તાંજેતરમાં જમ્મુ અને કશ્મીરના પુલવામા જિલ્લાના પિંગલાન વિસ્તારમાં પાકિસ્તાન તરફી એક ભયાનક આત્મઘાતી કાર-બોમ્બ બ્લાસ્ટ હુમલામાં સી.આર.પી.એફના 40 જાંબાજ જવાનો દેશ માટે શહીદ થઇ ગયા.
દેશભરમાં આ આતંકવાદી હુમલાથી હાહાકાર મચ્યો છે.દેશવાસીઓમાં ઊંડા દુખ અને આક્રોશની લાગણી પ્રવર્તે છે.ટી.વી.,ઈન્ટરનેટ તથા પ્રિન્ટ અને ફેસબુક-વોટ્સેપ જેવાં સોસીયલ મીડિયા પર શહીદોને શ્રધાંજલિ આપતા સંદેશ ફરી રહ્યા છે.
એક મિત્ર તરફથી મને ઈ-મેલમાં એક સૈનિકની છેલ્લી ઈચ્છા વ્યક્ત કરતી અંગ્રેજીમાં એક નીચે મુજબની કવિતા મળી જે વાંચતાં જ મારા દિલને સ્પર્શી ગઈ. આ કવિતામાં એક જાંબાજ સૈનિકની ખુમારી વ્યક્ત થાય છે.
ઉપરની કવિતાનો મારો ગુજરાતીમાં કરેલો ભાવાનુવાદ નીચે પ્રસ્તુત છે.
એક સૈનિકની આખરી ઈચ્છા
માભોમની રક્ષા કાજે લડતાં લડતાં,
યુદ્ધના મેદાનમાં જો હું ખપી જાઉં,
મારા દેહને શબ પેટીમાં પેક કરી,
મારા વતનમાં કુટુંબને મોકલાવજો.
મારી બહાદુરીના મળેલા ચન્દ્રકોને,
મારી છાતી ઉપર હળવેથી મુકજો.
મારી શોક કરતી માતાને કહેજો કે,
દીકરો તારો બધું કરી છૂટ્યો હતો.
મારા પિતાને કહેજો,ઝુકી ના જશો,
મારી બાબતે તનાવ હવે નહી રહે.
ભાઈને કહેજો બરાબર અભ્યાસ કરે,
મારી બાઈકની ચાવી હવે એની થઇ ,
મારા તરફથી એને છેલ્લી ભેટ માને.
મારી બહેનને કહેજો કે શોક ના કરે.
તારો વ્હાલો ભાઈ કંઈ મર્યો નથી,
સુર્યાસ્ત પછી લાંબી નિદ્રા લઇ રહ્યો.
મારા દેશ બાંધવોને પણ કહેજો કે,
આંસુ ના સારે મારા જવાના શોકમાં.
કેમકે,હું દેશનો એક વીર સૈનિક છું,
વીર જવાનો જન્મે છે જ મરવા માટે.
જવાન મરતો નથી,શહીદીને વરે છે,
એની કુરબાનીની ગાથાઓ અમર છે.
ભાવાનુવાદ … વિનોદ પટેલ
ઉપર મુજબ કવિતાની રચના કરી રહ્યો હતો ત્યારે રાષ્ટ્રીય શાયર સ્વ. ઝવેરચંદ મેઘાણીની શહીદ સૈનિકો અંગેની બે અમર કાવ્ય રચનાઓ (૧) કોઈનો લાડકવાયો અને (૨) કસુંબીનોરંગ નું સ્મરણ મારા અંતર મનમાં રમી રહ્યું હતું.
આ બે કાવ્ય રચનાઓ અને યુ-ટ્યુબ વિડીયો નીચે પ્રસ્તુત કરેલ છે.
કોઈનો લાડકવાયો …રક્ત ટપકતી સો સો ઝોળી
રાષ્ટ્રી શાયર સ્વ.ઝવેરચંદ મેઘાણી
કોઈનો લાડકવાયો કાવ્ય એ એક નર્સ અને અમેરિકન કવયિત્રી Marie Ravenal de La Coste કૃત Somebody’s Darling નામના મૂળ અંગ્રેજી ગીતનું સ્વ. ઝવેરચંદ મેઘાણીએ કરેલું સુંદર ગુજરાતી રૂપાંતર છે.આ ગીતના શબ્દો ખુબ જ હૃદયસ્પર્શી છે.
