વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Category Archives: અમેરિકા

1190 – વ્હેમીલા અમેરિકન પ્રેસિડન્ટસ્ …. હાસ્ય લેખ …હરનિશ જાની

ન્યુ જર્સી નિવાસી ૭૭ વર્ષીય સન્મિત્ર શ્રી હરનીશ જાની એક નીવડેલ હાસ્ય લેખક તરીકે ગુજરાતી સાહિત્યમાં ખુબ જાણીતા છે.તાંજેતરમાં એમની તીરછી નજરમાંથી જોએલા અમેરિકા અને ભારતના અનુભવોના તારણમાંથી નિપજેલા હાસ્ય લેખોનું એમનું પુસ્તક ‘તીરછી નજરે અમેરિકા’” પ્રકાશિત થયું છે.

શ્રી હરનીશભાઈના હાસ્ય લેખોનાં પ્રથમ બે પુસ્તકો ” સુધન ” અને શુશીલા”વાચકોમાં ખુબ વખણાયાં છે.આ બન્ને પુસ્તકોને ગુજરાત સરકારની સાહિત્ય અકાદમી,ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પુરસ્કાર/એવોર્ડ વિજેતા થયાં છે.એમનું આ નવું પુસ્તક ‘તીરછી નજરે અમેરિકા’”પણ એવોર્ડ વિજેતા બને એવી આશા રાખીએ.

હરનીશભાઈ હજુ આવાં વધુ પુસ્તકો આપતા રહે અને સૌને હળવા બનાવતા રહે એવી શુભેચ્છાઓ.

વિનોદ પટેલ

શ્રી હરનીશ જાનીના હાસ્ય લેખોના નવા પુસ્તક ‘તીરછી નજરે અમેરિકા’ માંથી લીધેલો એક લેખ” વ્હેમીલા અમેરિકન પ્રેસિડન્ટસ્” નીચે વાંચો.

વ્હેમીલા અમેરિકન પ્રેસિડન્ટસ્ ….. હરનિશ જાની

જ્યારે પણ આપણે ત્યાં લોકોની અંધશ્રધ્ધાની વાત નિકળે ત્યારે આપણે પશ્ચિમના દેશો અને વિજ્ઞાનની વાતો કરીએ છીએ. પરંતુ ધ્યાનથી જુઓ તો અમેરિકામાં પણ વ્હેમ અને અંધશ્રધ્ધાનો રાફડો ફાટ્યો છે. અમેરિકનો તો અમેરિકનો, તેમના પ્રેસિડન્ટ અને પોલિટીશીયનો પણ અંધશ્રધ્ધાળુ હોય છે. હવે આ પ્રેસિડન્ટ પણ અંધશ્રધ્ધા અને વ્હેમોમાં માનતા હોય તો પછી રહ્યું જ શું?

સામાન્ય લોકોની વાત કરીએ , હું જે કલર કંપનીમાં કામ કરતો હતો. તેના પ્રેસિડન્ટ બોબ ઝેલર , કંપનીની બોર્ડ મિટીંગ હોય તો લાલ ટાય પહેરીને વર્ક પર આવે તેમને પોતાની લાલ ટાય શુકનિયાળ લાગતી.. બીજી બાજુ મારા જેવી વ્યક્તિ એ જાતના વ્હેમમાંથી છુટીને અમેરિકન રહેણી કરણી અને અમેરિકન વિચાર પધ્ધતિ અપનાવતી હતી. જ્યારે અમેરિકનોમાં એવા લોકો જોવા મળ્યા જે કાળી બિલાડી આડી ઉતરે તો અપશુકન માને . સામાન્ય નાગરિકની વાત છોડો. અમેરિકન પ્રેસિડન્ટ પણ વ્હેમીલા હોય છે.

પ્રેસિડન્ટ ઓબામા તો ગજવામાં જાત જાતના લટકણિયાવાળી લકી ચેઈન રાખતા. જેમાં દોઢ ,બે ઈંચની હનુમાનજીની મૂર્તિ પણ હતી. એમના પિતા ઈસ્લામ ધર્મમાં માનતા હતા. તેમનો ઉછેર પણ ઈસ્લામની છાયામાં થયો હતો. ઈસ્લામમાં તો વ્હેમનો પાર નથી. ઈસ્લામ જ કેમ? બધાં ધર્મોમાં અંધશ્રધ્ધાનો પાર નથી. ખરેખર તો એકની અંધશ્રધ્ધા તે બીજાની શ્રધ્ધા હોય છે.

જગત આખું ચમત્કાર પાછળ દોડે છે. જો કોઈ પથ્થર કે કોઈ ઝાડની ડાળીથી કોઈનો રોગ મટી જાય તો તે જગ્યા તિર્થસ્થાન બની જાય. ફ્રાન્સના લોર્ડસ્ ગામમા સામાન્ય છોકરી બર્નાડેટે (૧૮૪૪) એક ટેકરીની પાછળ મધર મેરીના દર્શન કર્યા અને તે લેડીના કહેવાથી આંગળીથી જમીન ખોતરી તો તેમાંથી ઝરણું ફૂટ્યું.પાછળથી એ ઝરણું , વ્હેળો બની ગયો. તેના પાણીથી લોકોના રોગ મટવા લાગ્યા. આજે પણ તે વ્હેળો છે ને લાખો લોકો ત્યાં રોગો મટાડવા આવે છે. રોગો કદાચ બીજા કારણે પણ મટતા હોય.પરંતુ લોકોના મનમાં તે વિષેની શ્રધ્ધા બેસી ગઈ છે. રોમન કેથોલિક ચર્ચે સિસ્ટર બર્નાડેટને સેંન્ટ (સંત)નો દરજ્જો આપ્યો. હવે તો કહેવાય છે કે એમના સ્મરણથી જ રોગો મટે છે.

બીજા એવા સેંટ લુઈસા ઓફ ફાતિમા થઈ ગયા. પોર્ટુગલના વિલેજ ફાતિમાની સીમમાં એક ટેકરી પર લુઈસા નામની એક ભરવાડની છોકરીને તેના બે પિતરાઈ ભાઈ બ્હેન સાથે ઘેટાં ચરાવતાં વર્જિન મેરીએ (૧૯૧૭માં) દર્શન દીધા હતા. તે ટેકરી આજે તો મોટી ચર્ચ બની ગઈ છે. અને ત્યાં લોકો પોતાના રોગો મટાડવા આવે છે. તો ક્રિશ્ચીયાનીટી તો આવી વાતોથી ભરી પડેલી છે. તો આ બધા ક્રિશ્ચીયન પ્રેસિડન્ટ તેમાં ન માનતા હોય તો જ નવાઈ.

