વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Category Archives: ગમતી સ્વ રચીત રચનાઓ

(517 ) વૃક્ષની સુકી ડાળી પર બે પંખીને જોઈ ….મારી એક અછાંદસ રચના

 આજે સવારે કિચનમાં ચા-નાસ્તાની લહેજત લઇ રહ્યો હતો ત્યારે બહાર બેક યાર્ડ ના એક નાના વૃક્ષની સુકી ડાળી ઉપર બેઠેલાં બે પક્ષીઓ જોયાં. એમને જોઇને નીચેની અછાંદસ કાવ્ય રચનાની પ્રેરણા થઇ.

 

વૃક્ષની સુકી ડાળી પર બે પંખીને જોઈ ….

Two birds

નાના વૃક્ષની એક સુકી ડાળી પર

કેવાં બેઠાં છે બે નાનકાં પંખીઓ !

પતી-પત્ની હશે કદાચ ,

કે હશે બે “ પ્રેમી પંખીડાં” !

શું વાતો કરતાં હશે , એમની ભાષામાં?

કોઈ ઝગડાનો મનમેળ હશે !

આપણને શું ખબર પડે .

પણ પછી થયું મનમાં,

કેવાં નિશ્ચિત છે આ બેલડાં .

સુકી ડાળી તૂટવાનો ભય કેમ નહિ હોય !

પછી વધુ વિચારતાં થયું,

નબળી સુકી ડાળી ઉપર બેઠાનો

કોઈ ભય નથી કારણ,

ડાળની મજબુતાઈ પર વિશ્વાસ છે એ નહિ ,

એમની બે પાંખોની શક્તિ ઉપરના

મનના અડગ વિશ્વાસ ઉપર ,

બેઠું છે આ યુગલ, નિશ્ચિંત મને !

સુકી ડાળ કદાચિત તૂટી પડે તો પણ ,

શો ભય છે , પાંખોના બળે ઉડી જવાશે !

બોધપાઠ :

પરિસ્થિતિ ની કોઇપણ સુકી ડાળ કેમ ના હોય

જો બાવડાં મજબુત છે ,

ને મનમાં અડગ વિશ્વાસ છે

તો પછી પડવાનો ડર  શાનો !

કદાચ પડશું તો પણ ઉભા થઈને

દોડવાનું પગમાં જોર છે .

વિનોદ પટેલ ,સાન ડિયેગો

 

પક્ષીઓની વાત ઉપરથી મારી એક યાદગાર તસવીરનું સ્મરણ થયું . આ રહ્યું એ ચિત્ર .

VRP WITH BIRD-1 

જુલાઈ ૧૪ માં હું લોસ એન્જેલસમાં એક મહિનો ઉનાળુ વેકેશનમાં મારી દીકરીને ત્યાં રહેવા ગયો હતો.એના પરિવારનું પેટ કોકાટેલ પક્ષી નામે MANNY ચુપચાપ મારા ખભા ઉપર આવીને બેસી ગયું અને મારી આંખમાં તાકીને જાણે કે એની મુક ભાષામાં કૈક કહી રહ્યું ના હોય ! મારા જમાઈએ ત્યાં દોડી આવી એમના કેમેરામાં એ ઉડી જાય એ પહેલાં આ યાદગાર તસ્વીર ઝડપી લીધી .કમનશીબે આ તસ્વીર લીધાના એક વિક પછી એ મૃત્યુ પામ્યું. કેમ અને કેવી રીતે આમ બન્યું એની રસિક વાત એક જુદી પોસ્ટમાં કોઈવાર જણાવીશ.   

A bird does not sing because it has an answer.

It sings because it has a song.

