વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Category Archives: પ્રાર્થના

1098 -પરમ સમીપે … પ્રાર્થનાઓ …..કુન્દનિકા કાપડીયા

મને થયું કે સાતમા વર્ષની પ્રથમ પોસ્ટ પ્રાર્થનાથી કરીએ તો કેવું !

સાંઈ મકરંદ દવેનાં જીવન સાથી શ્રીમતી કુન્દનિકાબેન કાપડીયાનું  પ્રાર્થનાઓનું ખુબ જાણીતું થયેલું પુસ્તક ”પરમ સમીપે ” મારા પુસ્તક સંગ્રહમાં છે.

એ પુસ્તકમાંથી મને ગમેલી ત્રણ પ્રાર્થનાઓ  કુન્દનિકાબેનના આભાર સાથે વાચકોને માટે અત્રે પ્રસ્તુત કરું છું. વિ.પ.

૧. મને શીખવ  હે પ્રભુ

મને શીખવ  હે પ્રભુ,
સંજોગો વિકટ હોય ત્યારે
સુંદર રીતે કેમ જીવવું
તે મને શીખવ.

બધી બાબતો અવળી પડતી હોય ત્યારે,
હાસ્ય અને આનંદ કેમ ન ગુમાવવા
તે મને શીખવ.

પરિસ્થિતિ ગુસ્સો પ્રેરે તેવી હોય ત્યારે
શાંતિ કેમ રાખવી
તે મને શીખવ.

કામ અતિશય મુશ્કેલ લાગતું હોય ત્યારે
ખંતથી તેમાં લાગ્યા કેમ રહેવું
તે મને શીખવ.

– કુન્દનિકા કાપડીયા

૨. પ્રાર્થના 

કયા શબ્દોમાં તને પ્રાર્થના કરવી એ મને સૂઝતું નથી.
પણ તું મારી વ્યથા જાણે છે.

મારી સાથે કોઇ બોલનાર હોય કે ન હોય
પણ હું તારી સાથે તો વાત કરી શકું
તને સમયની કાંઇ કમી નથી
તું નિરાંતે મારી વાત સાંભળશે એની હું ખાતરી રાખી શકું.

બીજું કોઇ મને ચાહે કે ન ચાહે
તું તો મને ચાહે જ છે.

મને હિમ્મત આપ, ભગવાન!
શોકની આ ગલીમાંથી પસાર કરી મને
જિંદગીના સામર્થ્ય અને સભરતા ભણી લઇ જા.
મારે માટે તેં જે નિર્માણ કર્યું હોય, તે આનંદથી સ્વીકારી શકું
એવા સમર્પણભાવમાં મને લઇ જા.

મારી પીડાઓને વાગોળવામાંથી,
મારી જાતની દયા ખાવામાંથી મને બહાર કાઢ.

હું મારા દુઃખમાં રાચવા લાગું
અને તું પ્રકાશની બારી ઉઘાડે તે ભણી નજર ન નાખું –
એવું બને તે પહેલાં
મારા હૃદયના સરોવરમાં તારી મધુર શાંતિનું પદ્મ ખીલવ,
મારી જાતના બંધનમાંથી મને મુક્ત કર.

– કુન્દનિકા કાપડીયા

૩. જન્મ દિવસની પ્રાર્થના 

આમ તો દરેક દિવસ એ, ભગવાન !

તમે આપેલી તાજી ભેટ છે.

જાગૃત માણસ માટે દરેક નવો દિવસ નવી શરૂઆત બની શકે

પણ ભગવાન આજે મારો જન્મદિવસ છે.

અને એટલે આજનો દિવસ

વિશેષ પ્રાર્થનાનો, વિશેષ જાગૃતિ, વિશેષ સંકલ્પનો દિવસ છે.

આજના દિવસે, ભગવાન ! હું

ધન માન કીર્તિ અને આરોગ્ય નથી માંગતો

પણ આ બધુ મને મળે

તો એનો ઉપયોગ હું સહુના કલ્યાણ અર્થે કરી શકું

એવો સર્વ પ્રત્યેનો મૈત્રીભાવ માગું છું.

આજના દિવસે ભગવાન ! હું એમ નથી માંગતો કે

મારો રસ્તો સરળ બને, મારા કાર્યો નિર્વિઘ્ને પાર પડે

પણ એમ બને તો, તો એ નિષ્ફળતા મને નમ્ર બનાવે

એ હું માંગુ છું.

લોકો કહે છે યૌવનનો કાળ ઉત્તમ કાળ છે

તરુણાઈ અને તરવરાટ જીવનને એક ઐશ્વર્ય આપે છે

પણ આ ઐશ્વર્ય, આ શક્તિ, આ મસ્તી ને આ અભિમાનમાં

મારો માર્ગ તમારાથી દૂર ન નીકળી જાય

એ હું માંગુ છું.

જીવનને સાચી અને સારી રીતે જીવવા માટેની સમજણ માગું છું.

અત્યારે તો બસ કમાવાનો, વધુ ને વધુ સંપતિ મેળવવાનો

જીવનની હરણફાળમાં બીજાથી આગળ ને આગળ

નીકળી જવાનો અવસર છે:

અને પ્રાર્થના તો પછી ઘરડા થઈશું ત્યારે કરીશું

અત્યારે એ માટે કાંઈ સમય કે સગવડ નથી –

એવું હું માનવા ન લાગું, એ આજે માગું છું

કારણ કે, પ્રાર્થના કરવી

તમારી નીકટ આવવું

એ કાંઈ પૈસાનો સવાલ નથી, એ તો હૃદયનો સવાલ છે.

જુવાન હોઈએ ત્યારે એમ વર્તીએ છીએ

જાણે અમે ક્યારેય વૃદ્ધ થવાના નથી

પણ સુર્યને ઢળતો અટકાવી શકાતો નથી

ફૂલને કરમાતું રોકી શકાતું નથી.

એટલે અમારી આ ખુમારી, આ થનગનાટ, આભવીંઝતી પાંખો

અમારી આ કરમાઈ જનારી વસ્તુઓ

સદાકાળ ટકી રહો એવી મારી માંગણી નથી.

પણ એ બધું અસ્ત પામે ત્યારે

એવી અદકી સુંદર બાબતો-

પરિપકવતા, સૌમ્યતા, માયાળુતા, બીજાને સમજવાની શક્તિ

મારામાં ઉદય પામે તેમ ઈચ્છું છું.

આ દુનિયામાં તમે મને જન્મ આપ્યો છે

તે માટે હું તમારો આભાર માનું છું.

હું એવું હૃદય માંગું છું, જે આ દુનિયાને

તમારા માટે ચાહી શકે.

આ સૃષ્ટિ તમે આનંદ વડે આનંદ માટે સરજી છે

એને હું મારા સ્વાર્થ અને બેકાળજીથી ક્ષતિ ન પહોંચાડું

મૂંગા પ્રાણીઓ અને મધુર વનસ્પતિ-સૃષ્ટિને ચાહું

હવા, પાણી અને ભૂમિને દૂષિત ન કરૂં.

