્થાપક કરી દે. આપણે બસ, ભાડું ચુકવી દીધું કે છુટ્ટા !

હું આવ્યો તે કસ્બામાં ઍપાર્ટમૅન્ટ ઝાઝાં નહોતાં. સ્થાનીક છાપાં”માં અને ઈન્ટરનેટ પર વેબસાઈટમાં જોઈ હું જગ્યા શોધતો રહ્યો. કાંઈ મેળ પડતો નહોતો. ક્યાંક ભાડું મને પોષાય તેમ નહોતું. અને ખાસ તો મને ભોંયતળીયે કે પહેલે માળે નહીં; ઉપર બીજા માળે જગ્યા જોઈતી હતી. ગયા વખતનો મારો અનુભવ બહુ ખરાબ હતો. અહીં મોટે ભાગે ફ્લોરીંગ લાકડાનું હોય. ઉપરના માળે કાંઈ ને કાંઈ હલચલ થાય કે નીચે આખો વખત ભુકંપનો અનુભવ થયા કરે.

ઉપરની તો કોઈ જગ્યા મળી નહીં; એટલે છેવટે ભોંય તળીયાની જ લેવી પડી. છ મહીનાનું કરારનામું કર્યું અને હું ત્યાં રહેવા ગયો. જરુરી સામાન ખરીદ્યો. પણ પ્રથમ ગ્રાસે જ મક્ષીકા ! હજી હું માંડ બધું ગોઠવતો હતો, ત્યાં જ ઉપર ધમ્મ કરતી કોઈ ચીજ પડ્યાનો અવાજ આવ્યો. થોડી વાર થઈ ત્યાં ઉપર કોઈ સાઈકલ ચલાવતું હોય એવો અવાજ આવ્યો. થોડી વાર પછી ફરી સાઈકલ ચલાવવાનો અવાજ. મેં માન્યું કે ઉપર કદાચ નાનાં છોકરાંવવાળું કુટુમ્બ રહેતું હશે. પણ હવે શું કરું? મેં એમ માનીને મન મનાવ્યું કે, આખો દીવસ તો મારો ઓફીસમાં નીકળી જશે, અને રાતે છોકરાં જમ્પ્યાં હશે; એટલે વાંધો નહીં આવે.

પરન્તુ મારી આશા ઠગારી નીવડી.થોડો વખત ટીવી જોઈને રાતે અગીયાર વાગ્યે પથારીમાં પડ્યો ત્યારેય ઉપર કાંઈ ને કાંઈ ખટપટ ચાલતી જ હતી.વચ્ચે-વચ્ચે સાઈકલનોયે અવાજ આવતો રહ્યો. મને ઉંઘ આવતાં બે વાગી ગયા !

હું તંગ આવી ગયો હતો, આવું તો કેમ ચાલશે ?ઓફીસમાં મારા અમેરીકાના સાથીદારોને વાત કરી. તેણે સુચવ્યું કે તારી પરેશાનીની વીગત આપતો એક પત્ર લખીને ઉપરવાળાની પત્ર પેટીમાં નાખી દે, જરુર કાંઈક ફરક પડશે. મેં ઓફીસમાં જ પત્ર ટાઈપ કરી નાખ્યો. ઘરે જઈ ઉપરવાળાની પત્રપેટીમાં નાખી દીધો. પણ મારું ધ્યાન ગયું કે પેટી ઠસોઠસ ભરેલી હતી. ઘણા દીવસથી તેમાંની ટપાલ કઢાઈ નહીં હોય.

તે રાતે પણઆગલી રાતનું જ પુનરાવર્તન. કાનમાં રુનાં પુમડાં નાખીને સુતો, ત્યારે ઉંઘ આવી ! આમ, ચાર-પાંચ દીવસો નીકળી ગયા. મારા પત્રની કોઈ અસર નહોતી. છેવટે મને થયું, રુબરુ જ જઈને કહી આવું.

હું ઉપર ગયો. બારણું ઠોક્યું. ઘંટડી જોઈ એટલે તેનું બટન જોરથી દબાવ્યું. અંદરથી અવાજ આવ્યો, `કમ ઈન….. દરવાજો ખુલ્લો જ છે.’ ધીરેથી દરવાજો ખોલી હું અંદર ગયો. અંદર ઝાંખું અજવાળું હતું. કોઈ માણસ દેખાતું નહોતું. ટીવી પર જોરદાર ચર્ચા ચાલતી હતી કે ઈરાકનું યુદ્ધ જરુરી હતું કે નહીં. ત્યાં અંદરના રુમમાંથી ફરી અવાજ આવ્યો, `જરા થોભો, હું આવું છું.’