અમેરિકાના સિવિલ યુધ્ધમાં યુદ્ધભૂમિમાંથી લાશનો ખડકલો આવે છે એમાં એની ઓળખ કરવા આવેલી કોઈને કોઈ માતાનો લાડકવાયો સૂતો છે.માતાઓની એના મૃત દીકરાના શોકની વ્યથાનું કરુણ નિરૂપણ આ કાવ્યનો મધ્યવર્તી વિચાર છે.
જાણીતા લોક ગાયક પ્રફુલ્લ દવેના સ્વરે આ દિલને સ્પર્શી જતી સ્વ.મેઘાણીની આ અમર રચનાને માણો.
કોઈ નો લાડકવાયો- Praful Dave & Chorus
રાજ, મને લાગ્યો
કસુંબીનો રંગ … ઝવેરચંદ મેઘાણી
શહીદ ભગતસિંહ, સુખદેવ રાજગુરુ વગેરેની શહીદી પછી આ ગીતની રચના કરવાની મેઘાણીને પ્રેરણા થઇ હતી.દેશ માટે યુદ્ધમાં જીવનનું બલીદાન આપનાર શહીદોનું વહેલું રક્ત એ જ કસુંબીનો રંગ છે.લોકગીતોના ડાયરાના પ્રોગ્રામોમાં દેશ માટે ખપી જવાનું આહવાન આપતું આ ગીત રંગ જમાવતું હોય છે.
Kasumbi No Rang – Harsh Patel | Zaverchand Meghani
છેલ્લે આ દેશ ભક્તિનું પ્રખ્યાત ગીત …
“Aye Mere Watan Ke Logo” (Hindi: ऐ मेरे वतन के लोगों)
A patriotic song written by Kavi Pradeep
૧૯૬૨માં ચીન સાથેના યુદ્ધ પછી પ્રેસીડન્ટ સર્વપલ્લી રાધાકૃષ્ણ અને પ્રથમ વડા પ્રધાન નહેરુજી ની હાજરીમાં પ્રથમ વખત આ દેશ ભક્તિનું કવિ પ્રદીપ રચિત ગીત સ્વર કિન્નરી લતા મંગેશકરે ગાયું હતું. આ ગીત સાંભળીને નહેરુની આંખમાં આંસુ આવ્યાં હતાં
૧૪ મી ફેબ્રુઆરીને પ્રેમીઓ માટેના સ્પેશિયલ ”વેલેન્ટાઈન ડે’ તરીકે ઓળખાય છે.‘વેલેન્ટાઈન ડે’ એટલે પ્રેમીઓનો પ્રેમનો ઇજહાર કરવાનો ઉત્સવ.
સામાન્ય રીતે દર વરસે વસંત પંચમી અને વેલેન્ટાઈન ડે ફેબ્રુઆરી માસમાં નજીક નજીકમાં જ આવે છે એ કેટલો સુંદર સંયોગ છે !વસંત એટલે પ્રકૃતીનું યૌવન અને યૌવન એટલે જીવનની વસંત.વેલેન્ટાઇન ડે એટલે યુવાનીની વસંતની ઉજવણી કરવાનું પર્વ.
વસંતનાં વધામણાં થતાંની સાથે પ્રકૃતિ નવ પલ્લીત થાય છે. પ્રકૃતિમાં નવી માદકતા આવે છે.એવું જ વેલેન્ટાઇન ઉપર યુવાન હૈયાંઓમાં બને છે.વેલેન્ટાઈન ડે એટલે વ્યક્તિ વ્યક્તિ વચ્ચે અનેક રીતે પ્રેમની લાગણીઓને અભિવ્યક્ત કરવાનો દિવસ .
વસંત ઋતુ , વેલેન્ટાઇન ડે અને પ્રેમ જે એક બીજા સાથે જોડાએલાં છે, એના વિશેની પ્રતિલિપિમાં પ્રકાશિત મારી અછાંદસ કાવ્ય રચનાઓ નીચે પ્રસ્તુત છે.
વેલેન્ટાઈન ડે …..અછાંદસ
આબોહવામાં આજે માદકતા કેમ છે ?
કેમ કે આજે વેલેન્ટાઇન ડે છે .
યૌવન આજે વધુ નમણું કેમ જણાય છે?
કેમ કે આજે વેલેન્ટાઇન ડે છે .
