વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Category Archives: ચિંતન લેખો

ચહેરો – વલીભાઈ મુસા

ભલે વિનોદ ભાઈનો ચહેરો હવે માત્ર ફોટાઓમાં જ દેખાવાનો હોય… આપણા સૌના મિત્ર વલીભાઈનું ‘ચહેરા દર્શન’ ગમી ગયું. એ અહીં રજૂ કરતાં પહેલાં….

વિનોદભાઈનો ચહેરો મને સ્વર્ગમાં પણ મલકાતો દેખાણો !

જગતના મોટા ભાગના ધર્મોમાંથી સર્વસામાન્ય એવું ખૂબ જ સાદું અને છતાંય ગહન એક સમીકરણ મળશે કે માનવી = આત્મા + શરીર. આમ આત્મા અને શરીરનું સહઅસ્તિત્વ જ માનવીના જીવનને શક્ય બનાવે છે. આત્મા જ મુખ્ય અને સંપૂર્ણત: મુખ્ય છે. આત્મા એ શરીરનો માલિક છે, જ્યારે શરીર એ તો તેનું ચાકર છે. બીજા શબ્દોમાં, આપણે શરીરને આત્માના સાધન તરીકે ઓળખાવી શકીએ અને એ સાધન થકી જ આત્મા પોતાના જીવનના ઉદ્દેશોને સિદ્ધ કરી શકે છે.

આત્મા અને શરીરને પોષણની જરૂર પડતી હોય છે. શ્રદ્ધા(ઈમાન) અને નૈતિક શિસ્ત એ આત્માના આહાર સમાન છે. તે જ પ્રમાણે, શરીરને પણ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાક, પાણી, હવા, આરોગ્યની કાળજી વગેરેની જરૂર પડતી હોય છે. આમ આત્મા અને શરીર બંને માટે સારી તંદુરસ્તી આવશ્યક બની જાય છે. માનવીએ એવા સજાગ રહેવું જોઈએ કે જેથી પોતાના આત્મા અને શરીર એમ ઉભય થકી પોતે બીમાર ન પડી જાય. જીવાતા જીવનમાં જો જરા પણ અસમતુલન આવી જાય તો માનવી પોતાના આત્મા અને શરીરના આરોગ્યની સમધારણ સ્થિતિને ગુમાવી બેસે છે અને એ બંનેના અધ:પતનને નિમંત્રે છે.

આત્મા અને શરીર સાથે સંબંધિત રોગો એકબીજાથી સાવ ભિન્ન છે. માનસિક અશાંતિ અને બૌદ્ધિક જટિલ ગ્રંથિઓ આત્માને બીમાર કરે છે, તો વળી ખોરાકની ટેવો અને તંદુરસ્તી પરત્વેની અજ્ઞાનતા શરીરને બીમાર કરે છે. આપણે આપણી જાતને આધ્યાત્મિકતાનાં ઊંચાં અને ઊંચાં શિખરો તરફ લઈ જવી હોય, તો આપણો આત્મા અને આપણું શરીર બંને સ્વસ્થ અને મજબૂત હોવાં જોઈશે. મનુષ્યજીવન અન્ય પ્રાણીઓના જીવન કરતાં શ્રેષ્ઠ છે. માનવી એ ઈશ્વરનું વિશિષ્ટ સર્જન છે અને તેણે તેના શિરે ઘણી જવાબદારીઓ નાખી છે કે જેમને તેણે ઉમદા કાર્યો અને સમર્પણની ભાવના સાથે પાર પાડવાની છે,

આમ ઈશ્વરની નજરમાં માનવીના જીવનનું એક મૂલ્ય છે. આ જીવનનો અર્થ એ નથી કે અન્ય પ્રાણીઓની જેમ આપણું મૃત્યુ ન આવે ત્યાં સુધી આપણે માત્ર જીવવું. ઈશ્વરે માણસને બૌદ્ધિક શક્તિ વડે મહા શક્તિશાળી બનાવ્યો છે. તેણે મનુષ્ય પાસે એવી અપેક્ષા રાખી છે કે તે પોતાના જીવનના અર્થ અને હેતુને સમજે. આધ્યાત્મિક ઉન્નતિ એ માનવજીવનનું પરમ લક્ષ છે. આધ્યત્મિક્તામાં ઈશ્વરને જાણવાની અને તેની નિકટતા પ્રાપ્ત કરવાની બાબતો સમાએલી છે. પરંતુ, ઈશ્વર સાથેની નિકટતાના સોપાનને સર કરવા માટેની નિસરણીનું પ્રથમ પગથિયું તો એ છે કે માનવી સૌથી પહેલાં પોતાની જાતને ઓળખી લે.

હવે, મારા સુજ્ઞ વાંચકોનું ધ્યાન ‘પ્રથમ પોતાની જાતને ઓળખવી અને પછી મહાન શક્તિશાળી ઈશ્વરને જાણવો’ એ બાબત ઉપર કેન્દ્રિત કરું છું. અહીં નીચે મારી એક ગુજરાતી ટૂંકી વાર્તા છે કે જેને તમે લલિત નિબંધમાં પણ વર્ગીકૃત કરી શકો છો. મારી વાર્તા ‘સહજ જ્ઞાન’ ની શૈલી તમને કદાચ રમુજી લાગશે, પણ તે વાર્તા તમને ચૂપચાપ તમારી કલ્પના બહાર તેના વિષયવસ્તુ અને તેના લક્ષની પરાકાષ્ઠાએ લઈ જશે. આ વાર્તાના વાંચન દરમિયાન તમને એવું લાગશે કે વાર્તાના અનામી પાત્રની સાથે ને સાથે તમે પણ એ આધ્યાત્મિક દુનિયામાં વિહરો છો.

હવે, આગળ વધો અને વાર્તાને માણો…..]

-વલીભાઈ મુસા

સહજ જ્ઞાન
ચહેરા ! માનવીઓના ચહેરા ! સાફસુથરા અને ખરડાયેલા ચહેરા ! નિખાલસ અને દંભી, નિર્દોષ અને ખૂની ચહેરા ! ત્યાગી અને ભોગી ચહેરા ! કરૂણાસભર અને લાગણીશૂન્ય ચહેરા ! સ્વમાની અને અભિમાની ચહેરા, વિવેકી અને ખુશામતિયા ચહેરા ! લટકતા ચહેરા, ટટ્ટાર ચહેરા ! લાલચુ અને દરિયાવદિલ ચહેરા ! વૃદ્ધ, યુવાન અને બાળકોના ચહેરા ! સ્ત્રીપુરુષના ચહેરા ! કાળા-ગોરા, રૂપાળા-કદરૂપા ચહેરા ! નેતાઓના ચહેરા, પ્રજાઓના ચહેરા ! ખેડૂત અને ખેતમજૂર, શેઠ અને ગુમાસ્તાઓના ચહેરા ! અભિનેતા-અભિનેત્રીઓના ચહેરા ! શીતળાના ડાઘવાળા ચહેરા ! ચીબાં કે ચપટાં નાકવાળા ચહેરા ! વિવિધરંગી આંખની કીકીઓ ધરાવતા ચહેરા ! અંધ ચહેરા ! પાતળા કે જાડા હોઠવાળા ચહેરા ! દાઢીધારી અને ક્લિનશેવ ચહેરા ! મૂછાળા ચહેરા ! પફપાવડરયુક્ત ચહેરા ! પરસેવાથી રેબઝેબ ચહેરા ! ચશ્માંધારી ચહેરા ! નાકકાન વીંધેલા ચહેરા ! અલંકૃત અને કુદરતી ચહેરા ! કપાળે રંગબેરંગી ચાંદલા અને કોરાં કપાળવાળા ચહેરા ! માતાઓ, પુત્રીઓ, ભગિનીઓ અને વનિતાઓના ચહેરા ! વિધવાઓના ચહેરા, વિધુરોના ચહેરા ! પિતા, પુત્ર, ભાઈ અને ભરથારોના ચહેરા ! સૌમ્ય અને રૂક્ષ ચહેરા ! હસતા-હસાવતા, રડતા-રડાવતા ચહેરા ! ગભરુ અને ડરપોક ચહેરા ! નીડર અને મક્કમ ચહેરા ! ચહેરા જ ચહેરા ! ચોતરફ, બસ ચહેરા જ ચહેરા ! ચહેરાઓનાં જંગલ, ચહેરાઓના મેળા, ચહેરાઓનાં પ્રદર્શન, ચહેરાઓનાં બજાર, ચહેરાઓનાં ખેતર, ચહેરાઓના પહાડ, ચહેરાઓના દરિયા, ચહેરાઓનું આકાશ ! અરે, ચહેરાઓનું બ્રહ્માંડ !

ચહેરાઓની ભીડમાં ભીંસાતો, લપાતો, ગુંગળાતો, ખીલતો, કરમાતો, બહુરૂપી-બહુરંગી મારો ચહેરો લઈને હું પણ ચહેરાઓની ભીડનો એક અંશ બનીને ભમી રહ્યો છું. મારી નજરે આવી ચઢતા એ ચહેરાઓને અવલોકું છું, વર્ગીકૃત કરું છું, પસંદ કરું છું, તિરસ્કૃત કરું છું, વારંવાર જોઉં છું, બીજી વખત જોવાથી ડરું છું !

હું દૃષ્ટા છું, ચહેરાઓ દૃશ્ય છે, મારાં ચક્ષુમાં દૃષ્ટિ છે. આસપાસના સઘળા ચહેરા મારાં ચક્ષુમાં ઝીલાય છે, છતાંય તેમની એક મર્યાદા છે ! મારાં ચક્ષુ મારા ચહેરાને જોઈ શકતાં નથી ! પરંતુ મારે મારો ચહેરો જોવો છે, મારે જાણવું છે કે કેવોક છે મારો ચહેરો ! મારે મારા ચહેરા વિષેનો અભિપ્રાય મેળવવો છે ! પણ સાચો અભિપ્રાય હું આપી શકીશ ? તાટસ્થ્ય જળવાશે ખરું ? હરગિજ નહિ ! તો પછી કોને પૂછું ? આયનાને પૂછું ? ના, કેમ કે તે પ્રતિબિંબ આપશે, અભિપ્રાય નહિ ! અભિપ્રાય તો મારે જ આપવાનો રહેશે. વળી એ પણ નિર્વિવાદ છે કે મારો અભિપ્રાય મને ભાવતો, મને ગમતો જ હશે ! મારે તો તટસ્થ અભિપ્રાય જોઈએ, સાચો અભિપ્રાય જોઈએ ! હું જાણવા માગું છું કે હું જે ચહેરો લઈને ફરું છું તે અસલી છે કે નકલી ? મારા મૂળભૂત ચહેરા ઉપર બીજા ચહેરાનું મહોરું પહેરીને તો હું નથી ફરી રહ્યો ! મૂળ ચહેરા ઉપર એક જ નવીન ચહેરો કે પછી એક ઉપર બીજો, ત્રીજો કે સંખ્યાબંધ ચહેરા છે ?

હું નીકળી પડું છું, મારા ચહેરા વિષેની પૂછતાછ કરવા ! સામે જે કોઈ આવે તેને પૂછતો જાઉં છું, નિ:સંકોચ પૂછી બેસું છું; મારી ડાગળી ચસકી ગયાની શંકા લોકો કરશે કે કેમ તેની પણ પરવા કર્યા સિવાય હું પૂછતો જાઉં છું.

પ્રારંભે હું મળ્યો, મારા ફેમિલી કેશકર્તકને ! જવાબ મળ્યો, મારી શૉપમાં આપ પ્રવેશો છો ત્યારે વધી ગએલી દાઢીના આવરણમાં આપનો ચહેરો મને સંપૂર્ણ દેખાતો નથી ! ત્યાર પછી તો વળી સાબુના ફીણમાં બધું જ ઢંકાઈ જાય છે ! અસ્ત્રાના બે હાથ ફરી ગયા પછી પણ મને આપનો ચહેરો દેખાતો નથી. મને તો માત્ર છૂટાછવાયા રહી ગયેલા વાળ માત્ર દેખાય છે ! મારું લક્ષ હોય છે – બસ; વાળ, વાળ અને વાળ ! માટે સાહેબ, આપના ચહેરા વિષે હું કશું જ કહી શકું નહિ ! સોરી ! તેણે ચાલાકીપૂર્વક મને હાથતાળી આપી દીધી ! પણ વળી છૂટા પડતાં તેણે મારા ઘરનું સરનામું બતાવી દેતાં મારા કાનમાં ફૂંક મારી, ‘સાહેબ, આડાઅવળા ભટકવા કરતાં ઘરવાળાંને પૂછી લો તો વધારે સારું, કારણ કે તમારે તેમનો સહવાસ વધારે !’

હું ઝડપથી ઘર તરફ રવાના થયો અને પ્રથમ ઘરવાળી અને પછી ઘરવાળાંને પૂછ્યું. બધાંએ જાણે કે સર્વાનુમતે ઠરાવ પસાર કરી દીધો હોય તેમ જવાબ વાળી દીધો, ‘તમારો ચહેરો ? સુંદર, અતિ સુંદર !’ મને તેમના અભિપ્રાયમાં નર્યા પક્ષપાતની ગંધ આવી.

તાબડતોબ હું ઘરેથી નીકળ્યો. મિત્રો પાસે ફરી વળ્યો. વિવિધ અભિપ્રાયો મળ્યા : ‘વેદિયો, ચિબાવલો, ચીકણો, રૂપાળો, એરંડિયું પીધેલો, છેલબટાઉ, વરણાગિયો, રમતિયાળ, ગંભીર, ચોખલિયો, ઉતાવળિયો, બળતરિયો, લોભિયો, ધૂતારો, સત્યવાદી, શેતાની, ગધેડા-પાડા-કાગડા જેવો, ભોળિયો, ડફોળ, માયકાંગલો, આખાબોલો, ખુશામતિયો, બોચો, સુંવાળો, ખંતીલો, એદી, હરામી, ડંફાસિયો !’ મિત્રોએ મને ગૂંચવી નાખ્યો, મને હતાશ કર્યો. દુશ્મનોને પૂછી લેવાનું વિચાર્યું, પણ તેમની કરડી આંખો નજર સમક્ષ આવી જતાં મુલતવી રાખ્યું, અનામત રાખ્યું ! નાછૂટકે છેલ્લે પૂછવાનું રાખી હું આગળ વધ્યો.

પહાડોને પૂછ્યું, ‘મારો ચહેરો કેવોક છે ?’ જવાબમાં મારા પ્રશ્નના પડઘા મળ્યા. નદીને પૂછ્યું : કલકલ અવાજમાં મારા પ્રશ્નને તેણે હસી કાઢ્યો. દરિયાને પૂછ્યું : તેના ઘૂઘવાટમાં મારો પ્રશ્ન ડૂબી ગયો. વૃક્ષોને પૂછ્યું : ડાળીઓ હલાવીને ‘જવાબ નથી’નો સંકેત આપ્યો. કૂતરાની ટપકતી લાળને, મતલોલૂપ ચૂંટણીના ઉમેદવારોની આંખોને, રેલપાટાની ફિશપ્લેટોને, ટિક ટ્વેન્ટીની શીશીને, મદિરાને, ગેસના બાટલાઓને, રેશનીંગ કાર્ડને, કચરાના ડબ્બાને, બીડીઓનાં ઠૂંઠાંઓને, તમાકુ ઘસેલા રખડતા પોલિથીન ટુકડાઓને, ઘોડાઓના હણહણાટને, આકાશને, હૉટલના એંઠવાડને, રેલવે પ્લેટફોર્મની ગંદકીને, ડૉક્ટરોના સ્ટેથોસ્કૉપને, ઉકરડાઓને, ગટરનાં ઢાંકણાંઓને, બાગબગીચાઓને, રંગબેરંગી ફૂલોને, ફુવારાઓને, ભિખારીઓની આજીજીને; જે સામે આવ્યું તેમને પૂછતો જ ગયો. મારો એક જ પ્રશ્ન હતો, ‘મારો ચહેરો કેવો છે ?’ બધાંએ કાં તો જવાબ આપવાનું ટાળ્યું અથવા ગમે તેવાં વિશેષણોથી મારા ચહેરાને કાં તો નવાજ્યો અથવા વખોડ્યો. હું પૃથ્વી ફરી વળ્યો. જડ અને ચેતનને પૂછી લીધું. મને ક્યાંયથી મારા ચહેરા વિષેનો વ્યવસ્થિત જવાબ ન મળ્યો.

હું હાર્યો, થાક્યો, કંટાળ્યો. પથારીમાં આડો પડ્યો. મેં આંખો બંધ કરીને અંતરના ઊંડાણમાં ડોકિયું કર્યું, પછી અંતરમાં ઊતર્યો, ઊંડો ને ઊંડો ઊતરતો ગયો. બાહ્ય જગત દેખાતું બંધ થયું, આંતરજગત ખૂલ્લું થતું ગયું. દૂરદૂર સુધી મને દિવ્ય આકાશ દેખાવા માંડ્યું. પછી તો મને પાંખો ફૂટી. હું ઊડવા માંડ્યો. ચહુદિશ મારું ઉડ્ડયન થતું રહ્યું. મને કોઈ દિવ્ય આનંદની અનુભૂતિ થઈ રહી હતી. મને સ્વૈરવિહાર કરવાની ખૂબ મજા પડી. મજાની વાત તો એ હતી કે મને પાંખો હલાવતાં જરાય પરિશ્રમ પડતો ન હતો. સહેજ પાંખો હલાવું અને સ્થિર કરું તેટલામાં તો અસંખ્ય જોજનોનું અંતર કપાતું હતું. અકલ્પ્ય અને અનંત આનંદ લૂટતાં કેટલાય સમય સુધી મારો સ્વૈરવિહાર ચાલુ રહ્યો.