દરેક દિવસે હું એક પગથિયું ઊંચો ચઢું

દરેક પગલે હું થોડોક તમારી નીકટ આવું

રોજેરોજ, કોઈક સત્કર્મથી મારા હૃદયમાં રહેલા તમને વ્યક્ત કરું

દુનિયાને મારા થકી થોડી વધુ સુંદર બનાવું

દરેક વર્ષે આજનો દિવસ આવે ત્યારે

આગલા વર્ષ કરતાં મારું જીવન વધુ કૃતાર્થ બન્યું છે એમ કહી શકું

– એ હું માગું છું.

એક એક જન્મદિવસ આવે છે, એક એક વર્ષ જીવનમાં ઉમેરાય છે.

એ મને યાદ આપે છે કે સમય કેટલી ઝડપથી વહી રહ્યો છે.

દરેક ક્ષણ મૂલ્યવાન છે, અંત ક્યારે આવશે તેની ખબર નથી

આવતીકાલે કદાચ હું ન પણ હોઉં

તેથી આજનો દિવસ હું સંપૂર્ણ રીતે જીવવાનો પ્રયત્ન કરું.

દરેક દિવસે મારો નવો જન્મ જ થાય છે તેમ માનું

અને પ્રત્યેક દિવસે વિદાય લેવા

મારા જીવનની ચાદર ઊજળી રાખીને તમને ધરી દેવા તત્પર રહું

આજે, જન્મદિવસે ભગવાન !

એ હું તમારી પાસે માંગુ છું

કુન્દનિકા કાપડિયા 

(‘પરમ સમીપે’ માંથી.. સાભાર)

કુન્દનિકા કાપડિયા-પરિચય 

પરિચય- સૌજન્ય .. ગુજરાતી પ્રતિભા પરિચય .

પ્રાથના વિષે સ્વ.સુરેશ દલાલના વિચારો …

પ્રાર્થના વિશે જેમ જેમ વિચારું છું કે અનુભવું છું તેમ તેમ, એક વાત સમજાતી જાય છે કે, કોઇ પણ પ્રાર્થના હોય, પણ જો એમાં જીવ મૂકીને પ્રાર્થના ન કરીએ તો એ કેવળ ખાલી પોલા, બોદા શબ્દો છે.

જીભની રમત કરામત છે. જો જીવ મૂકીએ તો શબ્દ વિનાનું આપણું મૌન પણ પ્રાર્થના થઇ શકે. સમાજમાં મોટા ભાગના માણસો એમ માને છે કે, પ્રાર્થના એટલે આપણને જે જોઇએ છે એ માટેની ઇશ્વરને મૌખિક અરજી. લેવડ દેવડનો સંબંધ સ્થપાઇ જાય છે. મૂળ વસ્તુ ચાલી જાય છે, અને નકલી વસ્તુ રહી જાય છે. બધું વહેવારની ભૂમિકાએ ચાલે છે.

પ્રાર્થના એટલે ઇશ્વર સાથેની વાતચીત, એની સાથેનો સંવાદ, એની સાથેનો મનમેળ. આપણાં મનની એકાગ્રતા એ ઇશ્વરની પ્રાર્થના છે. સચ્ચાઇથી બોલાયેલો શબ્દ કે સચ્ચાઇથી કરાયેલું કામ ઇશ્વરની પ્રાર્થના છે. પ્રાર્થના આપમેળે થવી જોઇએ. પ્રાર્થના કરીએ એમાં આયાસ છે. પ્રાર્થનાનુ પરિણામ આવતું જ હોય છે, જો આપણી નજર પરિણામ તરફ ન હોય તો. ફૂલ એ બીજની પ્રાર્થનાનુ પ્રગટ સ્વરૂપ છે.

હરિજનને વહાલા ગાંધીજીએ એક સરસ વાત કહી હતી. એમને જ સૂઝે એવી વાત. પ્રાર્થના સાવરણી છે. આપણા મનના ઓરડામાં રોજ ને રોજ કચરો ભરાતો હોય છે. એને સાફ કરવા માટે નિત્ય, હર હંમેશ પ્રાર્થના કરવી જોઇએ.

સુરેશ દલાલ

SERENITY PRAYER 

( 1013 ) એક કબીર ભજન … વિડીયો … વિચાર વિસ્તાર ( સૌજન્ય- સુ.શ્રી પ્રજ્ઞાબેન વ્યાસ )

(સંકલન સૌજન્ય- સુ.શ્રી પ્રજ્ઞાબેન વ્યાસ )

Sant-Kabir-Das-4148

એક કબીર ભજન …મત કર મોહ તુ …..

મત કર મોહ તુ, હરિભજન કો માન રે.

નયન દિયે દરશન કરને કો,
શ્રવણ દિયે સુન જ્ઞાન રે … મત કર

વદન દિયા હરિગુણ ગાને કો,
હાથ દિયે કર દાન રે … મત કર

કહત કબીર સુનો ભાઈ સાધો,
કંચન નિપજત ખાન રે … મત કર

– સંત કબીર

આ કબીર ભજનને શાસ્ત્રીય ગાયક ભીમસેન જોશીના સ્વરે મગ્ન થઈને સાંભળો/માણો.
Mat Kar Moh Too Hari Bhajan Ko Maan Re–Bhimsen Joshi

ભજનનો વિચાર વિસ્તાર ….

પ્રસ્તુત પદમાં કબીર સાહેબ હરિભજન કરવાનો સંદેશ આપે છે. તેઓ કહે છે કે આ સંસારમાં મોહ કરવા જેવું કશું નથી. સ્ત્રી, ઘર, સંતાન, ધન વગેરેની માયા કરવી નકામી છે. અંત સમયે માત્ર હરિભજન જ કામ આવવાનું છે.

તેઓ મનુષ્યને કહે છે કે ભગવાને તને આંખો પ્રભુના દર્શન કરવા માટે આપેલી છે, કાન પ્રભુનું નામ સાંભળવા માટે આપેલા છે, વાણી હરિના ગુણગાન ગાવા માટે અને હાથ સત્કર્મો કરવા માટે આપેલા છે. જ્યાં સુધી તારા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી તું આ બધી ઈન્દ્રિયો વડે એ કામ કરી લે. એક વાર પ્રાણ શરીરમાંથી નીકળી ગયા પછી કશું જ થઈ શકવાનું નથી. જેમ ખાણમાંથી ખોદીને તારવીને સોનું પ્રાપ્ત કરવામાં આવે છે એવી જ રીતે આ મનુષ્ય દેહ એક ખાણ સમાન છે. એમાં તું હરિનામનું કંચન પ્રાપ્ત કરી લે. આત્મ તત્વની અનુભૂતિ કરી લે. ઈશ્વરને પ્રાપ્ત કરી લે.

જો તમને તમારા અંદરથી સંતોષ ન મલે તો બીજે ક્યાંય થી મળવાનો નથી. બહાર શોધીને તમારી શક્તિ નો વ્યય ન કરો.કબીરસાહેબ એક સર્વસ્વીકાર્ય સાચા સંત હતા. એમણે જીવનના તત્ત્વજ્ઞાનને પોતાની સરળ ભાષામાં, પદો, ભજનો, સાખીઓ અને દોહાઓ દ્વારા પીરસ્યું છે. એમની એક સાખી છેઃ

ગોધન, ગજધન, બાજધન, ઔર રતનધન ખાન;
જબ આવે સંતોષ ધન, સબ ધન ધૂલ સમાન.

