
P.K.Davda
શ્રી પી.કે. દાવડા વિનોદ વિહારના અને અન્ય જાણીતા બ્લોગોના વાચકોને સુપરિચિત છે . આ અગાઉ એમના કેટલાક ચિંતનશીલ લેખો આ બ્લોગમાં સ્થાન પામ્યા છે અને વાચકોને એ ગમ્યા પણ છે .
દાવડાજી એમની નિવૃતિના સમયનો સદુપયોગ કરી એમની ગદ્ય અને પદ્ય રચનાઓ વખતો વખત એમના ઈ-મેલમાં બ્લોગર મિત્રોને મોકલી આપતા હોય છે .
આ ઈ-મેલોંમાંથી મને ગમેલો એક લેખ ” વિવેચક દાવડા” આજની પોસ્ટમાં મુક્યો છે જે આપને પણ વાંચવો ગમે એવો હળવો લેખ છે .
એમની બે કાવ્ય રચનાઓ “દાવડા ભગતના કોમપુ-ગપ્પા” અને ” કાવ્યાષ્ટક ” પણ નીચે પ્રસ્તુત છે .
એમની રચનાઓમાં એમનો અનુભવ , વાંચન અને એમની સાહિત્ય પ્રીતિનાં દર્શન આપણને થાય છે .
એમના નીચેના લેખમાં એમના કાવ્યોનું વિવેચન કરતાં એમણે લખ્યું છે કે – “દાવડાની કવિતામાં ક્યાંક ને કયાંક એમનું વ્યક્તિત્વ ઝળકે છે.” આ વાત એમના લેખોને પણ એટલી જ લાગુ પડે છે .
” વિવેચક દાવડા ” લેખમાં દાવડાજીએ હળવી શૈલીમાં પોતાને જ નિશાન બનાવી એમના સાહિત્ય સર્જનની આલોચના કરી છે એ ઘણી રસિક છે .
વિનોદ પટેલ
________________________________________________
વિવેચક દાવડા
વ્યવસાયે તો હું સિવીલ એંજીનીઅર છું, પણ ૨૦૦૯માં મને મન થયું કે લાવ કવિ બનું. મેં કવિતાઓ લખવાનું શરૂ કર્યું. ૨૦૦૯ મા બ્લોગ્સ એની ચરમ સીમાએ હતા એટલે મેં એવા બ્લોગ શોધી કાઢ્યા કે જેમા હું પોતે જ મારી કવિતા મૂકી શકું. સંચાલક તો માત્ર નામના મોડરેટર હોય, એટલે બીજે દિવસે મારી કવિતા પ્રગટ થઈ જતી.
ઘણી બધી કવિતાઓ લખી, છંદમાં, સ્વછંદમાં, રાગમાં , વિરાગમાં , આમ અનેક પ્રકારની કવિતાઓ લખી, પણ પછી થયું કે આપણું નામ થયું નથી તો ચાલો લેખ લખીએ.
બસ આડેધડ લખવાનું શરૂ કરી દીધું. કોઈપણ વિષય પર, કંઈપણ લખવાનું શરૂ કર્યું અને બ્લોગમાં મૂકી દીધું. એ પણ પ્રગટ થઈ ગયા, છતાં મારૂં નામ થયું નહિં.
હવે સાહિત્યનો માત્ર એક જ પ્રકાર બાકી રહ્યો છે અને તે છે વિવેચન. વિવેચક બનવાની ઈચ્છાના મૂળમા મારી એક માન્યતા રહેલી છે કે સારો કવિ કે સારો લેખક ન થઈ શકે એ સારો વિવેચક બની શકે. વિચારને અમલમાં મૂકવા શરૂઆત તો કરવી પડે ને? કોની કવિતાઓ અને કોના લેખનું વિવેચન કરૂં? મને થયું કે પોતાના ઉપર જ પ્રયોગ કરવામા સલામતી છે, એટલે હું મારી કવિતાઓ અને મારા લેખોનું જ વિવેચન કરૂં છું.