Maya Angelou

 

( 487 ) રસાસ્વાદ……અનંત જુગ વિત્યા રે પંથે રે હાલતાં-વિનોદ પટેલ

"બેઠક" Bethak

   vinod patel         અનંત જુગ વિત્યા રે પંથે રે હાલતાં …. નરસિંહ મહેતા

મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના એક સર્વ શ્રેષ્ઠ ભક્ત કવિ નરસિંહ મહેતાની કૃષ્ણ ભક્તિ શબ્દોમાં વર્ણન ના થઇ શકે એવી ભવ્ય હતી. એમના આરાધ્ય દેવ શ્રી કૃષ્ણનું નામ અને સંકીર્તન જ એમના જીવનનું જાણે કે એક ધ્યેય બની ગયું હતું. એમનું આખું જીવન કૃષ્ણમય બની ગયું હતું જેની ઝાંખી આપણને એમનાં અનેક પ્રભાતિયા, રાસ, રસિક પદો વિ.રચનાઓમાંથી  થાય છે .

આશરે ૬૦૦ વર્ષ પહેલાંના રૂઢીચુસ્ત સમાજમાં જ્યારે મરજાદી લોકો હરિજનોને અડવું એ એક પાપ ગણતા હતા એવા સમયે એમની ઉચ્ચ નાગર કોમના રોષની જરાયે પરવા કર્યા વિના હરીજનવાસમાં જઈને ભજન કીર્તન કરનાર નરસિંહ મહેતાની ભક્તિ,આંતરિક શક્તિ અને હિંમતને સલામ કરવાનું મન થાય છે..

નરસિંહ મહેતાની હૃદય પૂર્વકની આરાધનાથી પ્રસન્ન થઈને શ્રી હરીએ એમના આ પ્રિય ભક્તના સામાજિક પ્રસંગો જેવા કે પુત્ર શામળ શા ના વિવાહ, દીકરી કુંવરબાઈનું મામેરું , પિતાનું શ્રાધ એમ અણીના સમયે હજરાહજૂર થઈને…

View original post 1,005 more words

( 415 ) મારી કેટલીક સ્વ-રચિત અછાંદસ કાવ્ય રચનાઓ – (મારી નોધપોથીમાંથી-નવનીત )

 SONY DSC

 

“મારી નોધપોથીમાંથી ” એ શ્રેણીમાં મારા વિચાર વલોણાની નીપજ એવી  

મારી સ્વ-રચિત અછાંદસ  કાવ્ય રચનાઓ અગાઉ આ પોસ્ટમાં મૂકી હતી . 

આજની પોસ્ટમાં એવી  જ બીજી કેટલીક સ્વ-રચિત  અછાંદસ પ્રેરક કાવ્ય ક્ન્ડીકાઓ પ્રસ્તુત છે . 

આશા છે આપને એ ગમે . આપનો પ્રતિભાવ અપેક્ષિત છે  . 

વિનોદ પટેલ

———————————- 

અમીર અને ગરીબ 

ગરીબ ચાલે છે માઈલો , ભોજન મેળવવાને  કાજ,

અમીર ચાલે છે માઈલો, ભોજન પચાવવાને  કાજ .

 

ગરીબને વળે પરસેવો બહું કામ કરતી વખતે ,

અમીરને વળે પરસેવો ભોજન કરતી વખતે . 

 

ગરીબને ઓછો ખોરાક સંતોષથી પચી જાય છે,

અમીરને પકવાન પછી પણ સંતોષ  ક્યાં છે ?

 

ગરીબને ઉંઘવા માટે કોઈ પથારીની જરૂર નથી.

અમીરને ઊંઘવા માટે કોઈ પથારી પુરતી નથી.

 

ગરીબને બહું દવાઓ લેવાની જરૂર પડતી નથી,

અમીરને જીવવા માટે દવા સિવાય ચાલતું નથી.

——————————– 

અભિપ્રાય 

કોઈના વિષે તમારો કોઈ અભિપ્રાય આપતાં ખુબ વિચારજો ,

કેમ કે એ વખતે તમારી જાત વિષે પણ તમે કશુક કહી રહ્યા હશો .

 

——————————–

 

ઉંમરલાયક

 

લોકો કહે છે કે હું હવે ખુબ ઉંમરલાયક થઇ ગયો  છું ,

પ્રશ્ન થાય છે , શુ હું ખરેખર ઉંમરને લાયક થયો છું !

———————————- 

એક પ્રાર્થના 

પ્રભુ મને એવી આંખો દેજે કે જે

માણસોમાં પડેલ સર્વોત્તમ સત્વને જોઈ શકે .