પ્રેસિડન્ટ વિલીયમ મકેન્લિને શ્રધ્ધા કાર્નેશન નામના ફ્લાવર્સમાં હતી. તે પોતાના કોટમાં ખોસેલું રાખતા. જ્યારે ન્યૂ યોર્ક રાજ્યના બફેલો શહેરમાં ૧૯૦૨ના સપ્ટેમ્બરમા તેમનું લેક્ચર હતુ.તે માટે મંચ પર બોલવા માટે જતા હતા ત્યારે ઓડિયન્સમાં નાની છોકરીને પોતાનું કાર્નેશન આપી દીધું અને સ્ટેજ પર ગયા,ત્યાં જ તેમનું ખૂન થયું હતું . હવે આને શું કહેવાય ! જ્યારે નાના પ્રેસિડન્ટ બુશને વ્હાઇટ હાઉસના લિંકન બેડરુમમાં ભૂત દેખાતા હતા. તે અનુભવ તેમની દીકરી જેનાનો પણ હતો. અને સેકન્ડ વર્લ્ડ વોર વખતે લિંકન બેડરૂમમાં વિન્સ્ટન ચર્ચિલ રહ્યા હતા.ત્યાં તેમને લિંકનનું ભૂત દેખાયું હતું. પ્રેસિડન્ટ બુશ(નાના) ખૂબ ધાર્મિક હતા,તેમના સ્ટાફે તેમને ઓફિસમાં ઘણીવાર જિસસના ફોટા પાસે રડતા જોયા હતા. અને ઈરાક સામે વોરની શરુઆત તેમના ફાધર ( જિસસ)ના હુકમથી ચાલુ થઈ હતી.

એક મઝાની વાત.૧૮૪૦ના પ્રેસિડન્ટ હેરી હેરીસનને રેડ ઈન્ડિયનો સાથેની વોરમાં તેમનો નાશ કર્યો હતો ત્યારે રેડ ઈન્ડિયન ચીફે હેરી હેરીસનને શ્રાપ આપ્યો હતો કે દર વીસ વરસે અમેરિકન પ્રેસિડન્ટ ચાલુ ટર્મમાં જ મરશે .તો આ શ્રાપને ‘ટિતેકનો” કહેવાય છે. તો હેરી હેરીસન ૧૮૪૦માં ,૧૮૬૦માં ચૂંટાયલા પ્રે. લિંકન. મકેન્લિ૧૯૦૦માં, ,૧૯૬૦ માં જ્હોન કેનેડી અને ૧૯૮૦માં ચૂંટાયલા રેગન સાહેબ પર પણ ગોળી છુટી. હવે વાત એમ થઈ કે રેગનસાહેબના પત્નીએ પછી સાત વરસ સુધી રેગનસાહેબની કુંડળી જોન ક્વિગલી નામની મહિલા પાસે વંચાવડાવી છે.તે મહિલા દર અઠવાડિયે વ્હાઈટ હાઉસમાં આવતા. અને પ્રેસિડન્ટની બધી મિટીંગો એ જ્યોતિષી મહિલાના કહેવા પ્રમાણે ગોઠવાતી હતી.. અને એ મહિલા કહે તો જ રેગન સાહેબે વ્હાઇટ હાઉસની બ્હાર પગ મુકવાનો, અને કહેવાય દુનિયાના શક્તિશાળી દેશના લિડર.

આપણે વિચારીએ તો વાત કેટલી વાહિયાત લાગે છે. પણ આ હકિકત છે. પ્રેસિડન્ટ રેગન આ વાત પ્રેસમાં નકારી કાઢતા હતા. ઓબામાની સામે ઈલેક્શન લડનારા સેનેટર મકેઈન પણ ગજવામાં ઘસાયેલી પેની, નિકલ વિ. રાખે છે.જ્યારે પ્રેસિડન્ટ જિમી કાર્ટર યુ.એફ, ઓ. માં માનતા.તેમણે આકાશમાં ઉડતી રકાબી જોઈ હતી. ત્યારથી માને છે કે કોઈ બીજા પ્લેનેટ પર લોકો વસે છે. સારું થયું કે નાસાના વૈજ્ઞાનિકોને તે શોધવા ન મોકલ્યા. સેકન્ડ વર્લ્ડ વોર વખતના પ્રેસિડન્ટ રોઝવેલ્ટ ૧૩ના આંકડાથી ગભરાતા હતા. તો પ્રેસિડન્ટ ટૃમેન ગુડ લક ચાર્મ તરીકે ઘોડાના પગની નાળ–હોર્સ શુ –પોતાની વ્હાઈટ હાઉસની આફિસના બારણે લટકાવતા હતા.

હવે આપણે રાહ જોવાની કે ટ્રમ્પ સાહેબને કઈ શુકનિયાળ વસ્તુનો વ્હેમ છે. મારું માનવું છે કે ભગવાન અને ભક્તિની વાત કરતાં આપણે ચમત્કારો પાછળ દોડીએ છીએ. પછી જે આપણું કામ કરે તે આપણો ભગવાન. મુંબઈના હાજી અલીની દરગાહના ચમત્કાર માટે દરેક ધર્મના લોકો ધક્કામુક્કી કરતા જોવા મળે છે.

છેલ્લી વાત–

ભગવાનના એક ભક્તની કાર ખીણમાં પડી ગઈ.કાર પડતી હતી ત્યારે જ તેણે વચ્ચે ઉગેલા ઝાડની ડાળી પકડી લીધી .કાર પડી ખીણમાં અને ભક્તભાઈ લટકતા રહ્યા ડાળી પર. પછી રડતા અવાજે બોલ્યા,”હે પ્રભૂ, મદદ કરો.ઉપર કોઈ મારો અવાજ સાંભળે છે?” ત્યાં ગેબી અવાજ આવ્યો.”બેટા ડાળી છોડી દે. હું તને બચાવીશ મારા પર ભરોસો રાખ.” ભક્તને નીચે ખીણ દેખાઈ.અને ભક્તભાઈ બોલ્યા,” અરે,ઉપર કોઈ બીજુ છે?”

-હરનીશ જાની 

પુસ્તક પ્રાપ્તીસ્થાન :

ગુર્જર સાહીત્ય ભવન, રતનપોળ નાકા સામે, ગાંધી રોડ, અમદાવાદ.પીન કોડ : 380 001

ફોન : (079) 221449660/22144663  

ઈ.મેઈલ : goorjar@yahoo.com

વેબ : gurjarbooksonline.com 

In USA… E mail. harnishjani5@ gmail.com

 

 હરનિશ જાની, Harnish Jani-પરિચય 

“હું લખું છું દિલથી, બોલું છું દિલથી, અને જીવું છું પણ દિલથી. એટલે તો પાંચ એન્જીયોપ્લાસ્ટી અને એક બાયપાસ સર્જરી કરાવવી પડી ! ” 

Harnis Jani-3

સૌજન્ય- ગુજરાતી પ્રતિભા પરિચય 

1177- અનેક નિષ્ફળતાઓ પછી અમેરિકાના સફળ પ્રેસીડન્ટ બનેલ અબ્રાહમ લિંકનનો પ્રેરણાદાયક જીવન પ્રસંગ

ABRAHAM LINCOLN (1809-1865)

અબ્રાહમ લિંકન જ્યારે વકીલાત કરતા ત્યારની આ વાત છે. લિંકન એક એવા વકીલ હતા કે ખોટા કેસ કદી લડતા નહીં,એટલું જ નહીં પોતાની ફી જતી કરીને પણ અસીલો વચ્ચે સમાધાન કરાવી આપતા. તેમને કોર્ટ કેસો લડીને જ જીવવાનું હતું છતાં તેઓ આ રીતે જ પ્રેક્ટિસ કરતા હતા. માણસ તરીકે એ બહુ મોટા ગજાના હતા. પોતાનો સ્વાર્થ જતો કરીને માણસ માણસ વચ્ચે સુમેળ કરાવી આપવામાં જ તેઓ પોતાની શક્તિ ખર્ચતા હતા.

