સ્વ.અવંતિકા ગુણવંત … શ્રધાંજલિ … વાર્તાઓની સાપ્તાહિક શ્રેણી …મણકો..૧૧

અમેરિકામાં જન્મેલ કાજોલ પોતાની જાતને અમેરિકન તરીકે ઓળખાવે છે.એ અમેરિકન સિટિઝન છે. એના પતિ ડીક સાથે વિચારોનો મેળ ના મળતાં કાજોલ એનાથી છૂટી પડે છે.
કાજોલ કહે છે કે ”અમારી વચ્ચેનો પ્રેમ મર્યો જ નહોતો.અમે બન્ને એ પ્રેમને જાળવવા માગતાં હતાં, તેથી જ છૂટાં પડ્યાં હતાં.
પતિપત્ની મટી ગયાં હતાં, પણ મિત્રો તો રહ્યાં જ હતાં.!”
અમેરિકામાં વસતાં પતી-પત્નીના સંબંધો પર પ્રકાશ પાડતી સ્વ. અવંતિકા ગુણવંતની આ વાર્તા આપને જરૂર ગમશે.
વિનોદ પટેલ
સમજપૂર્વકનું અંતર … વાર્તા …અવંતિકા ગુણવંત
કાજોલનો ફોન આવ્યો, ‘તું તૈયાર રહેજે. હું તને લેવા આવું છું.’
ક્યાં જવાનું છે એવો પ્રશ્ન મેં એને પૂછ્યો નહિ. એવો પ્રશ્ન હું એને કદી પૂછતી નથી, કારણ કે અનુકૂળતા હોય ત્યારે સાથે વખત ગાળવાનું અમને બેઉને ગમે છે.
લાંબા સમયનો અમારો પરિચય નથી, પણ પહેલીવાર મળ્યાં ત્યારથી જ સ્નેહભરી મૈત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો હતો. એનું કારણ કદાચ કાજોલનાં ભારતીય મૂળ હોઈ શકે….કાજોલનાં માતાપિતાનો જન્મ, ઉછેર અને અભ્યાસ ભારતમાં હતો. લગ્ન કર્યા પછી તેઓ અમેરિકા આવીને વસેલાં.
કાજોલનો જન્મ અમેરિકામાં થયો, પણ એના ઘરનું વાતાવરણ, જીવનશૈલી લગભગ ભારતીય હતાં. કાજોલ પોતાની જાતને અમેરિકન તરીકે ઓળખાવે છે, એ અમેરિકન સિટિઝન છે, એણે ભારત જોયું જ નથી, છતાં મને એવું લાગ્યા કરે કે ઊંડેઊંડે એનામાં પરંપરાગત ભારતીય સંસ્કારો છે. તેથી જ અમે જીવન વિશે ઘણી બધી બાબતોની ચર્ચા કરી શકતાં ને અન્યોન્યનું દષ્ટિબિંદુ સમજી શકતાં. કશુક છુપાવ્યા વગર હૃદયમનના ભાવ નિખાલસતાથી બેધડક પ્રગટ કરી શકતાં. અમારી વાતોનો પ્રવાહ અસ્ખલિત વહ્યા કરતો.
રસ્તમાં કાજોલે કહ્યું : ‘આપણે બર્લિંગ્ટન મૉલમાં જઈએ છીએ, પ્રેઝન્ટ ખરીદવા. ડીક માટે પ્રેઝન્ટ.’
‘ડીક માટે ?’ આટલા શબ્દો મારા મોંમાંથી સરી પડ્યાં, પણ પછી હું અટકી ગઈ, કારણ કે આજ સુધી એક ડીકનું નામ મેં એના મોંએ સાંભળ્યું છે અને એ છે એનાથી છૂટા પડેલા એના પતિનું.એ સિવાય બીજા કોઈ ડીક વિશે મેં સાંભળ્યું નથી, તો એના એ છૂટાછેડાવાળા પતિ માટે પ્રેઝન્ટ લેવા એ જતી હતી ? ડીકથી છૂટા પડ્યે પાંચેક વરસ થયાં છે. આ ડીકની વર્ષગાંઠ કે એવું કંઈ હશે, એની ઉજવણી થવાની હશે. એક સેકન્ડમાં મારા મનમાં કેટલાય પ્રશ્નો ઉપસ્થિત થયા. મારા ચહેરા પર આલેખાઈ ગયેલા એ પ્રશ્નો એણે વાંચી લીધા હોય એમ કાજોલ બોલી : ‘ડીકનાં લગ્ન છે, કાલે આમંત્રણ આપવા આવ્યો હતો.’
