• Home
  • અનુક્રમણિકા
  • મારા વિશે
  • મારી ઈ-બુકો (ડાઉન લોડ)
  • મિત્રોની અને અન્ય ગમતી ઈ-બુક ડાઉનલોડ
  • મનપસંદ વિભાગો
  • પ્રતિલિપિ પર મારી રચનાઓ

વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

મુખ્ય પૃષ્ઠ

Category Archives: આરોગ્ય

1276 – બાપ રે, 200 વર્ષ જીવવાનું શક્ય બનશે!…… કવર સ્ટોરી..અગસ્ત્ય પુજારા.

1 ટીકા Posted by વિનોદ આર પટેલ on ફેબ્રુવારી 9, 2019

સૌજન્ય.. મુંબઈ સમાચાર ..

બાપ રે, 200 વર્ષ જીવવાનું શક્ય બનશે!..કવર સ્ટોરી … અગસ્ત્ય પુજારા.

સમગ્ર વિશ્વમાં અત્યારે વૈજ્ઞાનિકો એ બાબત પર સંશોધન કરી રહ્યા છે કે મનુષ્ય તેની વૃદ્ધાવસ્થાને ટાળી શકે અને 100થી વધારે એટલે કે કદાચ 200 વર્ષ પણ જીવી શકે! આ સંશોધનમાં ભારત પણ પાછળ નથી.

M.S. PUJARA

તમને જાણીને આશ્ર્ચર્ય થશે કે શું મનુષ્ય 200 વર્ષ જીવી શકે? પણ હા, એવું કદાચ થોડાક વર્ષો પછી બની પણ શકે, કારણ કે અત્યારે ભારત સહિત દુનિયાભરના વૈજ્ઞાનિકો તેના પર સંશોધન કરી રહ્યા છે કે માણસ વધારે જીવી શકે અને પોતાની વૃદ્ધાવસ્થાને ટાળી શકે. આપણા શરીરમાં રહેલા માઇક્રોબાયોમ (નાના કિટાણુ, બેક્ટેરિયા, ફફૂદ કે વાયરસ) આપણા સ્વાસ્થ્ય પર બહુ અસર કરે છે. આ માઇક્રોબાયોમજ બીમારીઓનું કારણ બને છે. આમ છતાંય આ માઇક્રોબાયોમ સ્વસ્થ રહેવા માટે પણ જરૂરી છે. એક અહેવાલ પ્રમાણે અમેરિકાની બલજર કોલેજ ઓફ મેડિસિનના પ્રોફેસર મેંગ વાગ આ માઇક્રોબાયોમની મદદથી બુઢાપાને રોકવા પર સંશોધન કરી રહ્યાં છે. તેના માટે શરૂઆતમાં તેમણે ખાસ પ્રકારના એવા કીડાઓની પસંદગી કરી, જેની ઉંમર બહુ ઓછી હોય છે. તેમણે આ કીડાઓની આડમાં પોષાતા બેક્ટેરિયાને બીજા પ્રકારના કીડાઓમાં નાંખી દીધા. તે પછી જે કીડાઓ ત્રણ સપ્તાહમાં મરી જવા જોઇતા હતા, તે આ બેક્ટેરિયાની મદદથી જીવતા હતા એટલું જ નહીં, પણ તે એકદમ સ્વસ્થ પણ હતા. હવેપ્રોફેસર મેંગ વાગ આ જ સંશોધન ઉંદરો પર કરી રહ્યા છે. જો ઉંદરો પર પણ આ સંશોધન સફળ રહ્યું તો આ બેક્ટેરિયાની મદદથી એવી ગોળિયો બનાવવામાં આવી શકે છે કે જેના પ્રયોગથી માણસની ઉંમર 100થી 200 વર્ષ સુધીની થઇ શકે છે.

ઉંમર વધારવા માટેના પ્રયોગો

વિશ્ર્વમાં કોઇ મનુષ્ય એવો નથી જેનું મૃત્યુ ન થાય કે તેને બુઢાપો ન આવે. સિવાય કે યુવાનીમાં કે પ્રૌઢાવસ્થામાં તેનું મૃત્યુ થાય. દરેકના જીવનમાં વૃદ્ધાવસ્થાનો તબક્કો આવવો નિશ્ર્ચિત છે. ખાસ વાત એ છે કે કોઇ પણ મનુષ્યને આ તબક્કો જીવવો નથી ગમતો. બુઢાપામાં લોકો શારીરિક રીતે બહુ કમજોર થઇ જતા હોય છે અને બીજા પર નિર્ભર થઇ જતા હોય છે. આવું જીવન કોઇ મનુષ્ય જીવવા નથી માગતું. આથી જ મનુષ્યને બદલે હવે રોબોટ કામ કરતા થઇ ગયા છે તેવી ઘણી શોધો કર્યા પછી પૂરી દુનિયાના વૈજ્ઞાનિકો હવે મનુષ્ય પોતાને લાંબો સમય યુવાન રાખી શકે તેના પર ઘણું બધું સંશોધન કરી રહ્યા છે. જો તેમને આ સંશોધનમાં સફળતા મળે તો એવું ભવિષ્ય જોવા મળશે જ્યારે લોકો તેમની વૃદ્ધાવસ્થાને ટાળી શકશે. લો બોલો, છે ને આનંદ વિભોર થવાની વાત?

વિશ્ર્વમાં રોજ એક લાખ મૃત્યુ થાય છે

એક અહેવાલ પ્રમાણે વૃદ્ધાવસ્થામાં કેન્સર, અલ્જાઇમર, હાડકાંની વિવિધ બીમારીઓ અને અંગોના ખરાબ થવાના કારણથી દુનિયાભરમાં પ્રતિદિવસ લગભગ એક લાખ લોકોના મોત થઇ જાય છે. એ જ કારણે બુઢાપાને રોકવા માટે ભારત સહિત દુનિયાભરના વૈજ્ઞાનિકો અને સંશોધકો શોધ કરી રહ્યા છે. અત્યાર સુધીના સંશોધનમાં એટલું જાણવા મળ્યું છે કે બુઢાપાને રોકવા માટે કેટલાક ખાસ પ્રકારના કીડાઓ એને થ્રીડી પ્રિન્ટેડ ઑર્ગન્સ (આર્ટિફિશિયલ એન્ડ પોર્ટેબલ ઓર્ગન્સ)ની મુખ્ય ભૂમિકા હોઇ શકે છે.

મૃત્યુ વિશે વિજ્ઞાનીઓનો મત

મૃત્યુ અંગે વિજ્ઞાનીઓનો એક જ મત છે. તેમનો સ્પષ્ટ મત છે કે મૃત્યુને ટાળી શકાય નહી. જીવનને લંબાવવા પર સંશોધન થઇ શકે છે, પણ મૃત્યુને ટાળીને અમર બનવાની કલ્પના પણ કરી શકાય નહીં. એવામાં આ બધી શોધોનો મુખ્ય ઉદૃેશ એ છે કે જિંદગી ભલે જેટલી લાંબી કેમ ન હોય પણ તે સ્વસ્થ અને ખુશહાલ હોવી જોઇએ.

બુઢાપોમાણસને કેમ કમજોર કરી દે છે?

ચિકિત્સકોના જણાવ્યા અનુસાર એક ખાસ ઉંમર સુધી શરીરમાં કોશિકાઓ બનવાનો સિલસિલો ચાલતો રહે છે. ઉંમર વધવાથી કોશિકાઓને બનવાનો એ સિલસિલો ધીમો પડી જાય છે. એવામાં શરીરમાં બેકાર કોશિકાઓ એકત્ર થવા લાગે છે, જે બુઢાપાનું કારણ બને છે. ચિકિત્સકો એવું પણ કહે છે કે વધારે બીમાર રહેનાર લોકોને બુઢાપો જલદી આવી જાય છે.

કોશિકાઓને સ્વસ્થ રાખવા માટે સંશોધન

આથી કેટલાક દેશોમાં એવા રસાયણોની શોધ ચાલી રહી છે જેની મદદથી વૃદ્ધ થઇ રહેલી મનુષ્યની કોશિકાઓને ફરીથી જવાન કરી શકાય. તે સાથે જ હયાત કોશિકાઓને લાંબા સમય સુધી બુઢી થવાથી રોકી શકાય. તેનાથી માણસની ઉંમર બહુ લાંબી થઇ શકે છે. સાથે જ ઘણી બધી બીમારીઓથી પણ તેને નિપટાવી શકાય છે.

અત્યારે પણ મનુષ્યની ઉંમર બે ગણી વધી ગઇ છે

વિશ્ર્વભરમાં માણસની સરેરાશ ઉંમર 19મી સદી સુધી લગભગ 40 વર્ષ હતી. ઘણી બધી જટિલ બીમારીઓ પર કાબૂ મેળવ્યા પછી દુનિયાભરમાં માણસની ઉંમર વધી છે. પહેલા એવી ઘણી બીમારીઓ હતી, જેનો ઇલાજ થઇ શક્તો નહોતો. આથી મોટી સંખ્યામાં લોકોનું એ બીમારીઓને કારણે વહેલી ઉંમરમાં મૃત્યુ થઇ જતું હતું. ઉત્તરીય યુરોપના લોકોની સરેરાશ ઉંમર 80 વર્ષ સુધી પહોંચી ચૂકી છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર બહુ જલદી પૂરી દુનિયામાં માણસની સરેરાશ ઉંમર 80 વર્ષ સુધીની થઇ જશે. આ રીતે ભવિષ્યમાં માણસ બુઢાપાને લાંબો સમય સુધી ટાળવામાં સક્ષમ થઇ જશે, જેનાથી સરેરાશ ઉંમરમાં તેનો વધારો થશે.

