હાસ્ય ને પણ ખડખડાટ હસાવી શકે એવી વિરલ હસ્તી મુ.શ્રી વિનોદ ભટ્ટ પરમેશ્વરના હાસ્ય દરબારમાં સામેલ થઈ ગયા.
આદરાંજલી. ….. અંકિત ત્રિવેદી.
કેટલાક લખે ત્યારે કાગળનું નથી વિચારતા ! કેટલાક લખે ત્યારે કાગળનું પણ વિચારે છે…! કેટલાક લખે ત્યારે પેન કાગળને ભોંકાતી હોય છે. કેટલાક લખે ત્યારે કાગળને પોતાની પેન પંપાળતી હોય છે. કેટલાક લખે ત્યારે કોરા કાગળનું અકાળે મોત થયેલું લાગે ! કેટલાક લખે ત્યારે કાગળનો મોક્ષ થઈ જાય… વળી, કેટલાક કાગળની નારણબલી કરતાં હોય એમ લખે…! અને કેટલાક કાગળને અશોકનાં શિલાલેખ જેવી શાશ્વતી સમયનાં અક્ષરોને ઉકેલીને આપે…! એમની ભાષા સમાજનું દૂરબીન લાગે..!
વિનોદ ભટ્ટ આમાંનું એક નામ…! નામ પ્રમાણેના ગુણો અને અટક પ્રમાણેનું બ્રાહ્મણપણું…! જ્યોતીન્દ્ર દવે, તારક મહેતા પછીની પેઢીનું બહુ મોટા કેનવાસ પર હાસ્યનું ચિત્રકામ કરી જાણ્યું છે. અત્યારે હાસ્ય પર ફાવટ એવી કે ડાબા હાથે લખે…! (એમને જમણા હાથમાં દૂ:ખાવાને કારણે ખરેખર ડાબા હાથથી લખે છે.) એમનું હાસ્ય જેટલું તરત સમજાય એટ્લે એમનાં અક્ષર ના વંચાય..! એ હાજરી અને ગેરહાજરી બંનેમાં વર્તાયા વિના રહે જ નહીં…!
સુરેશ દલાલની વિદાય પછી બહુ ઓછા સર્જકોને સામેથી ફોન કરવાનું ગમે છે. વિનોદ ભટ્ટ એમાંના એક અને અનન્ય. પુષ્કળ કાર્યક્રમો એમની સાથે કર્યા છે… અમદાવાદથી અમેરિકા સુધી… એવું કહેવું હોય તો કહી શકાય કે સંગીતના કાર્યક્રમો સહુથી વધારે પુરુસોત્તમ ઊપાધ્યાય જોડે કર્યા છે અને એ પછી સાહિત્યના કાર્યક્રમોમાં સુરેશ દલાલ પછી વિનોદ ભટ્ટ જ આવે…!
એકવાર મેં એમને અમસ્તાં જ પૂછેલું કે, ‘ વિ.જ.ભ. ( વિનોદચંદ્ર જશવંતલાલ ભટ્ટ – આખું નામ એમનું આ છે પરંતુ એમના મતે એમના સસરા પછી વિ.જ.ભ.ના નામે હું એકલો જ બોલાવું છું. ) હું તમારા દરેક કાર્યક્રમમાં આવું છું. તમે મારા કાર્યક્રમમાં કેમ નથી આવતા ?’
એમણે કહ્યું : ‘એક વાત સાંભળી લે. તું મારા બેસણામાં આવે એનો મતલબ એવો નહીં કે મારે પણ તારા બેસણામાં આવવાનું…!’
આટલો બે-ધબકારા વચ્ચેનાં અંતર વગરનો સહજ હાસ્ય સભર જવાબ કોણ આપી શકે ?
એટ્લે જ વિનોદ ભટ્ટ કહી શકે છે કે ‘મને મૃત્યુની બીક લાગે છે કારણ કે મને જીવનની પડી છે.’ માંદગી એમને માટે અવારનવાર આવતી એકાદશી જેવી છે. ઉંમરને કારણે ઘણીવાર ખબર કાઢવા આવતા મહેમાનની જેમ આવે અને ઘરધણી બનીને રોકાઈ પણ જાય…! તો ય એમનો તોર એવો ને એવો અકબંધ…! જેટલું જીવ્યા છે – અને જીવે છે એનું ગુમાન વિવેકી લાગે…!