કબીરસાહેબ કહે છે કે તમારી પાસે ગમે તેટલું ધન હોય અને રત્નોની ખાણ હોય પણ જ્યારે તમને ‘સંતોષ’ રૂપી ધન પ્રાપ્ત થાય છે ત્યારે બાકીનાં બધાં ધન તમને ધૂળ સમાન લાગવા માંડે છે. એટલે કે માણસ ‘સંતોષી’ થાય તો જ સુખી થઈ શકે છે.

કબીરસાહેબની વાત આત્મસાત કરવા જેવી છે, કારણ કે આજના માનવીને પોતાની જીવનજરૂરિયાતથી વધારે મળ્યું હોવા છતાં એની ઇચ્છાઓ વધુ ને વધુ મેળવવા માટે બહેકી જાય છે. અને પછી કોઇ એક તબક્કે પોતે શું મેળવવા ઇચ્છે છે એનું ભાન પણ એને રહેતું નથી.

ટોલ્સ્ટોયની વાર્તા ‘માણસને કેટલી જમીન જોઈએ?ના નાયકની જેમ આજનો માનવી વધુ ને વધુ મેળવવા માટે દોડયા જ કરે છે, એને સંતોષ જ થતો નથી. ટોલ્સ્ટોયની વાર્તામાં મુદ્દો એવો છે કે સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધીમાં માણસ જેટલી જમીન ઉપર દોડી શકે એટલી જમીનનો એ માલિક બની શકે. હજી વધુ, હજી વધુની ઇચ્છામાં એક માણસ દોડતો જ રહે છે, છેવટે થાકીને હાંફીને એ પડી જાય છે અને એમ જ મૃત્યુ પામે છે. જે જમીન ઉપર એ ફસડાઈને મૃત્યુ પામ્યો હોય છે ત્યાં જ એને દફન કરવામાં આવે છે. છેવટે ‘એની કબર બની એટલી જમીન જ એને મળી.’

સૌજન્ય- સુ.શ્રી પ્રજ્ઞાબેન વ્યાસ

( 979 ) પ્રભુ પ્રાર્થના… ભાવાનુવાદ

એક મિત્રએ વોટ્સ એપ પર અંગ્રેજીમાં એક પ્રાર્થના લખેલું ચિત્ર મોકલ્યું હતું એ મને ગમી ગયુ.એનો ગુજરાતીમાં ભાવાનુવાદ કરીને ચિત્ર સાથે નીચે  પ્રસ્તુત કરેલ છે.

oh-god-enlaged-2

Dog-Prayer-Chitrku

પ્રભુ પ્રાર્થના

હે પ્રભુ,આ બધા ગુણોની ભેટ તારી પાસે હું માગું છું…

જેને બદલી ના શકાય એનો સ્વીકાર કરવાની સૌમ્યતા

જેને હું બદલી શકું એને બદલવા માટેની હિંમત , અને .

આ બન્ને વચ્ચેનો તફાવત યથાર્થ રીતે સમજવાનું ડહાપણ

ઇષ્ટ વસ્તુ મેળવતાં સમય લાગે એને માટે થોભવાની ધીરજ

અમારી પાસે જે કંઈ છે એ માટે તારા પ્રત્યેની આભારવશતા

જેઓ મારાથી જુદી રીતે સંઘર્ષ કરે છે એમને માટેની સહીષ્ણુતા

ભૂતકાળની મર્યાદાઓથી અતિરિક્ત થઇને જીવવા માટેની સ્વતંત્રતા 

તારો અમારા પ્રત્યેનો પ્રેમ અને અમારા એક બીજા પ્રત્યેના પ્રેમની અનુભૂતિ કરવા માટેની આત્મશક્તિ.

અને છેલ્લે ,

જીવનમાં કસોટીના સમયે  જો માનસિક રીતે પડી ભાંગું અને  

એમાંથી ઉભા થઇ શકવાની મને જરા એ આશા ના દેખાય,

ત્યારે પણ હું ઉભો થઇ જાઉં એવું મને મનોબળ

આપજે હે પ્રભુ !

ભાવાનુવાદ ..વિનોદ પટેલ …૧૧/૨૮/૨૦૧૬

 

 

(945 ) મિત્ર-દેવ કૃષ્ણની સળંગ જીવન કથા નથી!….શ્રી મનોજ શુક્લ/ શ્રી કૃષ્ણ ભજનો

સદીઓથી કરોડો ભાવિક જનો પૂર્ણ પુરુષોત્તમ રામ અને યોગેશ્વર શ્રી કૃષ્ણનું હૃદયની ઊંડી ભક્તિ અને આસ્થાથી પૂજન અને અર્ચન કરે છે.

તારીખ ૨૫મી ઓગસ્ટ ૨૦૧૬ ના રોજ વિષ્ણુ ભગવાનના અવતાર મનાતા શ્રી કૃષ્ણના જન્મ દિવસ જન્માષ્ટમી અથવા ગોકુલાસ્ટમી તરીકે દેશ ને વિદેશમાં ભક્તિપૂર્વક ઉજવાયો.

આ દિવસને અનુરૂપ શ્રી કૃષ્ણની સ્તુતિ કરતી એક હિન્દી રચના મારા એક રેખાચિત્ર સાથેની નીચે પ્રસ્તુત છે.

Krishna Stuti -sanskrit

સંદેશ.કોમમાં પ્રસિદ્ધ શ્રી મનોજ શુક્લ લિખિત શ્રી કૃષ્ણ વિશે એમના મૌલિક વિચારો વ્યક્ત કરતો મને ગમેલો લેખ એમના નીચે મુક્યો છે .આપને પણ એ જરૂર ગમશે .

વિનોદ પટેલ

મિત્ર-દેવ કૃષ્ણની સળંગ જીવન કથા નથી!

ખુલ્લી વાત ખૂલીને : મનોજ શુક્લ

Shrikrishna-sandesh articleઆવતી કાલે ભગવાન કૃષ્ણનો જન્મ દિવસ છે.હિંદુ ધર્મ સતત પરિવર્તનશીલ રહ્યો છે,એટલે એના દેવી-દેવતા બદલાતાં રહ્યાં છે. પણ, તેમાં એક ચક્રી શાસન કરનાર ભગવાન રામચંદ્ર અને શ્રીકૃષ્ણ છે. આમાં કૃષ્ણ લોક દેવતા છે. મનુષ્યમાત્ર એવું માને કે રામને વંદન કરી શકાય જ્યારે કૃષ્ણને તો ભેટી શકાય.

છેલ્લાં ૨-૩ હજાર વર્ષથી કૃષ્ણ કથા કહેવાતી રહી છે. કૃષ્ણને કેન્દ્રમાં રાખીને ગીતો, પદો ગવાયાં છે, નાટકો ભજવાયાં છે, ચિત્રો દોરાયાં છે, શિલ્પો ઘડાયાં છે,નૃત્યો થયાં છે. ભારતમાં ધર્મગ્રંથોમાંથી કૃષ્ણને બાદ કરવામાં આવે તો પછી ખાસ કશું બચે નહીં.