મને થયું, ઘરમાં કેમ બીજું કોઈ દેખાતું નથી ? ત્યાં મારી નજર ખુણામાં પડેલ કાંખઘોડી અને કૃત્રીમ પગ પર પડી. તેવામાં અંદરથી મારો પરીચીત સાઈકલનો અવાજ આવ્યો. અને પૈડાંવાળી ખુરશી પર બેઠેલો પચીસ ત્રીસ વરસનો એક જુવાન મારી સામે આવ્યો. તેની આંખોમાં હતાશા હતી. તેનો ડાબો ચહેરો દાઝીને કુરુપ થઈ ગયો હતો. હું તો અવાક્ થઈ ગયો ! એકદમ પાછો ફરી ગયો. કાંઈ પણ કહેવાના હોશ મારામાં ન હતા. હું ભાગ્યો. એ મોટેથી કહી રહ્યો હતો, `અરે, આવો ને ! મારું નામ સ્મીથ…. સ્મીથ મૅક્સવેલ. આવો, વાતો કરીએ !’

મારા મનમાં ઘમસાણ ચાલી રહ્યું હતું. આવી તો મેં કલ્પનાયે નહોતી કરી. તે પોતાની પૈડાંગાડી દરવાજા સુધી લાવી મને કહી રહ્યો હતો, તે મેં સાંભળ્યું, `કમ સે કમ મારી ટપાલપેટીમાંથી મારી ટપાલ આપી જશો ? તમારો આભાર !’

નીચે ઉતરી, જઈને મેં પેટીમાંની બધી ટપાલ કાઢી. તેમાં મારો પત્ર પણ હતો, તે મેં પાછો લઈ લીધો. ઉપર જઈ તેને ટપાલ આપી હું ઝટ નીચે ઉતરી આવ્યો.

પાછળથી એપાર્ટમેન્ટના વ્યવસ્થાપક પાસેથી જાણ્યું કે આ જ ઘરમાં તે તેનાં માતાપીતા સાથે રહેતો હતો.

એકાદ વરસ પહેલાં ઈરાક યુદ્ધમોરચે બૉમ્બ ફાટવાથી એ પોતાના બન્ને પગ ગુમાવી બેઠો હતો.આ અકસ્માતના સમાચાર મળતાં જ એના પીતાને હાર્ટ ઍટેક આવ્યો અને એ ચાલ્યા ગયા. એની સાવકી મા થોડા દીવસ પહેલાં જ બીજું લગ્ન કરીને ચાલી ગઈ. એની ગર્લફ્રેન્ડ પણ એને આ અવસ્થામાં છોડી ગઈ છે…..

મારુ મન ખીન્ન થઈ ગયું. મને તેને માટે અપાર લાગણી થઈ આવી. હવે હું બે ચાર દીવસે એની પાસે જઈને બેસતો, એનું કાંઈ ને કાંઈ કામ કરી આપતો. સાઈકલનો અવાજ હવે મને કનડતો નહોતો.

`હરીશ્ચન્દ્ર’

(શ્રીશરત્ નોણબુરુની કન્નડવાર્તાને આધારે)

 

1164- ”બ્લેક હોલ્સ” અને ” બિગ બેંગ થીયરી ” થી ખગોળ વિજ્ઞાનમાં ખ્યાત નામ દિવ્યાંગ વિજ્ઞાની સ્ટીફન હોકિંગનું અવસાન

“A star just went out in the cosmos”

“My goal is simple. It is a complete understanding of the universe, why it is as it is, and why it exists at all.”– Stephen Hawking

 

જગતને બ્રહ્માંડનું રહસ્ય બતાવનાર બ્રિટનના ખ્યાતનામ ભૌતિક વિજ્ઞાની પ્રોફેસર સ્ટીફન હોકિંગનું 76 વર્ષની વયે તારીખ ૧૪ મી માર્ચ ૨૦૧૮ ની વહેલી સવારે  અવસાન થયું છે.

સ્ટીફનનું નિધન બ્રિટનના કેમ્બ્રિજ ખાતેના એમના નિવાસસ્થાને થયું છે.સ્ટીફન હોકિંગના પુત્રો લુસી, રોબર્ટ અને ટિમે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે, કે અમને બેહદ દુઃખ છે, કે અમારા પ્યારા પિતાજી આજે અમને છોડીને જતા રહ્યા છે.

