વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની ઓન લાઈન આનંદ યાત્રા

Category Archives: પ્રકીર્ણ

1155- ” જરા કહેશો, માબાપની શા કારણે કરો છો અવગણના? ” –સ્વ. અવંતિકા ગુણવંત….શ્રધાંજલિ વાર્તા…મણકો..૫

સ્વ.અવંતિકા ગુણવંત … શ્રધાંજલિ … વાર્તાઓની શ્રેણીમાં આ શનિવારની પસંદગીની વાર્તા .. મણકો..૫ 

તારીખ ૨૦ મી નવેમ્બર ૨૦૦૭ ના રોજ સ્વ.અવંતિકા ગુણવંત ની રૂબરૂ મુલાકાત વખતે એમના નિવાસસ્થાને એમના પતિ શ્રી ગુણવત ભાઈ સાથેની  મારા કેમેરામાં ઝડપેલ એક યાદગાર તસ્વીર.–વિનોદ પટેલ 

 જરા કહેશો, માબાપની શા કારણે કરો છો અવગણના? – અવંતિકા ગુણવંત

હું મારા દરવાજા પાસે ઊભી હતી ને કમુબેન ત્યાંથી નીકળ્યાં. વરસોથી કમુબેનને માથે શાકનો ટોપલો લઈને શાક વેચવા જતાં હું જોઉં.

મને જોઈને એ બોલ્યાં : ‘હાશ ! આજે કેવું સારું લાગે છે, તમારા ઘરનું બારણું ખુલ્લું છે, ને તમે અહીં ઊભાં છો.’

હું બોલી : ‘ત્યાંય મને તમે યાદ આવતાં. સવારના આઠેક વાગે એટલે મને થાય કે તમે શાક વેચવા નીકળ્યા હશો.’

કમુબેનના માથે ભાર હતો તોય એ વાતો કરવા ઊભાં રહ્યાં. કહે : ‘રોજ અહીંથી નીકળું ને દરવાજે તાળું જોઉં ને મારાથી નિસાસો નંખાઈ જતો. બેન, લોકો તો વાતો કરતાં હતાં કે બેન અમેરિકા જ રહેવાનાં છે, આ બંગલો વેચી નાખશે. તો, તમે આ બંગલો વેચી નાખશો?’

‘ના આ ઘર રાખવાનું છે.’ મેં કહ્યું. જીવ હેઠો બેઠો હોય એમ કમુબેન બોલ્યાં : ‘તો બરાબર બહેન, આપણે જીવીએ ત્યાં સુધી આપણું ઘર કદી ના કાઢવું. છોકરાના ઘેર ભલે તમે રહો; છોકરા આપણા,પણ એમનું ઘર આપણું ના કહેવાય. ત્યાં આપણી મરજી ના ચાલે. ત્યાં લાંબું ના ગોઠે. મન ઊંચું થઈ જાય તો અહીં આવીને રહેવાય.’

કમુબેનને પાંચ છોકરા અને ત્રણ છોકરીઓ. બધાંને ભણવા સ્કૂલમાં મોકલે. મને કહે : ‘બહેન, એમને જન્મ આપ્યો, ભણાવીને માણસ બનાવીએ,રળતા કમાતા કરીએ એટલે આપણી ફરજ પૂરી.’

હું કહું : ‘ઘડપણમાં તમારે શાંતિ. છોકરા કમાશે અને તમે શાંતિથી ખાજો.’

‘ના રે બહેન, મારે કોઈની કમાઈ ખાવી નથી, હું તો ઉપરવાળાને કહું છું જીવાડે ત્યાં સુધી પગમાં તાકાત આપે. મારો રોટલો હું કમાઈ ખાઉં.’

આ કમુબેન સાથે વાત કરવી મને ગમતી. લગભગ બે વરસે કમુબેને તે દિવસે મને જોઈ હતી. તે બોલ્યાં : ‘બહેન ! ચારે બાજુ બધું બદલાયેલું લાગતું હશે, નહીં?’

‘હા જુઓને, કેટલા બધા બંગલા તૂટ્યા ને ફ્લેટો આવી ગયા છે. એરિયાની રોનક વધી ગઈ.’ હું બોલી.

” શું બહેન? રોનક વધી પણ શાંતિ નથી વધી. આપણી લાઈનમાં આગળ એક બંગલો છે, જૂનો વેચાઈને નવો થયો છે, ત્યાં એક બા રહે છે, બપોરે શાક વેચીને પાછી વળું ત્યારે એ થોડીવાર એમની પાસે મને બેસાડે.’

તમારે જૂની ઓળખાણ હશે.’ મેં પૂછ્યું.

‘ના રે, ત્યાં કોઈ ઓળખાણ ન હતી. એક વાર બપોરે હું પાછી આવતી હતી ત્યારે એમણે મને બોલાવી. મને એમ કે એમને શાક જોઈતું હશે તેથી મેં કહ્યું બા શાક નથી. તો એ કહે, શાક નથી જોઈતું. તું ફરીફરીને સાદ પાડી પાડીને થાકી હોઈશ થોડી વાર બેસ. મેં કહ્યું બા, ઘેર પહોંચું. હજી રોટલા ઘડવાના છે. તે કહે જવાય છે, હું ઓટલે જઈને બેઠી. મને થોડી પૂરીઓ અને અથાણું આપ્યું. મેં થોડીવાર વાતો કરી અને ઊભા થતાં મારી પાસે કોબીજનો એક દડો વધ્યો હતો એ એમની પાસે મૂક્યો ને બોલી, બા આના સિવાય મારી પાસે બીજું કંઈ નથી.’

એ બા કહે : ‘મારે તારી પાસેથી કાંઈ શાક જોઈતું નથી. શાક તો મારકીટમાંથી આવે છે. બસ તારે રોજ મારી પાસે આવીને વાતો કરવાની.’

મેં કહ્યું : ‘પણ મારાથી મફત ના ખવાય.’ તો એ બા કહે : ‘તું મફત નથી ખાતી, મારી પાસે બેસીને વાત કરે છે એની કિંમત હું તને આપું છું.’

પછી એ બા નિસાસો નાખીને કહે, ‘આવડું મોટું ઘર છે, ઘરમાં માણસો છે પણ કોઈ મારી પાસે બેસતું નથી, વાત કરતું નથી. કામવાળી બાઈનેય મારી સાથે વાત કરવાની મનાઈ છે.’

ઘરડાંની લાચારીની હૃદયદ્રાવક વાતો હું સાંભળી રહી હતી. કમુબેન કહે, ” મેં એ બાને પૂછ્યું કે તમારો આખો દિવસ શી રીતે જાય ! ‘તો એ બા કહે, ‘મારા રૂમમાં ટી.વી. છે. ફોન છે, ટી.વી. જોઉં. કોઈની સાથે વાત કરું, પણ મારે ક્યાં બહુ ઓળખીતા હોય, હું તો બહાર ઓટલે બેસી રહું છું ને જતા આવતા ફેરિયાને બોલાવું ને વાતચીત કરું.”