ત્યાં તો દૂર-સુદૂર મેં એક વિરાટ વૃક્ષ જોયું – દિવ્ય વૃક્ષ જોયું ! દિવ્ય પ્રકાશથી ઝળહળતું અદભુત વૃક્ષ ! જોજનો સુધી ફેલાયેલી પ્રકાશમય ડાળીઓ ! તેના ઉપર તેજોમય પર્ણ અને ફૂલ ! હું લલચાયો. થાક્યો ન હતો, વિસામાની જરૂર ન હતી; છતાંય આનંદ લૂંટવા એક ડાળીએ બેઠો. હું મંદગતિએ ડાળીએ ઝૂલવા માંડ્યો. કોઈ પક્ષીનું પીછું ખરે, તેમ મારામાંથી કંઈક ખરતું – કંઈક છૂટું પડતું હું અનુભવવા માંડ્યો. સાપ કાંચળી ઊતારે તેમ મારા દેહમાંથી બીજો દેહ વિખૂટો પડવા માંડ્યો. મારી જ પ્રતિકૃતિ સમી એ આકૃતિ દિવ્ય તેજ ધરાવતી હતી. તેણે વિરાટ ધવલ વૃક્ષની પ્રદક્ષિણા કરીને મારી સામેની ડાળીએ આસન જમાવ્યું. હું રોમાંચ અનુભવવા માંડ્યો. દિવ્ય જ્યોતિસ્વરૂપ તેના ચહેરા ઉપર દિવ્ય સ્મિત, આંખોમાં દિવ્ય પ્રકાશ, ધવલ દાંત, ઘેરા ધવલ હોઠ, તેજસ્વી કપોલ પ્રદેશ ! અદભુત કૃતિ ! અદભુત આકૃતિ ! અદભુત મારી પ્રતિકૃતિ ! અમારી વચ્ચે વાર્તાલાપ શરૂ થયો :

મેં પૂછ્યું, ‘તું કોણ છે ?’

‘પૂછવાની જરૂર ખરી !’ જવાબ મળ્યો.

‘તોયે !’

‘હું તારું સૂક્ષ્મ સ્વરૂપ અને તું છે મારા ઉપરનું આવરણ ! તું નાશવંત, હું અમર ! છતાંય પરમ જ્યોતિરૂપ ઈશ્વરમાં વિલીન થઈ જવાની શક્યતા ખરી ! મારો નાશ તો નહિ જ ! માત્ર ભળી જવું ! તેને મોક્ષ, મુક્તિ, ઉદ્ધાર, સિદ્ધિ ગમે તે નામ આપ !’

‘મતલબ કે ‘તું’ એ ‘હું’ જ છું ! તો મારા ‘હું’ને કેવી રીતે છૂટો પાડી શકાય ?’

‘વળી પાછી ભૂલ ! એમ કહે કે ‘સૂક્ષ્મ ‘હું’થી સ્થૂળ ‘હું’ કઈ રીતે છૂટો પડે ? સહેલો સિદ્ધાંત બતાવું ?’

‘હા’

‘એ છે શેષ સિદ્ધાંત, બાદબાકીનો સિદ્ધાંત, છેદ સિદ્ધાંત !’

‘એ વળી શું ?’

‘તારા નાશવંત શરીરના એક એક અંગને બાદ કરતો જા, તારાથી દૂર કરતો જા ! એટલે સુધી કે તારા બાહ્ય શરીરને સંપૂર્ણપણે ફેંકી દે ! છેલ્લે વધે તે ‘હું’ કે જે હાલ તારી સામે મોજૂદ છે !’

‘મેં મારા જગતના તમામ ધર્મોના સર્વસારરૂપ એક વાત જાણી છે કે આપણો ઈશ્વર દિવ્ય પ્રકાશરૂપ છે, જેને કોઈ જ્યોતિરૂપે કે નૂરસ્વરૂપે ઓળખાવે છે ! મને ‘તું’માં દેખાતા ‘હું’માં ઈશ્વરીય દિવ્ય પ્રકાશની પ્રતીતિ થાય છે, તો પછી ‘હું’ ઈશ્વર તો નથી ?’

‘ના હરગિજ નહિ, કેમ કે તારા જેવાં અનંત જડ અને ચેતન પોતપોતાનાં આવાં સૂક્ષ્મ સ્વરૂપો ધરાવે છે ! પછી તો ઘણા ઈશ્વર થઈ જાય ! પણ, ઈશ્વર તો એક જ છે. તે નિરંજન છે, નિરાકાર છે ! આમ તું તો ઈશ્વરનો અંશમાત્ર છે. તે અખંડ છે, તું ખંડ છે; ખંડ કદીય સમગ્રની બરાબર થઈ શકે નહિ ! તારા દુન્યવી ભૂમિતિશાસ્ત્રમાં પણ આ સિદ્ધાંત વડે કેટલીક આકૃતિઓના પ્રમેયો સિદ્ધ કરવામાં આવે છે. તારું અસ્તિત્વ નહિવત્ છે; વિરાટ સમદરના ટીપા સમાન, વિરાટ વૃક્ષના પર્ણ સમાન કે પછી દિવ્ય પ્રકાશના એક કિરણ સમાન તું છે. ખાબોચિયું સમુદ્રતોલે ન આવી શકે. પાણીનું બંધારણ સમાન હોવા છતાં ‘બિંદુ’ એ બિંદુ છે અને ‘સિંધુ’ એ સિંધુ છે.’

‘અમારી વચ્ચે બીજો કોઈ ફરક ખરો ?’

‘હા, તું અનંત સર્જનો પૈકીનું એક સર્જન, જ્યારે તે એટલે કે ‘ઈશ્વર’ સર્જક !’

‘એક વધુ પ્રશ્ન પૂછું કે તે જો બધું જ સર્જી શકે તો પછી પોતાના જેવો સર્વશક્તિમાન બીજો ઈશ્વર સર્જી શકે ખરો ?’

‘હા’

‘તો પછી મારે કોને ભજવો ?’

‘સર્જકને જ તો વળી ! ખેર, રહેવા દે. આ બધી ગહન વાતો છે. તું તારા ચહેરાના પ્રશ્ન ઉપર આવી જા. મારા ચહેરા સામે તેં જોયું ? આ જ તારો અસલી ચહેરો છે, તારા સૂક્ષ્મ સ્વરૂપનો ચહેરો ! તારા સ્થૂળ દેહના ચહેરા ઉપર તું અનેક મહોરાં બદલતો જાય છે, બદલી શકે છે; કારણ કે તું સત્યથી દૂર ભાગ્યો છે !’

“તારો ‘સત્ય’ શબ્દ સાંભળીને મને એક વળી બીજો પ્રશ્ન યાદ આવે છે. ધર્મશાસ્ત્રોમાં, સત્ય એ જ ઈશ્વર છે તે મને કઈ રીતે સમજાવીશ ?”

“અહીં તારી ભૂલ થાય છે. ‘સત્ય’ એ તો અનેક ગુણો કે વિશેષણો પૈકીનો એક શબ્દ છે. ‘સત્ય’ને ઈશ્વર તરીકે પ્રસ્થાપિત કરવા કરતાં એમ કહેવું વધુ ઇષ્ટ રહેશે કે ઈશ્વર સત્ય છે; માત્ર ‘સત્ય’ જ નહિ, ‘પરમ સત્ય’ છે. આમ છતાંય સાવ સહેલી રીતે એ બંનેની એકરૂપતા તને સમજાવું. ઈશ્વર એક જ છે અને કોઈપણ પ્રશ્નનો સત્ય ઉત્તર એક જ હોય છે, અસત્ય ઉત્તરો અનેક હોઈ શકે. ‘તારા બંને હાથનાં આંગળાં કેટલાં’નો સત્ય જવાબ એક જ છે; પણ તેના અસત્ય જવાબો ‘દસ’ સિવાયની અગણિત સંખ્યાઓ હોઈ શકે. આમ ઈશ્વરને અને સત્યને એકત્વનો ગુણ લાગુ પડે છે, માટે આ ગુણથી ઉભય એકરૂપ છે.”

‘તારી પાસેથી દિવ્ય જ્ઞાન લાધ્યું !’

“એ તારી ભ્રમણા છે. આપણા વચ્ચેની આટલી વાતચીતમાં દિવ્ય જ્ઞાનનો સૂક્ષ્માતિસૂક્ષ્મ અંશ પણ નથી. એને તું ‘સહજ જ્ઞાન’ કહી શકે ! ખેર, આપણી વચ્ચે ભવિષ્યે પણ ઘણીબધી વાતો થતી રહેશે. જ્યારેજ્યારે તું આંતરદર્શન કરશે, ત્યારેત્યારે તારી સમક્ષ હાજર થતો રહીશ. એક જ મુલાકાતે સઘળું જ્ઞાન પ્રાપ્ત ન થઈ શકે ! હવે, મૂળ વાત તારા ચહેરા વિષેની ! તેં તારો અસલી ચહેરો હોઈ લીધો, જાણી લીધો ? એ ભૂલીશ નહિ કે તું દિવ્ય ચહેરો ધરાવે છે ! આ ચહેરાનું પ્રતિબિંબ તને તારા અંતરના અરીસામાં જોવા મળશે ! જે ‘હું’ને જાણી શકે, તેના માટે જ પરમ સત્યરૂપ ઈશ્વરને જાણવા માટેનાં દ્વાર ખુલી શકે ! છેલ્લે એક વાત અન્યના ચહેરાઓ વિષે કે જે તને ચિત્રવિચિત્ર લાગતા હતા, હવે તને બદલાયેલા લાગશે. કેવા લાગશે તે હું નહિ કહું ! એની અનુભૂતિ તું જાતે જ કરી લેજે.’

મારામાંથી છૂટો પડેલો ‘હું’ ફરી મારામાં પ્રવેશવા માંડ્યો. હું બેમાંથી એક થઈને જાગ્યો. ઊઠ્યો. શું એ દિવાસ્વપ્ન હતું કે પછી તંદ્રાવસ્થા યા સહજ જ્ઞાન ! અરીસામાં જોયું. મારા દિવ્ય ચહેરાનાં મને દર્શન થયાં. હું મારી રોજિંદી પ્રવૃત્તિઓમાં ગોઠવાયો. સામે આવતાજતા અન્ય ચહેરાઓ પણ મને દિવ્ય લાગવા માંડ્યા. મને દિવ્ય દૃષ્ટિની જડીબુટ્ટી હાથ લાગી ગઈ હતી. મને સઘળું દિવ્ય, સુંદર, અતિ સુંદર દેખાવા માંડ્યું ! અંતરમાં એક સૂત્ર સ્ફૂર્યું ! પણ ના, એને સૂત્ર કહીશ તો તે શુષ્ક લાગશે ! એને મંત્ર જ કહીશ ! હા, તે જ ઉચિત ગણાશે. તો એ મંત્ર છે : ‘દિવ્ય જો દૃષ્ટિ, તો દિવ્ય સૃષ્ટિ !’

– વલીભાઈ મુસા

1337 – મહિલા દિન \ નારી શક્તિ અભિવાદન દિન …..

૮ મી માર્ચ ના વિશ્વ મહિલા દિન નિમિત્તે કેટલીક પ્રસંગોચિત હાઈકુ રચનાઓ દ્વારા દેશ વિદેશમાં ઉભરતી જતી નારી શક્તિને બિરદાવી એનું ગૌરવ કરીએ.

૧.

આઠમી માર્ચ,

વિશ્વ મહિલા દિન 

અભિનંદન.

૨.

અબળા નથી,

સબળા બની આજે,

વિશ્વ નારી.

૩.

પુરુષ સમી

બની આજે આગળ,

મહિલા ધપે .

પ્રગતિશીલ,

મહિલા દર્શનથી,

હૈયું હરખે

કોઈ બંધન,

નથી, નારીને હવે,

પ્રગતી પંથે.

બેટી બચાઓ,

બેટી પઢાઓ મંત્ર,

બધે ફેલાઓ.

૭ .

એક દીકરી,

દસ દીકરા સમી,

એને જાણીએ.

 

દીકરી એતો,

ઘરમાં પ્રકાશતી,

તેજ દિવડી.

૯ .

કરો વંદના,

વિશ્વ નારી શક્તિને,

મહિલા દિને.

વિનોદ પટેલ.

એક કાવ્ય

જ્યાં જુઓ ત્યાં નારી
ઊંચા સિંહાસન પર બેસનારી…

જ્યાં જુઓ ત્યાં નારી
પાવાગઢ પર બેસનારી…

જ્યાં જુઓ ત્યાં નારી
જીજાબાઈ નામે શિવાજીને ઘડનારી…

જ્યાં જુઓ ત્યાં નારી
ઝાંસીની રાણી તલવાર લઈને લડનારી…

જ્યાં જુઓ ત્યાં નારી
ચૌદ વરસની ચારણ ક્ન્યા સિંહને ભગાડનારી…

જ્યાં જુઓ ત્યાં નારી
મધર ટેરેસા ગરીબોની સેવા કરનારી…

જ્યાં જુઓ ત્યાં નારી
સંગીતકલામાં લતા મંગેશકર ગાનારી..

જ્યાં જુઓ ત્યાં નારી
ઈન્દીરા ગાંધી ગાદી પર બેસનારી…

જ્યાં જુઓ ત્યાં નારી
પિટી ઉષા દોડમાં પ્રથમ આવનારી…

જ્યાં જુઓ ત્યાં નારી
કલ્પના ચાવલા હવામાં ઉડનારી…

જ્યાં જુઓ ત્યાં નારી

સર્જનહારનું અનોખું, સર્જન નારી

દિનેશભાઈ નાયક

 

સૌજન્ય શ્રી ગોવિંદ મારૂ સંપાદક ”અભિવ્યક્તિ” બ્લોગ 

આજે મહીલા દીન’ નીમીત્તે,

લેખક શ્રી. જય વસાવડાનો લેખ :

સ્ત્રીઓની મુક્તી… વીજ્ઞાનની શક્તી!

 લેખમાં વીજ્ઞાન અને વીજ્ઞાનની શક્તી દ્વારા સ્ત્રીઓની જીન્દગી ખરેખર કેટલી પ્રેશરમુક્ત અને આસાન બની છે! સાયન્સ સ્ત્રીને સલામી આપતું રહ્યું છેઆવોજયભાઈના દૃષ્ટીકોણથી આ લેખને જોઈએ અને સમજીએ…

આખી પોસ્ટ માણવા માટે લીન્ક નીચે આપી છે

https://govindmaru.com/2020/03/06/jay-vasavda-2/.

 

.એટલે સ્ત્રી | …Atle Stree | Women’s Day Special | Ankit Trivedi

Watch Writer Poet Columnist Novelist Ankit Trivedi’s hilarious Speech in his inimitable style.
Swarostsav is Gujarati Culture Festival held in Ahmedabad.

https://youtu.be/XT8MYjEdHLg

 

1336 -વિશ્વના બીજા નંબરના ધનિક વોરન બફેટની સાદગી અને જીવન સંદેશ

વિશ્વના બીજા નંબરના સહુથી ધનિક એવા વોરન બફેટે ૩૧ બિલિયન ડોલરનું દાન કર્યું તે પછી  સીએનબીસીએ લીધેલા તેમના ટેલિવિઝન ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે કરેલાં કેટલાંક વિધાન વિશ્વભરના ધનપતિઓ માટે જ નહીં પરંતુ દુનિયાભરના તમામ લોકોએ તેમાંથી શીખવા જેવી વાત છે.

કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો આ પ્રમાણે છે :

(૧) મને મારી જિંદગીની કમાણીનો હિસ્સો પહેલી જ વાર ૧૧ વર્ષની વયે પ્રાપ્ત થયો હતો. એ વખતે મોંઘવારી નહોતી. તમે તમારાં બાળકોને ઇન્વેસ્ટ કરતાં શીખવો.

૨) મેં ૧૪ વર્ષની વયે ન્યૂઝ પેપર્સનું વિતરણ કરીને જે બચત કરી હતી તેમાંથી મેં એક નાનકડું ફાર્મ ખરીદ્યું. તમે નાનકડી પણ બચત કરીને ઘણું મેળવી શકો છો. તમે તમારા સંતાનને કોઈ પણ ધંધો કરવા પ્રોત્સાહિત કરો. મેં ૧૧ વર્ષની વયે કમાણીની શરૂઆત કરી હતી, પરંતુ આજે મને લાગે છે કે મેં ઘણું મોડું શરૂ કર્યું. મારે તે કરતાંય વહેલાં કમાવાનું શરૂ કરવાની જરૂર હતી.