ઈલિનોયની કુલ્ટન અને મેનાર્ડ કાઉન્ટીમાં તે વકીલાત કરતા. પોતાના ઘોડા ઉપર કાયદાનાં પુસ્તકો લાદીને એક ગામથી બીજા ગામ જતા. એમનો ઘોડો પણ સામાન્ય હતો, હઠીલો હતો અને ઘણી વાર એમને હેરાન કરતો, છતાં એમનું કામ ચાલતું રહેતું .

એક વાર એ જ રીતે એ લેવિસ્ટન જતા હતા ત્યારે રસ્તામાં એમને એક ખેડૂત મળ્યો, “હલ્લો, અંકલ ટોમી!” લિંકને ખેડૂતને સલામ કરી, “મજામાં છો ને?”

“અરે, એબ લિંકન, હું તારી પાસે જ આવતો હતો. આ રીતે તું અચાનક મળી ગયો એટલે બહુ આનંદ થયો. લેવિસ્ટનની કોર્ટમાં આપણે એક કેસ કરવાનો છે.”

“કઈ બાબતમાં?” લિંકને પૂછયું.

“જો ને ભાઈ, જીમ એડમ્સની જમીન અને મારી જમીન બાજુ બાજુમાં જ છે. હમણાં હમણાં એ મને બહુ હેરાન કરે છે.

મેં નક્કી કર્યું છે કે ગમે તે ખર્ચ થાય, પણ એને તો દેખાડી જ દેવું! કોર્ટમાં કેસ કર્યા વિના છૂટકો નથી.”

“અંકલ ટોમી” લિંકને કહ્યું, “આજ સુધી તમારે અને જીમને ક્યારેય મોટો ઝઘડો થયો નથી, બરાબર ને?”

“બરાબર”

“આમ તો એ સારો પાડોશી છે બરાબરને?”

“સારો તો નહીં પણ ઠીક”

“છતાં વર્ષોથી તમે એકબીજાના પાડોશી તરીકે જીવો છો એ તો ખરુંને?”

“લગભગ પંદર વર્ષથી”

“પંદર વર્ષમાં ઘણા સારા માઠા પ્રસંગો આવ્યા હશે અને એક બીજાને મદદરૂપ પણ બન્યા હશો, બરાબરને?”

“એમ કહી શકાય ખરું”

“અંકલ ટોમી” લિંકને કહ્યું, “મારો આ ઘોડો બહુ સારી જાતનો તો નથી જ અને એનાથી સારો ઘોડો હું લઈ પણ શકું, પરંતુ આ ઘોડાની ખાસિયતો હું જાણું છું. તેનામાં જે કાંઈ ખામીઓ છે તેનાથી હું પરિચિત છું અને મારું કામ ચાલે છે. જો હું બીજો ઘોડો લઉં તો અમુક રીતે આના કરતાં સારો હોય, પણ તેનામાં વળી બીજી કેટલીક ખામીઓ હોય, કારણ કે દરેક ઘોડામાં કાંઈક ને કાંઈક ખામીઓ તો હોવાની જ. એટલે મને તો એમ લાગે છે કે આ ઘોડા સાથે મારે નિભાવી લેવું એમાં જ ઘોડાનું અને મારું બન્નેનું ભલું છે.”

લિંકનની વાત સાંભળીને ખેડૂતે માથું હલાવ્યું, “તારી વાત બરાબર છે, એબ, તારી વાત સાવ સાચી છે. જીમ એડમ્સ સાથે નિભાવી લેવું એમાં જ મારું અને એનું બન્નેનું ભલું છે.

મિત્રોને, સ્નેહીઓને, સગાંવહાલાંને, ભાઈ-બહેન,પતિને, પત્નીને આપણે આપણા જેવા કે આપણને અનુકૂળ આવે એવા બનાવવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ, પરંતુ એના બદલે જો આપણે જ તેમને થોડા અનુકૂળ બનીએ તો જિંદગી વધુ સરળતાથી ચાલે છે. લીમડો કડવો કેમ છે, તેનો અફસોસ કરવાને બદલે તેની કડવાશને સ્વીકારીને તેના જે કાંઈ લાભ મળી શકે તે લાભ લેવામાં જ ડહાપણ રહેલું છે.

અને માણસો વિશે બીજી એક વાત એ પણ સમજવી જોઈએ કે એક જ વ્યક્તિ કોઈ એક રીતે બરાબર ન હોય પણ બીજી રીતે તે ખૂબ જ સારી પણ હોઈ શકે છે. કોઈ વ્યક્તિ સગાં તરીકે બરાબર ન હોય પણ મિત્ર તરીકે દિલોજાન હોય, પત્ની તરીકે કજિયાખોર હોય પણ બહેનપણી તરીકે પ્રેમાળ હોય, પાડોશી તરીકે ઝઘડાખોર હોય પણ સમાજમાં સેવાભાવી હોય, ભાગીદાર તરીકે લુચ્ચી હોય પણ પાડોશી તરીકે પરગજુ હોય આમ કોઈ એક સ્વરૂપે અયોગ્ય લાગતી વ્યક્તિ બીજા સ્વરૂપે ઘણી જ ઉમદા હોઈ શકે છે.

કોઈ વિશે આપણે જ્યારે અભિપ્રાય બાંધીએ છીએ ત્યારે આપણી સાથેનો એનો સંબંધ હોય એનો જ પ્રતિભાવ આપીએ છીએ. એનો જે છેડો આપણને સ્પર્શતો હોય એને અનુલક્ષીને જ આપણે અભિપ્રાય બાંધીએ છીએ. એ અભિપ્રાય હંમેશાં પૂર્વગ્રહયુક્ત અને એકતરફી હોય છે.

આપણા આવા અભિપ્રાયોથી દોરવાઈ જઈને કે તેને પકડી રાખીને જીવવાના બદલે સહેજ તટસ્થ રીતે વિચારીએ તો, બીજા માણસો આપણને એટલા ખામીવાળા ન લાગે. અને દુનિયા એટલી બધી ખરાબ અને નઠારી ન લાગે.

જે છે એને સહજ રીતે સ્વીકારી લેવાને બદલે અફસોસ કરવામાં જ માણસ પોતાનાં વર્ષો ગુમાવી દે છે.અરે રે, આવાં નપાવટ છોકરાં ક્યાં પાક્યાં! આવી પત્ની મળી! આવો સ્વાર્થી મિત્ર મળ્યો! આવો દગાખોર ભાગીદાર મળ્યો! આવી ખરાબ નોકરી મળી! આ યાદી ઘણી લાંબી થાય એવી છે.

લેખક : અજ્ઞાત

============

આજની આ પોસ્ટની પૂર્તિ કરતા અબ્રાહમ લિંકનના જીવનના આશા–નિરાશા,નિષ્ફળતા-સફળતા વિગેરે અનેક પડકારોને ઉજાગર કરતા રસસ્પદ ઘટનાક્રમની ઝાંખી કરાવતો વિનોદ વિહારમાં અગાઉ પ્રકાશિત નીચેનો લેખ પણ ખુબ પ્રેરક છે.

નિષ્ફળતાની બુનિયાદ પર સફળતાની ઈમારતના રચયિતા – અબ્રાહમ લિંકન…. વિનોદ પટેલ

1168 – અમેરિકામાં વસતા ભારતીયો ….. લેખક શ્રી નટવર ગાંધી

P.K.DAVDA

ફ્રીમોન્ટ ,કેલીફોર્નીયા નિવાસી ૮૩ વર્ષીય મિત્ર શ્રી પી.કે.દાવડા ગુજરાતી બ્લોગ જગતમાં સંપાદક તરીકે જો કે મોડા પ્રવેશ્યા છે એમ છતાં થોડા વખતમાં જ એમનો  બ્લોગ ‘’દાવડાનું આંગણું ‘’ વાચકોમાં સારી સ્વીકૃતિ મેળવી રહ્યો છે.