કૃષ્ણ મનુષ્યની બાજુમાં ચાલીને દેવત્વ પ્રાપ્ત કરનાર ઈશ્વર છે. પણ કૃષ્ણની કમનસીબી તો જુઓ કે એની કથા આપણી પાસે સળંગ નથી.વાલ્મીકિ જેવા મહાસમર્થ આદિ કવિએ રામાયણ સળંગ લખી છે પણ, કૃષ્ણને કોઈ વાલ્મીકિ મળ્યા નથી એટલે કૃષ્ણની કથા છૂટી-છવાઈ લખાઈ છે અને ઉંધેથી લખાઈ છે. સૌથી પ્રાચીન ગ્રંથ મહાભારતમાં કૃષ્ણ જીવનની આધેડ વયથી અવસાન સુધીની કથા છે.હરિવંશમાં બાળપણથી આધેડ વય સુધી કહેવાયું છે.

વિષ્ણુપુરાણમાં કૃષ્ણની જીવનકથાનાં થોડાં-થોડાં પ્રસંગો છે. ભાગવતમાં બાળજીવનનો વિસ્તાર છે.એ રીતે જોઈએ તો કૃષ્ણચરિત્રની કથા આખે-આખી વાંચવી કે લખવી હોય તો ઠેરઠેરથી ટુકડાઓ વીણવા પડે. જે કામ આજ દિન સુધી કોઈ વિદ્વાને કર્યું નથી.

રામ અને કૃષ્ણની સરખામણી કરી શકાય તેમ નથી. તેમ છતાં જો વિહંગાલોકન કરીએ તો રામનું જીવન અતિ સરળ અને સુખમય છે. રાજકુળમાં જન્મ્યા, ઉછળ્યા, ભણ્યા , પરણ્યા અને ૧૪ વર્ષ વનમાં ગયાં. તેમાં તેર વર્ષ તો રંગે ચંગે પસાર થઈ ગયાં. છેલ્લું વર્ષ આફ્તનું રહ્યું.ફરી પાછા અયોધ્યા આવીને રાજપાટ સંભાળી લીધું. રામાયણમાં સીતા દુઃખી થયાં છે.રામને ભાગે બહુ લાંબુ દુઃખ આવ્યું નથી. જ્યારે કૃષ્ણ તો યાદવ કુળમાં જન્મ્યા. ‘તું યાદવ કુળનો માણસ. તું ધર્મમાં શું સમજે?’ એવા મહેણાં કૃષ્ણએ મહાભારતમાં અનેકવાર સાંભળ્યા છે. સામે પક્ષે પોતાની બુદ્ધિ પ્રતિભા અને પરાક્રમોના કારણે ભીષ્મ પાસેથી ‘મહાપ્રજ્ઞા ’ નું બિરુદ પણ મેળવ્યું છે. કૃષ્ણની જીવનયાત્રા સતત કાંટાળી રહી છે. કેદખાનામાં જન્મ થયો અને માતાનું ધાવણ પામે એ પહેલાં તો ભાગવું પડયું. ગોપ જેવી જાતિમાં અને ગરીબ ઘરમાં ઉછેર થયો. ઢોર ચારવા જેવું અતિ કષ્ટદાયી કામ તેમને કરવું પડયું. બાળપણ પણ લાંબુ ન ટક્યું. ભાગવત પ્રમાણે ૧૧ વર્ષે અને હરિવંશ પ્રમાણે ૧૮ વર્ષે મથુરા આવીને પોતાનાં મામા જોડે જીવલેણ સંઘર્ષ કર્યો. મથુરાના લોકોને કંસના જુલ્મી શાસનમાંથી છોડાવ્યાં.પરિણામે લોકોમાં લાડકા થયા. પણ એ જમાનાનો ભારતનો મહાપ્રતાપી સમ્રાટ જરાસંઘ કંસનો સસરો થાય. જમાઈનું વેર લેવા એ કૃષ્ણ સામે યુધ્ધે ચઢયો. લાંબી ચાલેલી એ લડાઈમાં કંટાળેલા મથુરાવાસીઓએ ઉપકાર ભુલીને કૃષ્ણ અને બળરામને કાઢી મુક્યાં. બન્ને ભાઈઓ જીવ બચાવતાં છેક કોંકણમાં આવેલાં, અઘોર જંગલ વચ્ચે પરશુરામ ટેકરી પર જઈને રહ્યાં. થોડાં વર્ષ આ ટેકરી ઉપર વીતાવ્યાં ત્યાં તો જરાસંઘની વિરાટ સેના પગેરું દબાવતી આવી ચડી અને બંને ભાઈઓને જીવતા સળગાવવા આખી ટેકરી ફરતી આગ લગાડી. નસીબ જોગે બે-ચાર દિવસ પછી વરસાદ પડયો ત્યારે ધુમાડાનો લાભ લઈ બંને ભાઈઓ ભાગી ગયા. રખડતાં-ભટકતાં માંડ મથુરા પહોંચ્યા પણ જરાસંઘથી ગભરાતાં મથુરા વાસીઓએ તેમને સંઘરવાની ના પાડી એટલે પોતાના સાથીઓ અને સગાં-વહાલાંઓને એકઠા કરીને સૌરાષ્ટ્રના ટાપુમાં કૃષ્ણએ દ્વારકા વસાવ્યું.

કૃષ્ણએ દ્વારકામાં પોતાનું બળ જમાવ્યું. અનેક લડાઈઓ લડીને કૃષ્ણએ પોતાનો પ્રભાવ ઊભો કર્યો પણ રાજગાદી સ્વીકારી નહીં. કૃષ્ણ માટે દ્વારકાધીશ વિશેષણ વપરાય છે, પણ કૃષ્ણ ક્યારેય પણ દ્વારકાનાં રાજા બન્યા જ નથી. મહાભારતમાં પાંડવોએ યજ્ઞ કર્યો ત્યારે સર્વ પ્રથમ પૂજા કૃષ્ણની કરી હતી. પરંતુ શિશુપાલે કૃષ્ણ રાજા નથી તો પછી તેમની પહેલી પૂજા શા માટે કરી? તેવો પ્રશ્ન ઊઠાવ્યો હતો અને કૃષ્ણને ગાળો આપીને પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ બધું વાંચીએ એટલે સમજાય કે નાસભાગ, ચડ-ઊતર, હાર-જીતને કારણે કૃષ્ણનું જીવન સમતોલ નથી રહ્યું. છતાંય આશ્વર્યની વાત એ છે કે કૃષ્ણએ પોતાની માનસિક સમતુલા કદી ગુમાવી નથી. કોઈને વખોડયાં નથી અને પોતાના કટ્ટર દુશ્મનોને પણ કલ્યાણકારી સલાહ આપી છે.