1974માં બ્લેક હોલ્સ પર અસાધારણ રિસર્ચ કરીને તેમની થીયરીને નવો મોડ આપનાર સ્ટીફન હોકિંગ ખગોળ સાયન્સની દુનિયામાં ખૂબ મોટું નામ હતું. 

સ્ટીફન હોકિંગનો જન્મ 8 જાન્યુઆરી, 1942ના રોજ ઈંગ્લેન્ડના ઓક્સફર્ડમાં સેકન્ડ વર્લ્ડ વૉરના સમયે થયો હતો.

એ કેવો સંજોગ કહેવાય કે વૈજ્ઞાનિક ગૈલીલિયોના મૃત્યુની  બરાબર 300મી એનીવર્સરીની તારીખે જ હોકિંગનો જન્મ થયો હતો. 

1988માં તેઓ સૌથી વધુ ચર્ચાસ્પદ બન્યા હતા, જ્યારે તેમનું પહેલું બેસ્ટ સેલર પુસ્તક ‘એ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમઃ ફ્રોમ ધી બિગ બૈંગ ટુ બ્લેક હોલ્સ’ માર્કેટમાં આવ્યું હતું. 

તે પછી કોસ્મોલોજી પર તેમનું પુસ્તક બહાર પડ્યું હતું. તેની એક  કરોડથી વધુ પ્રત વેચાઈ ગઈ હતી. આ પુસ્તક દુનિયાભરમાં વિજ્ઞાન સાથે જોડાયેલ સૌથી વધુ વેચાયેલું પુસ્તક બની રહ્યું હતું.

1963માં સ્ટીફન હોકિંગ ફકત 21 વર્ષના હતા, ત્યારે તેમને Amyotrophic Lateral Sclerosis (ALS) નામનો રોગ થયો હતો. તેને કારણે તેમના મોટાભાગના શરીરના અંગો કામ કરતાં બંધ થઈ ગયા હતા. આ બિમારીથી પીડિત લોકો સામાન્ય રીતે 2 કે 5 વર્ષ જીવિત રહી શકે છે, પણ સ્ટીફન દશકો સુધી જીવ્યા અને ૭૬ વર્ષની ઉંમરે અવસાન પામ્યા . 

સ્ટીફન હોકિંગ ફક્ત આધુનિક ટેનોલોજીથી સજ્જ વ્હીલચેર દ્વારા મૂવ કરી શકતા હતા . આવી જીવલેણ બિમારી સાથે ખૂબ લાંબા સમય સુધી જીવિત રહેનાર સ્ટીફન હોકિંગ પહેલા વ્યક્તિ બની ગયા છે.

 2014માં સ્ટીફન હોકિંગની પ્રેરક જિંદગી પર આધારિત ફિલ્મ ‘ધ થીયરી ઓફ એવરીથિંગ’ રીલીઝ થઈ હતી.આ ફિલ્મને ઓસ્કાર એવોર્ડ પ્રાપ્ત થયો હતો. 

પ્રોફેસર સ્ટીફન હોકિંગે 1965માં ‘પ્રોપર્ટીઝ ઓફ એક્સપેંડિગ યૂનિવર્સિંઝ’ વિષય પર પોતાની પીએચડી પુરી કરી હતી. 

ખૂબ રસપ્રદ વાત એ છે કે સ્ટીફન ગણિતનો અભ્યાસ કરવા માગતા હતાં, પણ તેમના પિતાએ તેમને મેડિકલમાં જવાની સલાહ આપી હતી. 

યુનિવર્સિટીઝ કોલેજમાં ગણિત ઉપલબ્ધ નહોતું. જેથી તેમણે ફિઝીક્સને પંસદ કર્યું હતું, અને ત્રણ વર્ષ પછી તેમણે નેચરલ સાયન્સમાં ફર્સ્ટ કલાસ ઓનર્સ ડિગ્રી મળી. 

સ્ટીફન હોકિંગ ભલે શરીરથી નિર્બળ હતા પરંતુ એમનું મનોબળ ખુબ જ ઊંચા પ્રકારનું હતું. એમની સેન્સ ઓફ હ્યુમરથી પણ તેઓ જાણીતા હતા. 

તેમની સફળતા અંગે વાત કરતાં તેમણે એક વખત કહ્યું હતું કે તેમની બીમારીએ તેમને વૈજ્ઞાનિક બનાવવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી છે. બિમારી આવી તે પહેલાં તેઓ તેમના ભણતર પર કોઈ ધ્યાન આપતા ન હતાં. બીમારી દરમિયાન તેમને લાગ્યું કે તેઓ લાંબા સમય સુધી જીવિત રહેશે નહીં, ત્યારે તેમણે પોતાનું ધ્યાન રીસર્ચ પર લગાવી દીધું હતું, હોકિંગે બ્લેક હોલ્સ પર રીસર્ચ કર્યું હતું. 