દાવડાની કવિતાઓઃ
દાવડાએ અનેક વિષય લઈ કવિતાઓ લખી છે. વિષયની વિવિધતા ઉપરથી દાવડાનું આંકલન કરવું શક્ય નથી, એમણે ગમે ત્યારે ગમે તે વિષય પર કવિતા લખી છે. આશ્ચર્યની વાત તો એ છે એમની એક જ કવિતામાં બે ત્રણ વિષય પણ જોવા મળે છે. હોળી વિષેની કવિતાઓમાં નેતાઓને ભાંડે છે, પ્રેમની કવિતામાં બ્રેકઅપની વાત કરે છે, ગિરધારીની કવિતામા કોમપ્યુટરની વાત કરે છે; અરે એ તો છપ્પામાં ગુગલ અને યાહુને ઘૂસાડે છે. ક્યારેક છંદમાં લખે છે, તો ક્યારેક પ્રચલિત ભજનોના ઢાળની કોપી કરે છે. એ કહે છે કે ઢાળને કોપી/પેસ્ટ નો નિયમ લાગુ પડતો નથી.
બ્લોગ વિષે એમણે અનેક કવિતાઓ લખી છે. એ કવિતાઓમાં દાવડા બ્લોગ્સને વખાણે છે કે વખોડે છે એ સમજવું મુશ્કેલ થઈ પડે છે. બ્લોગના ભજન ગાય છે, બ્લોગના છપ્પા રચે છે, અરે બ્લોગના ચારણી છંદ પણ એમણે લખ્યા છે. બ્લોગમાં સુંદર સ્ત્રીઓને વધારે પ્રતિભાવ મળે છે એ દર્શાવવા દાવડાએ લખ્યું છે,
“બ્લોગણનો ફોટો, રચનાથી મોટો, વખાણ થાતા અતિ ભારી,
જોઈને મોઢાં, તાણે તું ટીલાં, બ્લોગર તારી બલિહારી.”
અહીં દાવડાના સ્ત્રી દાક્ષ્સ્ણ્યના અભાવને બદલે પુરૂષોના સ્વભાવ પર કટાક્ષ સ્પષ્ટ દેખાય છે.
દાવડાના કાવ્યો પરલક્ષી કે સર્વલક્ષી ન હોતાં સ્વલક્ષી વધારે છે. પ્રત્યેક કવિતામાં ક્યાંક ને કયાંક એમનું વ્યક્તિત્વ ઝળકે છે. એક મુલાકાતમાં દાવડાએ કહ્યું હતું કે મોટાભાગની કવિતાઓના વિષય એમને ટોઈલેટમાં સ્ફૂર્યા છે, કારણ કે કવિતા કરવાનો સમય એમને ત્યાં જ મળે છે.
આના ઉપરથી એમના કાવ્યોની ગુણવત્તા સમજી શકાય એમ છે. દાવડા જાણે છે કે એમની કવિતાઓને કોઈ ગંભીરતાથી લેતું નથી એટલે તો હમણાં હમણાં એમની કવિતાઓ હાસ્ય દરબારમા પણ જોવા મળે છે. કુલ મળીને દાવડા ૨૧ મી સદીના કવિઓની હરોળના છે.
દાવડાના લેખઃ
કવિતાની જેમ જ દાવડા અનેક વિષય ઉપર લેખ લખે છે. સ્વતંત્રતા પહેલાના ભારતીયની પ્રતિમા એમનામાં સ્પષ્ટ દેખાય છે. ભૂતની જેમ ભૂતકાળને એ વળગી રહ્યા છે. જૂનો જમાનો, જૂના સાહિત્યકારો, જૂના અખબાર, જૂની સમાજ વ્યવસ્થા અને જૂના રીવાજો, બસ આવા વિષય ઉપર જ લખ્યા કરે છે. એમા એમનો વાંક નથી, ૭૭ વર્ષની વયે એમને પોતાને નવામાં તો ન જ ખપાવી શકે. ક્યારેક પોતાના ભૂતકાળના અનુભવો લખે છે, ક્યારેક એંજીનીઅર તરીકે પોતાની સફળતા અને નિષ્ફળતાની વાતો કરે છે.