મેં જોવા પ્રયત્ન કર્યો, એ દુ:ખી તો નથી ને ! અમેરિકામાં છૂટાછેડા લીધા પછી પણ પતિ-પત્ની એકબીજાને સદભાવથી મળે છે. તેઓ વચ્ચે મૈત્રી ટકી રહે છે, એમના એ સંબંધનું એક ગૌરવ હોય છે. કાજોલ જ્યારે જ્યારે ડીક વિશે વાત કરે ત્યારે માનપૂર્વક ઉલ્લેખ કરતી, એને ડીકમાં વિશ્વાસ હતો, તેઓ એકબીજાનું ધ્યાન રાખતાં, કાળજી લેતાં, તેઓ ઉત્સાહપૂર્વક એકબીજાને મળતાં. કાજોલના મોંએ એની વાતો સાંભળી ક્યારેક તો મને થતું કે આ લોકોએ શું કામ છૂટાછેડા લીધા હશે !
એક વાર તો મારાથી બોલાઈ ગયું હતું કે આટલી સારી રીતે મેળ બેસતો હોય તો ભારતમાં કોઈ છૂટાં ન પડે.
‘છૂટાં પડવા માટે ઝઘડવું જ પડે ?’ કંઈક અકળામણભર્યા સૂરે એણે પૂછ્યું.
‘અરે, ત્યાં તો ઝઘડા થતા હોય તોય થોડી બાંધછોડ કરીને નિભાવી લેવાની જ સલાહ અપાય.’ મેં કહ્યું.
‘નિભાવવું એટલું આસાન છે ? પતિ-પત્નીનો સંબંધ, ત્યાં જરાય કૃત્રિમતાને અવકાશ નથી ત્યાં બાંધછોડ કરો, મન ન હોય છતાં અણગમતી વાત ચલાવી લો, તો એક પ્રકારની ખેંચ ન લાગે ? સ્ટ્રેસ ન અનુભવાય ?’ એણે પૂછ્યું.
‘સ્ટ્રેસ નથી અનુભવવો એવો નિર્ણય કરો તો સ્ટ્રેસ ન અનુભવાય. આપણું મન ધારે તો આવી અસરમાંથી મુક્ત રહી શકે અને થોડા સમય પછી બધું બરાબર થઈ જતું હોય છે.’
‘એવું ખેંચી તાણીને જીવવાનો શો અર્થ ? હું તને કહું, લગ્ન પહેલાં હું ને ડીક સારાં મિત્રો હતાં. વર્ષો જૂની અમારી મૈત્રી હતી, કલાકો સુધી અમે વાતો કરતાં. જંગલમાં સાથે ફરતાં, પહાડોમાં ઘૂમતાં. એ ઈતિહાસ અને માનવજાતની વાતો કરતો ને હું સાંભળતી, ક્યારેક એ આદિમાનવ વિશે વાત કરે, દુનિયાભરના દેશોની, ત્યાંની પ્રજાની, એમની ચડતીપડતીની, એમની સભ્યતા અને સંસ્કૃતિની વાતો કરે, ધર્મની વાતો કરે ત્યારે એ વાતો સાંભળવી મને ગમતી, બહુ ગમતી. મુગ્ધ હૈયે હું સાંભળ્યા કરતી. અમે કદી રેસ્ટોરાં કે નાચગાનની પાર્ટીમાં નથી ગયાં. મિત્રોના સમૂહમાં ઊછળકૂદ કરવી કે ધાંધલ ધમાલ અમને પસંદ નહોતાં. ઝાકઝમાળથી દૂર રહેવું અમને ગમતું.