તેમણે એક વખત કહ્યું હતું કે…

“પાછલા 49 વર્ષમાં હું મરણ પામવાનું અનુમાન લગાવી રહ્યો છું, હું મોતથી ડરતો નથી. મને મરવાની કોઈ જલદી નથી. હજી તો મારે ખૂબ કામ કરવાના બાકી છે.” 

પોતાના બાળકોને ટિપ્સ આપતાં સ્ટીફને કહ્યું હતું કેઃ 

પહેલી વાત તો એ છે કે હમેશા આકાશમાં સિતારોની તરફ જુઓ, ના કે પોતાના પગ તરફ. 

બીજી વાત એ કે કયારેય કામ કરવાનું ન છોડશો. કોઈપણ કામ પોતાને જીવવા માટેનો એક મકસદ હોય છે. વગર કામની જિંદગી ખાલી લાગતી હોય છે. 

ત્રીજી વાત એ છે કે જો આપ નસીબદાર થયા અને જિંદગીમાં તમને તમારો પ્યાર મળી જાય તો તેને કયારેય તમારી જિંદગીથી દૂર ન કરશો.

(સમાચાર સૌજન્ય-ચિત્રલેખા.કોમ ) 

STEPHEN HAWKING LIFE STORY IN (HINDI)|

MOTIVATIONAL AND INSPIRATIONAL STORY

A look at Stephen Hawking’s life – Daily Mail

 

 વિકિપીડિયા પર અંગ્રેજીમાંStephen Hawking ના જીવન અને કાર્યની વિગતે માહિતી અહીં ક્લિક કરીને વાંચો.

CNN ની વેબ સાઈટ પર અંગ્રેજીમાં એક સરસ લેખ-  ઘણા વિડીયો સાથે  

સ્ટીફન હોકિન્સના જીવન અને કથન પર પ્રકાશ પાડતા કેટલાક વિડીયો

આ વિડીયોમાં સ્ટીફન ના વૈજ્ઞાનિક તરીકેના કાર્યોનો ખ્યાલ આપ્યો છે.

સ્ટીફન હોકિંગની પ્રેરક જિંદગી પર આધારિત ફિલ્મ ‘ધ થીયરી ઓફ એવરીથિંગ’ જેને ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો.

The Theory of Everything – Official Trailer (Universal Pictures) HD

 

યુ-ટ્યુબની  આ લીંક Stephen Hawking પર પુષ્કળ વિડીયો જોવા/સાંભળવા મળશે.

 

1162 – દિવ્યાંગોના હક્કો માટે લડી રહેલ એક દિવ્યાંગ મહિલા ડો.માલવિકા ઐયર

             ડો. માલવિકા ઐયર

‘The only Disability in life is a bad attitude ” 

Malvika Iyer

તારીખ ૮ મી માર્ચ ૨૦૧૮ ની આંતરરાષ્ટ્રીય મહિલા દિન ની પોસ્ટ ના અનુસંધાનમાં આજની આ પોસ્ટમાં એક એવી યુવાન મહિલાનો પરિચય કરાવ્યો છે કે જેણે બાળપણમાં થયેલ એક અકસ્માતમાં બે હાથ ગુમાવ્યા હતા.આમ છતાં એના મનોબળની મદદથી એ સુપરવુમન તરીકે પાંખાઈ.આ જીંદાદિલ યુવતીનું નામ છે ડો.માલવિકા ઐયર.

લોકોને પ્રેરણા આપનારી માલવિકા અંગે બહુ થોડા લોકો જાણકારી ધરાવે છે કે તે એક એવા આધાતમાંથી ઉગરી છે કે જેમાંથી બહાર નીકળવું મુશ્કેલ હોય છે. પરંતુ માલવિકાએ આ દૂર્ધટનાને તેના મન પર હાવી થવા દીધી નથી.

ડો.માલવિકા ઇન્ટરનેશનલ મોટીવેશનલ સ્પીકર, દીવ્યાંગોના હક્ક માટે લડનારી એક્ટીવીસ્ટ અને સોશ્યલ વર્કમાં પીએચડીની સાથે એક ફેશન મોડલ તરીકે પણ જાણીતી છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ભારતના રાષ્ટ્રપતિએ  માલવિકા ઐયરને “ નારી શક્તિ પુરસ્કાર “ આપીને  સન્માનિત કરી હતી જે એ પ્રસંગના નીચેના વિડીયોમાં જોઈ શકાય છે !