દાંતોમાં છુપાયેલું છે લાંબી ઉંમરનું રહસ્ય

ચિકિત્સકોના જણાવ્યા અનુસાર સ્વસ્થ તબિયત અને લાંબી ઉંમરનું રહસ્ય દાંતોમાં છુપાયેલું છે. જો દાંત મજબૂત હોય તો તમે કોઇ પણ સારું ખાવાનું સરળતાથી ચાવીને ખાઇ શકો છો. સારું ખાવાનું ખાવાથી સેહત અને યાદશક્તિ લાંબા સમય સુધી સારી રહે છે. અત્યારે પણ લાંબી ઉંમર સુધી જીવનાર વડીલોના દાંત ઘણી ઉંમર સુધી મજબૂત રહે છે. ભવિષ્યમાં તેમાં વધારે સુધારો થવાની આશા છે. વર્તમાનમાં દુનિયાની સૌથી વૃદ્ધ મહિલા હોવાનો રેકોર્ડ ફ્રાંસની જ્યાલુઇ કાલમેન્ટના નામે છે. વર્ષ 1997માં જ્યારે તેનું મૃત્યુ થયું, ત્યારે તે 122 વર્ષની હતી. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર તેના પછીના 21 વર્ષમાં માણસને સ્વસ્થ રહેવા માટેની રીત-રસમોમાં ઘણો વિકાસ થઇ ગયો છે.

બુઢાપાને રોકવા માટે મદદરૂપ થશે આર્ટિફિશિયલ અંગ ટ્રાન્સપ્લાન્ટ

બુઢાપાને મહાત આપવા માટે કામ કરી રહેલા વૈજ્ઞાનિકોને રિસર્ચમાં એ જાણવા મળ્યું છે કે વૃદ્ધોના મૃત્યુનું એક મોટું કારણ એ પણ છે કે તેમના શરીરના નાજુક અંગો ખરાબ થઇ જાય છે. તેમાંહૃદય,લિવર અને કિડની જેવા મહત્ત્વપૂર્ણ અંગો શામેલ હોય છે. અંગોને જેટલો લાંબો સમયસ્વસ્થ રાખી શકાય, તેટલો સમય સુધી સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવી શકાય. તેમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સૌથી સફળ કારણ બની શકે છે. પૂરા વિશ્ર્વમાં વૃદ્ધોની સંખ્યા બહુ વધારે અને અંગદાનકર્તાઓની સંખ્યા ઘણી ઓછી હોવાને કારણે તે બહુ જટિલ પ્રક્રિયા સાબિત થાય છે. દાનવીરો અને લેનાર વ્યક્તિના અંગો મેચ ન થાય તો તે વધુ પડકારરૂપ બની જાય છે.

ભારતમાં થઇ રહ્યું છે આનું મહત્વનું સંશોધન

આર્ટિફિશિયલ અને પોર્ટેબલ અંગ બનાવવાની દિશામાં ભારતના બાયોફિજિસ્ટ તુહિન ભૌમિક એક મહત્ત્વના સંશોધન પર કામ કરી રહ્યા છે. એક અહેવાલ પ્રમાણે તેમના મત અનુસાર દર્દીનું એમઆરઆઇ અને સિટી સ્કેન કરીને તેના અંગોના અંદરથી ચોક્કસ કદ જાણીને તે એમઆરઆઇ અને સિટી સ્કેનથી પ્રાપ્ત થયેલા ડેટાને કમ્પ્યુટરમાં ફીડ કરીને તે જ આકારના ખાસ થ્રીડી પ્રિંટિંગ દ્વારા અંગ બનાવી શકાય છે. તેના માટે થ્રીડી પ્રિંટિંગમાં ઉચ્ચ ગુણવત્તાવાળી શાહીનો ઉપયોગ કરવામાં આવે છે, જે પ્રોટીન અને દર્દીના શરીરની કોશિકાઓથી બનેલી હોય છે. તુહિન ભૌમિકનું માનવું છે કે એવામાં આ વાતનો અણસાર બહુ ઓછો આવે છેકે આ રીતે શાહીથી બનેલા થ્રીડી પ્રિન્ટેડ આર્ટિફિશિયલ અંગ દર્દીના શરીરમાં સાચી રીતે કામ ન કરે. આ શાહીના થ્રીડી પ્રિંટિંગમાં ઉપયોગ કરવા માટે તુહિન ભૌમિકે એક ખાસ પ્રકારનું સાધન બનાવ્યું છે.

આ સંશોધનથી 135 વર્ષનું થઇ શકે છે આયુષ્ય

તુહિન ભૌમિક અને તેમની ટીમ પહેલુંહ્યુમન લિવરબનાવી ચૂકી છે. હવે તેઓ પોર્ટેબલ મિનિએચર લિવર બનાવવાની દિશામાં કામ કરી રહ્યા છે, જેની મદદથી દર્દી સ્વસ્થ માણસની જેમ ક્યાંય પણ આવી જઇ શકે છે. આગામી 10 વર્ષમાં તેમનો પ્રયાસ આ આર્ટિફિશિયલ લિવર બનાવવાનો છે, જેને દર્દીના શરીરમાં પ્રાકૃતિક લિવરની જેમ ફીટ કરી શકાશે. ભૌમિકનું અનુમાન છે કે તે જો આ લિવર બનાવવામાં સફળતા મેળવશે તો માણસની ઉંમર 135 વર્ષ સુધીની થઇ શકે છે.

સ્રોત..સૌજન્ય..

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=456164

 

આરોગ્ય, ચિંતન લેખો, વૃધ્ધા વસ્થાની વાતો અગસ્ત્ય પુજારા, ચિંતન લેખ, મુંબઈ સમાચાર

1244- હાર્ટ-અટૅક આવે પણ ખબર જ ન પડે એમ બને? જિગીષા જૈન

2 ટિપ્પણીઓ Posted by વિનોદ આર પટેલ on ઓક્ટોબર 30, 2018

કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. પ્રતીક સોની કહે છે, ” ભારતમાં ૫૦ ટકાથી વધુ હાર્ટ-અટૅક સાઇલન્ટ હાર્ટ-અટૅક હોય છે. હાર્ટ-અટૅક શરીરમાં બનતી મોટી ઘટના છે અથવા તો કહો કે દુર્ઘટના છે. ”

હાર્ટ-અટૅક તો આપણને ખબર જ છે, પરંતુ સાઇલન્ટ હાર્ટ-અટૅક એટલે શું? આ પ્રશ્નનો જવાબ જાણવા સુશ્રી જીગીષા જૈન નો આ લેખ વાંચવો જ જોઈએ.

હાર્ટ-અટૅક આવે પણ ખબર જ ન પડે એમ બને ?…જિગીષા જૈન 

હાર્ટ-અટૅક આવે તો છાતીમાં સખત પેઇન થાય છે અને શ્વાસ ચડવા લાગે છે. આ બન્ને એનાં મૂળભૂત લક્ષણો છે જેને સમજીને વ્યક્તિએ તાત્કાલિક હૉસ્પિટલમાં ભાગવું જોઈએ, પરંતુ જો અટૅક આવે ત્યારે એક પણ લક્ષણ દેખાય નહીં તો? આ પરિસ્થિતિને સાઇલન્ટ હાર્ટ-અટૅક કહે છે. ભારતમાં ૫૦ ટકા અટૅક સાઇલન્ટ હાર્ટ-અટૅક હોય છે. મોટા ભાગે ડાયાબિટીઝના દરદીઓમાં આ તકલીફ જોવા મળે છે જે ઘાતક અને ગંભીર સમસ્યા છે

heart attack


મહેતા પરિવારના પંચાવન વર્ષના વડીલને છેલ્લા બે દિવસથી ખૂબ અળખામણું લાગતું હતું. બેચેની થતી હતી અને અંદરથી કંઈ સારું નથી એમ લાગતું હતું. ઘરના બધાએ કહ્યું કે આવું તો થાય, થોડી ઊંઘ બરાબર કરો તો બધું જતું રહેશે. થાક એકદમ લાગવા લાગ્યો હતો તો તેમને થયું કે તેમની શુગર ઓછી થઈ જતી હશે. છેલ્લાં ૧૫ વર્ષથી તેમને ડાયાબિટીઝ હતો અને દવાઓ ખાતાં-ખાતાં ક્યારેક એવું થતું કે શુગર એકદમ વધી કે ઘટી જતી. આવા સમયે થાક લાગતો. તેમને થયું કે શુગરની જ તકલીફ હશે એટલે એક વખત ડૉક્ટરને બતાવી આવીએ. 

ડૉક્ટરે પૂછ્યું, ‘છાતીમાં દુખાવો કે શ્વાસમાં કોઈ તકલીફ થઈ રહી છે?’

મહેતાભાઈએ કહ્યું, ‘ના, કશું નથી. બસ, થાક થોડો લાગતો હતો તો થયું કે બતાવી આવીએ.’

ડૉક્ટરે તપાસ કરી અને લાગ્યું કે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ કઢાવી લઈએ. ટેસ્ટમાં ખબર પડી કે મહેતાભાઈને હાર્ટ-અટૅક આવ્યો હતો. કોઈ પણ લક્ષણ બતાવ્યા વગર મહેતાભાઈને સાઇલન્ટ હાર્ટ-અટૅક આવ્યો હતો. તેમનો તરત ઇલાજ શરૂ થયો. મેડિસિન આપવામાં આવી. દસ દિવસ હૉસ્પિટલમાં રહ્યા. બાયપાસ પણ થઈ ગઈ, પરંતુ હજી જોઈએ એવી રિકવરી આવી નથી એનું કારણ એ હતું કે તે અટૅકના બે દિવસ પછી હૉસ્પિટલમાં પહોંચ્યા અને તેમના મોડા હૉસ્પિટલ પહોંચવા પાછળ જવાબદાર તેમનો સાઇલન્ટ હાર્ટ-અટૅક હતો. હાર્ટ-અટૅક જે કોઈ પણ લક્ષણ વગર આવ્યો હતો. જો વ્યક્તિને કંઈ થાય જ નહીં તો તેને ખબર કેમ પડે કે તેને હાર્ટ-અટૅક આવ્યો છે. છતાં ડૉક્ટર તેમને નસીબદાર ગણાવતા હતા, કારણ કે આ પરિસ્થિતિમાં જેમને પણ સાઇલન્ટ હાર્ટ-અટૅક આવે છે એવા લોકોમાંથી પચીસ ટકા લોકો હૉસ્પિટલ પહોંચી શકતા જ નથી, સીધા જ મૃત્યુ પામે છે. 