શાળા અને શિક્ષણ વિષે જાણે કે નિષ્ણાત હોય તેમ અનેક લેખ લખ્યા છે. એમના લેખના શીર્ષક પણ અજબના હોય છે, “હુકમડર, ફંડર ફો?” હવે આનો શું અર્થ કાઢવો? ભાષા, વ્યાકરણ અને જોડણીનું ક્યાંયે ઠેકાણું હોતું નથી. તેઓ કહે છે કે મને જોડણીની જોડણી જ ચોક્ક્સ રીતે ખબર નથી. લેખની સંખ્યા જોઈને લાગે કે તેમને લખવા માટે વિચારવાની જરૂર પડતી નહિં હોય, બસ વગર વિચારે લખ્યા કરે છે. એમના લખાણમા ઊંડાણ નથી, લંબાઈ નથી અને પહોળાઈ પણ નથી. એંજીનીઅર હોવાથી બે ને બે ચાર જેવી ચોખ્ખી વાતો હોય છે, કલ્પનાનો સદંતર અભાવ જોવા મળે છે. પ્રેમ વિશે લખે ત્યારે પણ એ પ્રેમનું વર્ગમૂળ શોધવા પ્રયત્ન કરતા જણાય છે. એકંદર જોતાં કવિ અને લેખક તરીકે દાવડાએ સમાજને કોઈ યોગદાન આપ્યું નથી, ઉલ્ટાનું કંઈપણ આપ્યા વગર મોટા ગજાના મિત્રો સમાજમાંથી મેળવી લીધા છે.
(વિવેચક તરીકે આ મારો પહેલો જ પ્રયત્ન છે. જો આમા પણ નિષ્ફળતા મળસે તો સાહિત્યની ચોથી કેટેગરી ‘બબૂચક’ સિવાય મારા માટે કાંઈ વધતું નથી.)
-પી.કે.દાવડા
____________________________________________________
શ્રી પી.કે. દાવડાની બે કાવ્ય રચનાઓ
( આપણા આદ્ય કવિ અખા ભગતના છપ્પાને યાદ અપાવે એવા આ આધુનિક કવિ દાવડાજી એ ” દાવડા ભગતના કોમપુ -ગપ્પા ” શિર્ષક હેઠળની નીચેની એક હળવી કાવ્ય રચના તમને માણવી ગમશે .અન્ય બ્લોગોમાં પણ આ રચના અગાઉ પ્રગટ થઇ છે .)
દાવડા ભગતના કોમપુ -ગપ્પા
કોમપ્યુટરની જૂઓ કમાલ, બંધ પડે તો થઈ જાય હાલ ,
દિમાગથી વિચારવું પડે, યાદ શક્તિની સીમા નડે;
દાવડા જો કોમપુ ના હોય, સંપર્ક રાખે ક્યાંથી કોઈ?
હાર્ડ ડીસ્ક કોમપુમાં ખાસ, થાય કરપ્ટ તો ત્રાસમ ત્રાસ,
સંઘરે ફોટા, સંઘરે લેખ, સંઘરે કવિતા, ગીત અનેક,
દાવડા એના નખરા જોઈ, ફલેશ-પેન રાખે સૌ કોઈ.
મેમરી બાઈ તો નાના ઘણા, તો પણ એના નખરા ઘણા,
જ્યારે પણ એ ઓવર્ફ્લો થાય, સ્ક્રીન આખું રંગીન થઈ જાય,
નખરાળી જો નાટક કરે, દાવડા તો શું કોમપ્યુટર કરે?.