યુદ્ધને અમે બેઉ ધિક્કારીએ. માણસમાત્ર માટે અમને બેઉને સમભાવ. હું કહું, આપણે એવો વ્યવસાય પસંદ કરવો જોઈએ જેથી સામાન્ય માણસનાં દુ:ખ દૂર થાય. હું નર્સ બની અને એ શિક્ષણક્ષેત્રે દાખલ થયો. એ શિક્ષક બન્યો અને સાથે સાથે આગળ ભણતો હતો. હું વિચારું એક શિક્ષક ધારે તો એના વિદ્યાર્થીઓને કેટકેટલું આપી શકે. વિદ્યાર્થીઓનું ચારિત્ર્ય ઘડતર કરે, જીવનની વિષમતા સામે લડવાનું બળ આપે, જીવનમાં ઊંચે જવાની પ્રેરણા આપે, શિક્ષકનું જીવન તો આદર્શ જીવન કહેવાય. અમે બેઉએ લગ્ન કર્યાં. થોડા મહિના તો અમે આકાશમાં ઊડ્યાં, પણ પછી મને એની જીવનશૈલી ન ગમી, એનું જીવન ખામીયુક્ત દેખાવા માંડ્યું. એ આખો દિવસ વાંચ્યા જ કરે. કૉલેજ લાઈબ્રેરી વચ્ચે ફરતો જ હોય. ઈતિહાસ અને સંસ્કૃતિ એના વિષય હતા. મારી કલ્પના મુજબ એ એના વિદ્યાર્થીઓથી ઘેરાયેલો ન હોય, ભાવુક, જ્ઞાનઘેલા, થનગનાટવાળા વિદ્યાર્થીઓ એની પાછળ દોડતા નહિ, વિદ્યાર્થીઓનો એ પ્રિય ટીચર ન બની શક્યો.
વિદ્યાર્થીઓમાં એને રસ જ નહોતો. જીવંત માણસોમાં નહિ, પણ નિર્જીવ થોથાઓમાં એને રસ હતો. આ જોઈને હું અકળાઈ ઊઠું. હું કહું, ”ડીક, તું બહાર નીકળ, તારી રૂમમાંથી બહાર નીકળ. તારાં આ ખુરશી ટેબલ છોડ. ખુલ્લી જગ્યામાં જા. રમતના મેદાનમાં જા. તારા વિદ્યાર્થીઓમાં ભળ. એમનાં આકાંક્ષા, અરમાન અને સ્વપ્નાં વિશે સાંભળ. એમના ચહેરા વાંચ, એમના હૃદયની ભાષા ઉકેલ, એમનાં પ્રગતિ અને ઉત્કર્ષનો વિચાર કર. એમને માર્ગદર્શન આપ, પ્રોત્સાહન આપ.”
પણ ના, એને મારા શબ્દો સંભળાય જ નહિ, મારું કહેવું એના મનમાં ઊતરે નહિ. એને તો અભ્યાસ કરવાથી, ગંભીર ચર્ચા કરવાથી, લેકચર કરવાથી સંતોષ થાય, મને એ પૂરતું ન લાગે. મને એની જીવનપદ્ધતિમાં દંભ લાગે, નિરર્થકતા લાગે, એની એ ભ્રમણામાંથી બહાર કાઢવા મેં પ્રયત્ન કર્યા, પણ કંઈ વળ્યું નહિ, પરિણામે મારી નજરમાંથી એ ઊતરતો ગયો. મને થાય એ સાવ બેઠાડું છે, આળસુ છે, નિરુદ્યમી છે. શું આવી જિંદગીનાં આપણે સ્વપ્નાં સેવ્યાં હતાં.’
‘નર્સ તરીકે તો તારી કામગીરીથી તને સંતોષ હતો ને ?’ મેં પૂછ્યું.
‘હા, હું મારા દર્દીઓમાં પ્રિય હતી. ડૉક્ટરો પણ મને માનથી જોતા હતા, પણ ડીક સામે મારા મનમાં ફરિયાદો જ ઊઠતી. દિવસના અંતે સાંજે અમે મળીએ ત્યારે જીભાજોડી કે વાદવિવાદ જ હોય. એમાંય રજા આવે ત્યારે તો નાની વાતમાંથીય એવી ઉગ્રતા પ્રગટે કે વાતાવરણમાં અશાંતિ પ્રવર્તી જાય. અમારાં હૃદયમન કડવાં કડવાં થઈ જાય, અમે એકબીજાથી દૂર જવા માંડ્યાં. પતિ-પત્નીના સંબંધમાં આકર્ષણ, માધુર્ય, તીવ્રતા, રોમાંચ નાશ પામ્યાં. અમે બેઉ અવશપણે ઉદાસીનતાના ખાડામાં ડૂબી ગયાં. અમે બેઉ ચોંકી ઊઠ્યાં. જીવનને આમ નષ્ટ તો ન જ થવા દેવાય. અમે બેઉએ સાથે બેસીને વિચાર્યું કે સાથે જીવવામાં કોઈ લાભ નથી. સહવાસથી કશું સારું નીપજતું નથી. તો લગ્નના નામે એકબીજાને બાંધી રાખવામાં ડહાપણ નથી, બંધાઈ રહેવું ઈષ્ટ નથી.