આજુબાજુના બંગલામાં જવાનીય મનાઈ છે. મહેમાન આવે તે જો વહુ દીકરાના હોય ત્યારે મારે મારી રૂમમાં ભરાઈ જવાનું. કોઈ સગાં આવે તો બહાર દીવાખાનામાં બેસવાની છૂટ ખરી પણ બોલવાની કે વાતો કરવાની છૂટ નહીં. હું તો અહીં, નજરકેદમાં છું. એ લોકો બહાર જાય પણ મને નથી લઈ જતાં.”

કમુબેન કહે, મેં એ બાને કહ્યું, તમારે તમારું પોતાનું ઘર નથી? ત્યાં જઈને રહો, ત્યારે બા કહે, ”ગામમાં મારું મોટું ઘર હતું, આગળ આંગણું, પાછળ વાડો, ઓસરીમાં મોટી પાટ. આડોશી પાડોશી આવે ને પાટ પર અમારો ડાયરો જામે. એય અલકમલકની વાતો કરીએ. મારા આંગણામાં તો વસ્તી જ વસ્તી હોય પણ દીકરાએ આ બંગલો લીધો ને ગામ આવીને કહે ચાલો મારી સાથે રહેવા. અને મેં ઘર વેંચી દીધું ને અહીં કેદખાનામાં આવી પડી. દીકરાની સાથે રહેવાના મોહમાં મારા આયખામાં મેં ધૂળ નાખી. હવે તો અહીંથી ઉપરવાળો છોડાવે ત્યારે છૂટીશ.”

કમુબેને એ દુખિયારાં બાની વાત પૂરી કરી પણ એ સાંભળીને મારા મનમાં ઉપજેલી ઉદાસીનતા જતી નથી. થાય છે શિક્ષિત, સ્થિતિસંપન્ન યુવાન સંતાન પોતાનાં જ માબાપ સાથે કેમ આવો નિષ્ઠુર સંવેદનારહિત વર્તાવ કરતાં હશે? બહારનાની જોડે હસી હસીને વિવેકથી વાતો કરનાર એ સંતાનોને પોતાના જ માવતરની અવગણના કરતાં જરાય હિચકિચાટ નહીં થતો હોય?”

-અવંતિકા ગુણવંત 

(સ્વ.અવંતિકા ગુણવંતના પુસ્તક ‘ઊગે સૂર્ય વિવેકનો’ માંથી સાભાર. )

1136- ”મરો ત્યાં સુધી જીવો” …. લેખક …પદ્મશ્રી ગુણવંત શાહ

પદ્મ શ્રી એવોર્ડ મળ્યાં બાદ ડો.ગુણવંત શાહ તેમના પરિવાર સાથે ખુશખુશાલ મુદ્ગામાં.

‘મરો ત્યાં સુધી જીવો’ એ જાણીતા વિચારક અને સાહિત્યકાર પદ્મશ્રી ગુણવંત શાહ લિખિત બહુ વંચાતું ”ગુજરાતી બેસ્ટ સેલર ”પુસ્તક છે.2004માં એની પહેલી આવૃત્તી 2250 નકલોથી છપાઈ ત્યારબાદ બાવીસ આવૃત્તીઓ બહાર પડી છે.આ પુસ્તકની લગભગ 65 હજાર જેટલી નકલો વેચાઈ ગઈ છે. આ પુસ્તકનું સંપાદન ગુણવંત શાહનાં દીકરી ડૉ. મનીષા મનીષે કર્યું છે.

”સન્ડે -ઈ-મહેફિલ ” બ્લોગના સંપાદક સુરત નિવાસી મારા મિત્ર શ્રી ઉત્તમભાઈ ગજ્જરે આ પુસ્તકના પ્રથમ પ્રકરણ ” મરો ત્યાં સુધી જીવો ” નો એમના ફેસબુક પેજ તથા બ્લોગમાં આસ્વાદ કરાવ્યો છે .

આ લેખને વિનોદ વિહારના વાચકો માટે આજની પોસ્ટમાં શ્રી ઉત્તમભાઈ ગજજરના આભાર સાથે સહર્ષ પ્રસ્તુત કરું છું. આશા છે આ લેખ આરોગ્યની જાળવણી માટે પ્રેરક બનશે.

વિનોદ પટેલ

મરો ત્યાં સુધી જીવો  ….–ગુણવંત શાહ

તીબેટમાં એક લોકકથા પ્રચલીત છે. સમુદ્રમાં ક્યાંક કાચબો તરતો હોય છે, જે દસ હજાર વર્ષમાં એક વાર પોતાનું ડોકું પાણીની સપાટીની બહાર કાઢે છે. સમુદ્રમાં ક્યાંક લાકડાનું એક ચકરડું તરતું હોય છે. કાચબો જ્યારે ડોકું બહાર કાઢે ત્યારે એ ચકરડું એની ડોકમાં પરોવાઈ જાય તે ઘટના જેટલી દુર્લભ છે, તેટલી જ દુર્લભ ઘટના મનુષ્યજીવન પ્રાપ્ત થાય તે ગણાય. જીવન એટલું તો મુલ્યવાન છે કે એની આગળ બીજી બધી બાબતો ગૌણ બની જાય છે.

મૃત્યુ જેટલી નીશ્ચીત ઘટના બીજી કોઈ નથી. સાધુચરીત શ્રીકાન્ત આપ્ટેજીએ એક પત્રમાં લખેલું : ‘મરો ત્યાં સુધી જીવો.’ આ વાક્યમાં સાજા, તાજા અને રળીયામણા જીવનનો મર્મ સમાયો છે. આપણે ખરા અર્થમાં ‘જીવીએ’ છીએ ખરા ? ‘જીવી ખાવું’ અને ‘જીવી જવું’ એ બે બાબતો વચ્ચેનો તફાવત સુક્ષ્મ છે. સુન્દર રીતે જીવવું એ પ્રત્યેક મનુષ્યનો વીશેષાધીકાર છે.