આ બ્લોગમાં વાચકોને ગમે એવી ઉત્તમ પ્રકારની સાહિત્ય સામગ્રી અને અન્ય જાણવા લાયક માહિતીનું પ્રકાશન થઇ રહ્યું છે.જાણીતા લેખકોના ઉચ્ચ કક્ષાના લેખોનું સંપાદન “દાવડાનું આગણું” દ્વારા થતુ રહે છે.

આ બ્લોગની આજની પોસ્ટમાં શ્રી નટવર ગાંધી સાહેબનો લેખ ‘’ અમેરિકામાં વસતા ભારતીયો ‘’ પ્રકાશિત થયો છે એ મને ખુબ ગમ્યો.

ગમતાનો કરીએ ગુલાલ એ ન્યાયે વિનોદ વિહારની આજની પોસ્ટમાં લેખક શ્રી નટવર ગાંધી અને સંપાદક શ્રી દાવડાજીના આભાર સાથે એને રી-બ્લોગ કરેલ છે.

શ્રી નટવર ગાંધી અમેરિકામાં ઘણાં વર્ષોથી છે અને ખુબ જ પ્રવૃતિશીલ છે.એમના અમેરિકાના અનુભવો અને અભ્યાસના પરિપાક રૂપે એમણે આ લેખ ‘’ અમેરિકામાં વસતા ભારતીયો ‘એમના પુસ્તકની પ્રસ્તાવના રૂપે લખ્યો છે.

જો કે લેખ થોડો લાંબો છે તેમ છતાં થોડી ધીરજ રાખી દરેક વાચકે એ વાંચવા જેવો રસસ્પદ અને માહિતી સભર લેખ છે.

 આ લેખ જેમ મને ગમ્યો છે તેમ વિનોદ વિહારના વાચકોને પણ ગમશે એવી મને ખાત્રી છે.

શ્રી નટવર ગાંધી લિખિત આ લેખ’ ‘’ અમેરિકામાં વસતા ભારતીયો ‘’ વાંચવા માટે નીચેની લીંક  પર ક્લિક કરીને ‘’દાવડાનું આંગણું ‘’ બ્લોગમાં પહોચી જાઓ.

https://davdanuangnu.wordpress.com/category/%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80/

‘’એક અજાણ્યા ગાંધીની આત્મકથા’’

 શ્રી નટવર ગાંધી

  

વધુમાં, શ્રી નટવર ગાંધીના જીવનની ખુબ જ રસિક  વાતો એમની આત્મ કથા રૂપે દરેક સપ્તાહે ‘’દાવડાનું આંગણું’’ ની ધારાવાહી શ્રેણીમાં  ‘’એક અજાણ્યા ગાંધીની આત્મકથા’’ ના નામે પ્રગટ થાય છે એ પણ વાંચવા જેવી રસસ્પદ અને માહિતી સભર વાચન સામગ્રી છે.

આ ધારાવાહિક આત્મ કથાના આજ સુધીના હપ્તા 

આ લીંક પર ક્લિક કરીને વાંચી શકાશે.

1167- કોલમ્બસના હીન્દુસ્તાનમાં …. ડો.ગુણવંત શાહ

જાણીતા બ્લોગ સંડે-ઈ-મહેફિલના સંપાદક શ્રી ઉત્તમભાઈ ગજ્જરના સૌજન્યથી ગુજરાતી સાહિત્યના લોકપ્રિય લેખક પદ્મશ્રી ડો.ગુણવંત શાહના પ્રસીદ્ધ પુસ્તક ‘કોલમ્બસના હીન્દુસ્તાનમાં’માંથી બીજું અને છેલ્લું અઠ્ઠાવીસમું પ્રકરણ વિનોદ વિહારના વાચકો માટે આજની પોસ્ટમાં સાભાર અને સહર્ષ પ્રસ્તુત છે.

આ બે પ્રકરણોમાંથી વાચકોને અમેરિકા વિશેની ઘણી જાણવા જેવી માહિતી લેખકની આગવી શૈલીમાં વાંચવાની મજા પડશે એવી આશા છે.

વિનોદ પટેલ

કોલમ્બસના હીન્દુસ્તાનમાં.. ડો. ગુણવન્ત શાહ

(પૃથ્વીનું પાદર અમેરીકા : અમેરીકાને હું પૃથ્વીનું પાદર કહું છું. અમેરીકાને ‘મેલ્ટીંગ પૉટ’ કહેવામાં આવે તે યોગ્ય છે. સમગ્ર વીશ્વની પ્રજાઓ અહીં આવીને રહી પડી છે અને સુખી થઈ છે. દુનીયાનાં અનેક ગામોમાં અમેરીકન ડૉલર પહોંચ્યા છે. આવી ઉદારતા અન્ય કોઈ દેશે બતાવી નથી.

(અમેરીકાને અબ્રાહમ લીંકન જેવા લીબરલ મહામાનવનો વૈચારીક વારસો મળ્યો છે. પરીણામે અમેરીકન પ્રજાને ખુલ્લા મનનો લોકતાંત્રીક મીજાજ પ્રાપ્ત થયો છે. સવારે ફરવા નીકળેલી અમેરીકન યુવતી, સામે મળેલા અજાણ્યા પરદેશીને સ્મીતપુર્વક ‘ગુડ મોર્નીંગ’ કહે છે. એવું સ્મીત અન્ય કોઈ દેશમાં જોવા ના મળે.

(અમેરીકામાં સમૃદ્ધીનાં દુષણો એવાં કે ગરીબીનાં દુષણોને પણ વટાવી જાય. ગરીબી અને સરમુખત્યારીનાં દુષણોથી ઘેરાયેલા દેશોની પ્રજાને, અમેરીકા ખેંચે છે અને ખેંચાયેલા અસંખ્ય લોકો ત્યાં કાયમી ધોરણે રહી પડે છે.

(આ પુસ્તક ચીલાચાલુ અર્થમાં પ્રવાસવર્ણન નથી. એમાં ‘તરણા ઓથે ડુંગર’ની માફક દરેક ઘટનાની પાછળ સંતાયેલી સમસ્યા કે વીશ્વની સંકુલ પરીસ્થીતીનું વીવરણ સહજ રીતે નીમીત્ત બનતું રહે છે. આવા ખાસ અર્થમાં આ પુસ્તકને ‘પ્રવાસ સમ્વેદન’ કહેવાની ગુસ્તાખી કરી છે. વાચકોને અમેરીકા સદેહે જઈને બધું જોવાની જરુર નથી. ત્યાં ગયા વીના પણ અમેરીકાને સમજી શકાય છે. આ પુસ્તક એવી સમજણને સંકોરે એવા આશયથી લખાયું છે.