સાઇલન્ટ હાર્ટ-અટેક પોતે જ એક મોટી બલા છે. ઘાતક રોગોમાં સૌથી પહેલો નંબર હાર્ટ-અટૅકનો આવે છે, પરંતુ એમાં પણ વધુ ઘાતક અને ગંભીર કંઈ છે તો એ છે સાઇલન્ટ હાર્ટ-અટૅક. હાર્ટ-અટૅક તો આપણને ખબર જ છે, પરંતુ સાઇલન્ટ હાર્ટ-અટૅક એટલે શું? આ પ્રfનનો જવાબ આપતાં કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. પ્રતીક સોની કહે છે, ‘ભારતમાં ૫૦ ટકાથી વધુ હાર્ટ-અટૅક સાઇલન્ટ હાર્ટ-અટૅક હોય છે. હાર્ટ-અટૅક શરીરમાં બનતી મોટી ઘટના છે અથવા તો કહો કે દુર્ઘટના છે અને શરીરમાં કોઈ પણ તકલીફ ઊભી થાય તો આદર્શ રીતે શરીર કોઈ ને કોઈ ચિહ્ન દ્વારા જતાવે છે કે કઈ તકલીફ છે. 

હાર્ટ-અટૅકનાં પણ ખાસ ચિહ્નો છે. જેમ કે એનાં ક્લાસિક ચિહ્નોમાં છાતીમાં દુખાવો અને શ્વાસ ચડવો મુખ્ય છે. આદર્શ રીતે અટૅક આવે એ પહેલાં પણ અમુક ચિહ્નો સામે આવે છે અને અટૅક આવ્યા પછી તો તરત જ દુખાવો અને શ્વાસની તકલીફ દેખાય એટલે વ્યક્તિ તાત્કાલિક હૉસ્પિટલમાં ભાગે છે. જોકે સાઇલન્ટ હાર્ટ-અટૅક એને કહે છે જેમાં અટૅકનાં આ મુખ્ય ચિહ્નો જોવા મળતાં જ નથી. ઊલટું કોઈ પણ ચિહ્નો જોવા મળતાં નથી. ખબર જ નથી પડતી દરદીને કે તેને અટૅક આવ્યો છે અને તેને તાત્કાલિક હૉસ્પિટલમાં ભાગવું જરૂરી છે. આ ખરેખર ગંભીર તકલીફ છે.’

heart attack1

કોના પર રિસ્ક? 

આમ તો સાઇલન્ટ હાર્ટ-અટૅક તેને પણ આવી શકે છે જેના શરીરમાં દુખાવાને સહન કરવાની કૅપેસિટી ઘણી વધારે હોય. આપણે ત્યાં એવા લોકો છે જેમને વાગે તો અસર જ નથી થતી, કારણ કે તેમની સહનશક્તિ ખૂબ વધારે હોય છે. એટલે તેમને અહેસાસ જ નથી થતો કે આ પેઇન છે અને ડૉક્ટર પાસે જવું જરૂરી છે. બાકી સૌથી વધુ રિસ્ક કોના પર છે એ વાત કરતાં ડાયાબેટોલૉજિસ્ટ ડૉ. પ્રદીપ ગાડગે કહે છે, ‘સાઇલન્ટ હાર્ટ-અટૅક થવા પાછળનું મુખ્ય કારણ ડાયાબિટીઝ છે. ડાયાબિટીઝ ધરાવતા દરદીઓમાં જેમને હાર્ટ-અટૅક આવે છે તેમના ૫૦ ટકા અટૅક સાઇલન્ટ હોય છે. ખાસ કરીને જેમને ૧૦-૧૫ વર્ષથી ડાયાબિટીઝ હોય અને એ પણ કન્ટ્રોલમાં ન રહેતો હોય તો સાઇલન્ટ હાર્ટ-અટૅકનું રિસ્ક ખૂબ વધી જાય છે. ડાયાબિટીઝને કારણે વ્યક્તિના શરીરમાં ન્યુરોપથીની તકલીફ સર્જા‍ય છે. એટલે કે વ્યક્તિની નસો ડેમેજ થાય છે જેને લીધે શરીરમાં જે પણ ઈજા થાય એ બાબતે મગજ સુધી એનો સંદેશો પહોંચતો નથી અને એને કારણે મગજ કોઈ રીઍક્શન જ આપતું નથી. તેની સંવેદના જ મરી જાય છે. એને કારણે કોઈ લક્ષણો જોવા મળતાં નથી. તકલીફ તો થઈ જ છે, ડૅમેજ થઈ જ રહ્યું છે; પરંતુ લક્ષણો દ્વારા સમજી શકાતું જ નથી. આ પરિસ્થિતિ સમજીએ એના કરતાં પણ વધુ ગંભીર છે.’ 

નુકસાન 

હાર્ટ-અટૅક થયા પછી તાત્કાલિક હૉસ્પિટલ પહોંચવું ખૂબ જ જરૂરી છે, કારણ કે જે ઇલાજ કરવાનો હોય છે એ ત્યારે જ વધુ અસરકારક નીવડે છે જ્યારે તમે વહેલાસર હૉસ્પિટલમાં પહોંચો. આ બાબતે વાત કરતાં ડૉ. પ્રતીક સોની કહે છે, ‘જેમને સાઇલન્ટ હાર્ટ-અટૅક આવે છે એવા લોકો હૉસ્પિટલમાં મોડા પહોંચે છે. તેમનો રેગ્યુલર ઇકોકાર્ડિયોગ્રામ કઢાવીએ ત્યારે ખબર પડે છે કે તેમને અટૅક આવ્યો હતો. ત્યારે એ જોવામાં આવે છે કે તેમના હાર્ટને કેટલું ડૅમેજ થયું છે અને એ મુજબ તેમનો ઇલાજ કરવામાં આવે છે. સંપૂર્ણ ઇલાજ કર્યા છતાં પણ આ દરદીઓમાં એવી રિકવરી જોવા મળતી નથી જે તાત્કાલિક ઇલાજ મેળવનાર દરદીમાં જોવા મળે છે. આ સૌથી મોટી તકલીફ છે, કારણ કે ભવિષ્યમાં આ દરદીઓને વધુ નુકસાન વેઠવું પડે છે.’

રોકી શકાય?

જે રોગનું કોઈ લક્ષણ જ નથી એને રોકવો અશક્ય જ છે, પરંતુ એ ન થાય એ માટે અમુક પ્રયત્નો કરી શકાય. એ વિશે વાત કરતાં ડૉ. પ્રદીપ ગાડગે કહે છે, ‘સૌથી મહkવની વસ્તુ એ છે કે વ્યક્તિ પોતાને ડાયાબિટીઝથી જ બચાવે, પરંતુ જો તે એનો ભોગ બની જ ચૂક્યો હોય તો ડાયાબિટીઝને શરૂઆતી સ્ટેજમાં જ સંપૂર્ણ રીતે દૂર કરવાની કોશિશ કરે. જો એ શરૂઆતી સ્ટેજ જતું રહ્યું હોય અને ડાયાબિટીઝ વ્યક્તિને છે જ તો એ બાબતે અત્યંત સજાગ રહે કે તેનો ડાયાબિટીઝ હંમેશાં કન્ટ્રોલમાં રહે. ડાયાબિટીઝ જેટલો કન્ટ્રોલમાં નહીં રહે એટલી તકલીફની શક્યતા વધવાની જ છે. માટે જરૂરી છે કે ડાયાબિટીઝને કન્ટ્રોલમાં રાખે. જે લોકો શિસ્તબદ્ધ છે અને શુગર એકદમ કન્ટ્રોલમાં રહે છે એમને આ તકલીફ નથી થતી.’

માઇલ્ડ અને સાઇલન્ટમાં ફરક

હાર્ટ-અટૅક આવે પણ લક્ષણો જ દેખાય નહીં એનો અર્થ શું એ થાય કે અટૅક એટલો માઇલ્ડ છે કે ખબર જ ન પડી? ના, માઇલ્ડ અટૅકમાં પણ એવું થતું હોય છે કે દરદીને ખાસ ખબર પડતી નથી કે તેને અટૅક આવ્યો છે. જોકે માઇલ્ડ અટૅક અને સાઇલન્ટ અટૅકમાં ફરક છે. સાઇલન્ટ અટૅકનો મતલબ એ જ કે વ્યક્તિને ચિહ્નો કોઈ દેખાતાં નથી. જોકે અટૅક તો સિવિયર કે માઇલ્ડ બન્નેમાંથી કોઈ પણ હોઈ શકે છે. એટલા માટે જ સાઇલન્ટ અટૅક આવતી વ્યક્તિઓમાં પચીસ ટકા વ્યક્તિઓ હૉસ્પિટલ સુધી પહોંચી પણ નથી શકતી, ત્યાં જ ઢળી પડે છે જેનો અર્થ એ કે અટૅક એટલો સિવિયર હતો કે જીરવી જ ન શક્યા; પરંતુ લક્ષણો જ નહોતાં એટલે ખબર જ ન પડી.