જેઓ શ્રમજીવી નથી એવા સૌએ તબીયતની જાળવણી માટે મથવું પડે છે. શ્રમજીવીની તબીયત અશુદ્ધ પાણી અને અપુરતા આહારને કારણે બગડે છે. બુદ્ધીજીવીની તબીયત બેઠાડું દીનચર્યા અને અતી–આહારને કારણે બગડે છે. શ્રમજીવી અને બુદ્ધીજીવી ઉપરાંત એક ત્રીજો વર્ગ પણ વીસ્તરતો જાય છે. એ છે, ધનજીવી સુખવાદી લોકોનો વર્ગ. ધનજીવી સુખવાદી લોકોનો વર્ગ ખુબ ખાય છે, ખુબ પીએ છે અને ખુબ ખર્ચે છે. આ ત્રણે વર્ગના લોકોમાં સંતાયેલો એક નાનો વર્ગ એવા લોકોનો છે, જેઓ આરોગ્યમય જીવન માટે શું કરવું તેની સમજણ ધરાવે છે. આ વર્ગના લોકો મરે ત્યાં સુધી પ્રમાણમાં સારી રીતે જીવવા માટે મથનારા છે. તેઓ માંદગીના ખાટલાથી ડરનારા છે. આવા લોકો હવે ખાસા જાગી ગયા છે. તેઓ ખાય છે; પણ ખાતી વખતે કૅલરીનું અને બ્લડ–સ્યુગર–લેવલનું ધ્યાન રાખે છે. તેઓ વજનકાંટાનો આદર કરે છે. તેઓ ઝડપભેર ચાલવા માટે સવારે નીકળી પડે છે. તેઓ વ્યસનથી દુર રહેવા ઉત્સુક છે. તેઓ સાધુ નથી; તોયે સંયમ જાળવવાની કળાનું મહત્ત્વ સમજે છે. તેઓ નીયમીતપણે બ્લડ–ટેસ્ટ કરાવે છે. તેઓ ચા કે કૉફીના કપમાં માંડ અડધી ચમચી ખાંડ નાખે છે. જેઓ આરોગ્યની જાળવણી માટે જાગી ચુક્યા છે તેવા લોકોનાં જીવનમાં ઘડપણનાં અણગમતાં પગલાં થોડાં મોડાં થતાં હોય છે. એમની સ્ફુર્તીને ઉમરનો અભીશાપ નડતો નથી. આ જાગૃત લોકોની સંખ્યા ધીમી; પણ ચોક્કસ ગતીએ વધી રહી છે. વીમા કંપનીઓના આ વહાલા ગ્રાહકો મેડીકલ સ્ટોર પર ભાગ્યે જ જાય છે.

પૈસા અને કૅલરી યોગ્ય રીતે ખર્ચી જાણે એવા નાગરીકોની સંખ્યા વધતી રહે તે ઈચ્છનીય છે. આળસુ કોને કહેવો? જે મનુષ્ય શરીરમાં પધરાવેલી કૅલરી ખર્ચવામાં કંજુસાઈ કરે તે આળસુ કહેવાય. રોગની સાવકી માતાનું નામ આળસગૌરી છે. દેશમાં કરોડો ગરીબોને આળસ મરડવાનો વૈભવ મળ્યો નથી. તેઓને કદી ડાયાબીટીઝ થતો નથી. એ તો સુખી–સમ્પન્ન લોકોને લાડકો રોગ છે.

આપણા શરીર સાથેનો આપણો પરીચય ઉમર સાથે વધતો રહેવો જોઈએ. આયુર્વેદના વૈદ્ય એને માટે ‘પ્રકૃતી’ શબ્દ પ્રયોજે છે. પ્રત્યેક માણસ પોતાની આગવી ‘પ્રકૃતી’ લઈને જનમ્યો છે. ‘પ્રકૃતી’ કેવળ શારીરીક નથી હોતી; એ માનસીક અને આધ્યાત્મીક પણ હોય છે. માણસ પોતાની ‘પ્રકૃતી’ને પામી જાય તો અડધા રોગો આપોઆપ ટળી જાય, ક્રોધી પ્રકૃતીનો માણસ રોગને આમંત્રણ આપતો હોય છે. અશાન્ત પ્રકૃતીનો માણસ બ્લડપ્રેશરને નોતરતો હોય છે. જુઠું બોલનારને ખબર પણ નથી પડતી કે પ્રત્યેક જુઠ એના મનો–આધ્યાત્મીક લયને ખોરવે છે. રોગ એટલે જ લયનું ખોરવાવું. આમલોકો જેને ‘તબીયત’ કહે છે, તે માત્ર શારીરીક બાબત નથી. શરીર, મન અને આત્મા(માંહ્યલો) વચ્ચે અતુટ સમ્બન્ધ રહેલો છે. કોઈ માણસ ખુન કર્યા પછી ઘરે આવીને છાનોમાનો સુઈ જાય; તોય તેને માંહ્યલાને પહોંચેલી ખલેલ મનને વીક્ષુબ્ધ કરે છે અને વીક્ષુબ્ધ મન શરીર પર સીધી અસર પહોંચાડે છે. ઉંડાણથી વીચાર કરીએ તો જરુર સમજાય કે રોગથી બચવામાં મનુષ્યની સહજ પ્રામાણીકતાનો ફાળો નાનોસુનો નથી હોતો. આરોગ્યને આવી અખીલાઈપુર્વક જોવાની કળા વીકસે તો સ્વસ્થ રહેવાનું શક્ય બને. સ્વસ્થ હોવા સાથે સ્વાસ્થ્યનો આવો ગાઢ સમ્બન્ધ છે. ‘સ્વાસ્થ્ય’ માટે અંગ્રેજીમાં યોજાતો ‘હેલ્થ’ શબ્દ સાવ અધુરો છે. સ્વાસ્થ્યનો સમ્બન્ધ તન, મન અને માંહ્યલા સાથે રહેલો છે.

આપણું શરીર રોજ રોજ સતત આપણને કશુંક કહેતું જ રહે છે. થોડોક સમય વીતે એટલે મોટું આંતરડું કશુંય બોલ્યા વગર શાન્ત અણસારા મોકલીને કહે છે : ‘હવે તું બધાં કામો પડતાં મુકીને, સંડાસ તરફ ચાલવા માંડ.’ ઘણા લોકો એ અણસારાનો અનાદર કરીને કામમાં રોકાયેલા રહે છે. આમ કરવું એ મોટા આંતરડાનું અપમાન છે. આ જ રીતે આપણને તરસના, ભુખના, થાકના, અપચાના, માથાના દુખાવાના અને પેટ ભારે હોવાના અણસારા મળે છે. એ અણસારા એ આપણને શબ્દોના માધ્યમથી કે કમ્પ્યુટર દ્વારા મળતા હોત તો આપણી સમજમાં ઝટ આવી જાત. પ્રકૃતીના અણસારા સાવ બોલકણા નથી હોતા. એ જ રીતે કોઈ ખોટું કામ કરતી વખતે પણ માંહ્યલાના અણસારા મળે છે. પ્રકૃતીના આવા સુક્ષ્મ અણસારા, એ તો માંહ્યલાએ મોકલેલા અણસારા ગણાય. આવા અણસારાની અવગણના કરવી એ પણ એક પ્રકારની ‘નાસ્તીકતા’ ગણાય. ‘તબીયત સારી છે’ એમ કહેનાર વાસ્તવમાં કહી રહ્યો હોય છે કે : ‘ભગવાનની કૃપાથી તન, મન અને માંહ્યલાને શાન્તી છે.’