૧૯૬૯માં ત્રીસ હજાર જેટલી ગ્રાહક સંખ્યા ધરાવતા ‘ભુમીપુત્ર’ સામયીકના તંત્રી સ્વ. કાંતીભાઈ શાહે જ આ લેખમાળાને ‘કોલમ્બસના હીન્દુસ્તાનમાં’ એવું આ શીર્ષક આપેલું.
– ગુણવન્ત શાહ)

માણસ બધે સરખા ….પ્રકરણ : બે

ભારત છોડ્યું ત્યારે માળો છોડીને નીરવધી અને નીરાલમ્બ વીશ્વમાં ઉડવાનાં અરમાનવાળા પંખીના બચ્ચાને થાય એવો રોમાંચ અનુભવેલો. પાછા ફરતી વખતે માની મૃદુલ ગોદમાં લપાવા ઈચ્છતા જળકુકડીના બચ્ચાની ઝંખના પણ અનુભવેલી. પહેલા વીદેશપ્રવાસનો રોમહર્ષ જ કંઈ ઓર છે. મારો આ બીજો વીદેશપ્રવાસ હતો; પણ અમેરીકાની ધરતી પર પ્રથમ વાર પગ મુક્યાનો રોમાંચ હજી આજેયે યાદ છે.

અમેરીકામાં જે કંઈ જોયું, જાણ્યું અને માણ્યું તે પરથી વીશ્વની સમસ્યાઓ અંગેની સમજ પણ વધુ ઉંડી બની. એવીયે પ્રતીતી થઈ કે ભારતનું તટસ્થ–દર્શન પણ ભારત બહારથી વધુ સારી રીતે થઈ શકે છે. પોતાની માતા કેવી છે તે જાણવા માટે પણ બાળકે માતાના ગર્ભની બહાર આવવું પડે છે.

દુનીયામાં ગમે ત્યાં જાઓ, માનવની મર્યાદાઓનો તેમ જ માનવની સુજનતાનો પરચો બધે મળવાનો. જીવવાની ઢબ–છબમાં અને રીતરીવાજોમાં તફાવત દેખાય, તે ઉપરછલ્લો. પોપડો ઉખેડીને જોઈએ તો ઘણું બધું સરખું દેખાય. વળી કેટલીક વૃત્તીઓ દેશની આર્થીક અને સામાજીક પરીસ્થીતી સાથે પણ સંકળાયેલી છે. ખલીલ જીબ્રાને કહ્યું હતું તેમ, તમે ગીત ગાઓ તે ભુખ્યો માણસ પેટથી સાંભળે છે. પ્રામાણીકતાનાં ધોરણો પણ ગરીબી અને અમીરી સાથે સંકળાયેલાં છે. બાકી, માનવમન તો બધે જ સરખું. એટલે જ મોટા ભાગની આજની સમસ્યાઓ આંતરરાષ્ટ્રીય છે. ભુખ અને ભડકા વગરના વીશ્વ માટેની આધારશીલા પણ આ જ છે ને!

● માનવમન જો એક ન હોત તો આપણાં જાહેર પાયખાનાંઓમાં નજરે પડે તેવું, મનના મેલને વાચા આપતું ગંદું લખાણ, અમેરીકાનાં પાયખાનાંઓમાં પણ કેમ જોવા મળત?

● જો એમ ન હોત, તો સોરઠનો કોઈ ગામડીયો મહોબતથી કોઈ અજાણ્યા આગંતુકને દુધ–રોટલાનું શીરામણ કરાવે, તેમ કોઈ અમેરીકન, અગાઉ પોતે કદીયે ન જોયેલા પરદેશીને મોટરમાં ફેરવવાની અને ઘરે રાખવાની તસ્દી શા માટે લે?

● જો એમ ન હોત, તો ૩૦મી જાન્યુઆરી, ૧૯૪૮ની સાંજે ગાંધીજીને ગોળી વાગી એ જાણી આંચકો અનુભવી પેલી અમેરીકન બાળકી, ભુખી શા માટે રહે ? અને ‘ગાંધી’ ફીલ્મ જોઈને અમેરીકન સ્ત્રીપુરષોની આંખમાં આંસુ શા માટે આવે ?

● જો એમ ન હોત, તો પસ્તી ખરીદનારો આપણને ત્રાજવાનો કસબ બતાવે તે જ રીતે, વૉશીંગ્ટનનો પેલો મીઠાબોલો દુકાનદાર બે વરસની ગૅરંટી સાથે બાર ડૉલરમાં જે ઘડીયાળ આપણને વળગાડે તેને બે મહીનામાં જ હાર્ટ એટેક કેમ આવે ?

● જો એમ ન હોત, તો માર્ટીન લ્યુથર કીંગનો રંગભેદ સામેનો અહીંસક સત્યાગ્રહ સફળ થાય ખરો ?

ટુંકમાં, એમ લાગ્યા વીના રહેતું નથી કે દેશપરદેશના સેઢા–સીમાડા ભુલી જઈએ તો અડધો જંગ જીતી ગયા જાણવો. ડૉ. ફાર્મરે કહેલી મજાક યાદ આવે છે. તેમણે કોઈ અમેરીકનને પુછ્યું, ‘તું તારી જાતને અમેરીકન કેમ ગણે છે ? પેલાએ જવાબ વાળ્યો, ‘હું અમેરીકામાં જનમ્યો છું માટે.’ ડૉ ફાર્મરે તરત સામે પુછ્યું : ‘બીલાડીનાં બચ્ચાં ઓવન(ભઠ્ઠી)માં જન્મે, તો તેને બીસ્કીટ કહેવાય કે ?’

પરીસ્થીતી જ એવી સર્જાતી જાય છે કે આખી માણસજાતને એક માનીને ચાલ્યા વગર હવે છુટકો નથી. શ્રીવરે કહેલું કે : ‘ભુખમરો એશીયાનો પ્રશ્ન છે, નીરક્ષરતા લેટીન અમેરીકાનો પ્રશ્ન છે અને ગરીબી આફ્રીકાનો પ્રશ્ન છે એવું કહી શકાય તેમ નથી. હકીકતમાં એ ‘આપણા’ પ્રશ્નો છે; કારણ કે તે માણસના પ્રશ્નો છે.’ ભુમીતી અને ગણીતના કોયડાઓ કોઈ એક રાષ્ટ્રના ન હો હોઈ શકે. વીજ્ઞાનના નીયમો કોઈ એક ભુખંડના ન હોઈ શકે.

સાપેક્ષતાનું સમીકરણ ‘E=mc2’ કોઈ એક દેશનું જ હોઈ શકે ? બળાત્કાર કોઈ એક દેશની સમસ્યા નથી. બધી જ પાયાની સમસ્યા મુળે માનવીય સમસ્યાઓ છે. પાયાની સમસ્યાઓના ઉકેલ સાવ છાપરીયા ન હોઈ શકે.

એકંદરે અમેરીકન પ્રજા ઘણી ઉમદા પ્રજા છે. સ્વભાવે જ એ લોકશાહી અને માનવ–સ્વાતંત્ર્યમાં શ્રદ્ધા રાખનારી છે. સામાન્ય અમેરીકન બીજાને મદદ કરવા તત્પર હોય છે. નીખાલસતા એની સંસ્કારમુડી છે. અમેરીકન સમાજનો સ્થાયીભાવ છે : ‘મુક્ત હરીફાઈ.’ એને એ લોકો સફળતાની ચાવી ગણે છે. આજે તો એ વીશાળ ઉપખંડ તથા તેની એકંદરે સમૃદ્ધ અને ખુલ્લા મનની પ્રજાને જોઈને જરુર થાય કે કોલમ્બસની મથામણ એળે નથી ગઈ.