યૌવન આજે હેલે ચડ્યું કેમ છે ?
કેમ કે આજે વેલેન્ટાઇન ડે છે .
ફૂલોની દુકાને આજે લાઈનો કેમ છે ?
કેમ કે આજે વેલેન્ટાઇન ડે છે .
ઘણા હાથોમાં આજે ગુલાબ કેમ છે ?
કેમ કે આજે વેલેન્ટાઇન ડે છે.
પ્રેમીઓમાં આજે પ્રેમપુર કેમ આવ્યું છે ?
કેમ કે આજે વેલેન્ટાઇન ડે છે .
૧૪ ફેબ્રુઆરીએ જ આ બધી હલચલ કેમ છે ?
કેમ કે આજે વેલેન્ટાઇન ડે છે .
વિનોદ પટેલ, સાન ડીયેગો …૨-૧૪-૨૦૧૫
વસંત વિષે
કાકા કાલેલકર વસંત વિષે જુઓ શું કહે છે.!
“જેની રહેણી કુદરતથી વિખૂટી થઈ નથી, કુદરતને રંગે જે રંગાય છે તે વસંતનું આગમન વગર કહ્યે અનુભવે છે. નદીના ક્ષીણ પ્રવાહમાં એકાએક ઘોડાપૂર આવેલું જેમ આપણે જોઈએ છીએ તેમ આપણે વસંતને પણ આવતો બરાબર જોઈ શકીએ છીએ.’’ –કાકા કાલેલકર
ઋતુરાજ વસંતનાં એંધાણ … અછાંદસ
વાહ કેવી ઉગે રોજ ખુશનુમા સવાર, વાસંતી વાયરા વાય સવારથી સાંજ, વૃક્ષની ડાળે લીલી કુંપળોનો દરબાર, સૌને વ્હાલી વસંતનાં છે આ એંધાણ.
કેસુડાના વૃક્ષે જામ્યો છે કેસરિયો રંગ, આમ્ર વૃક્ષે કેવા મ્હોરી ઉઠ્યા છે મોર, ફેલાઈ જાય છે રંગીન ફૂલોની ફોરમ, સૌને વ્હાલી વસંતનાં છે આ એંધાણ.
વસંત તો છે પ્રકૃતીમાં આવેલું યૌવન, યુવાની હોય છે જેમ જીવનની વસંત, વાગે ઢોલ,ગવાઈ રહ્યા ફાગણના ફાગ, સૌને વ્હાલી વસંતનાં છે આ એંધાણ.
ગુંજી ઉઠતો કોકિલ પંખીનો કલરવ, ઝૂમી ઉઠે છે વૃક્ષ લતાઓ વને વન, સર્જાઈ જાય રમ્ય ફૂલોનો શણગાર, સૌને વ્હાલી વસંતનાં છે આ એંધાણ.
કુહૂ કુહૂ બોલે ટહુકી રહી પેલી કોકિલા, પ્રેમીજનો ઝંખે પિયા મિલનની આશ, વેલેન્ટાઈન લાવે પ્રેમીઓમાં થનગનાટ, સૌને વ્હાલી વસંતનાં છે આ એંધાણ.
વસંત પંચમીએ ઋતુરાજનું આગમન, આ દિવસે થયું મા સરસ્વતીનું પ્રાગટ્ય, કવિઓ ગાય વસંત-વિદ્યાદેવીનાં ગાન, સૌને વ્હાલી વસંતનાં છે આ એંધાણ.
વિનોદ પટેલ,વસંત પંચમી,૧-૨૨-૨૦૧૮
“પ્રેમશું છે ?”
પ્રેમનાં અનેક સ્વરૂપો છે. આ ભાવને વ્યક્ત કરતી મારી એક કાવ્ય રચના નીચે પ્રસ્તુત છે.