કૃષ્ણને ઓળખવા બહુ અઘરા છે. સાચા અર્થમાં એ વિરાટ પુરૂષ છે. એમના દુશ્મનો પણ એમની શક્તિનો સ્વીકાર કરે છે. શ્રી કૃષ્ણ અત્યંત વ્યવહારુ અને ચતુર પુરૂષ છે. મહાભારતનાં યુધ્ધમાં પોતે શસ્ત્ર નહીં ઉપાડે એવી પ્રતિજ્ઞાા કરી હતી. પણ ભીષ્મ પિતામહ જ્યારે કાળો કેર વર્તાવતા હતા, ત્યારે તેમને અટકાવવા અને પાંડવોને બચાવવા તેમણે રથનું પૈડું સુદર્શન ચક્રની જેમ ઉપાડીને વિંઝવાનો દેખાવ કર્યો હતો. આવો વ્યવહારુ ઉપાય યુધ્ધનાં મેદાનમાં પણ વ્યક્તિને સુઝે એ એમની ત્વરીત નિર્ણય શક્તિ અને તીક્ષ્ણ બુદ્ધિનો પ્રત્યક્ષ દાખલો છે.કૃષ્ણએ કુરૂવંશના રાજકારણમાં સક્રિય ભાગ ભજવ્યો અને પોતાની ફોઈના દીકરા પાંડવોને આજીવન રક્ષણ આપ્યું.

કૃષ્ણના જીવનનો પ્રારંભ પણ દુઃખમાં થયો અને અંત પણ દુઃખમાં જ આવ્યો. મહાભારતનાં યુધ્ધ પછી પાછા ફરેલા કૃષ્ણ યાદવોની વ્યસનપરસ્તી અને આંતરિક ઝઘડાથી વ્યથીત હતા. એમણે દ્વારકામાં દારૂબંધી દાખલ કરી હતી. પણ કોઈએ સ્વીકારી ન હતી. મહાભારતમાં કૃષ્ણએ નારદ પાસે પોતાનું હૈયું ઠાલવ્યું છે. યાદવોના બે જુથો સતત બાખડતાં રહે છે. અને બન્ને જુથના લોકો મને પોતાની બાજુ ખેંચવા પ્રયત્ન કરે છે. મારી દશા કફેડી છે. આટલું કહીને ઉમેરે છે કે બે દીકરા એકબીજાનો જીવ લેવા તરસતા હોય ત્યારે તેમની મા શું કરે? એક દીકરો જીતે તે ગમે પણ બીજો દીકરો હારે તે પસંદ ન પડે. આવી વેદના સાથે થાકેલા કૃષ્ણ એક શિકારીના બાણથી મરણ પામ્યા. આવું એકલવાયું મૃત્યુ આપણે સંસારી તરીકે તો કલ્પી પણ ન શકીએ. કૃષ્ણના જીવન પાસે ઊભા રહો એટલે તમને સતત આશ્વાસન મળ્યાં કરે એવું એમનું જીવન છે. 

ઈતિ સિધ્ધમ :

“ હીંચકે બેસીને કેવી વાંસળી મારી વગાડું છું,

જિંદગીનાં દુઃખ સઘળા રોજ એ રીતે ભગાડું છું.”

– કનૈયાલાલ ભટ્ટ.

manojshukla55@gmail.com

સૌજન્ય- સંદેશ.કોમ 

ઉપરના લેખને અનુરૂપ નીચેનું મીરાંબાઈની કૃષ્ણ ભક્તિથી નીતરતું મીરાં ભજન લતા મંગેશકરના મધુર કંઠે યુ- ટ્યુબ વિડીયોમાં સાંભળીએ છીએ ત્યારે ભક્તિ રસમાં તરબોળ બની જવાય છે.

મેરે તો ગિરધર ગોપાલ દૂસરોં ન કોઈ ( મીરાં ભજન )

મેરે તો ગિરધર ગોપાલ દૂસરોં ન કોઈ
જાકે સિર મોર મુકુટ મેરો પતિ સોઈ
અસુવન જલ સીંચ-સીંચ પ્રેમ બેલ બોઈ
અબ તો બેલ ફૈલ ગઈ આનન્દ ફલ હોઈ
મેરે તો…
તાત માત ભ્રાતા બન્ધુ આપણો ન કોઈ
છોડ દઈ કુલ કી આન કા કરિહે કોઈ
મેરે તો…
જાકે સિર મોર મુકુટ મેરો પતિ સોઈ
ચુનરી કે ટૂક કિએ ઓઢ લીન્હી લોઈ
મોતી-મૂંગે ઉતાર વનમાલા પોઈ
મેરે તો…

ઉપરનું ભજન આ વિડીયોમાં સાંભળવાનો આનંદ લો.
Mere To Girdhar Gopal – Lata – (Hema Malini – Meera)

લોકપ્રિય ગાયક સ્વ.જગજીતસિંહના સુરીલા કંઠે નીચેનાં નવ લોકપ્રિય કૃષ્ણ ભજનો

Bhajan -track Details:

1. Shalok – Hey Gobind Hey Gopal 00:00
2. Baat Nihare Ghanshyam 08:13
3. Tum Meri Rakho Laaj Hari 14:24
4. Sab Se Oonchi Prem Sagai 19:08
5. Banke Bihari 24:17
6. Jai Radha Madhav 31:05
7. Hey Krishna Gopal Hari 39:26
8. Krishna Murariji Aankh Base Man Bhave 47:069.
Krishna Pranat Pal Prabhu 53:45 

 

 

 

( 711 ) ભજનાનંદ …. પ્રેરક અને ભાવવાહી હિન્દી ફિલ્મી ભજનોનો આસ્વાદ

સુશ્રી પ્રજ્ઞાબેનએ એમના ઈ-મેલમાં મને એક જૂની હિન્દી ફિલ્મ Ram Nagari (1982) નું એક સુંદર ભજન મને સાંભળવા મોકલ્યું હતું એ મને ખુબ ગમ્યું. એમાં ભજનના પ્રેરક શબ્દો જયદેવનું કર્ણપ્રિય સંગીત અને ગાયક હરિહરન/નીલમ સાહની ના કંઠનો સુસંગમ થતાં ભજન ડોલાવી જાય છે. આ ભજન ૧૯૮૨ માં બનેલ હિન્દી ફિલ્મ રામનગરી નું છે .

આવું સારું ભજન સાંભળીએ એટલે જાણે કે બધું ભુલાઈ જાય અને ભગવાન સાથે તાર જોડાઈ જાય છે.

વરસો પહેલાં હિન્દી ફિલ્મોમાં આવાં સુંદર ભજનો વાર્તા સાથે વણી લઈને મુકવામાં આવતાં એ હવે બહુ જોવા નથી મળતું.

મૈ તો કબસે તેરે શરનમે હું જે ભજન હિન્દીમાં છે એના શબ્દો ખુબ જ ભાવવાહી છે . આ હિન્દી ભજન ગમતાં એનું ગુજરાતીમાં અનુવાદ કરીને નીચે આપું છું .

અનુવાદિત ગુજરાતી ભજનને હિન્દી ભજનના રાગમાં ગાઈ શકાશે .