અહીં એક બીજી લાગણી પણ સાથે જ નોંધી લેવી ઘટે. ત્યાંના સમાજમાં આપણને કંઈક અડવું અડવું પણ લાગે. ડેવીડ રીસમેને એક મઝાનું પુસ્તક લખ્યું. જેનું નામ છે : ‘ધ લોન્લી ક્રાઉડ’(એકલવાયું ટોળું). આ પુસ્તકમાં અમેરીકન સમાજના કેટલાક વીશીષ્ટ પ્રશ્નોની સમાજશાસ્ત્રીય છણાવટ થઈ છે. આજે મહાનગરોની ભરચક વસ્તીમાં માણસ સાવ એકલો છે. રમેશ પારેખ કહે છે તેમ : ‘પોતાની કડકડતી એકલતા લઈ, સૌ બેઠા છે ટોળાને તાપણે.’ થોડો વખત પણ ત્યાં રહેનારને આવો અનુભવ થયા વીના રહેતો નથી.

ન્યુ યૉર્કમાં વર્ષો પહેલાં વીજળીનો પ્રવાહ ખોટકાયો ત્યારે બનેલો પ્રસંગ છે. બહુમાળી મકાનના કોઈ મજલા પર રહેતા પાડોશીઓ એકબીજાને ક્યારેય મળ્યા ન હતા. અચાનક ગૃહીણીને ખ્યાલ આવે છે કે પડોશણને ત્યાં નવજાત શીશુ માટે કદાચ દુધ નહીં હોય. અંધારું પ્રગાઢ છે; પરન્તુ એક હાથમાં મીણબત્તી અને બીજા હાથમાં દુધની વાટકી લઈને એ અજાણી પાડોશણને દરવાજે જઈ હળવા ટકોરા મારે છે. દરવાજો ખુલે છે અને નવજાત શીશુની માતા ગળગળી થઈને કહે છે : ‘આપણે અજવાળામાં ન મળી શક્યા; અધારામાં તો મળ્યાં!’

ન્યુ યૉર્કમાં આવો અંધારપટ છવાયો ત્યારે બીજો પ્રસંગ પણ બનેલો. એક આંધળી સ્ત્રી ફળીયામાં ચાલતી લુંટફાટ વચ્ચે સૌને મીણબત્તીઓ વહેંચતી રહી હતી અને કહેતી હતી : ‘મારે આ મીણબત્તીઓની જરુર નથી.’

મોટાઈના અણસાર વગર સામી વ્યક્તીનું અભીવાદન કરવાનું, અજાણ્યાનો કોઈક રીતે ભેટો થાય પછી તેને આત્મીય ગણવાનું અને સામેની વ્યક્તીતાને માન આપવાનું અમેરીકનોને ગમે છે. એમની નીખાલસતા અને ઋજુતા આપણને સ્પર્શે જ. અમેરીકા વીસ્તારમાં મોટો હોવા છતાં વસ્તારી ન ગણાય. વીસ્તારના પ્રમાણમાં વસતી ઘણી ઓછી. અહીંની પ્રજા અજાણ્યાને સ્મીત કરી બોલાવે; ફાંફાં મારનારને ‘હું તમને મદદ કરી શકું?’ – કહી સહાય કરે; સામાવાળાની વાત સાથે અસમ્મત થાય તોય મોં નહીં બગાડે; પરદેશીને પ્રેમથી જમાડે અને ફેરવે.

મારો મીત્ર કીમ સીબલી હાલ ઓહાયો યુનીવર્સીટીમાં છે. એન આર્બરમાં એને ત્યાં જમવા ગયેલો ત્યારે એણે કનૈયાલાલ મુનશીની ‘તપસ્વીની’ નવલકથાનો અંગ્રેજી અનુવાદ વાંચવા આપેલો. એ અનુવાદ શ્રી એચ. એમ. પટેલે કર્યો હતો. કીમની દીકરીનું નામ છે આનંદી. કીમને હીન્દી આવડે છે અને એને ભારતમાં ખુબ રસ છે.

અમુક કામ કરવાને કારણે કોઈ માણસ ઉંચો કે નીચો બનતો નથી. પુરુષાર્થથી તદ્દન છેવાડેનો માનવી પણ ટોચ સુધી પહોંચી શકે છે એવાં અનેક ઉદાહરણો છે. પ્રમુખ લીંકનનો જન્મ લાકડાની કોટડીમાં થયેલો અને એનું બાળપણ લાકડાં ફાડવામાં અને ગામેગામ ભટકવામાં વીતેલું. બેન્જામીન ફ્રેન્ક્લીન ફેરીયો હતો. થોમસ જેફરસન બીબાં બનાવતો હતો. પ્રમુખ જ્હોન એડમ્સ ખેડુતનો દીકરો હતો. હર્બર્ટ હુવર અને પ્રમુખ આઈઝનહોવર લુહારના દીકરા હતા. જાણીતી ફાઈવ–સ્ટાર હૉટલોની આંતરરાષ્ટ્રીય ચેઈન ‘હીલ્ટન હૉટલ’નો માલીક સાવ સામાન્ય કક્ષાએથી શરુ કરીને પોતાના ક્ષેત્રમાં ટોચ પર પહોંચેલો. હીલ્ટન હૉટલોમાં દરેક રુમમાં એની આત્મકથા રાખેલી હોય છે; ગ્રાહકોને મફત લઈ જવાની છુટ સાથે. પ્રમુખ ટ્રુમેન ખેડુતનો દીકરો હતો. પ્રમુખ જોન્સન ખેડુતનો દીકરો હતો અને એક જમાનામાં એમણે વાળંદની દુકાનમાં નોકરી કરેલી. આમ, અમેરીકન મુડીવાદ સમાજવાદનો સાવકો ભાઈ છે; શત્રુ નથી.

દુનીયા નાની થતી જાય છે અને માણસો નજીક આવતા જાય છે. ભૌગોલીક રીતે જુદા રહેનારાઓ પણ ઈલેક્ટ્રોનીક્સને કારણે એક થઈ રહ્યા છે. ટેલીફોન, ટીવી, રેડીયો, વીડીયો અને ઈન્ટરનેટ દ્વારા માણસો નજીક આવી રહ્યા છે. જીન્સનાં જાડાં ખરબચડાં અને થીંગડાંવાળાં પાટલુનો જગતભરના માલદાર તથા ગરીબ યુવકયુવતીઓને એકસુત્રે બાંધી રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય યુવાસંસ્કૃતીનો ઉદય થઈ રહ્યો છે.

અને છતાં; ત્રીજા વીશ્વના દેશોમાં ગરીબી, ભુખમરો, નીરક્ષરતા અને રોગ દુર થતાં નથી. દુનીયાની માત્ર છ ટકા વસતી ધરાવનાર અમેરીકા કુલ વૈશ્વીક ઉર્જાના છત્રીસ ટકા વાપરી ખાય છે. સામ્રાજ્યવાદી શોષણને હવે રાજકીય સામ્રાજ્યની જરુર નથી; કોકા કોલા જેવી મલ્ટીનેશનલ પેઢીઓ જ પુરતી છે. ગરીબ દેશો અમેરીકાને રવાડે ચડે છે અને ખુવાર થાય છે. માણસનાં અરમાન ઓછાં નથી અને એની સમસ્યાઓ પણ અપાર છે.