જાગી ગયેલા માણસને જે સમજાય છે, તે ક્યારેક દાક્તરને પણ નથી સમજાતું. આપણી છાતીમાં મુકવામાં આવેલા બે ફુગ્ગાને ફેફસાં; કહે છે. ઉંડા શ્વાસ દ્વારા એ ફુગ્ગા ખાસા ફુલે તેવું વારંવાર બનવું જોઈએ. ખરી ભુખે ખાવાની ટેવ પડે તો, સ્વાદનું સૌન્દર્ય જામે. દીવસમાં એક વાર તો પરસેવો વળે તેવો શ્રમ શરીરને મળવો જ જોઈએ. એ માટે કસરત અનીવાર્ય છે. ચાલવાની કસરત પણ કેવળ શારીરીક કર્મકાંડ શા માટે બને? સવારે માણસ ચાલવા નીકળે ત્યારે દેવદુતો એના કાનમાં સારા સારા વીચારો કહી જાય છે. માફકસરની સેક્સ તન્દુરસ્તી માટે ઉપકારક છે. ખાંડ–મીઠું, તેલ–મરચું પેટમાં જેટલાં ઓછાં પધરાવીએ તેટલો લાભ છે. તેલના ભાવ વધે તેમાં સમાજને લાભ છે. રસોઈઆઓ જમણ વખતે ખાંડ–મીઠું–તેલ–મરચું છુટથી ધમકાવે છે. તેઓને કોઈકે તાલીમ આપવી જોઈએ. આરોગ્યને એક અવસર આપવાની જરુર છે. ઘણા લોકો ખાઈ ખાઈને મરે છે, ઘણા પી–પીને મરે છે. ઘણા કમાઈ–કમાઈને મરે છે. બહુ ઓછા જીવી–જીવીને મરે છે!

રોગ ગમે ત્યારે ગમે તે દીશામાંથી વાઘની માફક ત્રાટકે છે. આ બાબતે માણસ લાચાર છે. તોયે સાવ લાચાર નથી. એની પાસે રોગ સામે લડવા માટે એક શક્તી છે : ‘પ્રતીકારશક્તી.’ એ શક્તી ન ઘટે તેનું માણસે ધ્યાન રાખવું ઘટે. આ ક્ષણે તમને મલેરીયા નથી થયો એનો અર્થ એટલો જ કે, તમારા શરીરમાં રહેલા શ્વેતકણની વીરાટસેનાએ, એ ક્ષણ સુધી મલેરીયાનો મુકાબલો કરવામાં સફળતા મેળવી છે. લોકો વાતવાતમાં એ પ્રતીકારને ‘રેઝીસ્ટન્સ’ કહે છે. આરોગ્યની સંકલ્પના વીશાળ છે અને તેમાં ‘રેઝીસ્ટન્સ’ એક અતીમહત્ત્વનો અંશ છે. ‘રેઝીસ્ટન્સ’ ખુટી પડે ત્યારે કોઈ પણ રોગ આપણા પર તુટી પડવા આતુર હોય છે. એમાં કોઈ પસંદગી નથી હોતી.

ડૉક્ટર ન હોય છતાંય સ્વસ્થ માણસને કેટલાંક એવાં સત્યો જડે છે, જેનો સ્વીકાર મેડીકલ સાયન્સ પણ કરે છે. ધ્યાન પણ આરોગ્ય માટે ઉપકારક છે, એવું હવે સ્વીકારાય છે. અદેખાઈ કરનારને એસીડીટી થવાનો સંભવ વધારે રહે છે. ચપળતા સારી; પણ બીનજરુરી ઉતાવળ અને હાયવોય રોગની આમન્ત્રણ પત્રીકા બની રહે છે. મન અને શરીર વચ્ચેની પરસ્પરતાની એક સાબીતી રોગ છે અને બીજી સાબીતી આરોગ્ય છે. ડૉક્ટરો ક્યારેક તાણમાં રહેતા હોય છે. જોખમકારક ઓપરેશન કરતી વખતે ડૉક્ટર ખાસી તાણમાં હોય છે. ડૉક્ટર માટે તે પ્રોફેશનલ હેઝાર્ડ (વ્યાવસાયીક જોખમ) ગણાય. આપણું મન કદાચ વાજબી તાણ સહન કરવા સક્ષમ હોય છે. માણસનું શરીર એના માલીકની નાની ભુલો માફ કરવા જેટલું ઉદાર હોય છે.

જે માણસ ડૉક્ટર ન હોય તે વધારે તો શું લખી શકે ? આજના સુખી માણસને રોગ તરફ ધકેલનારી ઘટનાને ‘પાર્ટી’ કહે છે. બાબાની વર્ષગાંઠ હોય કે લગ્નતીથી હોય, લોકો પાર્ટી ગોઠવવા આતુર હોય છે. આનંદ વહેંચવો એ એક વાત છે અને દેખાડો કરવો એ બીજી વાત છે. લગ્નના રીસેપ્શનમાં વાનગીઓની લાઈન લાગી જાય છે. માણસનો રહ્યોસહ્યો સંયમ પણ તુટી પડે છે. પાર્ટીમાં ખાધા પછી બીજે દીવસે પેટ બગડે છે. જેનું પેટ બગડે તેનો દીવસ બગડે છે. આવા કેટલાય બગડેલા દીવસો ભેગા થાય ત્યારે જીવન બગડે છે.

સાજા હોવું એટલે શું ? શબ્દકોશમાં ‘સાજું એટલે ‘તન્દુરસ્ત’, ‘ભાંગલું નહીં એવું’ અને ‘આખું’, એમ ત્રણ અર્થો આપવામાં આવ્યા છે. આમ સાજા હોવાનો સમ્બન્ધ કેવળ શારીરીક તન્દુરસ્તી સાથે નથી; પણ આપણા સમગ્ર (અખીલ) અસ્તીત્વની તન્દરસ્તી સાથે છે. તાજા હોવું એટલે મનથી સ્ફુર્તીવાળા હોવું. સ્વસ્થ હોવું એટલે માંહ્યલાના મીત્ર હોવું. જીવન સાજું, તાજું અને સ્વસ્થ હોય તો જ સુખ ટકી શકે. ખરી ભુખે ખાવું, તરસ લાગે ત્યારે પાણી પીવું અને થાક લાગે ત્યારે ઉંઘી જવું ! શું સાવ સહજપણે આ ત્રણે બાબતો પાળવામાં કોઈ કષ્ટ પહોંચે ખરું? ખાટલામાં પડ્યા પડ્યા લાંબા સમય સુધી કણસવાનું કષ્ટ ટાળવા માટે પણ આરોગ્યને એક વાર અવસર આપવો સારો.

આરોગ્યની ચાવી મને જડી છે. સાવ ટુંકમાં તે અહીં પ્રસ્તુત છે :

રોજ ચાલવાનું રાખો.
પરસેવો વળે ત્યાં સુધી ચાલો.
શરુઆતમાં સુગર બળે છે
અને પછી ચરબી બળે છે.
જે બળ્યું, તે ફળ્યું !
‘ચલના જીવન કા નામ,
ચલતે રહો સુબહ–શામ!’