જિગીષા જૈન

Source –

http://www.gujaratimidday.com/life/health-a-lifestyle/health-dictionary-23102018

આ પણ વાંચોઃ રોગપ્રતિકારક શક્તિ જ જ્યારે તમારી સામે થાય ત્યારે

આરોગ્ય આરોગ્ય, જીગીષા જૈન, મીડ ડે લેખ, રી-બ્લોગ, હાર્ટ એટેક

1152- વસંત ઋતુ : ડિજિટલ ઉપવાસનો સમય વિશેષ …… મુકેશ પંડ્યા

Leave a comment Posted by વિનોદ આર પટેલ on ફેબ્રુવારી 9, 2018

Vasant -digital
vasant -2
vasant

વસંત ઋતુ : ડિજિટલ ઉપવાસનો સમય
વિશેષ-મુકેશ પંડ્યા

આપણાં શાસ્ત્રોમાં ચાતુર્માસમાં ફિઝિકલ ઉપવાસ એટલે કે શારીરિક ઉપવાસને ઘણુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. આ ઋતુમાં ઉપવાસ કરવાથી શરીર નીરોગી તો રહે જ છે સાથે સાથે ઇન્દ્રિયો અને મન પર કાબૂ રહે છે. આજકાલ, ટી.વી, કોમ્પ્યુટર, ઇન્ટરનેટ-ગૂગલ, ફેસબુક અને વોટ્સઅપનું ચલણ એટલું વધી ગયું છે કે ઘણા લોકોને ખાધા વગર ચાલે પણ મોબાઇલ વગર ન ચાલે એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઇ છે.

ઘણા લોકો વાત વાતમાં કહેતા પણ હોય છે કે હવે ના સમયમાં એક દિવસ ટી.વી બંધ, એક દિવસ કોમ્પ્યુટર બંધ તો એક દિવસ મોબાઇલ બંધ – આવી જાતના ઉપવાસ માટે વિચારવું જોઇએ. આવી વાતો ભલે મજાકમાં કહેવાઇ હોય, પરંતુ તમારે ગંભીરતાથી આવા ડિજિટલ ઉપવાસ કરવા હોય તો વસંત ઋતુ શ્રેષ્ઠ છે.

સવારના પહોરમાં – વોટ્સઅપ પર સગાં-સ્નેહીઓને ફૂલો કે ફૂલદસ્તાનાં ચિત્રો મોકલો છો પણ તેમાં મખમલી સ્પર્શ અને પુષ્પનો પમરાટ ક્યાં હોય છે? આવો વૈભવ માણવા તમારે આ ઋતુમાં આવતી રજાના દિવસે મોબાઇલ સ્વીચ ઓફ કરી, નજીકના બાગ-બગીચા કે જંગલની મુલાકાત લેવી જોઇએ. કારણકે આ જ ઋતુમાં તમને બ્રહ્માંડના પાંચે તત્ત્વો આકાશ, જળ, પૃથ્વી, અગ્નિ અને વાયુનો સમતોલ વિકાસ નજરે પડશે. આ ઋતુમાં વરસાદ નથી હોતો, અતિશય ગરમી કે અતિશય ઠંડી પણ નથી હોતી. એટલે જ વસંત ને ઋતુઓનો રાજા કહેવામાં આવ્યો છે. આની પહેલાં આવતી ઠંડી ઋતુમાં વૃક્ષો, વધુ પડતો બરફ હોય એવા પ્રદેશમાં તો જાણે બરફની ચાદરમાં અદૃશ્ય પણ થઇ જાય છે. પણ વસંતમાં વળી પાછો બરફ પીગળે અને વૃક્ષોને હૂંફની લાગણીનો અનુભવ થાય છે.

આપણને એમકે દક્ષિણ તરફ ભ્રમણ કરતાં સૂર્યદેવ છટકી જશે, પરંતુ આ જ સૂર્યદેવ વળી પાછા ઉત્તર તરફ પ્રયાણ કરી આપણો સંગાથ કરવા આવી પહોંચે છે. વનસ્પતિને સૂર્ય સાથે સીધો સંબંધ છે. એટલે આ ઋતુમાં મોબાઇલમાં આંખો ફેંકીને પ્રકાશ પ્રદૂષણ ભેગું કરવા કરતાં- વનસ્પતિ પ્રકાશ સંશ્ર્લેષણ કરીને નવાં પુષ્પોના પમરાટને વાતાવરણમાં ફેલાવે છે તે જોવાનો લહાવો લેવો જોઇએ- સાથે ચોખ્ખો પ્રાણવાયુ ફ્રીમાં મળે છે. એટલે જલસા જ જલસા.

અરોમા થેરેપીની તો તમને ખબર જ છે. જુદી જુદી સુગંધ માણસ પર સકારાત્મકતા અસર કરે છે. જંગલનાં ફૂલોની સુવાસ તમારા તન મનને સુગંધિત અને પ્રફુલ્લિત કરી મૂકે છે.

આયુર્વેદની દૃષ્ટિએ પણ, જેમ શિયાળામાં બરફ જામતો હોય છે – વાસણમાં ઘી અને તેલ થીજી જતાં હોય છે. તેમ શરીરમાં કફ જામી જતો હોય છે. વસંતઋતુ એ આ કફને ઓગાળી તેને મળમૂત્ર દ્વારા બહાર કાઢી નાખવાનો ઉત્તમ સમય છે.

વૈદો આ ઋતુમાં બપોરે સૂવાની મનાઇ કરે છે. તો આપણે પણ રજાના દિવસે પલંગ પર આડા પડીને મોબાઇલ દર્શન કરવા કરતાં કુટુંબની સાથે નીકળી પડીને જંગલ દર્શન કરવા અતિ ઉત્તમ છે. તમે આડા પડો ત્યારે શરીરનો કફ બહાર નીકળવાની બદલે છાતીમાં જમા થાય છે અને તમને બીમાર કરી મૂકે છે, પણ જો તમે ઊભા રહો-અથવા વનપરિભ્રમણને બહાને જંગલમાં ચાલતા રહો તો કફ તમારી છાતી પર ચઢી બેસતો નથી. આમ, આયુર્વેદમાં પણ વસંતઋતુમાં વનભ્રમણનું મહત્ત્વ દર્શાવ્યું છે.

આ ઋતુમાં આવતી હોળી અને હોળીના નિમિત્તે વપરાતાં ફૂલોના રંગ અને ફૂલોની સુગંધ જ અસલમાં તો સાચી હોળી હતી. કુદરતી ફૂલો અને વનસ્પતિના રંગો અને સુગંધ શરીર-મનમાં તાજગી ભરી દેતી હતી. આવી મજા કૃત્રિમ રંગ-રસાયણોમાં નથી.

આપણા પૂર્વજો કેટલાં બુદ્ધિશાળી હશે કે વસંત ઋતુના ચૈત્ર મહિનાની શરૂઆતને તેમણે હિંદુ નૂતન વર્ષ તરીકે જાહેર કર્યું. આપણે ભલે બહુ માનતા ન હોઇએ પણ મરાઠી ભાષીઓ હજી પણ- એને ગુડી પાડવાના રૂપમાં ઊજવે છે. આ દિવસે વાતાવરણમાં એટલા શુભ અને સકારાત્મક તરંગો વહેતા હોય છે કે કોઇ પણ કાર્ય શરૂ કરવા માટે શ્રેષ્ઠ મુહૂર્ત બની જાય છે.

શરીર માટે ઉત્તમ આ ઋતુ પ્રેમ અને લાગણી દર્શાવવા માટે પણ ઉત્તમ ઋતુ છે. કહેવાય છે કે કામદેવના પુત્રનું નામ વસંત છે. શાસ્ત્રીય સંગીતમાં એક રાગનું નામ વસંત છે. આ ઋતુમાં આવતો પ્રેમ દર્શાવવાનો વિદેશી તહેવાર વેલેન્ટાઇન ડે ભલે જોગાનુજોગ – વસંત ઋતુમાં આવતો હોય પણ એ બહાના હેઠળ તમે પતિ, પત્ની, મિત્ર, સગાં સ્નેહીઓ નિર્દોષ પ્રેમના રસાયણથી મનને તરબતર કરી શકો છો. અને હા લગ્ન ગાળો પણ હવે શરૂ થાય છે તે માણવાનું ભૂલશો નહીં.

પ્રેમની જ વાત નીકળી છે તો બીજી એક આડવાત કરી દઇએ કે જે દેશનો રાજા પ્રકૃતિ પ્રેમી અને કવિ હદયનો હોય તે પ્રજા નસીબદાર હોય છે. ઘણાં વર્ષો પછી નરેન્દ્ર મોદીના રૂપમાં આપણને જે વડા પ્રધાન મળ્યા છે તેમણે લખેલી એક કવિતા તેમનામાં રહેલી પ્રકૃતિ અને સાહિત્યપ્રેમની ઓળખાણ જરૂર કરાવે છે. આવી વ્યક્તિ કદાચ કોઇ ભૂલ કરી શકે પણ ખોટું ન કરી શકે.

ચાલો, વસંત ઋતુમાં રાજકારણને બાજુ પર મૂકી, હજુ સુધી જેમના ચારિત્ર્ય પર કોઇ આળ ન મૂકી શકાય તેવી વ્યક્તિ નરેન્દ્ર મોદીની કવિતા મમળાવીને વસંત ઋતુને વધાવવા સજ્જ થઇએ.

અંતમાં આરંભ અને આરંભમાં અંત

પાનખરના હૈયામાં ટહુકે વસંત

સોળ વરસની વય, ક્યાંક કોયલનો લય

કેસૂડાના કોના પર ઉછળે પ્રણય?

ભલે લાગે છે રંક, પણ ભીતર શ્રીમંત

પાનખરના હૈયામાં ટહુકે વસંત

આજે તો વનમાં કોના વિવાહ

એક એક વૃક્ષમાં પ્રગટે દીવા

આશીર્વાદ આપવા આવે છે સંત

પાનખરના હૈયામાં ટહુકે વસંત .

— નરેન્દ્ર મોદી 

જાપાનની ઉપકારક જંગલ સ્નાનની પદ્ધતિ

તમે વર્ષોથી શીખ્યા છો કે વનસ્પતિ ચોખ્ખો પ્રાણવાયુ આપે છે પરંતુ વનસ્પતિના પાન અને ફૂલ – ઉડ્યનશીલ તત્ત્વો સહિત સેંકડો રસાયણો વાતાવરણમાં છોડે છે તેનો લાભ પણ મળે છે.