અમે નક્કી કર્યું કે છૂટાં પડીએ. આવી રીતે અમે છૂટાં પડ્યાં. અંત:કરણપૂર્વક શુભેચ્છા પાઠવી છૂટાં પડ્યાં. અમને એકબીજામાં ખૂબ વિશ્વાસ હતો, સ્નેહ હતો, તેથી અમારી મૈત્રી અતૂટ રહી. અમે છૂટાં પડ્યાં તોય એકબીજાને અમે છોડી નહોતાં દીધાં, અમારી વચ્ચેનો પ્રેમ મર્યો જ નહોતો, એ પ્રેમને જાળવવા અમે માગતાં હતાં, તેથી જ અમે છૂટાં પડ્યાં હતાં. પતિપત્ની મટી ગયાં હતાં, પણ મિત્રો તો રહ્યાં જ હતાં. કોઈ અટપટો, પડકારરૂપ પેશન્ટને મેં ટ્રીટ કર્યો હોય તો એની વાત ડીકને કહેવા હું અધીરી બનતી તો ડીક પણ એના અભ્યાસના અંતે કોઈ તારાતમ્ય પર પહોંચ્યો હોય તો સૌથી પહેલાં મને કહેતો. અમારા સારા કે ખોટા સમાચાર અમે એકબીજાને તરત કહેતાં. ક્યારેક લૉંગડ્રાઈવ પર સાથે જતાં.’
કાજોલ વાત કર્યે જતી હતી, હજી એ ડીકના પ્રેમમાં હતી, પણ હવે શું ? હવે તો ડીક પરણી જાય છે. કાલે જ એનાં લગ્ન છે. ડીકને જીવનસંગિની મળી છે. હવે એ એકલો નહિ હોય. હવે કંઈક કહેવા એ કાજોલ પાસે દોડી નહિ આવે અને કાજોલ પણ પોતાની કોઈ વાત કહેવા એને બોલાવી નહિ શકે. હૃદયમનની વાત કહેવા હવે કાજોલ ક્યાં જશે ? હવે કાજોલ ખરેખર એકલી પડશે. મેં વિચાર્યું એવું કાજોલે વિચાર્યું જ હશે. એના હૈયામાં આવનારી એ એકલતાની વેદના હશે જ. ડીકને ગુમાવી દીધો એનું દુ:ખ હશે જ. છતાં એ ડીક માટે પ્રેઝન્ટ લેવા જાય છે. મધુર દાંપત્યજીવનની શુભેચ્છાઓ સાથે એ ડીકને પ્રેઝન્ટ આપશે. સસ્મિત વદને પ્રેઝન્ટ આપશે અને પછી… એ દૂર દૂર ચાલી જશે. આવી કલ્પના આવતાં મારું હૈયું કાજોલ માટે સમભાવથી આર્દ્ર બની ગયું.
મેં કાજોલ સામે જોયું, એના ચહેરાને વાંચવા પ્રયત્ન કર્યો. પણ નવાઈ ! કાજોલ સ્વસ્થ છે. હા, એના અવાજમાં વ્યથા વરતાતી હતી. આંખ કદાચ ભીંજાયેલી હતી, પણ આંસુની ધાર નહોતી વહેતી. એ પૂરા સંયમથી વર્તતી હતી. એની જાત પર એનો અંકુશ હતો. કોઈ પણ પ્રકારની લાગણીમાં એ વહી નહોતી ગઈ. એ પોતાની સ્વામિની હતી.
દાંપત્યજીવન એને મન જિંદગીનો એક ભાગ છે, જિંદગી સમગ્ર નહિ, પ્રેમ કરતાં જિંદગીનો આદર્શ એને મન વધારે છે. એ એની રીતે જીવવા ઈચ્છે છે. ગૌરવથી રહેવા ઈચ્છે છે.
— અવંતિકા ગુણવંત
વાચકોના પ્રતિભાવ