Warren Buffets home

(૩) હું આજે પણ ત્રણ બેડરૂમના નાનકડા ઘરમાં રહું છું. આ ઘર મેં આજથી ૫૦ વર્ષ પહેલાં મિડટાઉન ઓમાહામાં ખરીદ્યું હતું. મારા આ નાનકડા ઘરમાં કોઈ દીવાલો કે બહાર તારની વાડ નથી. મારા ઘરમાં મારે જેની જરૂર છે તેટલી ચીજ વસ્તુઓ જ ઉપલબ્ધ છે. તમારે જરૂર છે તે કરતાં વધુ કોઈ પણ ચીજની ખરીદી ન કરો. તમારાં બાળકોને પણ એમ જ શીખવો કે જરૂરિયાત કરતાં વધારાની ચીજવસ્તુઓની ખરીદી કરી પૈસા ન બગાડે.

(૪) હું મારી મોટરકાર જાતે જ ચલાવું છું. ડ્રાઇવર રાખતો નથી. મારી આસપાસ સલામતી માટે પણ માણસો રાખતો નથી. તમે જે છો તે જ રહેવાના છો.

(૫) વિશ્વની મોટામાં મોટી પ્રાઇવેટ જેટ કંપનીનો માલિક હોવા છતાં હું મારા માટે પ્રાઇવેટ જેટ વિમાન રાખતો નથી. જીવનની દરેક બાબતમાં કરકસર કરો.

(૬) બર્કશાયર હાથવે નામની મારી પેઢી ૬૩ જેટલી કંપનીઓ ધરાવે છે.

આ તમામ કંપનીઓના સીઇઓને વર્ષમાં હું એક જ પત્ર લખું છું. તેમને મારે જે જોઈએ છે તે લક્ષ્યાંક આપી દઉં છું. હું નિયમિત મિટિંગો બોલાવતો નથી. વર્ષમાં મારા લક્ષ્યાંકો આપવા એક જ મિટિંગ બોલાવી બાકી તે લક્ષ્યાંક હાસલ કરવાનું કામ હું તેમને સોંપી દઉં છું. લક્ષ્યાંક પૂરો કરવાની જવાબદારી મારી કંપનીઓના વડાઓની છે.

(૭) હું યોગ્ય વ્યક્તિને જ યોગ્ય કામ આપું છું. મતલબ કે ‘રાઇટ પિપલ’ ને ‘રાઇટ જોબ’ આપું છું.

(૮) હું મારા સીઇઓને એ નિયમો આપું છું, રુલ નંબર એક : શેર હોલ્ડરનાં નાણાં ડૂબવાં જોઈએ નહીં. રુલ નંબર બે : પહેલા નંબરના રુલનો કદી ભંગ થવો જોઈએ નહીં.

તમે એક ગોલ નક્કી કરો અને તમારા માણસોને ગોલ પર ધ્યાન કેન્દ્રિત કરે તેવી વ્યવસ્થા કરો.

૯) મોટા મેળાવડાઓ કે હાઈ સોસાયટીના જમેલાઓમાં જઈ હું સમય બગાડતો નથી. એમ કરવાને બદલે હું મારા ઘરે જઈ પોપકોર્ન ખાતાં ખાતાં ટેલિવિઝન જોવાનું પસંદ કરું છું.

(૧૦) તમે જે નથી તેનો દેખાડો કરવાનો પ્રયાસ કદી ન કરશો. હું જે છું તેવો જ સમાજમાં દેખાઉં તે જરૂરી છે. તમને જે ગમે છે તે પ્રમાણે જીવનનો આનંદ માણો.

(૧૧) મારી પાસે કોઈ સેલ ફોન નથી. હું મારા ટેબલ પર કમ્પ્યુટર પણ રાખતો નથી.

(૧૨) હું કોઇ ક્રેડિટ કાર્ડ રાખતો નથી. ક્રેડિટ કાર્ડ કદી રાખવું નહીં. હું બેન્કોમાંથી લોન લેતો નથી.

(૧૩) એક વાત યાદ રાખો કે પૈસો માનવીનું સર્જન કરતો નથી, પરંતુ માનવી જ પૈસાનું સર્જન કરે છે.

(૧૪) બની શકે તેટલી સાદગીથી જીવન જીવો.

(૧૫) બીજાઓ જે કરે છે તેમ ન કરો. બીજાઓ જે કહે છે તે સાંભળો અને તમને યોગ્ય લાગે તેમ જ કરો.

(૧૬) કોઇ પણ બ્રાન્ડનેમ પાછળ પાગલ ન બનો. બ્રાન્ડનેમ જોઈને ખરીદી ન કરો. તમને જેમાં સુવિધા લાગતી હોય તે જ વસ્ત્રો, ચશ્માં કે જૂતાં પહેરો.

(૧૭) બિનજરૂરી ચીજવસ્તુઓની ખરીદી કરી પૈસા બરબાદ ન કરો. તમને જેની જરૂરિયાત છે તે જ વસ્તુઓ ખરીદો.

(૧૮) આખરે તમારું જીવન એ તમારું જ છે. બીજાઓ તમારા જીવન પર રાજ કરે તેવી તક બીજાઓને ન આપો. તમને જરૂર જ ન હોય છતાં કોઈ બ્રાન્ડનેમવાળી જ ઘડિયાળ તમે ખરીદો છો ત્યારે એ બ્રાન્ડ ધરાવતી કંપની આડકતરી રીતે તમારી પર રાજ કરે છે તે સત્ય સમજો.

(૧૯) વિશ્વના સુખી લોકો પાસે વિશ્વની શ્રેષ્ઠ બ્રાન્ડ ધરાવતી ચીજવસ્તુઓ હોતી જ નથી. તેમની પાસે જે ઉપલબ્ધ છે તેની જ તેઓ કદર કરે છે.

વિશ્વના બીજા નંબરના સહુથી ધનિક એવા વોરન બફેટને વિશ્વના સહુથી વધુ ધનવાન એવા બિલ ગેટ્સે એક વાર મળવાનું નક્કી કર્યું. બિલ ગેટ્સ માનતા હતા કે મારી અને વોરન બફેટ વચ્ચે કાંઈ જ ‘કોમન’ નથી. તેથી બિલ ગેટ્સે માન્યું કે વોરન બફેટ સાથે મારી અડધો કલાકની મિટિંગ પૂરતી છે, પરંતુ બિલ ગેટ્સ વોરન બફેટને મળવા ગયા અને વોરન બફેટ પાસેથી તેઓ પૂરા ૧૦ કલાક બાદ ઊભા થયા. તે દિવસ બાદ બિલ ગેટ્સ વોરન બફેટના ભક્ત અને પ્રશંસક બની ગયા.

સૌજન્ય…શ્રી આનંદરાવ લિંગાયત
કબીર નો દોહો અને વોરન બફેટ …
“Sage of Omaha”- દાન ઉલેચવાનો એક અદ્ભુત પ્રસંગ

Kabir Doha and Warren Buffet -Anand Rao Lingayat

Warren Buffett – The World’s Greatest Money Maker

https://youtu.be/w-eX4sZi-Zs

Warren Buffett-wikipedia

https://en.wikipedia.org/wiki/Warren_Buffett

 

 

 

 

 

 

1328 આર્થર રોબર્ટ એશની પ્રેરક જીવન કથા/ આર્થર એશનો પુત્રીને પત્ર….. મેહુલ સોલંકી

આર્થર રોબર્ટ એશની પ્રેરક જીવન કથા/
આર્થર એશનો પુત્રીને પત્ર

Arther Ashe

આર્થર એશ જુનીયર (જુલાઈ:1943 – ફેબ્રુઆરી:1993)

વર્જિનિયામાં રિચમંડમાં જન્મેલા અને ઉછરેલા એક અગ્રેસર આફ્રિ અમેરિકન ટેનિસ ખેલાડી હતા. આર્થર એશ – અમેરિકન ટેનિસ ખેલાડી, પ્રથમ આફ્રિઅમેરિકન વ્યક્તિ, મહત્વની ટેનિસ પ્રતિયોગિતા વિજેતાના શાનદાર જમીન સરસા ફટકા અને પ્રહારોઓએ અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં તહેલ્કો મચાવ્યો હતો અને વિમ્બલ્ડનનો તાજ પહેરાવ્યો હતો. અમેરિકાની ડેનિસ કપ ટીમમાં તેઓ 1963થી વાર્ષિક કરારથી જોડાયા હતા અને 1984થી તેમાં પ્રથમ ખેલાડી અને એ પછી કોચ તરીકેની સેવાઓ આપી હતી.

આર્થર એશે, 10 વર્ષની ઊંમરથી ડૉ. વોલ્ટર જહોન્સન કે જેણે 1957ના વિમ્બલ્ડન વિજેતા મહિલા એલ્થી ગિબ્સનને આ રમતનું શિક્ષણ આપ્યું હતું, તેના માર્ગદર્શન હેઠળ ટેનિસ રમવાનું શરૂ કર્યું હતું. તેમણે કેલિફોર્નિયા યુનિવર્સિટી, લોસ એન્જલ્સમાં (UCLA) શિક્ષણ પ્રાપ્ત કર્યું હતુ. 1963માં તેઓ ડેવિસ કપ નેશનલ ટેનિસ ટીમમાં રમનાર પ્રથમ આફ્રિઅમેરિકન (Afri-American) ખેલાડી બન્યાં હતાં. ત્યારબાદ બે વર્ષ પછી તે યુ.એસ. ઇન્ટર કોલેજ સિંગલ્સ ચેમ્પિયનશિપ જીત્યા હતાં કે જેમાં તેમણે નેશનલ કોલેજિયેટ એથલેટિક એસોસિએશનની સામે UCLAનું નેતૃત્વ સંભાળ્યું હતું.

1966માં તેમણે UCLAમાંથી બિઝનેસ મેનેજમેન્ટની સ્નાતકની ઉપાધિ મેળવી હતી. અમેરિકન આર્મી રિઝર્વમાં તેમની સેકન્ડ લેફ્ટેનન્ટ તરીકે નિયુક્તિ થઈ હતી. તેમને સક્રિય સેવાઓ દરમિયાન યુ.એસ. મિલિટરી એકડેમીમાં મૂકવામાં આવ્યા હતાં, ત્યાં તેમણે ડેવિસ કપ માટે ટેનિસ રમવાનું ચાલુ રાખ્યું હતું. તેમના સેવા કાળમાં એશ કેટલીક હરીફાઈઓ જીત્યાં હતાં. આમાં 1967ની ‘યુ.એસ. ક્લે-કોર્ટ ચેમ્પિયનશિપ’ અને 1968ની ‘યુ.એસ. એમેચ્યોર ચેમ્પિયનશિપ’નો સમાવેશ થાય છે. 1968માં મુખ્ય ટેનિસ ટુર્નામેન્ટથી તેમણે વ્યાવસાયિક હરીફાઈમાં રમવાનું શરૂ કર્યું. પરંતુ તેની મિલિટરી સેવાઓને કારણે તેમનો દરજ્જો એમેચ્યોર ખેલાડીનો રહ્યો. તે વર્ષની યુ.એસ.ઓપનમાં તેમણે કેટલાક વ્યાવસાયિક ખેલાડીને પરાજિત કર્યાં હતાં અને પુરુષોની સિંગલ્સમાં વિજય પ્રાપ્ત કર્યો હતો. એમેચ્યોર ખેલાડીમાં એશ એક જ એવા સફળ ખેલાડી રહ્યાં હતાં કે જેણે એક જ કેલેન્ડર વર્ષમાં યુ.એસ. એમેચ્યોર ચેમ્પિયનશિપ અને યુ.એસ ઓપન ટાઈટલમાં વિજય હાંસલ કર્યો હતો.

પ્રથમ લેફ્ટનન્ટ તરીકે માનભેર છૂટા થયા પછી ૧૯૬૯માં એશે પ્રોફેશનલ ટેનિસ સર્કિટમાં જોડાયા હતાં. તે જ વર્ષમાં તેમણે તથા તેની સાથેના કેટલાક અન્ય ખેલાડીઓએ એક જૂથની રચના કરી હતી. જે એસોસિએશન ઓફ ટેનિસ પ્લેયર્સ (એટીપી) બન્યું. આ એસોસિએશન- ક્રમ, ઈનામની રકમ, આંતરરાષ્ટ્રિય ટેનિસ સ્પર્ધાની દેખરેખ રાખતી સંસ્થા બન્યું. 1970માં એશે ઓસ્ટ્રેલિયન ઓપન ટાઈટલ ઝડપીને તેની બીજી મુખ્ય ટેનિસ ચેમ્પિયનશિપમાં વિજય પ્રાપ્ત કર્યો. તેની સર્વોત્તમ રમત 1975માં જોવા મળી હતી. તેમાં તેમણે તેના સાથી જિમ્મી કોનર્સને વિમ્બલ્ડન સિંગલ્સ ટાઈટલમાં હરાવીને અમેરિકામાં પ્રથમક્રમ મેળવ્યો હતો. 1971માં એશ ફ્રેંચ ઓપન અને 1977માં ઓસ્ટ્રેલિયન ઓપન ખાતે ડબલ્સ ચેમ્પિયનશિપ પણ જીત્યાં હતાં.

1979માં આર્થર એશના હૃદયની શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી. પછી એકવર્ષ બાદ તેમણે સ્પર્ધાઓમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. 1981થી 1984 સુધી તેમણે યુ.એસ.ડેવિસ કપ ટીમમાં બિનખેલાડી તરીકે સેવાઓ આપી હતી. તે ઘણી ચેરિટેબલ પ્રવૃત્તિઓમાં અને નેશનલ જુનિયર ટેનિસ લીગ અને એબીસી સીટીઝ ટેનિસ પ્રોગ્રામ જેવી યુવાકેન્દ્રિત સંસ્થાઓમાં સક્રિય હતાં. 1983માં હૃદયની બીજીવારની શસ્ત્રક્રિયામાં આર્થરએશને એચ.આઈ.વી.નો ચેપ ધરાવતું લોહી, કે જે એઈડઝ પેદા કરે છે, તે ચઢાવવામાં આવ્યું હોવાની સંભાવના છે. તેના રોગની જાણ થયા પછી, તે સક્રિય ભંડોળ એકત્ર કરનાર અને એઈડઝ સંશોધન પ્રવૃત્તિઓના પ્રવક્તા બન્યા. શ્રી એશે ‘હાર્ડ રોડ ટુ ગ્લોરી : એ હિસ્ટરી ઓફ ધી આફ્રિઅમેરિકન એથલેટ’ (ત્રણ ભાગ, 1983) અને ‘ડેય્ઝ ઓફ ગ્રેસ: એ મેમોઈર’ (1993) એમ બે પુસ્તક લખ્યાં છે. ખેલકૂદના ક્ષેત્રમાં તેમના વિશિષ્ટ પ્રદાનના માનમાં 1997માં ન્યુ યોર્ક સીટીના મુખ્ય સ્ટેડિયમમાંના યુ.એસ. ટેનિસ સેન્ટરને ‘આર્થર એશ સ્ટેડિયમ’ એવું નામાભિધાન કરવામાં આવ્યું હતું.

આર્થર રોબર્ટ એશ મેનહટનમાં ન્યુયોર્ક હોસ્પિટલ કોર્નેલમાં શનિવાર, ફેબ્રુઆરી-1993ના રોજ ન્યુમોનિયાને કારણે મૃત્યુ પામ્યાં. પછીના બુધવારે વર્જિનિયાના રિચમંડમાં વૂડલેન્ડ સ્મશાન ગૃહમાં તેમને દફન કરવામાં આવ્યા હતાં. તેમની ઉક્ત શીર્ષકવાળી આત્મકથામાં તેણે જાતિ, શિક્ષણ, સંગીત, રાજકારણ, શોખ અને ખેલકૂદ જેવા પોતાને અગત્યના લાગતા વિષયોને પોતાના આગવા દૃષ્ટિકોણથી રજૂ કર્યા છે. તેમાં હૃદયરોગ અને એઇડઝના દર્દી તરીકેના નિજી અનુભવો વ્યક્ત કર્યા છે. તે ખેલકૂદ જગતના મહાન નાયક તો છે જ પણ સાથોસાથ અસાધારણ વ્યક્તિ છે, જે તેમની આ કથામાંથી જણાઈ આવે છે. અતુલનિય ગરિમા અને શાન ધરાવતા ટેનિસ ખેલાડી આર્થર એશે – 1975માં વિમ્બલ્ડનમાં વિજ્ય પ્રાપ્ત કરીને સાબિત કરી આપ્યું હતું કે સખત પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી, પુરુષાર્થથી સફળતા સિદ્ધ થઈ શકે છે. તેમણે ડેવિસ કપનું કપ્તાન પદ સંભાળ્યું હતું. રમતગમતની આ અપૂર્વ સિદ્ધિ ઉપરાંત તેમણે અનેક ક્ષેત્રમાં બહુવિધ યોગદાન આપ્યું હતું. તેમની આત્મકથામાં વંશીય ભેદભાવના અભિશાપથી પર થયેલા માનવની પ્રેરણાદાયક, સંવેદનશીલ તેમજ કરુણગાથા અને અકાળે અસ્ત પામેલા તારલિયાના હૃદયદ્રાવક અનુભવોનું સમૃદ્ધ ભાથું છે. 1998માં તેમને લોહી ચડાવવામાં આવ્યું ત્યારે તે દૂષિત હોવાથી તેઓ એઇડઝના ભોગ બન્યા હતાં. ત્યારથી 1993 સુધી વિશ્વના આદરને યોગ્ય સાબિત કરે એવું ગરિમાપૂર્ણ જીવન જીવ્યાં હતાં. અમેરિકાના અશ્વેત લોકોના વિકાસ અને પ્રગતિની બાબત હોય કે એઇડઝના વિશે ફેલાયેલા અજ્ઞાનના પ્રશ્નો હોય, તેમનો સંઘર્ષ સદાયે ચાલુ રહ્યો હતો.