–ગુણવન્ત શાહ

લેખકના પ્રસીદ્ધ પુસ્તક ‘મરો ત્યાં સુધી જીવો’ (પ્રકાશક : આર. આર. શેઠ, મુમ્બઈ (022-2201 3441) અને અમદાવાદ (079-2550 6573) Website : www.rrsheth.comeMail : sales@rrsheth.com ; પૃષ્ઠ સંખ્યા : 152 કીમત : રુપીયા 125; પ્રથમ પ્રકાશન : જાન્યુઆરી 2004–બાવીસમું પ્રકાશન ઓગસ્ટ-2017માંથી પહેલું પ્રકરણ પાન 1થી 5 ઉપરથી સાભાર…..ઉત્તમ.મધુ ગજ્જર..

લેખક સમ્પર્ક :
–ગુણવંત શાહ 
 ‘ટહુકો’–139–વીનાયક સોસાયટી, જે. પી. રોડ, વડોદરા–390 020
લેખકનો બ્લોગ : https://gunvantshah.wordpress.com/

ગુણવંત શાહ, Gunavant Shah નો પરિચય 

સૌજન્ય- ગુજરાતી પ્રતિભા પરિચય

 

1108 – એપલ કંપનીના સ્થાપક સ્ટીવ જોબ્સના જીવન વિશેની કેટલીક રસપ્રદ વાતો

જાણો સ્ટીવ જોબ્સના જીવન વિશેની કેટલીક રસપ્રદ વાતો

 

એપલ કંપનીએ કહ્યું કે વિશ્વ આજે જીવવાલાયક છે તેમાં સ્ટીવનો ફાળો છે. એ જ કંપનીના સીઇઓ-મિત્રની દગાખોરીને કારણે તેને એપલ કંપની છોડવી પડી હતી. જોકે નવા જુસ્સારૂપી પાસવર્ડ સાથે એ તેની જિંદગીમાં ફરી ફરીને પ્રોગ્રામિંગ કરતો જ રહ્યો અને કમ્પ્યુટરની દુનિયામાં ખૂંપી ગયો. ક્યાંય અટક્યો નહિ આ માણસ – ન વાસ્તવિક જીવનમાં કે ન કમ્પ્યુટરની દુનિયામાં.

એકવાર કારમાં સાથે જતાં જતાં સ્ટીફન વોઝને કહ્યું કે આપણે તેને વેચીએ અને એક કંપની બનાવીએ. વોઝને આ વિચાર ગમી ગયો અને સ્ટીવે પોતાની કાર અને વોઝે કેલ્કયુલેટર વેચીને કંપની બનાવી. સ્ટીવે કહ્યું કે જ્યાં સુધી બીજું કંઇ ન સૂઝે ત્યાં સુધી તેનું નામ રાખીએ – એપલ. આમ જન્મ થયો દુનિયાની સૌથી વધુ પ્રતિષ્ઠિત એપલ કંપનીનો.

નેકસ્ટ નામની કંપની શરૂ કરીને તેણે ફરી નવી શરૂઆત કરી. બે વર્ષમાં સ્ટીવ ફરી બેઠો થયો અને ફરી પોતાની જુની કંપની એપલને હંફાવવા લાગ્યો. પિકસર કંપનીના નેજા હેઠળ તેણે પહેલી કમ્પ્યુટર એનિમેટેડ ફિલ્મ બનાવી.૧૯૯૩માં ફરી તેનું ચકડોળ નીચે આવ્યું. ધંધાકીય રીતે તેની કંપનીઓમાં બહુ મોટી સમસ્યાઓ ઊભી થઇ. ડિઝની સાથેની બનાવેલી ફિલ્મ ”ટોય સ્ટોરી ”એ તેને જાણે રાખમાંથી બેઠો કર્યો.

સ્ટીવ ૧૭ વર્ષનો હતો ત્યારે તેણે એક વાત વાંચી હતી – એવી રીતે જ કામ કરો કે આજે તમારી જિંદગીનો છેલ્લો દિવસ છે. કનેકટ ધ ડોટ્સ એ વિચાર સ્ટીવ જોબ્સે આપ્યો. કરુણતા એ છે કે મૃત્યુ નામનું છેલ્લું જીવનબિંદુ બહુ જલદી કનેકટ થઇ ગયું.

ત્રણ એપલે દુનિયા બદલી છે. પહેલું એપલ, આદમે ઇવને ખવડાવ્યું એ. બીજું ન્યૂટને અને ત્રીજું સ્ટીવ જોબ્સના હાથમાં હતું તે. છેલ્લા બે દાયકામાં એપલે આપણી સૌની દુનિયા બદલી નાખી છે.

હવે એપલનું વિશ્વ બદલાઇ ગયું છે કારણ કે એપલ કંપનીના સહસ્થાપક ૫૬ વર્ષના સ્ટીવ જોબ્સ એકચ્યુઅલ વર્લ્ડ છોડીને ‘વર્ચ્યુંઅલ વર્લ્ડ’માં પહોંચી ગયા છે. માત્ર ૫૬ વર્ષની ઉંમરમાં સ્ટીવે જીવનની અનેક ચડતી-પડતી જોઇ , દુનિયા જોઇ અને છતાં નાસીપાસ થયા વિના દુનિયાને બદલવા માટે પોતે ચેન્જ એજન્ટ બની રહ્યા.

રોલર કોસ્ટર રાઇડ જેવી હતી તેની જિંદગી અને જેટલી વાર આ માણસ નીચે પડ્યો એટલી વાર તે ફરી ઉપર ચડ્યો અને ટોચે પહોંચ્યો.કમ્પ્યુટર જગતમાં તેણે ક્રાંતિ આણી દીધી અને દુનિયાભરના લોકોના હાથમાં આઇ-ફોન પકડાવીને તેણે એકબીજાને જોડી દીધા પણ પોતે કવરેજક્ષેત્રની બહાર પહોંચી ગયો. સ્વાદુપિંડના કેન્સરની બીમારીએ એપલનો આત્મા છીનવી લીધો.

ખમીર, ખંત, દ્રષ્ટિ, નિખાલસતા, મહેનત, દુનિયાદારી, દોસ્તી, દોસ્તની દુશ્મની આ બધા જ શબ્દો તેણે નાનપણમાં શીખી લીધા અથવા તો તેનો અનુભવ કરી લીધો. સ્ટીવ જોબ્સ કઇ માટીનો હતો એ અભ્યાસનો વિષય છે. મેનેજમેન્ટના લોકો માટે એ કેસ સ્ટડી છે પણ તેના જીન્સનું ડિકોડિઁગ કરવું મુશ્કેલ છે.

સાનફ્રાન્સિસ્કોની એક વિદ્યાર્થિની જોન સિમ્પસન અને મૂળ સીરિયાના અબ્દુલફતહ જોનનાં લગ્ન વિનાના પ્રેમસંબંધનું પરિણામ એટલે સ્ટીવ. આ બંનેનાં રંગસૂત્રો સ્ટીવની રગોમાં દોડતાં હતાં. સ્ટીવનાં માતા-પિતા એ વખતે લગ્ન કરવા નહોતાં ઇચ્છતાં અને તેમણે પુત્રને દત્તક આપી દીધો. જોકે સ્ટીવની અસલી માએ સ્ટીવને ભણાવવાનું વચન લીધું અને પછી જ તેને દત્તક આપ્યો. સ્ટીવનાં પાલક મા-બાપ બન્યા પોલ અને કાલરા.