પ્રેમ શું છે ? …અછાંદસ
પ્રેમ ખરેખર શુ છે એ બહું ગહન સવાલ છે, પ્રેમ કહેવાની નહી, પણ અનુભૂતિની ચીજ છે, પ્રેમમાં પડવાનું નહી પણ ઊભા થવાનું હોય છે, પતંગની જેમ ઉંચે ગગનમાં ઉડવાનું હોય છે,
મનુષ્યના મનને ગમતી એક ઉત્તમ લાગણી છે, બધાજ દર્દોની પ્રેમ એક અકસીર દવા છે, પ્રેમનું બંધન એ એક મન ગમતું બંધન છે, પ્રેમ અનેક સ્વરૂપે સર્વત્ર વિહરતો હોય છે,
મા-બાપનો સંતાનો પ્રત્યેનો પ્રેમ જાણીતો છે, પ્રેમ વશ થઇ બહેની વીરાને રાખી બાંધે છે, પતિ-પત્નીનો પ્રેમ સંસારનો સાચો પાયો છે, દેશ પ્રેમ માટે માનવો બલિદાનો આપે છે,
સાહિત્ય પ્રેમ એ જીવન ઉત્કર્ષની ચાવી છે, ચલચિત્રોમાંનો પ્રેમ એક બનાવટી પ્રેમ છે, લયલા-મજનું ને શીરી-ફરહાદ પ્રેમ પ્રતીકો છે, તિરસ્કાર નહીં પણ પ્રેમ જ એક સત્ય છે,
પ્રેમ આંધળો હોય છે એમ લોકોમાં કહેવાય છે, પ્રેમાંધ સંત સાપને રસ્સી માની છેતરાય છે, બધાં જ ધર્મોમાં પ્રેમનો મહિમા ગવાયો છે, મોહન ઘેલી મીરાનો પ્રેમ કેવો અદભૂત છે! વાગી કટારી પ્રેમની એમ મીરાં જ ગાય છે,
રામ-પ્રેમ ઘેલી શબરી પ્રભુને એંઠા બોર અર્પે છે, જેમ રસોઈમાં નમક એમ જીવનમાં પ્રેમ છે, પ્રેમ જેણે કર્યો નથી, એનું જીવન બેકાર છે, પ્રેમ વિનાનું કોઈનું જીવન ક્લ્પવું મુશ્કેલ છે .
દેશ વિદેશમાં અને પોતાના અંગત જીવનમાં પણ બની ગયેલા ઘણા સારા માઠા બનાવોની યાદોને પાછળ છોડીને અગાઉના વર્ષોની જેમ વર્ષ ૨૦૧૮ પણ પસાર થઇ ગયું. નવી આશાઓ અને નવી આકાંક્ષાઓ સાથે આવેલ નવા વર્ષ ૨૦૧૯નું હૃદયથી સ્વાગત કરીએ.
સમયની સાથે મનુષ્યના જીવનનું ચક્ર પણ ફરતું જ રહે છે. એક જુનું વર્ષ જાય છે અને એક નવું વર્ષ આપણી ઉંમરમાં ઉમેરાઈ જાય છે.ભીત ઉપર નવા વર્ષનું કેલેન્ડર ટીંગાઈ જાય છે અને વર્ષ દરમ્યાન દર મહીને એ કેલેન્ડરનાં પાનાં બદલાતાં રહે છે.
આમ જોવા જઈએ તો નવા વર્ષમાં અને જુના વર્ષોમાં સમયની દ્રષ્ટીએ કોઈ ફેર નથી.નવું વર્ષ એ ફક્ત કેલેન્ડરની કમાલ છે.પરંતુ સ્વાભાવિક રીતે જ માણસને કૈક નવું હોય એ મૂળભૂત રીતે જ ગમે છે.
નવા વર્ષે,નવેસરથી, નવલા થઈએ
નવા વરસે કેલેન્ડર તો બદલાઈ ગયું પણ વર્ષ બદલાતાં તમે બદલાયા છો ખરા !તમારામાં રહેલી ખામીઓ જો દુર ના થાય તો સાચા અર્થમાં નવું વર્ષ કેમ કહેવાય !
નીચેની મારી પ્રસંગોચિત અછાંદસ કાવ્ય રચના નવા વર્ષના સ્પીરીટને ઉજાગર કરે છે.
નવા વરસે નવા બનીએ
ગમતી, ન ગમતી જૂની યાદોને પાછળ મૂકી,
જોતજોતામાં પસાર થઇ ગયું એક જુનું વરસ,
આવીને ઉભા એક નવા વર્ષને પગથાર.
ગત બાર મહિનાની જીવનની ખાતાવહીમાં,
કેટલુક જમા થયું કેટલુક ઉધાર પણ થયું.
નવા વરસે નવ નિર્માણનો સંકલ્પ કરીને,
નવલા વરસે નવલા બનીને ,નવેસરથી,
નવું વર્ષ હળીમળી સૌ પ્રેમથી ઉજવીએ,
નવો આશાદીપ જલાવી જાતને પ્રકાશીએ.