આર્થર એશ વિષે અંગ્રેજીમાં વધુ માહિતી વિકિપીડિયા
ની નીચેની લીંક પર વાંચો.

Arthur Ashe (cropped).jpg

                      https://en.wikipedia.org/wiki/Arthur_Ashe

શાશ્વત અમીટ છાપ છોડી જનાર વિચારવંત, ખેલકૂદના વ્યાવસાયિક વિશ્વથી ઉપર ઉઠેલી એક ભલી વ્યક્તિની આત્મકથાનો એક ચિરસ્મરણીય અંશ અત્રે પુત્રી કેમેરાને લખાયેલ પત્રના રૂપમાં નીચે પ્રસ્તુત છે :
.

વહાલી કેમેરા,

મારો આ પત્ર તું પહેલીવાર વાંચીશ ત્યારે મેં આમાં જે લખ્યું છે તે વિશે ચર્ચા કરવા માટે હું કદાચ હાજર નહીં હોઉં. કદાચ તારી મા અને તારી સાથે જીવનનાં સુખદુ:ખ વહેંચવા તમારી દૈનિક જિંદગીમાં હિસ્સો લેવા હાજર પણ હોઉં. આમ છતાં, મેં વિદાય લઈ લીધી હશે . મારી વિદાયથી તું ઉદાસ થઈશ. થોડા સમય સુધી તું મને સ્પષ્ટરીતે યાદ કરીશ, તેમાં શંકાને સ્થાન નથી. ત્યારે વિસ્મૃત થતી જતી સ્મૃતિમાં હું હાજર હોઇશ. યાદનું ઓસરી જવું એ એક સ્વાભાવિક ક્રિયા છે. છતાં એ આશાએ આ પત્ર લખું છું કે મારા વિશેની સ્મૃતિ તારા મનમાંથી સંપૂર્ણપણે ક્યારેય વીસરાય નહીં. તારી આખી જિંદગી સુધી તારા જીવનનો એક હિસ્સો બની રહેવાનું મને ગમે છે.

આજે તારી ઉંમર છે તેનાથી થોડાક વધુ મહિના હું મોટો હતો ત્યારે મારી મા મૃત્યુ પામી હતી. તે ખરેખર કેવી લાગતી હતી, તેનો અવાજ કેવો હતો, તેનો સ્પર્શ કેવો હતો તેની મને યાદ રહી નથી. આ બધી બાબતો અનુભવવા હું ખૂબ જ તડપતો હતો.પરંતુ તે ચાલી ગઈ હતી અને તે ઈચ્છાઓ ક્યારેય પૂરી થઈ શકી નહીં. તારા અને મારા ખાતર મને આશા છે કે હું લાંબો સમય તારી સાથે હાજર રહું. પરંતુ આપણે જે કંઈ ઇચ્છીએ તે બધું હંમેશાં મેળવી શકતા નથી. આપણા કાબૂ બહારની બાબતો અંગેનાં બધાં પરિવર્તનો માટે આપણે તૈયાર રહેવું જોઇએ અને તેને સ્વીકારવી જ જોઇએ. તારા વિશેના સૌથી વધુ અગત્યના મારા ખ્યાલો આ પુસ્તકમાં છે. જે તારા કબાટ જેટલા જ દૂર હશે. તારી મા તારી સાથે લાંબો સમય હાજર રહેશે. મોટા ભાગની બાબતો અંગેના મારા વિચારોથી તે પૂરેપૂરી વાકેફ છે. હું શું વિચારતો હોઉં કે કહેવા માગતો હોઉં તે જાણવાની ઇચ્છા થાય ત્યારે તેને પૂછી લેજે.

દીકરી કેમેરા, સંયોગવશાત જાન્યુઆરી 20, 1993ના રોજ વોશિંગ્ટન ડી.સી.નો ઉદ્ઘાટન સમારોહ ચાલુ છે. વિલિયમ જેફરસન ક્લિન્ટન અમેરિકાના નવા પ્રમુખ બન્યા તે પછીના થોડા કલાકો બાદ જ આ પત્ર તને લખું છું. મારા દીવાનખંડમાં ટીવી પર ભભકાદાર અને ભવ્ય ઝાકઝમાળ હું જોઇ રહ્યો હતો. ખાસ કરીને મને માયા એન્જેલોને સાંભળવાનું ગમતું હતું. ઊંચી, જાજરમાન અને સુરીલા અવાજને કારણે આપણા નવા પ્રમુખે તેને આ પ્રસંગ માટે જે વિશિષ્ટ ગીત લખવા કહ્યું હતું તેનું તે પઠન કરી રહી હતી. જીવનમાં વણાયેલાં આફ્રિઅમેરિકન વિશ્વનાં પ્રતીકો અને સંદર્ભોની અને બહેતર કરી બતાવવાના માનવજાતના પડકારોની તેની ગૂંથણી સાંભળીને મારી આંખોમાંથી અશ્રુ સરી રહ્યાં હતાં. તેમાં તે ‘ખડક, નદી, વૃક્ષ’ને પૃથ્વી ઉપરનાં અને ભીતરનાં સ્થળો જે સમય જતાં લિખિત અને અલિખિત ઈતિહાસને લુપ્ત કરી રહ્યાં હતાં એવાં સ્થળોનાં સાક્ષી તરીકે દર્શાવતી હતી. મારા માટે નદી અને વૃક્ષ એક વિશિષ્ટ પ્રતીકનું સ્થાન ધરાવે છે. કારણ કે તેમાં હું જન્મ્યો હતો અને ઉછર્યો હતો એવા દક્ષિણભાગના ધર્મ અને સંસ્કારનો હિસ્સો હતો. આ જ પ્રદેશમાં ઘણા અશ્વેત લોકો ગુલામીમાં અને આઝાદીમાં જીવ્યા છે એવા આફ્રિઅમેરિકન લોકસંગીત અને ઈતિહાસનો મોટો હિસ્સો બની રહે છે.

તારાથી વધુ મોટો નહીં એવા એક છોકરા તરીકે મેં ચર્ચમાં ‘નદીની પાર આરામ’નું ભાવભર્યું વચન, રવિવારની પ્રાર્થનાસભામાં સાંભળેલાં આધ્યાત્મિક વચનોમાં એક વચન હતું, જે મારા મનમાં સદાયે ગુંજતું રહે છે. આ શબ્દો અને સંગીતનો એવો અર્થ હતો કે પૃથ્વી પર ગુલામ તરીકે આપણું જીવન અતિશય કપરું અને પ્રતિકૂળ હોય તો પણ કંઈ વાંધો નહીં અથવા તો આપણી આઝાદીમાં જે કંઈ વીતી ગયું હોય, આપણે એકવાર નદી પાર કરી પછી, એટલે કે મૃત્યુની નદી પસાર કરી પછી પેલે પાર આપણે ઈશ્વરની શાંતિનું વરદાન મેળવીશું. આ નદી મૃત્યુ છે અને જીવન પણ છે. નદીઓ શાશ્વત છે અને હંમેશાં પરિવર્તનશીલ છે. સમયની કોઈ પણ બે ક્ષણોએ નદી એકની એક નથી રહેતી. નદીનું પાણી હંમેશાં વહેતું જ રહે છે. જીવન પણ એવું જ છે ! માયા એન્જેલોએ આજે ઉદ્ઘાટનના કાર્યક્રમમાં તે સુંદર રીતે સંભળાવ્યું.

તારા માટે નિશ્ચિત એવી બાબત એ છે કે તું મોટી થતી જાય એમ તારે પરિવર્તનની ઝડપ સ્વીકારવી પડશે. ઘણા લોકો પરિવર્તનનો વિરોધ કરે છે, પછી ભલે તે પરિવર્તન બહેતર કેમ ન હોય….! પરંતુ બદલાવ આવશે અને જીવનની સાદી અને નિર્વિવાદી હકીકત તું સ્વીકારે અને સમજે તો તારે બધા જ ફેરફારો સાથે અનુકૂલન સાધવાનું રહેશે. ત્યાર પછી તને સવાયો લાભ મળશે. મારી ઇચ્છા છે કે તું તે લાભનો ઉપયોગ કરે. લોકોમાં તું નેતા બની રહે અને ક્યારેય પાછી પાની કરે નહીં અને અન્ય લોકોની ઘૃણાને પાત્ર બને નહીં. બીજી બાજુ કેટલીક એવી બાબતો છે જે ક્યારેય બદલાતી નથી. કેમેરા, તે અપરિવર્તનશીલ હોય છે. માયા એન્જેલોનું વૃક્ષ સમીપ અને વિસ્તરેલું ઊભું છે. મારી એવી કલ્પના છે કે તેના મનમાં કોઈ એવું તત્વ છે જે તોતિંગ, પાંદડાવાળું, મોટાં અને ઊંડાં મૂળ ધરાવતુ ઓકનું ઝાડ છે. આ તત્વ તે વૃક્ષને ઝંઝાવાતોમાં નમવા દે છે, ટકાવી રાખે છે. આ મોટા વૃક્ષના જીવનનું રહસ્ય તેની શક્તિ, તેના મૂળની આ ઊંડાઈ છે. ખાસ કરીને એવાં મૂળ જેણે ઘણાં સમય પહેલાં પ્રથમ અંકુરિત થઈને ધરતીમાં ઊંડે ઊંડે સ્થાન જમાવ્યું હતું. ક્યાંય પણ તું ભવ્ય વૃક્ષ જુએ તો તું જોઇશ કે તે વૃક્ષે ટકી રહેવા માટે ઝઝુમવું પડ્યું હતું, આમથી તેમ ઝોલાં ખાવાં પડ્યાં હતાં. જાતિવિશેષ જૂથો જેવાં લોકોનાં મોટાં જૂથો તે વૃક્ષ જેવાં હોવાં જોઇએ. કેમેરા, તું પણ તેના જેવી જ હોવી જોઇએ. જો કે તારી લડાઈ હંમેશાં નૈતિક રીતે વાજબી પરિણામ માટેની હોવી જોઈએ. તું એ વૃક્ષનો હિસ્સો છે. આપણા પરિવારમાં મારા પિતાના પક્ષે મારા દાદાનું આપણા પરિવારનું વૃક્ષ (પેઢીનામું) આપણે ગર્વભેર દર્શાવીએ છીએ. મારા દાદાની પિતરાઈ બહેન થેલ્માએ ચીવટપૂર્વક દોરેલો આ આંબો છે. થેલ્મા મેરીલેન્ડમાં રહે છે. તે પક્ષે આપણે બ્લેકવેલ કૂળમાંથી ઊતરી આવ્યા છીએ. તારું નામ કેમેરા એલિઝાબેથ એટલે કે કેમેરા એશ – આ પુરાણા વૃક્ષનું સૌથી તાજાંપાન પૈકીનું એક તાજું પાન છે. તું આફ્રિઅમેરિકન લોકોની દસમી પેઢીની એક દીકરી છો. તે વૃક્ષ પરનું તારું સ્થાન તું ક્યારેય ભૂલતી નહીં. તારી માતા બધાં આફ્રિઅમેરિકનોની જેમ જ, ત્રીજી પેઢીની અમેરિકન છે. તે મિશ્ર પશ્ચાદભૂ ધરાવે છે. તેના દાદા, પૂર્વ ભારતીય પૂર્વજમાં સેન્ટ ફ્રેન્કોઇસ ગુડેલોમાં જન્મ્યા હતા. તેઓ લુજિયાના થઈને અમેરિકામાં આવ્યા હતા. સેન્ટ જેમ્સ પેરિસમાં જન્મેલી એક અમેરિકન મહિલા સાથે તેમણે લગ્ન કર્યું હતું. તે 1840માં ગુલામ તરીકે જન્મેલી એક વ્યક્તિની પુત્રી હતી. દક્ષિણ અમેરિકાના અશ્વેત લોકોએ ઉત્તર અમેરિકામાંનું પરિવર્તન કર્યું એવા મહાસ્થળાંતર તરીકે આજે તેને ઓળખીએ છીએ. એના એક ભાગ તરીકે મમ્મીના દાદાદાદીએ શિકાગો તરફ પ્રયાણ કર્યું હતું. તેમનાં બાળકોમાં તેના પિતાનો, જ્હોન વોરેન મુત્તુસ્વામી (તેના માટે તું મિસ કેમેરા હતી તેમ તારા માટે બુમ્પા)નો સમાવેશ થતો હતો. તે સ્થપતિ છે. તેથી તારી મમ્મીએ કલાકારની પ્રતિભા ક્યાંથી મેળવી તે તું સમજી શકે છે. બધાં તેને તેના છેલ્લા નામ વિશે પૂછે છે કે તે ક્યાંથી આવ્યું ? મુત્તુસ્વામી નામ બધાને મુંઝવે છે. તે ભારતના મુત્તુસ્વામીનું અંગ્રેજી સ્વરૂપ છે.

મમ્મીના નાની તે એલિઝાબેથ હન્ટ મુત્તુસ્વામી (કેટલાક લોકો તેને ‘સ્કીકી’ કહે છે) આર્કાન્સામાં હોટ સ્પ્રિંગ ખાતે જન્મ્યાં હતાં. અમે તેના માનમાં તારું નામ એલિઝાબેથ રાખ્યું છે. મમ્મીનાં માતા પિતા, તેમનાં માબાપનાં એકનાં એક સંતાન હતાં. તેના નાના ચિરોકી ઈન્ડિયન હતાં. તેના પૂર્વજોને શ્વેત લોકોએ વર્જિનિયા અને ઉત્તર લેરોલીનામાંથી હાંકી કાઢ્યા હતાં. આ શ્વેત લોકોએ ‘મેનિફેસ્ટ ડેસ્ટિની’ તરીકે ઓળખાતા તેમના ખ્યાલને અનુસરીને તેમની જમીન ખૂંચવી લેવાનો હક માનતાં હતાં. મમ્મીની નાની હજી હયાત છે. ૧૭મી માર્ચના રોજ તે 100 વર્ષ પૂરાં કરશે. 100 વર્ષ જીવવાની તું કલ્પના કરી શકે છે ? અને તે પણ તારું મગજ અને સ્મૃતિ સારી રીતે કામ કરતાં હોય એમ ? તેણે ત્રણ પતિઓ ગુમાવ્યા છે અને તેનાં અગિયાર બાળકોમાંથી બે બાળકો મૃત્યુ પામ્યાં છે. અતિ કપરા વંશીય ભેદભાવ તેમજ જીવનની અન્ય હાડમારીઓ વચ્ચે પરિવારોની તાકાતનું આપણા માટેનું તે જીવંત પ્રતીક છે.