જાપાનમાં તો ‘શીનટીન યોકુ’ નામની જંગલ થેરપીનો વાયરો વાયો છે. જેનો ગુજરાતીમાં અર્થ થાય છે જંગલ સ્નાન. આ જંગલ સ્નાન કરવાથી કેટલા ફાયદા થાય છે તે જાણો છો ?

૧) શરીરના વિષાણુનાશક કોષોનું પ્રમાણ વધે છે.

એટલે રોગપ્રતિકારક શક્તિ વધે છે.

૨) બ્લડ પ્રેશર ઘટે છે.

૩) લોહીમાં સાકરનું પ્રમાણ ઘટે છે એટલે ડાયાબિટીસનું પ્રમાણ ઘટે છે.

૪) માનસિક તાણ ઘટે છે, મૂડ સૂધરે છે.

૫) બીમારી કે ઓપરેશન પછી જંગલમાં ફરવા જાવ તો રીકવરી ઝડપથી થાય છે. અર્થાત તબિયત ઝડપથી સુધરે છે.

૬) શક્તિ વધે છે.

૭) ઊંઘ સારી આવે છે.

આ બધા ઠંડા પહોરના ગપગોળા નથી

પણ જાપાનીઓએ કરેલા જંગલના પ્રયોગો પછી સાબિત થયેલા નિષ્કર્ષ છે. તો પહોંચી જાવ વસંત ઋતુમાં જંગલનો વૈભવ માણવા.

સૌજન્ય —મુંબઈ સમાચાર .કોમ 

====================

અગાઉ પોસ્ટ થયેલ વસંત ઋતુ વિશેની મારી અછાંદસ રચના

અહી ફરી માણો.

ઋતુરાજ વસંતનાં એંધાણ

વાહ કેવી ઉગે રોજ ખુશનુમા સવાર,
વાસંતી વાયરા વાય સવારથી સાંજ,
વૃક્ષની ડાળે લીલી કુંપળોનો દરબાર,
સૌને વ્હાલી વસંતનાં છે આ એંધાણ.

કેસુડાના વૃક્ષે જામ્યો છે કેસરિયો રંગ,
આમ્ર વૃક્ષે કેવા મ્હોરી ઉઠ્યા છે મોર,
ફેલાઈ જાય છે રંગીન ફૂલોની ફોરમ,
સૌને વ્હાલી વસંતનાં છે આ એંધાણ.

વસંત તો છે પ્રકૃતીમાં આવેલું યૌવન,
યુવાની હોય છે જેમ જીવનની વસંત,
વાગે ઢોલ,ગવાઈ રહ્યા ફાગણના ફાગ,
સૌને વ્હાલી વસંતનાં છે આ એંધાણ.

ગુંજી ઉઠતો કોકિલ પંખીનો કલરવ,
ઝૂમી ઉઠે છે વૃક્ષ લતાઓ વને વન,
સર્જાઈ જાય રમ્ય ફૂલોનો શણગાર,
સૌને વ્હાલી વસંતનાં છે આ એંધાણ.

કુહૂ કુહૂ બોલે ટહુકી રહી પેલી કોકિલા,
પ્રેમીજનો ઝંખે પિયા મિલનની આશ,
વેલેન્ટાઈન લાવે પ્રેમીઓમાં થનગનાટ,
સૌને વ્હાલી વસંતનાં છે આ એંધાણ.

વસંત પંચમીએ ઋતુરાજનું આગમન,
આ દિવસે થયું મા સરસ્વતીનું પ્રાગટ્ય,
કવિઓ ગાય વસંત-વિદ્યાદેવીનાં ગાન,
સૌને વ્હાલી વસંતનાં છે આ એંધાણ.

વિનોદ પટેલ,૧-૨૨-૨૦૧૮
વસંત પંચમી
( વિનોદ વિહાર – પોસ્ટ નંબર 1145 માંથી   )

આરોગ્ય, ચિંતન લેખ, રીબ્લોગ, સંકલન મુંબઈ સમાચાર, વસંત ઋતુ

1069- ત્રીજો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ… / યોગ ભગાવે રોગ …. જૈમિની દેરાઈ

2 ટિપ્પણીઓ Posted by વિનોદ આર પટેલ on જૂન 21, 2017

આજે ૨૧મી જુન ૨૦૧૭ એટલે ત્રીજો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ…International Day of Yoga- 2017

તારીખ ૧૧મી ડીસેમ્બર , ૨૦૧૪ ના રોજ યુનાઈટેડ નેશનની જનરલ એસેમ્બલીએ ૨૧મી જુનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનો સર્વાનુમતે પસાર કરેલ ઠરાવ મુજબ ૨૦૧૫ ના વર્ષથી શરુ કરી દર વર્ષે આ દિવસને સમગ્ર વિશ્વમાં યોગા દિવસ તરીકે ઉત્સાહથી ઉજવવામાં આવે છે.

યોગ એ ભારતની વિરાસત છે . એ વખતે ભારતના નવા ચૂંટાએલ વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ યોગા દિવસ માટે આગ્રહ કરીને અગત્યનો ફાળો આપ્યો હતો.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ…International Day of Yoga ની અંગ્રેજીમાં વિશેષ માહિતી વિકિપીડીયાની નીચેની લીંક પર ક્લિક કરીને વાંચી શકાશે.

International Yoga Day

ભારતમાં -લખનૌમાં ત્રીજા આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો પ્રારંભ

‘યોગ ઝીરો કોસ્ટ હેલ્થ ઈન્શ્યોરન્સ છે. મનને સ્વસ્થ રાખીને જિંદગી જીવવાની કળા યોગ દ્વારા મળે છે.લોકોએ યોગને એમનાં જીવનનો એક હિસ્સો બનાવવો જોઈએ.’-નરેન્દ્ર મોદી 

લખનૌમાં ત્રીજા આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો ચાલુ વરસાદમાં પ્રારંભ કરતાં શ્રી નરેન્દ્ર મોદી

PM Modi at Mass Yoga Demonstration on the occasion of International Yoga Day in Lucknow

આજના યોગા દિવસ નિમિત્તે મુંબઈ સમાચારમાં પ્રકાશિત જૈમિની દેરાઈ નો એક ઉપયોગી લેખ સાભાર પ્રસ્તુત ..

યોગ ભગાવે રોગ ..સ્વાસ્થ્ય સુધા – જૈમિની દેરાઈ

આપણા દેશમાં કોઈપણ તકલીફ થતાં તબિયત સારી કરવા દવાઓ લેતા હોય છે. ફિટનેસ માટે ખર્ચા કરે છે, પણ યોગ એક એવો ઉપાય છે જે તકલીફને જડમૂળથી નાબૂદ કરે છે.

લોકો કહેશે કે યોગાસન કેવી રીતે બીમારી દૂર કરી શકે ! એનો જવાબ એ છે કે જુદા જુદા રોગ માટે જુદા જુદા આસન દર્શાવવામાં આવ્યા છે. આપણે જોઈએ કે કઈ બિમારીમાં કયું યોગાસન કરવાથી લાભ થાય છે.

—————————

સ્થૂળતા કે જાડિયાપણું

આજકાલની જીવનશૈલીમાં જંક ફૂડ, ચૉકલેટ્સ, પેસ્ટ્રીસ, સૉફ્ટ ડ્રિન્કનું સેવન વધુ પડતું કરવામાં આવતું હોવાથી સ્થૂળતાની સમસ્યા વકરી રહી છે. આનો ઉપાય છે કપાલભાતિમાં

કેવી રીતે કરશો?

સુખાસનમાં બેસીને પહેલાં ઊંડો શ્ર્વાસ અંદર ખેંચો. થોડી ક્ષણ પછી ઉચ્છવાસ બહાર કાઢવા પર ધ્યાન આપો. શ્ર્વાસ લેવાની ક્રિયા આપોઆપ થતી રહે છે. શરૂઆતમાં ૧૦ વાર ઉચ્છવાસ બહાર કાઢો. ધીમે ધીમે સમય વધારતા જાવ. આ ક્રિયા દરમિયાન પેટ અંદર-બહાર થવાનો અનુભવ થશે.

હર્નિયા અથવા હાઈ બીપીની તકલીફ હોય અથવા તો પછી પેટનું ઑપરેશન કરાવ્યું હોય એવાઓએ આ ક્રિયા કરવી નહીં.

————————–

અસ્થમા

પ્રદૂષિત વાતાવરણમાં આ રોગ કોને ક્યારે થાય તે કહી શકાય નહીં. આનો ઉપાય છે ભસ્ત્રિકા પ્રાણાયામ.

કેવી રીતે કરશો ?

આ ક્રિયા ખૂબ ધીમી ગતિથી કરવી જોઈએ. લાંબો ઊંડો શ્ર્વાસ લો. ફેફસામાં જવા દો. ધીરે ધીરે ઉચ્છવાસ બહાર કાઢો. શરૂઆતમાં એકાદ બે મિનિટ કરો. ત્યારપછી મિનિટ વધારીને પાંચ મિનિટ સુધી પ્રાણાયામ કરો. આમ કરતાં થાકી જવાય તો બ્રેક લો.

—————————-

સર્વાઈકલ સ્પોન્ડિલાઈટિસ

આધુનિક જીવનશૈલી સાથે સંકળાયેલી આ તકલીફ છે. ખાસ કરીને ખુરશી પર બેઠા-બેઠા કમ્પ્યુટર પર કામ કરનારાને આ તકલીફ થતી હોય છે. રોજ આઠ કલાક એક જ સ્થિતિમાં બેસવાનું હોવાથી તેમની ડોક, ખભા, અને પીઠ પર વધુ દબાણ આવે છે.