સ્ટીવ જોબ્સની વાત કરતી વખતે એક સ્પષ્ટતા કે તેણે આપેલી ટેક્નોલોજીની ભેટની વાત કરવાને બદલે આ માણસની વાત માંડવી છે. જરા હળવા હલેસે. આપણે ત્યાં સુપરહિટ થયેલી ફિલ્મ ‘થ્રી ઇડિયટ્સ’ ફિલ્મનો હીરો આમિર ખાન જે રીતે કોલેજમાં વિચારે છે કંઇક એવી જ હાલત સ્ટીવની હતી. એટી એન્ડ ટીના ફોનના ડબ્બામાંથી મફતમાં ફોન કરી શકાય એવી ટ્રિક સ્ટીવ અને તેના સાથીદાર વોઝે શોધી કાઢી હતી. અદ્દલ ક્રિએટિવ ભેજું. દરેક પ્રકારની નવી ટેક્નોલોજીમાં આ જીવડાને રસ પડે પણ ગોખેલું ભણવામાં રસ નહોતો પડતો.

તેનાં પાલક માતા-પિતાએ તેમની આખી જિંદગીની કમાણી તેને કોલેજમાં ભણાવવા માટે ખર્ચી નાખી,પણ સ્ટીવના મનમાં તો કંઇક જુદું જ ચાલતું હતું. આખરે કોલેજ પડતી મૂકી. ગેરકાયદે હોસ્ટેલમાં રહેવા માટે જમીન પર પણ સૂઇને દિવસો વિતાવ્યા. કોકની બોટલો ભેગી કરીને તેમાંથી કમાણી થયા પછી અઠવાડિયે એક વાર સારું ખાવા ભેગો થતો. કડકીના દિવસો હતા એટલે ભૂખ્યા રહેવું પડતું. એમાં ઉપવાસની ફિલોસોફીમાં રસ પડ્યો. તે માનવા લાગ્યો કે જો માત્ર ફ્રૂટ્સ ખાઇએ તો પછી શરીરનો કચરો નીકળી જાય અને નહાવાની જરૂર જ ન રહે!

સ્ટીવ પછી એ જ રીડ કોલેજમાં કેલિગ્રાફીની કળા શીખ્યો. જે કળા પછીથી મેકિન્ટોશ કમ્પ્યુટરના ફોન્ટ્સમાં જોવા મળી. સ્ટીવે તો એવું કહ્યું હતું કે જો હું એ કેલિગ્રાફી ન શીખ્યો હોત તો દુનિયાભરનાં કમ્પ્યુટર પર વાંચવા મળતા અક્ષરો કંઇક જુદા જ હોત. તળપદી ભાષામાં કહીએ તો સ્ટીવ ઠરીઠામ નહોતો થતો.

એક કંપનીની નોકરી વખતે તે જર્મની ગયો અને પોતાની ઓળખ માટે ભારતમાં પણ આંટો દઇ ગયો. ભારતમાં યોગીઓને મળ્યો પણ તેને કંઇ મજા ન આવી એટલે પાછો પહોંચ્યો માદરે વતન અમેરિકા. ઓરેગોનમાં ગર્લફ્રેન્ડ સાથે એપલ ઉગાડતા ફાર્મમાં રહ્યો, ઘણીવાર તે માત્ર એપલ ખાઇને ચલાવતો. સ્ટે હંગ્રી, સ્ટે ફૂલિશ એ વિચાર પણ તેણે કદાચ આ સ્વાનુભવ પરથી આપ્યો હતો.

નાનપણનો ગ્રીક મિત્ર સ્ટીફન વોઝ હેલવેટ પેકાર્ડ કંપનીમાં નોકરીએ લાગી ગયો હતો. તેણે એક કમ્પ્યુટર ડિઝાઈન કર્યું હતું. તેણે સ્ટીવને બતાવ્યું. એકવાર કારમાં સાથે જતાં જતાં સ્ટીફન વોઝને કહ્યું કે આપણે તેને વેચીએ અને એક કંપની બનાવીએ. વોઝને આ વિચાર ગમી ગયો અને સ્ટીવે પોતાની કાર અને વોઝે કેલ્કયુલેટર વેચીને કંપની બનાવી. સ્ટીવે કહ્યું કે જ્યાં સુધી બીજું કંઇ ન સૂઝે ત્યાં સુધી તેનું નામ રાખીએ – એપલ. આમ જન્મ થયો દુનિયાની સૌથી વધુ પ્રતિષ્ઠિત એપલ કંપનીનો.

જુદી જુદી દિશાએથી મિત્રો જોડાતા ગયા અને સફરની શરૂઆત થઇ ગઇ. ૫૦૦ ડોલરની કિંમતે પચાસ કમ્પ્યુટર્સનો ઓર્ડર મળ્યો. સ્ટીવના ગેરેજમાં જ તેમણે પાર્ટ્સને એસેમ્બલ કરવાનું કામ શરૂ કરી દીધું. આજથી બરાબર ૩૫ વર્ષ પહેલાં ૧૯૭૬માં બંનેએ ભેગા મળીને એપલ કમ્પ્યુટરની સ્થાપના કરી. એ વખતે લાકડાના બોક્સમાં કમ્પ્યુટરની ડિલિવરી કરવામાં આવતી હતી. પણ સ્ટીવ અને તેના સાથીદારો માટે સોનાનો સૂરજ ઊગવામાં હતો. પર્સનલ કમ્પ્યુટરનું આખું બજાર તેમણે ઊભું કર્યું.

સફળતા મળી એટલે જુની મિત્ર પાછી આવી અને તેણે દાવો કર્યો કે તે સ્ટીવની એક દીકરીની મા છે. સ્ટીવ તેનો પિતા હતો પણ સફળતાએ તેને જાણે દીકરી આપી! કરુણતા એ હતી કે તે પણ એવું જ કરવા જઇ રહ્યો હતો જેવું તેનાં મા-બાપે તેની સાથે કર્યું હતું. જોકે સ્ટીવે દીકરી લીસાના નામે એક કમ્પ્યુટર લોન્ચ કર્યું. કંપનીની ગાડી પ્રગતિના પાટા પર દોડવા માંડી અને સ્ટીવને જીવનમાં સફળતાનો સ્વાદ ચાખવા મળ્યો – એપલમાંથી એપલ સિવાયનો સ્વાદ.

સ્ટીવ જોબ્સ અને સ્ટીફન વોઝની જોડીએ ઈતિહાસ રચ્યો. માત્ર ૨૭ વર્ષની ઉંમરે તે ટાઇમ મેગેઝિનના કવર પર ચમકી ગયો. માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સ ટાઇમના કવર પર ચમક્યા તેના બે વર્ષ પહેલાં. અમેરિકાની યુવાપેઢી માટે સ્ટીવ આઇકોન બની ગયો. ક્રિએટિવ, જિનિયસ, વિઝનરી, ઇનોવેટર એવાં વિશેષણો સ્ટીવ માટે વપરાવા માંડ્યાં. સ્ટીવે પેપ્સી કંપનીના એક્ઝિક્યુટિવને પંસદ કરીને તેણે એપલનો સીઇઓ બનાવ્યો.