પ્રભુ  મને એવું હૃદય દેજે કે જે

માણસોમાં પડેલ નીચ તત્વને માફ કરી શકે .

પ્રભુ મને એવું મન-મગજ દેજે કે જે

લોકોમાં પડેલ ખરાબીને ભૂલી જાય .

પ્રભુ મને એવો આત્મા દેજે કે જે

તારા પ્રત્યેનો મારો વિશ્વાસ ન ગુમાવે .

—————————————- 

સુખ અને શાંતિ 

વનમાં એક હરણું ખુબ દોડી રહ્યું ,સુગંધનું મૂળ શોધવાને, 

દોડી દોડી થાકી ગયું ,મેળવી ન શક્યું , અંતે ભાંગી પડ્યું,

ક્યાંથી મળે સુગંધ બીજે ક્યાય ,એતો હતી એની નાભિમાં ! 

કઈક એવું જ માનવો હર દિન  હર પળ શું નથી કરતા ?

સુખ અને શાંતિ પામવા બહાર બધે ઘાંઘા થઇ દોડતા રહ્યા,

સુખ શાંતિ તો પડી છે ભીતરમાં એ મુદ્દાની વાત જ ભૂલી ગયા !

—————————— 

આનંદ 

આનંદ કોને જોઈતો નથી હોતો ,આનંદ બધાને જ ખપે છે, 

ખરો આનંદ તો કોઈના આનંદમાં આનંદ ઉમેરવાનો છે .

—————————————– 

ફત્તેહ બહું દુર નથી . 

જિંદગી રોજે રોજ વહેતી નદી જેવી છે ,

કોઈની રોકાઈ કદી રોકાવાની નથી .

ખોટી  દલીલબાજી અને ભૂતકાળની ભૂલોની

વ્યર્થ ચિંતાઓ ઉપર વિચાર કરતા રહીને , 

વેડફી દેવા માટે  આ જિંદગી ખરેખર ટૂંકી છે .

 

જીવનમાં જે નથી મળ્યું એનું દુખ રડ્યા વિના , 

જે કઈ પણ  મળ્યું છે એને  આશીર્વાદ માની , 

તમને ચાહતા પ્રેમીજનોની કદર કરતા રહી ,

સૌના પર વ્હાલ વરસાવતા રહી , હસતા રહી ,

માથું ટટ્ટાર રાખી ખુલ્લા દિલે જીવન રાહ ઉપર

અડગતાથી એક એક કદમ માંડતા જાઓ ,

કેમ કે જ્યાંથી તમે અટકી જશો ત્યાંથી કદાચ

તમારા જીવનની ફતેહ બહું દુર નહિ હોય !

 

વિનોદ પટેલ

——————————————-

 

ચિત્ર હાઈકુ ( ફોટોકુ )

 

COW & bOY 

ઉપરનું ચિત્ર શ્રી પી.કે.દાવડાજીએ એમના ઈ-મેલમાં મને મોકલ્યું હતું  . 

આ ચિત્ર જોઈને મને જે બે હાઈકુ  ( ફોટોકુ ) રચવાની પ્રેરણા થઇ એને નીચે  પ્રસ્તુત છે 

 

બે ચિત્ર હાઈકુ ( ફોટોકુ )

 

ગાય માતા , આ

 

બાળક માટે જાણે ,

 

બની જનેતા !

——————————

 

ગાયને લોકો

 

માતા કહે એનો આ,

 

જુઓ પુરાવો !

————————

 

હાઇકુની સમજણ ( જેને એની જાણ નથી એમને માટે જ  )

 

•         હાઇકુ એ ત્રણ લીટીનું નાનકડું કાવ્ય છે. હાઈકુ એ જાપાનની દેન છે .

 

•         પહેલી અને ત્રીજી લીટીમાં પાંચ અક્ષ્રર(letter) હોવા જોઈએ

 

•         અને બીજી લીટીમાં સાત અક્ષ્રર.