આજે અત્યારે વંશીય ભેદભાવ વિશે તને કહું છું. તે વિશે તું ચોક્કસપણે જાણતી નથી. તને કોઇ ભેટ આપી શકું તો તે વંશીય ભેદભાવના બોજ વિનાની તારી જિંદગી હોય તે. હું આ ભેટ આપી શક્તો નથી. તારે તેની સાથે કામ પાર પાડવાનું અને સુખી તથા ભલા થવાનું શીખી લેવું પડશે. ભૂતકાળમાં વંશીય ભેદભાવને કારણે ખાસ કરીને કોઇ અન્ય વ્યક્તિની ઊંચાઈ સુધી અશ્વેત વ્યક્તિ પહોંચવાની આકાંક્ષા રાખે તો તે મુશ્કેલ હતું. દાદા, મારા પિતાને આ તકલીફ ભોગવવી પડી હતી. દક્ષિણમાં ઘણા બધા લોકોની જેમ પહેલાં વિશ્વયુદ્ધ પછી તરત જ તે એક મોટા કુટુંબમાં જન્મ્યાં હતાં. આ પરિવાર પણ ગરીબી અને વિભાજનથી પીડિત હતો. યુ.એસ.એ રૂટમાં વર્જિનિયામાં સાઉથ હિલ નામના સ્થળે તેઓ મોટા થયા હતાં. તેના પિતા એડવર્ડ ‘પિંક’ એશ (તેના વર્ણને કારણે હુલામણું નામ પડ્યું હતું) લિંકન, નોર્થ કેરોલિનામાં 1883માં જન્મ્યા હતાં. તેની માતા, અમેલિયા ‘મા’ જોન્સન એશ ટેયલર, સાઉથ હિલથી બહુ દૂર નહીં એવા વર્જિનિયાના કેમ્બ્રિજના ફાર્મમાં મોટાં થયાં હતાં. કમનસીબે, પિંક એશે 1920ના દાયકામાં તેની પત્ની અને બાળકોને છોડી દીધાં હતાં ત્યારે મારા પિતા અત્યારે તારી ઉંમર છે, તેનાથી વધુ મોટા ન હતાં. ક્યારેક આ રીતે લગ્નજીવનનો અંત આવતો હોય છે, જેમાં એક અથવા બીજી વ્યક્તિ નિર્ણય કરે છે કે તેણે છૂટું થઈ જવું જ જોઇએ. પરંતુ મારી મા ક્યારેય પિંકને ભૂલી શક્યાં ન હતાં. તે 1949માં ગુજરી ગયા ત્યારે મારી ઉંમર છ વર્ષની હતી. 1977માં તે જ્યારે ગુજરી ગયાં તેના થોડા મહિના પૂર્વે અમે- હું અને તારી મમ્મી તેને મળવા ગયાં ત્યારે તેણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પિંક તેના જીવનનો મહાન હિસ્સો હતાં. તેમનું પ્રિય ગીત હતું ‘ધિસ લિટલ લાઈફ ઓફ માઈન’. જ્યારે અમે તેમને મળવા જતાં ત્યારે રેકર્ડ પ્લેયર ઉપર તે અમને સંભળાવતાં. સંગીત સાથે તે હળવે હળવે ડોલતાં અને તેમાં તલ્લીન થઈ જતાં. ભૂતકાળની પેઢીઓની સ્મૃતિઓ તેને આ રીતે ડોલાવતી તેમાં કોઈ સંદેહ નથી. હું તેને ખૂબ જ ચાહતો. નાનો છોકરો હતો ત્યારે મેં કેમ્બ્રિજના તેના ફાર્મ ઉપરના મોટા ઘરમાં ઉનાળાની ઘણી રજાઓ ગાળી હતી. ત્યાં મેં પહેલીવાર ટટ્ટુ જોયું હતું અને હું ખૂબ જ ડરી ગયો હતો. મને યાદ છે કે હું સારો છોકરો હતો અને તેથી તે મને બપોર પછી લીંબુના શરબતનો મોટો ગ્લાસ આપતાં હતાં. દર વખતે રજાઓ દરમિયાન તે અમારી રાહ જોતાં. મારો ભાઇ, પપ્પા અને મારે તેને ઘરેથી પાછા ફરવાનું થતું ત્યારે તે ખૂબ જ રડતાં અને તેનાં ડૂસકાંનો અવાજ અમે પપ્પાની ગાડીમાં બહાર નીકળતાં ત્યારે પણ સંભળાતો. પ્રેમ વિચિત્ર અને શક્તિશાળી હોય છે. વિશ્વમાં સૌથી અદ્દભુત શક્તિ છે અને તેમાંયે પરિવારનો પ્રેમ સૌથી વધુ શક્તિશાળી અને અનુપમ છે !

મારી માના પક્ષે તેઓ મારા દાદા કરતાં થોડા વધુ નસીબદાર હતાં. તેનાં માતાપિતા, જોની અને જીમી કનિંગહામ (અમે તેને મોટીમા કહેતાં પરંતુ તેનું સાચું નામ ‘જીમી’ હતું) જ્યોર્જિયાના ઓલ્થ્રોપ પરગણામાંથી રિચમંડ આવ્યાં હતાં અને શહેરના પશ્ચિમ છેવાડે આવેલી અશ્વેત વસ્તીમાં-વેસ્ટવુડમાં સ્થાયી થયાં હતાં. મોટીમાને દસ બાળકો સોંપીને 1932માં જોની મૃત્યુ પામ્યા. ગૌરવ, શ્રદ્ધા અને શિસ્તપૂર્વક તેણે જાતે આ બાળકોનો ઉછેર કર્યો. 1938માં તેમની મોટી પુત્રી મેરી (બેબી તેનું હુલામણું નામ છે) અને મારા પિતા-આર્થર એશ મોટીમાના દીવાનખંડમાં પરણ્યા. તેઓ થોડો સમય ત્યાં જ રહ્યા હતાં. મોટીમાને હું ક્યારેય ભૂલી શકીશ નહીં. વેસ્ટવૂડ બાપ્તિસ્ટ ચર્ચમાં એક સેવક તરીકે સફેદ બૂટ સહિતના સફાઈદાર સીવેલા સફેદ ગણવેશ અને છાતીએ ડાબા ભાગે લેસવાળો રુમાલ તે ગર્વભેર ધારણ કરતાં. તેમની પ્રિય છીંકણીનો સડાકો મને કાયમ યાદ રહેશે. છીંકણીની ચપટી ભરીને તે નીચેના હોઠ પાછળ ભરાવતાં. મેક્સવેલ કંપનીના કોફીના ખાલી ડબ્બાનો તે થૂંકદાની તરીકે ઉપયોગ કરતાં. અમે બધાં તેમને ચાહતાં. 1972માં તેમની અંતિમક્રિયા વખતે તેમનું કોફિન કબરમાં ઉતારતાં રૂડી અંકલ બોલી ઊઠ્યા હતાં, ‘આવજે, મમા.’… ત્યારે મારા દિલમાં કંઈક વિસ્ફોટ થયો અને હું બેફામ રડી પડ્યો. તે પહેલાં અને તે પછી હું ક્યારેય આટલું રડ્યો નથી. રિચમંડમાં વુડલોન સ્મશાનગૃહમાં મારી માની કબરથી માંડ 100 વાર જેટલી દૂર તેની કબર છે. મારા પિતાએ, તેના પોતાના પિતા અને પત્ની-મારી માને- એક વર્ષથી ઓછા સમયમાં ગુમાવ્યાં તે મેં જોયું છે. આ ભારે મોટો ફટકો હતો અને ત્યારથી મારા માટે પરિવાર, તું કલ્પના કરી શકે તેના કરતાંય વધુ મહત્વનો બની ગયો હતો. ગુલામીના અનેક ભય વિશે હું વિચારું છું ત્યારે પરિવારનો ખાતમો મને સૌથી ખરાબ રીતે પીડે છે. તે વિનાશનાં પરિણામો આપણે હજી પણ ભોગવી રહ્યાં છીએ. 1863માં પ્રમુખ અબ્રાહન લિંકને ગુલામોને મુક્તિ આપી ત્યારે કેવી ઉત્તેજના ફેલાઈ હશે ! ઈતિહાસકારો જણાવે છે કે હજારો અશ્વેત લોકો ત્યારે તેના પરિવારના સભ્યો પશુઓની જેમ વેચાયાં હતાં તેની શોધમાં નીકળી પડ્યાં હતાં. આ શોધ સફળ કે નિષ્ફળ પુરવાર થાય ત્યારની ખુશી કે દુ:ખની લાગણી કેટલી ઊંડી હોય તેની તું કલ્પના કરી શકે છે ? ધારો કે તને અને તારી મમ્મીને મારી પાસેથી કોઈ છીનવી લે અને અંતે 10 વર્ષ સુધી તમને શોધવાના મારા તીવ્ર પ્રયત્ન પછી એ જ જાણવા મળે કે તું ટાઈફોઈડથી મૃત્યુ પામી છે અને મમ્મી મળતી નથી ! કેવું કમનસીબ ! ઘણા લોકોના જીવનમાં બનેલી આવી સાચી ઘટનાઓ જોવા મળે છે. હવે તને કદાચ સમજાયું હશે કે દાદી એલિઝાબેથ અને નાનીમા લોરેન તને આટલાં બધાં કાર્ડ અને ભેટ શા માટે મોકલાવે છે ! અથવા જોની કાકા વિયેતનામના યુદ્ધમાં કે જ્યાં ઘણા લોકો મરી ગયા અથવા તો ગંભીર રીતે ઘાયલ થયાં, છતાંયે જવા તૈયાર થાય છે. તે ફરીથી વિયેતનામ ગયા તેનું કારણ એ નથી કે તે બહાદુર હતા અને સમુદ્રને સમર્પિત હતા. પરંતુ તેના ભાઈ એટલે કે મારે ત્યાં જવું પડે નહીં એટલા માટે.

બીજા બધાંની જેમ તારે પણ એક દિવસ પરિવાર હશે. જે તારી જિંદગીને સમૃદ્ધ બનાવશે અને આ વૃક્ષ જીવંત અને વૃદ્ધિ પામતું છે તે જાણીને તને ખૂબ ખુશી આપશે. લગ્ન એ તારા જીવનનો સૌથી મોટો નિર્ણય બની રહેશે. મને લાગે છે કે સૌથી વધુ અગત્યનો તારો નિર્ણય બાળકનો બની રહેશે. આજે બધાં લગ્નોમાં લગ્નવિચ્છેદ થાય છે, જે દુઃખદ અને ભયજનક વિચાર છે. બેટા કેમેરા, તેનો અર્થ એ છે કે તારે કાળજીપૂર્વક પતિ શોધવો જોઈએ. સામાન્યપણે બાળક માટે માતા-પિતા બંને એટલાં જ જરૂરી છે. આજે ઘણી મહિલાઓ જેમ કરે છે તેમ તારે લગ્ન વિના બાળકો થાય તે મને નહીં ગમે, પરંતુ તેમ છતાં હું તને ચાહીશ. હું માત્ર એટલું જ ઈચ્છીશ કે પતિની પસંદગી કરવામાં, તારી મમ્મી અને મેં એકબીજાને પસંદ કરતી વેળા જેટલાં સદભાગી હતાં, તેટલી સદભાગી તું બને. બે વ્યક્તિઓ સુવિધાને ખાતર તેની પદ્ધતિઓમાં સાનુકૂળ બનવા માટે શીખી રહ્યાં હોવાથી કોઈ લગ્ન સમસ્યાવિહોણું નથી હોતું પરંતુ હું અને તારી મમ્મી એકબીજાના ઉત્કટ પ્રેમમાં હતાં. તું અમારા જીવનને સમૃદ્ધ કરવા અને પરિવારની અમારી સમજ પરિપક્વ કરવા આવી તે પહેલાં અમે આટલા પ્રેમમાં ક્યારેય ન હતાં. આજકાલ લોકો નાની નાની વાતોમાં લગ્નવિચ્છેદ કરે છે, તે દયાજનક બાબત છે. તારી મમ્મી અને હું પરણ્યાં, તેની આગલી રાતે અમારા લગ્ન કરાવનાર એન્ડ્ર્યુ યંગની પત્ની, જેન યંગે અમને એક મૂલ્યવાન સલાહ આપી હતી. તેણે કહ્યું હતું કે લગ્નનું સૌથી મહત્વનું એક ઘટક ક્ષમાભાવના છે. દરેક સહભાગી બીજા સહભાગીને માફ કરવાનું હોય છે. ક્ષમા કરવામાં હિંમતની આવશ્યક્તા રહે છે, પરંતુ તે જ તેનું રહસ્ય છે. હવે જયારે હું જીનને મળું છું અને વિદાય લઉં છું ત્યારે કહું છું ‘માફી-ક્ષમાભાવની વાત કરી લઈએ !’ બંને પાત્રો માફ કરવાની ઈચ્છા ધરાવતાં ન હોય તો લગ્ન કે સાચા માનવસંબંધો ભલે સમૃદ્ધ થાય, પરંતુ ટકી શકતા નથી. લગ્નને વૃદ્ધિ પામવા, ખીલવા માટે કેટલાક મૂળભૂત સિદ્ધાંતોની આવશ્યક્તા રહે છે. હું નાનો હતો ત્યારે મારા પિતા અમારા કુટુંબના વડા હતાં. ઘરના વડા મહત્વના તમામ નિર્ણયો કરતા. તેમની પત્ની, બાઈબલમાં ઉલ્લેખાયા પ્રમાણે તેની ‘સાથીદાર’ હતી. 1950 અને 1970ના દાયકાઓમાં કેટલીક શાણી અને બહાદુર મહિલાઓએ આ વલણને પડકાર્યું અને હવે ઘણા લોકો મૂંઝાયા છે અને અન્ય લોકો નવી ભૂમિકાના પ્રયોગો કરી રહ્યા છે. મમ્મી અને હું એ બાબત વિશે સંમત હતાં કે મારી સૌથી પહેલી ભૂમિકા આપણા ત્રણેયનું રક્ષણ કરવાની અને વ્યવસ્થા કરવાની છે. તેની પ્રાથમિક ભૂમિકા તેના સહિત આપણા સૌનું ભલું કરવાની, હિત સાચવવાની છે. તું બહુ નાની છો ત્યારે તેને ઘણી ફુરસદ મળે છે. ફોટોગ્રાફીના તેના વ્યવસાયમાં હજુ પણ તે સંકળાયેલી રહેશે. તું પસંદ કરીશ તો તું અને તારા પતિને પણ તમારા બંને માટે યોગ્ય સૂત્રોની બાબતમાં સંમત થવું જ પડશે. મારી સલાહ નવી નથી. આપણા પરિવારનાં વડીલોએ તેમના સંચિત શાણપણ અને મૂલ્યોને મારી પેઢી સુધી લાવવા પ્રયાસ કર્યો છે. હું હંમેશાં તેના વિશે જાગ્રત છું. થેલ્માએ આપણા પરિવારના વૃક્ષમાં મારું નામ સોનેરી રંગથી લખ્યું છે. આ એક જ પાન સોનેરી છે, તે મને મુંઝવે છે. તે સોનેરી રંગ મને હંમેશાં યાદ કરાવે છે કે મારે મારા પરિવારની ક્યારેય નાલેશી થાય તેવું કશું કરવું જોઇએ નહીં. કારણ કે રોગગ્રસ્ત એક પાન સમગ્ર વૃક્ષને ખતમ કરી નાખે છે. આપણા પૂર્વજો આપણી ઉપર નજર રાખે છે. હું તારી ઉપર નજર રાખું છું. તેમાં તેમની કલ્પના કરતાં પણ આપણે ઘણી વધુ સારી સ્થિતિમાં છીએ. તેથી આપણે તેમના માટે નીચાજોણું થાય તેવું કરવું ન જોઇએ.

બેટા કેમેરા, તારી ચામડીનો આ વર્ણ અને તું છોકરી છો ને છોકરો નથી, એ કારણે તારી વિશ્વસનીયતા અને ક્ષમતા અને વિશે સતત પ્રશ્નો ઊઠાવવામાં આવશે, પછી ભલે તું ખૂબ જ શિક્ષિત અને સમૃદ્ધ કેમ ન હોય ! સાથે સાથે તારી બદામી ચામડીના ફાયદા પણ ઘણા રહેશે. તેનાથી તું સાવધ રહેજે. સુપ્રિમ કોર્ટના જસ્ટિસ થ્રુગૂ્ડ માર્શલને એવું પૂછવામાં આવ્યું કે તમારી નિવૃતિ પછી તમારી જગ્યાએ કોઇ આફ્રિઅમેરિકન વ્યક્તિની નિયુક્તિ કરવી કે કેમ ? ત્યારે તેમણે આગ્રહસહ કહ્યું કે, ‘ના, તે જગ્યા પ્રમુખ સાહેબને મળી શક્તી ઉત્તમ લાયકાત ધરાવતી વ્યક્તિને જ આપવી જોઇએ.’ આમ જ કરવું જોઇએ. પરંતુ દુનિયામાં ઘણા લોકો રંગાંધળાં હોતાં નથી. વર્ણના લોકોની ક્ષમતા વિશેની તેની એકવિધતાને કારણે કોઈ લાયક પુરુષને કે સ્ત્રીને કોઇ પદ માટે નાપસંદ કરવામાં આવે છે અને લાયકાત ન ધરાવતી કોઇ વ્યક્તિને જ્યારે કોઇ પદ કે ઈનામની ના પાડવામાં આવે ત્યારે તે ભેદભાવ વિશે ચીસો પાડે છે. ત્યારે મને ગુસ્સો આવે છે અને હું નિરાશ થઈ જઉં છું. તારો ઉછેર થયો છે તેની વિરુદ્ધ હું અલગ રહીને ઉછર્યો છું. મારા સહાધ્યાયીઓને અને મને હંમેશાં એવું યાદ કરાવવામાં આવતું હતું કે આપણે આપણી સૌથી ખરાબ લાલચ નિરાશાનો પ્રતિકાર કરવાનો હતો. વંશવાદ જો આટલો વિકૃત હોય તો આપણે કોઇ પણ બાબત વિશે શા માટે ઉત્તમ કરી છૂટવું જોઇએ ? શા માટે સખત અભ્યાસ કરવો જોઇએ ? મને કહેવા દે કેમેરા કે વંશવાદ અને જાતિવાદ આપણા ઉત્તમ કાર્ય ન કરવા માટેનાં બહાનાં ન બનવાં જોઇએ. મોટા ભાગે આ દૂષણ હંમેશાં જળવાઈ રહે છે. પરંતુ તારે તેનાથી ઉપર ઊઠવાનો પ્રયત્ન કરવો જોઇએ.