હું તો ક્યારનો તારા શરણમાં છું ….(૨ )

મારી  તરફ જરા પ્રભુ ધ્યાન આપ

હું તો ક્યારનો ય તારા શરણમાં છું

મારા મનમાં આવો અંધકાર કેમ

પ્રભુ જરા મને કઇંક જ્ઞાન આપ

હું તો ક્યારનો તારા શરણમાં છું

તારી આરતીનો હું દીપક બનું

એ છે એક મારી મનોકામના

મારા પ્રાણમાં તારું જ નામ હોય

મારું મન કરે તારી જ ઉપાસના

ગુણગાન તારાં જ હું કરતો રહું

એવી લગની પ્રભુ તું મને આપ

હું તો ક્યારનોય તારા શરણમાં છું .

કોઈ સુખની સવાર ખીલે તો ય શું

કદીક દુખની સાંજ ઢળે તો ય શું

પાનખરમાં પણ સદા ખીલતું રહે

એવું જ પુષ્પ હું બની રહું સદા

ખુન્ચવે ના કોઈ કે કદી વિલાય ના

એવું મધુર સ્મિત પ્રભુ તું મને આપ

હું તો ક્યારનો તારા શરણમાં છું

મારી સામે જરા પ્રભુ ધ્યાન આપ

મારા મનમાં આવો અંધકાર કેમ

પ્રભુ જરા મને કઇંક જ્ઞાન આપ

વિડીયોમાં આટલે સુધી હિન્દી ગીતના શબ્દો ગવાયા છે .ગીતના બાકીના શબ્દોનો અનુવાદ પણ આપું છું. 

કઈ સારું ન દેખ્યું , કોઈ પુણ્ય ના કર્યું 

દાઝ્યો છું પાપ પુણ્યના આ ધૂપમાં 

તારું દયાનું જે સ્વરૂપ હોય કૃપાળુ

મને એ સ્વરૂપનાં દર્શન તું કરાવ

ઓ પ્રભુ મારું મન અતિ અશાંત છે

મને શાંતિ મળે એવું વરદાન આપ  

હું તો ક્યારનો તારા શરણમાં છું 

મારી  તરફ પ્રભુ જરા ધ્યાન 

 હવે,રામનગરી ફિલ્મનું હિન્દી ભજન આ વિડીયોમાં સાંભળો .

Main Toh Kab Se Teri Sharan Mein Hun Hariharan Neelam Sahni Music Jaidev Film Ram Nagari

આ જ ભજન ગાયક હરિહરન સત્ય સાઈ બાબા સમક્ષ ગાય છે એનો વિડીયો .

મને ગમતાં આવાં જ બીજાં ફિલ્મી ભજનોની લીંક નીચે આપું છું. એ ભજન પણ તમોને ગમે એવાં ભાવવાહી છે. 

Itni shakti hame dena data-Ankush

Same song but with English Lyrics 

Itni Shakti Hamein Dena Data Full Video with Lyrics | Ankush | Nana Patekar

 

 Full Original old Hindi movie Bhajan ‘Jaise Suraj ki Garmi se’ Devanagari English translations.wmv

 Mata Saraswati Sharda Lata Mangeshkar Dilraj Kaur Music Jaidev Film Alaap (1977).

 

આજની આ પોસ્ટમાં પીરસવામાં આવેલ ભજનોનો આધ્યાત્મિક આનંદમાં ડૂબકી લેવાનું આપને ગમ્યું હશે એવી આશા .

વિનોદ પટેલ

( 634 ) મારા ૭૯મા જન્મ દિવસે –ગત જીવન-ફલક પર એક નજર,થોડું આત્મ મંથન અને ચિંતન ….. વિનોદ પટેલ

 જીવનના વિવિધ તબક્કે ઝડપાયેલી મારી તસ્વીરોમાંથી પસંદગીની કેટલીક .

૧૫મી જાન્યુઆરી ૨૦૧૫,એક ઓર જન્મ દિવસનું આગમન !

જીવન યાત્રાનાં ૭૮ રંગારંગ વર્ષ થયાં પૂરાં .

આવીને ઉભો ૭૯મા વર્ષને પ્રવેશદ્વાર .

રાજી થવું કે નારાજ થવું ?

જેટલી વધી એટલી જ ઘટી ગઈ જિંદગી !

કુલ આયખામાં થયો એક વર્ષનો વધારો,

નિર્મિત આયુષ્યમાં થયો એક વર્ષનો ઘટાડો !

રંગુનની ધરતી પર ,૭૮ વર્ષ પહેલાં ,

જન્મ લીધો હતો ખુબ સુખ સાયબીમાં,

સંજોગો બદલાયા , જીવનના રાહ બદલાયા.

જીવન નવલ કથાનાં પાછલાં પૃષ્ટો જોતાં જોતાં,

ગત ૭૮ વર્ષનો જો હું હિસાબ માંડું છું તો ,

૪ વર્ષની ઉંમરે રંગુનમાંથી વિશ્વ યુદ્ધને લીધે ભાગીને આવવું પડ્યું, વતનના ગામ ડાંગરવામાં.

કમનશીબે ગામમાં પોલીયો વાયરસના શિકાર બન્યા પછી શરુ થયા જીવનના પડકારો,

પ્રાથમિક શિક્ષણ,સ્કુલ ગામની શાળામાં .ગામમાં બાળપણની ગ્રામ્ય જીવનની અવનવી જિંદગી,ખેતી -વગડાના અનુભવોની યાદો સાથે પૂરાં થયાં જીવનનાં ૧૨ વર્ષ.

કિશોર વયે ડાંગરવાથી કડી, બોર્ડીંગ-આશ્રમ સાથેની હાઈસ્કુલ ,સર્વ વિદ્યાલયમાંમાંથી એસ.એસ.સી થયા .૩૫૦ છાત્રો વચ્ચે રહી આશ્રમમાં અને સ્કુલમાં ગુરુઓ દ્વારા જીવનનો ખરો પાયો નંખાયો,

અમદાવાદમાં કોમર્સ કોલેજ,બી.કોમ,એમ.કોમ.એલ.એલ.બી.,

આમ અભ્યાસમાં પાણીની જેમ વહી ગયાં ૨૬ વર્ષ, ઘણી યાદો મુકીને.

હવે શરુ થયું,ઓછી મજા ,વધુ જવાબદારી, ગંભીરતા સાથેનું  પૈસા રળવા માટેનું સંઘર્ષમય અને પરિશ્રમી જીવન .

જોતરાયા જીવન ઘાણીના બળદની જેમ નોકરીમાં .

લગ્ન થયાં , ઘર સંસાર અને સામાજિક જીવન શરુ થયું .ઘર સંસારના શરૂના વરસોમાં જ પ્રથમ જન્મેલ પુત્ર નૈમેષને એની દસ મહિનાની કુમળી વયે ગુમાવ્યાનો આઘાત સહન કરવો પડ્યો.

બાળકો, એમનું શિક્ષણ, સંસારની તડકી-છાંયડીના અનુભવો મળ્યા .