નકારાત્મકતા ત્યજી સકારાત્મક બનીએ,
જિંદગી આપણી છે એક ફળદાઈ ખેતર,
એમાં જુના વરસના ઘાસ નીદામણ દુર કરી
નવા વરસે જીવનનો નવો પાક ઉગાડીએ,
નુતન વર્ષે નવી આશાનો દીપ જલાવી,
૨૦૧૯ ના નવા વર્ષનું હર્ષથી સ્વાગત કરીએ.
વિનોદ પટેલ
નવું વર્ષ એક કોરા પુસ્તક જેવું છે .
નવા વર્ષના શુભ સંકલ્પો …
ઓક્ટોબર ૨૦૦૮ ના ”ધરતી” માસિકમાં પ્રકાશિત મારો લેખ નીચેની લીંક પર ક્લિક કરી વાંચો.
આપ સૌ મિત્રોએ ગત વર્ષો દરમ્યાન વિનોદ વિહારને જે સહકાર આપ્યો છે એ માટે હું દિલી આભાર વ્યક્ત કરું છું.આજથી શરુ થતા ૨૦૧૯ના નવા વર્ષ દરમ્યાન પણ એથી વધુ આપનો સહકાર મળતો રહેશે એવી આશા રાખું છું.
આ નવું વર્ષ આપને તથા આપના કુટુંબીજનોને સુખ, સફળતા, આરોગ્ય,આનંદ તેમ જ શારીરિક માનસિક અને આર્થિક રીતે સમૃદ્ધિ સભર બને એવી મારી હાર્દિક શુભ કામનાઓ વ્યક્ત કરું છું..
મીણબત્તી વચ્ચેનો સળગતો ધાગો, પૂછી રહ્યો ઓગળી રહેલા મીણને , અરે ભાઈ, સળગી રહી છું હું અને, તું શાને ઓગળે, જાણે રડે ભાઈ ! ઓગળી રહેલી મીણબત્તી બોલી, મારા શરીર વચ્ચે તને સ્થાન આપ્યું , તારો મારો જીવનભરનો સાથ થયો, એટલે તારું દુખ એ મારું દુખ થયું , તું સળગે અને હું શું માત્ર જોયા કરું ! તો તો આપણો સથવારો લજવાય ! પ્રેમની પાવક જ્વાળામાં તું અને હું, સાથે બળીને પોતાનું બલીદાન આપી, ખુશીથી પ્રકાશ આપી સૌને ખુશ કરીએ , એ જ તો છે અન્યોન્ય પ્રેમની પહેચાન !
દિવાળી પર્વ – વાક બારસ,ધન તેરશ.કાળી ચૌદશ અને દિવાળી -ના દિવસોના ઉત્સાહી દિવસો પછી હિંદુ કેલેન્ડર પ્રમાણે વિક્રમ સંવત ૨૦૭૫ નું નવું વર્ષ શરુ થઇ ચુક્યું છે.
નવા વર્ષ વિશેની મારી અછાંદસ કાવ્ય રચના ‘‘નવા વરસે ” નીચે પ્રસ્તુત છે.
એમાં નુતન વર્ષ વિશે મારા વિચારો રજુ કર્યા છે.
નવા વર્ષના શુભ સંકલ્પો.. મારો એક લેખ
નવું વર્ષ આવે એટલે નવા વર્ષ માટે મનમાં સંકલ્પો લેવાનો એક સામાન્ય નિયમ થઇ ગયો છે,પછી ભલે એને થોડા સમય પછી જીવનના અન્ય પ્રશ્નો વચ્ચે ભૂલી જવાય.આમ છતાં નવા વર્ષે કેટલાક લેવા જેવા સંકલ્પો મનમાં યાદ રાખીને વર્ષ દરમ્યાન એ પ્રમાણે અમલ કરવાનો પ્રયત્ન કરવામાં કશું ખોટું નથી.
આમ જોવા જઈએ તો નવા વર્ષમાં અને જુના વર્ષોમાં સમયની દ્રષ્ટીએ કોઈ ફેર નથી .નવું વર્ષ એ ફક્ત કેલેન્ડરની કમાલ છે.પરંતુ માણસને કૈક નવું નવું કરવાનું મૂળભૂત રીતે ગમે છે.