કોમપુમાં પ્રોસેસર ખાસ, પ્રોસેસર જો આપે ત્રાસ,
કોમપુ જો થઈ જાય ગરમ, વાપરનારના ગાત્ર નરમ;
પ્રોસેસરની અનેક જાત, પ્રોસેસર બહુ ઊંચી નાત.
ઊંદર આંગળી ચીંધે જ્યાં, કોમપુ ઝટ પહોંચી જાય ત્યાં,
શોધી કાઢે ઢગલામાં સોઈ, છે આના જેવું બીજું કોઈ?
દાવડા કોમપુમાં માઉસ મહાન, જાણે ગણેશજીનું વાહન.
કી બોર્ડથી થાય કામ ઘણા, કામોની ના રાખે મણા,
ડીલીટ કરો તો કચરો સાફ, બોલ્યું ચાલ્યું થઈ જાય માફ;
દાવડા સારૂં ‘સેવ’ કરે, વિશ્વમા ઈજ્જત સાથે ફરે.
કોમપુના દરવાજા ખુલા, વાપરનારમા ખપે સમતુલા,
વાપરનારનું ચંચળ મન, બિન વસ્ત્રોના આવે તન;
દાવડા કોમપ્યુટર વરદાન, જેવું માનસ એવું દાન.
દાવડાએ નિવૃતિ લીધી, કોમપ્યુટરને સોંપી દીધી,
કોમપ્યુટરથી મિત્રો મળ્યા, દાવડાના કંટાળા ટળ્યા,
દાવડા કોમપ્યુટર વરદાન, વાપરવામા રાખો ભાન.
-પી. કે. દાવડા
__________________________
કાવ્યાષ્ટક
(૧)
ઓ બીજ ત્રીજના ચાંદ, સૌને તું સુંદર લાગે,
કિન્તુ મુજને તું વિધવાના તુટ્યા કંગનસમ ભાસે.
(૨)
પાષાણને કંડારીને મનુષ્યે તમને ઈશ્વર કર્યા,
તમે વેર લેવા મનુષ્યને પાષાણહ્રદયી કર્યા.
(૩)
બિલાડી આડી ઉતરી તો મનુષ્યને અપશુકન થયું,
મનુષ્ય આડો ઉતર્યો તો બિલાડીનું શું થયું?
(૪)
મા-બાપે મહેનત કરીને બાળકો મોટા કર્યા,
બદલો દેવા, બાળકોએ વૃધ્ધાશ્રમ ઊભા કર્યા.
(૫)
લોકો બધા ટોળે વળી નિહાળતા ધ્યાનથી તને,
વાત તારી સાંભળવા ઉત્સાહી ને તલ્લીન બને,
ઓ પ્રભુ માણસ મટાડી, ટી.વી. બનાવી દે મને.
(૬)
પસ્તાવાના વિપુલ ઝરણે ડૂબકી મેં લગાવી
ન્યાયાધિસે કબુલ ગણીને કેદમા નાખી દીધો;
ના કીધેલી, વકીલે મુજને, તોય એનું ન માન્યુ,
શાને, સાચું સમજી લઈને, માન્યું તારું કલાપી?
(૭)
ક્યાં છે મારા છકો મકો ને ક્યાં છે મારા જેક અને જીલ?
ગુમાઈ ગયા છો તમે વર્ષોથી, કોના નામે કરૂં હું વિલ?
(૮)
કદી ચૂંટ્યા નથી ફૂલો, કદી વેણી નથી ગુંથી,
અમે ચાંદો નથી જોયો કદી પતનીની સૂરતમા,
છતાં બ્લોગોની ચાહતમા અમે કવિતા કરી બેઠા.
-પી. કે. દાવડા
__________________________________________________________
શ્રી દાવડાજીનો એક સરસ લેખ
” ગુજરાતી કવિતામાં જીવનના પાઠો ”
વેબ ગુર્જરી બ્લોગમાં અગાઉ પ્રગટ થયો છે એને વે.ગુ.ના આભાર સાથે અહીં વાંચો .
વાચકોના પ્રતિભાવ