આ માટે ભુજંગાસન કરી શકો.

કેવી રીતે કરશો?

સપાટ જમીન પર ચટાઈ પાથરો. ઊંધા સૂઈ જાવ. બંને હાથના ખભા બગલ તરફ વાળો. ઊંડો શ્ર્વાસ લો. હાથ ટેકવીને ધડને ઉપર લઈ જાવ. ડોકને પાછળ તરફ ફેરવો. થોડી સેકંડ આ અવસ્થામાં રહો. ધીમે ધીમે ઉચ્છવાસ છોડતી વખતે પૂર્વ સ્થિતિમાં આવો. આ આસન બીજી અવસ્થામાં પાછળથી ઘૂંટણ વાળીને ધડને હાથના બળે ઉપર ઉઠાવો. ઊંડા શ્ર્વાસ લો. થોડી સેક્ધડ એ અવસ્થામાં રહો. ફરી પૂર્વ સ્થિતિમાં આવો. દરરોજ આ આસન તમારી ક્ષમતા પ્રમાણે પાંચ મિનિટ કરી શકો.

————————–

હાઈ બ્લડપ્રેશર

આ તકલીફ હોય તો ચંદ્રભેદી પ્રાણાયામ કરવાથી ખૂબ ફાયદો થાય છે. સાવ સહેલું છે.

કેવી રીતે કરશો?

એક ચટાઈ પર સુખાસનમાં બેસીને ડાબા હાથના અંગૂઠાથી જમણા નસકોરાને થોડી ક્ષણ બંધ કરો. ડાબા નસકોરાથી શ્ર્વાસ લો અને જમણા નસકોરાથી ઉચ્છવાસ બહાર કાઢો. આ ક્રિયા કરતી વખતે આંખ બંધ કરો. બધું ધ્યાન શ્ર્વાસોચ્છ્વાસ પર કેન્દ્રિત કરો. આ આસન કરતી વખતે શાંત વાતાવરણ અને મનની એકાગ્રતા રાખશો તો સંપૂર્ણ લાભ મળશે. શરૂઆતમાં પાંચ મિનિટ કરી શકો. ધીરે ધીરે સમય વધારો. હાઈ બ્લડપ્રેશર કાબૂમાં રાખી શકશો.

આ આસનથી હૃદયની તકલીફથી બચી શકાય છે.

—————————

ડાયાબિટીસ

આ તકલીફ માટે મંડૂકાસન કરવાથી ફાયદો થાય છે.

કેવી રીતે કરશો?

બંને પગને પાછળ વાળીને ઘૂંટણ પર વજ્રાસન મુદ્રામાં બેસો. ડાબા હાથની મુઠ્ઠી વાળીને નાભિ પાસે રાખો. મુઠ્ઠી પર જમણા હાથથી ધીરે ધીરે દબાવો, છાતી ફુલાવી ઊંડા શ્ર્વાસ લો. ધીમે ધીમે આગળ તરફ ઝૂકતા જાવ. ઝૂક્યા પછી તમારી ક્ષમતા પ્રમાણે એક-બે મિનિટ શ્ર્વાસ રોકો. ચહેરા તરફ લોહીનો પ્રવાહ જઈ રહ્યો હોવાનું લાગતાં ઉચ્છવાસ બહાર કાઢતાં સીધા બેસો ને ઘૂંટણ પર હાથ રાખો. આ ક્રિયા ચાર-પાંચ વાર કરો. સમગ્ર ક્રિયા દરમિયાન આંખો બંધ રાખો, ગરદન સીધી રાખો. આમ કરવાથી પૅન્ક્રિયાસની કવાયત થાય છે. શરીરમાં ઈન્સ્યુલિન પ્રવાહિત થાય છે. નિયમિત કરવાથી શુગર લેવલ ઘટે છે. ઘૂંટણની તકલીફ હોય તો સુખાસનમાં બેસીને આ ક્રિયા કરી શકાય છે.

સૌજન્ય-  મુંબઈ સમાચાર.કોમ

 

======================

 

મુંબઈ નિવાસી મારા મિત્ર શ્રી યોગેશ કણકિયાએ એમના ઈ-મેઈલમાં સ્વામી શિવાનંદના શિષ્ય સ્વામી સત્યાનંદજી લિખિત યોગ ઉપર એક સુંદર ઈ-બુક શીર્ષક Asana Pranayama Mudra Bandha મોકલી છે એ માટે એમનો આભારી છું.

વિનોદ વિહારના વાચકો આ ઈ-બુક નીચેની લીંક પર ક્લિક કરીને વાંચી શકશે.

 

APMB by Swami Satyananda Saraswati_

Have a Great Day!
Happiness never decreases by being shared.

 

આંતર રાષ્ટ્રીય યોગ દિવસ, આરોગ્ય, ચિંતન લેખો, નરેન્દ્ર મોદી, સંકલન ત્રીજો યોગા દિવસ, નરેન્દ્ર મોદી, યોગ ભગાવે રોગ, લેખ, વિડીયો

1063- અર્વાચિંતનમ્ -શું ખાવું? શું પીવું?……..શ્રી પરેશ વ્યાસ                                                                                             

5 ટિપ્પણીઓ Posted by વિનોદ આર પટેલ on જૂન 9, 2017

સુ.શ્રી પ્રજ્ઞાબેન વ્યાસના બ્લોગ નિરવ રવે માં એમના સુપુત્ર જાણીતા કોલમ લેખક શ્રી પરેશ વ્યાસ લિખિત સામાન્ય આરોગ્યને લગતો આ લેખ અને એમાં રજુ થયેલા વિચારો મને ગમ્યા .આ બન્ને વિદ્વાન મા-દીકરાના આભાર સાથે વિ.વિમાં એને સહર્ષ રી-બ્લોગ કરું છું.વાચકોને એ ગમશે અને ઉપયોગી જણાશે.-વિનોદ પટેલ             

                     અર્વાચિંતનમ્ -શું ખાવું? શું પીવું?    

                                     પરેશ વ્યાસ   

                                                                                       શું ખાવું? શું પીવું?

Paresh Vyas

વજન વધે છે. કસરત કરવાનાં કામચલાઉ અભરખા ગ્રીષ્મની ગરમી સાથે બાષ્પીભવન થઇ જાય છે. ઉપવાસ કરાય? કોને ખબર? અમે કાંઈ ના ખાઈએ તો ય વજન રાજાનાં કુંવરની માફક રાતે ના વધે એટલું દિવસે અને દિવસે ના વધે એટલું રાતે વધે છે. દુનિયાનાં લોક  લબાલબ ખાય પણ એને કાંઈ ના થાય. અને અમે….? શું સાલી જિંદગી છે? અકબર અલાહાબાદી એવું કહી ગયા’તા કે હમ આહ ભી કરતે હૈ તો હી જાતે હૈ બદનામ, વો કત્લ ભી કરે તો ચર્ચા નહીં હોતા. અમે જરા ખાઇએ, પીએ કે વજન વધી જાય. અમે ચર્ચાઇ જઇએ. વગોવાઇ જઇએ. કરવું શું? કોઈ કહે કે ગ્રીન ટી પીવો. એનાં પોલીફેનોલ્સ અને કેફેઈન શરીરની ચરબી બાળે છે. ગ્રીન ટી એટલે દૂધ અને ખાંડ વિનાની ચા. એ તો કઈ રીતે પીવાય? રગડા જેવી કડક મીઠી ચા પીનારાં છ કરોડ ગુજરાતીઓને એ ભાવે કઇ રીતે?

આહારશાસ્ત્રી એલી ક્રીગારે ‘વોશિંગ્ટન પોસ્ટ’ અખબારનાં માધ્યમથી તાજેતરમાં કહ્યું કે લીલી ચા, લાલ મરચું, આખા ધાન અને પ્રોટીન આપણા શરીરનું મેટાબોલિઝમ (ચયાપચય ક્રિયા) વધારે છે. કેલોરી બળી જાય. ચરબી જામે નહીં. માટે મેટાબોલિઝમ વધે એવું ખાઓ પીઓ તો સારું. પણ આ પૂર્ણ સત્ય નથી. માત્ર એની પર આધાર ન રાખી શકાય. ત્રણ કપ ગ્રીન ટી પીઓ તો કેલોરી બળે પણ કેટલી? એક શિંગદાણા જેટલી. લો બોલો… ભારતીય આહારશાસ્ત્રી ઋજુતા દિવેકર તો કહે છે કે લીલી ચા તમને પાતળા કરે તેવી જાહેરાત ભ્રામક છે.

ગ્રીન ટી, વ્હાઇટ ટી, ઊલુંગ ટી, બ્લેક ટીમાં કોઇ ફેર નથી. ઋજુતાનાં કહેવા મુજબ આપણી જીભની સ્વાદગ્રંથિને જે ચા ન ભાવે એ ન પીવી જોઇએ. ઋજુતા તો ઘી ખાવાની ય ભલામણ કરે છે. ઋજુતાની વાત માનવી જોઇએ કારણ કે કરીના કપૂર અને અનંત અંબાણી પણ એની વાત માને છે.

એલી ક્રીગાર કે ઋજુતા દિવેકર, બન્ને માને છે કે કસરતનો કોઇ વિકલ્પ નથી. અથવા એમ કહીએ કે નિયમિત કસરતનો કોઇ વિકલ્પ નથી. ઋજુતા નામ પ્રમાણે ઋજુ છે એટલે વધારે પડતી નહીં પણ ત્રણ દિવસે એક વાર નિયમિત કસરત કરવા ભલામણ કરે છે. બન્ને અહારશાસ્ત્રીઓ ફાસ્ટફૂડનાં પ્રબળ વિરોધી છે. પણ અમને ઋજુતા ગમે છે કારણ કે એ વરસાદી માહોલમાં ગરમ ભજીયા કે સમોસા ખાવાને ક્રાઇમ ગણતા નથી. જો ભી મન મારકે સમોસા નહીં ખાતા હૈ ઉસકો હાર્ટએટેક આને કે ચાન્સીસ જ્યાદા હૈ! એવું એ છડે ચોક કહે છે.