તારે કોઈ પણ સોબતમાં તેઓ સારા લોકો હોય ત્યાં સુધી અનુકૂળ રહેવાનું શીખી લેવું જોઇએ. ટેનિસના ખેલાડી તરીકે વિશ્વભરના મારા પ્રવાસ દરમિયાન મને જણાયું હતું કે અનંત વૈવિધ્ય ધરાવતા લોકો સાથેનો સહેવાસ, ઊંડી મૈત્રી શક્ય જ નહીં, પરંતુ વ્યક્તિના જીવનને અતિસમૃદ્ધ કરે છે. તેને તારામાં સીમિત કરતી નહીં કે અન્યને તેમ કરવા દઈશ નહીં. કોલેજના કેમ્પસમાં હું જઉં છું અને ઉપાહારગૃહોમાં જોઉં છું કે દાખલા તરીકે અશ્વેત વિદ્યાર્થીઓ પોતાની મરજીથી અન્ય અશ્વેત વિદ્યાર્થીઓની સાથે અલગ બેઠેલા હોય છે. આમ જોઉં છું ત્યારે મને નિરાશા થાય છે. ટેવવશ કે અવિચારીપણે અથવા કાયરતાને લીધે આ પ્રણાલી સમયનો વ્યય જ છે. સંસ્કૃતિઓ અને પશ્ચાદભૂ ધરાવતા લોકોને મળવા માટે ઉપયોગ થવો જોઇએ એવો આ સમય જે વિદ્યાર્થીઓને મળે છે તે લોકોને સમજીને તેમાં ભળી જવાની ક્રિયા શિક્ષણનો આવશ્યક હિસ્સો છે. મને આશા છે કે તું થઈ શકે એટલા વિવિધ પ્રકારના લોકો સાથે દોસ્તી કેળવવાની હિંમત કરીશ. કેટલાક આફ્રિઅમેરિકન લોકો કદાચ તને ચીડવે કે ઘૃણા દર્શાવે તો કેટલાક અન્ય લોકો કદાચ તને ઠપકો આપે. પરંતુ તારે કોઇ પણ રીતે આવી મૈત્રી કેળવવામાં ચીવટ રાખવી જોઇએ. તારે વધારે કંઈક કરવું જ રહ્યું. મમ્મી અને હું એવો આગ્રહ રાખશું કે તારે અંગ્રેજી ઉપરાંત ઓછામાં ઓછી બે અન્ય ભાષાઓ શીખવી જ જોઇએ. તેમાંની એક સ્પેનિશ હોવી જોઇએ અને બીજી ભાષા તારી મરજી મુજબની હોઈ શકે. જો કે ફ્રેંચ ભાષા સારી છે. મેં ક્યારેય બીજી ભાષામાં નિપુણતા મેળવી નથી. મને તેનું ઘણું દુ:ખ છે. ભાષામાં પ્રવાહિતા હોય તે વાતચીત માટેનું મહત્ત્વનું અંગ છે. અને તેનો કોઇ વિકલ્પ નથી. આપણા અમેરિકન ભયને ક્યારેય ગણકારતી નહીં. અને અંગ્રેજી સિવાયની અન્ય ભાષાના અજ્ઞાનને ચલાવી લઈશ નહીં. યુરોપમાં બાળકો સરળતાથી વિદેશી ભાષા શીખે છે. તું કદાચ જોઈશ કે થોડા સમયમાં યોગ્ય લઢણ સાથે અંગ્રેજી બોલતા અમેરિકન પ્રમુખ પછી ભલે તે સ્ત્રી હોય કે પુરુષ અહીં જન્મ્યા હશે.

કેમેરા, અમેરિકા તારો દેશ છે. કેટલાક લોકો કહેશે કે તે માત્ર તેમનો જ દેશ છે, તારો નહીં. તેમની વાતોમાં આવી જઈશ નહીં. 1930ની પ્રમુખની ચૂંટણી મને યાદ આવે છે. ત્યારે પ્રોટેસ્ટન્ટ વર્ચસ્વવાળા લોકોને ભય હતો કે કેથોલિક એવા જહોન એફ. કેનેડી જીતશે તો તે દરેકની ઉપર તેમનો ધર્મ થોપશે. (હકીકતે તો રિપબ્લિકની સ્થાપના થઈ ત્યારથી તેઓ આમ કરવાની કોશિશ કરતાં હતાં) કેટલાક અમેરિકનો માને છે કે તેમને આપણા રાષ્ટ્રનું ભાવિ ઘડવાનો/નિયત કરવાનો લગભગ દિવ્ય અને ઐતિહાસિક અધિકાર છે ! ઉદાર વિચારસરણી ધરાવતી એક મુક્ત વ્યક્તિ તરીકે મને આશા છે કે આ ચર્ચામાં તારે પીછેહઠ કરવાની નથી જ. 1992માં જમણેરી રિપબ્લિકન નેશનલ કન્વેન્શનમાં રાજકીય ભાષણખોર પેટ્રિક બુચનાન ઊભા થયાં અને સભામાં એકત્ર થયેલા તારા અને મારા જેવા લોકોને ‘આપણો દેશ પાછો લઈ લો’ એવી વિનંતિ કરી હતી, ત્યારે મેં દૃઢ નિર્ણય કર્યો હતો કે તે સફળ થવા જોઇએ નહીં, એ સફળ થશે નહીં. અમેરિકા તેમનો જ દેશ નથી. તેનો મત, મારા મત અને તું મતદાન કરવાની ઊંમરની થાય ત્યારે તારા મત કરતાં વધુ મૂલ્યવાન નથી. જે કોઈ પણ જૂથ એવું માનતું હોય કે તે રાજ્યના જહાજને માર્ગદર્શન આપવાનો ઉચિત અધિકાર ધરાવે છે તો તેનો તારે પ્રતિકાર કરવો જ રહ્યો. આપણા બધાના હાથ સુકાન પર હોવા જ જોઇએ. વધુમાં, ઘણા આફ્રિઅમેરિકન લોકોને જે દારુણ સ્થિતિમાં જીવવું પડ્યું છે તેમાંથી પેદા થયેલા અશ્વેત ચળવળકારો જાતિવિશેષ લઘુમતીઓ વચ્ચેની કૃતિમ ખાઈ બનાવીને તેમની સંકુચિત રાજકીય કારકિર્દી જમાવવા પ્રયત્ન કરશે. તને અશ્વેત લોકોની વિરુદ્ધના કાવાદાવા અને જાતિસંહાર જેવો શબ્દપ્રયોગ છૂટથી સાંભળવા/જોવા મળશે. જેમ બને તેમ કેમેરા, તું લોકોને માનવ તરીકે અને તેમના સાંસ્કૃતિક દાવામાં સામાજિક બન્યા હોય તેવી પ્રથમ વ્યક્તિ તરીકે જોઈ શકશે. નાના છોકરા તરીકે હું એ બાબતથી વાકેફ હતો કે શ્વેતો મને એક વ્યક્તિ તરીકે નહીં પણ સામાન્યરીતે એક અશ્વેત વ્યક્તિ વિશે તેઓ માનતા હતાં. તે પ્રમાણે મને તેવો ગણતા હતાં.

જાતિવાદ છતાં કેમેરા, ટેનિસ રમીને મેં ઘણું ધન એકઠું કર્યું છે, જેથી વિશ્વમાંનાં અન્ય તમામ બાળકો કરતાં તું ઘણા વધુ ભૌતિક લાભો ધરાવતી હોઇશ. હું મોટો થયો ત્યારે મારી પાસે વધુ પૈસા હતા નહીં. જો કે અમે ગરીબ પણ ન હતા. મારા પિતાએ પૈસાની બાબતમાં મને શાણો અને મધ્યમમાર્ગી બનવાનું શીખવ્યું હતું. ધનનો ઉપયોગ કરો, તેને તમારો ઉપયોગ કરવા દેશો નહીં, ડહાપણપૂર્વક વાપરો. તમારી આવક અને દોલત આ મૂળભૂત સિદ્ધાંત અનુસાર હોવાં જોઈએ, જેમાં આરામદાયક ઘર, તમને પોષાય એવું ઉત્તમ શિક્ષણ, જરુરિયાતમંદોને આર્થિક સખાવતો, બચત કરેલી રકમ- જેને કટોકટી સિવાય હાથમાં લેવાની ન હોય. તારી પાસે અમાપ દોલત હોય અથવા તું કમાઈ લે, પરંતુ તારી આવકનાં સાધનોની મર્યાદામાં રહેવાય તે વિષે સાવધ રહેજે.

કેમેરા, તારા સ્વાસ્થ્યની સંભાળ લેજે, તે બાબતમાં જરાય બેદરકાર રહેતી નહીં. તું શાળાએ જાય પછી મમ્મી એક કલાક સુધી કસરત કરે છે અને હું તેને વ્યાયામ કરવા પ્રોત્સાહન આપું છું. શાળામાં તું કોઈ પણ નિપુણતા મેળવે પરંતુ શાળા છોડ્યા પછી પણ લાંબો સમય તું કુશળતાથી રમી શકતી હોય એવી ઓછામાં ઓછી બે રમતમાં તું કુશળ હોવ એવી મારી ઇચ્છા છે. ખેલકૂદ અદ્દભુત વસ્તુ છે ! તારી આખી જિંદગીમાં તે તને સુખચેન અને આનંદ આપી શકે છે. ખેલકૂદ તને જીવનમાં તારા વિશે, તારી લાગણીઓ-આવેગો અને ચારિત્ર્ય બાબતમાં, કટોકટીની પળોમાં અને હારની સ્થિતિમાં કઈ રીતે અડગ રહેવું એવું ઘણું બધું શીખવી દે છે. આ બાબતમાં રમતગમતના પાઠોની સરળતાથી નકલ થઈ શકતી નથી. તું ઝડપથી તારી મર્યાદાઓ સમજી લઈશ. પરંતુ આત્મવિશ્વાસ અને તારી જાત અંગેની હકારાત્મક સમજ પણ પેદા કરી લઈશ. ખેલકૂદથી તું પર છો તેવું ક્યારેય વિચારતી નહીં. હમણાં નહીં, પરંતુ થોડાં વર્ષ પછી તું છોકરાઓમાં રસ લેવાનું શરૂ કરીશ. ત્યારે હું ન હોઉં તો તને લાગશે કે મમ્મી તારા ઉપર જે નિયંત્રણો મૂકશે તેને કારણે તે ક્રૂર રીતે તારું સામાજિક જીવન બરબાદ કરી રહી છે. આ નિયંત્રણો તેમને લગતાં છે. પુખ્તવયની વ્યક્તિ તરીકે તારી સાથે વર્તાવ કરવામાં આવે એવી તારી ઉતાવળમાં તું કદાચ પુખ્તવયના લોકોની જેવી કે વાહન ચલાવવું, મોડે સુધી બહાર રોકાવું, મદ્યપાન કરવું, નશાકારક પદાર્થોનું સેવન કરવું, જુગાર રમવો અને જાતીય બાબતો વિશે પ્રયાસ કરવા ઈચ્છીશ. દારૂ અને નશાકારક/કેફી પદાર્થોને કારણે બરબાદ થતાં ઘણાં જીવન મેં જોયાં છે, જેનો ઉલ્લેખ તો અલગ રીતે જ કરવો પડે. કારણ કે આવી બધી હાનિકારક પ્રવૃત્તિઓ સહજતાથી અને સરળતાથી ઉપલભ્ય છે. ખાસ કરીને, શરાબ એક અભિશાપ બની શકે છે. કેમેરા, આપણા કુટુંબમાં કેટલાક લોકો શરાબી (આલ્કોહોલિક) હતાં પરિણામે તેમણે ખૂબ જ સહન કરવું પડ્યું હતું. કામ એ ઇશ્વરની અમૂલ્ય બક્ષિશ છે.પુરુષ કે સ્રીએ તેનો અવિવેકી રીતે ઉપભોગ કરવો જોઇએ નહીં. સમય થાય ત્યારે સહભાગી અને અવસર કાળજીપૂર્વક શોધી લેજે. ઘણી મહિલાઓના કેસમાં થાય છે તેવું, તારી જાતનું શોષણ થવા દઈશ નહીં. કોઇ તને તરછોડી દે અને ભૂલી જાય તેવું હરગીજ થવા દઈશ નહીં.

અંતમાં, સંગીત અને કલાઓની અભિરુચિ તું કેળવે તેવું હું ઈચ્છું છું. હું નાનો હતો ત્યારે જુનિયર હાઈસ્કૂલ અને હાઈસ્કૂલમાં છ વર્ષ સુધી બેન્ડમાં સંગીત વગાડતો હતો અને સંગીત પ્રત્યેની ચાહના વિકસાવી હતી. મને કાયમી આશ્ચર્ય થતું હતું કે માનવજાત કેવી અદ્દભુત ધૂનો અને સુરાવલીઓ સર્જી શકે છે ! દરેક વસંતમાં મારી સ્કૂલમાં જે કાર્યક્રમો યોજાતા તેમાં અમે સાદાં સફેદ જેકેટ અને બો-ટાઈ ધારણ કરતા અને ડ્યુક એલિંગ્ટનથી લઈને બિથોવનની ધૂનો રેલાવતાં. આપણા ઘરના સંગીતના આલબમમાં તને આખા વિશ્વનું સંગીત જોવા મળશે, જે મેં મારા પ્રવાસ દરમિયાન એક્ત્ર કર્યું હતું. ઘણીવાર હું કોઈ સ્થળ વિશે વિચારું છું ત્યારે સૌ પ્રથમ વિચાર મને સંગીતનો આવે છે. બ્રિટનની ટ્રમ્પેટ, ઓસ્ટ્રેલિયા અને જર્મનીનાં વાયોલિન, મિડલ ઈસ્ટની વાંસળી, પશ્ચિમ આફ્રિકાના ફિંગર પિયાનો, અમેરિકન ઇન્ડિયનના ડ્રમ, ઈટાલીનાં મેંડોલિન, સ્પેનના કાસ્ટનેટ, જાપાનના સિમ્બલ્સ. આપણા વર્ગના ગુલામોના પૂર્વજોનાં ફિડલ વિષે હું વિચારું છું. દરેક સૂર કોઇ એક સ્થળ અને લોકોની નિશાની જેવો લાગે છે. દરેક સૂર વિશ્વની સંવાદિતાનો એક હિસ્સો છે. હું હંમેશાં, કલાથી -કાવ્યથી દ્રવી જાઉં છું. આમાંથી કોઇ એક વસ્તુ ક્ષૂદ્ર છે અથવા વ્યર્થ છે અથવા નાણાં એકઠાં કરવાથી ઊતરતું છે એવું કોઇ કહે તો ક્યારેય માનતી નહીં. કલા, સાહિત્ય અને સંગીત વિના જીવન શુષ્ક અને લાગણીહીન થઈ જાય છે. કલા ખુદ અસ્તિત્વનો આવશ્યક અંશ છે, માનવજાતની એક સહજવૃત્તિ છે. યુરોપની કલા બાકીના વિશ્વ માટેનું એકમાત્ર ધોરણ છે તે ખ્યાલનો વિરોધ કરતાં હું કહીશ કે તેની કેટલીક કૃતિઓ મને ભાવવિભોર કરી દે છે. દા.ત. રોમમાં સેન્ટ પિટરના બેસિલિકામાંનો પથ્થરનો એક નાનકડો ટુકડો, શક્ય એટલો ભારે વિષાદ શિલ્પવિષયક જટિલતા ધારણ કરીને, વ્યક્તિની કાયમી યાદદાસ્તનો ભાગ બની જાય છે. મહાન કલા નિર્જીવને સજીવ બનાવે દે છે. તારી જાતમાં અને અન્યમાં ઈશ્વરની આ ભેટનો આદર કરજે.

કેમેરા, ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખજે. સુખ અને ભૌતિક પદાર્થોથી અથવા વિજ્ઞાનના દાવા કે ધર્મ વ્યર્થ છે તેવું માનતા અથવા ઈશ્વર તારા કરતાં નિમ્ન છે તેવું વિચારતા બુદ્ધિશાળી વિચારકોની વાતમાં આવી લલચાઈ જતી નહીં. શારીરિક અથવા બૌદ્ધિક પોષણની જેમ આધ્યાત્મિક પોષણ પણ એટલું જ જરૂરી છે. તું પસંદ કરે એ ધર્મ ઈશ્વરમાં પાયાની, મૂળભૂત શ્રદ્ધા જેટલો મહત્વનો નથી. બાળપણમાં હું એપિસ્કોપાલ પ્રિસ્ટોરિયન અને બાપ્તિસ્ટ ચર્ચોમાં જતો. પછી હું કેથોલિક ચર્ચમાં ગયો, કારણ કે હું એવા પરિવારમાં રહેતો જે ત્યાં ધાર્મિક ક્રિયાઓ કરતો હતો. મમ્મી પોતે પણ કેથોલિક છે અને તું જાણે છે તેમ તે સમૂહપ્રાર્થનામાં જાય છે. ખ્રિસ્તી ધર્મ સહિતના આ અને અન્ય બધા ધર્મો ઈશ્વર તરફનો પંથ દર્શાવે છે. આ બધા ધર્મો પાછળના સિદ્ધાંતો પ્રભુએ જ ધડ્યા હશે અને હંમેશાં ઈશ્વરી કાનૂન અન્વયે હશે તેવી તારી સમજ હોવી જોઇએ. આ સોનેરી નિયમનો સ્વીકાર કરજે. ઈશ્વર પાસે તરફેણની માગણી કરતી નહિ, તેને બદલે સારું શું છે અને તે શું કરવા ઈચ્છે છે તે જાણવાનું શાણપણ માગજે. અને તે પ્રમાણે કરજે. બાઈબલને સમજજે. પર્વત પરનો બોધ અને ઉપદેશ વાચજે. તે શાશ્વત ગ્રંથમાંનું સર્વ કંઈ વાચજે. તારા અંધકારમય સમય દરમિયાન તને તેમાં આશ્વાસન મળશે. જીવનનો અર્થ અને તારે કઈ રીતે જીવવું જોઇએ તે તને બાઈબલમાં મળશે. તારામાં જીવન વિશેની ઊંડી સમજનો વિકાસ થશે. ક્યારેક ધર્મો વચ્ચે સંઘર્ષ અને હરીફાઈ થતાં હોય છે. પરંતુ બાઈબલમાં સત્ય અને માર્ગદર્શનનો મહાસાગર છે. જે તમામ વિવાદોથી પર છે અને તારા માટે સદાયે ઉપલબ્ધ છે.