 

•         અડધો અક્ષ્રર ગણાતો નથી. ( દા.ત. ધ્યાન – ત્રણ નહી પણ બે અક્ષર ગણાય છે )

 

હાઈકુની આ ત્રણ લીટી એવો વિચાર તણખો મૂકી જવી જોઇએ કે કવિ જે વાત

 

વાચક સુધી પહોંચાડવા માંગે છે તે ખૂબ સચોટ છતાં સરળ રીતે કરી શકાય .

 

 

રસ ધરાવનાર મિત્રોને કોમેન્ટ બોક્ષમાં વધુ હાઈકુ ઉમેરી હાથ અજમાવવા માટે નિમન્ત્રણ છે .

 

 

વિનોદ પટેલ

 

 

 

( 412 ) કવિવર રવીન્દ્રનાથ ટાગોરના એક અંગ્રેજી કાવ્યનો અનુવાદ( મારી નોધ પોથીમાથી )

 

આજની પોસ્ટમાં કવિવર રવીન્દ્રનાથ ટાગોર( Ravindra Nath Tagor  નું એક નીચેનું સરસ

 

અંગ્રેજી કાવ્ય અને એનો  ગુજરાતીમાં અનુવાદ કરીને આપેલ છે .

 

 

કવિવર રવીન્દ્રનાથ ટાગોરની મૂળ અંગ્રેજી કૃતિ નીચે પ્રમાણે છે .

 

Thoughts About Going to Temples:    

 

Go not to the temple to put flowers upon the feet of God,  

First fill your own house with the Fragrance of love ..

 

 Go not to the temple to light candles before the altar of God,  

First remove the darkness of sin from your heart…

 

Go not to temple to bow down your head in prayer,  

First learn to bow in humility before your fellowmen…

 

Go not to temple to pray on your knees,  

First bend down to lift someone who is down-trodden.

 

Go not to temple to ask for forgiveness for your sins,  

First forgive from your heart those who have sinned against you.

 

– Rabindranath Tagore

 

ઉપરના અંગ્રેજી કાવ્યનો મારો ગુજરાતીમાં કરેલ અનુવાદ આ પ્રમાણે છે .

 

મંદિરે જવા વિષે મારા વિચારો

 

મંદીરમાં જઈને ભગવાનના ચરણે ફળ- ફૂલો મુકવાની શી જરૂર , 

પ્રથમ તારા પોતાના ઘરને જ પ્રેમના પમરાટથી ભરી દે ને.

 

મંદીરમાં જઈને ભગવાનની વેદીએ દીપમાળા પ્રગટાવવાની શી જરૂર ,

પ્રથમ તારા હૃદયમાં પાપોનો જે અંધકાર છે એને જ દુર કરી દેને .

 

મંદીરમાં જઈને ભગવાનની સ્તુતિ કરતાં માથું નમાવવાની શી જરૂર ,

પ્રથમ તારા નજીકના સ્વજનો સમક્ષ માથું નમાવવાનું શીખને

 

મંદીરમાં જઈને ભગવાન સમક્ષ ઘૂંટણીએ પડી એને ભજવાની શી જરૂર ,

પ્રથમ વાંકા વળી નીચે પડેલ કોઈ ગરીબ જનને તું ઉભો કરી દેને .

 

મંદીરમાં જઈને તારા પાપો માફ કરવા ભગવાનને વિનવવાની શી જરૂર ,

પ્રથમ તારા વિરુદ્ધ જે લોકોએ ગુના કર્યાં હોય એ સૌને હૃદયથી માફ કરી દે ને .

 

 —-રવીન્દ્રનાથ ટાગોર

 

અનુવાદ – વિનોદ પટેલ

————————————————————————-

 

નીચેના ચિત્રમાં મહાકવિ રવીન્દ્રનાથ ટાગોરના કાવ્યનું સુંદર ચિત્રમય અવતરણ આપેલું છે

 

Tagor-Quote-2

 

ઉપરના અંગ્રેજી અવતરણનો અનુવાદ 

 

મારી નિંદ્રાધીન અવસ્થામાં મને એક સ્વપ્ન આવ્યું કે જિંદગી એક આનંદ છે 

 

જાગીને જોયું તો લાગ્યું કે જિંદગી એ એક જાતની સેવા છે 

 

અને જ્યારે કામે લાગ્યો તો મેં અનુભવ્યું કે સેવા પણ એક આનંદ છે  .  