સમોસા આજકાલ એરફ્રાય કરેલાં મળે છે. એવા સમોસા ફ્લાઇંગ કિસ જેવા હોય. ફ્લાઇંગ કિસમાં તે વળી શી મઝા આવે? ખરેખરા હોઠ એકાકાર થાય એવા આવેગાત્મક ચુંબનમાં જે મઝા હોય એવી મઝા ફ્લાઇંગ કિસમાં નથી. હા, તેલમાં તળેલા સમોસા આરોગવાથી રીઅલ કિસની ફીલ ચોક્કસ મળે. આ વાત ઋજુતાએ પોતે કહી છે. એ એમ પણ કહે છે કે કોઇ પણ પેક થયેલાં ખાદ્ય પદાર્થો જેવા કે બિસ્કિટ્સ, ચિપ્સ, ઓટ્સ, નૂડલ્સ વગેરે ક્યારેય ખાવા નહીં. તેલની વાત કરીએ તો ઓલિવ ઓઇલ સારું અને શીંગતેલ નઠારું, એવું જરાય નથી. તેલ ફિલ્ટર્ડ હોવું જોઇએ, રીફાઇન્ડ ન હોવું જોઇએ. રીફાઇન્ડ તેલ નુકસાન કરે.

કોઇ કહે કે રોજ આટલા લીટર પાણી તો પીવું જ જોઇએ. અરે ભાઇ! એવું કાંઇ નથી. પેશાબ પીળો ન થાય એટલું પાણી પીવું. તંઇ શું?આપણે શું કરવું? બજારમાંથી કાંઇ રેડીમેડ પેક્ડ ફૂડ લાવવું નહીં. તેલ રીફાઇન્ડ હોય એ ન ચાલે. ઘી ખાઇ શકાય. કસરત કરતા રહેવાય. પેઇડ કે અનપેઇડ સલાહકારોનો કોઇ તંત નથી. તમે તમારા શરીરને જેટલું જાણો એટલું બીજું કોઇ જાણે નહીં. કોઇની વાત માનવી નહીં. ડોક્ટર્સને સાંભળવા પણ કરવું એ જે તમને ઠીક લાગે. ડોક્ટર્સ તો એવું કહે કે સ્વાદમાં સારું લાગે તે સઘળું થૂંકી નાંખો. એવું તે કાંઇ થોડું હોય? પણ…ઓછું ખાવું, તાજું ખાવું, ઘરનું ખાવું, ભાવે તેવું ખાવું, ભારતીય ખાણું ખાવું.. 

સાભાર .. niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક

આરોગ્ય, ચિંતન લેખ, પરેશ વ્યાસ, રીબ્લોગ આરોગ્ય, પરેશ વ્યાસ, રી-બ્લોગ

( 944 ) વૃદ્ધો દવાથી વધુ બીમાર પડી જાય છે !…– વિનોદ પંડયા

3 ટિપ્પણીઓ Posted by વિનોદ આર પટેલ on ઓગસ્ટ 23, 2016

આપણામાં એક કહેવત પ્રચલિત છે કે ગાંધી વૈદ્યનું સહિયારું. દેશી દવા કરતા વૈદ્ય દર્દીને તપાસીને અમુક તમુક દેશી ઔષધ લખી આપે અને એના ઓળખીતા ગાંધીની દુકાને મોકલે જેના બદલામાં ગાંધી એના નફામાંથી વૈદ્યને અમુક નક્કી કરેલ કમીશન આપે.આવી જ કૈંક વણ લખી સમજણ આજે ડીગ્રી ધારી ડોકટરો,એલોપથી દવા વેચતી ફાર્મસીઓ અને દવા બનાવનારી કમ્પનીઓ વચ્ચે ચાલતી હોય એમ લાગે છે .દર્દીઓના ભોગે આ સૌ લોકો ધૂમ કમાણી કરે છે.

ખાસ કરીને વૃદ્ધ દર્દીઓ ડોક્ટરને ભગવાન માની એમની લખેલી ઘણી બધી દવાઓ એક સાથે લેતા હોય છે.આ દવાઓ ઘણીવાર શરીરમાં જઈને વિપરીત અસરો પેદા કરે છે અને આરોગ્ય સુધરવાને બદલે બગડતું હોય છે.ઉલમાંથી ચૂલમાં પડવા જેવું થાય છે.!

આ લખું છું ત્યારે ફેસબુક પર વાંચેલી આ પંક્તિઓ યાદ આવે છે.

એય હકીમો દૂર હઠો,
મારી કોઈ દવા નથી.
હું ઈશ્કનો બીમાર છું,
બીજી કોઈ બીમારી નથી.

સંદેશમાં પ્રગટ શ્રી વિનોદ પંડ્યા લિખિત લેખ “વૃદ્ધો દવાથી વધુ બીમાર પડી જાય છે !” એ આ વિષયમાં સરસ પ્રકાશ પાડતો હોઈ વાચકો માટે આજની પોસ્ટમાં સાભાર પ્રસ્તુત છે.ખાસ કરીને સીનીયર સીટીઝનો માટે એ ઉપયોગી માર્ગદર્શક રૂપ નીવડશે.

વિનોદ પટેલ 

 

વૃદ્ધો દવાથી વધુ બીમાર પડી જાય છે !
ફોર્થ ડાઇમેન્શન : – વિનોદ પંડયા

old men and medicineઅમેરિકામાં વૃદ્ધોને જરૂર કરતાં વધારે દવાઓ અપાય છે અને તેને કારણે તેઓ ફરીથી બીમાર પડે છે. વૃદ્ધોની દવાઓની જરૂરિયાત, તે દવાઓની વૃદ્ધો પર થતી અસરનું અલગ તબીબી વિજ્ઞાન છે અને તેના નિષ્ણાત ડોક્ટરો છે પણ તેઓની સંખ્યા ખૂબ થોડી છે. ભારતમાં પણ વૃદ્ધો દવાઓનું આડેધડ સેવન કરે છે અને બીમારીનું કારણ એ દવાઓ હોઈ શકે એવું દરદીઓના માનવામાં આવતું નથી. ઘણા કિસ્સાઓમાં વધુ પડતી દવા ગળચવા માટે વૃદ્ધ દરદી જવાબદાર હોય છે પણ મોટાભાગના કેસમાં ડોક્ટરો જવાબદાર હોય છે.

આધેડ અને વૃદ્ધ લોકો પર દવાઓ જુદી રીતે અસર કરે છે. જે દવા યુવાન દરદીનાં શરીરમાં કામ કરે છે તેનાં કરતાં વૃદ્ધ દરદીનાં શરીરમાં જુદી રીતે વર્તન કરે છે. અમુક દવા યુવાન દરદીનાં શરીરમાં બાર કે ૨૪ કલાક ટકી રહેતી હોય તે વૃદ્ધ દરદીનાં શરીરમાં ૪૮થી ૬૦ કલાક ટકતી હોય છે, આથી વૃદ્ધોને અપાતી દવામાં તેનું પ્રમાણ નક્કી કરવું તે ખૂબ મહત્ત્વની બાબત બને છે. અમેરિકામાં અભ્યાસ થયો તેમાં જણાયું કે એક ૯૯ વરસની વૃદ્ધા દરદી માટે બ્લડપ્રેશર માટેની દવાઓનો મોટો ડોઝ નક્કી કર્યો હતો, જેને કારણે એ વૃદ્ધા મૂર્છિત બની જતી હતી અથવા ચાલતાં ચાલતાં પકડી રાખવી પડતી હતી. એક ૭૪ વરસની વૃદ્ધાને શ્વસનક્રિયા અને બ્લડપ્રેશરની તકલીફ હતી, તેને ન્યુમોનિયા થયો તેથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. તેના ડોક્ટરોના કાગળ પરથી જણાયું કે એ દિવસમાં ૩૬ પ્રકારની દવાઓ આરોગતી હતી.

ફાર્માસિસ્ટો કહે છે કે આ રીતે બિનજરૂરી દવાઓ ચગળવાનું પ્રમાણ ભયજનક છે. એ વૃદ્ધાને તબીબોએ પૂછયું ત્યારે એણે જવાબ આપ્યો કે મને એમ હતું કે આ બધી દવા મહત્ત્વની છે તેથી લેતી હતી. એ દવામાં કેટલીક ઊંઘવાની ગોળીઓ હતી, જેની આડઅસરને કારણે એ વૃદ્ધાના શ્વાસોશ્વાસ પણ અટકી ગયો હોત. લાંબા સમયથી ચાલતી બ્લડપ્રશર, ડાયાબિટીસ, કોલેસ્ટરોલ, આર્થરાઇટીસ જેવી ક્રોનિક બીમારીઓની સારવાર માટે દરદીઓ જુદા જુદા તબીબોની દવાઓ આરોગતા હોય છે. એ તબીબોએ દરદીની અવસ્થા વિશે આપસમાં ચર્ચા પણ કરી હોતી નથી. ઘણી વખત દરદી જુદા જુદા તબીબોની દવા સાથે વારાફરતી પ્રયોગ કરતા રહે છે. દવાની આ નવી સમસ્યાને ‘પોલીફાર્મસી’ તરીકે ઓળખાવવામાં આવી રહી છે અને પોલીફાર્મસીની સમસ્યાએ મોટું રૂપ ધારણ કર્યું છે. મોટી હોસ્પિટલોમાં જેરિયાટ્રિક એટલે કે વૃદ્ધોની દવાઓના નિષ્ણાત રોકવામાં આવી રહ્યા છે, જેથી દવા વૃદ્ધોને જીવાડવાને બદલે મારી ના નાખે. વૃદ્ધોમાં કેટલીક દવાઓને કારણે માનસિક મૂંઝવણ, માનસિક ગડમથલ, વધુ પડતો રક્તસ્રાવ, પડી જવું, લો બ્લડપ્રેશર અને શ્વાસોશ્વાસની તકલીફ શરૂ થાય છે. અમેરિકાના આરોગ્ય વિભાગના અભ્યાસ પ્રમાણે હોસ્પિટલોમાં દરદીઓ જે સમય વિતાવે છે તેમાંનો ૩૫ ટકા સમય વૃદ્ધ દરદી વિતાવે છે અને દવાઓને કારણે થતી સમસ્યાઓનાં નિવારણ માટે વૃદ્ધ દરદીઓએ સરેરાશ ત્રણ દિવસ વધુ હોસ્પિટલમાં ગાળવા પડે છે.