કસોટીનો કાળ વીત્યા પછી ,ભાડાના મકાનમાંથી સગવડ વાળા સોસાયટીના પોતાના બંગલામાં માતા-પિતા , સપત્ની ,બાળકો સાથે ૨૨ વર્ષની સુખી સહ જીવન ની જિંદગી એ મારા જીવનનું મોટું સંભારણું છે.

કઠવાડા-અમદાવાદ એક જ ગ્રુપ કંપનીમાં ૩૫ વર્ષની સળંગ જોબમાં દામ સાથે નામ કમાયો ,ટોપ મેનેજમેન્ટ સાથેના કૌટુંબિક સંબંધો બંધાયા વિગેરે અનેક યાદો મગજમાં અકબંધ પડી છે.

દરમ્યાન ,ત્રણ ભાઈઓ , બે પુત્ર ,પુત્રીનું  અમેરિકા ગમન શક્ય બન્યું.

૧૯૯૨ એપ્રિલમાં  ૩૦ વર્ષના સુખી દામ્પત્ય બાદ ધર્મ પત્ની કુસુમની એમની ૫૨ વર્ષની ઉંમરે ચીર વિદાય પછી એકાકી જીવનની શરૂઆત .

૧૯૯૫માં મારાં પુ.માતુશ્રી અને ૨૦૦૭ માં પુ. પિતાશ્રી પણ સ્વર્ગવાસી થયાં છે.કુસુમ અને માતા-પિતા જીવ્યાં ત્યાં સુધી મારી સાથે રહ્યાં અને મને ખુબ મોરલ સપોર્ટ  આપ્યો હતો.મારા હૃદયની ખુબ નજીકની આ  ત્રણ વ્યક્તિઓની ખોટ વર્તાય છે.

૧૯૯૪ માં જોબમાંથી નિવૃત્તિ લઇ લીધા બાદ ગ્રીન કાર્ડ લઇ અમેરિકા ,કેલીફોર્નીયામાં થયેલ આગમન .

આ રીતે પૂરાં થયાં જીવનનાં કભી ખુશી -કભી ગમ અને પડકારો સાથેનાં જિંદગીનાં ૫૮ વર્ષ.

નવી જ રીતભાત વાળા નવા દેશ અમેરિકામાં, સારી રીતે  સેટ થયેલ સંતાનો ,પરિવારજનો સાથે શરુ થયો નિવૃત્તિ કાળ.

નિવૃતીકાળમાં વાચન,લેખન,ભ્રમણ,ગુજરાતી બ્લોગ પ્રવૃત્તિ દ્વારા શક્ય સાહિત્ય સેવા ,ચિંતન,મનન,લેખન,મિત્ર પરિચયો,મિત્ર સંપર્ક વિગેરેમાં નીજાનંદ…..વિનોદ વિહાર ….

વતન અમદાવાદની વિદાય બાદ અમેરિકામાં આવ્યાને આજ કાલ કરતાં ૨૦ વર્ષ પૂરાં થઇ ગયાં એની ખબર પણ ના પડી !

આમ પૂરાં થઇ ગયાં આજે જીવનનાં ૭૮ વર્ષ !

૧૯૩૭ ના જાન્યુઆરીમાં એ વખતે વિદેશ ગણાતા રંગુન ,બ્રહ્મ દેશમાં થયેલ જન્મ પછી  ઉપડેલો મારો જીવન રથ વતન ડાંગરવા,કડી,  અમદાવાદ-કઠવાડા- અમદાવાદની ૫૮ વર્ષની લાંબી મુસાફરી કરીને હાલ ૭૮ વરસે અમેરિકામાં, સાન ડિયેગોમાં આવીને અટક્યો છે.શારીરીક રીતે હજી કાર્યરત રહેવાય છે એને હું પ્રભુ કૃપા માનું છું.

આમ અનેક મેઘ ધનુષી રંગો નિહાળ્યા છે જિંદગીના,

૭૮ વર્ષના પડકાર ભર્યા,ધબકતા વર્ષોમાં.

કોને ખબર છે,શું પડ્યું છે ભાવિના ભંડારમાં ,

પ્રભુ ભરોસે જીવન નૌકા સ્થિર ગતિએ ચાલી રહી છે હાલમાં .

જીવન સંધ્યાનો આ સોનેરી સમય ચિંતન,મનન,આંતર યાત્રા , અને આત્મ ખોજનો સમય છે .નિવૃતિનો આ સોનેરી સમય આનંદથી જીવવા મનગમતી પ્રવૃતિમાં મન પરોવવાથી અને ધર્મની સાથે કર્મને જોડવાથી પાછલી જિંદગી રસમય બની શકે છે.

મારી જીવન યાત્રા દરમ્યાન મેં જે મેળવ્યું છે અને મેળવી રહ્યો છું એ બીજાઓને વિનોદ વિહારના માધ્યમથી વહેંચવા  માટેનો મારાથી શક્ય એટલો પ્રયત્ન હું કરી રહ્યો છું.

મારા આ બ્લોગ વિનોદ વિહાર ના મારા પરિચયના પેજ પર મુકેલ મારા કાવ્ય” મને શું શું ગમે ?” ની અંતિમ ક્ડીયોમાં મેં કહ્યું છે એમ :

ભૂતકાળની ચિંતાઓ અને ભાવિની શંકાઓ ત્યજી

વહેતા ઝરણાની જેમ વર્તમાને મંદ મંદ ગાવાનું મને ગમે.

આ જીવન મહોત્સવની હર પળ મોજથી માણીને,

જોશથી જીવન જીવી જવાનું મને બહું ગમે.

નીવૃતીકાળની નવરાશની પળોની આ રહી બીજી કેટલીક

ચિંતન પ્રસાદી ….

મન, માનવ અને મનન

પ્રભુને મન થયું એટલે એક દિન ,

એણે બનાવ્યો માનવ મનવાળો.

પડ્યો માનવ, મનના ચકરાવામાં,

ભૂલ્યો પછી એ, મનન, પ્રભુ નામનું .

જીવન અને  સંઘર્ષ

જિંદગી જીવવી કદી સહેલી નથી હોતી,

જીવન સંઘર્ષ વિના આગળ વધાતું નથી,

હથોડાના પ્રહારો એ ખમે નહી ત્યાં સુધી,

પથ્થર પણ ભગવાન બની પૂજાતો નથી.

મારે મન -જિંદગી શું છે ?

રેત યંત્રની રેતીની જેમ જિંદગી,સતત સરતી રહે,

હરેક પળે આ જિંદગી એના રંગો બદલતી જ રહે,

સુખ-દુખના ફરતા ચકડોળમાં બેઠાં છીએ આપણે,

ભૂલી ચિંતાઓ,જીવન મેળાનો આનંદ અહેસાસીએ.

 

મનમોહક નાટકનો મજાનો એક ખેલ છે જિંદગી,

પડદો પડી જાય એ પહેલાં,નાટકની મજામાણીએ.

દરેક પળને મન ભરીને જીવી લેવાનું ભૂલવું નહી,

કેમ કે જીવનમાં આ જીવન એક જ વાર મળે છે.

 

જીવન રાહમાં મુશ્કેલીઓ પાર વગરની ભલે હોય,

સદા હસતા રહેવાનો મિજાજ એક ઔષધી રૂપ છે.

