
જીવનસફરમાં ભલે આજુબાજુ અનેક હોય, પણ યાત્રા એકલાની જ છે.
લાઇફ ઇઝ બ્યુટિફુલ-
કુછ ઐસે મોડ આતે હૈ ઝિંદગી મેં,
જહાં ખુદ કો હમ અકેલે પાતે હૈં,
કુછ કહે બિના સમજ જાયે, કોઇ દિલ કી બાત
ઐસે શખ્સ કી તલાશ રહેતી હૈ, લેકિન
મેલે મેં આખિર સબ ભટક જાતે હૈ,
ન કોઇ ખ્વાહિશ રહેતી હૈ, કુછ કરને કી
ન રહેતી હૈ ઉમ્મીદ કુછ પાને કી
મંઝિલ કા ન હોતા હૈ પતા
ફિર ભી કદમ આગે બઢ જાતે હૈ,
ક્યોં નઝર આતી હૈ ઇતની ખામોશી
શાયદ તન્હાઇયો કે શહર મેં આ પહુંચે હૈં હમ
કોરા કાગઝ લગતી હૈ કભી ઝિંદગી
જબ દિલ સે નિકલકર લબ્ઝ ભી,
હોઠોં તક ન પહુંચ પાતે હૈ…
કભી-કભી, અમારા હૃદયમાંથી હિંદી પંક્તિઓ પણ બહાર આવતી હોય છે, જે ઉપર મુજબ વ્યક્ત કર્યા બાદ હવે વાત કરવી છે એકલતાની. આજની આ દુનિયાને-લોકોને જોઇ ક્યારેક આપણને થતું હોય છે કે આપણે સાવ એકલા પડી ગયા છીએ. જે કોઇ વ્યક્તિને જુઓ તે પોતાની જિંદગીમાં ખોવાયેલી લાગે છે. કોઇને કોઇની માટે સમય નથી, દરેક જણ પોતાના જીવનનિર્વાહ કે સ્વાર્થ પાછળ દોડી રહ્યા છે. પ્રત્યેકને પૈસાદાર બનવું છે, આગળ નીકળી જવું છે, ઊંચા પદ પર પહોંચવું છે. દરેકની અઢળક મહત્ત્વાકાંક્ષા છે. પ્રગતિ કહો કે વિકાસ કહો, સુખ કહો કે સંપન્નતા કહો, શાંતિ માનો કે સંતોષ ગણો, એ બધાની વ્યાખ્યા બદલાતી રહી છે. સંવેદનશીલ વ્યક્તિ આજના સમાજ માટે અનફિટ છે અને વધુ પડતી સંવેદનશીલ વ્યક્તિ મૂરખ કે વેવલી જ ઠરે, પ્રેક્ટિકલ જગતમાં તે ચાલે જ નહીં.
અલબત્ત, સંવેદનશીલ હોવા માટે કાયમ ફરિયાદી હોવું કે દુઃખી-નિરાશ-ઉદાસ હોવું જરૂરી નથી. હવેના સમયમાં કાયમના રડતા માણસો કોઇને ગમતા નથી, આ દુનિયા બરાબર નથી, લોકો બરાબર નથી, કોઇ કોઇનું નથી એવું કહેતા રહેલા માણસો પોતાને જ પૂછે તેઓ પોતે કેટલા લોકો માટે છે? અને પોતે બીજાઓ માટે છે તો બીજાઓ પણ તેની માટે હોય કે હોવા જોઇએ એવી વસૂલીની કે વળતરની અપેક્ષા ન રાખે. સાચી સંવેદનશીલ વ્યક્તિઓ બીજાઓ પાસે આવી કોઇ અપેક્ષા રાખતી નથી, કેમ કે તેમની સંવેદનામાં વિવેક હોય છે.
સમાજથી કે ટોળાથી સાવ જુદી જ વિચારધારા ધરાવતી અનેક વ્યક્તિઓ પણ હોય છે, પરંતુ તે છૂટી-છવાઇ હોવાથી સદા એકલી હોય છે. આ પ્રકારની દરેક વ્યક્તિના જીવનમાં એવા મોડ આવતા રહે છે, જ્યાં એ પોતાને એકલી હોવાનું મહેસૂસ કરવા લાગે છે, આમ તો તેમની આજુબાજુ ઘણા લોકો હોય છે, પણ તેમની વિચારધારા સાથે જીવવાવાળું કોઇ હોતું નથી. ઘણી વાર તો એ વિચારધારા સાથે તાલમેલ ખાય એવી વાતો કરનારું પણ કોઇ મળતું નથી. તેમને સદા એવી વ્યક્તિની શોધ રહે છે, જે તેમની વાત-લાગણીને સમજે, તેમના શબ્દો કે તેમના મૌનને સમજે, પણ મોટે ભાગે ટોળામાં હોય તોય આવી વ્યક્તિ કાયમ એકલી જ રહી જાય છે અને ક્યારેક કોઇ એકાદ જણ મળી પણ જાય તો એ જીવનના મેળામાં ક્યાંક ખોવાઇ જાય છે. આવી મનઃસ્થિતિમાં માણસને કંઇ જ કરવાની તમન્ના કે ઇચ્છા રહેતી નથી, ક્યાંય પહોંચવું હોતું નથી, ન કંઇ પામવું હોય છે, તેમ છતાં માણસ દિશાહીન અવસ્થામાં ચાલતો રહે છે. જીવન કોઇ રીતે સાર્થક કે અર્થપૂર્ણ લાગતું નથી, હૃદયમાં અનેક સ્પંદનો ચાલે રાખે છે, કિંતુ શબ્દો હોઠ સુધી પણ પહોંચતા નથી, બલકે હૃદયમાં જ થીજી જાય છે.
જીવનના સંધ્યા ટાણે ક્યાંક લાગે છે કે…
અકેલે આયે થે, અકેલે હી જાના હોગા
ઇતની સી બાત સમજને મેં નિકલ ગઇ ઝિંદગી
સાવ સીધું ગણિત સમજવામાં જિંદગી પસાર થઇ જાય છે અને આ ગણિત એ જ છે કે એકલા આવ્યા છીએ ને એકલા જવાનું છે. દરેકે જીવનના આ સત્યને યાદ રાખવાનું છે, જીવનની સફરમાં આજુબાજુ અનેક લોકો હોય છે, પણ દરેક માનવીની યાત્રા એકલાની હોય છે. આપણા સત્ય સાથે આગળ વધીએ એમાં જ જીવનનો સાર છે.
આખરી વાતઃ
મને કોઇ સમજે એ કરતાં હું કોઇ બીજાને સમજું એવો વિચાર કરનારને સમજનારા મળી જ જાય છે. દરેક શ્રેષ્ઠ બાબતમાં શરૂઆત આપણાથી કરવામાં વધુ સાર્થકતા છે.
સૌજન્ય- મુંબઈ સમાચાર આભાર -ભુપેન્દ્ર જેસ્રાનીના ઈ-મેલમાંથી
_____________________________________________________________
(આભાર- યેષા પોમલ -ફેસ બુક )
વાચકોના પ્રતિભાવ