NRI મીત્રોને …છેલ્લું પ્રકરણ : ૨૮

અમેરીકા વારંવાર જવાનું થયું. કેટલાં ઘરોની રસોઈ જમ્યો ? કેટલાં ઘરોનું પાણી પીધું? કેટલાં ઘરોના બાથરુમ્સમાં સ્નાન કર્યું? કેટલા યજમાને પ્રેમથી રાખ્યો? લગભગ બધાં રાજ્યોમાં ફર્યો. કેટલાંક ઘર તો મને મન્દીર જેટલાં પવીત્ર જણાયાં! સંસ્કૃતમાં મન્દીર એટલે જ ઘર !

એન.આર.આઈ. મીત્રો અતી સ્નેહાળ અને ક્યારેક અતી શ્રદ્ધાળુ જણાયા. કેટલાક દેશી મહેમાનો એમને લાગણીમાં તાણીને છેતરે પણ છે. એ સૌમાં સાહીત્યકારો મોખરે છે. મારી ટેવ જુદી હતી. હું મીત્રોના ફોન પરથી મારા ઘરે ફોન કરી શકું તે માટે પ્રી–પેઈડ કાર્ડ કાયમ રાખતો. મારાં પુસ્તકોનાં વેચાણમાંથી મળેલા ડૉલર મોજથી ખર્ચતો. પુરસ્કારમાં મળતો એક પણ ડૉલર મારા ઘરમાં પ્રવેશ પામ્યો નથી. હજારો ડૉલર્સ મીત્રો સીધા જ ત્યાંથી કોઈ આદીવાસી સેવાસંસ્થાને મોકલી આપતા. એ કામ મીત્ર પોપટભાઈ સાવલા કરતા અને તેનો હીસાબ પણ રાખતા. ભગવાનની કૃપાથી મારી આર્થીક સ્થીતી એવી હતી કે અન્યની ઉદારતા પ્રત્યે ઉદારભાવ થાય.

બરાબર યાદ છે, હું પ્રથમ વાર લોસ એંજલ્સ જઈ રહ્યો હતો. ડૉ. વીક્રમ વકીલ મારા યજમાન(Host) હતા. તેઓ એરપોર્ટ પર લેવા આવ્યા. એમની ભદ્રતા મને ગમી ગયેલી. એરપોર્ટની બહાર આવ્યા ત્યાં એમની સાથે જ આવેલા વલ્લભભાઈ ભક્તને બતાવીને બોલ્યા : ‘ગુણવન્તભાઈ, આજનો દીવસ તમારે મારા આ મીત્ર વલ્લભભાઈને ત્યાં રહેવાનું છે. કાલે હું તમને લેવા આવીશ. આટલું સાંભળીને હું તો નીરાશ થઈ ગયો ! આવા ગામડીયા સુરતીને ત્યાં મારો વખત કેમ જશે? કારમાં બેઠા ત્યારે વલ્લભભાઈએ બોલવાનું શરુ કર્યું : ‘ગુણવન્તભાઈ, હું વર્ષોથી ‘નવનીત– સમર્પણ’ વાંચું છું. એમાં તમારી લેખમાળા ‘આપણે પ્રવાસી પારાવારના’ કાયમ વાંચું છું. મને વાંચવાનું બહુ ગમે હોં !’ મારી અડધી નીરાશા ખરી પડી. અમે એમની મોટેલ પર પહોંચ્યા. મોટેલ નાની; પણ દીલ મોટું! અમે કાયમી મીત્રો બની ગયા! ગુજરાતના ઘણાખરા સાહીત્યકારો એમને ત્યાં જ ઉતરે છે; લાભશંકર ઠાકર, સીતાંશુ યશશ્ચન્દ્ર, ભગવતીકુમાર શર્મા ઈત્યાદી. આવો પેટછુટો અને દીલછુટો અસ્સલ સુરતી મળવો મુશ્કેલ!

જે મીત્રો વાંચવાનું ચાલુ રાખે છે તે સૌ જુદા પડી આવે છે. વળી, આદરણીય મોરારીબાપુના ભક્તો પણ જુદા પડી આવે છે. અમેરીકાનાં હજારો ઘરોમાં બાપુને કારણે માતૃભાષા, નીર્વ્યસનીપણું અને રામાયણની સુગન્ધ ટકી રહી છે. આવાં કેટલાં ઘરો અમેરીકામાં હશે? એમની ભલમનસાઈનો ગેરલાભ લેનારા લોકોને હું બરાબર ઓળખું છું. આવા શ્રદ્ધાળુ લોકોને હોંશે હોંશે છેતરાતા જોયા છે. ભલા અને શ્રદ્ધાળુ યજમાનને છેતરતા દુષ્ટ લોકોને હું માફ નથી કરી શકતો. જય સીયારામ!

NRIની મારી મૌલીક વ્યાખ્યા આવી છે.

NRI એટલે ‘એવો મનુષ્ય, જે સહજપણે ઈન્ડીયા પાછો ફરે છે.’(One who ‘Naturally Returns to India’) આવું પાછા ફરવાનું શારીરીક કે ભૌગોલીક નથી હોતું. એવું પાછા ફરવાનું મનોવૈજ્ઞાનીક અને ક્યારેક મનો–આધ્યાત્મીક હોય છે. આવા વહાલા અને ઉમળકે ભરેલા, સૌ NRIઓને હું વંદન પાઠવું છું.

તેઓ ભારતમાં ઘરે મળવા આવે ત્યારે મને મામા કે માસી મળવા આવ્યાં હોય એવું લાગે છે. આ લખું છું ત્યારે મનમાં કોઈ મેલ નથી. હું સ્વભાવે સુરતી છું તેથી મનમાં મેલ રાખવાનું મને નહીં ફાવે!

અન્તે આ પ્રવાસ–સમ્વેદન મારી એક કવીતા દ્વારા પ્રગટ કરું ? સાંભળો :

નથી કશુંય અષ્ટંપષ્ટં,
નથી કશુંયે ગોળ ગોળ,
નથી કોઈની શેહશરમ,
નથી રે કોઈ ભેદભરમ!
હૈયું તેવું હોઠે રે મનવા,
લાગ્યું તેવું લખ્યું રે મનવા,
માહ્યલો જેમાં બનતો રે કાજી,
રામજી એમાં રાજી રે રાજી,

ગરવા ગુણવન્તા ગુજરાતી રે ભૈ,
સદાય રહેજે ઉજળો થૈ,
પૃથ્વી પર તું જ્યાં જ્યાં વસે,
મુખડું તારું મીઠું હસે!

ડો.ગુણવન્ત શાહ

લેખક સમ્પર્ક :
ડો. ગુણવન્ત શાહ
 ‘ટહુકો’–139–વીનાયક સોસાયટી, જે.પી. રોડ, વડોદરા–390 020

લેખકનો બ્લોગ : https://gunvantshah.wordpress.com/

સૌજન્ય/સાભાર …

પુસ્તક પ્રાપ્તિ અને અન્ય વિગતો ..

સન્ડે-ઈ-મહેફીલ ..વર્ષ તેરમું…અંક ૩૯૬ ..માર્ચ ૧૮, ૨૦૧૮ 

‘ઉંઝાજોડણી’માં અક્ષરાંકનઃ ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com

ગુણવંત શાહ, Gunavant Shah નો પરિચય 

                  Dr. Gunvant Shah

સૌજન્ય- ગુજરાતી પ્રતિભા પરિચય-શ્રી  સુરેશ જાની 

1140 -અમેરિકામાં વસતા ભારતીય ડાયાસ્પોરાની રસસ્પદ કથા

અમેરિકામાં આવીને એમનાં સ્વપ્ન સાકાર કરી રહેલા ભારતીયોની રસસ્પદ માહિતી આ વિષયના કેટલાક વિડીયોની મદદથી આજની પોસ્ટમાં રજુ કરવામાં આવી છે એ જાણવી તમને ગમશે.