૧૯૮૫માં સ્ટીફન વોઝે કંપની છોડી અને સ્ટીવ જોબ્સને સીઇઓ સાથેની માથાકૂટને કારણે કંપની છોડવી પડી. વિધિની વિચિત્રતા જુઓ કે કંપની શરૂ કરનારાઓએ કંપની છોડવી પડી. જે સીઇઓને સ્ટીવે પોતે નોકરીએ રાખ્યો હતો એ જ મિત્રએ દગાખોરી કરી અને સ્ટીવની સામે કાવાદાવા કર્યા. કંપનીના માલિકમાંથી તે સાવ રસ્તા પર આવી ગયો. ત્રીસમા વર્ષે તો એ ટોચેથી નીચે પટકાયો.

જોકે એપલ છોડવાનો સમય એ સ્ટીવ માટે મધ્યાંતર હતો. મિત્રોની દગાખોરી આ માણસની હાર્ડ ડિસ્ક ક્રેશ ન કરી શકી. નવા જુસ્સા રૂપી પાસવર્ડ સાથે એ તેની જિંદગીમાં ફરી ફરીને પ્રોગ્રામિંગ કરતો જ રહ્યો અને કમ્પ્યુટરની દુનિયામાં ખૂંપી ગયો. જીવનનાં સમાધાનો અને ચડાવ-ઉતાર અને સામે આવતા પ્રશ્નોની વણજાર જ તેને કમ્પ્યુટરની દુનિયામાં અવ્વલ રાખી શકી. ક્યાંય અટક્યો નહિ આ માણસ – ન વાસ્તવિક જીવનમાં કે ન કમ્પ્યુટરની દુનિયામાં. સતત કંઇક નવું આપવાની તેની ઇચ્છાએ તેને હંમેશા હરીફથી આગળ રાખ્યો.

તેના જીવનના પ્રોગ્રામિંગનું ડાયનેમિઝમ જ તેના કમ્પ્યુટરની તમામ શોધોમાં જોવા મળે છે. તેના જીવનમાં એટલી નાટકીય ઘટનાઓ છે કે તે તેની સગી બહેન મોના સિમ્પસનને વર્ષા પછી મળ્યો. તેને દત્તક આપી દીધા પછી તેનાં અસલી મા-બાપે લગ્ન કરી લીધાં હતાં અને તેની એક સગી બહેન છે એવી તેને વર્ષો પછી ખબર પડી. પોતાના અંગત જીવનના અનુભવને કારણે પત્ની અને બાળકો વિશે તે હંમેશાં બોલવાનું ટાળતો. દુનિયાનો શિરસ્તો છે કે જે લોકો તમને પછાડવા ઉપર તળે થતા હોય છે એ જ લોકો તમારી સફળતા વખતે ચરણોમાં આવીને બેસે છે. એક આડ વાત – ગયા અઠવાડિયે જ જાહેર થયેલા નોબેલ પુરસ્કારમાં આ વખતે કેમેસ્ટ્રીનો પુરસ્કાર મેળવનાર વિજ્ઞાનીની આવી જ દશા કરી હતી. જે વાત લોકોએ હસી કાઢી હતી એ જ લોકોએ તેમની શોધનો સ્વીકાર કર્યો અને પોંખ્યા. ખેર, આપણે સ્ટીવની વાત કરતા હતા. નવા વિચારની શોધ કરવાનું કામ તેણે બંધ ન કર્યું. નેકસ્ટ નામની કંપની શરૂ કરીને તેણે ફરી નવી શરૂઆત કરી. બે વર્ષમાં સ્ટીવ ફરી બેઠો થયો અને ફરી પોતાની જુની કંપની એપલને હંફાવવા લાગ્યો. પિકસર કંપનીના નેજા હેઠળ તેણે પહેલી કમ્પ્યુટર એનિમેટેડ ફિલ્મ બનાવી. ૧૯૯૩માં ફરી તેનું ચકડોળ નીચે આવ્યું. ધંધાકીય રીતે તેની કંપનીઓમાં બહુ મોટી સમસ્યાઓ ઊભી થઇ. ડિઝની સાથેની બનાવેલી ફિલ્મ ટોય સ્ટોરીએ તેને જાણે રાખમાંથી બેઠો કર્યો. બીજી બાજુ એપલની હાલત માઇક્રોસોફ્ટ સાથેની હરીફાઇને કારણે બગડી રહી હતી. આવા સમયે પોતાના જ બાળક – એપલ કંપનીના તારણહાર તરીકે ખુદ સ્ટીવ પોતે જ આગળ આવ્યો.

બીજી ઇનિંગમાં સ્ટીવ વધુ ઝનૂની કામ કરવા માંડ્યો અને એપલ કંપનીને ફરીથી ઊભી કરવા તે કમ્પ્યુટર અને ૨૧મી સદીના પહેલા દાયકામાં મોબાઇલની દુનિયામાં છવાઇ ગયો. ૨૦૦૦ની સાલમાં એ પોતે જ બનાવેલી કંપનીનો ફરી સીઇઓ બન્યો. આઇપોડની ક્રાંતિ કરીને તેણે વોકમેનને માર્કેટમાંથી ફેંકી દીધું. મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં આઇપોડની મોનોપોલી બની ગઇ. એ પછી આવ્યો આઇફોન. કંપનીઓના મર્જર અને ઇન્વેસ્ટમેન્ટની સ્ટ્રેટેજીઓ બનાવીને બીજી ઇનિંગમાં સ્ટીવ સતત રાજ કરતો રહ્યો.

પણ કમનસીબે અંગત જિંદગીમાં તે હારની નજીક પહોંચી ગયો હતો. ૨૦૦૩માં તેને સ્વાદુપિંડની સમસ્યાની ખબર પડી. ૨૦૦૪માં કેન્સરની ખબર પડી અને આખરે સર્જરી કરાવી. એ પછી લિવર ટ્રાન્સપ્લાન્ટ પણ કરાવ્યું.  આઇપેડ સાથે સ્ટીવે ફરી પોતાની એની એ જ ઊર્જા બતાવવાની કોશિશ કરી. એપલ અને સ્ટીવ જોબ્સ ફરી સમાનાર્થી બની ગયા અને બિલિયોનરની યાદીમાં સ્થાન પામ્યાં. જોકે કદાચ તેને મોતનો અણસાર આવી ગયો હોવો જોઇએ. તેણે એપલના સીઇઓ તરીકે રાજીનામું આપી દીધું હતું અને તેને કંપનીએ ચેરમેન બનાવી દીધો હતો. દેવાળિયા જેવી હાલતમાંથી એપલ કંપનીને તેની સફળતાની ટોચે પહોંચાડી ત્યારે તેના હીરો સ્ટીવ પાસે બહુ ઓછો સમય બચ્યો હતો. સ્ટીવ ખરેખર બદલાઇ ગયો હતો.