જિંદગી એટલી બધી વ્હાલી જેમ ડાયાબિટીસના દર્દીને મીઠાઇ વ્હાલી ! આ દિવાળીમાં ડાયાબિટીસ હોવા છતાં હવે આવતી દિવાળી નહીં હોય એમ માનીને મીઠાઇ ઉપર જીભને ઝંપલાવી…! અને માંદા પડ્યા તો ય ઘરે રહીને માંદગીને પ્રેમ કર્યો… વિનોદ ભટ્ટ માને બધાનું (યોગ્યતા અનુસાર ) પણ કોઈ સલાહ આપે તો જરા વસમું લાગે…! સાહિત્યમાં હાસ્યની સ્થિતિ જેવું… આ જ માણસ કહી શકે કે માંદગી હોય ત્યારે બધા જ સલાહ આપે છે. જાણે ઢળતી ઉંમરે સલાહનું ટ્યુશન લેતો હોઉં એવું લાગે છે…!
હાસ્યની ઊપાસના કરનારા આ સાધક જીવને ક્યારેય ઉદાસ થતાં નથી જોયા ! ગુસ્સે થતાં જોયા છે. એ ગુસ્સો ક્ષણવારનો હોય પણ વાજબી હોય. એમના ગમા અને અણગમા સ્પષ્ટ છે. એ પોતે જ કહે છે કે જેટલું ધોધમાર જીવ્યો છું એટલું ધોધમાર ફરી જીવવા ન મળે તેનો સ્હેજ પણ અફસોસ નથી…! મૃત્યુને થોડાં સમયથી એમણે ભાઈબંધ બનાવ્યો છે. એટ્લે જીવવામાં રસ વધારે પડે છે. એમની પત્નીના હાથ નીચે ભણેલા ડોક્ટરો પર એમને વધારે વિશ્વાસ છે, કારણકે એ પોતે પણ એમની પત્નીને ‘માસ્તર’ કહીને જ સંબોધે છે…
આટઆટલાં પુસ્તકો, ભરચક કાર્યક્રમો અને ધોધમાર લોકોને મળ્યા પછી તાજા ગુલાબની સુગંધ જેવું હાસ્ય એટ્લે વિનોદ ભટ્ટ…! એમને યાદ એટ્લે કર્યા કે આ લેખ એ વાંચે અને નવી પેઢીના લેખકો-વાચકો એમનામાંથી માત્ર ને માત્ર હસતાં શીખે…! નિર્દોષ હાસ્ય ઈશ્વરની ગેરહાજરીને સભર કરી આપે છે… બાકી આ એ જ વિનોદ ભટ્ટ છે જે બોલતા હોય અને બાજુમાં પદ્મશ્રી ગુણવંત શાહ બેઠા હોય ત્યારે ઓડિયન્સની વચ્ચે માઈકમાં ગુણવંત શાહને એમ કહે કે “ ગુણવંતભાઈ હું બોલું છું તો બોર નથી થતા ને ?” ગુણવંત શાહ ‘ના’ પાડે પછી વિનોદ ભટ્ટ એટલું જ બોલે કે, ‘ જો બોર થતા હોવ તો જામફળ લાવીએ…!’ ત્વરીત હાસ્યનો તરવરાટ વિનોદ ભટ્ટનો વિશેષ છે… ગુજરાતી હાસ્ય વિનોદ ભટ્ટથી સવિશેષ છે…
ઓન ધ બીટ્સ
“ઘણા પુરુષોને એવી પત્ની જોઈએ છે કે ઘર રખ્ખું, રૂપાળી હોય, કરકસરિયણ હોય અને ફક્કડ રસોઇયણ હોય… કમભાગ્યે કાયદો એક કરતાં વધારે પત્ની કરવાની છૂટ આપતો નથી…” -વિનોદ ભટ્ટ.
Laughing with Vinod Bhatt- Best Comedy-You Tube
વાચકોના પ્રતિભાવ