વરસ ૨૦૦૬માં વૃદ્ધોમાં દવાની આડઅસરના ચાર લાખ કેસ નોંધાયા હતા, જે કાળજી લેવાઇ હોત તો રોકી શકાયા હોત. ઘણા વૃદ્ધોની કોઇ યોગ્ય કાળજી લેનાર હોતું નથી અને વૃદ્ધ સ્મૃતિભ્રંશનો શિકાર બને છે. વૃદ્ધાવસ્થામાં હાડકાં કેલ્શિયમના અભાવે બટકણાં બનતાં હોય છે અને દવાની આડઅસરને કારણે દરદીને ચક્કર આવે અને પડી જાય કે તુરત હાડકાં તૂટી જાય અને હોસ્પિટલમાં લાંબા સમય માટે દાખલ કરવાં પડે છે. દવાની વિપરીત અસરોને કારણે અમેરિકામાં દરદીઓને ફરીવાર હોસ્પિટલમાં દાખલ કરવા પડે તેને કારણે વરસે સાડા ત્રણ અબજ ડોલરનો વધુ બોજ એ દરદી અથવા વીમા કંપનીએ ઉઠાવવો પડે છે.

દવાની કોઈ આડઅસર થતી ના હોય તો તેનો અર્થ એવો નથી કે દરદીને એ દવાની જરૂર છે. દરદીને હોસ્પિટલમાંથી રજા અપાય ત્યારે ડોક્ટરો જે દવા લખી આપે છે તેમાંની ૪૪ ટકા દવા બિનજરૂરી હોય છે પણ દરદીને મૂડમાં રાખવા કે અન્ય કારણોથી ડોક્ટરો દવા લખતા હોય છે.ભારતમાં તો દવા કંપનીઓને ખુશ રાખવા તબીબો દવા લખતા હોય છે. ઘણા કેસમાં દરદીએ કેટલો સમય દવા લેવી પડશે તે બાબતમાં ડોક્ટર જ ચોક્કસ હોતા નથી. ઘણા દરદીઓને અમુક દવાથી રાહત જણાય પછી તબીબને પૂછયા વગર આડેધડ એ દવા લેવાનું ચાલુ રાખે છે,જે ગંભીર પરિણામ લાવી શકે છે. ૨૦૧૩ના એક અભ્યાસ મુજબ હોસ્પિટલમાંથી રજા અપાયા બાદ દરદીને અપાયેલી દવાઓની આડઅસર પ્રથમ ૪૫ દિવસમાં ૨૦ ટકા દરદીઓમાં ઉદ્ભવી હતી અને હોસ્પિટલમાં ફરી દાખલ કરવાં પડયાં હતાં. આમાંનાં પાંચ ટકા કેસમાં દરદીનો જીવ જવાનો ખતરો પેદા થયો હતો. ૩૫ ટકા કિસ્સા પહેલેથી કાળજી લેવાઈ હોત તો નિવારી શકાયા હોત.

અમેરિકાની એક હોસ્પિટલમાં જેરિયાટ્રિક(વૃદ્ધો)ના વોર્ડ માટે ખાસ ફાર્માસિસ્ટ અથવા દવાનિષ્ણાત રોકવામાં આવ્યા. એ પછી દવાની આડઅસરને કારણે દરદીઓને ફરીવાર દાખલ કરવાના ૨૨ કેસ બનતા હતા તે ઘટીને માત્ર ત્રણ થઇ ગયા. આ હકીકત દર્શાવે છે કે દવાનો પ્રકાર અને પ્રમાણનું જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે. હોસ્પિટલો દ્વારા વૃદ્ધો માટે જોખમી દવાઓની એક યાદી તૈયાર કરવામાં આવી છે. ડોક્ટર બીઅર્સ દ્વારા આ યાદી તૈયાર કરી હોવાથી તે ડોક્ટર બીઅર્સ લિસ્ટ તરીકે ઓળખાય છે. હતાશા અને માનસિક બીમારીઓની ઘણી દવાઓની વૃદ્ધો પર અવળી અસર થાય છે. વૃદ્ધ એકલા છે કે તેની આસપાસ કોઇ પ્રમાળ વ્યક્તિ છે તેના પર પણ દવાની અસર નિર્ભર કરે છે.

સાભાર-સૌજન્ય :સંદેશ .કોમ 

આરોગ્ય, રી-બ્લોગ, વૃધ્ધા વસ્થાની વાતો આરોગ્ય, વૃદ્ધોની વાતો, સંકલન

← Older posts

RSS feed

RSS આજનો સુવિચાર

  • Benjamin Disraeli
    "Silence is the mother of truth."
  • H. Jackson Brown, Jr.
    "Never forget the three powerful resources you always have available to you: love, prayer, and forgiveness."
  • Victor Hugo
    "There is nothing like a dream to create the future."

જનની – જનકને પ્રણામ

સ્વ. ધર્મપત્નીની યાદમાં ઈ-પુસ્તક

ફેસબુક પર વિનોદ પટેલ !

ઈ-વિદ્યાલય

ગુજરાતી ભાષાને નવલું નજરાણું

‘બની આઝાદ’ – ઈ બુક

વિનોદ વિહારની શરૂઆત સપ્ટેમ્બર, 2011થી મુલાકાતીઓની સંખ્યા-આપ આયે , બહાર આઈ ..

  • 1,352,717 મુલાકાતીઓ

નવી વાચન પ્રસાદી ..

  • વિનોદભાઈના જન્મદિવસે…. જાન્યુઆરી 15, 2022
  • ચહેરો – વલીભાઈ મુસા ડિસેમ્બર 25, 2020
  • સ્વ. વિનોદ પટેલ – મળવા જેવા માણસ ડિસેમ્બર 22, 2020
  • જીવન દીપ બૂઝાઈ ગયો ડિસેમ્બર 21, 2020
  • ગુજરાત નો 60 મો સ્થાપના દિવસ. જય જય ગરવી ગુજરાત મે 1, 2020
  • સત્ય ઘટના આધારિત પ્રેરક પ્રસંગો……૧ એપ્રિલ 28, 2020
  • Old age . .. Enjoy Gunvant shah article માર્ચ 24, 2020
  • 1337 – મહિલા દિન \ નારી શક્તિ અભિવાદન દિન ….. માર્ચ 9, 2020

વાચકોના પ્રતિભાવ

અનામિક પર વિનોદભાઈના જન્મદિવસે….
અનામિક પર વિનોદભાઈના જન્મદિવસે….
nabhakashdeep પર વિનોદભાઈના જન્મદિવસે….
નિલેશભાઈ પટેલ પર (63) ગુરુ પૂર્ણિમા અને ગુરુ…
Free Hindi Ebooks પર ( 922 ) ચાર બોધ કથાઓ …
ShabbirAhmed Ibrahim પર ચહેરો – વલીભાઈ મુસા

વિભાગો

Follow by Email

Email address...
Submit

Join 376 other subscribers

પ્રકીર્ણ

  • રજિસ્ટર
  • લોગ ઇન
  • Entries feed
  • Comments feed
  • WordPress.com
Follow વિનોદ વિહાર on WordPress.com

પૃષ્ઠો

  • અનુક્રમણિકા
  • ગુજરાતી બ્લૉગ્સ/સાઈટ્સઃ
  • ગુજરાતી ભાષાનાં પ્રચલિત પુસ્તકોની લીંક …
  • પ્રતિલિપિ પર મારી રચનાઓ
  • મનપસંદ વિભાગો
  • મારા વિશે
  • મારી ઈ-બુકો (ડાઉન લોડ)
  • મિત્રોની અને અન્ય ગમતી ઈ-બુક ડાઉનલોડ

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 376 other subscribers

મહિનાવાર પોસ્ટ સંગ્રહ

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 376 other subscribers
માર્ચ 2023
રવિ સોમ મંગળ બુધ ગુરુ F શનિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
« જાન્યુઆરી    

અછાંદસ કાવ્ય અપંગનાં ઓજસ અમેરિકા કાવ્ય/ગઝલ ચિંતન લેખ ચિંતન લેખો નરેન્દ્ર મોદી નિબંધ પી.કે.દાવડા પી . કે . દાવડા પ્રકીર્ણ પ્રાસંગિક નિબંધ બોધ કથાઓ મારા લેખો કાવ્યો વાર્તાઓ મારા લેખો વાર્તાઓ કાવ્યો મિત્ર પરિચય રાજકારણ રી-બ્લોગ રીબ્લોગ વાર્તા વિડીયો વિનોદ પટેલ વિશેષ વ્યક્તિ વૃધ્ધા વસ્થાની વાતો વ્યક્તિ સંકલન સત્ય ઘટના સમાચાર સર્જક હાસ્ય યાત્રા

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 376 other subscribers
Follow વિનોદ વિહાર on WordPress.com
Follow વિનોદ વિહાર on WordPress.com
Follow વિનોદ વિહાર on WordPress.com

Follow Us

↑ Top Blog at WordPress.com.
  • Follow Following
    • વિનોદ વિહાર
    • Join 376 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • વિનોદ વિહાર
    • કસ્ટમાઇઝ
    • Follow Following
    • Sign up
    • લોગ ઇન
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
 

Loading Comments...