અમેરિકા અનેક દેશોમાંથી આવીને વસેલા વસાહતીઓથી બનેલો સ્વાતંત્ર્યને વરેલો દેશ છે.એટલે તો અમેરિકાને એક ”મેલ્ટીંગ પોટ ”ની ઉપમા આપવામાં આવી છે.

સૌ પ્રથમ ૧૯ મી સદીથી થોડી સંખ્યામાં ભારતીયોએ અમેરિકા આવવાનું શરુ કર્યું હતું .ત્યારબાદ બાદ આજ સુધીમાં તેઓ અહી મેડીસીન,ટેકનોલોજી,વ્યાપાર,રાજકારણ,મોટેલ-હોટેલ,યોગથી શરુ કરી અવકાસ વિજ્ઞાન જેવા અનેક ક્ષેત્રોમાં પ્રગતી કરીને  છવાઈ ગયા છે.આજે અમેરિકામાં લગભગ ૩૦ લાખ ભારતીયો જુદા જુદા ક્ષેત્રોમાં એમણે સેવેલાં સ્વપ્ન સાકાર કરી સારી કમાણી કરી રહ્યા છે .

અમેરિકામાં ભારતીય ડાયાસ્પોરા-વસાહતીઓની વસ્તીમાં થયેલ પ્રગતિનો ખ્યાલ નીચેના ચિત્રથી સ્પષ્ટ થશે.

અમેરિકામાં આવીને આજે છવાઈ ગયેલ ભારતીય ડાયાસ્પોરા વિશે નીચેના વિડીયોમાં જે હકીકતો કહેવામાં આવી છે એ ખુબ જ રસિક અને જાણવા જેવી છે.

Bridging Worlds: The Story of Indians in the United States of America; A Place in The Sun

Independent Sources: Indians in America

Indians v/s General Population in USA

Why Do Indian-Americans Own So Many Hotels?
Indian-Americans run about 40% of America’s hospitality industry – and 70% of those Indian-Americans have the last name “Patel.” While the name Patel has become synonymous with business, especially in the South Asian community, that reputation hasn’t come easy, and hasn’t always come with a lot of rewards.

Why Indians are successful in america?

અમેરિકા વિષે વધુ જાણવામાં જેમને રસ હોય એમને માટે નીચેની લીંક પર આપેલી માહિતી ઉપયોગી થશે.

1. Indian Immigrants in the  United States

 

2. Indian Americans 

1134 – મુંબઇમાં સ્‍થપાયેલી ‘‘સાહિત્‍ય સંસદ’’ એ પાંખ ફેલાવી : અમેરિકામાં શરૂ થનારી ‘‘સાહિત્‍યા સંસદ યુએસએ.’’

૧૯ર૮ની સાલમાં ભારતના મુંબઇમાં સ્‍થપાયેલી ‘‘સાહિત્‍ય સંસદ’’ એ પાંખ ફેલાવી : અમેરિકામાં શરૂ થનારી ‘‘સાહિત્‍યા સંસદ યુએસએ.’’
એની પ્રથમ સભા ફિલાડેલ્ફીયા ખાતે ૧૭ ડીસે.ના રોજ

ફિલાડેલ્ફીયા : અમેરિકાના ન્યૂજર્સી ખાતે ગુજરાતી સાહિત્યના ક્ષેત્રે શુદ્ધ સાહિત્યની ઉપાસનાના શુભાશય સાથે ‘‘સાહિત્ય સંસદ યુએસએ’’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. મુંબઈ ખાતે કાર્યરત સાહિત્ય સંસદ સંસ્થાના પ્રમુખ શ્રી કનુભાઈ સૂચકે ગઈ ૨૮મી નવેમ્બર ૨૦૧૭ના રોજ મુંબઈથી આ જાહેરાત કરતા જણાવ્યું કે “સાહિત્ય સંસદ” ગુજરાતી ભાષા અને સાહિત્યની શુદ્ધ ઉપાસનાનાં લક્ષ્યને વરેલી છે અને મુંબઈની આવા ઉદ્દેશ્ય સાથે કામ કરતી આ એક માત્ર સંસ્થા છે. સાહિત્ય સંસદ અન્વયે જે રીતે ગુજરાતી ભાષા અને સાહિત્યના પ્રસાર માટે સાહિત્યિક પ્રવૃત્તિ થાય છે અને એને ગુજરાતી સાક્ષરો, વિદ્વાનો,ભાષાકર્મીઓનો બહોળો પ્રતિસાદ મળે છે. અમેરિકામાં પણ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નાનામોટાં જૂથમાં ખૂબ સુંદર પ્રવૃત્તિઓ થાય છે પરંતુ એનું કાર્યસ્વરૂપ અલગ પ્રકારનું હોય છે.

જો કે ગુજરાતી ડાયાસ્પોરા સાહિત્ય સર્જનમાં અનેક પ્રસ્થાપિત અને નવોદિત સર્જકો છે અને આશ્ચર્ય થાય એ રીતે ત્યાં ગુજરાતી ભાષાનાં સર્જનશીલો સાહિત્યકર્મ ક્ષેત્રે પ્રવૃત્ત છે. અમેરિકાની અમારી તાજેતરની અને અગાઉની મુલાકાત વેળા એ જોવા અને અનુભવવા મળ્યું અને તેનાથી પ્રેરાઈને જ સાહિત્ય સંસદનો કાર્યવિસ્તાર અમેરિકા સુધી પ્રસારવાનું બળ મળ્યું.

અમેરિકાના ન્યૂજર્સી નિવાસી જાણીતા લેખક, કવિ, જર્નાલિસ્ટ અને ખૂબ જાણીતા ટેલિવિઝન એંકર અને રેડિયો હોસ્ટ શ્રી વિજય ઠક્કરના પ્રમુખપદે સાહિત્ય સંસદ યુએસએનો શુભારંભ કરવામાં આવ્યો છે.

વધુ સમાચાર અકિલા,રાજકોટ અખબારની આ લીંક પરથી વાંચો.

સૌજન્ય- અકિલા.કોમ, રાજકોટ 

સાહિત્ય સંસદ યુએસએનાં નવનિયુક્ત પ્રમુખ શ્રી વિજય ઠક્કરે જણાવ્યું કે સાહિત્ય સંસદની પ્રથમ બેઠક આગામી ૧૭મી ડિસેમ્બરના રોજ ફિલાડેલ્ફીઆ ખાતે યોજાશે જેમાં ગુજરાતી ડાયસ્પોરાનાં ખ્યાતિપ્રાપ્ત વાર્તાકાર શ્રી રાહુલ શુક્લ એમનાં સર્જનો રજૂ કરશે.

કાર્યક્રમની વધુ વિગતો માટે સંપર્ક ..

શ્રી  વિજય ઠક્કર : 732 856 4093  

સુશ્રી સુચિ વ્યાસ : 215 219 996૨  

સુશ્રી નંદિતા ઠાકોર : 410 294 4264   .. અથવા 

email;sahityasansadusa@gmail.com