 

— રવીન્દ્રનાથ ટાગોર 

 

 

મારી જિંદગીમાં  વાદળોનો ઢેર રમતો ઝૂમતો આવી રહયો દેખું

 

એ વાદળોમાં નથી કોઈ વરસાદ વરસાવવાનો કે તોફાન મચાવવાનો આશય

 

કિન્તુ મારી જીવન સંધ્યાના આકાશમાં મેઘધનુષી રંગો ઉમેરવાનો છે એકમાત્ર આશય . 

રવીન્દ્રનાથ ટાગોર

 

 

 

(374 ) મારી બે અછાંદસ કાવ્ય રચનાઓ – મારી નોધપોથીમાંથી –નવનીત ……

“મારી નોધપોથીમાંથી ” એ શ્રેણીમાં મારા વિચાર વલોણાની નીપજ એવી મારી બે સ્વ-

રચિત અછાંદસ  કાવ્ય રચનાઓ આજની પોસ્ટમાં પ્રસ્તુત છે .

આશા છે આપને એ ગમે . આપનો પ્રતિભાવ અપેક્ષિત છે  .

વિનોદ પટેલ —

_____________________________________ 

ફુલ અને માનવ

કુદરતની આ કેવી અજબ છે કમાલ કે 

એક કળીમાંથી રંગીન પુષ્પ ખીલી ઉઠે

આખો બગીચો પુષ્પોથી મ્હોરાઈ ઉઠે .

માનવોમાં પણ બાળક રૂપી પુષ્પ કળી ખીલીને

યથા સમયે એક સુંદર માનવ-પુષ્પ બને .

આ પ્રકૃતિની લીલામાં અનેક રંગ બેરંગી ફૂલો

લાંબી ટૂંકી જિંદગી લઈને આવેલાં આ પુષ્પો

ખીલતાં અને પછી સમય થતાં ખરી જતાં .

એમ જ આ જગતમાં જાત ભાતના માનવો

લાંબી ટૂંકી જીવન દોરી લઈને આવેલા એ સૌ  

જીવનમાં સારું કે બુરું કાર્ય કરી સમય થતાં

જગતની વિદાય લઈને ચાલી જતાં હોય છે .

જેમ ફૂલો હોય છે બે જાતનાં –

સુગંધવાળાં અને સુગંધ  વિનાનાં ,

એવુ જ માનવ પુષ્પનું પણ  –

સદ્કાર્યોથી જન જીવન સુગંધિત બની જાય છે  

દુષ્કાર્યોથી સમાજ-બગીચામાં દુર્ગંધ ફેલાય છે !

  એકલતા

જીવનમાં સંજોગો એવો મોડ પણ લે છે ,

જ્યારે જીવનસાથી વિદાય લઇ લે છે ,

અર્ધાંગના જતાં અર્ધું અંગ રહી જાય છે !

શરીર -મનથી એકલા પડી જવાય છે !

શરૂમાં અચાનક આવેલી એકલતા જરૂર ખૂંચે છે

ત્યારબાદ… જેનો બીજો કોઈ ઉપાય નથી

એને સહન કર્યે જ છુટકો એમ મન મનાવી 

જાત સાથે સમજણ થઇ જાય છે .

ધીરે ધીરે એકલતા પચવા લાગે છે

મનને ગમતી ચીજોમાં જીવ પરોવીને

એકલતા સાથે મૈત્રી સંબંધ બંધાય છે

શરીરથી એકલા ભલે હો પણ મનથી નહી

એકલા હોવું  અને એકલતા એ એક નથી

જાત સાથે વાતો કરવાની પણ એક મજા છે !

એમાંથી જ આવું કોઈ સર્જન થઇ જાય છે !

મને મારી જાત સાથે હવે ફાવી ગયું છે ,

મને મારી સોબત હવે ગમવા માંડી છે .