બેટા કેમેરા, મારું વિશ્વ જેટલું ઉત્તેજિત છે તેના કરતાંયે તારું વિશ્વ કેટલુંય વધારે ઉત્તેજિત નીવડશે. અગાઉ ક્યારેય વિકસી ન હોય એવી પ્રૌદ્યોગિકી(ટેકનોલોજી) વિસ્તરી રહી છે. પરિવર્તનનાં સાધનો ચારે બાજુ જોવા મળે છે. ઘણીવાર તને લાગશે કે તું જે કંઈ કરવા ઈચ્છે છે તેને માટે તારી પાસે પૂરતો સમય નથી. સમય બનાવો/બચાવો, સમયની ઉપર નિયંત્રણ રાખો. તમારા ઉપર સમયે રાખવો જોઇએ તેના કરતાં વધુ અંકુશ તેને ન રાખવા દો. તમારા જીવનની પ્રવૃત્તિમાં સંતુલન સાધો. મારા પિતા સાદી છતાં સુખી જિંદગી જીવતા હતા. તે સખત કામ કરતા, પરંતુ મોસમ પૂરી થાય પછી મચ્છીમારી કરવા જતાં. અલબત્ત, આજે હું જે પ્રલોભનોનો સામનો કરું છું અથવા તું સામનો કરીશ તેવાં પ્રલોભનો તેમની સામે ન હતાં. કોઈ પણ પ્રવૃત્તિની પસંદગી કાળજીપૂર્વક કરજે અને તારી પસંદગીની પ્રવૃત્તિમાં સંપૂર્ણપણે સમર્પિત થજે. મહેરબાની કરીને કોઈ એક વસ્તુની નિષ્ણાત બનજે, જેથી લોકો તને માનવસંસાધન તરીકે અપનાવે.

શરૂઆત કરી હતી એ રીતે હું પરિવારની બાબત વિશે વાત કરીને સમાપન કરીશ. મેં જે સંસ્કૃતિઓ વિશે સાંભળ્યું છે તે દરેકમાં પરિવાર એ કેન્દ્રિય સામાજિક એકમ છે. તે સંસ્કૃતિનો આધાર અને પાયો છે. મારા મતે તું પરિવારની અગિયારમી અને તારી મમ્મીના પક્ષે ચોથી, ઓળખી શકાય એવી પેઢીની સભ્ય છો. અમે તને શક્ય એવી રીતે સુખી અને ઉત્પાદક જીવન તરફ દોરી શકીએ એવી ઉત્તમ રીતે તૈયાર કરવાનો પ્રયાસ કર્યો છે. આ માર્ગે કદાચ તું ડગમગીશ કે ક્યારેક પડી જઈશ. પરંતુ તે પણ સાવ સામાન્ય અને અપેક્ષિત ઘટના છે. ઊભી થજે, તારા પગ પર ખડી થજે અને શાણી થજે અને આગળ અને આગળ ધપતી જજે. આજે જે રીતે હું તારી સાથે ચાલી રહ્યો છું તેમ આખા અથવા તો મોટાભાગના રસ્તે કદાચ તને સાથ નહીં આપી શકું. તારે જરૂર હોય ત્યારે જીવતો અને તંદુરસ્ત હું કદાચ ન હોઉં, તેથી તું મારા ઉપર ગુસ્સે થતી નહીં. તારી સાથે હંમેશાં રહેવા સિવાય તેથી વધુ મને કશુંયે ગમે નહીં જ. મેં વિદાય લઈ લીધી હોય તો તું નિરાશ કે દિલગીર થતી નહીં. આપણે સાથે હતા ત્યારે મેં તને ખૂબ જ ચાહી છે અને તેં મને જે ખુશી આપી છે તે હું તને ક્યારેય આપી શકીશ નહીં. બેટા કેમેરા, તું આ પુસ્તક હાથમાં લે અને વાંચે ત્યારે અથવા ગડથોલિયું ખાઈને પડી જાય ત્યારે અને ફરીથી તું ઊભી શકીશ કે નહીં તે જાણતી ન હો ત્યારે મને યાદ કરજે. હું તને જોઇ રહ્યો હોઇશ, સ્મિત કરી રહ્યો હોઇશ અને તને પ્રોત્સાહન આપતો હોઈશ.

સૌજન્ય… મેહુલ સોલંકી

1297 – ભારતની અવકાશી સફળતા અમેરિકાને દુખે છે પેટ, કૂટે છે માથું …હેન્રી શાસ્ત્રી

હાય! હાય! ભારતે આ શું કર્યું? ઍન્ટિ-સૅટેલાઈટ વેપન ટેસ્ટને પગલે ઉપર ગગનમાં જે અવકાશી કચરો જમા થઇ ગયો છે એને કારણે વીસેક વર્ષથી અવકાશમાં ભ્રમણ કરી રહેલા ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન સામે ખતરો ઊભો થયો છે. જન હિતાર્થે અવકાશમાં સંશોધન કરતી અમેરિકન એજન્સી નૅશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડ્મિનિસ્ટ્રેશન – નાસા (ગઅજઅ) દ્વારા આવા મતલબનો કાળો કકળાટ કરવામાં આવ્યો છે. રોકકળ કરવામાં આવી છે. નાસાના ચીફ ઍડ્મિનિસ્ટ્રેટર જિમ બ્રિડેન્સ્ટાઇને અકારણ હૈયાવરાળ ઠાલવતા જણાવ્યું છે કે ‘આ અત્યંત અઘટિત અને નુકસાન કરી શકે એવું પગલું છે. ભારત દ્વારા ઉપગ્રહ તોડી પડવાને કારણે સ્પેસમાં જે કંઇ ભંગાર-કાટમાળ જમા થયો છે એનાથી ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશનને નુકસાન થઈ શકે છે.’ આ સિવાય પણ કેટલાક મુદ્દા ફરિયાદ સ્વરૂપે રજૂ કરવામાં આવ્યા છે. ભારતે જાણે માનવહિત વિરુદ્ધનું પગલું ભર્યું હોય એવી છાપ ઉપસાવવાનો આ પ્રયત્ન પ્રથમ દૃષ્ટિએ લાગે છે.

હકીકત તો એ છે કે યુએસ, રશિયા અને ચીન પછી એન્ટિ-મિસાઈલ સામર્થ્ય ધરાવતા દેશ તરીકે ચોથા દેશ તરીકે ભારતનું નામ જોડાતા અમેરિકાને પેટમાં દુખ્યું છે. જો આ ધોરણે પ્રગતિ ચાલુ રહી તો એક દિવસ ભારત અવકાશી સંશોધનમાં પોતાના કરતા આગળ નીકળી જશે એવો કલ્પિત ભય અમેરિકાને સતાવતો હોય તો એની નવાઈ ન લાગવી જોઈએ. ગઈકાલનું છોકરું પોતાની હારોહાર બેસે એ મહાસત્તાનો ઈજારો ધરાવતું રાષ્ટ્ર કઈ રીતે સહન કરી શકે? આ પ્રકારની મનોદશાને પગલે મગરનાં આંસુ સારવામાં આવ્યા છે.

‘વાંધો લેવા ખાતર લેવામાં આવ્યો છે,’ એમ સ્પષ્ટ શબ્દોમાં અને આક્રોશભર્યા અવાજમાં નહેરુ પ્લેનેટેરિયમના ભૂતપૂર્વ ડિરેક્ટર અને અવકાશ વિજ્ઞાનના સમર્થ અને ઊંડા અભ્યાસુ ડૉક્ટર જે. જે. રાવળ ‘મુંબઈ સમાચાર’ સાથેની વાતચીતમાં જણાવે છે. પોતાની દલીલના સમર્થનમાં તેઓ આગળ કહે છે કે ‘છેક ૧૯૬૭થી અવકાશમાં કાટમાળ-કચરો ફેંકાતા આવ્યા છે. પચાસથી વધુ વર્ષથી ચાલી આવતી આ પ્રવૃત્તિ સામે કોઈને વિશિષ્ટ રીતે ટાંકીને ફરિયાદ થઇ હોવાનું સ્મૃતિમાં નથી. સાચું કહું તો આપણી આ સિદ્ધિથી અમેરિકાના પેટમાં તેલ રેડાયું છે. એને ઈર્ષા થઇ છે આપણી પ્રગતિથી અને એટલે આ હૈયાવરાળ કાઢી છે. હકીકતમાં આપણી ઍન્ટિ-સૅટેલાઈટ વેપન ટેસ્ટને પગલે જે પણ કાટમાળ-કચરો અવકાશમાં જમા થયો હોવાની રજૂઆત કરવામાં આવી છે એ માત્ર રજકણ જેવો છે. એનાથી કોઈ પણ પ્રકારનું નુકસાન થશે એવો ભય કે ચિંતા રાખવાની જરૂર જ નથી.’ વૈજ્ઞાનિક મિજાજ અને સમજણ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી શકવાની તાકાત ધરાવે છે. રાવળ સાહેબની દલીલમાં એ તાકાત છે અને એના પરથી નાસાના આંસુ એ મગરના આંસુ છે એ વાત દીવા જેવી સ્પષ્ટ થાય છે.

અલબત્ત અવકાશમાં તરી રહેલો ભંગાર કે કાટમાળ સાવ નિર્દોષ છે એવું સાબિત કરવાનો કોઈ પ્રયાસ નથી કરવો. કાટમાળ એટલે કાટમાળ અને એ તકલીફ આપી શકે. અહીં વાત કરવી છે ભારત સામેની ફરિયાદની. ગયા વર્ષે ઑક્ટોબર મહિનામાં અવકાશી ભ્રમણકક્ષામાં રહેલાં સાધનો અને કાટમાળ વિષે અભ્યાસ કરીને એક વિગતવાર અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. એ અહેવાલની શરૂઆતની જ નોંધમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે ‘આશરે ૪૫૦૦ ઉપગ્રહો પૃથ્વીની ભ્રમણકક્ષામાં હોવા ઉપરાંત ૧૪૦૦૦ જૂના રૉકેટના પાર્ટસ્ તેમ જ બીજી કેટલીક વસ્તુઓ અવકાશી કાટમાળ – ભંગાર (જઙઅઈઊ ઉંઞગઊં) તરીકે અસ્તિત્વ ધરાવે છે.’ ઓકે, મહત્ત્વનોે મુદ્દો હવે આવે છે. આગળની લાઈનમાં જણાવાયું છે કે ‘અવકાશમાં સૌથી વધુ કચરો યુએસનો છે. ત્યારબાદ વારો આવે છે રશિયા અને ચીનનો. ભારત છઠ્ઠા ક્રમે આવે છે.’ કોઈ તારણ બાંધવાની ઉતાવળ કરતા આગળની વિગતો ધ્યાનથી વાંચો, વિચારો, સમજો અને પછી તમારું પોતાનું તારણ કાઢવાની છૂટ છે. પ્રથમ નજરે કચરો ધરાવવામાં ભારત ઘણું ઉપલા ક્રમે છે એવી છાપ પડે છે. આ છઠ્ઠો નંબર કેવો ભ્રામક છે એ દર્શાવવું છે. ૨૦૧૮ના એ અહેવાલમાં સ્પેસમાં કયા દેશના કેટલા પ્રવૃત્ત ઉપગ્રહો, રોકેટ બૉડી અને કાટમાળ-ભંગાર છે એનું વર્ગીકરણ કરવામાં આવ્યું હતું.

અવકાશી કાટમાળમાં ૩૯૯૯ ટુકડાઓ સાથે યુએસ નંબર વનના સ્થાને બિરાજમાન છે. ૩૯૬૧ સાથે રશિયા બીજા નંબરે અને ૩૪૭૫ સાથે ચીન ત્રીજા નંબરે છે. જેટલી મોટી સત્તા- મહાસત્તા- એટલો મોટો કાટમાળ, હેં ને! હવે આને સરખાવો ભારતના આંકડા સાથે. કાટમાળના માત્ર ૧૦૦ ટુકડા સાથે ભારત છઠ્ઠા ક્રમે છે. આ ક્રમ કેવો ભ્રામક છે એનો ખ્યાલ આવી ગયો ને. સૌથી વધુ કાટમાળ ધરાવતી ત્રણ મહાસત્તાઓ આપણા કરતા ૧૦૦ ગણો કરતાં વધુ કાટમાળ અવકાશમાં ધરાવે છે. શું એનાથી કોઈ ખતરો નથી નાસાને કે બીજા કોઈને? આ તો ‘યહૂદી’ ફિલ્મના સોહરાબ મોદીના ડાયલૉગ જેવું થયું: તુમ્હારા ખૂન હૈ ખૂન ઔર હમારા ખૂન પાની હૈ? આના પરથી એક વાત દીવા જેવી સ્પષ્ટ છે કે અવકાશમાં સૌથી વધુ ગંદવાડ ધરાવતા દેશનો ઇલકાબ યુએસએના ફાળે જાય છે. ચીન કચરો કરવામાં વીસમી સદીના અંત સુધી પાછળ હતું. એકવીસમી સદીના પ્રારંભમાં તેણે હરણફાળ ભરી છે. સૌપ્રથમ ૨૦૦૭માં એના દ્વારા પણ ઍન્ટિ-સૅટેલાઈટ વેપન ટેસ્ટ કરવામાં આવી હતી અને ત્યારે તેણે પણ પોતાનો એક ઉપગ્રહ તોડી પાડતા કાટમાળના ૨૩૦૦ ટુકડા અવકાશમાં તરવા લાગ્યા હતા. એની સાથેનો સંપર્ક તૂટી જવાને કારણે ગયા વર્ષે એટલે કે ૨૦૧૮ના એપ્રિલ મહિનામાં તેનું સ્પેસ સ્ટેશન તિઆન્ગઓન્ગ -૧ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યું હતું અને એનો કાટમાળ પ્રશાંત મહાસાગરના વિસ્તારમાં અવકાશમાં જ બળીને નાશ પામ્યો હોવાના અહેવાલ આવ્યા હતા.

વધુ અભ્યાસપૂર્ણ માહિતી આપતા ડૉ. રાવળ ‘મુંબઈ સમાચાર’ને જણાવે છે કે ‘અમેરિકા અને ચીનનો કાટમાળ કદમાં ઘણો મોટો હોય છે અને કેટલોક તો આજની તારીખમાં પણ ભ્રમણકક્ષામાં છે. આપણે જે પરીક્ષણ કર્યું છે એને કારણે થયેલા ટુક્ડાઓમાંના મોટા ભાગના તો છએક ઇંચના માંડ છે. આવા ટુકડા તો પૃથ્વીની ભ્રમણકક્ષામાં આવે એ પહેલા જ સળગી જાય અને જો કોઈ ભંગાર બચી જાય તો એ સમુદ્રમાં પડીને નાશ પામે. યુએસનું સ્પેસ શટલ તૂટી પડ્યું ત્યારે કલ્પના ચાવલાના શરીરના કેટલાક ટુકડા સમુદ્રમાંથી હાથ લાગ્યા હતા, પણ એ પૃથ્વીની એકદમ નિકટ આવ્યું ત્યારે તૂટી પડ્યું હતું. ભારતનું પરીક્ષણ તો ઘણી ઊંચાઈએ કરવામાં આવ્યું છે. લેવા ખાતર લેવામાં આવેલા વાંધાની આપણે તો અવગણના જ કરવી જોઈએ.’

વાત એકદમ સ્પષ્ટ છે. જે વિષયમાં વર્ષો સુધી આધિપત્ય જમાવ્યું હોય, એમાં સર્વોત્તમ હોવાની ભાવના કેળવાઈ હોય એ વિષયમાં જેને ગઈકાલના છોકરાનું લેબલ ચીપકાવ્યું હોય એ જો પ્રગતિના એંધાણ આપે તો એને કારણે પેટમાં ચૂંક આવે , ઈર્ષાથી હૈયું બળે એ માનવસ્વભાવ છે. નાસાની ફરિયાદમાં આવું જ થઇ રહ્યું હોવાનો ખ્યાલ આવે છે. અલબત્ત અવનારો સમય જ દૂધનું દૂધ અને પાણીનું પાણી સાબિત કરી દેશે, કેમ બરોબર ને?