અગાઉ અમદાવાદના ગુજરાતી માસિક ” ધરતી” માં પ્રગટ મારો લેખ ” નવા વર્ષના શુભ સંકલ્પો” નીચે પ્રસ્તુત છે.
મારી માતૃ સંસ્થા સર્વ વિદ્યાલય,કડીના સહાધ્યાયી મિત્ર ડો.પ્રકાશ ગજ્જર લિખિત નીચેની સુંદર પ્રાર્થનાથી નવા વર્ષની શરૂઆત કરીએ તો કેવું !
આધ્યાત્મિક ચિત્તવૃત્તિ ધરાવતા મારા આ મિત્રએ ઘણાં પ્રેરણાદાયી-Motivational –સાહિત્યનાં પુસ્તકો લખ્યાં છે.
”સર્વશક્તિમાન પરમાત્માની સર્વદર્શી આંખ સદા સર્વદા મારી સંભાળ રાખી રહી છે ને મારા ઉપર સતત અમીવર્ષા કરી રહી છે. એનો પરમ શક્તિશાળી હાથ – જે બ્રહ્માંડના કોઈ પણ ખૂણે પહોઁચીને ગમે તે કાર્ય સાવ સરળતાથી કરી શકે છે તે – મારી પાસે છે, ઉપર છે, નીચે છે, આસપાસ છે. એ સતત મારૂં રક્ષણ કરે છે. પછી ચિઁતાની શી જરૂર?
હું સાવ નચિઁત છું, સુરક્ષિત છું, પ્રભુની શક્તિથી પ્રેરાયેલો છું.હે પ્રભુ! જે ઘટનાઓ બનવાની છે તે સહન કરવાની શક્તિ આપો. દુઃખોમાં અડગ રહીએ, ગુસ્સો આવે ત્યારે શાંત રહીએ અને ભાગ્યના ભયંકર પલટા સાથે આસમાની-સુલતાની થઈ જાય ત્યારે છેક મૃત્યુના દ્વાર સુધી પણ પરસ્પરને વફાદાર અને પ્રેમભર્યા રહીએ એવો અનુગ્રહ કરો.”
પારસ-પ્રાર્થના, જનકલ્યાણ, જુલાઈ ૧૯૯૫, પૃ. ૩૩
ગુજરાતી સુવિચારો
નીચેના વિડીયોમાં રજુ કરેલ ઉત્તમ ગુજરાતી સુવિચારો આપને જરૂર ગમશે.
” ગોદ્ડીયો ચોરો”બ્લોગથી જાણીતા મિત્ર શ્રી ગોવિંદભાઈ પટેલ -જેસરવાકર એ એમને વોટ્સેપ પર મળેલ ”સીનીયર સીટીઝન તો એને રે કહીએ ” એ નામનું પેરડી કાવ્ય મને વોટ્સેપ પર ફોરવર્ડ કર્યું એ મને ગમી ગયું.
દરેક સીનીયર સિટીઝનને ગમી જાય એવી આ કાવ્ય રચના આજની પોસ્ટમાં સાભાર પ્રસ્તુત છે.
ગાંધીજીના પ્રિય ભજન ”વૈષ્ણવ જનનો તેને રે કહીએ ” એના પરથી રચિત આ પેરડી કાવ્ય વિ.વિ.ના વાચકોને પણ જરૂર વાંચવી ગમશે.
આ કાવ્યને એક રીતે જોઈએ તો એમાં સીનીયરો માટેની આચાર સંહિતા -Dos & Don’ts – જોવા મળે છે.
આ પેરડી કાવ્યને આગળ વધારી એમાં મેં મારી થોડી પંક્તિઓ એમાં ઉમેરી છે. શ્રી ગોવિંદભાઈ પટેલ જેવા સીનીયર શીઘ્ર કવિ મિત્રોને પ્રતિભાવ પેટીમાં આ કાવ્યને હજુ પણ આગળ વધારવા આમન્ત્રણ છે.
વિનોદ પટેલ
અજ્ઞાત કવિની સીનીયર સિટીજનની આચાર સંહિતા સમી પેરડી કાવ્ય રચના
આ પેરડી કાવ્યમાં મારો ઉમેરો….
શરીર વ્યાધિગ્રસ્ત હોય ત્યારે, એનાથી ના ડરતો રે મજબુત મનોબળથી દુખોનો સદા સામનો કરતો રે
વાચકોના પ્રતિભાવ