હું હવે એકલો નથી ,

પ્રભુ અને મારી મૈત્રી જામી ગઈ છે

જીવ અને જીવન માટેનું એ ઓસડ બની ગઈ છે

મિત્રો, રખે મારી દયા ખાતા,

એકલતા હવે મને પચી ગઈ છે !

એકલતા હવે મને ફાવી ગઈ છે !

એકલતા હવે મને ગમી ગઈ છે !

વિનોદ પટેલ 

________________________________

HA ...HA....HA....

હાસ્યેન સમાપયેત – નવા વર્ષની રમુજ  

Chiman -new year cartoon >>>>> નવા વર્ષનો એકજ સંકલ્પ <<<<<

* ન બોલવામાં નવ ગુણ!     * બોલે એના બોર વેચાય!

[ ચિત્ર પ્રાપ્તિ; સનત પરીખ…..શબ્દ સજાવટઃ ચીમન પટેલ ચમન ‘ ]

(૦૩ જાન્યુ.’૧૪)

આભાર- શ્રી ચીમન પટેલ ચમન  અને શ્રી સનત પરીખ

_____________________________

ઉપરનું ચિત્ર જોઇને – મારું એક ચિત્ર હાઈકુ 

સ્ત્રી પંખીઓના 

શોરમાં , પુરુષોની

બોલતી બંધ !

વિનોદ પટેલ

(116) વિનોદ વિહારમાં શરુ થતી એક નવી લેખ શ્રેણી “આજનો શબ્દ – વિચાર વિસ્તાર ” માં “શબ્દ” વિષે….. .

વિનોદ વિહારમાં આજથી એક નુતન લેખ શ્રેણી “આજનો શબ્દ – વિચાર વિસ્તાર ” શરુ કરવામાં આવે છે.

આ લેખ શ્રેણીમાં કોઈ એક પસંદ કરેલા શબ્દ ઉપર મનમાં જે વિચારો આવે એને વિસ્તારીને પોસ્ટમાં આલેખવામાં આવશે.

આ શ્રેણીમાં આજનો પસંદ કરેલ શબ્દ  છે “શબ્દ “

આજનો શબ્દ -” શબ્દ”

એના વિષે વિચાર વિસ્તાર

આ કાના માતર વિનાના અઢી અક્ષરના શબ્દ “શબ્દ” ઉપર મારા મનમાં ઉદભવેલ વિચારોને વિસ્તારીને નીચે મુકું છું.

રોજે રોજ લોકો દ્વારા કેટલા શબ્દો બોલાતા હશે એનો અંદાઝ મેળવવો અશક્ય છે.જગતના કરોડો લોકોના મનમાં જ્ન્મ લેનાર શબ્દો વાક્યો બનીને  લેખો,પુસ્તકોમાં સંગ્રહ પામીને પુસ્તકાલયોમાં કેદ બનીને સદીઓથી પડેલા છે. રોજે રોજ આપણા નેતાઓ,એમનાં ભાષણોમાં શબ્દોના બાણોની  વર્ષા કરતા હોય છે.ટીવી રેડિયો,નાટકો ચલચિત્રો એમ ગણી ન ગણાય એટલી જગાએ શબ્દો જ અને માત્ર શબ્દો .લેખકોના વિચાર વલોણામાંથી શબ્દો રૂપી દહીં વલોવાઈને જે માખણ બને છે એનું નામ જ સાહિત્ય .જગતનો સૌથી નાનામાં નાનો અને જેનો અર્થ વિસ્તાર કરવા પુસ્તકો પણ ઓછાં પડે એવો જો કોઈ શબ્દ હોય તો એ છે મા.

શબ્દ  એટલે વાચા-વાણી.તમારા હૃદય-મનમાં ચાલતા વિચારોનો શબ્દ પડઘો પાડે છે.શબ્દ એ માનવ જાતને જન્મ સાથે જ ભગવાને આપેલી અણમોલ ભેટ છે.જન્મથી જ તમારો શબ્દ તમારી પહેચાન બનતો હોય છે.શબ્દની કિંમત કોઈ મુક કે બધિર ભાઈને નિહાળવાથી સમજાય છે.