કાટમાળનો કકળાટ

સ્પેસમાં ટહેલવાની ઇચ્છા તો માણસને વર્ષોથી થતી આવી છે. જોકે, માનવ દ્વારા અવકાશી આંટાફેરા ૧૯૬૦ના દાયકામાં શરૂ થયા હોવાનું કહેવાય છે. ૧૯૬૭ના ઑગસ્ટ મહિનામાં પૂર્વ આફ્રિકાના દેશ સુદાનના કુટુમ શહેરમાં ૮૦ કિલોમીટર દૂરના વિસ્તારમાં સૌથી પહેલો અવકાશી કાટમાળ મળ્યો હોવાની નોંધ છે. ત્રણ ટન વજનનો એ ઉપગ્રહ એલ્યુમિનિયમ જેવી કોઇ ધાતુનો બનેલો હોવાની ધારણા એ સમયે બાંધવામાં આવી હતી. ૧૯૬૭ના એપ્રિલ મહિનામાં જ સોવિયેત સંઘનું અવકાશયાન સોયુઝ ૧ તૂટી પડ્યું હતું. અલબત્ત એ સમયની સોવિયેત વિચારસરણી અનુસાર એના અકસ્માતની વિગતો વર્ષો સુધી ગુપ્ત રાખવામાં આવી હતી. ગણાં વર્ષો પછી એની તસવીર અને કેટલીક વિગતો બહાર આવી હતી ખરી.

અવકાશી કાટમાળ વિશે કેટલીક માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવી છે. લો-અર્થ ઑરબિટ (૨૦૦૦ કિલોમીટર અથવા એના કરતાં ઓછી ઊંચાઇ) પર ભ્રમણ કરતા સ્પેસક્રાફ્ટનું મિશન પૂરું થતાની સાથે એને ભ્રમણકક્ષામાંથી દૂર કરી દેવું જોઇએ એવી ભલામણ એ માર્ગદર્શિકામાં કરવામાં આવી છે. તેમ છતાં ૬૦ ટકા કામ જ આ દિશામાં કરવામાં આવ્યું છે. આવા નિયમો હોવા છતાં અવકાશી કાટમાળ વિશે વધુ કંઇક નક્કર થાય એ જરૂરી છે. અલબત્ત સ્પેસની સાફસૂફી અત્યંત ખર્ચાળ હોવાને કારણે વિવિધ દેશની સરકારો એ કરવા વિશે બહુ ઉત્સાહિત નથી હોતી. એક અહેવાલ પ્રમાણે ૩૦૦૦ મૃતપ્રાય સૅટેલાઇટ ભ્રમણકક્ષામાં છે જેના વિશે ઉચિત પગલાં ભરવામાં આવે એ જરૂરી છે.

Source-
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=493678

1276 – બાપ રે, 200 વર્ષ જીવવાનું શક્ય બનશે!…… કવર સ્ટોરી..અગસ્ત્ય પુજારા.

સૌજન્ય.. મુંબઈ સમાચાર ..

બાપ રે, 200 વર્ષ જીવવાનું શક્ય બનશે!..કવર સ્ટોરી … અગસ્ત્ય પુજારા.

સમગ્ર વિશ્વમાં અત્યારે વૈજ્ઞાનિકો એ બાબત પર સંશોધન કરી રહ્યા છે કે મનુષ્ય તેની વૃદ્ધાવસ્થાને ટાળી શકે અને 100થી વધારે એટલે કે કદાચ 200 વર્ષ પણ જીવી શકે! આ સંશોધનમાં ભારત પણ પાછળ નથી.

M.S. PUJARA

તમને જાણીને આશ્ર્ચર્ય થશે કે શું મનુષ્ય 200 વર્ષ જીવી શકે? પણ હા, એવું કદાચ થોડાક વર્ષો પછી બની પણ શકે, કારણ કે અત્યારે ભારત સહિત દુનિયાભરના વૈજ્ઞાનિકો તેના પર સંશોધન કરી રહ્યા છે કે માણસ વધારે જીવી શકે અને પોતાની વૃદ્ધાવસ્થાને ટાળી શકે. આપણા શરીરમાં રહેલા માઇક્રોબાયોમ (નાના કિટાણુ, બેક્ટેરિયા, ફફૂદ કે વાયરસ) આપણા સ્વાસ્થ્ય પર બહુ અસર કરે છે. આ માઇક્રોબાયોમજ બીમારીઓનું કારણ બને છે. આમ છતાંય આ માઇક્રોબાયોમ સ્વસ્થ રહેવા માટે પણ જરૂરી છે. એક અહેવાલ પ્રમાણે અમેરિકાની બલજર કોલેજ ઓફ મેડિસિનના પ્રોફેસર મેંગ વાગ આ માઇક્રોબાયોમની મદદથી બુઢાપાને રોકવા પર સંશોધન કરી રહ્યાં છે. તેના માટે શરૂઆતમાં તેમણે ખાસ પ્રકારના એવા કીડાઓની પસંદગી કરી, જેની ઉંમર બહુ ઓછી હોય છે. તેમણે આ કીડાઓની આડમાં પોષાતા બેક્ટેરિયાને બીજા પ્રકારના કીડાઓમાં નાંખી દીધા. તે પછી જે કીડાઓ ત્રણ સપ્તાહમાં મરી જવા જોઇતા હતા, તે આ બેક્ટેરિયાની મદદથી જીવતા હતા એટલું જ નહીં, પણ તે એકદમ સ્વસ્થ પણ હતા. હવેપ્રોફેસર મેંગ વાગ આ જ સંશોધન ઉંદરો પર કરી રહ્યા છે. જો ઉંદરો પર પણ આ સંશોધન સફળ રહ્યું તો આ બેક્ટેરિયાની મદદથી એવી ગોળિયો બનાવવામાં આવી શકે છે કે જેના પ્રયોગથી માણસની ઉંમર 100થી 200 વર્ષ સુધીની થઇ શકે છે.

ઉંમર વધારવા માટેના પ્રયોગો

વિશ્ર્વમાં કોઇ મનુષ્ય એવો નથી જેનું મૃત્યુ ન થાય કે તેને બુઢાપો ન આવે. સિવાય કે યુવાનીમાં કે પ્રૌઢાવસ્થામાં તેનું મૃત્યુ થાય. દરેકના જીવનમાં વૃદ્ધાવસ્થાનો તબક્કો આવવો નિશ્ર્ચિત છે. ખાસ વાત એ છે કે કોઇ પણ મનુષ્યને આ તબક્કો જીવવો નથી ગમતો. બુઢાપામાં લોકો શારીરિક રીતે બહુ કમજોર થઇ જતા હોય છે અને બીજા પર નિર્ભર થઇ જતા હોય છે. આવું જીવન કોઇ મનુષ્ય જીવવા નથી માગતું. આથી જ મનુષ્યને બદલે હવે રોબોટ કામ કરતા થઇ ગયા છે તેવી ઘણી શોધો કર્યા પછી પૂરી દુનિયાના વૈજ્ઞાનિકો હવે મનુષ્ય પોતાને લાંબો સમય યુવાન રાખી શકે તેના પર ઘણું બધું સંશોધન કરી રહ્યા છે. જો તેમને આ સંશોધનમાં સફળતા મળે તો એવું ભવિષ્ય જોવા મળશે જ્યારે લોકો તેમની વૃદ્ધાવસ્થાને ટાળી શકશે. લો બોલો, છે ને આનંદ વિભોર થવાની વાત?

વિશ્ર્વમાં રોજ એક લાખ મૃત્યુ થાય છે

એક અહેવાલ પ્રમાણે વૃદ્ધાવસ્થામાં કેન્સર, અલ્જાઇમર, હાડકાંની વિવિધ બીમારીઓ અને અંગોના ખરાબ થવાના કારણથી દુનિયાભરમાં પ્રતિદિવસ લગભગ એક લાખ લોકોના મોત થઇ જાય છે. એ જ કારણે બુઢાપાને રોકવા માટે ભારત સહિત દુનિયાભરના વૈજ્ઞાનિકો અને સંશોધકો શોધ કરી રહ્યા છે. અત્યાર સુધીના સંશોધનમાં એટલું જાણવા મળ્યું છે કે બુઢાપાને રોકવા માટે કેટલાક ખાસ પ્રકારના કીડાઓ એને થ્રીડી પ્રિન્ટેડ ઑર્ગન્સ (આર્ટિફિશિયલ એન્ડ પોર્ટેબલ ઓર્ગન્સ)ની મુખ્ય ભૂમિકા હોઇ શકે છે.

મૃત્યુ વિશે વિજ્ઞાનીઓનો મત

મૃત્યુ અંગે વિજ્ઞાનીઓનો એક જ મત છે. તેમનો સ્પષ્ટ મત છે કે મૃત્યુને ટાળી શકાય નહી. જીવનને લંબાવવા પર સંશોધન થઇ શકે છે, પણ મૃત્યુને ટાળીને અમર બનવાની કલ્પના પણ કરી શકાય નહીં. એવામાં આ બધી શોધોનો મુખ્ય ઉદૃેશ એ છે કે જિંદગી ભલે જેટલી લાંબી કેમ ન હોય પણ તે સ્વસ્થ અને ખુશહાલ હોવી જોઇએ.

બુઢાપોમાણસને કેમ કમજોર કરી દે છે?

ચિકિત્સકોના જણાવ્યા અનુસાર એક ખાસ ઉંમર સુધી શરીરમાં કોશિકાઓ બનવાનો સિલસિલો ચાલતો રહે છે. ઉંમર વધવાથી કોશિકાઓને બનવાનો એ સિલસિલો ધીમો પડી જાય છે. એવામાં શરીરમાં બેકાર કોશિકાઓ એકત્ર થવા લાગે છે, જે બુઢાપાનું કારણ બને છે. ચિકિત્સકો એવું પણ કહે છે કે વધારે બીમાર રહેનાર લોકોને બુઢાપો જલદી આવી જાય છે.

કોશિકાઓને સ્વસ્થ રાખવા માટે સંશોધન

આથી કેટલાક દેશોમાં એવા રસાયણોની શોધ ચાલી રહી છે જેની મદદથી વૃદ્ધ થઇ રહેલી મનુષ્યની કોશિકાઓને ફરીથી જવાન કરી શકાય. તે સાથે જ હયાત કોશિકાઓને લાંબા સમય સુધી બુઢી થવાથી રોકી શકાય. તેનાથી માણસની ઉંમર બહુ લાંબી થઇ શકે છે. સાથે જ ઘણી બધી બીમારીઓથી પણ તેને નિપટાવી શકાય છે.

અત્યારે પણ મનુષ્યની ઉંમર બે ગણી વધી ગઇ છે

વિશ્ર્વભરમાં માણસની સરેરાશ ઉંમર 19મી સદી સુધી લગભગ 40 વર્ષ હતી. ઘણી બધી જટિલ બીમારીઓ પર કાબૂ મેળવ્યા પછી દુનિયાભરમાં માણસની ઉંમર વધી છે. પહેલા એવી ઘણી બીમારીઓ હતી, જેનો ઇલાજ થઇ શક્તો નહોતો. આથી મોટી સંખ્યામાં લોકોનું એ બીમારીઓને કારણે વહેલી ઉંમરમાં મૃત્યુ થઇ જતું હતું. ઉત્તરીય યુરોપના લોકોની સરેરાશ ઉંમર 80 વર્ષ સુધી પહોંચી ચૂકી છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર બહુ જલદી પૂરી દુનિયામાં માણસની સરેરાશ ઉંમર 80 વર્ષ સુધીની થઇ જશે. આ રીતે ભવિષ્યમાં માણસ બુઢાપાને લાંબો સમય સુધી ટાળવામાં સક્ષમ થઇ જશે, જેનાથી સરેરાશ ઉંમરમાં તેનો વધારો થશે.

દાંતોમાં છુપાયેલું છે લાંબી ઉંમરનું રહસ્ય

ચિકિત્સકોના જણાવ્યા અનુસાર સ્વસ્થ તબિયત અને લાંબી ઉંમરનું રહસ્ય દાંતોમાં છુપાયેલું છે. જો દાંત મજબૂત હોય તો તમે કોઇ પણ સારું ખાવાનું સરળતાથી ચાવીને ખાઇ શકો છો. સારું ખાવાનું ખાવાથી સેહત અને યાદશક્તિ લાંબા સમય સુધી સારી રહે છે. અત્યારે પણ લાંબી ઉંમર સુધી જીવનાર વડીલોના દાંત ઘણી ઉંમર સુધી મજબૂત રહે છે. ભવિષ્યમાં તેમાં વધારે સુધારો થવાની આશા છે. વર્તમાનમાં દુનિયાની સૌથી વૃદ્ધ મહિલા હોવાનો રેકોર્ડ ફ્રાંસની જ્યાલુઇ કાલમેન્ટના નામે છે. વર્ષ 1997માં જ્યારે તેનું મૃત્યુ થયું, ત્યારે તે 122 વર્ષની હતી. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર તેના પછીના 21 વર્ષમાં માણસને સ્વસ્થ રહેવા માટેની રીત-રસમોમાં ઘણો વિકાસ થઇ ગયો છે.

બુઢાપાને રોકવા માટે મદદરૂપ થશે આર્ટિફિશિયલ અંગ ટ્રાન્સપ્લાન્ટ

બુઢાપાને મહાત આપવા માટે કામ કરી રહેલા વૈજ્ઞાનિકોને રિસર્ચમાં એ જાણવા મળ્યું છે કે વૃદ્ધોના મૃત્યુનું એક મોટું કારણ એ પણ છે કે તેમના શરીરના નાજુક અંગો ખરાબ થઇ જાય છે. તેમાંહૃદય,લિવર અને કિડની જેવા મહત્ત્વપૂર્ણ અંગો શામેલ હોય છે. અંગોને જેટલો લાંબો સમયસ્વસ્થ રાખી શકાય, તેટલો સમય સુધી સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવી શકાય. તેમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સૌથી સફળ કારણ બની શકે છે. પૂરા વિશ્ર્વમાં વૃદ્ધોની સંખ્યા બહુ વધારે અને અંગદાનકર્તાઓની સંખ્યા ઘણી ઓછી હોવાને કારણે તે બહુ જટિલ પ્રક્રિયા સાબિત થાય છે. દાનવીરો અને લેનાર વ્યક્તિના અંગો મેચ ન થાય તો તે વધુ પડકારરૂપ બની જાય છે.

ભારતમાં થઇ રહ્યું છે આનું મહત્વનું સંશોધન

આર્ટિફિશિયલ અને પોર્ટેબલ અંગ બનાવવાની દિશામાં ભારતના બાયોફિજિસ્ટ તુહિન ભૌમિક એક મહત્ત્વના સંશોધન પર કામ કરી રહ્યા છે. એક અહેવાલ પ્રમાણે તેમના મત અનુસાર દર્દીનું એમઆરઆઇ અને સિટી સ્કેન કરીને તેના અંગોના અંદરથી ચોક્કસ કદ જાણીને તે એમઆરઆઇ અને સિટી સ્કેનથી પ્રાપ્ત થયેલા ડેટાને કમ્પ્યુટરમાં ફીડ કરીને તે જ આકારના ખાસ થ્રીડી પ્રિંટિંગ દ્વારા અંગ બનાવી શકાય છે. તેના માટે થ્રીડી પ્રિંટિંગમાં ઉચ્ચ ગુણવત્તાવાળી શાહીનો ઉપયોગ કરવામાં આવે છે, જે પ્રોટીન અને દર્દીના શરીરની કોશિકાઓથી બનેલી હોય છે. તુહિન ભૌમિકનું માનવું છે કે એવામાં આ વાતનો અણસાર બહુ ઓછો આવે છેકે આ રીતે શાહીથી બનેલા થ્રીડી પ્રિન્ટેડ આર્ટિફિશિયલ અંગ દર્દીના શરીરમાં સાચી રીતે કામ ન કરે. આ શાહીના થ્રીડી પ્રિંટિંગમાં ઉપયોગ કરવા માટે તુહિન ભૌમિકે એક ખાસ પ્રકારનું સાધન બનાવ્યું છે.

આ સંશોધનથી 135 વર્ષનું થઇ શકે છે આયુષ્ય

તુહિન ભૌમિક અને તેમની ટીમ પહેલુંહ્યુમન લિવરબનાવી ચૂકી છે. હવે તેઓ પોર્ટેબલ મિનિએચર લિવર બનાવવાની દિશામાં કામ કરી રહ્યા છે, જેની મદદથી દર્દી સ્વસ્થ માણસની જેમ ક્યાંય પણ આવી જઇ શકે છે. આગામી 10 વર્ષમાં તેમનો પ્રયાસ આ આર્ટિફિશિયલ લિવર બનાવવાનો છે, જેને દર્દીના શરીરમાં પ્રાકૃતિક લિવરની જેમ ફીટ કરી શકાશે. ભૌમિકનું અનુમાન છે કે તે જો આ લિવર બનાવવામાં સફળતા મેળવશે તો માણસની ઉંમર 135 વર્ષ સુધીની થઇ શકે છે.

સ્રોત..સૌજન્ય..

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=456164