રોદડાં રડવામાં સમય ગુમાવવા જિંદગી ટૂંકી છે.

માટે જેવી પણ હોય જિંદગી, ચિંતાઓ છોડી દઈ,

સદા હસતા રહેવું, હસાવતા રહેવું એ જ એક ધર્મ.

 

જિંદગી શું છે ? એ પ્રશ્નનો જવાબ  સહેલો નથી,

જવાબ ટૂંકમાં સમજાવું ? આ જિંદગી શું નથી  !

 

જીવનની સફળતા શેમાં ?

જીવનમાં મળ્યું એનાથી જિંદગી જીવાઈ જાય છે,

જીવનમાં જે આપ્યું એનાથી જિંદગી બની જાય છે,

બે હાથે સદા ભેગું કરીને જિંદગી વેડફી ના નાખો,

કદીક કોઈ એક હાથ કોઈ દુખી તરફ પણ લંબાવો.

 

જગતમાં આવ્યા ત્યારે ખાલી હાથે જ આવ્યા હતા,

જ્યારે જશો ત્યારે બધું જ પાછળ મુકી જવાના છો,

જ્યારે જીવો છો ત્યારે કંઇક એવું કરીને જ જાઓ ,

લોકો યાદ કરે ,જનાર એક સજ્જન માણસ હતો .

વિનોદ પટેલ

પ્રભુનો પાડ …..

Thank you God

જીવન-માર્ગ  મારો ખાડા ટેકરાવાળો વિકટ ભલે રહ્યો,

માર્ગના દરેક પગલે, કર ગ્રહી, પ્રભુ મારો ચાલી રહ્યો,

મારી દિલી પ્રાર્થનાના પોકારથી પ્રભુ દુર નથી રહ્યો,

સુણી સાદ મારો,માર્ગદર્શક બની, એ સદા દોરી રહ્યો.

 

થોડું લઇ લીધું છે તો ઘણું બધું પ્રભુ તેં આપ્યું પણ છે,

ત્રણ પેઠીની લીલીવાડી જોવાનું સદભાગ્ય શું ઓછું છે!

પ્રભુ પાડ માનું તારો પડકારો ઝીલવાની શક્તિ માટે,

ભાંગી પડી મનથી, ભાગી ના જાઉં ,એવી હિમત માટે.

દિવસે દિવસે સ્વની સાથે રહેવાનો,વાતો કરવાનો ,મહાવરો વધતો ચાલ્યો છે.પ્રભુએ ભલે શારીરિક દ્રષ્ટીએ થોડું લઇ લીધું હોય તો સામે કેટલું બધું આપ્યું છે એ માટે એનો પાડ માનવાનું કેમ ભૂલું .

કવિ ઉમાશંકર જોશી કહે છે એમ –

“ત્રણ વાનાં મુજને મળ્યાં , હૈયું ,મસ્તક હાથ

 બહું દઈ દીધું નાથ , જા ચોથું નથી માંગવું. “

અમેરિકામાં ત્રણ સંતાનોનો સુખી અને પ્રેમાળ પરિવાર-જોઇને મન હરખાય એવાં ૬ પૌત્રો-પૌત્રીઓની અનેરી ભેટ. આમ ૭૯ વરસે ત્રણ પેઠીની લીલીવાડી જોવાનું સુખ શું ઓછું સુખ છે !

VRP-WITH 6 G.K.-REVISED

મારાં ૬ પૌત્ર -પૌત્રીઓ સાથેની એક તસ્વીર -ક્રિસમસ ૨૦૧૪ 

સંતાનો, કુટુંબી જનો , સ્નેહી જનો, મિત્રો-બ્લોગર મિત્રો- અને વિશાળ ભાવક અને વાચક વર્ગ સહિત, સૌનો નિસ્વાર્થ પ્રેમ એ કેટલી બધી અમુલ્ય મૂડી છે !

કુદરતની કરામતો ન્યારી છે, ક્યારે ? કેમ? શું શું ? ક્યાંથી ? તમારી સામે ધરી દેતી હોય છે ! આનંદ આનંદ।…  પરમાનંદ ની અનુભૂતિ …

યાદ આવે ,ગની દહીંવાલાની આ પંક્તિઓ …

આજ ભલેને તારી હોડી

 મજલ કાપતી થોડી થોડી,

યત્ન હશે તો વહેલી મોડી,

એ જ ઊતારશે પાર,

ખલાસી! માર હલેસાં માર.

મારી શ્રધ્ધા

જીવનમાં એવું કોઈ કામ કે એવો,

કોઈ પણ પ્રશ્ન એવો કઠિન નથી,

જેને હું અને મારો ભગવાન એમ ,

બે ભેગા મળી, ઉકેલી ના શકીએ .

અંતે ,એક અજ્ઞાત કવિની આ રચના રજુ કરી વિરમું છું.

ગઝલ જેવું જ જીવન હોય તો બસ, એટલી રાહત,
કે જીવી તો જવાશે બસ જરા એને મઠારીને.
હું કાફિયા તારી ગઝલનો સાવ અટપટો,
મત્લાથી લઈ મક્તા સુધી નિભાવજે મને.

મારી આજ સુધીની જીવન યાત્રાને સહ્ય અને સરળ બનાવવા તથા  નિવૃતિના આ સોનેરી કાળમાં ને સ-રસ  અને આનંદનો અનુભવ કરાવવામાં અગત્યનો ફાળો આપનાર મારાં સંતાનો,ભાઈઓ ,બહેનો ,અન્ય કુટુંબીજનો,મુરબ્બીઓ, અનેક સહૃદયી મિત્રો,બ્લોગર મિત્રો સહીત, સૌનો હૃદયથી આભાર માનું છું.

તારીખ- જાન્યુઆરી ૧૫,૨૦૧૫ ,

૭૯મો જન્મ દિવસ ….                     વિનોદ પટેલ, સાન ડિયેગો.

 

આજના મારા ૭૯મા જન્મ દિવસે મને પ્રિય એક સુંદર ગુજરાતી પ્રાર્થના યુ-ટ્યુબના સૌજ્ન્યથી નીચેના વિડીયોમાં માણો. 

જીવન અંજલિ થાજો મારૂ,

જીવન અંજલિ થાજો….

ભૂખ્યા કાજે ભોજન બનજો,

તરસ્યાનું જળ થાજો….

દીન દુઃખીયાના આંસુ લુછતાં

અંતર કદી ન ધરાજો….

સત્યની કાંટાળી કેડી પર,

પુષ્પ બની પથરાજો….

ઝેર જગતના ઝિરવી ઝિરવી,

અમૃત ઉરના પાજો….

વણથાક્યા ચરણો મારા નીત,

તારી સમીપે ધાજો….

હૈયાના પ્રત્યેક સ્પંદને,

તારૂં નામ રટાજો….

વમળોની વચ્ચે નૈયા મુજ,

હાલક ડોલક થાજો….

શ્રધ્ધા કેરો દીપક મારો

નવ કદી ઓલવાજો….

જીવન અંજલિ થાજો મારૂ, જીવન અંજલિ થાજો….