બોલવું અને બોલી-બકી નાખવું એમાં ઘણો ફેર છે.કેટલાંક બોલે છે ,કેટલાંક બોલી નાખે છે.તમે જે બોલો એનું વજન પડવું જોઈએ .એમાંથી અર્થ નીકળવો જોઈએ. દ્રૌપદીના કૌરવો માટે સમજ્યા વગર વાપરેલા કટુ શબ્દો કે  “આંધળાના આંધળા જ હોય ” એ આખું મહાભારત રચ્યું હતું એ આપણે જાણીએ છીએ. શબ્દોને દાંત નથી હોતા પણ જ્યારે પણ એનાથી કોઈને જ્યારે બચકું ભરવામાં આવે છે ત્યારે એ ઘા એટલો ઊંડો હોય છે કે જીવનની સમાપ્તિ સુધી મન ઉપર પડેલો ઘા નથી રૂઝાતો કે નથી ભરાતો.

એક સરસ અરબી કહેવત છે કે “નહીં બોલાયેલો શબ્દ તમારો ગુલામ છે ,બોલાયેલો શબ્દ તમારો માલિક .” એવી  જ એક બીજી શબ્દ અંગેની એક ચીની કહેવત પણ છે કે “બે વસ્તુ નબળાઈની એંધાણી છે : બોલવું ઉચિત હોય ત્યારે મૂંગા રહેવું અને મૌન ઉચિત હોય ત્યારે બોલવું.” સહદેવ માટે એમ કહેવાય છે કે એ મનમાં બધું જાણતો, સમજતો હતો પણ કોઈ પૂછે નહીં ત્યાં સુધી કશું બોલતો ન હતો.જ્યારે ભીમ કોઈ પૂછે કે ન પૂછે જે મનમાં હોય એ ભરડી નાખતો.બોલવા વિષે સહદેવ અને ભીમ વચ્ચેનો મધ્યમ માર્ગ અપનાવવા જેવો ખરો !

શબ્દની સાથે ઘસો જો શબ્દને, ભડકો થશે,  

આ સૂતેલું લોહી જયારે જાગશે તડકો થશે…   

-હર્ષ બ્રહ્મભટ્ટ

શબ્દોમાં અપાર શક્તિ પડેલી છે.કોઈ સારા વક્તા દ્વારા વપરાયેલા શબ્દો લોકોને પ્રેરક બનીને જીવન પલટો કરાવી શકે છે.કોઈના યોગ્ય રીતે કરેલ વખાણ એ વ્યક્તિને જીવન સારી રીતે જીવ્યા બદલ પોરસ ચડાવે છે.એનામાં પડેલી સુસુપ્ત શક્તિઓને વધુ બહાર લાવવા માટે કટીબદ્ધ કરે છે.કોઈની અયોગ્ય ટીકા સંબંધોમાં તિરાડ પાડતી હોય છે.કોઈએ સરસ કહ્યું છે કે એવું મીઠું ન બોલો કે જગત તમને ચાવી જાય તો એટલું કડવું પણ ન બોલો કે જગત તમને થૂંકી નાખે.કેટલાક લોકોના શબ્દો દરજીની કાતરની જેમ કાપવાનું કામ કરે  છે જ્યારે કેટલાકના શબ્દો એની સોયની જેમ જોડવાનું કામ કરતા હોય છે.