સ્ટીવ માનતો કે જો તેને કંપનીમાંથી જવું ન પડ્યું હોત તો કદાચ આ કડવો પણ જરૂરી પદાર્થપાઠ ભણવા ન મળત. એ કહેતો કે મેં મને હંમેશાં ગમતું કામ જ કર્યું છે અને કદાચ એ જ મારી સફળતાનું રહસ્ય છે. જ્યાં સુધી તમને ગમતું કામ ન મળે ત્યાં સુધી તેની શોધ કરતાં રહો અને એકવાર મળશે પછી એની મજા જ કંઇક જુદી હશે.

-મનીષ મહેતા

સૌજન્ય- 

દિવ્ય ભાસ્કર , મનીષ મહેતા 


સ્ટીવ જોબ્સ વિષે અગ્રેજીમાં વિશેષ માહિતી – વિકિપીડિયા પર 

https://en.wikipedia.org/wiki/Steve_Jobs

 

Steve Jobs’ 2005 Stanford Commencement Address
https://youtu.be/UF8uR6Z6KLc

 

Steve Job’s Last Goodbye Speech
https://youtu.be/sJm0P8xpDzA

1084- સ્ત્રી શક્તિની એક ઝલક …. Women of Influence

આ જગતમાં લગભગ અડધી વસ્તી સ્ત્રીઓની બનેલી છે.દરેક ક્ષેત્રમાં સ્ત્રીઓએ એમની શક્તિઓ બતાવીને સિધ્ધિઓ અને ખ્યાતી પ્રાપ્ત કરી લીધી છે. 

આવી કેટલીક કિર્તિવાન સ્ત્રીઓની માહિતી નીચેની લીંક પર ક્લિક કરીને વાંચી શકાશે.  

Women of Influence

1046-પ્રાણજીવન મહેતા Pranjivan Mehta

ગુજરાતી પ્રતિભા પરિચય

pm6‘મારા જીવનમાં પ્રાણજીવન મહેતા કરતાં વધારે નજીકનો કોઈ મિત્ર નથી.’ 

ગાંધીજી

     During my last trip to Europe I saw a great deal of Mr. Gandhi. From year to year (I have known him intimately for over twenty years) I have found him getting more and more selfless. He is now leading almost an ascetic sort of life–not the life of an ordinary ascetic that we usually see but that of a great Mahatma and the one idea that engrosses his mind is his motherland.

(તેમના સ્વ. ગોપાલકૃષ્ણ ગોખલેને લખેલી પત્રમાંથી )

શ્રી, ઉર્વીશ કોઠારીના બ્લોગ પર સરસ લેખ

–    ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’માં લેખ

‘The better India’ માંથી મળેલ મૂળ માહિતી

ફેસબુક પરથી મળેલ એક સરસ રિપોર્ટ 

    ‘You may not perhaps be knowing for whom I wrote ‘Hind Swaraj’. The person is no more and hence there is no harm in disclosing his…

View original post 979 more words

( 1027 ) વાર્તા લેખક શ્રી આનંદરાવ લિંગાયતની બે હૃદય સ્પર્શી વાર્તાઓ- સત્ય પ્રસંગો

આનંદ રાવ લિંગાયત -વિનોદ પટેલ

લોસ એન્જેલસ નિવાસી ૮૫ વર્ષના સાહિત્યકાર -જાણીતા વાર્તા  લેખક મારા મિત્ર શ્રી આનંદ રાવ લિંગાયત એ એમની બે વાર્તાઓ  ” ઋણાનુબંધ?NO ” અને  ” પ્રાયશ્ચિત ” એમના ઈ-મેલમાં વાંચવા મોકલી છે જે મને ખુબ ગમી ગઈ.

આ બે વાર્તાઓ  એમના જાત અનુભવ ઉપર આધારિત સત્ય પ્રસંગો  છે.

એમની હ્રદય સ્પર્શી વાર્તાઓના આજ સુધીમાં ત્રણ પુસ્તકો- (૧ ) કંકુ ખર્યું..(૨)….ને સુરજ ઉગ્યો (૩) થવાકાળ… બહાર પડી ચુક્યા છે જેને ગુજરાતી સાહિત્યના ટોચના સાહિત્યકારોએ વખાણ્યાં છે.આ પુસ્તકો એમણે મને ભેટ આપ્યાં છે  જે માટે હું એમનો આભારી છું.

જાણીતા કવિ અને સાહિત્યકાર શ્રી હરીન્દ્ર દવેએ એમની વાર્તા વાંચીને લખેલું :”આનંદરાવ, તમારી વાર્તા મારી આંખ ભીંજવી ગઈ ,અભિનંદન”.

 આનંદરાવ લિંગાયત

 આ અગાઉ વિનોદ વિહારમાં શ્રી આનંદરાવ લિંગાયત અને એમની વાર્તાઓનો કરાવેલ પરિચય આ લીંક પર ક્લિક કરીને વાંચો.

વિનોદ વિહારમાં આજ સુધીમાં પ્રકાશિત થયેલ શ્રી આનંદ રાવની વાર્તાઓ/લેખો વી. સાહિત્ય સામગ્રી વાચવા માટે અહીં ક્લિક કરો

પ્રથમ વાર્તા  ” ઋણાનુબંધ ” અંગે તેઓ ઈ-મેલમાં જણાવે છે કે :

“ઘરડાં માબાપ અને એમનાં વયસ્ક સંતાનો વચ્ચેના પ્રેમાળ સંબંધો વિષે ઇન્ટરનેટમાં ઘણા ઉમદા પ્રસંગો આવે છે. એથી ઉલ્ટા – કરુણ – પ્રસઁગો પણ છે.ઘણા વૃધ્ધો તરફડતી માછલીની જેમ જીવ છે. વાંક ગમે એનો હોય.
….. આ સાથે એક પ્રસંગ છે.”– આનંદ રાવ”

હવે પી.ડી.એફ. ફાઈલની નીચેની લીંક પર ક્લિક કરીને શ્રી આનંદ રાવ ની બે હ્રુદયસ્પર્શી વાર્તાઓ વાંચો.

ઋણાનુબંધ? NO …. વાર્તા ,,,, આનંદરાવ લિંગાયત

 બીજી વાર્તા ”બાપુજીની બીડી’ વિષે તેઓ ઈ-મેલમાં જણાવે છે.

“આ સાથે ટુકી વાર્તા છે ”બાપુજીની બીડી”સામેલ છે. ટેક્સાસના એક મિત્ર સાથે ફોન ઉપર વાત કરતાં એમણે પછી આ પ્રસંગ કાગળ ઉપર લખી મોકલ્યો. મારા computer માં મારી રીતે compose કરીને આપને મોકલું છું.” 
– આનંદ રાવ

બાપુજીની બીડી …. વાર્તા … આનંદ રાવ લિંગાયત