President Ramnath Kovindh presented the Nari Shakti Puraskar to Dr Malvika Iyer rights activist

 મિત્ર શ્રી પ્રવીણ પટેલે મારા ફેસબુક પેજ ”મોતી ચારો ‘ માં માલવિકા ઐયર વિષે જે વિશેષ માહિતી આપી  છે એ નીચે સાભાર પ્રસ્તુત છે.

માલવિકા ઐયર તામિલનાડુમાં જન્મી હતી પણ તેનો પરિવાર રાજસ્થાન,બિકાનેરમાં રહેતો હતો.

મે ૨૦૦૨ ના વરસે એક ડાયનામાઈટ ફાટવાના કારણે માલવિકાએ તેના બન્ને હાથના કાંડા ગુમાવ્યા હતા તેમજ તેના પગ પર ગંભીર ઈજાઓ થઈ હોવાથી તે વાંકાચુકા થઈ ગયા હતા !૧૮ મહિના હોસ્પિટલની સારવાર મેળવી ખભા ઘોડીના સહારે ચાલતી થઈ હતી !

લહિયાની મદદથી માલવિકાએ જ્યારે એસએસસીની પરીક્ષા આપી અને બોર્ડમાં બીજો નંબર પ્રાપ્ત કર્યો હતો ત્યારે રાષ્ટ્રપતિ એ પી જે અબ્દુલ કલામે માલવિકાને રાષ્ટ્રપતિ ભવન પર નિમંત્રણ આપી એનું સન્માન આપ્યું હતું !

ત્યારપછી માલવિકાએ દિલ્હીની સ્ટેફન કોલેજમાંથી સામાજિક કાર્યોના વિષય પર માસ્ટરની ડીગ્રી મેળવી હતી !પછી ૨૦૧૨માં મદ્રાસની કોલેજમાંથી સામાજીક કાર્યો પર થિસીસ લખી પીએચડી મેળવી હતી !આ થિસિસ માટે માલવિકાને સર્વ શ્રેષ્ઠ થિસીસ માટે આપવામાં આવતો રોલિંગ કપ એવોર્ડ પણ મળ્યો હતો !

માલવિકાએ વિશ્વભરની સ્કુલો,કોલેજો,યુનિવર્સિટીઓ વિગેરે જગાઓ પર મોટીવેશનલ લેકચર આપ્યા છે !ડો.માલવિકા  દિવ્યાંગ લોકો માટે સામાજીક કાર્યો  કરતી રહે છે !

ગત વરસે united નેશન્સએ ડો.માલવિકાને વ્યક્તવ્ય આપવાનું નિમંત્રણ આપ્યું હતું !તેમજ વર્લ્ડ ઈકોનોમી ફોરમમાં પણ વ્યક્તવ્ય આપ્યું હતું !

બાળપણમાં હાથના કાંડા ગુમાવી,પગમાં ખોડ વેઠી માલવિકાએ નિરાશ થવાના બદલે ઉચ્ચ કક્ષાનો અભ્યાસ કરી ડોકરેટની ડિગ્રી મેળવી,સતત કામ કરતા રહીને જે નારી શક્તિ દર્શાવી છે તે દેશની તમામ મહિલા તેમજ દિવ્યાંગો માટે પ્રેરણારુપ છે !

દરેકને પ્રશ્ન થાય કે માલવિકાએ તેની થિસીસ કે વ્યક્તવ્ય કેવી રીતે લખતી હશે તે સૌ માટે માલવિકા આ જવાબ આપે છે !

”To everyone who’s been curious as to how I type, do you see that bone protruding from my right hand?

That’s my one and only extraordinary finger. I even typed my Ph.D. thesis with it 🙂

ડો. માલવિકા ઐયરને શાબાશી તેમજ ધન્યવાદ પાઠવવા જ જોઈએ !

નીચેના  વિડીયોમાં ડો. માલવિકા ઐયર TEDx ની એક સભામાં એના જીવનની પ્રેરક વાતો કહેતી જોઈ /સાંભળી શકાશે.

”The only Disability in life is a bad attitude ”  | Malvika Iyer | TEDxIIMKozhikode

આ વિડીયોમાં ડો. માલવિકા ઐયરના જીવનની સફળતા ની કથા અંગ્રેજીમાં આલેખવામાં આવી છે એ એના ચિત્રો સાથે વાંચી શકાશે .

Motivational Success Story of Double Amputee Malvika Iyer – What’s Your Excuse ?