શબ્દ નો વિરોધી શબ્દ છે અપશબ્દ.શબ્દો એ ગમે તેમ બોલીને વેડફી મારવાની ચીજ નથી.યોગ્ય સમયે યોગ્ય શબ્દ વાપરવાની કુનેહ જરૂરી છે. મનમાં કઈ અને જીભ ઉપર કઈ એ અપ્રમાણિકતાની નિશાની છે.સારા અને સ્પષ્ટ શબ્દો વાપરનાર ઉપર લોકો વિશ્વાસ મુકતા હોય છે.આવા પ્રમાણિક માણસોના બોર બજારમાં જલ્દી ખપી જાય છે. કોઇના યોગ્ય કામના યોગ્ય વખાણ કરવા સારા શબ્દો વાપરવામાં કંજૂસાઈ કરવા જેવી નથી . સમજ્યા વગર અને પરિણામની કાળજી દાખવ્યા વિના બોલાયેલા શબ્દો નફરતની આગ પેદા કરી શકે છે.સમય સુચકતા અને પ્રેમથી યોગ્ય સમયે વપરાયેલા યોગ્ય શબ્દથી કોઈની ચિંતાને હળવી કરી આશીર્વાદ સાબિત થઇ શકે છે.બીજો તમારા વિષે કઈ બોલે અને તમારી લાગણી દુભાતી હોય તો એ જ વસ્તુ તમારા બીજાના વિષે બોલાયેલા શબ્દોને પણ એટલી જ લાગુ પડે છે.શબ્દ તારે છે તો ડુબાડે પણ છે.શબ્દ હસાવે છે તો રડાવે પણ છે.શબ્દ જો અમૃત છે તો વિષ પણ છે.શબ્દ સાથે રમત ખેલવા જેવી નથી. એનો ઉપયોગ બહું જ સાવધાનીથી કરવા જેવો છે.

શબ્દ અંગે અંગ્રેજીમાં મેં એક સુંદર અવતરણ મારી નોટબુકમાં ટપકાવી રાખ્યું છે એ નીચે આપું છું.

A  careless  word may kindle strife

A  cruel word may wreck a life

A  bitter word may hate instill

A  brutal word may smite and kill

A  joyous word may light the day

A  timely word may lessen stress

A  loving word may heal and bless .

કહેવત છે કે બોલે એના બોર વેચાય તો એનાથી વિરુદ્ધ એક બીજી પણ કહેવત છે કે ન બોલ્યામાં નવ ગુણ.બહું બોલે નહિ એ મુગામાં અને બહું બોલે એ બોલકામાં ખપી જાય છે.એક સરસ અરબી કહેવત છે કે “નહીં બોલાયેલો શબ્દ તમારો ગુલામ છે જ્યારે બોલાયેલો શબ્દ તમારો માલિક .”ઘણા માણસો જ્યાં સુધી બોલે નહીં ત્યાં સુધી એમની મૂર્ખામી વિષે શંકા રહે છે પરંતુ જ્યારે બોલે છે ત્યારે એમની  મૂર્ખામી વિષે રહી સહી શંકાનું નિવારણ થઇ જાય છે.

માણસના મનના સરોવરમાં ચાલતાં વિચાર વર્તુળો અમાપ અને અનંત છે.એને નથી કોઈ આરો કે ઓવારો.આ વિચારોને સંપૂર્ણ રીતે શબ્દોમાં કેદ કરવા અશક્ય છે.શબ્દ વિષે હજુ વધુ વિચારીએ તો ઘણા શબ્દો લખી શકાય એમ છે.મને જે વિચાર આવ્યા એનાથી વધુ સારા વિચારો વાચકોના મનમાં પણ આવી શકે છે.વાચકોના વાચન,જ્ઞાન, અનુભવ અને કલ્પના શક્તિ આધારિત બીજા પૂરક શબ્દો એમના મનમાં ઉદભવે એ બિલકુલ સ્વાભાવિક છે.

વાચકોને એમનાં મનમાં રમતા શબ્દ વિષય ઉપરના વધુ પૂરક શબ્દો પ્રતિભાવ પેટીમાં લખી જણાવવા નિમન્ત્રણ છે.

આ વિનોદ વિહારની નવી શરુ કરેલી શબ્દ શ્રેણીમાં આજના શબ્દ “શબ્દ ” ઉપર જે બે શબ્દો મેં લખ્યા છે એ શબ્દો તમોને જો ગમ્યા હોય

તો એના પ્રતિભાવમાં તમારા તરફથી વધુ બે શબ્દો ઉમેરીને લખવામાં કંજુસી ન કરતા.

એવું જ નિમંત્રણ હવે પછી પોસ્ટ થનાર બીજા શબ્દો માટે પણ ખરું.

હવે પછીનો શબ્દ છે …”મન”. ચાલો મન એના ઉપર  મનન કરવા માંડો.!

વિનોદ આર. પટેલ, સાન ડીયેગો